૧] ચારિત્ર્યનો ખરો સંબંધ સેક્સ સાથે નહીં, વાણી સાથે … અને ૨] ગીતાનું તત્વજ્ઞાન …

૧]  ચારિત્ર્યનો ખરો સંબંધ સેક્સ સાથે નહીં, વાણી સાથે …

 

 

 geeta sar

 

 

રોમાંચની ક્ષણે મનુષ્ય પૂરી માત્રામાં જીવતો હોય છે.  આમ તો બધી જ ક્ષણો જીવંત હોય છે, પરંતુ જે ક્ષણે મનુષ્ય પોતે જ અડધોપડધો મરેલો હોય એ ક્ષણ જીવંત હોય તોય શું.  રોમાંચની ક્ષણે મનુષ્ય પતંગિયું બની રહે છે.  એ એવી દિવ્ય ક્ષણ હોય છે જે આસપાસના અવકાશને રંગીન બનાવે છે.  આવી ક્ષણનો સાક્ષાત્કાર ન કરવો એ જીવનની ખરી કરુણતા ગણાય.

 
બે યુવાન હૈયાં સાથોસાથ રમતાં-ભમતાં રહે છે.  દિવસો વીતે પછી કોઈ દેવાંશી ક્ષણે બેમાંથી એક જન નાજુકાઈના ભારથી લચી પડેલી પ્રતીતિ સાથે પ્રપોઝ કરે છે.  જીભ દ્વારા એ પવિત્ર કર્મ થાય એ પહેલાં તો આંખ, કાન, ત્વચા અને શ્વાસ દ્વારા ઘણુંબધું કહેવાઈ ચૂક્યું હોય છે.  બીજી જ ક્ષણે બે અંતરાત્માઓ વચ્ચે વણલખ્યો કરાર થઇ જાય છે.  બેમાંથી એક જણ દબાતા સાદે કહે છે : આઈ લાવ યુ.  સામેથી પ્રતિભાવ મળે છે : આઈ લાવ યુ ટુ !  આવું બને ત્યારે બન્ને જણની ભીંસમાંથી છોતિને એક ક્ષણ પતંગિયું બનીને આકાશમાં ઊડવા લાગે છે.  આખું ગામ ખરી પડે છે અને પ્રેમના પાદર પર કેવ બે મળેલા જીવ અલૌકિક અધ્ધરતા માણતા રહે છે.  આવું સ્વીકારવામાં આપણા સાધુઓને, સેવકોને, ઉપદેશકોને અને વડીલોને પેટમાં જ ચૂંક ઊપડે.  એ મૂળે ખલનાયકના કુળની હોય છે.  એ ચૂંક સદીઓથી ધાર્મિક ગણાતી આવી છે.  ૧૧ સપ્ટેમ્બરે ન્યુ યોર્કના મેનહટનમાં આવેલા બે ગગનચુંબી ટાવરો પર એ જ ચૂંક અથડાઈ હતી.  આંતકવાદનો ખરો શત્રુ પ્રેમ છે.  કહે છે કે ૯/૧૧ના આંતકવાદી હુમલા પછી અમેરિકનોમાં ડેટિંગનું પ્રમાણ ખાસ વધી ગયેલું.  ભયના ઓથાર વચ્ચે મનુષ્યને પ્રિયજન સાથે રહેવાનું વધારે ગમે છે.  મૃત્યુના બ્લેકમેઈલ સામે પ્રેમ મનુષ્યને સલામતીની લાગણી બક્ષે છે.  આંતકવાદ સામે કેવળ સ્નેહવાદ જ ટકી શકે એમ છે.  બંધિયાર સમાજમાં સતત ચાલતા પ્રચ્છન્ન આંતકવાદને બંદૂક કે બોમ્બની ઝાઝી ગરજ નથી હોતી.  એવા સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતી ચૂંકની જ બોલબાલા હોય છે.

 

સાભાર :

–     ગુણવંત શાહ

 

 

૨]  ગીતાનું તત્વજ્ઞાન …

 

 

દેવદત્ત શાસ્ત્રી કાશીમાં અધ્યયન કરીને પાછા આવ્યા અને પોતાના રાજા પાસે ગયા.  તેમને પ્રસ્તાવ મૂક્યો,  હું આપને ગીતાનું ભાષ્ય સંભળાવવા માંગુ છું.’

 
રાજાએ નમ્રતાપૂર્વક કહ્યું, ‘મહેરબાની કરીને તમે ઘરે જાઓ.  સાત વખત ફરી ગીતા વાંચો, પછી આવજો.  ત્યારે હું તમારું ભાષ્ય સાંભળીશ.’

 
શાત્રીજી પહેલાં તો ક્રોધે ભરાયા.  ઘરે આવી પોતાની પત્ની સાથે વાતચીત કરી તો તેણે કહ્યું, શો વાંધો છે ?  રાજાએ કહ્યું છે તો પાઠ કરી લો પછી જજો.’

 
આથી તેઓ વાંચવા લાગ્યા.  વાંચીને ફરી રાજા પાસે ગયા.  આ વખતે રાજાએ ફરી સાત વખત વાંચીને આવવા કહ્યું.  ઘરે આવ્યા ઓ પત્નીએ ફરી સમજાવ્યા, ‘રાજા પણ વિદ્વાન છે.  તેમની આ વાતમાં કોઈ ગૂઢ તાત્પર્ય હોવાનું શક્ય છે.’

 
શાસ્ત્રીજી બિલકુલ એકાંતમાં ફરી ગીતા વાંચવા લાગ્યા.  ત્રીજા દિવસે અચાનક તેમનું ધ્યાન ગીતાના તત્વજ્ઞાન તરફ ગયું.  એના બોધપાઠથી પ્રશિક્ષણ પામીને અંતરમાં ઉત્પન્ન થતા આનંદપ્રવાહથી તેઓ ભાવવિભોર થઇ ઊઠ્યા.  ગીતાના સાચા તત્વજ્ઞાનને ઊંડાણથી સમજી તેઓ પસ્તાવા લાગ્યા કે ગીતા પણ કોઈ વ્યાખ્યાન કરવાની વસ્તુ છે ?  આ તો સમજવાની અને જીવનમાં ઉતારી જીવવાની પ્રક્રિયા છે, સચોટ દિશા છે.  આ કામધેનુને આમ રાજદરબારમાં વેચવી ન જોઈએ.

 
મહિનાઓ વીતી ગયા.  શાસ્ત્રીજી રાજા પાસે ન ગયા.  ત્યારે થોડા દિવસ બાદ રાજા પોતે તેમને શોધતાં આવી પહોંચ્યાં.  શાસ્ત્રીજીના ચરણોમાં મસ્તક ઝૂકાવી બોલ્યા, ‘મને ગીતા સંભળાવી કૃતાર્થ કરો, કારણ કે હવે તમારા મુખમાંથી ખરેખર ગીતાનું તત્વજ્ઞાન નીકળશે.’

 

 

(ગ.ગુ.(૨૦)૧૧-૧૦/૪૯)
 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.