(૧) વાળની સંભાળ … અને (૨) શિયાળામાં કાળજી રાખશો …

(૧)  વાળની સંભાળ …  અને  (૨)  શિયાળામાં કાળજી રાખશો …

 

 

HAIR CARE

 

 

વાળની સંભાળ …

 

નાહતા પહેલાં લીંબુની બે ફાડ કરી ધીમે-ધીમે પાંચ-દસ મિનીટ સુધી માથામાં ઘસો, પછી લીમડાનાં પાન ઉકાળેલા પાણી વડે માથું ધોવાથી માથાનો ખોડો દૂર થશે.

 

કાળી માટીને રાતભર છાશમાં પલાળી રાખી સવારે તેના વડે માથું ધોવાથી વાળ સુંવાળા અને મુલાયમ થશે.  માથાની ખોટી ગરમી પણ તેનાથી દૂર થશે.

 

માથું ધોવા માટે એક બીજું ઉમદા ચૂર્ણ પણ છે.  તલના તેલમાં તળેલાં આમળાનું ચૂર્ણ ૮ તોલા, સૂકું કોપરું ૪ તોલા અને કપૂરકાચલી, સુગંધીવાળો, મોથ, અગર-તગર, સુખડ તથા ગુલાબની સૂકી પાખડીઓ, એ દરેક એક એક તોલો લઇ, બધાંને બારેક વાટીને બારીક ભૂકો કરી રાખવો.  સ્નાન પહેલાં થોડી વારે થોડું પાણી લઇ અર્ધાથી એક તોલો આ ભૂકો તેમાં પલાળવો ને પછી એનાથી માથું ધોવું.

 

આમાંનું કંઈ જ ન બને તો ખાટા દહીંની (મલાઈ ઉતારેલી)  છાશ, એકથી બે ખાટાં લીંબુનો રસ ને થોડું મીઠું લઇ એનાથી વાદ ધોવાથી વાળનો મેલ, ચીકાશ વગેરે દૂર થઇ વાળનાં મૂળ સ્નિગ્ધ બનશે.

 

સવારનો હૂંફાળો તડકો પણ વાળને માટે ઘણો લાભદાયી છે.

 

ઉત્તમ તેલ :  લીલાં આમળાંનો રસ બે પાઉન્ડ, વાળો, મોથ, સુખદ, કપૂરકાચલી, ગુલાબનાં પાન આ દરેક અઢી તોલા અને ડમરો ૨૦ તોલા લો.  પ્રથમ સૂકાં વસાણાંને ખાંડીને ચૂર્ણ કરી, તેમાં ડમરો નાખી આમળાંના રસમાં લસોટી લુગદી નાખી ધીમે તાપે ઉકાળો.  પાણી બળી ગયે નીચે ઉતારી તેમાં એક તોલો કપૂર નાખો ને ઠંડુ પડ્યે ઉપયોગમાં લો.  વાળની અને માથાની માવજત માટે આ એક ઉત્તમ તેલ છે.

 

(ગ.ગુ.૧૦-૧૨/૪૮)

 

પૂરક માહિતી :

લાઈફ સ્ટાઈલ – પલ્લવી મહેતા

 સાભાર : મુંબઈ સમાચાર દૈનિક 
ઇન્સ્ટન્ટ હેર ટ્રીટમેન્ટ ઘરબેઠાં
   

 

ટીવી પર આવતી કમર્શિયલ જાહેરાત જુઓ તો લાગે જાણે ભારતની તમામ મહિલાઓની ફરિયાદ વાળ ખરવાની છે. માથામાં ખોડો થાય છે, સ્પ્લીટ એન્ડ, ઉંદરી ઈત્યાદિ. ઈત્યાદિ. તમામ, સમસ્યાનું એક સમાધાન હોય તેમ કોઈ હેર ઓઈલ કે શેમ્પુની બોટલ દશ્યમાન થાય. પરંતુ આ પૂરતું છે ? જવાબ છે ના. વાળની માવજત માગી લે છે થોડી માહિતી અને જતન.

ખરતા વાળઃ વાળને ખરતા અટકાવવા માટે સૌ પ્રથમ જરૂરિયાત છે સંપૂર્ણ વિટામિનયુક્ત આહારની. વિટામિનની ઉણપને કારણે વાળ ખરવા માંડે છે. દૂધ, ઈંડા, માખણ, લીલા શાકભાજી, ફળ, જ્યુસ કે સેલડ રૂપે લેવા જરૂરી છે.

વાળનો રંગઃ જુદા જુદા દેશની જુદી જુદી આબોહવા પ્રમાણે વાળના પ્રકાર પણ જુદા જુદા હોય છે. ગ્રે, બ્લોન્ડ, બ્રાઉન, કાળા વગેરે જુદા જુદા રંગના વાળ હોઈ શકે છે. ગ્રે કે બ્લોન્ડ હેર સામાન્ય રીતે ગોરી પ્રજામાં જોવા મળે છે. તેનું અનુકરણ કરવા હેર કલર્સનો ઉપયોગ હદ બહાર વધતો ચાલ્યો છે. હેર કલર્સ, સ્ટ્રેઈટર્નિંગ, આયર્નિંગ, પર્મિંગ જેવી ટ્રીટમેન્ટ વાળ ખરવાની સમસ્યાના મૂળમાં છે. વાળને બ્લીચ કરવાથી કે પર્મ કરવાથી એમાં વપરાતાં કેમિકલથી વાળ ખૂબ ઊતરે છે. ક્યારેક માથાનો દુઃખાવો પણ થાય છે.

હેર મસાજની સાચી રીત શું ?

માથામાં તેલ નાખવું આઉટડેટેડ વાત છે. પરંતુ, ગમે કે ન ગમે અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર તેલ નાંખવું જરૂરી છે. તેલ નાંખ્યા પછી ૨-૪ દિવસ તેલ વાળમાં રાખવાને કારણે રજકણો વાળના તેલ સાથે ચોંટી માથાના મેલમાં વધારો કરે છે. માથાના છિદ્રોને બંધ કરી દે છે. એટલે પરસેવા રૂપે અંદરના ઝેરી તત્ત્વો બહાર નથી આવી શકતા કે સૂર્યનો પ્રકાશ વાળના મૂળમાં નથી જઈ શકતો. તેથી રાત્રે તેલ નાંખ્યા પછી સવારે વાળ ધોઈ નાંખવાથી વાળ સ્વચ્છ રહેશે પણ સ્કેલ્પ પણ સ્વચ્છ રહે.

વાળને ઉપર ઉપરથી કાંસકી વડે ઓળવાને બદલે વાળને મૂળ સૂધી દાંતિયો પહોંચે એ રીતે વાળને ઓળવા જોઈએ. વાળ ધોયા પછી એને સૂર્યનો તાપ મળે તે રીતે ઓળવા જોઈએ. આમ કરવાથી માથામાં ખોડો થવાની શક્યતા નહીંવત્ જ રહેશે. ધોયા પછી પહેલા તડકામાં અને પછી છાંયે પંદરવીસ મિનિટ વાળને ઓળવા જોઈએ.

મ્હેંદીઃ વાળ જો બરછટ હોય તો આઠ કે પંદર દિવસે લીલી મ્હેંદી માથામાં નાંખશો, તો એથી વાળ ચમકદાર અને સુંવાળા બનશે. મ્હેંદી નાંખતા પહેલાં ગરમ હુંફાળું તેલ આંગળીના ટેરવા વડે પાથીએ પાથીએ નાંખી એને હળવે હાથે ઘસી વાળના મૂળમાં ઉતારશો તો વાળને પોષણ તથા મગજને ઠંડક મળશે. મૂળમાંથી વાળ મજબૂત થશે અને ચમકદાર થશે તેલ નાંખ્યા પછી.

માથામાં કાળી મ્હેંદી નાંખશો તો એ નુકસાનકારક છે જ, જે સફેદ વાળને કાળા કરવા વપરાય છે. આવી મ્હેંદીથી ક્યારેક ત્વચા ઉપર રીએકશન આવે છે. ફોડલીઓ થાય છે અને વાળ ખરવા લાગે છે. પહેલા કાનની પાછળના ભાગમાં પાણીમાં પલાળીને લગાડી જોવું પછી જ વાપરવી. બને તો બજારમાં મળતી હલકી વસ્તુનો ઉપયોગ ન કરો તો સારું. રીએકશન નથી આવતું, તેવી ખાતરી થાય પછી જ આવી કાળી મ્હેંદી વાપરવી. ખરેખર તો કાળી મ્હેંદી એ હલકા પ્રકારની હેર ડાય જ છે. લીલી મ્હેંદીના પાઉડરને અથવા લીલી મ્હેંદીના પાનને પીસીને પણ વાળમાં નાંખી શકાય. લોખંડની કડાઈમાં આમળાનો રસ અથવા તો પાઉડર નાંખી ચા અથવા કોફીના પાણીમાં મ્હેંદી પલાળવી. માથામાં નાંખતી વખતે જો ઈંડાનો બાધ ન હોય તો બે ઈંડા પણ ફેંટીને નાંખી શકાય. માથાના વચ્ચેના ભાગની લટ લઈ એને પલાળેલી મ્હેંદી લગાડી ગોળ વાળીને માથા પર મ્હેંદી વડે ચોંટાડી દેવી. ત્યારબાદ આજુબાજુથી એક એક ઈંચની લટો લઈ એને પલાળેલી મ્હેંદી લગાડી, આખા ચોરસ ઈંચમાં વાળ ઉપર મ્હેંદી લગાડીને પહેલી લટની આજુબાજુ વીંટાળી મ્હેંદીથી ચોંટાડતા જવું. આખા માથામાં આ રીતે મ્હેંદી લગાડી હેરડ્રાયરથી તેને તપાવી લેશો તો માત્ર બે કલાકમાં જ વાળ ધોશો, તો ચાલશે. બ્રાઉન કે કાળા વાળ હશે તો એ કેસરી
નહીં થાય. જો એ સફેદ વાળ હશે તો એ કેસરી થશે જ. લાંબા સમય સુધી મ્હેંદી લગાડવાનું જો ચાલુ રાખશો તો નાની વયમાં વાળ સફેદ નહીં થાય. વાળ સુંવાળા અને રેશમ જેવા મુલાયમ બનશે.

આમળાનો રસ અથવા કોપરાનું દૂધ પણ અઠવાડિયે બે વાર માથામાં નાંખવાની ટેવ રાખશો તો પણ વાળ ખરતાં બંધ થશે. કાળા થશે તેમ જ લાંબા મુલાયમ પણ થશે.

હેર ઓઈલઃ બહારથી મોંઘાદાટ હેરઓઈલ લાવવાને બદલે ઘરે બનાવેલું તેલ શ્રેષ્ઠ છે. મ્હેંદી, ગુલાબની પાંખડી, દૂધી, બ્રાહ્મી, સુગંધી વાળો તથા આમળાના રસનો ઉપયોગ કરશો તો તેલ સારું બનશે. આમળાની તૈયાર પડી પણ આ સાથે નાંખવા ઈચ્છો તો નાંખી શકાય. કોપરાનું તેલ વાળ માટે ઉત્તમ છે.

હેર કલર્સઃ

ક્યારેય નહોતું એટલું ગાંડપણ આજકાલ હેર કલર્સ માટે છે. મમ્મી હોય કે ભાભી. તમામને માટે હેરકલર્સ મસ્ટ છે. આ કલર કરેલા વાળનો રંગ ઝડપથી જતો નથી અને મૂળમાંથી જો વાળ નવા આવે છે તે સફેદ હોય છે. તેમ જ હેરડાયને કારણે માથાના વાળને ગરમી પણ લાગે છે અને કેન્સર થવાનો ભય છે. કેન્સર થવાની ઘણી બધી શક્યતામાં હેર ડાયને પણ એક કારણ ગણાવ્યું છે.

ઈમ્પોર્ટેડ હેરડાયથી પણ નુકસાન તો થાય જ છે. માટે ઘરે બનાવેલી આમળા બ્રાહ્મી અને કોફીની હેરડાય વાપરવી. બને ત્યાં સુધી એક જ પ્રકારની વસ્તુ વાળ ધોવા માટે વાપરશો તો નુકસાનમાંથી બચી જશો. એકલા અરીઠાને ઉકાળીને વાળ ધોવાથી પણ વાળ સુંદર થાય છે. ઘરે શેમ્પૂ બનાવશો તો વાળને સુંદર રાખવામાં મદદરૂપ થશે.

 

(૨)  શિયાળામાં કાળજી રાખશો …

 

SKIN CARE

 

 

શિયાળાની ઋતુ સ્વાસ્થય સંબંધિત અનેક સમસ્યા લાવે છે.

 

શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ ઘટવાથી શુષ્કતા વધે છે.  શુષ્કતાને કારણે ત્વચા અને આંખ સૂકાય છે.  હોઠ ફાટે છે, હાથ – પગમાં ચીરા પડે છે.  ડ્રાયસ્કિન ડિસઓર્ડર ધરાવનારને તો શિયાળામાં વધુ તકલીફ થાય છે.

 

ત્વચાના ઘણા સ્તર હોય છે.  છેલ્લા સ્તરને સ્ટ્રેટમ કોર્નિયા કહેવામાં આવે છે.  આ સ્તરમાં મૃતકોષો હોય છે અને તે સાથે જ આ સ્તર નીચે રહેલા જીવંત કોષો દ્વારા ઉત્પન થતું કુદરતી તેલ હોય છે.  આ સ્તર ત્વચાની ભીનાશ ટકાવી રાખે છે.  જ્યારે આ સ્તરમાં રહેલા કુદરતી તેલમાં પાણી જાળવવાની ક્ષમતા ઘટે છે, ત્યારે શુષ્ક અને નિસ્તેજ બને છે.

 

માવજત :  તીવ્ર સુગંધ અને વધુ પડતા રસાયણો ધરાવતા સાબુનો ઉપયોગ કરવો નહીં આવા સાબુમાં રહેલાં રસાયણોથી ચામડી શુષ્ક બને છે.  ગ્લિસરીનવાળો સાબુ વાપરવો.  ચહેરા પર ઓછામાં ઓછો સાબુ લગાડવો.

 

 • ડિટરજન્ટથી પણ ચામડીને હાનિ પહોંચે છે.  આથી સાબુવાળા પાણીમાં હાથ નાખશો નહીં, વાસણ સાફ કરતી વખતે હાથમોજા પહેરવાં.

 

 • નાહયા બાદ શરીર થોડું ભીનું હોય ત્યારે જ પેટ્રોલ્યમ જેલી લગાડવી, શક્ય હોય તો થોડું પાણી ભેળવીને જેલી લગાડવી જેથી સુષ્કતા ઘટે.

 

 • જરૂર લાગે તો દિવસમાં ૨ થી ૬ વખત મોઈશ્ચરાઈઝર લગાડવું.

 

 • દિવસ દરમ્યાન ખૂબ પાણી પીવું.  ઠંડાં પીણાં અને કેફિનયુક્ત પીણાં પીવાં નહીં, શક્ય હોય ત્યાં સુધી સાદું પાણી પીવું.

 

 • ધૂમ્રપાન અને શરાબ સેવનથી પણ ત્વચા શુષ્ક બને છે.  માટે તે ટાળવું.

 

 

હોમિઓપેથી દવા :

 

પેટ્રોલિયમ :  શિયાળામાં તવ્ચા શુષ્ક અને સંવેદનશીલ ખરબચડી થાય અને ચીરા પડે ત્યારે આ દવા કામ લાગે છે.  આમાં ચીરામાંથી લોહી નીકળે છે.

પેટ્રોલિયમ ૨૦૦ (પાવર) ની આ દવાની પાંચ ગોળી દિવસમાં ચાર વખત આપવાથી રાહત થાય છે.

 

સોરીનમ :  શિયાળામાં થતી ત્વચાની સમસ્યા માટે આ દવા અકસીર છે.

સોરીનમ ૨૦૦ (પાવર) ની આ દવાની પાંચ ગોળી દિવસમાં ચાર વખત આપવાથી રાહત થાય છે.

 

શરદી :  શિયાળામાં શરદી અને કફ થાય છે.  જ્યાં ઠંડી ખૂબ પડે ત્યાં મોટે ભાગે લોકોએ ઘરમાં જ રહેવું પડે છે.  આથી શરદીના વાઈરસ પ્રસરે છે.  હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી નસકોરા સુકાઈ છે અને ત્વચામાં ચીરા પડે છે.  આથી શરદીના વાઈરસ સહેલાઈથી શરીરમાં પ્રવેશે છે.

 

સાવધાની અને સારવાર :

 

 • પૌષ્ટિક આહાર, વ્યાયામ અને પૂરતી ઊંઘ દ્વારા રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખો.

 

 • શરદી થઇ હોય તેવા લોકોથી દૂર રહેવું, આવા લોકોને મળ્યા બાદ હાથ ધોઈને જ ખાવું તથા તેનાં વાસનો થોડો સમય અલગ રાખવાં.

 

 • શરદી થઇ હોય તો પાણી અને બીજા પ્રવાહી વધારે પીવાં જોઈએ.

 

 • ઠંડી હવાથી બચવા ગરમ કપડાં પહેરવાં અને શરીરને ઢાંકેલું રાખવું.

 

 • શરદી દૂર કરવા એન્ટીબાયોટીકસ લેવાની જરૂર નથી.

 

 • ખૂબ છીંકો આવે, નાકમાંથી પાણી નીકળે, નાકમાં સળવળાટ રહે, ખંજવાળ આવે તથા કોઈ પણ ગંધ ન ગમે ત્યારે આ દવા આપવામાં આવે છે.

 

સબાડિલા : ૨૦૦ (પાવર) ની આ દવાની પાંચ ગોળી દિવસમાં ચાર વખત આપવાથી રાહત થાય છે.

 

એકોનાઈટ ૧ : આ દવાની પાંચ ગોળી દિવસમાં ચાર વખત આપવાથી રાહત થાય છે.

 

ખોરાકનું ઝેર :  શિયાળામાં ઉત્સવો અને લગ્નગાળો આવે છે.  આથી આ દિવસોમાં બહાર ખાવા જવાનું વધે છે.  લગ્નમાં મોટા પાયે ભોજન બનાવવામાં આવે છે તે ખરાબ થઇ જવાની શક્યતા રહે છે.  આથી સરખી રીતે રંધાયેલી વાનગી જ લગ્નમાં ભોજન સમારંભમાં લેવી.  ભાત, દાળ, શાક, સલાડ, ચટણી વગેરે.  ઠંડી વાનગી વિગેરે ન લેવી.

 

પાણી નાખીને બનાવેલા પીણાં કે ફળોનો રસ લેવો નહીં.  તેના બદલે સાદા સોડા અથવા મિનરલ વોટર લેવું.  આઈસ્ક્રીમ કે કૂલફી દૂધમાંથી બનેલી વાનગીઓથી પેટમાં ઇન્ફેકશન થવાની ભીતિ રહે છે.  હોટ ડેઝર્ટ લેવાનો જ આગ્રહ રાખવો.  પ્રવાહી ખોરાક જ લેવો.

 

(ગ.ગુ.(૮)૧૨-૧૨/૪૮)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.