ૐ – આ દેશે ઓમ તરીકે ઓળખ્યો છે – ૐ – ….

ૐ – આ દેશે ઓમ તરીકે ઓળખ્યો છે – ૐ – ….

 

 

ૐ સમગ્ર સૃષ્ટિનું સર્જન ૐ,  ૐ – આ દેશે ઓમ તરીકે ઓળખ્યો છે – ૐ – ….

 

 

om.1

 

 

(- ૐ -) ઓમને અનાહત નાદ કહે છે, જે પ્રત્યેક વ્યક્તિની ભીતર અને આ બ્રહ્માંડમાં સતત ગૂંજ્યા કરે છે.  તે સતત ગૂંજ્યા કરે છે તેનું કોઈ કારણ નથી.  સામાન્ય રીતે નિયમ છે કે ધ્વનિ કોઇક સાથેના ઘર્ષણથી કે કોઇકની સાથે અથડાવાથી ઉત્પન્ન થાય છે, પણ અનાહતને ઉત્પન્ન નથી કરી શકાતું. 

 

ભારતનો એકપણ વ્યક્તિ ઓમથી અપરિચિત નથી.  ઓમ સ્વયં એકાક્ષરી નાદ છે. તમામ મંત્રો, શ્ર્લોકો અને ઋચાઓનો નાદ કરતા કે બોલતાં અને તે પહેલા સૌનો આરંભ ઓમથી કરાય છે.

ઓમ એ કોઈ શબ્દ નથી, પરંતુ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષની વચ્ચે, આકાર અને નિરાકારની વચ્ચે, જડ અને ચેતનની વચ્ચે સેતુ બનતો ચેતનામય નાદ છે.  પૃથ્વી તેની ધરા ઉપર જે ગતિથી ભ્રમણ કરે છે, તેનો ધ્વનિ ઓમકાર ધ્વનિ છે.  ઓમ એ સૃષ્ટિનો સર્વપ્રથમ નાદ કે ગુંજ છે.  જે બ્રહ્માંડમાં આજે પણ વ્યાપ્ત છે.  પૌરાણિક તથ્યો પ્રમાણે આંખો બંધ કરી ધ્યાનમાં બેસતાં જ અનંત અંધકારની આપણને અનુભૂતિ થાય છે ને સાત્વિક શાંતિનું સત્ય સમજાય છે. 

 

ઓ, ઉ અને મ. ત્રણ અક્ષરોવાળા આ શબ્દના બધા ગુણોનું વર્ણન સંભવ નથી.  એટલે કે આ શબ્દનો મહિમા અવ્યક્ત છે. ઓમ નાભિ, હૃદય અને આજ્ઞાચક્રને જગાડે છે.  આને પ્રણવ સાધના પણ કહી શકાય છે. તેના અનેક ચમત્કારો છે. પ્રત્યેક મંત્ર પહેલા તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે.  યોગ સાધનામાં તેનું વધારે મહત્વ છે.  તેના સતત ઉચ્ચારણથી અનાહતને જગાડી શકાય છે. વ્યર્થ માનસિક દ્વંદ્વ, તણાવ અને નકારાત્મક વિચારો દૂર થાય ત્યારે મનની શક્તિમાં વધારો થાય છે.  મનની શક્તિ વધવાથી સંકલ્પ અને આત્મવિશ્વાસ વધે છે.  સંમોહન સાધકો માટે આના સતત જાપ લાભદાયક છે.

 

સંપૂર્ણ માનસિકતા અને બુદ્ધિજન્યતા, વિચારો અને શબ્દો બધું શમી જાય અને ઊંડી શાંતિ અનુભવ્યા બાદ જે અસામાન્ય સૂક્ષ્મ કંપન શેષ રહી જાય તેને આ દેશે ઓમ તરીકે ઓળખ્યો છે.

ઓમનું  વિસ્તૃત પ્રયોગીકરણ તેની પ્રાર્થનામયતા અને વૈશ્વિક શાંતિના ધ્વનિકરણની અદ્ભુત ક્ષમતા પ્રમાણિત કરે છે.  વ્યાપક અસર પેદા કરનાર ઓમ માત્ર આંતરિકતાનો વિસ્ફોટ છે.  જે દ્રઢતાપૂર્વકના પ્રયોગ દ્વારા શક્ય છે.

 

 

om

 

 

– ઓમકારના લાંબા ઉચ્ચારણથી વધુ સમય પ્રાણવાયુ શરીરમાં રહેતા પંચતત્વોનું સંતુલન જળવાઈ રહે છે.

 

– ઓમના પ્રારંભથી જ તમામ મંત્રો બોલાય છે, કારણ મંત્રમાં ઓમ નાદ છે.  બાકી તમામ શબ્દો છે. તેથી ઓમકારના કારણે મંત્રની શક્તિ વધી જાય છે.

 

– ઓમના પ્રાણવ ધ્વનિ કરવાથી શરીરમાં ઊર્જા વધે છે.  શરીરના સેલ ચેતનવંતા બને છે જે મનુષ્યને વધુ શ્રદ્ધાવાન અને પરિશ્રમી બનાવે છે.

 

– સૂર્યોદય સમયે ૧૦૮ વાર ઓમકાર કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે.

 

અમેરિકન સંસ્થા રિસર્ચ એન્ડ એક્સપેરિમેન્ટલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુરો સાયન્સના પ્રતિનિધિઓએ તાજેતરમાં એક સંશોધન પ્રકાશિત કર્યું.  પ્રતિનિધિઓના પ્રમુખ જે. માર્ગનના કહેવા મુજબ તે લોકોએ સાત વર્ષ સુધી હાર્ટ અને મગજના રોગીઓ ઉપર પરીક્ષણ કર્યું. આ સમયે ધ્યાનમાં આવ્યું કે ઓમકારનો અલગ અલગ ધ્વનિમાં નિયમિત કરાતો જાપ ખૂબ જ અસરકારક રહ્યો.  ૨૫૦૦ પુરુષ અને ૨૦૦૦ મહિલાને આ પરીક્ષણમાં જોડવામાં આવેલા.  જેમાંના કેટલાંક તો બિમારીના લાસ્ટ સ્ટેજ ઉપર હતા. આ બધાં લોકએ રોજ સવારે છથી સાત એક કલાક ઓમકારના જાપ કર્યા.  આ માટે યોગ શિક્ષક રાખવામાં આવેલા.  દર ત્રણ માસ બાદ તેમની શારીરિક તપાસ કરાતી. ચાર વર્ષ બાદ આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા કે ૭૦ % (ટકા) પુરુષો અને ૮૫ % (ટકા)  સ્ત્રીઓને રોગમાં ૯૦ % (ટકા)  જેટલી રાહત મળી.  આ વાતનો ઉલ્લેખ ખ્યાતનામ વિજ્ઞાન મેગેઝીન સાયન્સમાં કરાયો છે. (સ્ત્રોત- સિનિયર ઈન્ડિયા, ૩૦ જૂન, ૨૦૦૭)

 

 

om.4

 

 

જ્ઞાનેશ્વરી ગ્રંથમાં ઓમકાર રચનાનું વર્ણન સરસ રીતે કરાયું છે.  अ ચરણયુગલ-બે પગ- પલાઠીની જેમ છે.  उ એ પેટ અર્થાત્ ઉદરની જેમ છે. म એ મસ્તક સમાન મહામંડલની જેમ છે.

 

 

अ-कार चरणयुगल. उ-कार उदर विशाल.
म-कार महामंडल. मस्तका कारे.

 

 

ઓમરાપનું આડું ચિત્ર એને જ ઉભું કરતાં જ કોઈ વ્યક્તિ પલાઠીવાળીને બેઠી હોય તેમ દેખાશે.

 

ઓમકાર ઓમ એ સનાતન છે.  જ્યારથી સૃષ્ટિ જન્મી ત્યારથી પ્રથમ ધ્વનિ સ્વરૂપે બિગ બેંગ અને પછી ધ્વનિ અને લિપિ સ્વરૂપે છે.

 
 

ક્યારેક અત્યંત ઊંડા ખાલીપાનો આપણામાં સ્વપ્રવેશ થાય છે ત્યારે તે પોતાનો એક ધ્વનિ, એક આગવું સંગીત લઇને આવે છે. અથડાત યા ઘર્ષણ એ અવાજના અનુભવ માટેની પૂર્વશરત છે પરંતુ આ તો કોઇપણ કારણહીન પડઘો છે.  ધ્યાન-ચિંતન એ શાંતિ-પ્રવેશની યાત્રા છે.  જ્યારે અવાજ સદંતર બિનહયાત બને, જ્યારે કોઇ જ બીજાપણું, દ્વૈતતા શેષ નહીં રહે અને આંતરિક એકલતા અનુભવાય ત્યારે પેલો અકારણ પ્રયોજાયેલ ધ્વનિ અસ્તિત્વ પામે. ભારતનાં ઋષિઓ એને ઓમ તરીકે ઓળખે છે.

 

 

om.5

 

 

ૐ નમઃ શિવાય એ ભગવાન શિવજીનો પંચાક્ષરી મહા મંત્ર છે.  ૐ -ઓમ – મંત્ર ઓમકાર મંત્ર તરીકે પણ પ્રચલિત છે. ૐ – ઓમ – પ્રવણ મંત્ર છે, આદિ મંત્ર છે, બીજ મંત્ર છે.  એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું હતું ત્યારે એક ગેબી અવાજ પેદા થયો હતો.  આ ગેબી અવાજ ઓમકારનો હતો. એવું પણ કહેવાય છે કે આ ગેબી અવાજમાંથી જ સૃષ્ટિનું સર્જન થયું છે.  ૐ – ઓમ -ને પ્રણવ પણ કહેવામાં આવે છે. પ્રણવનો અર્થ સૃષ્ટિનું સર્જન એવો પણ થાય છે.

 

સમગ્ર સૃષ્ટિનું સર્જન ૐ – ઓમ -માંથી જ થયું છે, ૐ – ઓમ – થકી જ આ સૃષ્ટિ ટકી રહી છે અને જ્યારે મહા પ્રલય થશે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ૐ – ઓમ -માં જ વિલીન થઈ જશે.

 

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, “સંપૂર્ણ વેદોમાં પ્રણવ એટલે કે ૐ – ઓમકાર હું છું.”

 

ૐ – ઓમ – એ તો અનંતનો નાદ છે, ૐ – ઓમ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે.

 

ૐ – ઓમ -માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે.

 

માન્ડુક્ય ઉપનિષદમાં ૐ – ઓમ – અને તેના અર્થઘટન વિષે વિવરણ કરવામાં આવ્યું  છે.

 

 પરબ્રહ્મ પરમાત્માનું નામ એ જ ૐ – ઓમ – અથવા તો ઓમકાર છે.  

 

ૐ – ઓમ – જ પૂર્ણ બ્રહ્મ અવિનાશી પરમાત્મા છે.

 

ૐ – ઓમ – ના અ (A), ઉ (U) અને મ (M) માં સ્વર્ગ લોક, મૃત્યુલોક અને પાતાળ લોક સમાવિષ્ટ છે.

 

જે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળથી પર છે એ જ ૐ – ઓમ – છે.

 

ૐ – ઓમ – અથવા તો ઓમકાર અ, ઉ, મ, ર કાર અને ર કાર ઉપર બિન્દુથી બને છે. ૐ – ઓમ – ને જાણવા, સમજવા આ અક્ષરના વિવિધ અર્થ સમજવા જરુરી છે.  આ વિષે ઘણા મહાનુભાવોએ તેમના પ્રતિભાવ વ્યક્ત કર્યા છે.

 

 

om.3

 

 

ૐ – ઓમ -ના ૧૦૦૦ અર્થ કરવામાં આવ્યા છે.  અનેક મહાપુરુષોએ આ અંગે તેમની ટિપણી કરી છે. આ ૧૦૦૦ અર્થો પૈકી ભારતના અર્વાચિન ઋષિ અને પ્રજ્ઞા પુરુષ શ્રી વિનોવા ભાવેએ કરેલ  અર્થ ઘટન અંગેની ટિપણી સમજવા જેવી છે.

 

તેમના કહેવા પ્રમાણે સંસ્કૃત શબ્દ ૐ – ઓમ – અને લેટીન શબ્દ Omne એક જ ધાતુમાંથી આવે છે, જેનો અર્થ સર્વ થાય છે.  આ બંને શબ્દો સર્વજ્ઞ, સર્વત્ર અને સમર્થ – સર્વ શક્તિમાન એવો નિર્દેશ કરે છે. એટલે કે ૐ – ઓમ – એટલે એ શક્તિ જે સર્વજ્ઞ છે, સર્વત્ર છે અને સર્વ શક્તિમાન છે.

 

ૐ – ઓમ -ને પ્રણવ પણ કહેવાય છે. પ્રણવ ‘નુ’ ધાતુમાંથી બને છે, જેનો અર્થ પ્રાર્થના થાય છે.  આમ ૐ – ઓમ – એટલે સારામાં સારી પ્રાર્થના એવો પણ કરી શકાય.

 

“અ”, “ઉ” અને “મ” થી ૐ  મંત્ર બને છે, તેમજ તેના ચિહ્નમાં “ર” કાર અને તેના ઉપર બિંદુ છે.

 

અ નો સંદર્ભ સર્જક એટલે બ્રહ્મા, ઉ નો સંદર્ભ પાલક એટલે કે વિષ્ણુ અને મ નો સંદર્ભ સંહારક એટલે કે મહાદેવ છે.  આમ ૐ માં ત્રિમૂર્તિ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – સમાવિષ્ટ છે.

 

ૐ જે અ, ઉ અને મ તેમજ અર્ધ ચંદ્રાકાર અને તેના ઉપર બિન્દુથી બને છે, જ્યાં “અ” જાગૃત અવસ્થાનો સંકેત કરે છે, “ઉ” સ્વપ્ન અવસ્થાનો સંકેત કરે છે અને  “મ” સુષુપ્ત અવસ્થાનો  સંકેત કરે છે.  સુષુપ્ત અવસ્થામાં મન અને બુધ્ધિ શાંત થઈ જાય છે.  આમ અ, ઉ, મ્ અર્ધચંદ્રાકાર અને બિન્દુથી બનતો ૐ  ચોથી અવસ્થાની સ્થિતિ છે.  આ ચોથી અવસ્થાને સમાધિની સ્થિતિ કહેવાય છે.  અ ની જાગૃત અવસ્થા, ઉ ની સ્વપ્ન અવસ્થા અને મ ની સુષુપ્ત અવસ્થા માંથી પસાર થતાં એટલે કે ઓમ નો નાદ બંધ થતાં એક અગાઢ શાંતિની અવસ્થા આવે છે જેને તુરીયા અવસ્થા કે સમાધિની અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં બધું જ શાત થઈ જાય છે.

 

“અ” ને વાણી, “ઉ” ને મન અને “મ” ને જીવનના ધબકારા- પ્રાણ – પણ કહી શકાય.  અને અ, ઉ, મ્ ,ર કાર અને બિન્દુથી બનતા ૐ ના સ્વરુપને આત્મા-અંશી કહી શકાય, જે પરમ અંશ પરમાત્મા નો એક ભાગ છે.

 

અ, ઉ, મ એ અનુક્રમે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ છે. તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ Divinity છે અને તે આકાર, અને કૃતિથી પર છે.

 

અ, ઉ, મ એ ઈચ્છા, ભય અને ક્રોધ રહિત છે તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ પૂર્ણ પુરુષ છે અને આ પૂર્ણ પુરુષ પરમ પરમાત્માને સંપૂર્ણ સમર્પિત છે.

 

અ, ઉ, મ એ નર, નારી અને નાન્યતર જાતિ દર્શાવે છે જ્યારે અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ એ કૃતિ અને તેના કર્તાનું એક જ સ્વરુપ છે.

 

 

 om.6

 

 

સત્યનું નામ એ જ ઓમકાર છે.  ભારતીય આધ્યાત્મ જગતનું રહસ્ય ઓમકારમાં સમાઈ જાય છે. ઓમકારને એક શબ્દ તરીકે ઓળખવવો કે વર્ણવવો એક ભૂલ છે, કારણ કે ઓમકાર કોઈ શબ્દ નથી, કારણ કે દરેક શબ્દનો અર્થ હોય છે.  જ્યારે ઓમકારને કોઈ શબ્દ ગણી તેનો અર્થ ન સમજાય. ઓમકાર એ એક અનુભૂતીનો વિષય છે.  તે તો માત્ર એક શુધ્ધ ધ્વનિ છે. તેમજ તેને એક ધ્વનિ કહેવો પણ એક લાચારી કે આપની સમજવાની મર્યાદા છે.  કોઈ પણ ધ્વનિ પેદા કરવા માટે બે વસ્તુને ટકરાવવું પડે, જ્યારે ઓમકારના ધ્વનિને પેદા કરવા આવું કરવાની જરુરીયાત જ નથી રહેતી. ઓમકાર અનાહદ નાદ છે જે કોઈ પણ જાતના ટકરાવ કે આઘાત વિના પેદા થયેલ નાદ – ધવ્નિ છે.

 

ઓમનો જાપ તો આપણા કંઠની ટકરાહટ છે,  આપણા પોતાનામાં જ પેદા થયેલ ધ્વનિ છે.  અન્ય મંત્રો છે, જ્યારે ઓમકાર મહા મંત્ર છે, બીજ મંત્ર છે જેમાંથી બીજા બધા મંત્રોની ઉત્પતિ થઈ છે.

 

ભારતીય આધ્યાત્મિક જગતે મનને મટાડવાની વાત કરી છે.  અને જ્યારે મન મટી જાય છે ત્યારે ઓમકારનો અનાહદ નાદ પેદા થાય છે,  ઓમકાર ધ્વનિ સંભળાય છે.  ઓમકાર મૂળ સ્તોત્ર છે,  જેનાથી બધા સ્વર પેદા થાય છે.  તમામ અસ્તિત્વ ઓમકારથી જોડાયેલું છે.  ઓમકારનો અનાહદ નાદ એટલે શૂન્યનું સંગીત.

વિજ્ઞાનની શોધ વિદ્યુત છે,  તેમાં ઉષ્મા, ઉર્જા સમાવિષ્ઠ છે.  આજ રીતે ઓમકારને જો વિદ્યુત સમજીએ તો તેમાં ઉષ્મા, ઉર્જા અને પ્રાણનું સ્પંદન સમાવિષ્ઠ છે.  આના દ્વારા જ સત્યને પામી શકાય.  એક ઓમકારની ધૂનમાં લીન થઈ જઇએ તો બીજું બધું જ શાન્ત થઇ જશે,  બહારની દુનિયા શૂન્યમાં પરિવર્તિત થઇ જશે.

 

યોગ્ય રીતે કરેલી ઓમકારની સાધના પરમ સાથે નાતો બંધાવવા સક્ષમ છે.  ઓમકારની સાધના કરવા માટે સ્વસ્થ ચિત્તે શાન્ત ટટાર બેસી,  હોઠ બંધ રાખી, જીભને તાળવા સાથે ચોંટાડી ઓમકારનો નાદ શરુ કરો.  આ નાદના ગુંજારવને હોઠ બંધ રાખી એટલો બુલંદ બનાવો કે જેથી બહાર પણ સાંભળી શકાય. આમ સતત કરવા રહેવાથી સાધનામાં ક્રમશઃ પ્રગતિ થશે અને સાધનાની એક એવી સ્થિતિ આવશે જ્યારે તમે સાધનાની સ્થિતિમાં મસ્ત બની જશો અને મન તેમજ શરીર સ્વસ્થ બની જશે.  ઓમકારના ગુંજારવથી ભીતર અમૃત ઝરવાનો મીઠો અનુભવ થશે.  સંગીતની પોતાની આગવી અને અનોખી સુરા છે.  ભીતર ઓમકારનો નાદ ગુંજવાથી તમે મદમસ્ત બની સ્ફુર્તિથી ભરપુર બની જશો.  અને આમ આ પ્રકારની સાધનામાં ઓમકારનો ધ્વનિ કરતા રહેવાથી એક સ્થિતિ એવી આવશે જ્યારે આપણી ઓમકારની ધૂનની સાથે સાથે બીજી પણ એક આંતરિક ધૂન પેદા થશે.  આ આંતરિક ધૂન અદભૂત હશે. આ સ્થિતિ આવતાં આપણી બાહ્ય ધૂન શાંત થઈ જશે અને આપણે આંતરિક ધૂનને શ્રોતા બની સાંભળી રહ્યા હોઇશું. આ સ્થિતિમાં અંદર રોમે રોમમાં પ્રકાશ છવાઈ જશે, અંધકાર દૂર થઇ જશે અને આપણે ઓમકારના અમૃતને માણતા માણતા મહા સુખની વર્ષામાં ભીંજાવા લાગીશું, પરમ તત્વનો અનુભવ કરવા લાગીશું.  આ એક અતુલનીય અને અવર્ણનીય સ્થિતિ હશે.  અને આમ આ સ્થિતિ આવતાં ઓમકાર આપણા સારીરિક અને માનસિક સ્વરુપને બદલી નાખનારું પરમ રસાયણ બની જશે.

 

ઓમકારના ધ્વનિની ખુબીથી સત્યના મિલનનો અનુભવ થશે તેમજ તેનાથી આપણામાં સંતોષ આવી જશે, મન સ્થિર થઈ જશે, પ્રાણ સ્થિર બનશે, મનની ચંચળતા આપ મેળે દૂર થઈ જશે,  દુઃખોનો ભ્રમ ભાગી જશે અને જીવનની દોડાદોડી વિલીન થતાં આનંદ વર્ષા થશે.  ઓમકાર પરમાત્માની પહેલી લહેર છે.  અર્થાત પરમાત્મા સ્પષ્ટા મટી સ્પષ્ટ બનશે અને એ જ સંસારના માર્ગેથી પાછા જવાનો, સાચા માર્ગે જવાનો રાહ બતાવશે.  ઓમકાર કોઈ ખરીદી શકાય કે ઉધાર મેળવી શકાય તેવી ચીજ નથી.  એ તો એક જીવંત પ્રાણ શક્તિ છે.  એને પ્રાપ્ત કરવા માટે તમામ કામનાઓથી મુક્ત બની ખાલી થવું પડે.

 

મનોવૈજ્ઞાનિકો માણસને એક ભીડ તરીકે ઓળખાવે છે એ સાવ સાચું જ છે.  આપણે બહારથી તો માત્ર એક માણસ જ છીએ.  પણ આપણી અંદર પણ અનેક માણસો છે, અંદર એક બજાર ભરેલું છે અને સર્વ ઠેકાણે માણસોની ભીડ જમા થયેલી છે.  આપણી આ આંતરિક ભીડને સમેટી લીધા સિવાય આપણે ઓમકારની પરમ સિધ્ધિને પામવા માટે યોગ્ય નથી.  અંદરના ખંડિત થઈ ગયેલ ભાગોને એક કરવા પડે.  ઓમકાર જ આ ખંડિત ભાગોને એક કરી શકે, ઓમકાર સિમેન્ટ માફક આપણા આ ખંડિત ભાગોને એક કરી અખંડતા પેદા કરશે જે અદભૂત હશે.

 

ઓમકાર એકત્વનું, અખંડતીતાનું પૂર્ણ સ્વરુપ છે.  આપણી પ્રાર્થના, પૂજા, ધર્મપરાયણતા ખંડ ખડમાં છિન્નભીન્ન થઈ ગયેલ છે. આપણે સાંસારિક કાર્યોમાં ભાગેડુ બની જીવી રહ્યા છીએ.  આપણા કામમાં અખંડપણું નથી અને આપણું મન મર્કટ બનીને નાસભાગ કર્યા કરે છે.  આવી ચેષ્ટાઓ હશે ત્યાં સુધી ઓમકારની સાધના યોગ્ય ફળ નહીં આપે.

 

ઉત્સવ મગ્ન, આનંદ પૂર્ણ અને પ્રસન્નચિત્ત વ્યક્તિ જ ઓમકારની પરમ પ્રાપ્તિનો અધિકારી બની શકે છે. આવી વ્યક્તિ જ આંતર ધ્વનિના સાજને બેસાડી શકે છે,  ઓમકારની દુનિયામાં ડૂબકી લગાવી સાચી ધાર્મિકતાને વરી શકે છે.

 

ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે.

 

ૐ કાર મંત્રઘ્વનિ મનુષ્યને સમૃધ્ધિ આપે છે, દોષ અને દુર્ગુણો દૂર કરે છે, જીવનોન્નતિમાં ઉત્કર્ષ-માર્ગ મેળવી આપે છે અને એમની અનેક મૂંઝવણો દૂર કરે છે.

 

 

ૐ ઘ્વનિ અંત:કરણને શુદ્ધ કરે છે, યોગસાધનામાં આવતાં વિધ્નોને દૂર કરે છે અને કુશળતા અર્પે છે.  આ ૐ કારની સિદ્ધિ એટલી પ્રબળ છે કે કોઇ ચીજ-વસ્તુ એનાથી દૂર રહેતી નથી, અર્થાત્ સર્વ મંગલકારી કાર્યોમાં એનો જયજયકાર થાય છે.

 

ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે. ૐના રટણથી પ્રેરણા, શકિત અને બળ મળે છે.  ૐના જપથી મન એકાગ્ર બને છે. એ રસ્તો બતાવે છે, રક્ષણ આપે છે, ઊઘ્ર્વારોહણ કરાવે છે, ઘ્યેય સુધી પહોંચાડે છે અને જન્મ-મરણના ફેરાથી પણ છોડાવે છે.

 

આ ૐકાર વિશે સામવેદ મંત્રઘ્વનિમાં લખ્યું છે કે,

 

 

ૐકાર-પ્રભવા દેવા ૐકાર-પ્રભવા સ્વરા
ૐકાર-પ્રભવાં સર્વ ત્રૈલોક્યં સચરાચરમ

 

 

ૐકારથી જ સર્વદેવતા ઉત્પન્ન થાય છે.  ૐકારથી જ સ્વરનિધિની જાગૃતિ છે, ત્રણે લોકમાં સર્વ જીવો, સર્વ પ્રાણીઓનું ચેતન છે. સ્વર્ગ-મૃત્યુ અને પાતાળ અર્થાત્ બ્રહ્માંડનું સ્વરૂપ ૐકારમાં જ સમાયું છે.

 
સુખમાં કે દુ:ખમાં ૐકારનો સાથ અમૂલ્ય છે, નિર્જન સ્થાનમાં રાહબર સમાન છે.  ગૃહસ્થાશ્રમમાં સુખ-શાંતિ, સ્થિરતા અને કાર્યકુશળતા આપે છે.  ૐકારનો ઘ્વનિ જ સુખદાયક છે.

 

 

સાભાર : શરૂઆત દૈનિક – ડૉ. કૌશિક મહેતા (વિજ્ઞાન જાણો, ધર્મ માણો-માંથી સાભાર)

 

 

બ્લોગ લીંક :  http://das.desais.net
email : [email protected]

 

 

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર …   ૐ –  વિશેની આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના દરેક પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli

facebook at : /dadimanipotli