ઈન્ટરનેટ દેવ ! … (કટાક્ષિકા) …

ઈન્ટરનેટ દેવ …

 

 

મિત્રો, 

 

ઈન્ટરનેટ મહારાજ / દેવની નારાજગીને કારણે ઘણા લાંબા સમયથી અમો આપના સમ્પર્કમાં રહી શકેલ નથી, એટલું જ નહિ, કોઈપણ પ્રકારના લેખ પણ બ્લોગ પર મૂકી શક્યા નથી કે, બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનો જવાબ પણ આપી શકેલ નથી; તે બદલ અમો અંતરપૂર્વકથી ક્ષમા ચાહીએ છીએ.  આપના આરોગ્ય લક્ષી પ્રશ્નો / પ્રતિભાવના જવાબ ટૂંક સમયમાં જ આપના ઈ મેઈલ આઈ ડી પર મોકલી આપીશું.  સહકાર બદલ આભાર.

આજ રોજ આપની સમક્ષ એક હસ્તસિદ્ધ લેખક શ્રી નિરંજનભાઈ મહેતા (મુંબઈ) નો ઈન્ટરનેટ પરની કટાક્ષિકા ભરેલ એક લેખ દ્વારા ફરી આપના નિયમિત સમ્પર્કમાં રહેવા કોશિશ કરીશું.  આજના લેખ બદલ અમો શ્રી નિરંજનભાઈ મહેતા નાં સહૃદય આભારી છીએ.

જય હો! જય હો! ઈન્ટરનેટ દેવનો!

 

 

internet.1

 

 

આપ ભલે પ્રાચીન દેવ ન હો. ભલે આપનુ સ્થાન ચોર્યાશી કોટી દેવોમાં ન હોય પણ થોડા સમયમાં આપે જે લોકોમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે તે જાણીને આપનો આ સેવક આપને કોટી કોટી વંદન કરે છે.

 

બીજા બધા દેવોનુ સામ્રાજય અમુક વિસ્તાર સુધી જ સિમિત છે. જેમ કે તિરૂપતિ ભગવાન દક્ષિણમાં બીરાજે છે તો કાલકામાતા પૂર્વ ભાગમાં પ્રસ્થાપિત છે. વળી કિસન મહારાજ મહદ અંશે ઉત્તર ભારતમાં વર્ચસ્વ ધરાવે છે.

 

 
internet.2a

 

 
આ તો ભારત દેશની વાત થઈ. પણ પૃથ્વીના અન્ય ખંડોમાં પણ કાંઈક આવો પ્રકાર જોવા મળે છે. મુસ્લીમ દેશોમાં ઈસ્લામ ધર્મ તો યુરોપ અને અમેરિકા ખંડોમાં ખિ્રસ્તી ધર્મનો પ્રભાવ. વળી રશિયા તો કોઈ ભગવાનમાં ન માને!! કોઈ પણનો પ્રભાવ કે ભક્તગણ બધે જોવા નથી મળતા, જયારે આપનો પ્રભાવ અને વિસ્તાર અસિમિત છે. આપ તો સર્વવ્યાપિ છો. જયાં શિક્ષણ અને ટેકનોલોજી પહોંચી ગયા હશે ત્યાં આપના હોવાનુ અનિવાર્ય છે. થોડું ઘણું ભણેલાને આપના ભક્ત બનતા વાર નથી લાગતી. આપને અપનાવવા તેઓ ઉત્સુક હોય છે અને તક મળતાં પોતે તો ભક્ત બને છે પણ સાથે સાથે અન્યોને પણ ઘસડી લાવે છે, જે અન્ય ભગવાનો માટે સહેલું નથી.

 

આપે થોડા જ સમયમાં દુનિયાભરના લોકોમાં જે સ્થાન મેળવ્યું છે તે જોઈને દંડવત પ્રણામ કર્યા વગર નથી રહી શકતો.

 

અન્ય દેવી દેવતાઓના મંદિર કે પૂજાના સ્થાનોનો વિચાર કરતાં લાગે છે કે આપના સ્થાનો તેમના કરતાં વધુ અને ઠેર ઠેર છે. લોકોના ઘરમાં અને કાર્યાલયોમાં તો આપ બીરાજો છો પણ જયાં જયાં સાઈબર કાફે નામના સ્થાન છે ત્યાં ત્યાં આપનો વાસ નક્કી છે. જે લોકો પોતાના ઘરમાં આપની સ્થાપના નથી કરી શકતાં તેઓ આ સ્થાનમાં આવી આપની પૂજા અર્ચના કરે છે, કલાકોના કલાકો સુધી.

 

પુરાતન કાળમાં અસુરો વસતા જે ભગવાનના ભક્તોને હેરાન પરેશાન કરતાં. અર્વાચીન સમયમાં પણ આવા આસુરી તત્વો ધરાવતા લોકોની કમી નથી. તેઓ તમારા નામનો અને સ્થાનનો ગેર ઉપયોગ કરીને આપના ભોળા ભક્તોને ભરમાવે છે અને છેતરીને તેમની ધનદોલત હડપ કરી જાય છે. જો કે આવા આસુરી તત્વોને ડામવા પ્રયત્નો તો થાય છે પણ પેલી કહેવત છે ને કે જયાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે!! આવા લોકોની સંખ્યા ઓછી નથી, ભલે તે મારો દેશ હોય કે દુનિયાનો અન્ય દેશ હોય. વળી ફક્ત ધન લૂંટવા નહી પણ અન્ય કુકર્મો માટે પણ આપનો ગેર ઉપયોગ થાય છે. આપ આનાથી અજાણ નથી પણ આપ લાઈલાજ છો, આવાઓને આમ કરતાં અટકાવવા. એટલે તો હવે તમારા ભક્તોએ એવા સેવકો તૈયાર કર્યા છે જે રાત દિવસ આવા કુકર્મીઓને સફળ થતાં અટકાવી શકે. પણ તેમાં હજી પૂરેપૂરી સફળતા નથી મળી. પણ મને ખાત્રી છે કે એક દિવસ એવો આવશે જયારે તમારા નામને બટ્ટો લાગે એવા અસુરો આ દુનિયામાં નહી હોય.

 

પણ આપના ભક્તો જયારે આપનો ઉપયોગ સુકર્મો માટે કરે છે ત્યારે હું રાજી રાજી થઈ જાઉં છું, ખાસ કરીને જયારે શિક્ષણનો પ્રચાર આપના માધ્યમ દ્વારા કરાય છે. તો સંદેશની આપ લે જયારે આપના દ્વારા થાય છે ત્યારે સમયનો બચાવ થતો જોઈ આનંદિત થાઉં છું. આપના જે ભક્તોને આપની ક્ષમતાની જાણ છે અને તેને સારી રીતે વાપરી જાણે છે તેવા ભક્તો સરાહનિય છે.

પ્રભુ, આપના કારણે આજે પર્યાવરણમાં બદલાવ આવી રહયો છે તેની તો શું વાત કરૂં? આપને કારણે કાગળના વપરાશમાં ઘટાડો થઈ રહયો છે અને હજી વધુને વધુ બચાવ થતો રહેશે તેમાં કોઈ શંકા નથી. શું ઓફિસના કામમાં હોય કે અંગત કામમાં સમજદાર લોકો આપની વધુને વધુ સેવા કરે છે અને પર્યાવરણને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં પોતાનો ફાળો આપતા રહે છે.

 

આપને કારણે ટપાલખાતાનું કામકાજ ઓછું જરૂર થયું છે પણ તે છતાં તે ક્યાં પોતાનું કામ સમયસર અને પૂરેપૂરૂં કરી શકે છે? તમે ન હોત તો જનતાની શું હાલત થાત? આમ આપ તો અમારા જેવા ભક્તોના ઉદ્ધારક છો!

 

હવે તો નાના ભુલકાં પણ નાની ઉમ્મરમાં આપના ભક્ત બની ન કેવળ જ્ઞાનમાં

વધારો કરે છે પણ સાથે સાથે આનંદ પ્રમોદ માટે પણ આપને યાદ કરે છે. હા, અતિ સર્વત્ર વર્જયતે તે આમને પણ લાગુ પડે છે અને તેને કારણે તેમની આપની વધુ પડતી સેવા તેમના માતાપિતા માટે માથાનો દુખાવો બની રહે છે જેથી કરીને તેઓને તમારા સાંનિધ્યમાંથી દૂર કરવા સામ, દામ, દંડ, ભેદ જેવા ઉપાયો અજમાવવા પડે છે.

 

આપ પ્રસન્ન હો તો આપના ભક્તોને આપની સેવા કરવાથી કેટકેટલા લાભ મળે છે. પૈસાની લેવડ દેવડ, શોખની ચીજો તેમ જ ઘરની જરૂરિયાતની ચીજોને ઘર બેઠાં મેળવવી એ તો હવે રોજિંદુ થઈ ગયું છે અને આને કારણે રાત દિવસ તમારા ભક્તોની ફોજ વધતી જાય છે. આમાં પણ બનાવટ કરવાવાળા અસુરો હોય છે પણ તે અનિવાર્ય છે.

 

આપના તો ગુણગાન ગાઉં એટલા ઓછા છે. આપ થકી આપના ભક્તો દુનિયાભરમાં ખૂણે ખૂણે વસતાં સ્વજનો અને મિત્રોનો સંપર્ક ઘડીના છઠ્ઠા ભાગમાં કરી શકે છે અને પ્રત્યક્ષ વાર્તાલાપ પણ કરી શકે છે. વળી એવાય તમારા ભક્તો છે જે રાત દિવસ તમારી સેવા કરી તેમના ખોવાએલા સ્વજનોને મેળવી લે છે. વાહ દેવા, તમારું સામથ્ર્ય અપરંપાર છે. છે કોઈ અન્ય દેવતામાં આવું સામથ્ર્ય?

 

આપ તો સર્વવ્યાપી અને સર્વજ્ઞાની છો એટલે વધુ કાંઈ ન કહેતા આપને ફરી એકવાર દંડવત કરતાં હું મારી જાતને રોકી નથી શકતો.

 

જય હો ! જય હો!

 સાભાર:

નિરંજન મહેતા

 

સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

લેખકશ્રી નો પરિચય :

શ્રી નિરંજનભાઈને સાહિત્યનો શોખ નાનપણથી અને તેને કારણે ૧૯૬૮–૬૯માં બે વાર્તાઓ લખાઈ અને છપાઈ. પરંતુ ત્યાર બાદ નોકરી અને કૌટુંબિક જવાબદારીઓને કારણે સમય ન મળતા છેક ર૦૦૪માં રિટાયર થયા બાદ ફરી આ સીલસીલો ચાલુ થયો અને છેલ્લા ૧૦ વરસમાં લેખો, નવલિકા, બે–ત્રણ કવિતા, લઘુકથા મળી લગભગ ૬પ રચનાઓ પ્રકાશિત થઈ છે. (અપ્રકાશિત જુદી).

આ બધી રચનાઓ જન્મભૂમિ, મુંબઈ સમાચાર, કુમાર, નવનીત–સમર્પણ, અહા! જિંદગી (જે હવે બંધ થઈ ગયું છે), અભિયાન જેવા સામયિકોમાં પ્રગટ થઈ છે.

આજ રોજ આ પ્રથમ લેખ મોકલી ‘દાદીમા ની પોટલી’ નાં પાઠક વર્ગ સાથે જોડાવા બદલ અમો શ્રી નિરંજનભાઈ નાં અંતરપૂર્વકથી આભારી છીએ. આપ સર્વે મિત્રો સમયાંતરે તેમના અન્ય લેખ પણ અહીં માણી શકો તે માટે અમારી સદા નમ્ર કોશિશ રહેશે. આપના પ્રતિભાવ લેખ સાથે જરૂર મૂકશો. 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય  છે.