મહાશિવરાત્રી …

મહાશિવરાત્રી …

 

 

 

 

મહાશિવરાત્રી પર્વ ની આપને   તેમજ આપના પરિવારને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ !

शैवो वा वैष्णवो वाऽपि यो वास्यादन्यपूजक: ।
सर्वं पूजाफलं हन्ति शिवरात्रिबहिर्मुखा: ॥

lord shiva.1  

 

પર્વો અને ઉત્સવોના આપણાં દેશમાં સૌથી વધુ એવા તહેવારો છે જેનો આધાર ધર્મ હોય. આપણી ભક્તિ,  સ્તુતિ,  પૂજા,અર્ચના, પ્રાર્થના વગેરે કેવળ અને કેવળ પ્રભુને કે તેમને યાદ કરતાં દિવસોને સમર્પિત થતાં હોય છે. આપણે ત્યાં ૪ રાત્રીઑ અતિ પ્રખ્યાત છે. પ્રથમ રાત્રિ તે મહાશિવરાત્રિ, બીજી તે જન્માષ્ટમીની રાત્રિ અને ત્રીજી તે નવરાત્રી, અને ચતુર્થ તે કાળીચૌદશની રાત્રી. આ ચાર રાત્રીઓમાં એક રાત્રી ભગવાન વિષ્ણુને સમર્પિત છે, બીજી રાત્રી તે માતા દુર્ગાના તમામ સ્વરૂપોને સમર્પિત છે, ત્રીજી રાત્રી તે ભગવાન વિષ્ણુ સિવાય સમસ્ત દેવગણને સમર્પિત છે, અને ચોથી રાત્રી તે ભગવાન શિવને સમર્પિત છે. એક માન્યતા એવી છે કે આ રાત્રી ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના ઉપલક્ષ્યમાં મનાવવા આવે છે. બીજી માન્યતા અનુસાર આજ દિવસે ભગવાન શિવના લિંગ અને જ્યોતિર્લીંગનો પ્રાદુર્ભાવ થયો હતો. ત્રીજી માન્યતા અનુસાર કહે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે ભગવાન શિવે રુદ્ર અવતાર લીધો હતો. શિવપુરાણમાં કહ્યું છે કે જ્યારે જ્યારે પ્રલયની વેળા આવતી હતી ત્યારે ભગવાન શિવ રુદ્ર અવતાર લઈ તાંડવ નૃત્યનો પ્રારંભ કરતાં હતા, આથી આ રાત્રીને કાલરાત્રી તરીકે ઓળખવામાં આવી છે.

lord shiva

મહાશિવરાત્રિની કથા:- મહાવદ ચૌદસને દિવસે આવતો આ તહેવાર માનવને શિવત્વના બોધ સાથે શિવ બનવાની પ્રેરણા આપે છે. આ દિવસ પારધી જેવા ક્રૂર શિકારીના હૃદયપરીવર્તનની યાદ આપાવે છે. હરણાઓના વચન પર વિશ્વાસ રાખીને તે તેમના પરિવારને મળવા દેવા માટે જવા દે છે અને પોતે હરણાંઓની રાહ જોતો આખી રાત બિલીના વૃક્ષ ઉપર ભૂખ્યો તરસ્યો બેસી રહે છે. આખા દિવસનો ઉપવાસ, રાતભરનું જાગરણ, અને હરણોની રાહ જોતા  જાગવા માટે બીલીપત્રો તોડી તોડી નીચે નાખતા જવાથી વૃક્ષ નીચે રહેલ શિવલિંગનું અનાયાસે થયેલું પૂજન – આ બધી જ વાતો એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે. સવાર પડતાં જ સહપરિવાર આવેલ હરણોને કારણે શિકારીના હૃદયનું પરીવર્તન થઈ જાય છે જેને કારણે તે શિકારીમાં શિવત્વ પ્રગટ થાય છે.   

ભગવાન શિવનું સ્વરૂપ:- નંદી નામના બૈલ ઉપર બિરાજનારા, ભૂત-પિશાચ, રાક્ષસગણથી ઘેરાયેલ ભગવાન શિવનું રૂપ ક્યારેક અતિ સૌમ્ય અને ક્યારેક અતિ રહસ્યમય રહ્યું છે. તન ઉપર જીવોના દેહની ભસ્મ, ગળામાં સર્પોનો હાર અને મુંડમાળા,રુદ્રાક્ષના પારાઓનો શૃંગાર, અને ત્રીનેત્રધારી, કંઠમાં વિષ, જટાઑમાં જગત તારિણી અને જગત જનની ગંગાજી, મસ્તક ઉપર બિરાજી રહેલ ચંદ્ર, હાથમાં ત્રિશુળ અને ડમરુ, શરીરને ઢાંકતું વાઘ્રામ્બરને ધારણ કરનારા ભગવાન શિવના આ તમામ પ્રતીકો હંમેશા અજબ માનવામાં આવ્યાં છે. 

ભગવાન શિવના પ્રતીકોનો અર્થ:- ભગવાન શિવ હિમાચ્છાદિત ધવલ ગિરિશૃંગ (કૈલાસ શિખર) ઉપર બિરાજી રહ્યા છે. ભગવાન શિવની આ બેઠક દર્શાવે છે કે જ્ઞાનને ઉપાર્જિત કરનારા અને જ્ઞાનીઓની હરોળમાં બેસનારા વિદ્વાનોનું ચારિત્ત્ર્ય શુભ્ર ધવલ (શુધ્ધ અને પવિત્ર) હોવું જોઈએ અને તેની બેઠક વિશુધ્ધ હોવી જોઈએ. શિવ ઉત્તગ ગિરિશૃંગ પર બિરાજી રહ્યા છે આ ઉત્તગ ગિરિશૃંગ આપણને સમજાવે છે કે જીવનમાં કલ્યાણની ગતિ પામતા પૂર્વે જીવે પોતાના આચાર, વિચાર, વ્યવહાર અને વાણી દ્વારા જીવન રૂપી શિખરના કપરા માર્ગ ઉપર ચઢવું જોઈએ અને આ જીવન રૂપી શિખર ઉપર પહોંચતા પહોંચતા જે કોઈ મુશ્કેલીઓ આવે તેને પોતાની સમજણથી દૂર કરવી જોઈએ.  કૈલાસ શિખર એ પણ સમજાવે છે કે જ્યાં સુધી જીવ શિવત્વને પામવા માટે કઠિન સાધના નહીં કરે ત્યાં સુધી તે કૈલાસ રૂપી ઉચ્ચતમ શિખરને પામી શકતો નથી.

ભગવાન શિવનું ત્રીનેત્રધારી છે. ત્રીજા નેત્ર દ્વારા શિવે કામદહન કર્યું હતું. ભગવદ્ગીતામાં કહે છે કે ज्ञानाग्निः सर्व कर्माणि भस्मसात् कुरुतेतथा । અર્થાત્ કર્મનું બીજ કામના છે તેથી કામના રૂપી વાસના બળી ગયા પછી જીવોને કર્મો કનડતા નથી. આથી જ શિવ કહે છે કે સાચો જ્ઞાની એ છે કે જે પોતાના જ્ઞાનથી કામના રૂપી વાસનાને બાળી નાખે છે. 

શિવપુરાણમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુએ કમળપૂજા દરમ્યાન એક કમળ ઓછું પડતાં પોતાનું એક નેત્રકમળ ભગવાન શિવના ચરણમાં ધરી દીધું હતું. શિવ પુરાણનું આ વાક્ય કહે છે કે ભગવાન શિવ જ્ઞાનનું રૂપક અને ભગવાન વિષ્ણુએ પ્રેમનું રૂપક છે.  જગતમાં જ્ઞાન વગરનો પ્રેમ અને પ્રેમ વગરનું જ્ઞાન બંને અધૂરા છે.  જે જીવ પાસે પ્રેમ અને જ્ઞાનનું સુભગ સમન્વય હોય તેજ જીવનના ઔદાર્ય રૂપી સૌંદર્યને પૂર્ણ રીતે માણી શકે છે.

ભગવાન શિવનું ત્રીજું પ્રતિક તે ભસ્મ છે. જેમ પોતાના ભક્તોના ચરણોની રજ બાલકૃષ્ણ પોતાના ચરણો પર લઈ તે ચરણનો અંગુઠો ચૂસે છે તે જ રીતે શિવ પણ કહે છે કે મારા ભક્તજીવોની ભસ્મ એ મારે માટે ચરણામૃત સમાન છે. પણ આ ચરણામૃતને મુખમાં મૂકી શકતો નથી તેને હું મારા તન ઉપર લગાવી પવિત્ર થઈ જાઉં છુ.

ભગવાન શિવનું ચતુર્થ પ્રતિક તે મુંડમાળા છે. આ પ્રતિક વડે પ્રભુ કહે છે કે જેમ મારે માટે મારા ભક્તોની ભસ્મ અમૂલ્ય છે તેમ મારા ભક્તોના વિવિધ જન્મોના અવશેષને પણ હું સાચવું છુ કે જેથી કરીને મારા ભક્તો સદાયે મારા હૃદયની નજીક રહે. બીજી માન્યતા અનુસાર ભગવાન શિવે ધારણ કરેલ આ મુંડમાળા તે માતા પાર્વતીએ લીધેલા વિવિધ જન્મના પ્રતિકરૂપ છે.

પ્રભુનું પંચમ પ્રતિક ત્રિશૂળ છે. આ પ્રતિક વડે પ્રભુ કહે છે કે મારા સજ્જન સમાન નિજજનોની હું ત્રિશૂળ વડે રક્ષા કરું છુ અને દુર્જનોને ભય પમાડું છુ.

પ્રભુનું ૬ઠ્ઠું પ્રતિક તે ડમરુ છે. પ્રભુનું આ વાદ્ય તે સંગીતનું પ્રતિક છે. એક દંતકથા અનુસાર કહે છે કે મહર્ષિ પાણિનીને ડમરુના સ્વરમાંથી વ્યાકરણના બીજમંત્રો મળ્યાં હતાં.

પ્રભુનું સાતમું પ્રતિક તે સર્પમાળા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન શિવની જેમ ભગવાન વિષ્ણુને પણ સર્પ સાથે સંબંધ છે. પણ ભગવાન વિષ્ણુનો સર્પ તે કાળનું સ્વરૂપ છે જ્યારે ભગવાન શિવનો સર્પ તે કામ,  ક્રોધ,  મદ,  મોહ, અસૂયા, મત્સર વગેરે  વિષયોના પ્રતિકરૂપ છે. શાસ્ત્રો કહે છે કે વિવિધ વિષયો સાથેનો જીવ દરેક સમાજમાં રહે છે પરંતુ આ દોષોથી ભરેલા જીવ પાસેથી જે સમજણભર્યું કામ લે છે તેજ જ્ઞાની અને વિદ્વાન છે.

ભગવાન શિવે કંઠમાં વિષ ધારણ કર્યું હોવાથી તેમનો વર્ણ નીલો પડી ગયો છે આ નીલકંઠધારી શિવનું આઠમું પ્રતિક તે વિષ છે. જ્યારે સમુદ્રમંથનની પ્રક્રિયા કરવામાં આવી ત્યારે તેમાંથી નીકળેલા રત્નોને બધા સૂર-અસૂરોએ લીધા પણ જ્યારે કાલકૂટ વિષ નિકળ્યું ત્યારે તે કોઈ ન લઈ શક્યું. જેને લેવા માટે સૂર-અસૂર ન લઈ શક્યા તે હળાહળ વિષને ભગવાન શિવે લઈ કંઠમાં ધારણ કર્યું. પ્રભુનું આ સ્વરૂપ માનવસમાજને શીખવે છે કે કલ્યાણનું કામ કરવા ઇચ્છતા પ્રત્યેક મનુષ્યએ સતત કડવા ઘૂંટ રૂપી વિષનું પાન કરવાની આદત રાખવી જોઈએ.

વિષની જેમ ભગવાન શિવે બીજચંદ્રને પણ મસ્તક પર ધારણ કર્યો છે ભગવાન શિવનું આ પ્રતિક સમજાવે છે કે બીજચંદ્ર કે કર્તૃત્વ અને કર્મયોગનું પ્રતિક છે.

ભગવાન શિવ રુદ્રાક્ષ ને ધારણ કરે છે. ભગવાન શિવના મસ્તક ઉપરથી વહેતી ગંગા તે જ્ઞાનનું પ્રતિક છે. તેથી આપણે ત્યાં કહેવત પડી છે કે વિદ્વાનોના મસ્તક ઉપરથી જ્ઞાનની ગંગા વહેતી હોય છે.

શિવપુરાણમાં ભૃગુ મુનિ કહે છે કે શિવ જેમ દોષરૂપી વિષયોનું દમન કરી પોતાના હસ્તમાં રાખે છે તેમ શિવ બીજાના ગુણોની સરાહના કરી પોતાને મસ્તકે ચઢાવે છે. ભગવાન શિવના અન્ય પ્રતિકોમાં કૂર્મ,  નંદીબૈલ,  જલધારી, ભાંગ અને ધતૂરો છે.  શિવમંદિરમાં જતાં જ કૂર્મ અને નંદી બંનેના પ્રથમ દર્શન થાય છે અને ગર્ભગૃહની અંદર પ્રવેશતા ત્રીજા દર્શન જલધારીના થાય છે જે પોતાના જલનો ધીમો ધીરો અભિષેક ભગવાન શિવના લિંગ ઉપર કરતું હોય છે.

જલધારીનું પ્રતિક જીવોને સતત સત્કર્મ માટે કર્મશીલ બની રહેવાનુ સૂચન કરે છે. જ્યારે કૂર્મ તે ઇન્દ્રીઑના નિગ્રહ અને સંયમનું પ્રતિક છે. ભગવદ્ગીતાની દૃષ્ટિએ ધીમી ગતિએ ચાલતો કૂર્મ તે સ્થિતપ્રજ્ઞ જ્ઞાનીનું અને સાધનાનું પ્રતિક છે.

કૂર્મનું આ પ્રતીક સમજાવે છે કે શિવ પાસે જતાં પૂર્વે જીવોએ પોતાનું જીવન સંયમી બનાવવું જોઈએ અને ઇન્દ્રિયોને વિષયોના ગુલામ બનતી અટકાવવી જોઈએ.

જેની ઉપર શિવ બિરાજમાન થાય છે તે નંદી બૈલ તે જેમ શિવ અને શિવત્વને વહન કરે કરે છે તેમ જીવ પણ જ્ઞાનનો સાચો વાહક બને તો નંદિની જેમ જીવનું વિશ્વમાં પૂજન થાય છે તે વાત સમજાવે છે. 

એક તરફ તાંડવ કરનારા ભગવાન શિવને જ્યાં રુદ્ર તરીકે ઓળખવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ ભગવાન શિવને ભોળાનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી જ ભક્તો તરફથી ભાવથી ધરાતો ધતૂરો અને ભાંગનો પ્રસાદ ભગવાન શિવને માટે હંમેશા આજ વસ્તુઓ મહામૂલ્યવાન રહી છે. જેને સમાજ નકારે છે તેવી વસ્તુઓએ સ્વીકારી ભગવાન શિવ દર્શાવે છે કે દોષથી ભરેલ જે કોઈ વસ્તુ કે જીવ મારી પાસે ભાવથી આવે છે તેમના દોષને હું નથી જોતો હું બસ તેને અપનાવી લઉં છુ.

સંતો કહે છે કે ભગવાન શિવની આજ ભાવના એકસમતાનો ભાવ દર્શાવે છે. પુરાણોમાં માસિક શિવરાત્રિ, આદિ શિવરાત્રિ, નિત્ય શિવરાત્રિ અને મહાશિવરાત્રિ એમ ચાર પ્રકારની શિવરાત્રિનો ઉલ્લેખ કર્યો છે.

ઈશાન સંહિતામાં કહ્યું છે કે ‘शिवलिंगतयोद्भूत: कोटिसूर्यसमप्रभ: ‘ કોટિ કોટિ સૂર્ય સમાન દીસતા ભગવાન શિવ સંહાર શક્તિ અને તમોગુણના અધિષ્ઠાતા દેવ છે. જે નિરંતર ભક્તોનું મંગલ અને કલ્યાણ કરે છે.

પુરાણો, સંહિતા ઉપરાંત પ્રત્યેક યુગમાં અવતરિત ઋષિમુનિઓએ મહાશિવનો મહિમા ગાતા કહ્યું છે કે હાથથી,  પગથી,  વાણીથી, તનથી, નેત્રોથી, મન-વચન-કર્મથી અમે જે કોઈ અપરાધ કર્યા હોય તે સર્વ અપરાધો માટે કરુણાસાગર શ્રી શિવશંભો અમને ક્ષમા આપી અમને સૌભાગ્ય પ્રદાન કરે.

 

‘कर-चरणकृतं वाक्कायजं कर्मजं वा
श्रवणनयनजं वा मानसं वापराधम,
विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व,
जय-जय करुणाब्धे, श्री महादेव शम्भो॥’

 

 

સાભાર સૌજન્ય : પૂર્વીબેન મોદી મલકાણ (યુએસએ)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.