મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … (ભાગ-૧૩) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૬૧-૬૫) …
-મહેશ શાહ, વડોદરા …

 

[ભાગ -૧૩]

 

શ્રી વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સોં સ્નેહ |

તાકો જન્મ વૃથા જુ ત્યોં, જ્યોં ફાગુનકો મેહ ||૬૧||

 

આપણા માર્ગમાં શ્રી હરિ, ગુરૂ, અને વૈષ્ણવનું સમાન મહત્વ મનાયું છે.   શ્રી ઠાકોરજી જેવું કોઈથી ન આપી શકાય તેવું અદેય દાન આપનારા શ્રી વલ્લભ જેવા દાની ન હોત તો આવી અનમોલ નિધિ આપણને પ્રાપ્ત જ ન થાત એટલે આ ત્રણમાં પ્રથમ (first among equals ?) સ્થાન તો શ્રી વલ્લભને જ આપવું રહે. શ્રી ઠાકોરજી વલ્લભના હૃદયમાં સતત રમણ કરે છે તો વલ્લભના હૃદયમાં વૈષ્ણવો પ્રત્યેની કરૂણા અને અનુકંપાનો સમુદ્ર લહેરાઈ રહ્યો છે.

 

KRISHNA WITH COWS

 

vallabh sakhi

 

 

દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટેલા વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્લભે વેદ, ઉપનિષદ, શ્રીમદ ભાગવત, ગીતાજી અને અન્ય ગ્રંથો તેમજ જ્ઞાનનું દોહન કરી આપણા હિતાર્થે આ માર્ગ પ્રગટ કર્યો છે.  જો તેમની ઉપર પ્રેમ ન હોય કે તેઓ જેમને માટે સતત ચિંતિત રહે છે તેવા વૈષ્ણવો આપણને વહાલા ન લાગે, પ્રેમ માર્ગના પથિક છીએ પણ સહ પથિકો માટે જ પ્રેમ ન હોય તો એવું થયું કે પરમ ફળ પામવું તો છે પણ તેના  વૃક્ષને આપણા માટે રોપનાર શ્રી વલ્લભને અને તેમના પ્રિય વૈષ્ણવોને ચાહવા નથી !  આપણને આ પાવક પુષ્ટિ પંથ મળી ગયો, શ્રી ઠાકોરજી જેવી નિધિ પ્રાપ્ત થઇ ગઈ છે પછી તેના દાનીને ભૂલવાનું કેટલા અંશે વ્યાજબી ગણાય ? લૌકિકમાં પણ ‘ગરજ સરી એટલે વૈદ્ય વેરી’ યોગ્ય નથી ગણાતું.

 

આવા સ્વાર્થી માનસના કૃતઘ્ન માણસને માનવ દેહ મળ્યો, પ્રભુ કૃપાએ વૈષ્ણવ બન્યો તે સર્વ નિરર્થક ગણાય. એનો લૌકિક જન્મ અને  સંપ્રદાય દીક્ષાનો જન્મ બંને અર્થ હીન ગણાય. આ પૃથ્વી પર માત્ર ભાર વધારવા અને પોતાના જન્મ મરણના ફેરામાં એક સંખ્યાનો ઉમેરો કરવા પુરતી જ તેમના જન્મની ઉપયોગીતા રહી જાય છે. તેમનું આયખું ફાગણ માસમાં પડી વાસંતી માહોલને બગાડનાર વરસાદ કે માવઠાં  જેવું ગણાય.‍‌

 

મો મેં તિલભર ગુન નહીં, તુમ હો ગુનન કે જહાજ |

રીઝ બૂઝ ચિત્ત રાખીયો, બાંહ ગહે કી લાજ  ||૬૨||

 

પુષ્ટિમાર્ગમાં દૈન્યને અત્યંત મહત્વ અપાયું છે. ૪૨મી સાખીમાં જેનો ઉલ્લેખ છે તેવા આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધક પરિબળો સામે વિજય પ્રાપ્ત કરવો હોય તો દૈન્ય સૌથી કારગર શસ્ત્ર છે. આપણે આપણી ત્રુટીઓ, આપણી નબળાઈઓ, આપણી મર્યાદાઓ જાણી, સમજી, માપી તેનું સતત ધ્યાન રાખવું જોઈએ અને તેના નિર્મૂલન અથવા કમ સે કમ ઘટાડા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. સહૃદય પ્રયત્નોને  પ્રભુકૃપાનું  બળ જરૂર મળી રહે છે.  અહીં  જીવની પ્રભુ સાથે સરખામણી છે, અંશની અંશી સાથે સરખામણી છે એટલે શ્રી હરિરાયજી પોતાના ગુણોને એક તલ કરતાં પણ ઓછા ગણાવે છે  સામે પક્ષે પ્રભુને ગુણોના જહાજ સમાન ગણાવે છે.  તે સમયમાં મોટા જથ્થામાં માલ સામાનની હેરફેર માટે વહાણ જ હતા તેથી આવી ઉપમા આપી હશે. બીજી રીતે વિચારીએ તો વહાણ એક વાહક છે ક્યારેક તો ભક્તિનું વહાણ મારા હૃદયના બંદરે નાંગરશે અને તે જે ઈશ્વરીય ગુણોનું વહન કરે છે તેમાંથી મને પણ લાભ મળશે તેવી આશા પણ સમાયેલી લાગે છે.

 

મર્યાદામાં  ભક્ત રઈદાસે ગાયું કે “પ્રભુજી તુમ ચંદન હમ પાની”  મીરાંબાઈએ પણ અનેક પદોમાં પ્રભુ સમક્ષ દૈન્ય નિવેદિત કર્યું જ છે ને ? રજકણ સૂરજ બનવાનું સમણું જોઈ જ ન શકે.  દૈન્ય/શરણાગતિ એ ભક્તિનું પહેલું ચરણ છે.  અહીં પ્રાર્થના છે કે મારા  ગુણ તલ જેટલા છે  પણ આપ મારા ઉપર પ્રસન્ન થઇને આપના ચિત્તમાં સ્થાન આપજો કદાચ વિનંતી એવી પણ છે કે આપ સદા પ્રસન્નતા પૂર્વક મારા ચિત્તમાં બીરાજજો. આપે બાંહ ગ્રહી છે તો લાજ રાખજો.  જો પ્રભુ એક વાર બાંહ પકડ્યા પછી ભક્તના યોગક્ષેમની સંભાળ ન લે તો આપનું બિરુદ જાય. તે વાત એક ભક્ત તરીકે શ્રી હરિરાયજીને સ્વીકાર્ય નથી.  તેથી પણ આવી પ્રાર્થના કરી છે.

 

તીન દેવ કે ભજન તેં, સિદ્ધ હોત નહીં કામ |

ત્રિમાયા કો પ્રલય કર, મિલવે હરિ નામ ||૬૩||

 

શ્રી હરિના મિલનનો રસ્તો દર્શાવતાં આપશ્રી આજ્ઞા કરે છે કે, આડા અવળા રસ્તાઓ અને ખોટા અવલંબનો છોડીને સાચો રાજમાર્ગ પકડીએ તો જ કાર્યસિદ્ધિ  થાય. અર્થાત ત્રિદેવના સેવનથી આ કામમાં સિદ્ધિ પ્રાપ્ત થશે નહીં.

 

ત્રિદેવ એટલે પ્રભુએ રચેલી ગુણાત્મક સૃષ્ટિના નિયમન માટે પોતાના અંશરૂપે પ્રગટ કરેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ.  અનુક્રમે સત્વ, રજસ અને તમોગુણની સૃષ્ટિનું આ ત્રણે દેવતાઓ પ્રભુના અભિપ્રાય મુજબ સર્જન, સંચાલન અને વિનાશ કરતા રહે છે.  તેથી આ અંશાત્મક દેવોની ભક્તિથી ક્યારેય તેમના અધિપતિ એવા પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણને પ્રાપ્ત ન કરી શકાય. જીવ પોતાની વૃત્તિ અનુસાર જે તે દેવને ભજે છે અને તેને જ અંતિમ લક્ષ્ય અને ઉત્તમ ઉપલબ્ધિ માની લે છે.  આ દેવો પોતાની રીતે પોતાના સ્વબળે તેમને ભાજનારાને  થોડા લાભ આપે છે પણ પરમની પ્રાપ્તિ કરાવવાનું તેમની શક્તિમાં નથી.

 

આ સૃષ્ટિના  સર્જનહારે લોકોને પોતાની માયાના બંધનથી જકડી રાખ્યા છે.  સૃષ્ટિના હેતુઓ પૂર્ણ થાય તે માટે તે જરૂરી પણ છે. આ માયા પણ પ્રભુની દાસી છે અને તે પણ ત્રણ પ્રકારની છે.  માયા સાત્વિકી હોય કે તામસી તે જીવ અને પ્રભુ વચ્ચે આવરણ છે.  બંધન એ બંધન જ છે તે ફૂલોની દોરી હોય કે લોખંડની સાંકળ જીવની અધ્યાત્મિક પ્રગતી અશક્ય બનાવે છે.  એ માયાથી બચીએ, તેના મોહપાશમાંથી છૂટીએ તો જ હરિ મિલનનો માર્ગ પ્રશસ્ત થાય.

 

આપણા શ્રી વલ્લભ માયાવાદ રૂપી રૂમાં અગ્નિ રૂપ છે.   (માયાવાદાખ્યાતૂલાગ્ની: ) જેમ અગ્નિથી  રૂ બળી જાય છે તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીના પ્રતાપથી સર્વ માયાનો નાશ થાય છે અને શ્રી હરિ મળે છે.  આ જ તો આપનો અવતાર-હેતુ  છે.  માયાના આવરણથી બચીને જ આપણે  પ્રભુની લીલામાં સ્થાન પામી શકીએ છીએ.

 

સુમરત જાય કલેશ મિટે, શ્રી વલ્લભ નિજ નામ |

લીલા લહર સમુદ્રમેં, ભીંજો આઠોં યામ ||૬૪||

 

શ્રી વલ્લભનું નામ પરમ પાવક છે, સર્વ પ્રકારના આવરણનો નાશ કરનારૂં છે. આધિભૌક્તિક,આધિદૈવિક, આધ્યાત્મિક એમ સઘળાં  કલેશને મિટાવનારૂં છે. આપના નામના સ્મરણ માત્રથી જ  ભક્તોની સર્વ આર્તિ નાશ પામે છે.  (સ્મૃતિમાત્રાર્તિ નાશન: શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્લોક ૭).   ભક્તને કલેશ દુર કરવામાં એટલો રસ નથી તે તો તેને પણ પ્રભુની પ્રસાદી તરીકે માથે ચડાવે છે પણ અનાયાસે દુર થતા હોય તો (શ્રી વિવેક ધૈર્યાશ્રાયમાં આચાર્યશ્રીએ આજ્ઞા કરી છે તે અનુસાર) તેને પકડી રાખવાનો, સહન કરવાનો આગ્રહ પણ નથી.   લૌકિક કે અન્ય કલેશ ભગવદ્ સેવામાં નડતરરૂપ હોય તો ભક્ત તેના નાશ માટે જરૂર તત્પર રહે છે. પોતાના પ્રભુથી દુર રાખે તે સઘળું ભક્તને બાધક લાગે છે.   આ સર્વ બાધક પણ  માત્ર  શ્રી વલ્લભના નામ સ્મરણથી દુર થઇ જાય છે.

 

શ્રી વલ્લભના લીલાના સ્વરૂપને કારણે આપ ‘રાસૈલીલૈક તાત્પર્ય:’ (રાસલીલા એ જ એક માત્ર જેમનું  ધ્યેય/તાત્પર્ય છે તેવા -શ્લો. ૧૭) હોઈ કૃપા કરીને ભક્તને પણ લીલા રસનું દાન કરે છે.  શ્રી વલ્લભ પોતે દરેક ક્ષણે (અહર્નિશ) નિકુંજ નાયકપ્રભુની લીલાના રસથી ભરેલા (રસમગ્ન) હોઈ (પ્રતિક્ષણનિકુંજસ્થલીલા રસસુપૂરિત: -શ્લો. ૨૫) લીલાઓના અમૃત રસમાં સર્વને ભીંજવે છે. (લીલામૃતરસાર્દ્રાદ્રીકૃતાખીલશરીરભૃત્ત-શ્લો. ૨૯).   ‘શ્રી વલ્લભ’ ‘શ્રી વલ્લભ’ કહેવાથી આઠે પ્રહર લીલાનો અનુભવ રહે છે. જગત વિસરાઈ જાય છે અને મન પ્રભુના પ્રેમામૃત્તની મસ્તીમાં મહાલે છે.  જો લીલા રસમાં ભીંજાયેલા જ રહીએ, શ્રી યુગલ સ્વરૂપનું સતત સાનિધ્ય જ રહે તો બીજું શું જોઈએ ?   આવી કૃપા કરવાનું સામર્થ્ય એક અને એક માત્ર શ્રી વલ્લભમાં જ છે. નિત્ય લીલામાં સ્થાન જોઈતું હોય, પ્રિયા પ્રિતમના રસના દર્શન કરવા હોય તો શ્રી વલ્લભના શરણે જવું જોઈએ. કળીયુગમાં નામ સ્મરણનું ઘણું મહત્વ છે તેથી આપનું નામ રટતા રહેવું જોઈએ.

 

તિનકે પદ યુગલ કમલ કી, ચરણ રેનુ સુખદાય |

હિયમેં ધારન કિયે તેં, સબ ચિંતા મિટ જાય ||૬૫||

 

કમળ સમાન આપના બંને ચરણની રજ જગત હિતકારી, જગત સુખદાયી છે. ચરણમાં વસતા અનેક જીવો અવર્ણનીય સુખાનુભવ પામે છે.  શ્રી વલ્લભ સ્વયં મૂર્તિમંત આનંદ સ્વરૂપ છે, પરબ્રહ્મ પરમાત્માના સત, ચિત્ત અને આનંદ આપમાં પણ પૂર્ણરૂપે સમાયેલા છે. આથી જ આપના ચરણ કમળની રજ સદા સેવ્ય છે, ભક્તોને પરમ સુખ આપનારી છે.

 

આજ ભાવથી મંગલાચરણ (ચિતાસંતા…)માં કહયું છે કે આપણા શ્રી આચાર્યજીના ચરણ કમળની રજ સર્વ ચિંતાઓને હરનારી છે. આ યુગલ ચરણોને શ્રધ્ધાથી અને ભાવપૂર્વક હૃદયમાં ધારણ કરીએ તો આપણી ત્રિવિધ ચિંતાઓનો નાશ થાય છે. આપણી સાંસારિક ઉપાધિઓ સેવામાં ચિત્ત સ્થિર થવા ન દેતી હોય તો તે, આધ્યાત્મિક પંથે આવતા અવરોધો હોય તો તે કે અન્ય ચિન્તાઓનું સંપૂર્ણ નિર્મૂલન થાય છે. આમ થવાથી ભક્ત પ્રભુ સેવામાં વિશેષ ધ્યાન આપી (ચેતસ્ત પ્રવણં) પ્રભુને સ્નેહ અને સમર્પણથી વશ કરી શકે છે.

 

આચાર્યશ્રીના આવા મંગલ ચરણ કમળ આપણા હૃદયમાં ક્યારે વસે તેવી આર્તિ સાથે આજે અહીં જ વિરમીએ.

(ક્રમશ: )

 

 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.