પ્રકૃતિનો દિવસ વસંત પંચમી …

પ્રકૃતિનો દિવસ વસંત પંચમી …

 

 

 vasant panchmi.1

 

 

 

 

 vasant panchmi

 

 

“ऋतुनां कुसुमाकरः કહી ભગવાન શ્રી કૃષ્ણ જેને પોતાની વિભૂતિ તરીકે ઓળખાવે છે તે વસંતના વૈભવી મહેલમાં પલાશ, ગરમાળોગુલમહોરરાતરાણીમોગરો વગેરે આવીને વસે છે, ને તેમની સુવાસ સમીર સંગે હસતી હસતી વહેતી જાય છે અને માનવીનાં મનમાં મહેંક ભરતી જાય છે. શ્રી ભગવદ્ ગીતામાં વસંત ઋતુને ઋતુઓનો રાજા કુસુમાકર કહી પોતાની વિભૂતિ માની છે. ભગવાન કૃષ્ણની જેમ આ ઋતુ માતા સરસ્વતી અને પ્રકૃતિદેવીને પણ સમર્પિત કરવામાં આવી છે. સ્વયં ભગવાન શિવે કહ્યું છે કે પૃથ્વી પરના સમસ્ત જૈવન્ય અને ચૈતન્ય માટે માતા પાર્વતી  પ્રકૃતિનું સ્વરૂપ ધારણ કરી સમગ્ર સૃષ્ટિમાં ઉર્જા, ચૈતન્ય, ઉષ્મા, સુષ્મા, દિપ્તી, કાન્તિ, આનંદ, યૌવન, સુંદરતા સૂર અને સ્વરનો સાક્ષાત્કાર કરાવે છે. વસંતઋતુને જેમ માતાપાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમ આ દિવસે ગંગાધર શિવની જટામાં રહેતી ગંગાજીનું અવતરણ પણ પૃથ્વી પર થયું હતું તેથી આ પંચમીને ગંગાપાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે સાંદીપની ઋષિને ત્યાં અભ્યાસ માટે પધારેલ કૃષ્ણ- બલરામજીએ આ દિવસે માતા સરસ્વતીનું પૂજન કરી પછી પોતાના અભ્યાસનો પ્રારંભ કર્યો હતો. ભગવાન કૃષ્ણ દ્વારા આ સરસ્વતી પૂજન જોઈ સંસારનાં વિદ્વાનોએ, કવિઓ, સંગીતકારોએ અને અભ્યાસ કરવા માટે તત્પર જિજ્ઞાસુઓએ પણ આ દિવસથી માતા સરસ્વતીનું પૂજન કરવાનો નિયમ પ્રારંભ કર્યો. 

 

વ્રજભૂમિમાં આ ઉત્સવ – વ્રજભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના આનંદ ઉમંગનાં ઉત્સવની ભાવના રૂપે અનેમદનોત્સવના રૂપમાં વિશિષ્ટ રૂપે ઉજવવામાં આવે છે. ઋતુઓનું ગર્ભાધાન ચાલીસ દિવસ પહેલા મનાય છે તેથી વસંતારંભ પણ ચાલીસ દિવસ પહેલા મનાય છે. આ ચાલીસમાંથી દસ દસ દિવસનાં ચાર યુથાધિપતિ હોય છે. પુષ્ટિ માર્ગીય પરંપરામાં ગોપીજનો ચાર પ્રકારના ભાવવાળા છે. સાત્ત્વિકરાજસતામસ અને નિર્ગુણ. દરેક પ્રકારના ભાવ પ્રમાણે ગોપીજનોના ચાર (યુથ) બને છે. હોળી ખેલનાં દસ દસ દિવસની સેવા તેથી ૪૦ દિવસ થાય. પ્રથમ દસ દિવસમાં વસંતક્રીડા ખેલ દ્વારા કામદેવનું પૂજન થાય છે અને હવેલીઓમાં આનો સૂક્ષ્મ ખેલ થાય છે. આ દિવસે રાજભોગમાં કામદેવના પણ કામદેવ એવા શ્રી ઠાકોરજી સમક્ષ આંબાના મોર, ખજુરીની ડાળ, લીલા સરસવ, જવ અને બોર આ પાચેંય વસ્તુઓ ધરવામાં આવે છે. હોળીના દિવસોની શરૂઆત વસંતપંચમીથી થાય છે, તેથી હોળાષ્ટકના દિવસો દરમ્યાન શુભ લૌકિક કાર્યો થતાં નથી. આ દિવસથી ઝાંઝ વાગવાનું શરૂં થાય છે.  વ્રજભક્તો ધમાર ગાઇને કામના રસનું ઉદ્દીપન કરે છે. વસંતપંચમીથી જ વ્રજનાં મંદિરોમાં શૃંગારમાં ગુલાલનો ઉપયોગ થવા માંડે છે. વસંત ખેલ વખતે વ્રજભક્તોનો દાસ્યભાવ ગુપ્ત રહે તે હેતુથી પ્રભુનાં ચરણારવિંદને ઢાંકી દેવાય છે. જેથી કરીને ખેલ વખતે ભક્તજનોનો સખ્યભાવ જ આગળ રહે.

  

શિવ પુરાણ અનુસાર ભગવાન શિવએ જયારે કામને બાળી નાખ્યો ત્યારે કામદેવની પત્નિ રતિ અત્યંત વિલાપ કરવા લાગીઅને તે વિલાપ કરતી કરતી ભગવાન વિષ્ણુ પાસે ગઇ. રતિનું પોતાના પતિ માટેનું રૂદન જોઇને પરમ પ્રભુ વિષ્ણુએ રતિને કહ્યું કે તારો પતિ તને દ્વારિકામાં મળશે. તે શ્રીકૃષ્ણની પત્નિ રૂક્ષ્મણીને ત્યાં પુત્ર રૂપે પ્રગટશે અને પ્રદ્યુમનના નામથી ઓળખાશે તે વખતે તું તેને ફરી તારા પતિનાં રૂપમાં પ્રાપ્ત કરશે. વસંત પંચમીને દિવસે કામદેવ અને રતિ જ્યારે દ્વારિકા લીલામાં પ્રથમવાર મળ્યાં ત્યારે તેમના થકી જીવોનાં મનમાં, હૃદયમાં અને આત્મામાં વિશુધ્ધ પ્રેમ અને આકર્ષણનો ઉદ્ભવ થયો. આજ કારણસર વસંતઋતુમાં માદકતા, અનુરાગ અને કામુકતા સંબંધી ઘણાં શારીરિક પરિવર્તન જોવા મળે છે. આ સમયમાં પક્ષીઓ માળા બનાવે છે અને તેમના ઈંડા મૂકે છે, સસલા, ઉંદર જેવા પ્રાણીઓ બચ્ચાઓને જન્મ આપે છે, વૃક્ષો પર પલ્લવીઓ અને પુષ્પો ખીલે છે, કીટકો અને ભ્રમરોનો ગુંજારવ સાંભળવા મળે છે,સૂરીલા પક્ષીઓ પોતાના સૂરો છોડે છે, ધાન્યનાં નવા અંકુર આવે છે, ઠંડીને કારણે સ્થળાંતર કરી ગયેલા પક્ષીઓ પોતાના મૂળ સ્થાને પાછા ફરે છે. લાલ, સફેદ, પીળા, કેસરી, લીલા વગેરે રંગોનું સામ્રાજ્ય વિવિધ રીતે પથરાઈ જાય છે. 

આયુર્વેદ કહે છે કે માનવે પોતાની અસ્વસ્થ પ્રકૃતિને સ્વસ્થ અને રંગબેરંગી બનાવવા માટે પ્રકૃતિનું સાનિધ્ય મેળવવું જોઈએ. કારણ કે પ્રકૃતિનાં આ છલકાયેલા સ્વરૂપમાં સરળતા, સહજતા,  સુંદરતા અને અને સ્વાસ્થ્યની મહત્તમ કડી છુપાયેલી છે. ખટ્ઋતુ મનોરથ નામનાં ગ્રંથમાં જણાવેલ છે કે પ્રકૃતિનું સૌંદર્ય જૈવન્યનાં સુખ અને દુઃખથી પરે હોય છે તેથી નિસર્ગનાં છલકાયેલા રૂપમાં પ્રભુનું સ્વરૂપ વિદ્યમાન હોય છે. પ્રકૃતિરાણીનાં સંપૂર્ણ સૌંદર્યરૂપ એવી વસંત આવતાં જ સંસારમાં આશાવાદનો પ્રારંભ થાય છે. પાનખરમાં જેમ વૃક્ષોનાં પર્ણ ખરી જાય છે તેમ જીવોનાં જીવનમાંથી નિરાશા ખરી જાય છે ત્યારે જીવનમાં વસંત રૂપી નવપલ્લવિત થાય છે. કવિઓએ કહેલું છે કે પ્રકૃતિરૂપી જીવન આખા વર્ષમાં બે વાર નવચૈતન્ય પામે છે. પ્રથમવાર જ્યારે વર્ષાનું આગમન થાય છે ત્યારે અને બીજીવાર વગર વર્ષાએ વસંત આવે ત્યારે. આથી જ કવિઓએ વસંતને આશા, સિધ્ધી, સાધના, સુંદરતાકલ્પના અને વાસ્તવિકતા રૂપ સંયોગ તરીકે ઓળખેલ છે.

  

 

 

 

ફૂલછાબમાં પ્રકાશિત ૩ ફેબ્રુઆરીએ ૨૦૧૪

 

 

 સાભાર :

પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ. 
[email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય  છે.