મજહબ (ધર્મ) અને મા-બાપ ખુદાની દેણ છે …

મજહબ (ધર્મ) અને મા-બાપ ખુદાની દેણ છે …

–     ડૉ. મહેબૂબ દેસાઈ  (રાહે રોશન)

 

 
dharm.1
 

 
એ દિવસે લગભગ છ વાગ્યે ઓફિસમાંથી ઘરે જવા હું પગથિયા ઊતરી રહ્યો હતો.  એક ૩૫-૪૦ વર્ષની વ્યક્તિએ મારી સામે આવી મને પૂછ્યું.  “આપ મહબૂબ દેસાઈ છો ?’

 

‘હા’ મેં ટૂંકો જવાબ આપ્યો.

 

‘હુ આપની  સાથે થોડી વાત કરવા માંગુ છું. કરી શકું ?

 

‘ચોક્કસ’

 

એટલું કહી, ઓફીસ બંધ થઇ હોઈ હું તેમને મારી કાર સુધી દોરી ગયો.  ચાલતાં ચાલતાં તેમણે મને પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘હું બી.કોમ. ’ભણેલો છું.  શેર બજારમાં શેર લે-વેચનું કામ કરું છું.  કેટલાક સમયથી મને ધર્મ પરિવર્તન કરવાના અજીબ વિચારો આવે છે.  અને હું બેબાકળો બની જાઉં છું.  આપના સર્વધર્મ સમભાવના સંતુલિત વિચારો મેં વાંચ્યા છે.  તેનાથી હું પ્રભાવિત થયો છું.  એટલે આ અંગે આપણું માર્ગદર્શન લેવા આવ્યો છું.’

 

હું એક નજરે એ યુવાનને જોઈ રહ્યો.  પેન્ટ, ઇનશર્ટ, બોટ, કમર પર બેલ્ટ, આંખો પર ગોલ્ડન ફ્રેમના ચશ્માં અને ચેહરા પર પ્રસરેલી મૂંઝવણ જોઈ મેં તેમને મારી કારમાં બેસાડ્યા અને પછી પૂછ્યું, ‘આવા વિચારો ક્યારથી આવે છે ?  અને ક્યારે આવે છે ?’

 

‘એ તો મને ખબર નથી.  પણ આવા વિચારો મારું સુખચેન હણી લે છે અને મને બેચેન કરી મૂકે છે.  મારે શું કરવું જોઈએ તેની મને કશી શામજ પડતી નથી.’
 

 
mada
 

 

‘ભાઈ, મજહબ (ધર્મ) અને મા-બાપ માનવીને ખુદાની (ઈશ્વરની) દેન છે.  તેને બદલવા એ ઈશ્વરની આજ્ઞાનું ઈલંઘન કરવા સમાન છે.’

 

યુવક એક ધ્યાને મારી વાત સાંભળી રહ્યા હતા.  એટલે મેં મારી વાતને જરા વિસ્તારથી સમજાવતાં કહ્યું, ‘ઈશ્વર કે ખુદાએ બે બાબતો પોતાની પાસે રાખી છે.

 

પ્રથમ, માનવી દુનિયામાં આવે છે ત્યારે ખુદા-ઈશ્વર તેને એક નિશ્ચિત ધર્મ કે મજહબમાં જ જન્મ આપે છે.  તેની પસંદગી માત્ર ને માત્ર ખુદા-ઈશ્વર કરે છે. તે માનવીના હાથની વાત નથી.

 

બીજું, મજહબ-ધર્મ જેમ જ મા-બાપ ઈશ્વર –ખુદા જ માનવીને આપે છે.  તેમાં માનવીની પસંદ, નાપસંદ કે ઈચ્છાને કોઈ સ્થાન નથી.  ખુદા કે ઈશ્વરના આ બે આદેશોનું આજીવન પાલન કરવાની માનવીની પવિત્ર ફરજ છે.  તેની અવગણના ઈશ્વરની આજ્ઞાનું ઉલંઘન કરવા સમાન છે.’

 

‘પણ મને ક્યારેક મારા ધર્મ સિવાય અન્યનો ધર્મ શ્રેષ્ઠ લાગે છે.  દરેક ધર્મો માનવતા અને નૈતિકતાના પ્રખર હિમાયતી છે.  પણ આપણી સમસ્યા એ છે કે આપણે આપણા ધર્મની શ્રેષ્ઠતા કે સારપને સમજવા કે પામવા જૂજ પ્રયાસ કરીએ છીએ.  અને એટલે જ જરૂરી છે આપણા જન્મદ્ત્ત ધર્મના શાંત અને એકચિત્તે અભ્યાસ અને અમલની.  કારણ કે આપ જે ધર્મમાં જન્મ્યા છો તે ધર્મ પણ દુનિયાનો શ્રેષ્ઠ અને ઉત્તમ ધર્મ જ છે.’

 

‘પણ ક્યારેક મારા મન પર શૈતાન સવાર થઇ જાય છે.  મને મારા કરતાં અન્યની વસ્તુ કે ધર્મ શ્રેષ્ઠ લાગવા માંડે છે અને ત્યારે ધર્મ પરિવર્તન જેવો વિચારો મારા મનનો કબજો લઇ લે છે.’

 

તે વ્યક્તિ ધીમે ધીમે તેમના હૃદયના દ્વાર મારી સમક્ષ ખોલી રહ્યા હતા.  તેમની સમસ્યા મારી સાથે નિખાલસભાવે ચર્ચિ રહ્યા હતા.  એટલે તેમના પ્રશ્નોનો મરી સમજ મુજબ જવાબ આપવાની મારી ફરજ હતી.  મેં કહ્યું, ‘ભાઈ, કુમાર્ગે દોરનાર શૈતાન તો દરેક ધમર અને સમાજમાં હોય છે.  અને દરેક ધર્મ તેનાથી બચવા માનવીને ઈબાદત કે ભક્તિની હિદાયત (ઉપદેશ)  આપે છે.  અલબત્ત, ઈબાદત કે ભક્તના માર્ગો દરેક ધર્મમાં જુદા જુદા છે.  પણ તેનો મકસદ શૈતાનથી દૂર રહેવાનો અને ખુદા કે ઈશ્વરની નજીક પહોંચવાનો છે.  જ્યારે પણ શૈતાન આપનાં મન –હૃદયનો કબજો લઇ લે કે લેવાનો પ્રયાસ કરે ત્યારે તમે જે ઈષ્ટદેવને માણતા હો તેનું સ્મરણ કરવા માંડો.

 

હજરત મહંમદ પયગંબર સાહેબે ફરમાવ્યું છે, ‘સમગ્ર વિશ્વનો માનવ સમાજ એક કોમ છે અને ઈશ્વર-ખુદા તેના સર્જનહાર.’  કુરાને શરીફમાં કહ્યું છે, ‘મેં (ખુદાએ) દરેક સમાજ માટે એક રાહબર (માર્ગદર્શક) મોકલ્યો છે.’

 

સૂફી સંતો હજરત શેખ નિઝામુદિન, બાબા ફરીરુદીન ગંજશકર, ખ્વાજા અજમેરી વગેરેએ પણ કહ્યું છે, ‘હર કૌમ રાત દિન, રસ્મે વ કબિલાગાહે’

 

અર્થાત્ દરેક કોમને પોતાનો એક ધર્મ હોય છે, રીવાજો અને પૂજા કરવાનું સ્થાન હોય છે.

 

‘એ નાતે તમારા ઇષ્ટદેવની તસબીહ અર્થાત્ માળા કરવા માંડો.  મને ખાતરી છે કે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી તમને શૈતાનથી અવશ્ય દૂર રાખશે.’

 

તે ભાઈ સાથેની લગભગ વીસેક મિનિટની ચર્ચાને અંતે મને લાગ્યું કે એ ભાઈના મનના ઉદ્વેગને મહદંશે ઠારવામાં હું સફળ થયો છું.  જ્યારે તેમણે મારી વિદાય લીધી ત્યારે તેમના ચહેરા પર શાતા (ઠંડક) હતી અને મુખમાં શબ્દો હતા, મહેબૂબભાઇ, તમારું વાક્ય મને ગમી ગયું ‘ મજહબ અને મા-બાપ માનવીને ઈશ્વર –ખુદાની દેણ છે.’  એ સત્ય સમજાવવા બદલ આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.  જ્યારે હું એક ઇન્સાનના મજહબી ઉદ્વેગને ઠારવાની ખુશીમાં તરબતર બની એ ભાઈને જતાં જોઈ રહ્યો.’

 

(આ ઘટના સત્ય છે.  પણ વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.)

 

 

 

સાભાર : ડૉ. મહેબૂબ દેસાઈ

www.mehboobdesai.blogpost.com

 

 

સૌજન્ય : દિવ્યભાસ્કર દૈનિક (તીર્થભૂમિ)

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.