થાક અને કામ …

થાક અને કામ …

 

 

WORK & TIRED

 

 

કહેવાય છે કે વધુ પડતું કામ કરીએ એટલે થાક લાગ, અને પછી થાકનો ઈલાજ એટલે કે આરામ કરવો, કાંઈ જ ન કરવું.  પરંતુ ખરી વાત તો એ છે કે થાક તે બહુ કામ કરવાથી નહિ, પણ બહુ ઓછું કામ કરવાથી આવે છે, આળસ અને કંટાળામાંથી આવે છે.  તમને જો તમારું કામ કરતાં બરાબર આવડતું હોય તો પછી થાક સહેલાઈથી કે બહુ જલ્દી લાગતો નથી.  તમને તમારા કામમાં રસ હશે તો ખૂબ જ લાંબો વખત સુધી વિના થાકયે કામ કરી શકશો.  અને માટે જ થાક ઉતારવાની એક મુખ્ય રીત એ છે કે તમને રસ પડે તેવું બીજું કોઈ કામ હાથ પર લેવું.  કામ બંધ કરી દઈ પ્રમાદમાં અને તમસમાં સરી જવું, એ કાંઈ થાક ઉતારવાનો સાચો ઈલાજ નથી.  જે કામ તમે આનંદથી અને શાંતિથી કરી શકો છો તે તમારા માટે એક ટોનિક જેવું બની રહે છે, એ તમારો સક્રિય આરામ હોય છે.  આથી ઊલટું, જે કામ કરવામાં તમને રસ નહિ હોય, કોઈ ફરજની રીતે કે વેઠની રીતે તમે તે કરતા હશો, તેવું કામ તમને થોડી જ વારમાં થકવી નાખશે.  એટલે થાકનો ખરો ઈલાજ એ છે કે કામમાં તમારે ખરેખર રસ લેતાં રહેવું જોઈએ.  અને અહીં હવે એક બીજું સૂક્ષ્મ રહસ્ય આવે છે અને તે એ છે કે રસનો આધાર કામ ઉપર રહેલો નથી.  કોઇ પણ કામને રસમય, ખૂબ ખૂબ રસમય કરી શકાય છે.  એવું કોઈ પણ કામ નથી કે જે પોતે નીરસ હોય, શુષ્ક અને નિષ્પ્રાણ હોય.  કામનું મૂલ્ય તમે કેટલું આંકો છો તેના ઉપર જ બધો આધાર છે.  તમે ધારો તો તમારા હર કોઈ કામને એક પ્રેમકથા જેવું કરી શકો છો, કોઈ પ્રતીક જેવું અર્થસભર બનાવી શકો છો.

 
આ કેવી રીતે બની શકે છે ?  હરકોઈ ચીજમાં, હરેક ચીજમાં કેવી રીતે રસ લઇ શકાય ?  શું એમ નથી હોતું કે અમુક કામ જ આપણી શક્તિને અને ચારિત્ર્યને માટે અનૂકુળ હોય છે, અને અમુક કામો આપણી પ્રકૃતિને બિલકુલ પ્રતિકુળ હોય છે, આપણી શક્તિ અને આપણા ક્ષેત્રથી તદન બહારના હોય છે ?

 
પણ આમાં ખરો પ્રશ્ન તે તમારી શક્તિનો કે તમારા ક્ષેત્રનો નથી.  કામની પાછળની ખરી વસ્તુ તે તો તમારું પોતાનું વલણ છે, અને એ વલણ ઉપર જ બધો આધાર છે.  તમારી પાસે કોઈ કામ આવે, યા તમારે ભાગે કોઈ કામ કરવાનું આવે, ત્યારે તે કામ કરવા જેવું છે એમ સમજીને હાથ લેવું જોઈએ.  એ કામનું સામાન્ય રીતે ભલે ગમે તે મૂલ્ય સમજવામાં આવતું હોય, અથવા તો તમે પોતે તેનું સામાન્ય રીતે ભલે ગમે તે મૂલ્ય આંકતા હો, પણ તેથી તમારે એ કામ તરફ બેપરવા તો ન જ રહેવું જોઈએ, એને માત્ર નભાવી લેવા જેવું જ ન ગણવું જોઈએ.  ઊલટું તમારે એને વધાવી લઈને તેને વધુમાં વધુ સહ્રદયતાથી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.  દા.ત. કામ ભલેને ઘણું જ ક્ષુદ્ર હોય, તો પણ એ હલકું છે, તમારા દરજ્જાને છાજે તેવું નથી, એમ તમારે લેશ માત્ર ન સમજવું જોઈએ.  એ કામ તમે સારી ભાવનાથી કરવા લાગશો તો તમને તરત જ જણાશે કે અરે, આમાં તો કોઈ અદ્દભુત રસ રહેલો છે. કામ ભલે ગમે તેવું ક્ષુદ્ર હોય, નજીવું હોય તો પણ તેમાં સંપૂર્ણતા લાવવાનો પ્રયત્ન કરો દા.ત. તમને કચરો કાઢવાનો સોંપ્યો હોય કે રસોડું ધોવાને આપ્યું હોય, તો પણ એ કામ ખૂબ જ શુભ વૃત્તિથી કરો.  એ કરતી વેળા પોતાને કહો, ‘મારે આ સારામાં સારી રીતે કરવું જોઈએ.  નોકર કરતો હશે તેના કરતાં પણ તે હું વધુ સારી રીતે કરીશ.  આ જમીનને હું ખરેખર ચોખ્ખી બનાવી દઈશ, સ્વચ્છ અને સુંદર બનાવી દઈશ.’  કામ માત્રનું રહસ્ય આ છે તમારી અંદરની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ બહાર લાવી તમારા કામમાં તે મૂકી આપજો.

 
આમ બીજી રીતે કહીએ તો કામ એ તમારી પ્રગતિ માટેનું એક સાધન બની રહે છે.  શુભાશય એક ધ્યાન, એકાગ્રતા, આત્મવિસ્મરણ, આત્મ-સંયમ, તમારી ઇન્દ્રિયો ઉપર, તમારા જ્ઞાનતંતુઓ અને તમારી પોતાની જાત ઉપર કાબૂ – અને કામ જેમ ‘નાનું’ તેમ આ કાબૂ તમે વધુ વિગતમાં સિદ્ધ કરો છો – કામને સંપૂર્ણ રીતે પાર પાડવા માટેનાં તત્વો તે આ છે.  તમારાથી શક્ય તેટલી સંપૂર્ણ રીતે કામ કરવા પ્રયત્ન કરશો તો આ અને આ રીતનાં કામની સંપૂર્ણતાને સર્જનારા બીજાં તત્વો તમારી અંદર જાગૃત થશે, અને તમને એક વધુ ઉત્તમ વ્યક્તિ બનવામાં મદદરૂપ નીવડશે.  અને આ વસ્તુ તો ખાસ યાદ રાખશો કે તમને જે કામ પ્રત્યે કોઈ પક્ષપાત નહી હોય, જેના તરફ તમારે કોઈ લાગણીની આસક્તિ નહિ હોય અથવા તો સામાન્ય રીતે તે તરફ તમને ઉદાસીનતા હશે, તો તમને ખાસ મદદરૂપ થશે.  કારણ એ કામ કરતી વેળા તમારી લાગણીઓને ઓછામાં ઓછી ઉત્તેજના મળશે, તમે ખૂબ જ તટસ્થતાથી અને અનાસક્તિથી તે કરી શકશો.

 
માણસ જ્યારે સામાન્ય રીતે પોતાનું કામ પસંદ કરે છે, યા તો તેને પસંદ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે એ પસંદગી પાછળ પ્રાણનો કોઈ પક્ષપાત યા તો પૂર્વગ્રહ કામ કરતો હોય છે.  યાં તો પછી એવો પણ ખ્યાલ હોય છે કે, આ કામમાં હું સફળ થઇ શકીશ યાં ઝળકી ઊઠીશ.  આ રીતનું અહંભાવી મિથ્યાભિમાન યા તકવાદીપણું સામાન્ય જીવનમાં જરૂરનું યાં અનિવાર્ય હોઈ શકે છે.  પરંતુ તમે જો સામાન્ય જીવનથી ઉપર જઈને સત્ય જીવન ગાળવા માગતા હશો, તો પછી આ રીતની આસક્તિ કે અંગત પસંદગી એ તમને સત્ય જીવનનો માર્ગ શોધવામાં મદદરૂપ નહિ થાય.  ઊલટું, એ તમારી શોધમાં બાધા રૂપ જ બનશે.  એટલે કામ તરફનું તમારું યૌગિક વલણ તો એવું હોય કે કામ અંગે તમે તદ્દન અનાસક્ત જ રહો.  તમારે કોઈ પસંદગી કરવાની હોય જ નહિ.  તમને જે કાંઈ આપવામાં આવે, તમારા જીવનમાર્ગમાં સ્વભાવિક રીતે જે કાંઈ આવી મળે, તે તમે સ્વીકારી લો.  અને તમારાથી બને તેટલી વધુમાં વધુ સંપૂર્ણ રીતે તે કરી આપો.

 
આ રીતે, કહો કે માત્ર આ રીતે જ, હરેક કામ અત્યંત રસમય વસ્તુ બની રહે છે અને સારુંયે જીવન આનંદના એક ચમત્કાર જેવું બની જાય છે.  અને આ વિદ્યા તે કઈ ?  એ મેળવવા માટે પ્રથમ તો તમારે પૂરેપૂરા સાફદિલ, સત્યનિષ્ઠ બની રહેવું જોઈએ.  આ સત્યનિષ્ઠા એટલે કે તમારામાં જે કાંઈ ઉત્તમોઉત્તમ પ્રકાશ રહેલો હોય, અભીપ્સા હોય તેને હર પળે અનુસરવા માટે તમે પ્રયત્ન કરતા રહો; એ પ્રક્શને, માત્ર એ જ પ્રકાશને વફાદાર રહો.  તમારા મનના હૃદયના કે શરીરના ગમા-અણગમા પર લેશ પણ ધ્યાન ન આપશો.  એની તમારા પર લેશ પણ અસર ન થવા દેશો.  તમને મળેલું કામ તમારા શરીરને, હૃદયને કે મનને અત્યંત પ્રતિકૂળ હોય તો પણ તમે તે કરજો જ.  અને એ કરતી વેળા તમારાથી બને તેટલી સ્વસ્થતા રાખજો, અનાસક્તિ રાખજો, તેને સંપૂર્ણ રીતે કરવા પ્રયત્ન કરજો, અને બાકીનું બધું તમારા ઉર્ધ્વ ભાવિના હાથમાં મૂકી દેજો.

 
તમારી સર્વ વસ્તુ તમે  જો તમારા આત્માના હાથમાં સોંપી દીધી હશે, તમે જો કેવળ પ્રભુની આ રીતને જ અનુસરતા હશો તો પછી, ઉપર વર્ણવી તેવી ચેતના તમારામાં જેમ જેમ વધુ ને વધુ સ્થિર અને સપષ્ટ થતી થશે તેમ તેમ તમને દેખાશે કે જે જે વસ્તુઓ તમારા આત્માને અનુકુળ નહિ હોય તે તમારી પાસેથી ચૂપચાપ, કશા પ્રયત્ન વિના, કશો પ્રત્યાઘાત જન્માવ્યા વિના ચાલી જશે, રસ વિનાની શુષ્ક ડાળ પરથી પાનખરમાં પાન ખરી પડે છે તેમ તમારામાંથી તે ખરી જશે.  અને તમે જોશો કે તમારી આત્મ-ચેતનાની જે જરૂરિયાત તથા માગણી હશે તે મુજબ હવે આપોઆપ અને અનિવાર્ય રીતે તમારું કામ બદલાય છે, તમારા સંજોગો બદલાય છે, વસ્તુઓ અને માણસો સાથેના તમારા સંબંધો બદલાય છે.

 

 

(ગ.ગુ.(૧૪)૪-૧૨(૪૯)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.