પરશુરામ જયંતિ – અખાત્રીજ, અક્ષય તૃતીયા …

પરશુરામ જયંતિ – અખાત્રીજ, અક્ષય તૃતીયા …

 

આજની પોસ્ટ ટેકનીકલ ક્ષતિ ને કારણે અમો અખાત્રીજ ને દિવસે પબ્લિશ કરી શકેલ નહિ, જે આપ સર્વેની જાણકારી માટે આજે પબ્લિશ કરેલ છે, સમયસર પબ્લિશ ન કરી શકવા બદલ અમો દિલગીર છીએ.  

 parshuram

 

 

 
अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण।
कृप: परशुरामश्च सप्तैतेचिरजीविन।।
सप्तैतान् संस्मरेन्नित्यंमार्कण्डेयमथाष्टमम्।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।

 

અર્થાત અશ્વત્થામા, રાજાબલિ, મહર્ષિ વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ તથા ઋષિ માર્કન્ડેય આ અષ્ટ મહાનુભાવો સદાયે અમર છે,ચિરંજીવ છે. અહીં આ શ્લોકમાં કહેલ ચિરંજીવનો અર્થ સમજવા જેવો છે. સામાન્ય રીતે ચિરંજીવનો અર્થ આપણે લાંબા જીવન માટે કરીએ છીએ તેથી આપણે ખાસ કરીને આપણાંથી વયમાં નાની વ્યક્તિઓ માટે ચિરંજીવ એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ.

 

રામાયણમાં કહ્યું છે કે લક્ષ્મણજીનાં આ લોક છોડયા બાદ રામે પણ માતાઓને અને અયોધ્યાની પ્રજા સાથે લઈ વિમાનમાં બેસી વિષ્ણુ લોક ખાતે ગયાં. આમ કહી રામાયણે રામનાં આ પૃથ્વીને છોડવાનો સમય બતાવ્યો છે, એ જ રીતે પાંડવોને હિમાલયે હાડ ગાળતા બતાવ્યાં છે, ભગવાન કૃષ્ણને ભાલકાતીર્થ પાસે બાણ વડે ઘવાઈને દેહોત્સર્ગ કરતાં બતાવ્યાં છે; આમ આ બધા જ મહાનુભાવોને કોઈને કોઈ રીતે દેહ છોડતાં બતાવ્યાં છે.  જ્યારે બલિ, વિભિષણ, પરશુરામજી વગેરે મહાનુભાવો વિષે શાસ્ત્રોએ ક્યારેય બતાવ્યું નથી કે તેઓએ ક્યારે દેહત્યાગ કર્યો.  તેઓ બસ ઇતિહાસ અને સમયનાં પાનાંમાં જતાં રહ્યાં છે, પણ ક્યાં ગયાં, કેવી રીતે ગયાં તે વિષે કોઈ જ ખબર નથી, અને ઇતિહાસ પણ તેનાં વિષે કશું જ ન કહેતાં બસ મૌન રહી જાય છે.

 

આથી  આપણે પણ આ મહાનુભાવોને ચિરંજીવ કહીએ છીએ અને માનીએ છીએ કે જ્યાં રામકથા થતી હોય ત્યાં હનુમાન અને વિભિષણ, જ્યાં કૃષ્ણકથા થતી હોય ત્યાં વેદવ્યાસજી, શિવકથા થતી હોય ત્યાં ઋષિ માર્કન્ડેય, વિષ્ણુકથા થતી હોય ત્યાં રાજા બલિ, અને મહાભારતની કથા થતી હોય ત્યાં અશ્વસ્થામા હંમેશા હાજર રહે છે.

 

પિતામહ ભીષ્મ, ગુરૂ દ્રોણ તથા મહાવીર કર્ણનાં ગુરૂ એવા ભગવાન પરશુરામએ ભગવાન વિષ્ણુના ષષ્ઠમ અવતાર છે.   જેમનું  વર્ણન  અગ્નિપુરાણ,  શિવપુરાણ, રામાયણ,  મહાભારત વગેરે  ગ્રંથોમાં જોવા મળે છે.  શિવપુરાણમાં ગણેશજી સાથે લડતા પરશુરામજી છે તો રામાયણમાં ભગવાન પરશુરામનું અયોધ્યાનંદન શ્રી રામ સાથે વિવાદનું વર્ણન મળે છે, અને મહાભારતમાં પિતામહ ભીષ્મની સાથે યુદ્ધ  કરતાં પણ જોવા મળે છે.  પરશુરામ ભગવાન પરશુરામ વૈશાખ માસના સુદ પક્ષની તૃતિયાની  તિથિમાં ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખાતા હતાં.  ભગવન્ પરશુરામનું મૂળ નામ રામ હતું,પરંતુ તેઓ હાથમાં હંમેશા ભગવાન શિવ પાસેથી મેળવેલ પરશુ શસ્ત્ર લઈને ફરતાં હોઈ તેઓ “પરશુરામ” તરીકે પ્રખ્યાત થયાં.  તેમનો સ્વભાવ અત્યંત ક્રોધી અને ઉગ્ર હોઈ તેઓ “ઉગ્રદ”ને નામે પણ ઓળખાતા હતાં.

 

ભગવન્ પરશુરામે તેમના જીવન કાળ દરમ્યાન અત્યાચારી અને અહંકારમાં અંધ બનેલા રાજાઓનો પરાભવ કર્યો હતો. આવા અહંકારી અને મદાભિમાનયુક્ત રાજાઓમાં માહિષ્મતીના રાજા સહસ્ત્રાવીર્યર્જુનનું નામ ખૂબ પ્રખ્યાત છે આ રાજાએ ઋષિ જમદગ્નિનાં આશ્રમમાં આવી ઋષિની અને તેમના પુત્રોની હત્યા કરી આશ્રમમાં રહેલ ગૌધન છીનવી લીધું હતું. જ્યારે પરશુરામ આશ્રમમાં પધાર્યા ત્યારે આશ્રમની અવદશા અને માતાનું રૂદન જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા આ જ સમયે તેમણે મદાભિમાની રાજાઓની મતિને સરખી કરવા માટે ભગવાન શિવનું આપેલ પરશુ હસ્તમાં ઉપાડી લીધું અને ૨૧ વાર પૃથ્વીને નક્ષત્રી કરી હતી, અર્થાત રાગ ભોગવાળા અને આસુરી કર્મો ધરાવતાં ક્ષત્રિયો પાસેથી ભૂમિ લઈ લીધી અને તે ભૂમિ ઉપર વૈદિક વિચારો ધરાવતાં બ્રાહ્મણો અને લોકોનો વર્ગ ઊભો કર્યો હતો.

 

એક અન્ય કથા અનુસાર મહર્ષિ વિશ્વામિત્ર અને ઋષિવર્ય જમદગ્નિ મામા ભાણેજ થતાં હતાં. ભગવન્ પરશુરામજી યોગ, વેદ અને નીતિમાં પારંગત હતા. સદાયે ચિરંજીવી એવા પરશુરામજી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ વગેરે પ્રાંતોમાં નિવાસ કરે છે તેવી માન્યતા રહેલી છે. આવી જ એક માન્યતામાં કહે છે કેપરશુરામની તપોભૂમિ નર્મદાનદીનો કિનારો અને ભૃગુકચ્છથી માંડીને વાપી સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે.  જ્યારે બીજી માન્યતાને આધારે દક્ષિણ ભારતમાં આવેલ મહેન્દ્રગિરિ અથવા મહેન્દ્ર પર્વત ઉપર ભગવાન પરશુરામનો વાસ થયેલ છે.  ત્રીજી માન્યતાને આધારે તેઓનો નિવાસ મહારાષ્ટ્રમાં માનવામાં આવ્યો છે.

 

પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ભગવન્ પરશુરામજી પોતાના પિતાના આજ્ઞાકારી પુત્ર હતા. એકવાર માતા રેણુકાથી કોઇ અપરાધ થઈ જતાં પિતા જમદગ્નિ આ અપરાધથી અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાના પુત્રોને આજ્ઞા આપી કે તમારી માતા રેણુકાનું માથું ધડથી અલગ કરી દો. પરંતુ પુત્રો પોતાની માતા માટે રહેલા સ્નેહઅને સ્ત્રી હત્યા તેમજ માતૃ હત્યાનાં ડરને કારણે પોતાનાં પિતાની આજ્ઞાનું પાલન ન કરી શક્યા. આથી જમદગ્નિએ પોતાના પુત્ર પરશુરામને તેમની માતા રેણુકા તથા ભાઇઓનો વધ કરવાનો આદેશ આપ્યો. પિતાજીની આજ્ઞાને શિરોધાર્ય કરીને પરશુરામે પોતાની માતા અને ભાઇઓનો શિરચ્છેદ કર્યો. ત્યારે પરશુરામજીની પિતૃભક્તિથી પ્રસન્ન થઇને તેમને વરદાન માગવા કહ્યું ત્યારે પરશુરામે વરદાન માંગ્યુ કે મારી માતા તથા ભાઇઓ પુનઃજીવિત થઇ જાય તથા તેઓને મારા દ્વારા તેમનો વધ કરવામાં આવ્યો હતો તે વાત તેમની સ્મૃતિમાં ન રહે. ત્યારે પિતા જમદગ્નિએ તથાસ્તુ કહી આર્શિવાદ આપ્યાં અને પરશુરામજીની માતા રેણુકા અને ભાઈઓને પુનઃ જીવિત કર્યા. જેથી કરીને માતૃહત્યાદોષ અને ભ્રાતૃહત્યા દોષમાંથી પરશુરામજી મુક્ત થઈ ગયાં.

 

ભગવન્ પરશુરામ અતુલ્ય પરાક્રમી અમાપ ઉત્સાહના મૂર્તિમંત સ્વરૃપ હોવા છતાં તેઓ શીઘ્રક્રોધી પણ હતાં. શિવ પુરાણમાં કહે છે કે એક દિવસ પરશુરામજી ભગવાન શિવનાં ત્વરિત દર્શન હેતુ લાલાયિત થઈ કૈલાશ પહોંચી ગયાં ત્યારે ત્યાં બાલ ગણેશે તેમને રોકીને કહ્યું કે તાતચરણ હાલમાં સમાધિમાં હોવાથી આપનું ત્યાં જવું ઉચિત નથી પરંતુ પરશુરામજી પણ શિવદર્શન હેતુ અડગ રહ્યાં અને ગણેશજી તેમને પિતૃચરણની આજ્ઞાને વારંવાર સંભળાવતાં રહ્યાં. જેને કારણે પરશુરામજીએ ક્રોધિત થઈ પોતાનું પરશુ ગણેશજી ઉપર ફેંકયું, આ પરશુ ગણેશજીના દંત ઉપર લાગવાથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો અને ગણેશજી એકદંત તરીકે ઓળખાવા લાગ્યા. સીતા સ્વયંવરમાં અયોધ્યાનંદન રામ દ્વારા ભગવાન શિવનાં ધનુષ્યનાં તૂટવાનો ટંકાર સાંભળીને તેઓ ક્રોધિત થઇને મહારાજા જનકના દરબારમાં પહોંચી ગયા હતા. જ્યાં પોતાનાં જ બીજા સૌમ્યસ્વરૂપ રૂપ દશરથપુત્ર રામનાં મૃદુ વચનો સાંભળીને પ્રસન્ન થઈ તેઓ શાંત બની ગયાં, અને રામને સંબોધીને કહ્યું કે હવે તેમનું અવતાર કાર્યપૂર્ણ થયું છે, હવે યુગને પરશુરામની જરૂર નથી બલ્કે રામની જરૂર છે; જેથી કરીને પૃથ્વી ઉપરથી અસૂરોનો પરાભવ થાય. કથા અનુસાર રામ દ્વારા આનંદપૂર્વક પરાજિત થયા બાદ પરશુરામજી દક્ષિણ ભારત સ્થિત મહેન્દ્ર પર્વત પર જવા માટે ગમન કર્યું.

 

વૈશાખ સુદ તૃતિયાના આ પાવન દિવસે શ્રદ્ધાળુજનો તેજસ્વી બનવા માટે દ્વારા ભગવાન પરશુરામનું વ્રત કરે છે. આ દિવસે વ્રત કરનારે પ્રાતઃ સ્નાન કરીને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી મૌન ધારણ કરવું જોઇએ અને સંધ્યા સમયેફરી સ્નાન કરીનેઆ મંત્ર દ્વારા ભગવાન પરશુરામનું સ્મરણ કરી તેમનાં જેવા તેજસ્વી બનાવવા માટે વિનંતી કરવી જોઈએ.

 

જમદગ્નિસુતો વીર ક્ષત્રિયાંચકર પ્રભો ।
ગૃહાણાર્ધ્ય મયાદતં કૃપયા પરમેશ્વર ।।

 

 

akhatrij.2

 

-અક્ષયતૃતીયાઅક્ષયલીલા…..
રાગ: સારંગ
 

 

akhatrij.1

 

અક્ષયતૃતીયાઅક્ષયલીલાનવરંગગિરિધરપહેરતચંદન।
વામભાગવૃષભાનનંદિનીબિચબિચચિત્રકિયેનવનંદન।।૧।।

 
તનસુખછીંટઇજારબનીહૈપીતઉપરનાવિરહનિકંદન।
ઉરઉદારવનમાલમલ્લિકાસુભગપાગયુવતિનમનફંદન।।૨।।

 
નખશિખરત્નઅલંકૃતભૂષણશ્રીવલ્લભમારગજનરંજન।
“કૃષ્ણદાસ” પ્રભુગિરિધરનાગરલોચનચપલલજાવતખંજન।।૩।।

 

 
વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા “અખાત્રીજ” કહે છે.આ દિવસે ત્રેતાયુગમાંૠષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાંપરશુ ધારણ કરનાર અને ભગવાન વિષ્ણુનો ષષ્ઠંમ અવતાર ગણાતા ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સદાયે ચિરંતન મનાતા રામભક્ત હનુમાનજી, દ્રોણ પુત્ર અશ્વસ્થામા, મહર્ષિ વેદવ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય, માર્કંડેય ઋષિની સાથે ભગવાન પરશુરામનું નામ પણ જોડાયેલું છે.આ દિવસથી અખાત્રીજથી સમસ્ત માંગલિક કાર્યની શરૂઆત થાય છે.જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ચંદ્રમાં અને નક્ષત્રોની ગતિ મુજબ તિથીઓ બને છે. જેમ જેમ ચંદ્રની કળામાં વધઘટ થાય તે જ રીતે તિથિઓમાં પણ વધઘટ થાય છે. પરંતુ વૈશાખ તૃતીયાનો દિવસ જ એક માત્ર વર્ષભરનો એક એવો દિવસ છે જેમાં કોઈ જ વધઘટ થતી નથી તેથી આ દિવસને અક્ષય તૃતીયાને નામે ઓળખવામાં આવે છે.  જ્યારે કવિઓનાં મતે વીતી રહેલ વસંતૠતુ અને વૈશાખમાસની આવતી ગ્રીષ્મસંધ્યાકાળનો સમય તે અક્ષત તૃતીયા તરીકે ઓળખાય છે.  અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે વિવિધ શાસ્ત્રોએ ગાયેલો છે.

 

એક માન્યતા અનુસાર આ દિવસથી કલિયુગનો પ્રારંભ થયો હતો. આ દિવસથી ૠતુ પરિવર્તનથાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે.  આ દિવસે ખેડૂતો પોતાના શસ્ત્રો, અને પોતાના પશુઓનું પૂજન કરે છે.  સાથે સાથે ખેતીવાડી સારા થાય પછી નવા અન્નની પૂજા પણ કરે છે, જેથી કરીને ઉન્નતઅને ઉત્કર્ષ ભાવના પ્રકટ થાય છે.  અક્ષય તૃતીયાની વ્રત કથાતો લૌકિક રીતે ધર્મચંદ નામનાં અતિ ધનિષ્ઠ અને સદાચારી વણિક સાથે જોડાયેલી છે.  જેણે ભગવાન પરશુરામની આજ્ઞાથી અક્ષયતૃતીયાનું વ્રત કર્યું અને વ્રતના પ્રતાપે તેણે બીજા જન્મમાં રાજા તરીકે જન્મ ધારણ કર્યો.  પરંતુ પુષ્ટિ માર્ગમાં આ દિવસ લક્ષ્મીજી સાથે જોડાયેલ છે.

 

કૃષ્ણજન્મ પછી ગોકુલ અને ગોકુલવાસીઓ પ્રભુનો જન્મોત્સવ ઉજવવામાં મગ્ન થઈ ગયાં. વ્રજવાસીઓનાં અતિ સ્નેહને કારણે શ્રી ઠાકુરજી પણ ગોકુલમાં જ બંધાઈ ગયાં. અહીં વૈકુંઠમાં રહેલા લક્ષ્મીજી વિચારવા લાગ્યા કે મારા પતિ ગયાં તે ગયાં પણ હવે મને મળવાની પણ ફુરસત તેમની પાસે નથી તો હવે કેમ કરીને તેમનાં દર્શન કરવા? ચાલ તેઓ નથી આવી શકતાં તો હું જ તેમનાં દર્શન માટે જાઉં એમ વિચાર કરી તેઓ ગોકુલમાં આવ્યાં. સ્વાભાવિક છે કે સાક્ષાત લક્ષ્મીજી જ ગામમાં આવે તો ગૃહે ગૃહમાં લક્ષ્મી સ્વરૂપ ધન ધાન્ય અને પશુધન વધવા લાગે આ જ વાતનું સાર્થક્ત ગોકુલમાં થયું. પરંતુ અહી મુશ્કેલી એ હતી કે લક્ષ્મીજી ગૃહે ગૃહમાં પ્રભુને શોધવા અર્થે ફરી રહ્યાં હતાં પણ જ્યાં જાય ત્યાં અજાણ્યાં હોવાથી ગોપીઓ લક્ષ્મીજીને કહેતી કે જરૂર તું દાન લેવાને મિષે અમારા ગામમાં આવી છો માટે ચાલ અમે તને જ દાન દઈએ. જો માતા યશોદા બાલલાલનનાં કાર્યમાં મગ્ન હશે માટે તું એમને પરેશાન કરીશ નહીં. આમ કહી સર્વે ગોપીઓ લક્ષ્મીજીને દાન દેવા લાગી. લક્ષ્મીજી વિચારવા લાગ્યા કે હું સર્વને ધન દેનારી છું પણ અહીં તો ઊંધું જ થાય છે. અહીં તો મને જ બધાં દાન આપી રહ્યાં છે.  જો હું આ બધાં ગામવાસીઓનું દાન લેવામાં રહીશ તો મારી ઝોળી તો ભરાઈ જ જશે પણ પ્રભુને શોધવામાં પણ વિલંબ થઈ જશે આથી તેઓ ગ્રામવાસીઓની નજરથી લુપાતા છુપાતા માતા યશોદાનાં ગૃહે આવ્યાં પરંતુ આંગણમાં વહેતી દૂધ, દહી અને ગોરસની નદીમાં તેઓ લપસવા લાગ્યાં અને આંગણમાં ભેગા થયેલાં ગોપો ગ્વાલન વચ્ચે ભીંસાવા લાગ્યાં. પરંતુ તેમને પોતાના પતિનાં દર્શન ન થયાં. આથી તેઓ વિચારવા લાગ્યાં કે કદાચ રાત્રિનાં સમયે તેમને પોતાના પતિનાં દર્શન થશે પરંતુ માતા યશોદાનું આંગણ દિવસ હોય કે રાત્રિ ખાલી જ રહેતું ન હતું આથી લક્ષ્મીજી થાકીને આ બધા ગ્વાલનની નજરોથી સ્વયંને બચવાતાં માતા યશોદાનાં કોઠારમાં જઈને છુપાઈ ગયાં કે ક્યારેક ને ક્યારેક તો તેમને બાલ સ્વરૂપ પોતાના પતિનાં દર્શન થશે જ.

 

વ્રજ ઇતિહાસમાં કહે છે કે જે દિવસથી લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી ગયાં તે દિવસ અક્ષય તૃતીયાનો હતો, અને જ્યાં માતા લક્ષ્મી બિરાજતાં હોય ત્યાં સર્વસ્વ અક્ષત કેમ ન હોય. શ્રી મહાપ્રભુજી સુબોધિનિજીમાં કહે છે કે શ્રી ઠાકુરજીના જન્મ બાદ માતા યશોદા અને નંદબાબા દાન કરતાં જ રહ્યાં તો પણ તેમનું ધન ઓછું જ ન થયું, કારણ કે જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં લક્ષ્મીજીને બિરાજવું જ પડે છે; પણ પુષ્ટિમાર્ગની લક્ષ્મી તે વ્રજનો સમસ્ત પરિકર છે. બીજી રીતે આ સ્ંદર દિવસને મૂલવીએ તો જ્યાં જ્યાં જે ગૃહમાં શ્રી ઠાકુરજી પોતાના સમસ્ત પરિકર સહિત બિરાજે છે તે ગૃહ તે ગોકુલ છે, અને તે ગોકુલમાં તે ગૃહની નારી તે માતા યશોદા અને પિતા તે નંદબાબા છે. જ્યારે ગૃહમાં રહેલ માતા યશોદા અને બાબા નંદ પોતાની વ્યાવૃતિ કરે છે તે વ્યાવૃતિથી આવતું ધન તે લક્ષ્મીજી જ છે. કારણ કે લક્ષ્મીજીને ગૃહમાં આવવાનું બહાનું જોઈતું હતું તે બહાનું તેમને આપણી વ્યાવૃતિથી મળે છે જેથી કરીને તેઓ પ્રભુની સેવામાં રહી શકે.

 

 

વ્રત કરવાની વિધિ …

 

આ દિવસે અમુક લોકો પોતાનાં ગૃહમાં ધનધાન્યનાં કોઠાર ભર્યા રહે તે હેતુથી શ્રી ઠાકુરજી અને વ્રજની લક્ષ્મી એવી શ્રી યમુનાજીનું વ્રત પૂજન કરે છે.

 

  • આ દિવસે બ્રાહ્મમુહૂર્તમાં જાગી જઈ ગૃહને સ્વચ્છ કરી પૂર્વ દિશામાં બાજોઠ મૂકે છે તેની ઉપર

 

  • મગ અને અક્ષત અર્થાત ચોખાની ઢગલી કરે છે. તેની ઉપર જળ ભરેલ કુંભ મૂકવામાં આવે છે.

 

  • ત્યાર પછી શ્રી યમુનાજીની લોટી કે ચિત્ર સ્વરૂપની સ્થાપના કરવામાં આવે છે.

 

  • આ દિવસે શ્રી ઠાકુરજી સમક્ષ ચણાનાં અને ઘઉંનાં લોટનો સત્તુ ધરવામાં આવે છે. તેમાં તુલસી દલ પધરાવવાંમાં આવે છે.

 

  • વ્રત કરનાર આ દિવસે ફક્ત એકવાર સત્તુનો ભોગ આરોગે છે.

 

  • આ દિવસે પૂર્ણ શ્રધ્ધાપૂર્વક વ્રત કરનારે જવ, ઘઉં, તલ, મીઠાઇ, પાણીવાળા ફળો, મગ વગેરે અન્ન અને જળનું દાન કરવું જોઈએ.

 

  • રાત્રિનાં સમયે વ્રત કરનારે તુલસી ક્યારે ઘીનો દીવો કરી શ્રી યમુનાજીનાં સ્મરણ સાથે વ્રતની પૂર્ણાહુતિ કરવી.

 

 

અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિતબદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય મંદિરોનાં દ્વાર ખૂલે છે. આપણાં માર્ગમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ મહત્વ છેકારણ કેઆજ દિવસેશ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.  વૈશાખમાસમાં ખૂબ જ ગરમી પડે છે તેથી અક્ષયતૃતીયાથી હવેલીઓમાં શ્રી ઠાકોરજીની ઉષ્ણકાલીન સેવાનો પ્રારંભ શરૂ થાય છે.  આ જ દિવસથી શ્રી ઠાકુરજીને ચંદન સમર્પવામાં આવે છે.  આધિદૈવિક ચંદનએ શ્રી સ્વામિનીજીના ભાવથી સમર્પાય છે.  ઉષ્ણઋતુમાં વ્રજના લતા પતા, વનરાઇ, કુંજ નિકુંજનાં વૃક્ષો, યુગલ સ્વરૂપના શ્રમને દુર કરવા માટે ચંદન સૌરભનો અભિષેક કરે છે.  ભૌતિક રૂપે ચંદનને શીલા પર ગુલાબજળ સાથે લસોટીને તેની ગોળીઓ બનાવીને શ્રીપ્રભુના શ્રીઅંગ પર લગાવાય છે.  આ ઉપરાંત ફૂલોમાંથી બનાવેલા શૃંગાર, કનક ટિપારો શ્રી પ્રભુને ધારણ કરાવાય છે.  અક્ષય તૃતીયાથી રથયાત્રા સુધી માટીના કુંજા શ્રીજીબાવા પાસે મૂકવામાં આવે છે.

 

 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન: પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીમતી પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli