શ્રીનાથજીબાવાના પ્રાકટ્યનો ઇતિહાસ …

શ્રીનાથજીબાવાના પ્રાકટ્યનો ઇતિહાસ  …

 

shrinath.1

જ્યાં સદાયે ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય નૂતન અને અનુપમ લીલા થયા કરે છે તે વ્રજભૂમિમાં  વિક્રમસંવત ૧૪૬૬માં અને ઇ.સ ૧૪૦૯માં શ્રીનાથજીબાવાનું પ્રાકટ્ય થયું. ઇતિહાસ કહે છે કે શ્રવણ નક્ષત્રમાં શ્રી ગિરિરાજજીના મધ્ય શિખર (દેવ શિખર)ની એક કંદરામાંથી શ્યામસુંદર નિકુંજ નાયક ગોવર્ધનધર શ્રીનાથજીની વામ (ડાબી) ઉર્ધ્વ (ઊંચી થયેલી) ભુજાનું એ પ્રાકટય થયું હતું. સોળ દિવસ પછી  શ્રાવણ સુદ પાંચમને (નાગપંચમીને) દિવસે પોતાની ખોવાયેલી ગાયને શોધવા નીકળેલા એક વ્રજવાસીએ આ ઉર્ધ્વભુજાના દર્શન કર્યા. તેણે બીજા વ્રજવાસીઓને બોલાવ્યા. સૌ વ્રજવાસીઓએ આ ઉર્ધ્વભુજાના દર્શન કર્યાએ વ્રજવાસીઓમાંથી એક વૃધ્ધ વ્રજવાસીને ભગવત્પ્રેરણા થતાં એણે સૌને સમજાવ્યા કે સારસ્વત કલ્પમાં શ્રી ગોવર્ધનલીલાને સમયે જ્યારે ઇન્દ્રના કોપરૂપી મુશળધાર વર્ષા અને પ્રલયમાંથી ઉગારવા માટે શ્રી કૃષ્ણએ સાત દિવસ સુધી પોતાની જે ભુજા પર શ્રી ગિરિરાજજીને ધારણ કરીને રાખ્યા હતા અને પછી વ્રજવાસીઓએ ભેગા મળીને જે ભુજાનું પૂજન કરી ભોગ ધરાવ્યો હતો એ જ આજ ભુજા છે. આપણું અહોભાગ્ય છે કે આજે એ દેવભુજા ફરી પ્રગટ થઈ છે પરંતુ જ્યાં સુધી એ દેવ સ્વયં ઈચ્છા કરીને બહાર ન પધારે ત્યાં સુધી આપણે આ ભુજાનું પૂજન કરીને એને ભોગ ધારવવો જોઈએ. સૌ વ્રજવાસીઓને આ વૃધ્ધ વ્રજવાસીની વાત રુચિ ગઈ અને તેમણે દૂધ, ચંદન, કેસર, પુષ્પ, તુલસીપત્રથી એ ભુજાનો અભિષેક કર્યો અને માખણ મિસરીનો ભોગ ધરાવ્યો. પ્રતિવર્ષ નાગપંચમીને દિવસે વ્રજવાસીઓ ત્યાં મેળો ભરતા હતા. ઉર્ધ્વભુજાનો પૂજનનો પ્રકાર વિ.સં.૧૫૩૫ સુધી એટ્લે કે ૬૯ વર્ષ ચાલ્યો.

shriji poster.1

૬૯ વર્ષ પછી એક વ્રજના જમનાવતા ગામમાં ધર્મદાસ નામના ગોરવા ક્ષત્રિયની એક ઘૂમર ગાય રોજ સંધ્યા સમયે ધણથી છૂટી પડી જાય અને ગિરિરાજ ઉપર ચડી જાય. થોડીવાર એક શિલા પાસે ઊભી રહે અને પછી નીચે ઉતરીને બીજી ગાયોની પાછળ પાછળ પોતાના વાડામાં પ્રવેશી જાય. આ વાતની ધર્મદાસને ખબર ન હતી. એક દિવસ એ ગાય ઘણીવાર સુધી પાછી ન આવી ત્યારે ધર્મદાસને લાગ્યું કે તેની ગાય ગિરિરાજ પર્વત પર ખોવાઈ ગઈ છે. આથી તેણે પોતાના દશ વર્ષીય ભત્રીજા કુંભનદાસને કહ્યું “ કુંભના બેગી મેરે સાથ ચલ, ઘૂમર ગાય અબહુ નાંય લોટી? આ સાંભળી કુંભનો કાકાની સાથે ગાઈને શોધવા ગિરિરાજજી ઉપર ચડ્યા. બંને શોધતા શોધતા જ્યાં ગાય હતી ત્યાં આવ્યા. તેમણે જોયું કે ગાયના થાનમાંથી દૂધની ધારા આપમેળે શિલાની અંદર વહી રહી છે ત્યારે બંનેને અત્યંત આશ્ચર્ય થયું.

તેમણે ગાયને ઘરે લઈ જવા માટે ખૂબ ડચકારી, પૂછડું આમળ્યું, પણ ગાય એક તસુ પણ ખસી નહીં. એ જ સમયે ધર્મદાસને એક સુંદર અવાજ સંભળાયો. તે અવાજે ધર્મદાસને કહ્યું કે ૬ મહિના પૂર્વે આન્યોર ગામના સદુપાંડેની એક ગાય મને રોજ દૂધ પીવડાવી જતી હતી તે ગાય વસૂકી જતાં તમારી ગાય હવે મને દૂધ પીવડાવવા આવે છે. ધર્મદાસ આપ આ ગાય સદુપાંડેના વાડામાં મૂકી આવો. શિલાની નીચેથી આવેલા એ અવાજમાં એટલું માધુર્ય હતું કે ધર્મદાસ ના કહી જ ન શક્યાં. નીચે ઉતરતા જ તે ગાયને લઈ સદુપાંડેના ઘરે જઈ ગાય સોંપી દીધી. સદુપાંડેને ત્યાં ગયા પછી પણ તે ગાય નિત્ય પર્વત પર ચડી જાતી અને દૂધનો સ્ત્રાવ કરી પાછી આવી જતી હતી. ગાયને દોહનારો ગોવાળ રોજ વિચારે કે આ ગાય દૂધ કેમ ઓછું આપે છે ? ને સાંજ પડતાં તે ગાય ક્યાં જતી રહે છે? તેથી એક દિવસ ગોવાળ ગાયની પાછળ પાછળ ગયો. તેણે જોયું કે એક શિલા ઉપર ગાય દૂધ સ્ત્રાવી રહી છે ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થયું. તેણે જઈને સદુપાંડેને કહ્યું. સદુપાંડેએ પોતાના ભાઈ માણેકચંદ પાંડે અને બીજા વ્રજવાસીઓ સાથે ગાયની પાછળ જઈ આ કૌતુક જોયું. જ્યારે ગાય સ્ત્રાવીને ખસી ગઈ ત્યારે વ્રજવાસીઓએ બળપૂર્વક શિલા ખસેડીને જોયું કે નીચે ગિરિકંદરામાં એક સાતેક વર્ષનો બાળક ખેલી રહ્યો છે. સદુપાંડેએ તે બાળકને પૂછ્યું કે તું કોણ છે? ત્યારે તેણે કહ્યું કે તે આ પર્વતનો દેવતા “ગોવર્ધનનાથ દેવદમન” છે. સદુપાંડેએ પૂછ્યું કે તું બહાર કેમ નથી નીકળતો? ત્યારે દેવદમને કહ્યું કે મારે પ્રગટ થવાને થોડા વર્ષોની વાર છે. મને સંપૂર્ણપણે પ્રગટ કરાવનાર જ્યારે અહીં આવશે ત્યારે હું પ્રગટ થઈશ. ત્યારબાદ દેવદમને સદુપાંડેની પત્ની ભવાની અને પુત્રી નરોને આજ્ઞા કરી કે તેઓ નિત્ય ગિરિરાજ ઉપર ઘુમર ગાય સાથે આવે જેથી દેવદમન નરો સાથે ખેલી શકે. દેવદમનના મુખારવિંદને જે દિવસે વ્રજવાસીઓએ જોયું તે દિવસ ચૈત્ર વદ અગિયારસ, અભિજિત નક્ષત્ર અને રવિવારનો દિવસ હતો. આ પ્રસંગ  વિ.સં ૧૫૩૫ અને ઇ.સ ૧૪૭૯માં બન્યો.

વ્રજવાસીઓને પર્વતના દેવે મુખારવિંદ બતાવ્યાને ૧૪ વર્ષ પૂરા થયા હતા. વિ.સં ૧૫૪૯ (ઇ.સ ૧૪૯૩) શ્રાવણ શુક્લ એકાદશીને ગુરુવારે ઝારખંડમાં રહેલા શ્રી વલ્લભ પાસે દેવદમન ગોવર્ધનનાથજી પ્રગટ થયા અને તેમને દર્શન દઈ આજ્ઞા કરી કે “હે શ્રી વલ્લભ અમે શ્રી દેવદમનના રૂપથી વ્રજમાં શ્રી ગિરિરાજજીની કંદરામાં ઘણા વર્ષોથી બિરાજીએ છીએ. હવે સર્વે વ્રજવાસીઓ અમારા સંપૂર્ણ પ્રાગટ્યની ને અમે આપના પધારવાની રાહ જોઈ રહ્યા છીએ, માટે આપ બેગીથી વ્રજમાં આવો અને મને અને અમારી સેવાના પ્રકારને પ્રગટ કરો. શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞા થતાં જ પાંચ મહિનાની યાત્રા બાદ શ્રી વલ્લભ પોતાના પાંચ સેવકો સાથે વ્રજના આન્યોર ગામમાં સદુપાંડેને ત્યાં પધાર્યા, અને તેમના ઘરના ઓટલા પર બિરાજયાં. શ્રી વલ્લભના તેજથી પ્રભાવિત થઈ સદુપાંડે સહિત સર્વે વ્રજવાસીઓ આચાર્યચરણ શ્રી વલ્લભના સેવક થયા. રાત્રિના સમયે સદુ પાંડેએ શ્રી ગોવર્ધનનાથ દેવદમનના પ્રાગટ્યની કથા કહી.

શ્રી વલ્લભે પ્રાતઃકાળ દેવદમન ગોવર્ધનનાથના દર્શન કરવા માટે શ્રી ગિરિરાજજી પર પધારવાનુ નક્કી કર્યું. બીજે દિવસે પ્રાતઃકાળમાં શ્રી વલ્લભ સર્વે વ્રજવાસીઓ અને તેમના સેવકો સાથે ગિરિરાજજીની તળેટી પાસે પધાર્યા ત્યારે તેમણે સર્વપ્રથમ શ્રી હરિદાસવર્ય ગિરિરાજજીને પ્રભુનુ સ્વરૂપ માનીને દંડવત પ્રણામ કર્યા. ત્યારપછી તેમણે તેમની પાસેથી આજ્ઞા લઈ ગિરિરાજજી ઉપર ધીરે ધીરે ચડવાનુ ચાલું કર્યું. શ્રી વલ્લભની પાછળ પાછળ સદુપાંડે પણ હતા. સદુપાંડેએ દૂરથી દેવદમનજીનાં પ્રાકટ્યનુ સ્થળ બતાવ્યું ત્યારે શ્રી વલ્લભના નેત્રોમાથી હર્ષના અને પ્રભુના વિરહની વિરહાગ્નિ અશ્રુઑરૂપે વહી રહ્યા. તે જ સમયે શ્રી વલ્લભને દૂરથી જોતાં જ કંદરામાંથી મોરમુકુટ ધારણ કરેલા અને પીળા પીતાંબર પહેરેલા દેવદમનપ્રભુ દોડીને આવ્યા અને શ્રી વલ્લભને પોતાના આલિંગનમાં લઈ લીધા. પોતાના આરાધ્યને જોઈને હર્ષિત થયેલા શ્રી વલ્લભે પણ દેવદમનજીને આલિંગનમાં લઈ લીધા. શ્રી ઠાકુરજી અને આચાર્યચરણ શ્રી વલ્લભના પરસ્પરના આલિંગન રૂપી અલૌકિક લીલા જોઈને સૌ વ્રજવાસીઑ ધન્ય બની ગયા. વ્રજાધિશ શ્રી દેવદમને શ્રીવલ્લભને આજ્ઞા કરીકે હવે આપ અમારા માટે મંદિર સિધ્ધ કરો અને અમારી સેવાનો પ્રકાર પ્રારંભ કરાવો. શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞાને શિરોધાર્ય કરીને શ્રી વલ્લભે ગિરિરાજજી ઉપર ઘાસફૂસનુ એક નાનકડું મંદિર સિધ્ધ કર્યું અને પછી તેમાં શ્રી ગોવર્ધનનાથજીને પધરાવ્યા.

ત્યાર પછી તેમણે શ્રી ઠાકુરજીને મોરચંદ્રિકા યુક્ત મુકુટ એવં ગુંજામાલાનો શૃંગાર કર્યો. ત્યારપછી આપશ્રી વલ્લભે રામદાસ ચૌહાણને ગોવર્ધનનાથજીની સેવા કરવાની આજ્ઞા કરી. આચાર્ય ચરણની આજ્ઞા સાંભળીને રામદાસ ચૌહાણે કહ્યું કે સેવા કેવી રીતે કરવી તે વિષે હું જાણતો નથી ત્યારે આચાર્ય ચરણે કહ્યું કે આપ ચિંતા ન કરો સ્વયં શ્રી ગોવર્ધનનાથ આપને શીખવશે. આ પ્રસંગ બન્યા બાદ થોડા દિવસ પછી શ્રી ગોવર્ધનનાથજીની ઈચ્છા જાણીને શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પાકું શિખર બંધ મંદિર સિધ્ધ કરવાનું નક્કી કર્યું. ત્યારે પુરણમલ્લ ખત્રીએ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર ગિરિરાજજી ઉપર વિશાળ મંદિરનુ નિર્માણ કર્યું પૂરણમલ્લજી નિર્મિત આ મંદિર ૨૦ વર્ષે એટ્લે કે ૧૫૨૦માં તૈયાર થયું. ત્યાર પછી વૈશાખ શુક્લ ત્રીજ અક્ષય તૃતીયાને દિવસે (બીજી માન્યતા પ્રમાણે મહાવદ સપ્તમીને દિવસે) શ્રી વલ્લભે શ્રી ગોવર્ધનનાથજીને પાટ ઉપર બેસાડી સેવાનો પ્રકાર સિધ્ધ કર્યો તે દિવસ શ્રીનાથજીનો પાટોત્સવ તરીકે પ્રખ્યાત થયો. આ પાટોત્સવ બાદ શ્રી ગોવર્ધનનાથજીની સેવાનું દાયિત્વ શ્રી વલ્લભનાં ગુરુ શ્રી માધ્વાચાર્યજીને (માધ્વેન્દ્રપુરી) સોંપવામાં આવ્યું …

જ્યારે શ્રી ગોવર્ધનનાથજી સિંહાડ પધાર્યા ત્યારે ઇ.સ ૧૬૭૨ માં મહા વદ સપ્તમીને શનિવારને દિવસે અજબબાઈની કોટડીએ બિરાજયાં. જ્યાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજયાં તે સ્થળે સમયાંતરે ગામ વસવા લાગ્યું અને તેનુ નામ “નાથદ્વારા” રાખવામાં આવ્યું. જ્યાં સુધી દેવદમન વ્રજમાં બિરાજી રહ્યા હતા ત્યાં સુધી તેઓ ગોવર્ધનનાથ દેવદમનજી તરીકે જ ઓળખાયા પણ રાજસ્થાનના સિંહાડમાં બિરાજયા બાદ ગોવર્ધનનાથજી શ્રીજીબાવા અને શ્રીનાથજીબાવા તરીકે વધુ પ્રસિધ્ધ થયાં. દેવદમનજીને શ્રી વિઠ્ઠલેશનંદન શ્રી ગોકુલનાથજી શ્રીજીબાવા અને શ્રીનાથજીબાવા તરીકે સંબોધિત કરતા હતાં.   કારણ કે શ્રીનાથજીમાં શ્રી શબ્દ તે શ્રી લક્ષ્મીવાચક અને રાધાપરક છે. નાથ અર્થાત સ્વામી. જે લક્ષ્મી સ્વરૂપા શ્રી રાધાજીના સ્વામી છે તે શ્રીનાથજી છે. શ્રી અર્થાત લક્ષ્મી…. વ્રજની લક્ષ્મી તે વ્રજની પ્રેમભાવથી યુક્ત વ્રજનારીઓ છે. જે કૃષ્ણ પ્રેમમાં તરબોળ થયેલી છે તે વ્રજનારીઓના સ્વામી તે શ્રી નાથજી કે શ્રીજી બાવા છે. વ્રજનારીઓના અને શ્રી રાધાજીના સ્વામી એવા શ્રીજીબાવા તે શ્રીનાથજીબાવા જ છે અર્થાત સર્વે ભક્તોના સ્વામી છે નાથ છે.

 

 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’  પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.