ગૌતમી –એક સાધ્વી …

ગૌતમી –એક સાધ્વી …

 

 buddh n gautami

 

 

 

સાધ્વી ગૌતમીનો જન્મ ગૌતમ બુદ્ધના જન્મનાં થોડા વર્ષો પૂર્વે દેવદહ નામના નગરમાં શાક્યવંશના મહાપ્રબુદ્ધને ત્યાં થયો હતો.  તેમનું ગોત્ર ગૌતમ હોવાથી તેઓ ગૌતમી નામથી પ્રસિદ્ધ થયાં.  પૂર્વજન્મનાં સત્કાર્યોને કારણે બાળવયથી સ્વભાવ સારો.  બુદ્ધદેવનાં માતા માયાવતી એમનાં મોટી બહેન થાય.  જન્મ સમયે બંને બહેનોનાં અંગ પર શુભ ચિહ્ નો જણાયાં હતાં.  જ્યોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું કે એમના સંતાન ચક્રવર્તી થશે.  પછી ભલે મનુષ્યોના પાર્થિવ રાજ્યના કે હૃદય-સામ્રાજ્યના રાજા થાય.  દેવનગરની પાસે રોહિણી નદીના કિનારે કપિલવસ્તુ નામના નગરમાં શુદ્ધોદન નામનો રાજા રાજ્ય કરતો હતો.  તેમની સાથે બંને બહેનોનાં લગ્ન થયાં.  માયાવતીએ બુદ્ધ દેવને જન્મ આપ્યો.  અને જન્મ પછી સાતમે દિવસે તે પંચતત્વને પામી.  ગૌતમીને એ જ સમયે નંદ નામન્પ પુત્ર થયો.  રાજાની આજ્ઞાથી અને પોતાની બહેન પ્રત્યેના પ્રેમથી બુદ્ધને તે પોતાના દીકરાની માફક ધવરાવીને ઉચિરવા લાગી.  પોતાના સગા દીકરા નંદને વિશ્વાસુ દઈને સોંપ્યો.  બુદ્ધને મહાન બનાવવા માટે સંસ્કાર આપવાનો ગૌતમીએ નિશ્ચય કર્યો.

 
ગૌતમ બુદ્ધમાં પાછળની અવસ્થાએ જ્ઞાનલાલસા, દયા, ઉત્સાહ, બુદ્ધિની તીવ્રતા, કાર્યદક્ષતા, વિશાળ દ્રષ્ટિ, નેતા બનવાની કુશળતા વગેરે જે ગુણો જણાયા તેનું કારણ આ સાધ્વી ગૌતમી જ હતી. બુદ્ધદેવે સંસારત્યાગ કર્યો અને વનમાં વાસ કર્યો ત્યારે સ્નેહાળહૃદયી ગૌતમીને ખૂબ આઘાત લાગ્યો.  જુદાં જુદાં ગામોમાં ધર્મનો ઉપદેશ આપીને બુદ્ધ પોતાના પિતાની રાજધાની કપિલવસ્તુમાં પહોંચ્યાં.  તેમના પિતા શુદ્ધોદને પુત્રના ઉપદેશથી બૌદ્ધધર્મ  સ્વીકાર્યો.  અરિહંતપદ મેળવવા માટે પ્રથમ પગથિયારૂપ શ્રોતાપદ્મપદ મેળવ્યું, બુદ્ધદેવના પુત્ર રાહુલે શ્રમણની દીક્ષા લીધી.  થોડા સમય પછી રાજા અરિહંતપદ પામીને માહાનિર્વાણપદ પામ્યા.  ત્યાર પછી થોડા દિવસમાં ગૌતમીના પુત્ર નંદે પોતાના વિવાહ અને રાજ્યાભિષેકના દિવસે ઘરબાર છોડીને સંન્યાસ ગ્રહણ કર્યો.  તેમની પાછળ શાક્યવંશના અનેક ક્ષત્રિયોએ સંસાર છોડી દીક્ષા લીધી.

 
કપિલવસ્તુ ગામમાં સાધ્વી ગૌતમીએ બુદ્ધ દેવના ઉપદેશનું અમૃત પુષ્કળ પીધું.  આવા મહાજ્ઞાની બોધિસત્વને પોતે સ્તનપાન કરાવીને, ઉછેરીને મોટા કર્યા હતા.  આ વિચારથી તેઓને મનમાં અભિમાન હતું.  બૌદ્ધધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન થઇ.  પતિનું મૃત્યુ તથા પૌત્ર રાહુલ અને પુત્ર નંદના સંસારત્યાગથી ગૌતમીને પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો.

 
સાધ્વી ગૌતમીને વિચાર આવ્યો :  ‘શું પુરુષો જ ભિક્ષુ બનીને બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને, ધર્મનો પ્રચાર કરે અને અમે સ્ત્રીઓ એવા પુણ્યકર્મને ન કરી શકીએ ?  હું પણ આ સ્વાર્થી સંસારનો ત્યાગ કરીશ, વાસનાઓને ત્યજી દઈશ, આખી દુનિયાને મારું કુટુંબ ગણીશ, સર્વત્ર વિચરીને લોકોને ઉન્નત માર્ગમાં લઇ જવા પ્રયત્ન કરીશ.’  આવો દ્રઢ સંકલ્પ ગૌતમીએ કર્યો.

 
વળી આ શુબ વિચારોનું સિંચન તેમણે બીજી પાંચસો સ્ત્રીઓમાં કર્યું.  બુદ્ધદેવ તે સમયે વૈશાલીમાં બિરાજમાન હતા.  ગૌતમી મુંડન કરાવીને પાંચસો શાકય સ્ત્રીઓની સાથે બુદ્ધદેવ પાસે પહોંચી ગયાં.  આમ પગે ચાલી જવાનો પ્રસંગ રાજવંશી ગૌતમી માટે પ્રથમ હતો.  તેમના મુખ પર થોડો વિષાદ પથરાયેલો હતો.  કારણ કે કપિલવસ્તુમાં ભિક્ષુણી સંઘ સ્થાપવાની પ્રાર્થના તેમણે બુદ્ધદેવને કરી હતી.  પરંતુ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓમાં લડાઈ થાય એવા ભયથી બુદ્ધદેવે ના પાડી હતી.  પરંતુ આ વખતે ગૌતમી દ્રઢ સંકલ્પથી બુદ્ધદેવ પાસે આવ્યા હતાં.  એમના શિષ્ય આનંદ દ્વારા ગૌતમીએ પોતાનો ઉદ્દેશ બુદ્ધદેવને કહેવડાવ્યો.  આ પહેલાં બુદ્ધદેવ પોતે કહી ચૂક્યા હતા કે, ‘સ્ત્રીઓને ધર્મશાસ્ત્ર સમજવાનો અધિકાર છે.’  આ મોકો જોઈ આનંદે બુદ્ધદેવને પૂછ્યું કે, ‘જ્યારે આમ વાત છે તો સાધ્વીદેવી ગૌતમીને શા માટે નિરાશ કરવામાં આવે છે ?  એમની પ્રાર્થના આપ કેમ સ્વીકારતા નથી ?  એમણે તો આપને ઉછેરીને મોટા કર્યા છે.  આપના પ્રત્યે અપાર સ્નેહ છે.  ગૌતમીના મનના સમાધાનની ખાતર આપ નિર્ણય કરો કે સ્ત્રીઓ પણ સંન્યાસી બની શકે અને તેમનાથી પ્રવ્રજ્યા લઇ શકાય.’

 
બુદ્ધદેવે આનંદની ભલામણ સ્વીકારી અને સાધ્વી ગૌતમી અને તેમની સાથે આવેલી પાંચસો શાકય સ્ત્રીઓને પ્રવ્રજ્યા આપીને એક નવો ભિક્ષુણી સંઘ સ્થાપ્યો.

 
તે દિવસથી સાધ્વી ગૌતમીએ ધર્મપ્રચારનું કામ પૃથ્વી પર ભ્રમણ કરીને શરૂ કરી દીધું.

 
એક સમયે બુદ્ધ ભગવાન શાલીનગરની પાસે મહાવનમાં કુટાગાર નામક નગરમાં હતા.  તે વખતે ગૌતમી ત્યાંની ભિક્ષુણીઓના રહેઠાણમાં હતાં,  ભિક્ષા માંગી આવ્યા પછી સાધ્વે ગૌતમીને એક વિચાર આવ્યો કે, બુદ્ધનું પરિનિર્વાણ અથવા દેહત્યાગ મારાથી જોઈ શકાશે નહિ.  વળી તેમના મુખ્ય શિષ્ય આનંદ, પુત્ર નંદ અને પૌત્ર રાહુલનો દેહત્યાગ પણ નજરે જોઈ શકાશે નહિ.  માટે આ સર્વને પૂછીને મારે એ સર્વના પહેલાં દેહત્યાગ કરવો ઠીક રહેશે.  આમ વિચાર કરીને એમણે બુદ્ધદેવને પોતાને ત્યાં તેડાવ્યા.  બુદ્ધદેવ પધાર્યા એટલે ગૌતમીએ તેમનાં ચરણમાં નમસ્કાર કરીને વિનયપૂર્વક દેહત્યાગ કરવાની આજ્ઞા માંગી.

 
બુદ્ધદેવે પોતાના સ્વભાવ પ્રમાણે કોમળ પણ ધીરગંભીર અવાજે કહ્યું : ‘હવે તમારા દેહ ત્યાગનો સમય થઇ ગયો છે, ખુશીથી જઈ શકો છો.’  તેપછી આનંદ વગેરે સેવકોને બોધ આપીને, ભિક્ષુણીઓને ઉપદેશ આપીને સાધ્વી ગૌતમી સમાધિસ્થ થયાં અને એ દશામાં તેમનો પચિત્ર આત્મા નશ્વર દેહ છોડીને ગયો.  સાધ્વી ગૌતમીએ અપનાદ તથા થેરીગાથા ગ્રંથમાં બુદ્ધદેવ પ્રત્યે એમની સ્નેહભરી ભક્તિ શબ્દેશબ્દમાં વર્ણવી છે.  તેઓ બુદ્ધદેવને કહે છે કે ‘હે સુગત !  હું તારી માતા છું અને તું મારો વીર પિતા છે.  પિતા એટલા માટે છું કે ઉત્તમ ધર્મ શીખવીને તેં મને નવો જન્મ આપ્યો છે.  મેં તને લાડ લડાવીને મોટો કર્યો છે.  માટે હું તારી માતા છું.  શુદ્ધ અને પવિત્ર ધર્મરૂપી શરીર આપીને તેં મને મોટી કરી છે.  માટે તું મારો પિતા છે.  મેં તો એક ઘડીભરની તારી તરસ છિપાવવાને ધાવણ ધવરાવ્યું પણ તેં તો મને ધર્મનું ધાવણ ધવરાવીને અક્ષય શાંતિ આપી.  માન્ધાતા આદિ રાજાઓની માતાઓનાં નામ ભવસાગરમાં ગુપ્ત થયાં છે, જ્યારે તારી મા થઈને હું ભવસાગર તરી ગઈ છું.’
 

 

(ગ.ગુ.(૬)૧૦-૧૨/૪૯)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

અવિરામ મંદગતિ અને ઝડપી દોડ …

અવિરામ મંદગતિ અને ઝડપી દોડ …

 

 life goal

 

 

મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ માટે થયો છે. આ લક્ષ્ય કયું છે ?

 

તીવ્ર ગતિએ ચાલવા માટે તમારે ધીમે ધીમે, પરંતુ ધીરસ્થિત ભાવે ચાલવું પડશે.  કદાચ તમને આ વાત વિરોધાભાસી પણ લાગે પરંતુ એના પર વિચાર કરો;  ‘hasten slowly’   તમે આ અંગ્રેજી કહેવત સાંભળી હશે.  એનો અર્થ છે, ધીમે ધીમે ઝડપ કરો.  એક વર્તમાનપત્રના પ્રકાશકે એક નવો ટાઈપીસ્ટ નીમ્યો.  તે કોઈ પણ ભૂલ કર્યા વિના અત્યંત શીધ્રગતિએ ટાઈપ કરી શકતો હતો.  મેનેજરે તના પર ખુશ થઈને કહ્યું :  ‘તમારી આટલી શીધ્રગતિએ ટાઈપ કરવાની શક્તિનું રહ્સ્ત્ય બધાને બતાવો.’  તેણે કહું :  ‘તીવ્ર ગતિએ ટાઈપ કરવા માટે પહેલાં ધીમે ધીમે ટાઈપ કરવું જોઈએ.’  આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું.  એમના કહેવાનું તાત્પર્ય એ હતું કે ટાઈપિંગનું કાર્ય તીવ્ર ગતિએ પૂરું કરવા માટે શરૂઆતથી જ ઉતાવળ કે ઝડપની જરૂર નથી.  પરંતુ ધીમે ધીમે ટાઈપ કરતા રહો.  તત્કાલ તેજ ગતિની ઈચ્છા ન હોવી જોઈએ.  જો આપણે આપણી પોતાની આજની ગતિને અર્ધી કરી દઈએ તો આપણા ટાઈપિંગમાં કોઈ ભૂલ નહિ થાય અને કાર્ય કરતાં કરતાં આપણે શાંત રહીશું.  આ રીતે એક સપ્તાહ સુધી ટાઈપ કરતાં રહેવાથી કોઈ પણ ચિંતા કર્યા વિના જ આપણી ગતિ વધી જશે.  એવી વાત નથી કે ઉતાવળ કે ચિંતાપૂર્વક કાર્ય કરવાથી ગતિમાં તીવ્રતા આવી જાય છે.  જો આપણે આટલું સમજી લઈએ તો સમગ્રકાર્ય આપણે રુચિ, એકાગ્રતા તથા આનંદ સાથે કરી શકીશું.

 
એકવાર અમારી શાળામાં એક બાજીગર આવ્યો.  તે એકી સાથે છ દડા ઉલાડીને પોતાની કલા બતાવતો હતો.  જે દડો નીચે આવે એને તે વળી પાછો હવામાં ફેંકી દેતો.  એના હાથોમા કંઈક એવું કૌશલ હતું કે એને સ્પર્શતા જ દડો વીજળીનો ઝટકો લઈ એમ ઊછળતો.  બધાંને ઘણું આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો.  એના ગયા પછી કેટલાક લોકોએ લીંબુ, મોસંબી, સંતરું કે કંઈ પણ મળ્યું એનાથી અભ્યાસ શરૂ કર્યો.  એ બધાંની આંખોમાં નાક કે મોં પર લાગ્યું પણ ખરું.  બે દિવસના પ્રયાસ પછી બધાએ પોતાના હાથ ખંખેરી નાખ્યા.  પરંતુ પંદ દિવસ પછી એક કાર્યક્રમમાં એક વિધાર્થીએ ચાર દડાને એકીસાથે ઉછાળીને બહાને આશ્ચર્યમાં નાખી દીધા.  બધાએ એની પ્રસંશા કરી.  કાર્યક્રમ પૂરો થયા પછી લોકોએ એને પૂછ્યું :  તમે આ કળા કેવી રીતે શીખ્યા ?  એ બધા પણ શીખવા માટે તૈયાર હતા.  એણે ચોખ્ખીવાત ન કરતાં ‘હું જાદુ જાણું છું’ એમ કહ્યું.  એકાંતમાં પૂછ્યું ત્યારે એણે મને કહ્યું ‘પહેલાં તો હું દરરોજ એકાંતમાં એક દડો ઉછાળવાનો અને પકડવાનો અભ્યાસ કરતો હતો.  આવી રીતે સોએક વાર કર્યા પછી મેં વિચાર્યું કે ચાલો હવે બે દડા ઉછાળી જોઈએ.  ક્રમશ: મારો આત્મવિશ્વાસ વધ્યો, દસ દિવસમાં હું તીવ્રગતિએ ચાર દડા ઉછાળવા લાગ્યો.  એકેયવાર એ દડા મારા હાથમાંથી છટકયા નહિ.’  હવે એને સમજાઈ ગયું હતું કે ધૈર્યપૂર્વક કરેલા સતત અભ્યાસથી જ તીવ્રગતિ પ્રાપ્ત કરી શકાય છે.

 
આપણા અચેતન મનમાં બધા અનુભવો સંચિત રૂપે હોય છે.  આ જ અચેતન મન આપણી ટેવોને ઘડે છે તથા તેમને સંયમ-નિયમમાં રાખે છે.  જેવું આપણે ઈચ્છીએ એવું જ તે કરે છે.  આપણે જો ઈચ્છીએ તો આ અચેતન મનનો પોતાની લક્ષ્યપ્રાપ્તિ માટે ઉપયોગ કરી શકીએ છીએ કે એના માર્ગમાં અવરોધ ઊભા કરવામાં પણ તેનો ઉપયોગ થઇ શકે છે.  જો આપણે એને અધીરતા, ક્રોધ તથા મૂંઝવણોથી ભરી દઈએ તો તે એમને જ અપનાવી લે છે અને જો આપણે એને વ્યવસ્થા, સંયમ, સ્થિરતા અને એકાગ્રતા કેળવાતાં શીખવીએ તો તે એમને જ ગ્રહણ કરીને એ બધાંને વધારે પ્રબળ બનાવે છે.  તમે જોયું હશે કે સંગીતકારો પોતાની કાર્યદક્ષ આંગળીઓથી હાર્મોનિયમ કે વાયોલીન પરથી કેટલા સ્વર કાઢી શકે છે !  ગાયકના તાન સાથે તેઓ તત્કાળ એ જ સૂર વગાડી લે છે.  તે બધા ગાયકના સંકેત પ્રમાણે તાલ કે રાગને ધ્યાનમાં રાખીને આનંદપૂર્વક સહજભાવે વાદ્યપર સંગત કરતાં કરતાં શ્રોતાઓમાં હર્ષ અને આનંદનો સંચાર કરે છે.  લગાતાર કલાકો સુધી વગાડ્યા પછી પણ એમનાં ઉત્સાહને પ્રેરણામાં ક્યારેય ઓટ આવતી નથી. વગાડતી વખતે વાદક શું પોતાના હાથ પર ધ્યાન દેતો રહે છે ? ના; એવું કરવા જતાં તે પોતાની સ્વાભાવિક ઉત્કૃષ્ટતા સાથે પોતાના વાદ્યને વગાડી શકશે નહિ.  જો કે એમનું બાહ્યમન ક્યાંક બીજે રહે પરંતુ એનું આંતરિક મન-અંતર્મન સંગીતને અનુકૂળ પોતાના હાથનું નિયંત્રણ કરતુ રહે છે.  આણું રહસ્ય શું ?

 
કોઈ પણ કળામાં પ્રવીણ બનવા માટે એની ક્રિયા આપણા અંતરમાં પૂર્ણરૂપે વ્યાપી જવી જોઈએ.  જ્યારે આપણે કળાનું પ્રદર્શન કરી ત્યારે એ બધી ક્રિયાઓ પર સચેત ધ્યાન દીધાં વિના જ તેના આનંદની અનુભૂતિ પણ થવી જોઈએ.  જો આપણે અધીરતા કે ઉતાવળને છોડીને કોઈ પણ કળા કે વિષયને ધૈર્યપૂર્વક ધીમે ધીમે શીખીએ તો એમાં પૂર્ણપણે નિપુણ બની જઈશું અને તક મળતાં જ નિર્ભયતાપૂર્વક એ કળાનું પ્રદર્શન પણ કરી શકીશું.  જો તમે કોઈ અનુભવની પુનરાવૃત્તિ કરવા ઇચ્છતા હો તો તમારું અચેતન મન એ માટે તમને સહાય કરે છે.  દા.ત.  વર્ષોથી છોડી દીધેલ સાયકલ ચલાવવાનું કે તરવાનું કાર્ય અભ્યાસ સાથે થઇ શકે છે.  આટલા અંતરાલ પછી પણ તમે જરાય ખચકાયા વિના સહજતા સાથે અને વળી સાહસપૂર્વક સાયકલ ચલાવી શકો છો.  તરવાની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે.  નાનાં મોટાં કાર્ય પણ ઘણી લગની સાથે કરો.  આ સિદ્ધાંતથી વિદ્યાર્થીઓને અસીમ પ્રેરણા મળે છે.  એનાથી માત્ર એમના શિક્ષણને જ નહિ પરંતુ એના પોતાના સમગ્ર જીવનને એક નવી દિશા મળી જાય છે.  નેલ્સન રોઝનરે કહ્યું છે: ‘જો આપણે કોઈ એક કાર્ય બેદરકારીથી કરીએ તો બેદરકારી એ આપણી આદત બની જશે અને એ જ બેદરકારી આપણા બધાં કાર્યો દ્વારા અભિવ્યક્ત થશે.’

 

 
(રા.જ.૧-૦૪/(૩૩)૪૫૭-૫૮)

 

 
મુખવાસ …

 

 

DHARMA

 

તમે પોતાનામાં શ્રદ્ધા રાખો; જો તમારે ભૌતિક સંપત્તિ જોઈતી હોય તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરો તો એ તમને જરૂર મળશે.  જો તમારે બુદ્ધિનો વૈભવ જોઈતો હોય તો બૌદ્ધિક ક્ષેત્રમાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરો, એટલે તમે પ્રખર બુદ્ધિશાળી બનશો.  અને જો તમારે મુક્તિ મેળવવાની ઈચ્છા હોય તો આધ્યાત્મિક ભૂમિકા પર એનો ઉપયોગ કરો એટલે તમે જરૂર મુક્ત થશો તથા નિર્વાણપદને, શાશ્વત સુખને, પ્રાપ્ત કરશો.  પરંતુ અદ્વૈતવાદમાં એક જ ખામી રહી હતી; તે એ કે અત્યાર સુધી કેવળ આધ્યાત્મિક ભૂમિકા પર જ તેનો અમલ કરવામાં આવ્યો છે, બીજી કોઈ ભૂમિકા પર નહિ.  હવે તમારે તેને વ્યવહારિક બનાવવાનો સમય આવી પહોંચ્યો છે.  હવે વધુ સમય એ માત્ર સાધુઓની પાસે ગુફાઓમાં, જંગલોમાં અને હિમાલયમાં રહી નહિ શકે; એણે હવે લોકોના રોજિંદા જીવનમાં આવવું પડશે.  એનો ઉપયોગ રાજાઓના મહેલમાં થશે, સાધુની ગુફામાં થશે, ગરીબોની ઝૂંપડીમાં થશે, રસ્તા પરના ભિખારીઓ સુધ્ધાં એનો ઉપયોગ કરશે; સર્વ દિશામાં અને સર્વ સ્થળે એનો ઉપયોગ થઇ શકશે.  તમે સ્ત્રી છો કે શૂદ્ર છો એવો ડર રાખવાની જરૂર નથી;  કારણ કે આ વેદાંત ધર્મ એટલો મહાન છે કે કૃષ્ણ ભગવદ્દ ગીતામાં કહે છે તેમ ‘ સ્વલ્પમધ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ |’  ..  ‘ આ વેદાંત ધર્મનો જરાક સરખો અંશ પણ જો આચરણમાં ઉતારવામાં આવે તો એ મહાન ભયમાંથી ઉગારે છે.’  … માટે, તો આર્યોના સંતાનો !  આળસુ થઈને બેસી ન રહો, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત |  ‘ ઊઠો, જાગો અને અટક્યા વગર ધ્યેય પ્રાપ્ત કરો.’  આ અદ્વૈત વેદાંતને વ્યવહારિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાનો સમય હવે આવી પહોંચ્યો છે.  ચાલો આપણે તેને ઊંચા સ્વર્ગમાંથી નીચે આ પૃથ્વી પર ઉતારીએ.  આ છે અત્યારનું યુગપ્રયોજન.  પ આર્યનાં સંતાનો !  આપણા પૂર્વજોનો અવાજ આપણને પોકાર કરી રહ્યો છે કે આ વેદાંતને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર નીચે લાવો, તમારા વેદાંતનો ઉપદેશ સમસ્ત વિશ્વમાં ફેલાવી દો.  એને સર્વસાધારણ જનતાની સંપત્તિ બનાવો, આપણા જીવનના અણુએ અણુમાં એને ઉતારો, આપણી રગેરગમાં એને વહેવડાવો કે જેથી આપણા રક્તનું બિંદુએ બિંદુએ વેદાંતની ભાવનાથી ઝણઝણી ઊઠે છે !

 

 

–     સ્વામિ વિવેકાનંદ

 

 
બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.