બોધકથાઓ … (ટૂંકી વાર્તા – પ્રેરકકથાઓ …) …

બોધકથાઓ … (ટૂંકી વાર્તા – પ્રેરકકથાઓ …) …

 

 

(૧)  “કોઇપણ કામ હાથમાં લઇએ ત્યારે એ કામને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરીએ” …

 

 

murtikar

 

 

એક મૂર્તિકાર મંદિર માટે મૂર્તિ તૈયાર કરી રહ્યો હતો. એક મુલાકાતી મૂર્તિકારની કલા જોવા માટે ત્યાં આવ્યો. મૂર્તિકાર પોતાના કામમાં વ્યસ્ત હતો. મુલાકાતી પણ સુંદર મૂર્તિ જોઇને આનંદીત થયો.

 

મૂર્તિકાર જેવી મૂર્તિ ઘડી રહ્યો હતો બીલકુલ તેવી જ એક બીજી મૂર્તિ બાજુમાં જોઇ એટલે મુલાકાતીએ પુછ્યુ, ” આ બાજુમાં પડી છે બીલકુલ એના જેવી જ મૂર્તિ આપ ઘડી રહ્યા છો. આ મંદિરમાં એક સરખી બે મૂર્તિઓ મુકવાની છે ?” મૂર્તિકારે મુલાકાતીને કહ્યુ, ” ના ભાઇ, બે મૂર્તિઓ મુકવાની નથી માત્ર એક જ મૂર્તિ રાખવાની છે. “

 

મુલાકાતીએ પુછ્યુ, ” તો પછી આ એક સરખી બે મૂર્તિઓ શા માટે ? ” મૂર્તિકારે જવાબ આપતા કહ્યુ, ” આપ જરા મૂર્તિની બાજુમાં જઇને ધ્યાનથી જુવો તો આપને દેખાશે કે મૂર્તિ ઘડતી વખતે નાક પાસે છીણી સહેજ વધુ લાગી જવાથી એક નાનો ટોચો પડી ગયો છે. માટે આ બીજી મૂર્તિ બનાવું છું. “

 

જવાબ સાંભળીને મુલાકાતી ખડખડાટ હસી પડ્યો. એણે મૂર્તિકારને કહ્યુ, ” ભાઇ, હુ અત્યારે મૂર્તિથી માત્ર ૫ ફુટ દુર છુ અને છતાય મને મૂર્તિમાં કોઇ ખામી નથી દેખાતી તો આ મૂર્તિ મંદિરમાં મુક્યા પછી લોકો એને ૨૦ ફુટ દુરથી જ જોવાના છે તો એને નાનો ટોચો ક્યાંથી દેખાય ? “

 

મૂર્તિકારે પોતાનું કામ ચાલુ રાખતા કહ્યુ, ” મારા ભાઇ, બીજાને દેખાય કે ન દેખાય પણ મને તો દેખાય જ છે કે મૂર્તિમાં ટોચો છે. મૂર્તિમાં થોડી અધુરાશ છે એ કદાચ બીજા કોઇને ખબર નહી પડે પણ મને તો ખબર છે જ કે મૂર્તિ ખામી વાળી છે. મારા કામમાં નાની પણ ખામી રહે એ મને બીલકુલ પસંદ નથી.”

 

મિત્રો, આપણે કોઇપણ કામ હાથમાં લઇએ ત્યારે એ કામને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરીએ. કામમાં રહેલી નાની ક્ષતિ બીજાના ધ્યાનમાં ન આવે એમ હોય તો પણ એ ક્ષતિને દુર કરીને સંપૂર્ણ ક્ષતિરહીત કામ કરવાની ભાવના આપણને આપણા કામમાં બીજા કરતા જુદા પાડશે.

 

 

(૨) “મૃત્યુથી બચવાનો માત્ર એક જ ઉપાય છે, બીજાના હદયમાં જીવતા રહેવું” …

 

 

sadhu & king

 

 

એક રાજા હતો. એને મૃત્યુનો ખુબ ડર લાગતો હતો. સંપતિ અઢળક હતી પરંતું મૃત્યુંનો ડર એને સંપતિનો આનંદ લેવા દેતો ન હતો. ગમે તે ભોગે તે મૃત્યુને હડસેલવા માંગતો હતો આ માટે જે ખર્ચ કરવો પડે તે ખર્ચ કરવાની એની તૈયારી હતી.

 

કોઇએ રાજાને સુચન કર્યુ કે તમે સારામાં સારા ડોકટરને સતત તમારી સેવામાં રાખો એટલે તમને કંઇ પણ થાય તો ડોકટર તાત્કાલિક સારવાર આપીને તમને બચાવી શકે. રાજાએ એમ કર્યુ પણ એને હજુ બીક લાગતી હતી.

 

કોઇ બીજાએ સુચન કર્યુ કે રાજ્યને ફરતી બાજુ મજબુત કીલ્લો કરી દો અને માત્ર એક જ દરવાજો રાખો. એ દરવાજા પર રાજ્યના બધા સૈનિકોને રાખો જેથી કોઇ આક્રમણ કરી ન શકે અને તમને મારી ન શકે. મોતથી બચવા રાજાએ એમ પણ કર્યુ. છતાય એનું ચિત બેચેન રહેતું હતું.

 

એકદિવસ કોઇ સંત આ રાજયની મુલાકાતે આવ્યા. રાજાને મળતાની સાથે જ સંતને ખબર પડી ગઇ કે રાજા કોઇ ચિંતામાં છે. એમણે રાજાને ચિંતાનું કારણ પુછ્યુ એટલે રાજાએ પોતાને લાગતા મૃત્યુના ડર વિષેની વાત કરી. સંતે રાજાને કહ્યુ, ” મૃત્યુથી બચવાનો મારી પાસે ઉપાય છે.” રાજા તો રાજી-રાજી થઇ ગયો સંતના ચરણ પકડીને કહ્યુ, ” મહારાજ કૃપા કરીને આપ મને મૃત્યુથી બચવા માટેનો માર્ગ બતાવો. “

 

સંતે રાજાને કહ્યુ, ” મૃત્યુથી બચવાનો માત્ર એક જ ઉપાય છે , બીજાના હદયમાં જીવતા રહેવું. તમારી આ સંપતિના ઉપયોગ દ્વારા કંઇક એવા કાર્યો કરો કે તમે લોકોના હદયમાં કાયમ માટે જીવતા રહો. પછી મૃત્યુ પણ તમને નહી મારી શકે”

 

મિત્રો, આપણી બુધ્ધિ અને શક્તિઓ ઉપયોગ કરીને આપણે એવા કાર્યો પણ કરી શકીએ કે જેનાથી કેટલાય લોકોના હદયમાં સ્થાન પામીએ અને મૃત્યુને પણ મહાત કરી શકીએ.

 

 

(૩)  “કાર્યનો આનંદ ત્યારે જ આવશે જ્યારે એ કાર્યમાં ખોવાઇ જઇએ” …

 

 

namaj

 

 

એક યુવાન પોતાની પ્રેમીકાને મળવા માટે જઇ રહ્યો. એની ચાલવાની ઝડપ સ્પષ્ટ બતાવી રહી હતી કે પ્રિયતમાને મળવાની તડપ કેવી છે ! રસ્તામાં એક મુસ્લીમ બીરાદર નમાજ પઢી રહ્યા હતા. યુવાન, પ્રેમીકાના ખયાલોમાં ખોવાયેલો હોવાથી મુસ્લીમ બીરાદરે નમાજ પઢવા માટે બીછાવેલા મુસલ્લા ( નમાજ પઢતી વખતે પાઠરવામાં આવતુ પવિત્ર આસન ) પરથી પગ મુકીને આગળ નીકળી ગયો.

 

મુસ્લીમ બીરાદરનું ધ્યાન ગયુ એટલે એ તો લાલઘુમ થઇ ગયા. પોતાની બંદગી સમયે પવિત્ર મુસલ્લા પરથી પસાર થનારા એ યુવાનને મારવાનું મન થયુ પણ બંદગી ચાલુ હતી માટે ઉભા ન થયા. મનમાં ને મનમાં યુવાનને કંઇ કેટલુએ બોલતા રહ્યા.

 

થોડા સમય પછી પેલો યુવાન તેની પ્રેમીકાને મળીને એ જ રસ્તેથી પોતાના ઘરે પરત જઇ રહ્યો હતો. મુસ્લીમ બીરાદરનું ધ્યાન ગયુ એટલે એણે યુવાનને ઉભો રાખ્યો. પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યુ, ” તને તારા મા-બાપે કંઇ સંસ્કાર આપ્યા છે કે નહી ? હું અલ્લાહની બંદગી કરતો હતો એ સમયે તું મુસલ્લા પર પગ મુકીને ચાલ્યો તને કંઇ વિચાર પણ ન આવ્યો કે તું આ શું કરી રહ્યો છે?”

 

યુવાને બધુ જ શાંતીથી સાંભળી લીધુ પછી કહ્યુ, ” અંકલ હું સ્વિકારુ છું કે મેં એવી ભૂલ કરી છે જે માફીને પણ લાયક નથી આમ છતા હું આપની માફી માંગું છું. એ સમયે હું મારી પ્રિયતમાને મળવા જતો હતો. એને મળવાની કલ્પનામાં એવો ખોવાયેલો હતો કે આસપાસ શું ચાલી રહ્યુ છે એનું મને કોઇ ભાન નહોતું એટલે મારાથી આ ભૂલ થઇ ગઇ. પણ અંકલ આપ એ વખતે બંદગી કરી રહ્યા હતા. આપની આપના પ્રિયતમ સાથેની મુલાકાત ચાલી રહી હતી. આપની અલ્લાહ સાથેની એ એવી તે કેવી મુલાકાત હતી કે જેમાં અલ્લાહને બદલે આપને હું દેખાતો હતો ? “

 

મિત્રો, જીવનમાં કરવામાં આવતા કોઇપણ કાર્ય પછી તે આધ્યાત્મિક હોય તો પણ ભલે અને સાંસારિક હોય તો પણ ભલે, કાર્યનો આનંદ ત્યારે જ આવશે જ્યારે એ કાર્યમાં ખોવાઇ જઇએ…એકરસ થઇ જઇએ.

 

 

(૪)  “જીવનમાં ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા” …

 

 

stanford uni.

 

 

કેલીફોર્નિયામાં રહેતા એક સુખીસંપન્ન દંપતિએ ૧૮૮૪ની સાલમાં પોતાના એકના એક દિકરાને ટાઇફોઇડના કારણે ગુમાવ્યો. આ છોકરો માત્ર ૧૫ વર્ષનો હતો. દિકરાના અકાળે થયેલા અવસાનના કારણે દંપતિ દુ:ખી તો ખુબ થયુ પણ પછી જેવી ભગવાનની ઇચ્છા એમ માનીને સ્વિકારી લીધુ. એમણે નક્કી કર્યુ કે ભલે ભગવાને આપણો એક દિકરો લઇ લીધો પણ હવે આ કેલીફોર્નિયાના તમામ દિકરા-દિકરીઓ આપણા જ છે એમ માનીને એ બધા માટે કંઇક કરવુ છે.

 

દિકરાએ હાવર્ડમાં એડમિશન લીધુ એને હજુ એક વર્ષ પણ નહોતુ થયુ અને એણે ભણવાની બહુ ઇચ્છા હોવા છતા અધુરા અભ્યાસે વિદાય લીધી. દંપતીએ નક્કી કર્યુ કે આપણે આપણા દિકરાની સ્મૃતિમાં હાવર્ડ યુનિવર્સિટીમાં કંઇક કરીએ જેથી અનેક વિદ્યાર્થીઓને એનો લાભ મળે.

 

દંપતિ હાવર્ડના પ્રેસીડેન્ટને મળવા માટે ગયુ. પ્રેસીડેન્ટને મળતા પહેલા બહુ લાંબો સમય રાહ જોવી પડી. મુલાકાત થઇ તો દંપતિ એ હાવર્ડના પ્રેસીડેન્ટને વિનંતી કરતા કહ્યુ, ” સાહેબ, અમારો એકનો એક દિકરો અહિયા અભ્યાસ કરતો હતો. અમે એમની યાદમાં આપની આ યુનિવર્સીટીમાં કંઇક કરવા માંગીએ છીએ.” દંપતિ એના પહેરવેશ પરથી બહુ જ સામાન્ય લાગતુ હતુ આથી પ્રેસીડેન્ટે એમને કહ્યુ, ” તમને ખબર છે આ યુનિવર્સીટીના જુદા- જુદા ભવનો પાછળ શું ખર્ચ થયો છે ? બધુ મળીને ૭.૫ મીલીયન ડોલરની આ સંપતિ છે આટલી મોટી સંપતિની સામે તમે આ યુનિવર્સીટીમાં એવુ તે શું કરી શક્શો કે જેથી તમારા દિકરાની યાદ જળવાય રહે ? “

 

આવેલ દંપતિ એકબીજાની સામે જોઇ રહ્યા. આંખના ઇશારાથી બંને એ કંઇક વાત કરી લીધી અને પ્રેસીડેન્ટનો આભાર માનીને બહાર નીકળી ગયા. પ્રેસીડેન્ટે પોતાના સેક્રેટરીને કહ્યુ, ” જોયુને મેં બંનેને કેવા સમજાવી દીધા? ” પેલા દંપતિએ બહાર આવીને હસતા હસતા એકબીજાને તાળી આપતા કહ્યુ, ” એક યુનિવર્સીટી ઉભી કરવાનો ખર્ચ બસ આટલો જ છે તો ચાલો દિકરાની યાદમાં એક યુનિવર્સીટી જ ઉભી કરીએ.”

 

આ દંપતિ હતુ મી. અને મીસીસ સ્ટેનફર્ડ. અને દિકરાની યાદમાં ઉભી કરેલી યુનીવર્સીટી એટલે વિશ્વની ટોચની યુનિવર્સીટીઓ પૈકીની એક એવી સ્ટેનફર્ડ યુનિવર્સીટી.

 
મિત્રો, જીવનમાં ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા. ઘણીવખત પહેરવેશ કે રહેણીકરણી પરથી માણસોને માપવાની આપણે ભૂલ કરી બેસીએ છીએ.

 

 

સાભાર :  જયંત ઇન્ફોટેક (સ્તોત્ર : સોશિયલ મીડિયા)

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર લેવા બદલ અમો  જયંત ઇન્ફોટેક  ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો,  આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ સાથેના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો., જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે. .

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli

 

facebook at : dadimanipotli