પંચ મહાદ્ભુત ! … સતરંગી …

પંચ મહાદ્ભુત ! ….  રંગી
– રશ્મિન શાહ

 

 

 satrangi

 

 

જીવનમાં કેટલીક હકીકત એવી હોય છે કે જે વાંચ્યા પછી ભગવાને બનાવેલા માણસના શરીર પર માન પેદા થઈ જાય. આ હકીકત ખરા અર્થમાં સરપ્રાઇઝ જેવી છે.

 
આ પૃથ્વી પર રહેતી વસ્તીમાંથી માત્ર અડધી વસ્તીનાં સપનાંઓ પણ નોંધવામાં આવે અને એનો અમલ કરવામાં આવે તો માત્ર બે જ વર્ષમાં આખી પૃથ્વી બદલાઈ જાય.

 
માનવશરીર એક અદ્ભુત રચના છે. કુદરતે સર્જેલું આ શરીર દુનિયાની કોઈ પણ અજાયબીથી ચાર ચાસણી ચડે એવું છે અને એ તમે પણ આ હ્યુમન બોડીના સાત સરપ્રાઇઝ વાંચીને સ્વીકારશો.

 
કમ્પ્યુટર પણ પાણી ભરે …

 
સામાન્ય રીતે આજની પેઢી એવું માની રહી છે કે કમ્પ્યુટર સૌથી ફાસ્ટ છે અને એ સૌથી ઝડપી કામગીરી કરી શકે છે, પણ જૂજ લોકોને ખબર છે કે માણસનું શરીર કમ્પ્યુટરથી લગભગ ૬૦ ટકા ઝડપી છે. એક પુખ્ત માણસના શરીરમાં ૪૫ સેકન્ડમાં કુલ ૧૭૯૦ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાઓમાં ધબકારાથી લઈને લિવર અને કિડનીના ફંક્શન પણ આવી ગયા. આંખના પલકારાઓ પણ આવી ગયા અને શરીરમાં થતી ખંજવાળની પણ ગણતરી થઈ ગઈ, તો સાથોસાથ કુદરતી હાજત માટે હોજરી જે કામ કરે છે એ કામગીરી, રુધિરનું શુદ્ધિકરણ આવી ગયા તો દિમાગમાં જન્મી રહેલા વિચારોની પ્રક્રિયા પણ આવી ગઈ. કમ્પ્યુટર પણ આટલી સેકન્ડમાં આટલું કામ નથી કરતું. જો આંકડાની દૃષ્ટિએ કહેવું હોય તો કહી શકાય કે પર્સનલ કમ્પ્યુટર ૪૫ સેકન્ડમાં ૧૧૨૦ અલગ-અલગ એક્ટિવિટી કરે છે. મજાની વાત એ છે કે આ એક્ટિવિટી ત્યારે જ થાય છે જ્યારે કમ્પ્યુટર પર ગ્રાફિક્સને લગતી કોઈ એક્ટિવિટી થતી હોય. ચાલુ કમ્પ્યુટર એમ ને એમ જ પડયું હોય તો આ એક્ટિવિટી ઘટીને છેક ૨૪૦ પર ઊતરી આવે છે, પણ માણસનું શરીર શાંત અને નિદ્રાધીન અવસ્થામાં હોય ત્યારે પણ એ દેહની એક્ટિવિટી એટલી જ રહે છે જેટલી તે નોર્મલ કામ કરતો હોય ત્યારે હોય છે.

 
ઘોડો પણ પાછળ રહે …

 
માણસના બન્ને પગ અને ઘોડાના આગળના બન્ને પગનું બંધારણ લગભગ એક સમાન છે. આ વાતની ખાતરી કરવી હોય તો ઘોડાના આગળના પગનો ફોટોગ્રાફ અને માણસના બન્ને પગના ફોટોગ્રાફની સરખામણી કરી લેજો. મૂળ વાત પર આવીએ, માણસના પગનું બંધારણ ઘોડા જેવું છે, એટલું જ નહીં આ પગની તાકાત પણ ઘોડા જેટલી જ છે. સાયન્સ કહે છે પૃથ્વી પર ઘોડાની તોલે દોડવામાં જો કોઈ આવી શકે તો એ માત્ર અને માત્ર માણસ છે. સાયન્સનું તારણ છે કે માણસે વાહન નામની સુવિધા અને આળપંપાળ નામની આડશ વચ્ચે પોતાના બન્ને પગની તાકાત ઓછી કરી નાખી છે. જો બાળક નાનું હોય ત્યારે જ તેને થોડી ટ્રેનિંગ આપવામાં આવે અને આળપંપાળ છોડી દેવામાં આવે તો એ બાળક એક જાતવાન ઘોડો દોડે એ ઝડપે દોડી શકે છે. સાયન્સના આ દાવાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ દુનિયાભરની મેરેથોન દોડ છે. દસથી બેતાલીસ કિલોમીટરની મેરેથોન દોડમાં જે વ્યક્તિ ભાગ લઈ શકે છે એ પોતાનામાં રહેલા ઘોડાત્વને જાળવી શક્યો છે એવું કહી શકાય.

 
સ્વરપેટીમાં અખૂટ સૂર …

 
તમને જાણીને નવાઈ લાગશે કે માણસની શ્વરપેટીમાં પહેલેથી જે અવાજ ફિટ કરવામાં આવે છે એ અવાજ એમાંથી નીકળી શકે છે. આ ક્ષમતા દુનિયાના એક પણ પ્રાણીમાં નથી. જો માણસ સીધો જંગલ વચ્ચે જ મોટો થાય તો એ પ્રાણીઓની બોલી બોલી શકે છે અને જો માણસ દરિયા વચ્ચે મોટો થાય તો તે માછલીની ભાષાનો અભ્યાસ કરવાની સાથોસાથ દરિયાના સૂરમાં વાત કરી શકે છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે શ્વરપેટીમાં પૃથ્વી પરના બધા અવાજો ભર્યા છે, પણ માણસ કોઈ એક ભાષા કે એક સૂરને આધીન થઈ જતો હોવાથી તે બીજા અવાજોને પારખવાની ક્ષમતા ધીમે-ધીમે ક્ષીણ કરી નાખે છે. આ જ વિષયની એક આડવાત, માણસના અવાજને પારખવાની અને અવાજને ઓળખવાની ક્ષમતા જન્મ્યા પછી ચોથી મિનિટથી શરૂ થઈ જતી હોય છે, પણ એ અવાજની દિશામાં રિએક્શન આપવાની શરૂઆત પંદરથી બેતાળીસ દિવસ વચ્ચે કરે છે.

 
સપનાનું નગર, અમેરિકાથી પણ મોટું …

 
એક સામાન્ય માણસ પોતાની જિંદગી દરમિયાન દર વર્ષે ૧૭૦૪ સપનાંઓ જુએ છે. આનો સીધો હિસાબ એવો થાય કે એ દરરોજ અંદાજે સાડા ચાર સપનાં જુએ છે. જો માણસ એંસી વર્ષ જીવે તો આટલાં વર્ષોમાં તેણે જોયેલાં સપનાંઓની નગરી બનાવવામાં આવે તો એ અમેરિકા જેવડા દેશની સાઇઝની બને. ધારો કે એ સપનાંઓની નગરી બનાવવામાં ન આવે અને એ સપનાંઓની ટૂંકી નોંધ કરવામાં આવે તો એંસી વર્ષ જીવેલા માણસની સપનાંઓની ડાયરી અંદાજે એક લાખ પેજની બને. જોકે આ બન્ને વાત શક્ય નથી, કારણ કે માણસ રાતે ઊંઘમાં જે ૧૭૦૪ જેટલાં સપનાંઓ જુએ છે એ સપનાંઓમાંથી સિત્તેરથી નેવું ટકા સપનાં રાતના ઊંઘના સમયમાં જ એ ભૂલી જતો હોય છે. અમેરિકન સાઇકિયાટ્રિસ્ટ અત્યારે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે કે ઊંઘમાં જોવાયેલાં સપનાંઓને કોઈ પણ રીતે નોંધી લેવામાં આવે, કારણ કે આ સાઇકિયાટ્રિસ્ટનું કહેવું છે કે ઊંઘમાં આવેલાં સપનાંઓને કોઈ લક્ષ્મણરેખા નથી હોતી, જેને કારણે એ સપનાઓમાંથી નિત નવી શોધ મળવાની શક્યતાઓ છે. જો આ શક્યતાઓને સાકાર કરવી હોય તો માણસનાં સપનાંઓ નોંધવાં પડે અને નોંધવાનું કામ કઈ રીતે થઈ શકે એના પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે. અમેરિકન ન્યુરોલોજિસ્ટ સોસાયટીનું માનવું છે કે આ પૃથ્વી પર રહેતી વસ્તીમાંથી માત્ર અડધી વસ્તીનાં સપનાંઓ પણ નોંધવામાં આવે અને એનો અમલ કરવામાં આવે તો માત્ર બે જ વર્ષમાં આખી પૃથ્વી બદલાઈ જાય.

 
આ તાકાત માણસના મનમાં રહેલાં સપનાંઓની છે. આ તાકાત કુદરતે બનાવેલા માનવીય દેહની છે.

 
દિમાગ, દુનિયાની સૌથી મોટી શક્તિ …

 
બહુ વિચાર નહીં કર, માથું દુખશે. આ એક ડાયલોગ દરેક દીકરાએ માના મોઢે બહુ સાંભળ્યો હશે, પણ હકીકત એ છે કે આવું બોલી-બોલીને જ દરેક મમ્મીએ દીકરાને દિમાગ ઓછો વાપરતો કરી દીધો છે. વિજ્ઞાનનું કહેવું છે કે માણસનું દિમાગ દુનિયાના આજના સુપર ફાસ્ટ કમ્પ્યુટર કરતાં લગભગ ૧૮૦૦ ગણું વધુ ઝડપી, વધુ યાદશક્તિ ધરાવતું અને વધુ કલ્પનાશક્તિ ધરાવતું છે, પણ માણસ માત્ર એનો ૧.૦૬ ટકાનો ઉપયોગ જ કરે છે અને એ કારણે તે દિમાગનો પૂરતો ઉપયોગ લઈ શકતો નથી. માણસના દિમાગનો ઉપયોગ કાળક્રમે ઘટયો છે. આદિમાનવના યુગ સમયે માણસ પોતાના મગજનો ઉપયોગ ૪.૭ ટકા જેટલો કરતો હતો અને એ જ કારણે આદિમાનવ આજનો માનવી બની શક્યો. દિમાગનો ઉપયોગ ઓછો થતો જતો હોવાનું કારણ સમજાવતાં અમેરિકાના સાયન્ટિસ્ટ નિમાહ બુર્કેએ કહ્યું હતું કે, ટેક્નોલોજીએ માણસને નવું વિચારતા અટકાવી દીધો છે અને માણસ હવે ટેક્નોલોજી સંબંધિત જ વિચારતો થઈ ગયો છે.

 

 
માનવશરીરની અવનવી વાતો …

 
* માનવશરીર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને લોખંડનું બનેલું છે.
 
* માનવશરીર અગ્નિ, આકાશ, તેજ, વાયુ અને પાણી એ પંચ મહાભૂતોનું બનેલું છે.
 
* માનવશરીરનો ૨/૩ ભાગ પાણીનો બનેલો છે.
 
* માનવશરીર જીવનના ૧/૩ ભાગનો સમય ઊંઘમાં ગાળે છે.
 
* માનવશરીરમાં બધાં મળીને આશરે ૨૧૩ હાડકાં છે.
 
* માનવશરીરમાં સરેરાશ પાંચ કિલોલિટર લોહી વહેતું રહે છે.
 
* માનવશરીરમાં આશરે ૫૦૦થી વધુ સ્નાયુઓ છે.
 
* માનવશરીર દરરોજ ૮ પાઉન્ડ કચરો વિવિધ સ્વરૂપે બહાર કાઢે છે. બહાર નીકળતા કચરામાં આશરે દોઢ લિટર પેશાબ હોય છે.
 
* માનવશરીરના નાડીના ધબકારા દર મિનિટે ૭૫થી ૮૫ થાય છે.
 
* માનવશરીરમાં આશરે એક લાખ રક્તવાહિનીઓ છે.
 
* માનવશરીર દર મિનિટે ૧૬થી ૨૦ વખત શ્વાસોશ્વાસ કરે છે.
 
* માનવશરીરનું સામાન્ય ઉષ્ણતામાન ૯૮.૪ ફેરનહીટ હોય છે.
 
* માનવશરીરની બાહ્ય ત્વચા પર આશરે ૨૫,૦૦૦થી વધુ છિદ્રો હોય છે.
 
* માનવશરીર દરરોજ ૧૨.૮૯ ઘનમીટર હવા લે છે.
 
* માનવશરીરના એક ફેફસામાં અઢી કરોડ શ્વાસવાહિનીઓ અને તેને છેડે ચાર અબજ વાયુકોષો હોય છે.
 
* શરીરશાસ્ત્ર પ્રમાણે દરેક પુખ્ય વયની વ્યક્તિએ આશરે ૩૦૦૦ કેલરી શક્તિ પેદા કરી શકે તેટલો ખોરાક લેવો જોઈએ.

 

 
સૌજન્ય : સંદેશ દૈનિક

 
[email protected]
 

 
સાભાર : પૂર્વી મોદી મલકાણ (યુએસએ)
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.