ગીતા અને કુરાન …

ગીતા અને કુરાન …

 

 

geeta - quran

 

 

વિનોબા ભાવે ગાંધીયુગના એવા ચિંતક હતા કે જેમણે ગીતા અને કુરાનનું ઊંડાણથી અધ્યન કર્યું હતું.  ગીતાના શ્લોક જેટલા શુદ્ધ ઉચ્ચારો સાથે તે બોલતા એટલી જ કુરાનની આયાતો પણ શુદ્ધ એરેબિક ઉચ્ચારો સાથે પઢતા.  અબુલ કલામ આઝાદ એક વાર વર્ધામાં ગાંધીજીને મળવા આવ્યા.  ત્યારે ગાંધીજીએ વિનોબાને કુરાનનો પાઠ કરવા કહ્યું, વિનોબાજીએ એવી સુંદર લક્ષણ અને શુદ્ધ ઉચ્ચારો સાથે કુરાનની આયાતો પઢી કે મૌલાના આઝાદ દંગ રહી ગયા.  એ યુગમાં એક અનુયાયીએ વિનોબાજીને પૂછ્યું, ‘આજકાલ તમે આધ્યાત્મનો વિશે ઉલ્લેખ કરો છો.  આ આધ્યાત્મ એટલે શું ?

 
વિનોબાએ તેનો ઉત્તર આપતા કહ્યું, આધ્યાત્મ એટલે, ૧. સર્વોત્તમ નૈતિક મૂલ્યો.  ૨.  નૈતિક જીવન વિશેની અતૂટ શ્રદ્ધા  ૩.  જીવનમાત્રની જ્ઞાન અને ભાન રાખનારી નિર્મળ શ્રદ્ધા  ૪.  મૃત્યુ પછી જીવનસાતત્ય અંગેનો અતૂટ વિશ્વાસ.’

 

વિનોબાજીના ઉપરોક્ત આધ્યાત્મ વિચારોના કેન્દ્રમાં આપણા બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન પડ્યા છે.  જેમાં ધર્મના ક્રિયાકાંડોથી પર માત્રને માત્ર મૂલ્યનિષ્ઠ વિચારો અભિવ્યક્ત થયા છે.  જોકે અત્રે એ વિચારોને પૂર્ણ તુલનાત્મક અભ્યાસ કરવો સંભવ નથી.  પણ તેના થોડા છાંટાનું આપણે આચમન કરાવવાનું પ્રયોજન છે.

 

પ્રથમ શબ્દ અને શ્લોક :  ગીતાનો આરંભ ‘ધર્મક્ષેત્ર’ અથવા ‘ધર્મભૂમિ’  શબ્દથી થાય છે.  જ્યારે કુરાને શરીફનો આરંભ ‘બિસ્મિલ્લાહ અર્ રહેમાન  નીર્ રહીમ ’ શબ્દથી થાય છે.  બંને શબ્દો આધ્યાત્મિક અભિગમનું પ્રતિક છે.

 

શ્રીમદભગવદ્દ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે ધર્મની પરિભાષા બહુ વિસ્તૃત રીતે કરી છે.  ધર્મ-અધર્મની વિશાળ છણાવટ ગીતાના ઉપદેશનો કેન્દ્રીય વિચાર છે.  કર્મ, અકર્મ અને વિકર્મને કેન્દ્રમાં રાખી શ્રીકૃષ્ણે ધર્મની વિભાવના સમગ્ર ગીતામાં સમજાવી છે.  ગીતામાં શ્રીકૃષ્ણે જે ધર્મની વાત કરી છે તે કોઈ સંપ્રદાય નથી, તે તો માનવધર્મ છે, માનવી તરીકેના કર્તવ્યની વાત છે.  એ અર્થમાં ધર્મક્ષેત્રની વિભાવના સમજાવવાનો આ પ્રથમ શ્લોકમાં પ્રારંભ થયો છે.

 

શાબ્દિક દ્રષ્ટિએ જોઈએ તો આ શ્લોકમાં કુરુક્ષેત્રના મેદાનને ધર્મભૂમિ તરીકે મૂલવવામાં આવી છે.  જ્યાં ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્યનું યુદ્ધ આકાર પામવાનું છે.  એ જ રીતે કુરાનનો પ્રથમ શબ્દ છે  ‘ બિસ્મિલ્લાહ અર્ રહેમાન  નીર્ રહીમ ’  અર્થાત્  શરૂ કરું છું.  અલ્લાહના નામે જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે’  એ પછી ઊતરેલી કુરાનની પ્રથમ આયાત ઇસ્લામની કોઈ ક્રિયા, ઈબાદત પદ્ધતિ કે નિયમને વ્યક્ત કરતી નથી.  એમાં ઈશ્વર-ખુદાના ગુણગાન સાથે ભક્ત પોતાને સદ્દમાર્ગે ચલાવવાની ખુદાને પ્રાર્થના કરે છે.  એ પ્રાર્થનામાં કહ્યું છે :

 

‘પ્રસંશા એક માત્ર અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો રબ (ખુદા) છે, ન્યાયના દિવસનો માલીક છે, અમે તારી જ ઈબાદત કરીએ, અને તારી જ મદદ માગીએ છીએ, અમને શીધો માર્ગ બતાવ.  એ લોકોનો માર્ગ જેની ઉપર તેં કૃપા કરી છે.  જે તારા પ્રકોપનો ભોગ બન્યા નથી.  જે પદભ્રષ્ટ નથી.’

 

ઉપરોક્ત આયાતમાં એક વાક્ય ‘રબ્બીલ આલમીન’ આવે છે.  જેનો અર્થ ‘સમગ્ર સૃષ્ટિનો રબ’  થાય છે.  અર્થાત્ સમગ્ર માનવ જાતનો રબ-ખુદા-ઈશ્વર.  અહીંયા ‘રબિલ મુસ્લિમ’  માત્ર ‘મુસ્લિમોનો ખુદા’  શબ્દ વપરાયો નથી.  એ બાબત દર્શાવે છે કે ઈશ્વર એક જ છે,  ને તે કોઈ એક કોમ કે સંપ્રદાયનો નથી.  પણ સમગ્ર માનવજાતનો છે.

 

ઈશ્વર-ખુદાની પરિકલ્પના :  ગીતા અને કુરાને શરીફમાં ઈશ્વર કે ખુદાના વિચાર અંગેની સમાનતા નોંધનીય છે.  ગીતાના અનેક શ્લોકમાં ઈશ્વર માટે ‘જ્યોતિષામપિતુજજયોતિ’  અર્થાત્ ‘પ્રકાશોમાંનો પ્રકાશ’  શબ્દ વપરાયો છે.  કુરાને શરીફમાં ‘નુરૂનઅલાનુર’  (નુર ૩૫)  શબ્દ પ્રયોજાયો છે.  જેનો અર્થ થાય છે:  ‘પ્રકાશનો પ્રકાશ’  એ જ રીતે કુરાને શરીફમાં એક જગ્યાએ ‘નુરસ સમાવત વલ અરદે’  શબ્દ પ્રયોજાયો છે.  તેમાં ખુદાને ‘ધરતી અને આકાશનો પ્રકાશ’   કેહવામાં આવેલ છે.  ઈશ્વર-ખુદાના કાર્યને વ્યક્ત કરતાં ગીતામાં કહ્યું છે:

 

‘હે પાર્થ, તેઓ ઉપર કૃપા કરવાને તેમના અંતકરણમાં બેઠેલો હું ઐક્યભાવથી સ્થિર છું.  તેના અંતરમાં જો અજ્ઞાન રૂપી તમસ ઉત્પન્ન થાય તો હું મારા દિવ્ય તત્વજ્ઞાનના દીપક વડે તે તમસને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશથી જ્યોત પ્રગટાવું છું.  જેથી અજ્ઞાનના અંધકારનો નાશ થાય છે.

 

કુરાને શરીફમાં પણ આ જ વિચારને આગળ ધપાવતાં લખ્યું છે, ‘જે લોકો ઈમાન લાવે તેમનો સહયાક અલ્લાહ છે.  તે તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ આવે છે.’

 

ઉપનિષદમાં પણ આ જ વાત કહેવામાં આવી છે.  ‘તમસો મા જ્યોતિર્ગમય – અમને તિમિરમાંથી જ્યોતિ તરફ લઇ જા.’  મહંમદ સાહેબની પ્રાર્થનામાં પણ આ જ વાતનો ઉલ્લેખ જોવા મળે છે.  ‘હે અલ્લાહ, મને પ્રકાશ આપ’  ખુદા-ઈશ્વર સર્વવ્યાપી છે.  તે ચારે દિશામાં પોતાની દ્રષ્ટિ રાખે છે.  તેની નજરથી કશું દૂર નથી.  ગીતાના દસમા અધ્યાયના ૩૩મા શ્લોકમાં ઈશ્વર માટે સર્વ તરફ દ્રષ્ટિ રાખનાર છે.  કુરાને શરીફમાં પણ આ જ વિચારને સાકાર કરતાં કહ્યું છે:

 

‘પૂર્વ અને પશ્ચિમ સર્વ દિશાઓ અલ્લાહની જ છે.  માટે તમે જે દિશા તરફ મુખ કરો છો તે દિશા તરફ અલ્લાહ પોતાની રહેમત (કૃપા) કરે છે.’

 

 

(ગ.ગુ.(૨૬)૧-૧૨/૪૯)

 

 

ઇસ્લામની કેટલીક વાતો …

 

ઇસ્લામમાં સ.અ., વકફ, અ.સ. જેવા સંક્ષેપો વપરાય છે, તેમનાં પૂરા રૂપ તથા અર્થ :

 

ઇસ્લામનું મૂળ અરબસ્તાનમાં છે.  તેથી તેની મૂળ ભાષા અરબી છે.  સંક્ષેપો પણ અરબી છે.  કેટલાક સંક્ષેપો આ પ્રમાણે છે :-

 

સ. અ. સલામ અલયકુમ (આપને શાંતિ પ્રાપ્તિ થાઓ.), અ.સ. અલયહિસ્સલામ (તેમને નમસ્કાર હો)  પેગમ્બરસાહેબ સિવાયના મહાપુરુષ માટે વપરાતું માનવવાચક સૂત્ર., આ. ઝ. આખિરુઝઝમાન (અંતિમ રસૂલ કે પેગમ્બર), સ. અ. (વ.)  (પેગમ્બર સાહેબ માટે વપરાતી માનવાચના)

 

૭૮૬ બિસ્મિલ્લાહ અર્ રહીમ અર્ રહેમાન (પરમ કૃપાળુ અને પરમ માયાળુ અલ્લાહને નામે)  શુભ કાર્યમાં આરંભે હિન્દુ ધર્મમાં જેમ શ્રી ગણેશાય નમ: ઉચ્ચારવામાં આવે છે, તેમ ઇસ્લામમાં બિસ્મિલ્લાહ.. આદિ ઉચ્ચારવામાં આવે છે.  અબજદ નામની અંક પદ્ધતિમાં અરબી મૂળાક્ષરના દરેક અક્ષરનું અંકમાં મૂલ્ય હોય.  સરવાળો કરતાં ‘બે’ આદિ મૂળાક્ષર સામે તેનું અંક્મૂલ્ય મૂકી તેમનો સરવાળો કરતાં ૭૮૬ આવે છે, જે મૂળ મંત્ર બરાબર ગણાય છે.

 

વકફ અરબી શબ્દ છે.  તેનો અર્થ ધર્માદા થાય છે.  જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ પૂરી કે નોંધપાત્ર ભાગની દરિદ્ર આદિની સેવા જેવા ધાર્મિક કામ માટે આપે ત્યારે વકફ કે ધર્માદા ન્યાસ ગણાય છે.  વકફ કે ધર્માદા ધારા પ્રમાણે તેનું સંચાલન કરવામાં આવે છે.

 

 

(ગ.ગુ(૮)૧-૧૨/૪૯)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.