પાગલતા …

પાગલતા …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 
madness.1
 

 

થોડા સમય પહેલા અખબારમાં વાંચ્યું હતું કે થાણેના પાગલખાનામાં રહેતા પાગલોમાં સૌથી વધુ પાગલો મુંબઈ શહેરના છે.   મુંબઈ થાણેની નજીક હોય આમ હોવું સ્વાભાવિક છે.

 

 
madness
 

 

પરંતુ જરા જુદી રીતે વિચારીએ તો શું પાગલખાનામાં છે એટલા જ પાગલો હસ્તીમાં છે ?   જરાય નહી. પાગલખાનાની બહાર તરેહ તરેહના પાગલો વસે છે તેની જાણ છે ?   પાગલખાનામાં તો માનસિક બિમારીનું નિદાન થયાં પછી દાખલ કરાય છે પણ જેમનું આવું નિદાન નથી થયું અને બહાર છૂટથી ફરે છે તેની કોઈએ ગણના કરી છે ?

 

સૌ પ્રથમ તો યુવા પેઢીનો આમાં સમાવેશ થાય તેમાંય કોલેજ જતાં લોકો.  વિરૂદ્ધ જાતિના સહપાઠીઓના સંપર્કમાં આવ્યા પછી તેમના વાણી અને વર્તનમાં પાગલપનની અસર દેખાય છે તેની નોંધ લેવી જ પડે. ઘણા બધામાં આ હંગામી ધોરણે હોય છે અને કોલેજકાળ પત્યા પછી રામ રામ !!

પણ જેઓ આની અસરમાં ત્યારબાદ પણ હોય છે તેમનું જીવન બદલાઈ જાય છે.  જો સામુ પાત્ર પણ આ પાગલપણાની અસરમાં હોય તો વાત બદલાઈ જાય છે. પણ તેમ ન હોય તો ?   એક તરફી પ્રેમને કારણે ખુવાર થતાં યુવાન–યુવતીઓના કિસ્સા સામાન્ય છે જે ચરમ સીમાએ પહોંચે તો જીવલેણ બની જાય છે. આવાની ગણના પાગલખાનામાં ભરતી ન થઈ હોવા છતાં પાગલોમાં થાયને ?

 

આ જ યુવા પેઢી ફિલ્મો વગેરેની અસર હેઠળ જુદા પ્રકારનું પાગલપણ અનુભવે છે. હીરોની જેમ કપડાં, વાળની સ્ટાઈલથી માંડીને હીરોઈન પ્રત્યે એક તરફી પ્રેમ અને તેને કારણે બરબાદી, આ બધું હોવા છતાં ‘એ તો પાગલ છે’  કહીએ છીએ પણ તેથી થોડા તેમને પાગલખાનામાં ભરતી કરાવી દઈએ છીએ ?   તેમ કરીએ તો કેટલા પાગલખાના ઉભા કરવા પડે ?

આવું જ ઓફિસોમાં સહકર્મચારીઓ માટે કહી શકાય.

 

લોકો માને છે કે આવા પાગલપણા માટે જવાબદાર છે આજની ફિલ્મો, ટી.વી. અને પાશ્ર્ચાત્ય સંસ્કૃતિ.

 

પણ આ સિવાય પણ પાગલપણાના અન્ય પ્રકાર છે, સારા અને ખરાબ.

 

માનો બાળક પ્રત્યેનો પ્રેમ. જો તે પ્રમાણસર હોય તો ઠીક પણ તેમાં અતિરેક થાય તો તે એક પ્રકારની પાગલતા બની રહે છે.  તે જ પ્રેમના અતિરેકને કારણે અને લાડકોડને કારણે કદાચ બાળકનો યોગ્ય ઉછેર ન થાય તો તે બાળકની જીંદગી બગડતી હોય છે તે જગજાહેર છે.

 

આ જ રીતે મૈત્રીનું પાગલપન, રમતગમત પ્રત્યેનું પાગલપન, પ્રાણીઓ પ્રત્યેનું પાગલપન, વગેરે ગણાવી શકાય. પણ એક જુદા જ પ્રકારનું પાગલપન કહીએ તો તે દેશપ્રેમનું પાગલપન. તેવા પાગલપણા માટે તો આપણે ગર્વ લઈ શકીએ, કારણ તેને કારણે જ આપણે આઝાદી મેળવી. આવા પાગલપણાને સલામ.

 

તો બીજી બાજુ ધર્મઝનૂનના પાગલપણા માટે કહેવું જરૂરી છે?  આવી પાગલતાના કારણે ભૂતકાળમાં કંઈ કેટલાય યુદ્ધો થયા છે જે માટે ભારતનો ઈતિહાસ સાક્ષી છે. પણ ઈતિહાસને ભૂલી જઓ, આજની તવારીખમાં પણ આ એટલું જ સત્ય છે અને તે માટે ર૦૧૪ની ચૂંટણી ગવાહ છે.

 

જો કે ઉપરના પાગલપણાની વિગતો  નમૂનારૂપે જ છે.  એવા તો કંઈ કેટલાય બીજા નમૂના આજુબાજુ નજર કરશો તો મળી આવશે.

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

  લેખકશ્રી નાં સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

facebook at : dadimanipotli