આપવું અને લેવું …

આપવું અને લેવું …

 

 

give take

 

 

આપણે સહુ એક સામાન્ય માનવી.  અસામાન્ય તો સંતો, યોગીઓ, સિદ્ધપુરુષો.  તેથી દાન જેવા શબ્દનો મહિમા પણ આ મહાપુરુષો જેટલો જ મોટો.

 

આ દિવ્ય શબ્દના પ્રમાણમાં આપણે સંસારીજનો સાવ નાના.  એટલે આપણા માટે તો આપણા જેવું નાનું ‘આપવું’ જ સારું.  આ એક ક્રિયાપદનો અર્થ જાણીએ, એને જીવીએ અને પછી એને માણીએ એટલે ભયો ભયો.  એ જ પેલું ‘તેન ત્યક્તેન ભૂંજીથા:’  હશે.  કચ્છ – કાઠિયાવાડમાં જાણીતી કહેવત છે: ‘ટુકડામાંથી ટુકડો, હરિ આવે ઢૂંકડો.’  સંસારમાં રહીને હરિને પામવાનો આ એક સહેલામાં સહેલો રસ્તો.  આ શબ્દ આવ્યો અપર્ણમાંથી.  અર્પવું એ જ આપણો ટુકડામાંથી ટુકડો.  મરાઠીમાં એક જાણીતી કવિતા છે :  ‘લેનારાએ ક્યારેય ભૂલવું નહિ કે એણે લીધું છે અને દેનારાએ ક્યારેય યાદ રાખવું નહી કે એણે દીધું છે.’

 

નાનપણથી સાંભળતા આવ્યા છીએ ‘ઓલ્વેઝ ગીવ ધ બેસ્ટ ટુ અધર્સ એન્ડ ઇન અ પ્રોપર વે.’  બીજાને હંમેશાં સારું જ આપો અને તે સારી રીતે.  ચાંદીનાં કપ-રકાબીમાં છલકાતી ચાવાળી ટ્રે પછાડીને ટિપાઈ પર મૂકવામાં આવે એના કરતાં તો અરધી  અરધી રકાબી ચા મહેમાનના હાથમાં ધરીને, હસીને આપેલો રૂડો આવકાર કેટલો હૂંફાળો હોય છે.  આપવાના આ સંસ્કારો સહુ પહેલાં ઘરમાંથી જ મળે છે.  ઘરસંસારનો દાખલો દાદીમા-નાનીમાને કહેતાં સાંભળ્યાં છે કે વહુ તો ભર્યાભાદર્યાં ઘરમાંથી જ લાવવી.  શાને ?  નહિ કે સૂંડલો ભરીને કરિયાવર લાવે તેથી પણ એ વસતારી ઘરમાં એણે આવરોજાવરો જોયો હશે, એની માને પોતાનાં સાસુસસરા, વડીલો, મહેમાનો, ભૂખ્યાની થાળી પીરસતી જોઈ હશે.  ‘આપીએ લૌકિકે પણ માગીએ પારલૌકિકે.’  આ કડી મુજબ પુરાણો માગવાની વ્યાખ્યા પણ આપણા કાન પકડીને આપણને શિખવાડી જાય છે.  ‘માંગવું’ એ  પણ આપણું રોજિંદુ, સીધુંસાદું ક્રિયાપદ.  માગણ પરથી આવેલો શબ્દ.  એવું જ એક બીજું પર્યાયી ક્રિયાપદ યાચવું.  એક અર્થપૂર્ણ અને ભાવવહી યાચના:

 

‘વિચારીને વર માગજો, પ્રભુ પ્રસન્ન કદી જો થાય.’
‘રાજર્ષિ કદીક વારો આવે, જોજે ભૂલ ન થાયે.’

 

જે કાંઈ માગીએ તે સો વાર વિચારીને માગીએ કે જેથી લખચોરાસીમાંથી છૂટકારો થાય.  ભક્ત પ્રહલાદે પોતાના માટે નહિ પણ ‘મારા પિતાને પાપમુક્ત કરો પ્રભુ.’  એ માગણી કરી.  નચિકેતાએ ત્રણ વરદાનમાં માંગેલું, એક તો મારા પિતાને પ્રસન્ન કરો, બીજું સમસ્ત દુઃખોને દૂર કરનાર અગ્નિવિદ્યા તેમજ ત્રીજું મને આત્મરહસ્ય શિખવાડો.  સુતીક્ષ્ણ ઋષિની યાચના તો અપૂર્વ. તેઓ અગસત્ય ઋષિના યાચના તો અપૂર્વ.  તેઓ અગસ્ત્ય ઋષિના શિષ્ય.  ખૂબ જ્ઞાની.  મોટા રામભક્ત.  એમની ભક્તિથી પ્રસન્ન થયેલા પ્રભુ શ્રી રામચંદ્રે સાક્ષાત દર્શન આપ્યાં અને જે માંગવું હોય તે ખુશીથી માગવાનું કહ્યું.  ઋષિએ કહ્યું, પ્રભુ, ‘મને તો માગતા’  જ નથી આવડતું.  શું માંગુ ?  પ્રભુએ કહ્યું, કે તો હું મારી રીતે આપું.  ઋષિ કહે છે, ‘પણ મારી એક શરત.  મારી લાયકાતથી વધુ મને ના આપશો.  મારે રાવણ નથી થાવું.’  આટલું માગ્યા પછી ઋષિને બરાબરનું માંગતા આવડી ગયું.  ઋષિ કહે, ‘મારે હજી એક માંગવું છે.’  પ્રભુ, મારે ગુરુદક્ષિણા આપવાની બાકી છે.  તો આપ મારા ગુરુ અગસ્ત્ય ઋષિને દરશન આપો અને હા, ‘મારે હજીય એક માગવું છે …’  પ્રભુ મલક્યા.  ‘અસ અભિમાન જાઈ જનિ ભારે.  મૈં સેવક પ્રભુ મોરે.  પ્રભુ મને અભિમાન આપો.’  યાચનાની વાત નીકળી છે તો મૈત્રેયીને કેમ ભૂલાય ?  એ યાજ્ઞવલ્ક્યજીનાં ધર્મપત્ની.  મહર્ષિને બે પત્ની.  એમણે વાનપ્રસ્થાશ્રમમાં જતી વખતે પોતાની સંપત્તિ આ બેમાં વહેંચવાની વાત કરી.  એક કાત્યાયની, સંસારી સ્ત્રી, સંસારથી તુષ્ઠ.  બીજાં આ મૈત્રેયી.  કોઠાડાહ્યાં.  તેઓ પતિને સામે પૂછે છે, ‘કંથ તેં અમૃતા સ્યામ્ ઇતિ?’  શું આ સંપત્તિથી હું અમર પદ પ્રાપ્ત કરી શકીશ ખરી ?  ઋષિ ના પાડે છે.  આગળ તેઓ પતિને પૂછે છે, ‘યેન અહં ન અમૃતા સ્યાં, કિમ્ અહં તેન કૂર્યામ્ ?’  જેનાથી હું અમૃતત્ત્વ ના મેળવી શકું, એને લઈને હું શું કરું ?

 

આપવું અને માંગવું સાથે સંકળાયેલું બીજું એક ક્રિયાપદ છે, ‘લેવું’… બીજી એક મરાઠી કવિતામાં કહ્યું છે, દેનારાએ દેતાં જ રહેવું.  લેનારાએ લેતાં જ રહેવું અને એક દિવસ લેનારાએ પેલા દેનારાના હાથ જ લઇ લેવા.  અર્થાત લેનારો પણ એક દિવસ દેનારો થઇ જાય.  એનાથી રૂડું બીજું શું ?  આમ દેનારાની એક જ્યોતમાંથી કેટકેટલી જ્યોત પ્રગટાવી શકાય ?  સંત જ્ઞાનેશ્વરે પણ આવું જ કંઈ કહેલું પણ એ આત્મજ્યોતની બાબતે.  જોકે આપ્યે જતાં જતાં કદાચ આત્મા સુધી પહોચી શકાતું હશે.  આ ત્રણેય ક્રિયાપદ સારાસારની ભાવનાથી પ્રયોજીશું તો એ ક્રિયાપદ ફક્ત પદ ન રહેતાં પરમપદ બની રહેવાની મંગળ શક્યતા ખરી.

 

 

(ગ.ગુ.(૨૧)૦૪-૧૨/૪૯)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.