દિપાવલીમાં ફલદાયક લક્ષ્મી, ઇન્દ્ર અને કુબેરનું સ્થાન …

દિપાવલીમાં ફલદાયક લક્ષ્મી, ઇન્દ્ર અને કુબેરનું સ્થાન …

 

 

lakshmiji poojn

 

 

હિન્દુ ધર્મમાં બધાં જ દેવી દેવતાઓને જુદા જુદા માસના અધિપતિ બનાવવામાં આવ્યાં છે. નવરાત્રીમાં શક્તિ પૂજન, શ્રાવણ માસમાં શિવજી અને કૃષ્ણનું પૂજન, ભાદરવા માસમાં ગણપતિનું પૂજન, કારતક માસમાં કાર્તિકેયજીનું પૂજન તેજ રીતે આસો માસ એ કુબેર અને મહાલક્ષ્મીજીને અર્પિત થયેલો છે.  

 

કુબેરનું સ્થાન :  કુબેર એ દેવોનાં નિધિધ્યક્ષ છે, પરંતુ તેઓનું પૂજન એકલા નથી કરવામાં આવતું.  શાસ્ત્રોમાં કુબેરનું પૂજન ભગવાન શિવ, મહાલક્ષ્મી અને ભગવાન ગણપતિ સાથે માન્ય ગણવામાં આવ્યું છે.  દિપાવલીમાં પ્રત્યેક હિન્દુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની સ્થાપના એવં પૂજનના સર્વાધિક મંગલ મુહૂર્ત જાણવા માટે અત્યંત ઉત્સુક હોય છે.  આ દિવસોમાં રિધ્ધિ, સિધ્ધી અને બુધ્ધિના પ્રદાતા ભગવાન શ્રી ગણપતિનું પૂજન અને સુખ, સમૃધ્ધિ અને ધનની દેવી શ્રી લક્ષ્મીજીની અનુકંપાથી સંસારનું સમગ્ર સુખ મળે છે.  ઉપનિષદમાં કહ્યું છે કે ધર્મનું અનુષ્ઠાન કરવા માટે ગૃહસ્થાશ્રમીઓએ શુભ યોગમાં પૂજન કરવું જોઈએ. વેદોમાં પણ આ પ્રકારના યોગોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ગૃહસ્થજનો માટે ત્રણ પ્રકારના યોગો અતિ શુભ હોય છે.

 

લક્ષ્મીનું સ્થાન :   ઉપનિષદમાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે સાગરકન્યા લક્ષ્મીજી ચંચલ સ્વભાવનાં હોવાથી તેમને ચંચલાનાં નામથી ઓળખવામાં આવે છે.  તેથી ભક્તોજનોએ એવા મંગલ મુહૂર્તમાં પૂજા કરવાથી ચંચલ લક્ષ્મીજી સ્થિર થઈને બેસી જાય છે.  ચંચલસ્વરૂપ શ્રી લક્ષ્મીજીની પ્રસન્નતા મેળવવા માટે ગૃહસ્થજનોએ આસો માસની અંતિમ અમાવસ્યાને દિવસે સૂર્યાસ્ત થયા બાદ જે લક્ષ્મી યોગ આવે છે તેમાં જો ગૃહસ્થો લક્ષ્મીજીનું અને કુબેરનું ભાવપૂર્વક પૂજન કરે તો તેમનાં સમસ્ત ધનને લગતા સંકટો દૂર થઈ જાય છે.   શાસ્ત્રોએ કહ્યું છે કે દિપાવલીની રાત્રિનાં પ્રથમ પ્રહરમાં લક્ષ્મીપૂજન કરવાનું એ સમાજનાં દરેક વર્ગ માટે સરળ રહે છે તેનું કારણ એ છે કે દિપાવલી એ તહેવારનો સમય હોવાથી કુટુંબીજનો એકઠા થઈ આનંદમંગલ કરી રહ્યા હોય છે.  વેદોમાં કહ્યું છે કે લક્ષ્મીજી એવા જ ગૃહમાં પધારે છે જે ગૃહમાં સ્વજનો આનંદપૂર્વક રહેતા હોય, ગૃહમાં કલહ કંકાશ ન હોય, જે ગૃહનું આંગણું દીપોથી પ્રજવલિત  થઈ રહ્યું હોય, ગૃહનું આંગણું સ્વચ્છ હોય અને સુંદર રંગોળી દૈદીપ્યમાન હોય, ગૃહનાં દેવતાનું ભાવપૂર્વક પૂજન થઈ રહ્યું હોય, ઘર ફૂલોની સુગંધથી મહેંકી રહ્યું હોય તેવા ગૃહમાં માતા લક્ષ્મી પ્રસન્નતાપૂર્વક ભગવાન નારાયણ અને નિધિધ્યક્ષ કુબેર સાથે સ્થિર થઈ બિરાજી જાય છે.

 

ઇન્દ્રનું સ્થાન :  ગૃહસ્થજનો માટે શુભ એવા ઇંદ્રયોગનું પણ ઉપનિષદમાં અને વેદોમાં વર્ણન જોવા મળે છે.  વેદોમાં કહ્યું છે કે દિપાવલીનાં દિવસની રાત્રીનો બીજો પ્રહર તે ઇન્દ્ર યોગ તરીકે ઓળખાય છે.  આ યોગ દેવોનાં રાજા ઇન્દ્ર સાથે જોડાયેલો છે.  જેમ ઇન્દ્ર એ દેવોમાં ઉચ્ચસ્થાન ધરાવતો દેવ છે તે જ રીતે આ યોગ પણ સમાજમાં ઉચ્ચસ્થાન ધરાવનાર લોકો માટે માનવામાં આવે છે.  મોટા હોદ્દા પર બિરાજી રહેલા ઓફિસરો અને અધિકારીઓ માટે આ ઇન્દ્રયોગ વિશેષ અનુકૂળ છે તેમ શાસ્ત્રોનું કથન છે.  અધિકારીઓ સિવાય પણ આ વિશેષ સ્થાન પર જવા ઇચ્છુક લોકો માટે પણ ઇન્દ્ર યોગ દરમ્યાન કરેલ પૂજન યોગ્ય માનવામાં આવ્યું છે.

 

કુબેરનું સ્થાન :  દિપાવલીનાં દિવસની રાત્રીનો ત્રીજો પ્રહર તે કુબેરદેવને અર્પિત થયેલો છે. વ્યાપારીઓ દ્વારા આ યોગમાં કરેલ પૂજન તે વ્યાપારીઓની સર્વ ઈચ્છા પૂર્ણ કરે છે તેવું શાસ્ત્રોક્ત કથન છે.  આ સમય દરમ્યાન વ્યાપારીઓનાં મુખ્ય બૈઠક પર કરાયેલું પૂજન અત્યંત ઇષ્ટ હોય છે તેમ કુબેરશાસ્ત્રમાં જણાવેલ છે.  પરંતુ વ્યાપારીઓની મુખ્ય બૈઠક એટ્લે શું એ પ્રશ્ન સહજ રીતે થાય.  કુબેર શાસ્ત્રમાં કહ્યું છે કે જે સ્થળ પર વ્યાપારી બેસીને પોતાનો વ્યાપાર ચલાવતો હોય તે જગ્યાને બૈઠક કહે છે દા.ત.  કોઈ પોતાની દુકાનમાં ગાદી પર બેસે છે તો કોઈ ચેર પર બેસે છે, સમય અનુસાર બૈઠકમાં ભલે વિવિધતા આવી હોય પરંતુ આ બૈઠકની જગ્યા પર કરેલું દિપાવલી પૂજન લાભદાયક સિધ્ધ થાય છે.   ઉપનિષદમાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે અશ્વિન માસમાં લક્ષ્મી યોગ, કુબેર યોગ અને ઇન્દ્ર યોગ પોત પોતાના નામ અનુસાર ભક્તોને ફલ પ્રદાન કરે છે.

 

 

સાભાર : પૂર્વી મોદી મલકાણ –(યુ એસ એ)
                 [email protected]

 

 LAKSHMIJI

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

આજની પોસ્ટ પુન: પ્રસિદ્ધિ માટે અનુમતિ આપવા બદલ અમો શ્રીમતિ પૂર્વીબેન મલકાણ – (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

પૂરક માહિતી :

 

 

પૂજન સમયે રાખો આ સાત વાતોનું ધ્યાન, તો લક્ષ્મી કરશે ઘરે વાસ …

 

 

૧]  સામાન્ય રીતે આપણે પૂજા આપણી મનોકામના પૂરી કરવા કે પછી લક્ષ્મી પ્રાપ્તિ – ધન પ્રાપ્તિ માટે કરીએ છીએ પણ તેના પણ વિધાનો છે, જો તે પાળવામાં ન આવે તો પૂરી રીતે તેની પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી.

આ વિધાનો ન પાળવામાં આવે તો લક્ષ્મી પૂજા પણ નિષ્ફળ જાય છે અને ભક્તને ધન, યશ, માન-સન્માન પ્રાપ્ત નથી થતાં. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કાર્યો વર્જિત ગણવામાં આવે છે, જે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્તિમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે.

 

 

૨]  – વાયુપુરાણ અનુસાર જે પણ વ્યક્તિ સ્નાન કર્યા વગર તુલસીનું પાન તોડે અથવા તો તેના દ્વારા દેવતાઓની પૂજા કરે છે. દેવતા તેની પૂજા સ્વીકાર નથી કરતા અને ધનની દેવી લક્ષ્મીજી પણ તેનાથી રીસાઈ જાય છે. આ માટે સ્નાન કર્યા પછી જ તુલસીના પાન પૂજનીય કે અન્ય કોઈ કાર્ય માટે તોડવા જોઈએ.

 

૩]  – ધર્મશાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ ભગવાન પર વાસી ફૂલ અર્પણ કરે છે, માતા લક્ષ્મી તેના ઘરથી ચાલી જાય છે. એવા વ્યક્તિને અહીં હંમેશા ધનનો અભાવ રહે છે.

 

૪]  – દેવતાઓની પૂજા કરતા સમયે શુદ્ધ ઘીનો દીવો પોતાની જમણી તરફ અને તેલનો દીવો તમારી ડાબી તરફ રાખવો જોઈ. એવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્ત પર કૃપા કરે છે.

 

૫]  – મહાલક્ષ્મી તેને તરત ત્યાગ કરી દે છે, જે અસ્વચ્છ અવસ્થામાં દેવતાનું પૂજન કરે છે. અસ્વચ્છ અવસ્થાનો અર્થ દાંતણ કે બ્રશ કર્યા વગર, સ્નાન  કર્યા વગર, મેલા કપડા પહેરીને – સ્વચ્છ કપડા પહેર્યા વગર. આ સાથે સાથે  પૂજન કરતા સમયે મનની અવસ્થા પણ સ્વચ્છ થવી જોઈએ એટલે મનમાં કોઈ પ્રકારનો વિકાર ન હોવો જોઈએ. બહારની સફાઈ સાથે અંતરની શુદ્ધિ એટલી જ જરૂરી છે. શુદ્ધ મનથી પૂજા કરવી જોઈએ.

 

૬]  – દેવતાઓની પૂજા કરતા સમયે કોઈ પર ક્રોધ ન કરવો જોઈએ. એવું કરવાથી માતા લક્ષ્મી રીસાઈ જાય છે અને દેવતા પણ એવા પૂજનનો સ્વીકાર કરતા નથી. આ માટે શુદ્ધ મનથી પૂજન કરવાથી પણ દેવી લક્ષ્મીની કૃપા થાય છે

 

૭]  – ધર્મ ગ્રંથો અનુસાર પૂજનમાં પ્રગટાવવામાં આવતા દીવાને પણ ક્યારેય જાતે કરીને હોલવવવો નહીં. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે દેવતાઓની સમાન પ્રગટાવવામાં આવેલ દીપક દક્ષિણ દિશા તરફ ન રાખવો જોઈએ.

 

સાભાર સૌજન્ય : દિવ્યભાસ્કર દૈનિક

 

નોંધ : ઉપર દર્શાવેલ કોઈ પણ નિયમ કોઈ જડ નિયમમાં – માન્યતામાં કે  અંધશ્રદ્ધામાં ન ફેરવવો જોઈએ.  શુદ્ધ મન દ્વારા કરેલ કોઈ પણ પૂજા ઈશ્વરને માન્ય હોય જ ….  એવી અમારી સમજ છે.