અપનાવો જ્યૂસ થેરાપી, રોગો થશે દૂર … (આરોગ્ય અને ઔષધ) …(ભાગ-૧)…

અપનાવો જ્યૂસ થેરાપી, રોગો થશે દૂર, તમે રહેશો આખુ વર્ષ ફિટ … (આરોગ્ય અને ઔષધ) … (ભાગ-૧)…

 

 
JUCIE..3
 

 
(અહીં મૂકેલ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે જ કરવામાં આવ્યો છે)

 

 

આયુર્વેદિક ગ્રંથોમાં ફળો અને તેના ઉપયોગ અને તેનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે. આયુર્વેદ ઉપર ચાલનારા લોકો આજે સારી રીતે હેલ્ધી- તંદુરસ્ત જીવન જીવતા હોય છે તેમાં બેમત નથી. તેથી જ આજે અમે તમારી માટે ખાસ જ્યૂસ થેરાપીનો પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી શરીરને આખું તંદુરસ્ત રાખી શકાય છે.

 
આધુનિક સાયન્સના સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો અકસીર ઉપાય છે. કારણ કે શાકભાજી અને ફળોનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. શરીરના દરેક અંગોના કોષોમાં ભરાયેલા દુષિત પદાર્થો (ટોક્સીક એલીમેન્ટ)ને દૂર કરે છે. રોજના ૮થી ૧૦ ગ્લાસ પાણી ઉપરાંત બે થી ત્રણ ગ્લાસ કાચાં શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની વધારે કાર્યક્ષમ થાય છે. રોગને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષો રસ પીવાથી નવા બને છે.

 

આજે જુઓ શાકભાજી અને ફળોના રસાહાર કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ….

 

ફળ અને શાકભાજીના રસ લેતા પહેલાં શું ઘ્યાન રાખવું …

 

 

– ફળ હોય કે શાકભાજી તેનો ઉપયોગ કરતાં પહેલાં સાધારણ ગરમ પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખવા જોઇએ, જેથી તેની ઉપર લાગેલો કચરો, માટી અને જંતુનાશક દ્રવ્યો દૂર થઇ જાય.

 
– ફળ હોય કે શાકભાજી તાજાં વાપરવા જોઇએ. વધારે પાકી ગએલાં, ગંધ મારતાં અને કાળા પડી ગએલાં ફળો ના ખવાય. આ જ રીતે શાકભાજી પણ દેખાવમાં વાસી લાગે તે વપરાય નહીં.

 
– રસ કાઢવાનું મશીન બરોબર ધોઇને વાપરવું જોઇએ. જ્યાં શક્ય હોય ત્યાં રસ ગાળ્યા વગર પીવો જોઇએ.

 
– ફળોનો કે શાકભાજીનો રસ તાજો જ પીવો જોઇએ. ડીપ ફ્રીજમાં રાખેલો રસ અથવા કાઢ્‌યા પછી ખુલ્લા વાસણમાં ચાર પાંચ કલાક પડ્યો રહ્યો હોય તેવો રસ પીવો ના જોઇએ.

 
– રસમાં પ્રીઝર્વેટીવ નાખ્યા હોય તેવો બજારમાં મળતો રસ અને સ્વીટનર કે બીજું નાખેલ હોય તે રસ પીવો જોઇએ નહી.

 

 

રસ કેવી રીતે પીવો જોઈએ ? …
 

 

JUCIE..4

 

 

– પાણી પીએ તેવી રીતે ગ્લાસમાંથી રસ ગટગટાવી ના જશો. એક એક ચમચો લઇ મોંમાં રાખી તેની અસરથી લાળ નીકળે માટે એક મિનિટ માટે રસ મોંમાં મમળાવો (ગોળ ગોળ ફેરવો). પછી ગળા નીચે ઉતારો. લાળમાં પાચક રસો હોય અને જંતુધ્ન ગુણ હોય. રસમાં રહેલી સાકર (કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ્‌સ)નું પાચક રસોથી પાચન અને રસમાં જાણે-અજાણે રહેલા બેકટેરીઆ કે વાયરસ નાશ પામે.

 
– જો તમે તમારો રોગ દૂર કરવા અથવા તંદુરસ્ત રહેવા માટે ફળનો કે શાકભાજીનો રસ પીતા હો તો તેમાં ખાંડ, મરી કે મીઠું તેને સ્વાદિષ્ટ બનાવવા કદાપિ નાખશો નહીં. કારણ એવું કરવાથી જાણે અજાણે તમારા શરીરમાં બિનજરૂરી ખાંડ અને મીઠું જશે એ બરોબર નથી. તમને શાકભાજીનો રસ સ્વાદમાં સારો ના લાગતો હોય તો લીંબુ નિચોવી સ્વાદિષ્ટ બનાવી પીશો.

 
– તમે રસનો પ્રયોગ તંદુરસ્ત રહેવા કરવાના હો અને બીજું કશું ખોરાક તરીકે લેવાના હો નહીં તો રેજ સવારે બેથી ત્રણ લીટર જેટલો શાકભાજી અને ફળનો રસ લેવો જોઇએ.

 
– જો તમે આદુ, ડુંગળી, લીલી હળદરનો રસ રોગ મટાડવા માટે પીવા માગતા હો તો તેનું પ્રમાણ ફક્ત ૨૦થી ૨૫ મી.લી. રાખશો. જો લસણનો રસ લેવાના હો તો એક ચમચાથી વધારે લેશો નહીં.

 
– તમને ફક્ત રસ ઉપર રહેવાનું ફાવતું ન હોય તો વચ્ચે વચ્ચે કાચો કે રાંધેલો ખોરાક લઇ શકશો.

 
કયા રોગમાં, કયા ફળનું જ્યૂસ આપશે તમને ફાયદો ? …

 
આયુર્વેદ અનુસાર જ્યૂસ પીને પણ ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. આ માટે આયુર્વેદિમાં જ્યૂસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રાકૃત્તિક ચિકિત્સામાં પણ પસાહારને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. તેમાં અલગ-અલગ ફળો અને શાકભાજીનો રસ દેવામાં આવે છે.

 
કારેલા, જાબુ, દૂધીના જ્યૂસમાં સ્વાદ નથી હોતો પણ તેના જ્યૂસ પીવાથી વધારે ફાયદો થાય છે. આવો જાણીએ જ્યૂસ થેરાપીના કેટલાક સ્પેશિયલ રાજ જાણવાથી કરી શકો છો આપ આ બીમારીઓનો ઈલાજ…

 

 

JUCIE.2

 

 

જુદા જુદા રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસનો ઉપયોગ …

 

– કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.

 
આર્યુવેદમાં વિશ્વાસ રાખતા હોવ તો આપને આ વાતની જાણ હશે જ કે કારેલા પચવામાં હલકા અને અનેક બીમારીઓનો ઈલાજ છે.

 
એટલું જ નહીં તે ભૂખવર્ધક, પચવામાં સરળ, પિત્તસારક, કૃમિની બીમારી દુર કરનારા, ડાયાબિટીસ નાશક, સોજા જેવી બીમારી દુર કરનારા, માસિક ધર્મની બીમારીને દુર રનારા, આંખોનું તેજ પાછુ લાવે છે, રક્ત શુદ્ધ કરે છે અને મેદસ્વીતા નષ્ટ કરવામાં ઉત્તમ છે.

 
તાવ, સોજા, પેટનો ગેસ અને ત્વચાના રોગો પણ દુર કરે છે. દરરોજ કારેલાનો જ્યૂસ પીવાનો આટલો બધો ફાયદો છે.

 
કડવા લાગતા કારેલાના આટલાં ફાયદા છે દરરોજ સવારે એક નાનો ગ્લાસ કારેલાનું જ્યુસ આપને આજીવનની ફિટ બોડી આપી શકે છે. તે સાથે આટલા રોગો સામે લડવાની તાકાત પણ.

 
આ સીવાય કારેલાનો આ રીતે ઉપયોગમાં લો …

 
-મલેરિયાની બીમારીમાં કારેલાના 3-4 પત્તા 3 કાળામરીના દાણા સાથે પીસી લો અને આ રસ શરિર પર લાગાવો તેનાથી રાહત થશે.

 
-જો નાના બાળકની ઉલટી બંધ નથી થતી તો તેને કારેલાના 2-3 દાણા અને કાળા મરીના 2 દાણા સાથે લસોટી ચટાડો તેની ઉલટી બંધ થઈ જશે.

 
-ડાયાબિટીસની બીમારીમાં કારેલાના ટુકડા કાપી તેને છાયડામાં જ સુકવી તેને ઝીણા પીસી દો. તેમાં દસમાં ભાગની કાળા મરી ઉમેરી લો. આ પાવડર દરરોજ સવાર સાંજ એક ચમચી પાણીમાં મેળવી પીવો આપને ઘણો લાભ થશે.

 
– કોબીજનો રસ પીવાથી એસીડીટી દૂર થાય છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.

 
– ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે એટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે છે.

 
– કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે.

 
– આમળાનો રસ વીર્યની વૃઘ્ધિ કરે છે.

 
– ચોળીની શિંગથી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે.

 
– લસણનો રસ પીવાથી શરીર જકડાઇ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે.

 
– આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.

– સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે.

 
– કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે.

 
– જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે.

 
– લીંબુનો રસ આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે.

 
– તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે.

 
– સફેદ ડુંગળીના રસમાં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે.

 
– નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જીક કફ- દમમાં રાહત આપે છે.

 
– પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે.

 
– પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે.

 
– ટમેટાના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે.

 
– લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે.

 
– કોથમીરનો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.

 
– તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે.

 
– પાલખનો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.

 
– ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.

 
– કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે.

 
– દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.

 
– ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.

 
– બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.

 
– લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.

 
– કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.

 
– જાંબુના રસમાં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.

 
– મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.

 

JUICE.1

 

 

રસાહારથી શરીરને ચોખ્ખું કેવી રીતે કરશો ? …

 

મહિનામાં એક શનિ-રવિ આ કાર્યક્રમ અમલમાં મૂકો. 

– શનિ અને રવિ બન્ને દિવસે ફક્ત પાણી અને પસંદગીના ફળ કે શાકભાજીનો જ ઉપયોગ કરો. 

– શારીરિક પ્રવૃત્તિ એકદમ ઓછી કરી નાખો. 

– કોઇપણ જાતનો ખોરાક લેવાનો નથી. 

– શનિવારે જ્યારે ભૂખ લાગે ત્યારે ફક્ત રસ પીવાનો રાખો. 

– રવિવારે થોડી સ્ફૂર્તિ લાગશે. 

– આ જ પ્રમાણે રવિવારે પણ રસાહાર કરો. 

-સોમવારે તમે પથારીમાંથી ઉઠશો ત્યારે સ્ફૂર્તિ લાગશે અને આખું અઠવાડિયું સરસ જશે. 

 

આમ થવાનાં કારણો …

 

શારીરિક પ્રવૃત્તિ ના હોય એટલે શક્તિ બચે. ખોરાકમાં જલદી પાચન થાય તેવા રસ લીધા હોય એટલે શક્તિ બચે. આ વધેલી શક્તિ તમારી હોજરી, આંતરડાં અને કિડનીને મળે એટલે શરીરમાંથી બધો જ કચરો નીકળી જાય. આને ઓફિસકામના ‘બેક લોગ’ને જેમ શનિ-રવિવારે તમે બઘું ફાઇલોનું કામ કરી નાખો અને સોમવારે ફ્રી થઇ જાઓ તેની સાથે સરખાવી શકાય.

 

રસાહારનો પ્રયોગ આ રીતે શરીર ચોખ્ખું કરવા અને રોગમુક્તિ માટે કરવા જેવો ખરો.

 

 
સાભાર : દિવ્યભાસ્કર દૈનિક.

 

… ક્રમશ: 

 

 
હવે પછી .. (ભાગ-૨માં) …આગળ જાણો .. જયૂસની ઉપયોગીતા અને થોડી અવનવી જ્યૂસ રેસિપીની જાણકારી ……

 

 

બ્લોગ લીંક :  http://das.desais.net
email : [email protected]

 

 

‘આરોગ્ય અને ઔષધ … ‘  શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો  આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના દરેક પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli

facebook at : /dadimanipotli