નાગદમન લીલાનું રહસ્ય …

નાગદમન લીલાનું રહસ્ય …

 

 

 nag daman

 

 

પુષ્ટિમાર્ગના પ્રણેતા મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી છે. શ્રી મહાપ્રભુજીના બે લાલન શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ હતાં. તેમાંથી શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ જેઓ માર્ગમાં શ્રી ગુંસાઈજી પ્રભુચરણ તરીકે ઓળખાયા. શ્રી ગુંસાઈજી પ્રભુચરણને સાત લાલ હતાં. શ્રી ગિરિધરલાલજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામલાલજી. શ્રી ગુંસાઈજી પ્રભુચરણના આ સાત લાલમાંથી ચતુર્થ લાલ તે શ્રી ગોકુલનાથજીએ ગોવર્ધનવાસી સાંવરેલાલ શ્રી દેવદમનજી ને શ્રીનાથજી બાવાનું ઉપનામ આપીને લાડથી બોલાવતાં. શ્રી નાથજી શબ્દનો અર્થ આ મુજબ થાય. શ્રી એટ્લે કે લક્ષ્મી અને નાથ એટ્લે કે સ્વામી અથવા રાજા. પુષ્ટિમાર્ગમાં શ્રી એટ્લે કે જેની પાસે વ્રજ, અને વ્રજ સંપતિ રૂપી લક્ષ્મી રહેલી છે તેના રાજા. વ્રજ સંપતિમાં વ્રજભૂમિ, વ્રજરજ, વ્રજનર અને વ્રજનારીઓ, ગૌ ધન, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી આવે છે અને જેની પાસે આ વ્રજસંપતિ રહેલી છે તેવા વ્રજનાથ અર્થાત પ્રભુ શ્રીકૃષ્ણ તે લક્ષ્મીના પતિ અને રાજા છે.

શ્રી ગોકુલેશ પ્રભુચરણ પોતાના આરાધ્ય દેવ એવા દેવદમનજીની પાસે આ શ્રી રૂપી સંપતિ હોવાને કારણે તેઓ “દેવદમન શ્રીનાથજી પ્યારે” કહી સંબોધિત કરતાં. સમયાંતરે “શ્રીનાથજી” નામ વધુ પ્રચલિત થયું. આ સ્વરૂપ હાલમાં રાજસ્થાનના ઉદયપુર પાસેના સિંહાડ ગામમાં બિરાજે છે જેને શ્રીનાથજી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવદમન શ્રીનાથજી બાવા અર્થાત ……..ભગવાન શ્રી કૃષ્ણએ સારસ્વત યુગમાં અનેક લીલાઓ કરેલી. આ લીલાઑ મુજબ જે સ્વરૂપ પ્રગટ થયાં તેમાંથી મુખ્ય ત્રણ સ્વરૂપ પુષ્ટિમાર્ગમાં સેવાય છે. શ્રીનાથજી બાવાનું સ્વરૂપમાં શ્રી ગિરિરાજ ધારણનું સ્વરૂપ સમાયેલું છે.

 

ભગવાન કૃષ્ણએ દેવરાજ ઇન્દ્રનો ગર્વ ઉતારવા ગિરિરાજ ધારણ કર્યો અને ઇંદ્રદમન બન્યા. આ સ્વરૂપ હાલમાં મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં બિરાજે છે, વ્રજમાં શ્રી ઠાકુરજીની પરીક્ષા કરવા આવેલા આદિ દેવ બ્રહ્માજીનો ગર્વ ઉતારી પ્રભુ શ્રી કૃષ્ણ દેવદમન બન્યાં. યમુનાજીના ધરામાં વસેલા કાલિનાગનું દમન કરી પ્રભુ નાગદમન બન્યાં. આ સ્વરૂપ હાલમાં વડોદરામાં બિરાજે છે. આ રીતે આપણાં શ્રીજી બાવાના ત્રણ સ્વરૂપ જોવા મળે છે. આ ત્રણ સ્વરૂપમાંનું એક સ્વરૂપ તે “નાગદમન”નું સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તે આપણે જોઈશું અને સાથે આજના આ પ્રસંગમાં આ લીલા પાછળ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુના સિધ્ધાંત શું કહે છે તે વિષે સવિસ્તાર જોઈશું.

 

રમણક દ્વીપમાં નાગ સર્પના અનેક પરિવાર રહેતા હતાં એક સમયે વિષ્ણુ વાહન ગરુડે સર્પોના જુથો ઉપર હુમલો કર્યો દરરોજ તે આવીને અસંખ્ય નાગોનો સંહાર કરતો હતો તેથી એક દિવસ ગરુડના ભયથી થાકેલા સર્પો એ ગરુડને કહ્યું કે જયાં સુધી તું અમને આ રીતે ખાતો રહેશે તો અમારૂં જીવન સુરક્ષિત શી રીતે રહેશે? માટે એમ કર કે દરરોજ પ્રત્યેક ઘરમાંથી એક એક સર્પનો તુ બલિ લે અને સાથે સાથે પ્રત્યેક નાગ સાથે તને ભાવે તેવું બીજું પણ અન્ન તને આપતા રહીશું પણ આ રીતે દિન પ્રતિદિન અસંખ્ય નાગોનો વિનાશ કરવાનું બંધ કર. સર્પોની આ વાતને ગરુડ રાજે સંમતિ આપી  અને  તે દિવસથી આત્મરક્ષણ માટે ગરુડરાજને દરેક ઘરોમાંથી બલિ મળતો થયો, પરંતુ જ્યારે કાલિયનાગના ઘરેથી બલિ દેવાનો વારો આવ્યો ત્યારે કાલિયનાગે તેનો વિરોધ કર્યો.   કાલિયનાગના વિરોધથી ગરુડને ગુસ્સો આવ્યો અને તે કાલિયનાગને દંડ દેવા માટે આવ્યો.   આ વાતની ખબર પડતાં જ કાલિયનાગ ગરુડરાજથી બચવા માટે પોતાના પરિવાર સહિત દર દર ભટકતો રહ્યોં, પરંતુ તેને કયાંય રક્ષણ ન મળતા આખરે એ દેવાધિદેવ શેષ જનાર્દનના શરણે ગયો.  કાલિયને દીન અને ભયભીત જોઇને દેવાધિદેવ શેષ જનાર્દને કહ્યું કે હે કાલિય, તમે વૃંદાવનમાં આવેલ યમુનાજીના નીરમાં વસવાટ કરો ત્યાં તમને ગરુડનો ભય નહી રહે આ સાંભળીને કાલીય નાગે પૂછયું કે પૃથ્વી પર મને એવું એક પણ સ્થાન મળ્યું નથી કે જયાં મને ગરુડનો ભય ન હોય તો પછી વૃંદાવન ધામ તેમાંથી બાકાત શા માટે છે ? ? ?

 

ત્યારે શેષ જનાર્દને કહ્યું કે એક સમયે સૌભરી નામના ઋષિ વૃંદાવનમાં યમુનાજી જળમાં ઊભા રહીને તપ કરી રહ્યાં હતાં. તે જળમાં મીનરાજનો પરિવાર પણ સદાય આનંદમંગલ કરતો તેમની આસપાસ વિહાર કરતો મીનરાજનાં પરિવારને જોઇને સૌભરી ઋષિને અત્યંત આનંદ થતો એક દિવસ ગરુડે મીનરાજને મારી નાખ્યો અને તેના પરિવારનું ભક્ષણ કર્યું આ જોઇને મુનિશ્રેષ્ઠ સૌભરી એ ગરુડને શાપ આપ્યોં કે તે કયારેય પણ વૃંદાવનમાં યમુનાજીના કુંડમાં આવીને બળપૂર્વક માછલીઓનું ભક્ષણ કરશે તો તેનું મૃત્યું થશે. તે દિવસથી શાપથી ભયભીત થયેલો ગરુડરાજ વૃંદાવનના યમુનાજીના કિનારાથી દૂર રહેવા લાગ્યોં. પ્રભુ જનાર્દનની વાત સાભળી કાલિય પોતાના પરિવાર સહિત યમુનાજીના જળમાં આવીને રહેવા લાગ્યો.

 

શેષ જનાર્દને કાલિય નાગને પોતાના પરિવાર સહિત યમુનાજીમાં રહેવાની અનુમતિ આપી હતી, પણ યમુનાજીના જળમાં કે જળની આસપાસ જે જીવો વસી રહયાં છે તેનો વસવાટ છીનવી લેવાની અનુમતિ નહોતી આપી. યમુનાજીના જળમાં વસવાટ કરવાને કારણે કાલિયનાગ પરથી મૃત્યુનો ભય ઓછો થતાં જ  કાલિયમાં “હુંકાર”નું અભિમાન આવ્યું અને તેને લાગવા લાગ્યું કે આ મારું નિવાસ સ્થાન છે અને અહીં મારો અને મારા પરિવારનો અધિકાર છે માટે બીજા કોઇનો અધિકાર નથી.

 

શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કાલિયનાગને યમુનાજીનાં જળમાં શરણમાં સ્થાન મળ્યું તે પુરતું ન હતું, પણ જેણે આશ્રય આપ્યું તેનો ગુણ ભૂલી જઇને ઇર્ષારૂપી વિષથી યમુનાજીના નીરને પણ વિષયુક્ત કર્યું.  શ્રી શુકદેવજી કહે છે કે કાલિયનાગે યમુનાજીનાં નીરને એટલું વિષયુક્ત કર્યું કે યમુનાજીના જળમાંથી અગ્નિથી પણ પ્રબળ જ્વાળાઓ ઉડતી. યમુનાજીના વિષેલા જળના ઉછળતાં મોજાઓ જ્યારે નાના નાના બિંદુઓનું સ્વરૂપ બનીને બહાર આવતાં ત્યારે કિનારા પરનું ઘાસ, વૃક્ષ, પશુ, પક્ષીઓ, કીટકો વગેરે પણ મરણ ને શરણ થતાં, યમુનાજીની ઉપર ઊડતાં પંખીઓને અંશમાત્ર જ્વાળા લાગતાં પણ તેઓ મૃત્યુને ભેટતાં. શ્રી યમુનાજીમાંથી ઉડેલ આ વિષબિંદુ યુક્ત જ્વાળાથી કિનારા પરની તમામ વનસ્પતિ હરિયાળી નાશ પામી હતી ત્યારે કેવળ એક કદંબનું વૃક્ષ બચી ગયું હતું.

યમુના કિનારાની સમસ્ત હરિયાળીનો નાશ થયો પરંતુ કેવળ એક કદંબવૃક્ષ બચી ગયું તે વાતનું રહસ્ય સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે વિષ્ણુ વાહન મહાપરાક્રમી શ્રી ગરુડજીને જ્યારે ખબર પડી કે પોતાની માતા વિનિતા સર્પમાતા કદ્રુના દાસી બની ગયા છે ત્યારે તેઓ અત્યંત દુઃખી થયા પોતાના માતા વિનિતાને દાસ્યત્વમાંથી મુક્ત કરાવવા માટે તેઓએ ભગવાન વિષ્ણુ પાસેથી અમૃતનો કુંભ મેળવ્યો અને પોતાની માતા પાસે જવા નીકળ્યા. માર્ગમાં તેઓ બ્રજમાં યમુના કિનારાના આ કદંબના વૃક્ષ પર વિસામો લેવા થોભ્યા હતા ત્યારે કુંભમાંથી અમૃતના બિંદુઓ આ કદંબ પર પડવાથી આ વૃક્ષને કાલિયના વિષની અસર ન થઈ.

 

શ્રી મહાપ્રભુજીએ આ રહસ્યને વધુ વિશાળતાથી સમજાવતા કહ્યું કે મનુષ્યજીવનમાં પણ લૌકિક દોષો રૂપી વિષ લાગે છે ત્યારે કેવળ ભગવદનામ રૂપી અમૃતનો સતત છંટકાવ જો થતો રહે તો જ મનુષ્ય આ કાળરૂપી સર્પના વિષમાંથી બચે છે.

 

ગોકુલ ગ્રામવાસીઓ તો હવે આ વિષયુક્ત વનસ્પતિ, વિષયુક્ત યમુના જળ અને વિષયુક્ત યમુના કિનારાથી સ્વયં પણ દૂર રહેવા લાગ્યા અને પોતાના પશુધનને પણ દૂર રાખવા લાગ્યા હતા, પરંતુ આવી પડેલી આ મુશ્કેલીને કારણે હવે ગ્રામવાસીઓને પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. વૃંદાવનવાસીઓની આ દુર્દશા જોઇને દુષ્ટોનું દમન કરવા માટે જેનો અવતાર થયો છે તેવા નંદનંદન શ્રી કૃષ્ણએ યમુનાજીના ઘૂનામાં કૂદકો માર્યો અને કાલિયનાગ સાથે તેમણે લડાઇ કરી. નાના બાળક દેખાતા કૃષ્ણ સામે કાલીય નાગ ગુસ્સે થઈ પોતાનું બાહુ બળ દર્શાવતો લડવા લાગ્યો અને વારંવાર પોતાની વિશાળ ફણાઓ ફુત્કારવા લાગ્યો અને વિષ ઓકવા લાગ્યો.

 

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી ઠાકુરજી પરમ કૃપાળુ છે કાલિય નાગ જ્યારે ગુસ્સે થયો તો શ્રી ઠાકુરજી કહે છે કે તે તારો મૂળભૂત સ્વભાવ છે જે તને આ જન્મમાં મળ્યો છે. કાલિયા પોતાની ફણાઓ ફુત્કારવા માટે જ્યારે નમતો હતો તે અપરાધ ને શ્રી ઠાકુરજીએ અપરાધ ન માન્યો બલ્કે તેમણે તે ફુત્કારવાણીની પ્રક્રિયાને દંડવત પ્રણામ માન્યાં, કાલિય ફુત્કારની સાથે સાથે વિષના ડંખ મારવા લાગ્યો હતો તેને સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે કાલિયની વિષ ફેંકવાની પ્રક્રિયા વિષે કહે છે કે જે વસ્તુ જેની પાસે હોય તેજ તે આપે છે કાલિય પાસે વિષ હતું તેથી તેણે તે વિષ શ્રી ઠાકુરજીને અર્પણ કર્યું છે.

 

કાલિયાએ જે બાળકને નાનો અને તુચ્છ ગણ્યો હતો તેવા કૃષ્ણકનૈયાના બાહુ બળ અને બુધ્ધિ બળ પાસે કાલિયનો પરાજય થયો. વાંરવાર લડવાનો મોકો શોધતાં શોધતાં કાલિયાએ એટલા ચક્કર ફર્યા કે……..ચક્કર ચક્કર ફરતાં ફરતાં તેની શક્તિ ક્ષીણ થવા લાગી. તે સમયે મોકો જોઇને તેની ફણાં નમાવીને તેના મસ્તક ઉપર કૃષ્ણ ચઢી ગયા અને સમગ્ર કલાના ગુરુ કૃષ્ણ કનૈયા નૃત્ય કરવા લાગ્યાં વ્રજનાં વ્રજનંદન નૃત્ય કરવાને તત્પર બન્યાં છે તે જાણીને તે વખતે ગંધર્વ, સિધ્ધ, મુનિ, દેવો વગેરે મૃદંગ, પિનાક, પણવ, અમૃત દંદુભિ વગેરે વિવિધ પ્રકારના વાદ્યો વગાડવા લાગ્યાં, દેવસ્ત્રીઓ સ્તુતિ કરીને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગી અને શ્રી કૃષ્ણએ કાલિયનાગના ફણાઓ પર તાંડવનૃત્ય કર્યું અને તે તાંડવ દ્વારા કાલિયના મસ્તક ઉપર વારંવાર પદ પ્રહાર કરવા લાગ્યાં. વારંવાર થતાં પદપ્રહારથી કાલિય થાકી ગયો તેની ફણાઓ જર્જરીત બની ગઇ તેના મોમાંથી લોહી પડવા લાગ્યું.

 

આ વાત સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે અભિમાન યુક્ત આપણું મસ્તક એ કાલીનાગનું પ્રતિક છે અને કાલિય જેમ ૪ મસ્તક ધરાવે છે, તેમ મનુષ્ય પણ ૪ પેટા મસ્તક અને ૧ મુખ્ય મસ્તક ધરાવે છે મનુષ્યના ૪ મસ્તકો એ કામ, ક્રોધ, મદ, મોહના પ્રતિક છે આ પેટા પ્રતીકો એ મુખ્ય મસ્તકને સાથ આપીને તેને વધુ ને વધુ અભિમાન અને અહંકાર યુક્ત બનાવે છે. પ્રભુની નાગદમન લીલામાં દ્વિતીય પાસુ એ પણ છે કે શ્રી ઠાકુરજીએ કાલિયની ફણાઓને નાથી છે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે સાંસારિક સમુદ્રમાં જીવતા જીવને પણ લોભ, લાલચ, મદ, અસૂયા રૂપી અનેક જિહ્વા છે આ તમામ જિહ્વાને કેવળ શ્રી ઠાકુરજી જ નાથી શકે છે. વળી એ વિષમય સર્પની ફણાઓને નાથીને બાલ શ્રીકૃષ્ણ તેના પર નૃત્ય કરે છે શ્રી મહાપ્રભુજી કહે છે કે કાલિયા સર્પની એ ફણા મૃત્યુનું પ્રતિક છે પણ તેમ છતાં બાલકૃષ્ણ એ મૃત્યુથી ડર્યા નહીં પરંતુ એ મૃત્યુ પર તેમણે નૃત્ય કર્યું છે શ્રી ઠાકુરજીની આ લીલા જીવોને મૃત્યુના ભયમાંથી અભય બનીને અભ્યંકર શી રીતે બનવું તે શીખવે છે. 

 

નાગપત્નીઓએ પોતાના પરિવાર સહીત યશોદાનંદનની સ્તુતિ કરી પોતાના સ્વામીના અપરાધોની ક્ષમા માગવા લાગી. શ્રી મહાપ્રભુજી અહીં એ પણ સમજાવે છે કે જેમ કાલીનાગ આપણા મસ્તકમાં વસે છે તેમ નાગપત્ની પણ આપણી અંદર જ વસતી દિનતા અને દૈન્યતાઓના પ્રતિક સમાન છે. દિનતા અને દૈન્યતા જ્યારે પોતાને થયેલા અહંકારને ભુલીને પ્રભુની ક્ષમા માંગી સંપૂર્ણ શરણાર્ગતિના ભાવ સાથે પ્રભુના શરણે જાય છે ત્યારે પ્રભુ તેનો સ્વીકાર કરે છે, પરંતુ એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે શ્રી ઠાકુરજી પોતાની કૃપા રૂપી પદ પ્રહારથી આપણા અભિમાન રૂપી મસ્તકનું દમન કરે છે. શરણે આવેલા કાલિયાએ પણ પ્રભુની સ્તુતિ કરી ક્ષમા માગી ત્યારે શ્રી પ્રભુએ તેને યમુનાજીનો ધરો છોડીને ક્ષીરસાગરમાં જઇને રહેવાની આજ્ઞા આપી, ત્યારે કાલિયાએ કહ્યું કે મને ગરુડરાજનો ભય છે ત્યારે પ્રભુ એ કહ્યું કે તારા મસ્તક ઉપર મારા ચરણચિન્હ છે તેથી ગરુડ તને ખાઇ શકશે નહીં.

 

શ્રી મહાપ્રભુજી આ વાક્યના સંદર્ભમાં કહે છે કે શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દની કૃપા જ્યારે જીવના મસ્તક પર પડે છે ત્યારે જીવ કાળ, યમ અને નિયતિના ભયથી મુક્ત બની જાય છે. પ્રભુની આજ્ઞાને માથે ચડાવીને કાલિય નાગ પોતાના પરિવાર સહીત યમુનાજીના જળવાળું નિવાસસ્થાન છોડીને ક્ષીરસાગરમાં રહેવા ચાલી ગયો. શ્રી મહાપ્રભુજી કહે છે કે નાગદમનની લીલામાં પ્રભુએ કાલિય રૂપી અભિમાની મસ્તકના ચુરેચુરા કર્યા છે. પરંતુ બીજી એ સત્યતા એ પણ છે કે કહે છે કે કાલિયાએ જે કંઇ પોતાની પાસે હતું તે સર્વસ્વ શ્રી ઠાકુરજીને અર્પણ કર્યું છે પોતાનો સ્વભાવ, પોતાનું વિષ વગેરે તેણે શ્રી ઠાકુરજીને અર્પણ કર્યું  છે તેથી શ્રી ઠાકુરજી કહે છે કે જે રીતે કાલિયાએ મારે ચરણે પોતાનું સર્વસ્વ ધર્યું છે તો મારે પણ મારી પાસે જે કંઇ છે તે દેવું જોઈએ તેથી હું કૃષ્ણ, જગતનો જગદીશ્વર એવો હું કૃષ્ણ પણ ત્રૈયલોક્ય બ્રહ્માંડમાં જે સૌથી દુર્લભ છે તેવી મારી ચરણરજ તને આપું છું.

 

શ્રી મહાપ્રભુજી વિશેષમાં સમજાવતાં કહે છે કે જે પ્રભુના ચરણારવિંદની રજ માત્ર લેવા માટે મનુષ્યો અગાથ શુભકાર્યો રૂપી કર્મો કરે છે અને ઋષિઓ હજારો વર્ષો સુધી તપ કરે છે, લક્ષ્મી, બ્રહ્મા, શિવ આદિને જે ચરણકમળની ચરણધૂલિની આકાંક્ષા રહેલી છે તેવા ચરણ કમળની રજ વારંવાર કાલીયનાગના મસ્તક પર પડતી રહી તો તેને શાપ ગણવો કે આશીર્વાદ ગણવો???!!!!!

 

સંસારચક્રમાં ભટકતાં જીવને જો શ્રી પ્રભુના ચરણકમળનાં રજનો જો અંશ માત્ર પ્રાપ્ત કરી લે તો પણ તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થઇ જાય છે.

 

 

સાભાર સૌજન્ય :  પૂર્વી મલકાણ મોદી – યુ એસ એ.                                                                                            

 વૈષ્ણવ પરિવાર- પુષ્ટિ પ્રસાદ ૨૦૧૧ માં પ્રકાશિત.

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.