૧] ઈશ્વરને પામવા નિખાલસ બનો … અને ૨] દાંભિક આસ્તિકો કરતાં નિખાલસ નાસ્તિકો સારા …

૧]  ઈશ્વરને પામવા નિખાલસ બનો …

 

 bal swroop krishna

 

પરીક્ષા એ અજ્ઞાનનું જ અંગ છે.  તમે જેને વિશે અજાણ છો એની જ પરીક્ષા લો છો.  ઈશ્વર જો તમારી પરીક્ષા લેતો હોય તો એનો અર્થ એ થાય કે ઈશ્વર તમને ઓળખાતો જ નથી.

 
તમે એવું કદી વિચારી જ કેવી રીતે શકો કે ઈશ્વર તમારી પરીક્ષા લઇ રહ્યા છે ?  ઈશ્વર તમારી પરીક્ષા નથી લેતો, કારણ તે તમને સંપૂર્ણપણે ઓળખે છે – તમારો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય.  તે તમારું બળ અને નબળાઈ બંને જાણે છે અને તે જ છે જે તમને બળ પૂરું પાડે છે.  તે તમારી પરીક્ષા નથી લેતો.

 
માત્ર તમે જ તમારી પરીક્ષા લઇ શકો.  તમે પોતાની પરીક્ષા ત્યારે લો જ્યારે તમારામાં આત્મવિશ્વાસ નથી હોતો.  જો તમને પૂર્ણ વિશ્વાસ હોય તો તમારે પરીક્ષા જ લેવી શા માટે પડે ?  તમે જો પોતાની પરીક્ષા લઇ રહ્યા હો તો એનો અર્થ એવો થાય કે તમે પોતાને ઓળખાતા જ નથી.

 
શું તમે ઈશ્વરની પરીક્ષા લઇ રહ્યા છો ?  ઈશ્વર તમારી પરીક્ષા ઉર્તીણ નહીં કરી શકે, કારણ કે તે પરીક્ષા આપવા આવવાનો જ નથી અને તે જો પરીક્ષા માટે આવે તો પછી તે ઈશ્વર જ નથી.

 
ઈશ્વર તમને જગતભરનાં નાનાં – નાનાં બધાં જ સુખો આપ્યાં છે, પરંતુ કેવળ એક પરમ સુખ તેણે પોતાના માટે જ રાખ્યું છે અને આ પરમ સુખને પામવા તમારે કેવળ તેની પાસે જ પહોંચવું પડે.

 
ઈશ્વર સાથે ચતુરાઈ કરી તેને મૂરખ બનાવવાનો પ્રયત્ન ન કરશો.  તમારી ઘણીખરી પ્રાર્થનાઓ અને વિધિઓ ઈશ્વરને છેતરવા માટે જ હોય છે.  તમે તેને બોર આપી કલ્લી કઢાવવાનો પ્રયત્ન કરો છો એની તેને જાણ છે.  ઈશ્વર પણ પાકો વાણિયો છે.  તે તમને પણ છેતરી જશે.  તમે તેને શોધવા ઘરમાં જશો તો તે મહોલ્લામાં નીકળી જશે.

 
ઈશ્વરને પામવાના પ્રયત્નોમાં નિખાલસ બનો, ઈશ્વર સાથે ચાલાકી ન કરો.  એક વાર તમને પરમ સુખ મળશે ત્યાર બાદ બધું જ આનંદમય હશે.  જગતમાં પરમ સુખ વિનાનો આનંદ લાંબુ ટકતો નથી.

 

તમે ઈશ્વરને આકાશમાં ક્યાંક રહેતા પિતા તરીકે જ પિછાણો છો.  તમારા મનની એ કલ્પના સાથે તમારે ઈશ્વર પાસેથી માંગણી કરીને કંઈક મેળવવું છે, પરંતુ શું ઈશ્વરને બાળક તરીકે કલ્પી શકો ખરા ?  જ્યારે તમે ઈશ્વરને બાળક તરીકે જુઓ તો તમારી પાસે કોઈ માગણીઓ રહેતી જ નથી.

 
ઈશ્વર તો તમારા અસ્તિત્વનું હાર્દ છે.  ઈશ્વર તમારા ગર્ભમાં છે.  તમારે તમારા ગર્ભની કાળજી લેવી જોઈએ અને તે બાળકને આ જગતમાં લાવવું જોઈએ.  ઘણાખરા લોકો તો એને જન્મ પણ નથી આપતા.

 
ઈશ્વર તમારું બાળક છે.  ઈશ્વર તેના ભક્તને વળગી રહે છે.  જ્યાં સુધી તમે ઘરડા થઈને મરી નથી જતા ત્યાં સુધી તે તમને એક બાળકની જેમ વળગી રહે છે.  ઈશ્વરને પોતાના પોષણ માટે જ તમારી જરૂર છે.  સાધના, સત્સંગ અને સેવા જ ઈશ્વરના ખોરાક છે.

 

 

૨]  દાંભિક આસ્તિકો કરતાં નિખાલસ નાસ્તિકો સારા …

 

 

ધૃતરાષ્ટ્ર માત્ર શારીરિક રીતે જ નહીં, મન બુદ્ધિથી પણ આંધળો હતો.  સાચી વાત સમજવાની તેની માનસિક તૈયારી જ નોહતી.  જેણે પરાણે રાજ્ય પકડી રાખ્યું તે ધૃતરાષ્ટ્ર.  સત્તા અને સંપત્તિનો લોભી માણસ હંમેશાં આંધળો જ હોય છે.

 
લોભ માણસને વિવેકશૂન્ય બનાવે છે.  સાચા-ખોટાને પરખવાની તેની ક્ષમતા કુંઠિત થઇ જાય છે.  જન્માંધ ધૃતરાષ્ટ્ર બૌધિક આંખથી અનેક લોકોને આંધળા બનાવનાર હતો.  દંભના મૂર્તિમંત પ્રતીકરૂપે વેદવ્યાસે ધૃતરાષ્ટ્રને ચીતર્યા છે.  રાક્ષશો પણ પોતે જે કંઈ કરતા હોય છે અને ધર્મ સમજતા અને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે.  વિદુર દ્વારા પ્રાપ્ત સદ્દબોધનો ઉપયોગ ધૃતરાષ્ટ્ર પોતાના પાપનું સમર્થન કરવા માટે જ કરતો હતો.  મનગમતા અર્થ સત્સંગમાંથી તારવી લેતા શ્રોતાઓ વક્તાને નહીં, પોતાને જ સાંભળતા હોય છે.  આવા દાંભિક આસ્તિકો કરતાં નિખાલસ નાસ્તિકો સારા.

 
કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયા પછી પાંડવો શ્રીકૃષ્ણની સાથે વ્યથિત ધૃતરાષ્ટ્રને મળવા જાય છે.  વિલાપ કરતા ધૃતરાષ્ટ્રને જોઈ પાંડવો પણ ભાવવિભોર બની ગયા.  ધૃતરાષ્ટ્ર પ્રાયશ્ચિતની ભાષા બોલતો હતો.  પોતે કરેલા કર્મો જ પોતે ભોગવી રહ્યો છે એવું નિવેદન કરી રહ્યો હતો.  પોતાના સો પુત્રોને મારીને ભીમસેને ખરેખર તો તેમને વધારે દુષ્કૃત્યો કરતા અટકાવી દીધાં એટલે પોતે ભીમનો ખૂબ-ખૂબ આભારી છે એમ કહીને તેણે ભીમને આલિંગન આપવાની પોતાની અભિલાષા વ્યક્ત કરી.

 
ભાવુક બની ગયેલો ભીમ ધૃતરાષ્ટ્રને ભેટવા જતો હતો ત્યાં કૃષ્ણે ઇશારાથી તેને રોક્યો અને ભીમના સ્થાને તેનું લોખંડનું નક્કર પૂતળું ધૃતરાષ્ટ્ર સામે મૂકી દીધું.  ધૃતરાષ્ટ્ર આગળ વધીને એ લોખંડી ભીમને એટલા જોરથી બાથ ભીડે છે કે એ પૂતળાના ચૂરેચૂરા થઇ જાય છે.  ધૃતરાષ્ટ્રના દંભને પારખવાની કૃષ્ણની કુશળતા જોઈ પાંડવ આભા બની ગયા.

 

 

(ગ.ગુ.(૨૦)૧૧-૧૦/૪૯)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.