મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી …[ભાગ -૧૨] …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૫૯-૬૦) …
-મહેશ શાહ, વડોદરા …

 

[ભાગ -૧૨]

 

 sakhi.12 vallabh

vallabh sakhi

 

 

શ્રી વલ્લભ વર કો છાંડિકે, ભજે જો ભૈરવ ભૂત |
અંત ફજેતી હોયગી, જ્યોં ગણિકાકો પૂત ||૫૯||

 

આગળની (૫૮ મી) સાખીમાં શ્રી વલ્લભને ભજનારાના સૌભાગ્યની અને તેમને મળનારા ફળની વાત કરી. શ્રી વલ્લભવરને છોડીને અન્ય દેવી દેવતાઓને ભજે તેની શી દશા થાય છે તેની વાત આ સાખીમાં કરાઈ છે.

આચાર્યશ્રીએ સિધ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સ્પષ્ટ પ્રતિપાદિત કર્યું છે કે परं ब्रह्म तु कृष्णो हि અર્થાત શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ સ્વરૂપ છે. તેનાથી અધિક કશું જ નથી. તેવી જ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાંઈજીએ ‘કૃષ્ણાસ્યમ:’ નામથી શ્રી વલ્લભનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે. શ્રી વલ્લભ ત્રિલોકના આભુષણ રૂપ (સર્વોત્તમ સ્તોત્ર શ્લો.૩૨) છે.  શ્રી વલ્લ્ભાષ્ટ્કમાં પણ કહ્યું કે, ‘વસ્તુત: કૃષ્ણ એવ’ શ્રીમહાપ્રભુજીનું આવું સ્વરૂપ જાણીને સર્વદા તેમનો આશ્રય કરવો.

 

આવા સમર્થ આપણા નિધિને છોડીને આપણે અન્યાશ્રય કરવાનો વિચાર પણ કરીએ તો તે આપણી પોતાની ગ્રીવા એટલે કે ગરદનને આપણા જ હાથે કાપવા જેવી વાત છે. આપણે એ પણ જાણીએ છીએ કે શ્રી વલ્લભ અને તેમની કૃપાથી પ્રાપ્ત થયેલા આપણા શ્રી ઠાકોરજી અનમોલ નિધિ છે. તેનાથી ચડિયાતું  કે શ્રેષ્ઠ તો જવા દો તેની  બરોબરીનું પણ કશું જ નથી.

 

શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીનો અનન્ય આશ્રય એ આપણો ધ્રુવતારક છે. તેમનામાં દ્રઢ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ એજ આપણા વહાણના સઢનું ચાલક બળ છે. તેમાં જો જરાક પણ ચૂક થશે તો પથ ભ્રષ્ટ થઇ જવાશે, દિશાહીન થઇ જશું અને સંસાર સાગરમાં ગોથાં ખાતા રહીશું. આપણી પાસે પારસમણી હોય તો પણ આપણે સુવર્ણ શોધવા બીજે જઈએ કે દીવો લઈને સૂર્ય શોધવા નીકળીએ તેવી આ વાત છે.

 

અહીં શ્રી હરીરાયજી ‘શ્રી વલ્લભ વરને છોડીને ભૈરવ અથવા ભૂતને ભજીએ’ એમ કહી સરસ રીતે અન્યાશ્રયની વાત કરે છે. અન્ય દેવને ભજવા તે ભૈરવને કે ભૂત-પલીતને ભજવા જેવી વાત છે.  શ્રી કૃષ્ણ નિર્ગુણ, નિર્મળ  છે. અન્ય દેવો ત્રિગુણાત્મક છે. કોઈ સત્વગુણાત્મક છે તો વળી કોઈ  રજોગુણ કે તમોગુણને ધારણ કરનારા છે. તમોગુણી દેવી દેવતાઓને ભજનારા તાંત્રિકો અને વામમાર્ગી લોકો વસ્તુત: ભૂત પ્રેતના જ ભક્તો બનીને રહી જાય છે. આથી જ પુષ્ટિનો રાજમાર્ગ છોડી પથભ્રષ્ટ થનારા લોકોને ભૈરવ-ભૂતને ભજનારા કહ્યા છે.

 

શ્રી હરિરાયજી કહે છે કે આવા લોકો અંતે તો પસ્તાવાના જ છે. મુખ્ય ધારાથી દૂર જનારાઓના આલોક-પરલોકની હાનિ થાય ઉપરથી લોકોની હાંસીને પાત્ર બને. એટલે સાચું શ્રેય  એમાં જ છે કે આપણો પંથ ક્યારેય છાંડીયે નહીં. ભગવાને શ્રી ગીતાજીમાં પણ એવી જ આજ્ઞા કરી છે કે સ્વધર્મે નિધન થાય તે ભલું પણ પરધર્મથી સદા ડરતાં રહેવું.

 

આપણો ધર્મ છોડી અન્ય પંથ અપનાવીએ તો બાવાના બેય બગડે ન આપણા ધર્મમાં રહીએ ન અન્ય ધર્મમાં ફાવીએ. આપણી હાલત અનાથ વ્યક્તિ જેવી થઇ જાય. આ વાત સમજાવવા શ્રી હરિરાયજી કહે છે કે આપણી દશા ગણિકાના પુત્ર જેવી થાય. ગણિકાના પુત્રને પિતાનું નામ પ્રાપ્ત થતું નથી. પિતાનું નામ ન હોવાથી અનૌરસ કહેવાય છે, અપમાનિત થાય છે, સામાજિક સ્વીકૃત્તિ મળતી નથી તેથી સમાજમાં તેનું અપમાન જ થતું રહે છે. તેવી જ રીતે અનેક દેવી દેવતાઓ વચ્ચે ભટકતો ભક્ત પણ આધ્યાત્મિક અનૌરસ જ ગણાય.  ભટકી ગયેલો ભક્ત પણ તેનું કોઈ ધણી ધોરી ન હોવાથી ધણી વગરનો, નધણિયાતો બની જાય છે. પતંગનો દોરો કપાઈ જાય તે પછી પતંગની  ગતિ અને દિશા અનિયંત્રિત થઇ જાય છે અને અંતે આકાશે ઉડવાને બદલે ભોંય ભેગી થઇ જાય છે તેવી જ રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અને તેમના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભના  શરણરૂપી રાજમાર્ગ  છોડી અન્ય માર્ગે જનાર આવા ભક્તો પણ દિશાહિન થઇ અવગતીમાં અટવાઈને અંતે આધ્યાત્મિક અવનતિ પામે છે.

 

વૈષ્ણવ જન કી ઝોંપડી ભલી, ઔર દેવકો ગામ |
આગ લગો વા મેંડમેં, જહાં ન વલ્લભ નામ  ||૬૦||

 

ભૌતિક સુખ સુવિધાનો કે ઐશ્વર્યનો અભાવ શ્રી હરિરાયજી ઝૂંપડી શબ્દથી દર્શાવે છે. શ્રી હરિરાયજી કહે છે કે સગવડ સભર સદન નહીં પણ સાચા વૈષ્ણવનો જ્યાં વાસ હોય તેવી ઝૂંપડી ભલી છે, વધુ શ્રેયસ્કર છે, વધુ પાવન અને વધુ પાવક છે. આવી જગ્યાએ જવું કે રહેવું આપણા માટે સારૂં છે કારણ કે વૈષ્ણવનું ઘર નંદાલય સમાન છે. ત્યાં શ્રી કૃષ્ણચંદ્ર સાક્ષાત બિરાજે છે, ખેલે છે, લીલા કરે છે.

 

ભગવાન શ્રીકૃષ્ણે પણ દુર્યોધનના મહેલ અને તેના મેવા મીઠાઈ કરતાં સાચા ભક્ત વિદુરની ભાજીને પ્રેમથી સ્વીકારી હતી. ઠાકોરજી પણ જેટલા પ્રેમથી શેઠ પુરુષોત્તમદાસના સ્વાદિષ્ટ વ્યંજનો આરોગતા હતા તેટલા જ પ્રેમથી પદ્મનાભદાસના છોલે આરોગતા હતા. આમ મહત્વ સુખ સુવિધા કે વૈભવનું નહીં ભાવનાનું છે. ભાવનાની વાત કરીએ તો આપણા માર્ગમાં આપણે ગોપીજનોના ભાવની ભાવના કરીએ છીએ. જે પ્રેમલક્ષણા ભક્તિનું ચરમ બિંદુ છે. પ્રેમનું શિખર એટલે ગોપી, પ્રેમનો ઉદધી એટલે ગોપી, નિર્વ્યાજ પ્રેમ, અપેક્ષા રહિત પ્રેમ, અસીમિત પ્રેમ, અક્ષુણ્ણ પ્રેમ એટલે ગોપી એટલે જ આપણે ગોપીને પ્રેમની ધ્વજા કહીએ છીએ.  આવી ભાવનાથી ભરપુર ઝૂંપડી સ્વર્ગથી પણ સુંદર છે.

 

ગામ શબ્દ અહિં સુખ, સુવિધા અને સમૃદ્ધિના પર્યાય તરીકે પ્રયોજાયો છે. આવા ગામોમાં કે મહેલોમાં અન્ય દેવી દેવતાનું પૂજન-અર્ચન થતું હોય તો ત્યાં રહેવું જ શા માટે ?  અન્ય દેવતાઓ પરબ્રહ્મ પરમાત્માના અંશાવતાર છે, તેમના આજ્ઞાકારી સેવકો છે. તેથી પરમ તત્વને છોડી તેમને ભજવામાં, અન્યાશ્રય કરવામાં સમજદારીનો અભાવ રહેલો છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો આધાર લઈએ તો તેમ કહી શકીએ કે શુદ્ધ પુષ્ટિ જીવ અન્ય દેવ પ્રતિ આકર્ષાય જ નહીં. તેની રતિ, પ્રીતિ, મતિ, ગતિ અને વૃત્તિ સર્વ એક શ્રી નંદનંદનમાં જ સમાહિત થયેલા હોય છે. ફરીથી વાત તે જ બિન્દુ પર આવીને અટકે છે. અનન્ય ભક્તિ, દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનો ત્યાગ પાવન પંથ છે. તેને છોડીએ નહીં કે તેનાથી દૂર જઈએ નહીં. ચીલો ચાતરીએ નહીં

 

એવી મેંડ કે મર્યાદા જેમાં આપણા શ્રી વલ્લભનું સ્થાન ન હોય તે આપણા માટે સ્વીકાર્ય નથી. શ્રી વલ્લભે દોરી આપેલી મેંડ આપણા માટે પરમ પવિત્ર બંધન કે પ્રાણથી પણ પ્યારી મર્યાદા છે. અંગ્રેજીમાં કહીએ તો sacrosanct છે. તેનું  ઉલ્લંઘન તો ઠીક તેની અવગણના પણ આપણે કરતા નથી. મર્યાદા માર્ગમાં પણ સીતાજીના ઉદાહરણથી લક્ષ્મણ રેખાનું માન રાખવાની પ્રણાલિકા છે.

 

શ્રી વલ્લભ તો વાક્-પતિ છે, પ્રભુના મુખારવિંદ રૂપ છે તેથી તેમની વાણીમાં સનાતન સિદ્ધાંતો સમાયેલા છે. તે મર્યાદા કે તે મેંડનું પાલન થવું જ જોઈએ. તેનાથી અલગ મેંડ હોય, જ્યાં શ્રી વલ્લભના સિદ્ધાંતોની વાત ન હોય તેવી મેંડનો પરિત્યાગ એ જ આપણા હિતની, આપણા સ્વાર્થની વાત છે. આથી જ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે આવી મર્યાદા, આવી પ્રણાલી, આવો માર્ગ કે જેમાં શ્રી વલ્લભ ન હોય તે ભલે આગથી નાશ પામે.

 

આવી આગ પરમ પાવક જ્વાળા બની આપણું ભલું જ કરશે તેવી શ્રદ્ધા સાથે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.    (ક્રમશ: )

 

 

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.