જાકી રહી ભાવના જૈસી, પ્રભુમૂરત તિન દૈખી તૈસી …

જાકી રહી ભાવના જૈસી, પ્રભુમૂરત તિન દૈખી તૈસી …

 

 

bal dutt
 

 

“જાકી રહી ભાવના જૈસી, પ્રભુમૂરત તિન દૈખી તૈસી”  …. જે ભક્તોની ભાવના જેવી હોય તે મુજબ પ્રભુની મૂરત પોતાનું સ્વરૂપ ધારણ કરે છે અને તે ભક્તોને ખાતર લીલાઓ કરે છે. પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે ભક્ત પ્રકૃતિના ગુણોથી પર એવી શુધ્ધ આધ્યાત્મિક અને આધિદૈવીક અવસ્થા પ્રાપ્ત કરે છે. આ અવસ્થા જ્યારે જીવોને પ્રાપ્ત થાય છે ત્યારે હૃદય સૂર્ય સમાન શુધ્ધ અને પ્રકાશિત થઈ જાય છે, જેને કારણે ભક્તોના હૃદયમાંથી પ્રભુ માટે ભાવાત્મક પ્રેમ કિરણો પ્રસરે છે. પ્રભુભક્તોના આ ભાવાત્મક અને ભાવનાત્મક પ્રેમની લાગણી ભક્તોને પ્રભુ પ્રત્યેની અનુરક્તિ સંપૂર્ણ બને છે.

 

 

ભગવદ્ગીતામાં ભાવાત્મક ભક્તિના નિયામક વૈધી ભક્તિ અને રાગાનુગા ભક્તિ એમ બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ બંને ભક્તિનાં પણ સર્વકારી અને પરિણામકારી એ બે પેટા ભાગ પાડવામાં આવ્યાં છે જેમાં દ્વિતીય ભાગ પરિણામકારી ભાગને ભાવ અને ભાવના તરીકે સંબોધિત કરવામાં આવે છે, જે પ્રભુ પ્રત્યેનાં શુધ્ધ પ્રેમનું લક્ષણ છે.

 

 

આ સંબંધમાં ભક્ત તંત્રમાં કહે છે કે ભગવાન પ્રત્યેના ભક્તોનો આ ભાવ જ્યારે જ્યારે પૂર્ણસીમાએ પહોંચે છે ત્યારે ત્યારે ભક્તની તનુજા અવસ્થા જુદી જુદી જોવા મળે છે. આ અવસ્થામાં કોઈ ભક્ત અશ્રુપાત કરે છે, કેટલાક ભક્તો ભાવાવેશમાં નૃત્ય કરે છે, તો કેટલાક ભક્તોનાં તનમાં કંપન થાય છે. ભગવદ્ગીતામાં સ્વયં ભગવાને કહ્યું છે કે પ્રત્યેક ભક્તોનાં ભાવની અને પ્રેમની અવસ્થા જુદી જુદી હોય છે જેને કારણે ભક્તનાં હૃદયમાં રહેલા પ્રત્યેક ભાવો પ્રસંગોપાત જુદી જુદી રીતે પ્રગટ થાય છે.

 

 

શ્રી ભાગવતજીમાં કહ્યું છે કે જ્યારે અંબરીષ રાજાને દુર્વાસા મુનિએ ક્રોધાવશ સંકટમાં મૂક્યા ત્યારે અંબરીષ મહારાજે ભગવાનનાં ચરણકમળોનું ધ્યાન ધરવા માંડ્યુ. આ સમયે રાજા અંબરીષનું તન કંપન કરી રહ્યું હતું અને આંખમાંથી આંસુઓ સરી રહ્યાં હતાં. ગોપીઓ જ્યારે કૃષ્ણ કનૈયાનું સ્મરણ કરતી ત્યારે તેઓ કૃષ્ણ મૂરતમાં એ રીતે સાકાર થઈ જતી હતી કે કૃષ્ણનું સૂક્ષ્મ સ્વરૂપ ગોપીઓ પાસે પહોંચી જતું હતું અને ગોપીઓ આનંદવશ થઈ પરસ્પર સખીઓને કૃષ્ણકનૈયાનું સ્વરૂપ માની લેતી હતી.

 

 

શ્રી ગિરિરાજ ખંડમાં કહ્યું છે કે ગિરિરાજજીની તળેટીમાં રહેલી પુલિંદી જાતની ભીલડીઓ જ્યારે જ્યારે ગ્રાસમાં પડેલ કેસરયુક્ત ચરણોની છાપ જોતી ત્યારે તેઓ તે કેસરયુક્ત ચરણોની છાપને પોતાના ઉરમાં સમાવવા માટે ગ્રાસ ઉપર લાંબી થઈ સૂઈ જતી હતી. પરંતુ જ્યારે આજ ભીલડીઓએ પ્રભુને પોતાની સમક્ષ જોયા ત્યારે એ ભીલડીઓએ પ્રભુનું શરણ સ્વીકારવાને બદલે પ્રભુને પલક ઝબકયા વગર નિહાળવા લાગી અને આ રીતે નિહાળતા નિહાળતા પોતાના હૃદય, મન અને આત્માને આર્દ્ર બનાવવા લાગી.

 

 

મથુરા નરેશ કંસને ખબર હતી કે કૃષ્ણ દ્વારા પોતાનું મૃત્યુ થવાનું છે તેથી તે અત્રે, તત્રે, સર્વત્રે કૃષ્ણને કાળ રૂપે નિહાળતો હતો.   કૃષ્ણનાં મથુરામાં આવ્યા બાદ તે એકાંતમાં પણ રહેવા ડરતો હતો અને મહેલનાં પ્રત્યેક ખૂણામાં, દાસો અને દાસીઓમાં, સેવકોમાં અને મંત્રીગણોમાં કૃષ્ણને નિહાળતો હતો.   હિરણ્યકશિપુને સર્વત્રે વિષ્ણુની જ માયાજાળ દેખાતી હતી.  રામાયણમાં શબરી અને હનુમાનનું ઉદાહરણ આપીને તુલસીદાસજીએ કહ્યું છે કે વનમાં પધારેલા ભગવાન રામને જોઈ શબરી વારંવાર પ્રભુને પ્રણામ કરવા લાગી અને પોતાને શરણે લેવાની પ્રાર્થના કરવા લાગી, જ્યારે હનુમાનજી પ્રભુને જોઈ પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે પોતાનો વાનરયુક્ત સ્વભાવ પ્રગટ કરવા લાગ્યા અર્થાત કૂદી કૂદીને જય શ્રી રામ જય શ્રી રામ એવો ઉચ્ચાર કરવા લાગ્યાં. જ્યારે રાવણનો પ્રભુ પ્રત્યેનો પ્રેમભાવ એ વૈરભાવ બનીને ક્રોધિત અવસ્થામાં પહોંચી જાય છે જ્યાં રાવણને કેવળ પ્રભુ જ મુક્તિ આપે તેવી ભાવના થાય છે.

 

 

નારદ પુરાણમાં નારદજી કહે છે કે જ્યારથી હું નારાયણ નારાયણ એમ ઉચ્ચાર કરું છુ ત્યારે ત્યારે મારા હૃદયમાંથી ભગવાન નારાયણ માટે હર્ષોચ્ચાર રૂપી પ્રાગલ્લભનું પ્રાગટ્ય થાય છે, જ્યારે મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે પ્રભુનાં નામનું સ્મરણ, મનન, ચિંતન, અને લીલાકથાનું ગાન જ્યારે પણ હું કરું છુ ત્યારે ત્યારે મારા તન પર રહેલા પ્રત્યેક રોમ ખડા થઈ જાય છે જેને કારણે પ્રભુની એ કથાલીલાને વર્ણવવા માટે ક્યારેક સ્વગત જ મારા હસ્ત ચાલવા લાગે છે ત્યારે મારા ગ્રંથોની ઉત્તમોત્તમ રચના થયાં કરે છે પરંતુ ક્યારેક અતિ ભાવાવેશમાં આવેલો એવો હું મારા પ્રભુની કથા કહેવાનું કે લખવાનું પણ વિસરી જાઉં છું.

 

 

વ્રજ સાહિત્યમાં પોતાનું અનુપમ યોગદાન આપનાર અષ્ટ સખાઓ કહે છે કે અમારા પ્રભુ પ્રત્યેનો અમારો ભાવ અમારી પાસેથી અમારા તન-મન અને સમયનું ભાન ભુલાવી દે છે જેથી કરીને અમે પ્રભુલીલાનાં ગુણગાન ગાવામાં સતત રસમગ્ન રહીએ છે, ભકતાચાર્ય શ્રી હિત હરિવંશજી, વૈષ્ણવચાર્ય શ્રી હરિરાયજી (ખીમનોર) અને ચૈતન્ય મહાપ્રભુને જ્યારે પ્રભુ માટેનાં ભાવ આવે છે ત્યારે તેઓ તનુનસંધાન ભૂલી થઈ માધુર્યભાવથી નૃત્ય કરવા લાગે છે, જ્યારે શ્રી શુકદેવજી કહે છે પ્રભુ પ્રત્યેનો મારો ભાવ મારા મુખમાંથી કીર્તન બનીને સરી પડે છે ત્યારે હું શુક મારા દેહતત્વનું ભાન ભૂલીને પ્રભુનાં ચરણકમળ જવા માટે બેબાકળો બની જાઉં છુ.

 

 

આમ પ્રત્યેક ભક્તની ભાવભાવના જુદી જુદી રીતે પ્રગટ થાય છે ત્યારે ભક્તોની ભાવાત્મક અને ભાવનાત્મક અવસ્થાઑ જુદી જુદી હોય છે. આ કથનનાં સંદર્ભમાં શ્રીમદ્ ભાગવતજીનાં ત્રીજા સ્કંધમાં કહે છે કે જ્યારે જ્યારે શુધ્ધ ભક્ત પોતાનો નિર્મળ ભાવ પોતાની ભીતર જગાવે છે ત્યારે તે ભક્તોનાં સંગ, સત્સંગ અને ચેતના દ્વારા તેમની આસપાસનાં વાતાવરણમાં પ્રેમ, અનુરાગ, આસક્તિ અને ભક્તિનો ઉદય થાય છે જેને કારણે કવચિત આધ્યાત્મિક અને કવચિત આધિદૈવીક શક્તિથી સમસ્ત વાતાવરણ ભરાઈ જાય છે.

 
 

 

 

 – પૂર્વી મોદી મલકાણ. (યુ એસ એ)

 

CopyRight:-ISBN-10:1500299901 .© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli