ઝાકળ બન્યું મોતી- …

ઝાકળ બન્યું મોતી- …

– કુમારપાળ દેસાઇ

 

કૃષ્ણની હાજરીમાં અર્જુનનો રથ ભસ્મીભૂત થયો ! …

 

 

 

krishna arjun sanwad

 

 

પાંડવો અને કૌરવો વચ્ચે કુરુક્ષેત્રના મેદાન પર ખેલાયેલું મહાયુદ્ધ પૂર્ણ થયું. એ પછી ગદાયુદ્ધમાં દુર્યોધનને ભીમસેને હણી નાખ્યો. પાંડવો પોતાની છાવણી તરફ જવા નીકળ્યા, ત્યારે માર્ગમાં કૌરવોની છાવણી આવી. પાંડવોએ એમનો રથ ત્યાં અટકાવ્યો અને ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું, ‘‘પાર્થ, તારા ધનુષ્ય-બાણ લઈને પહેલાં તું રથમાંથી નીચે ઉતર પછી હું ઉતરીશ.’’ શ્રીકૃષ્ણનાં વચનો સાંભળતા અર્જુનને પારાવાર આશ્ચર્ય થયું. કારણ કે અત્યાર સુધી રથમાંથી પ્રથમ શ્રીકૃષ્ણ ઉતરતા હતા અને પછી અર્જુન ઉતરતો હતો. આજે શ્રીકૃષ્ણે આવું કેમ કહ્યું હશે !

 

ગુરુ શિષ્યની આજ્ઞાનું અનુસરણ કરે, એ રીતે અર્જુન પહેલા રથમાંથી નીચે ઊતર્યો પછી શ્રીકૃષ્ણએ નીચે ધરતી પર પગ મૂક્યો. એકાએક રથના પતાકાનો કપિ અદ્રશ્ય થઈ ગયો અને આખોય રથ ભડકે બળવા લાગ્યો. જોતજોતામાં તો રથના એક પછી એક ભાગ પર આગ ફેલાવા લાગી અને રથનો ઘ્વજ, ઘૂસરી, લગામ અને અશ્વ બઘું જ બળીને ખાખ થઈ ગયું.

 

પાંડવો આશ્ચર્યચકિત બની ગયા. સૌ એકીટસે રથની ચોમેર ફેલાયેલી અગ્નિ જ્વાળા જોતાં હતાં. અર્જુન તો સ્તબ્ધ થઈ ગયો. એકાએક આવુંકેમ બન્યું, એ કોઈને સમજાયું નહીં.

 

સૌની દ્રષ્ટિ ભગવાન શ્રીકૃષ્ણ તરફ ગઈ. તેઓ તો મૌન ધારણ કરીને આ ઘટના નીહાળી રહ્યા હતા. અર્જુને એમને અકળાઈને પૂછ્યું, ‘મુરારી, મારો દિવ્ય રથ આમ એકાએક ભસ્મીભૂત શા માટે થઈ ગયો ? જેના પર ઊભા રહીને મેં કુરુક્ષેત્રનો મહાસંગ્રામ જીત્યો, તે રથને એકાએક થયું શું ? યુદ્ધના મેદાનમાં બાણોની વર્ષા વચ્ચે જેને કશું થયું નહોતું, એવો રથ આવી રીતે વિનાશ પામે તે હું સમજી શક્તો નથી. હું અતિ વ્યગ્ર બન્યો છું. કૃપા કરીને મારા મનને સમાધાન આપો.’

 

શ્રીકૃષ્ણે હળવા હાસ્ય સાથે કહ્યું, ‘સવ્યસાચી, તે સંપત્તિ અગ્નિદેવની હતી, એ એણે પાછી મેળવી લીધી છે. તારો રથ તો તેના દિવ્યાસ્ત્રો સાથે ક્યારનોય બળી ગયો હતો; પરંતુ હું તેના પર બેઠો હતો, ત્યાં સુધી એ અકબંધ રહ્યો હતો. મેં ધરતી પર પગ મૂક્યો, એની સાથે બ્રહ્માસ્ત્રની દાહક શક્તિથી એ ભસ્મીભૂત થઈ ગયો. તારું યુદ્ધ કાર્ય હવે પૂર્ણ થયું છે માટે.’

 

શ્રીકૃષ્ણના ઉત્તરથી કુશાગ્ર બુદ્ધિ અર્જુનના મનનું સમાધાન થયું અને એનો ગર્ભિત અર્થ સમજાઈ ગયો. જ્યાં સુધી ભગવાન આપણા જીવનરથમાં બિરાજેલા છે, ત્યાં સુધી આપણે સંરક્ષિત છીએ. જે ક્ષણે ભગવાન રથનો ત્યાગ કરશે, એ ક્ષણે એ રથ ભડભડ બળી જશે.


સાભાર સૌજન્ય : પૂર્વીબેન મોદી મલકાણ (યુએસએ)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.