શ્રી વલ્લભનો પુષ્ટિ પથ …

શ્રી વલ્લભનો પુષ્ટિ પથ  …  

–     મહેશ શાહ, વડોદરા

 

pushti-prasad[1]

 

મહેસાણાથી પ્રસિદ્ધ થતા  ‘વૈષ્ણવ પરિવાર’ સામાયિકના સપ્ટેમ્બર ૨૦૧૩ના અંકમાં આપણા માર્ગના વિદ્વાન, વલ્લભ વેદાંતના જ્ઞાતા એવા ડૉ. શ્રી જયેન્દ્રભાઈ સોનીનો મનનીય લેખ ‘પુષ્ટિમાર્ગનું શુદ્ધ સ્વરૂપ’ પ્રસિદ્ધ થયો છે.  તેમાં તેઓશ્રીએ આપણા માર્ગ વિષે વિદ્વતા સભર માહિતી આપી છે.  આજના યુગમાં ડિસ્ટન્સ લર્નિગના માધ્યમે  ભણવાનું શક્ય છે તેવી જ રીતે મારા માટે તો આ ‘ડિસ્ટન્સ સત્સંગ’નો અણમોલ અવસર બની ગયો.  ભગવદીયના સોનેરી સુત્રોથી મનમાં ઉજાસ ઉજાસ થઇ ગયો અને હરિ કૃપાએ આ અંગે વિશેષ મનન મંથન કરવાની પ્રેરણા મળી.

 

શ્રી જયેન્દ્રભાઈ જ્ઞાની તો સિક્કાની બીજી બાજુ જેવો હું સાવ અનભિજ્ઞ. બહુ ખબર તો ન પડે પણ આખરે શ્રી વલ્લભના શરણે જવાનું વિચાર્યું. એટલી તો ખબર હતી કે આપશ્રીએ આપણા માર્ગના બધા જ સિદ્ધાંતો અને રહસ્યો ષોડષ ગ્રંથોમાં વર્ણવ્યા છે. શ્રી વલ્લભનું નામ સ્મરી એક પછી એક ગ્રંથ વાંચતો ગયો તો જાણ્યું કે દરેકમાં આપણા સંપ્રદાયના સિદ્ધાંતોના મોતી વેરાયેલા પડ્યા છે. પ્રસ્તુત છે તેમાંથી મારી અલ્પમતિ અનુસાર વીણેલાં થોડા મૌક્તિકો :

 

દરેક વાક્ય પછી અંગ્રેજી કોડમાં જે તે ગ્રંથનું નામ લખ્યું છે. તે કોડનું વિવરણ છેલ્લે આપ્યું છે. આશા છે આ પ્રયત્ન  વૈષ્ણવોની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકશે.

  

૧]  ભગવદ આજ્ઞાથી આ માર્ગનું પ્રાગટ્ય થયું છે. પ્રભુએ સાક્ષાત પ્રગટ થઈને કહેલી વાત અક્ષરશ: VERBATIM કહી છે. SR

૨]  શ્રી ઠાકોરજી અને જીવાત્માનો સંબંધ અગ્નિ અને તેમાંથી છુટા પડેલા તણખા જેવો છે(શુદ્ધાદ્વૈત સિધ્ધાંત). PM

૩]  ભગવાન શ્રીકૃષ્ણ પરં બ્રહ્મ છે. શ્રુતિ પ્રમાણે તેઓ જગત રૂપે પણ છે (શુદ્ધાદ્વૈત સિધ્ધાંત). SM

૪]  એક માત્ર શ્રી કૃષ્ણ જ પૂર્ણાનંદરૂપ છે. તેઓ જ સર્વ સામર્થ્યવાળા અને સર્વ મનોરથ પૂરક છે. અક્ષરબ્રહ્મ ગણિતાનંદ (ગણી શકાય તેવું, સીમિત) છે. KA

૫]  શ્રીકૃષ્ણ શ્રેષ્ઠત્તમ દેવ છે, કૃપાનીધી છે. તેમને પ્રાકૃત ન માનવા. AP

૬]  પરબ્રહ્મ પરમાત્મા સત્ય સંકલ્પ અને સત્ય સ્વરૂપ છે. AP

૭]  પુષ્ટિ માર્ગમાં માત્ર અનુગ્રહ જ અત્યંત મહત્વ ધરાવતું ચાલક બળ છે. SM

૮]  કર્મ, જ્ઞાન, તપ, જપ જેવા સાધનો નહીં કૃપા જ મહત્વની છે. BV

૯]  જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ ઉત્તમ છે. SM

૧૦] બ્રહ્મ સંબંધ દીક્ષાથી (ગટરનું પાણી પણ ગંગા સાથે ભળી ગંગાજળ થઇ જાય તેમ)  જીવના પાંચ પ્રકારના દોષ [સહજ, દેશ અને કાલ જનિત, સંયોગ જનિત, સ્પર્શ જનિત] નાશ પામે છે. બ્રહ્મ સંબંધથી આપણે દોષ મુક્ત થયાનો વિશ્વાસ જાગે. SR

૧૧] આજના કાળમાં અન્યથા(બ્રહ્મ સંબંધ સિવાય) દોષોનો નાશ અશક્ય. SR

૧૨] સમર્પણથી કૃતાર્થ થયા છીએ તે ભુલવું નહીં. AP

૧૩] સમર્પણ પછી પતન થવાની ઓછી સંભાવના તેથી બિન જરૂરી વ્યગ્રતા ન રાખવી. AP

૧૪] સમર્પણથી અહંતા (I-NESS)  અને મમતા (MYNESS)નો નાશ થાય છે. SR

૧૫] પ્રત્યેક કાર્ય (લૌકિક વૈદિક કાર્ય પણ) સમર્પણ કરીને જ શરૂ કરવું. સમર્પણથી વસ્તુ/કાર્ય બ્રહ્મત્વ પામે છે. પ્રભુની વસ્તુનો પ્રભુની સેવા અર્થે (ટ્રસ્ટી ભાવે ?) વિનિયોગ. અર્ધભુક્તનું   સમર્પણ ન કરાય.  પુષ્ટિ માર્ગમાં સમર્પિત વસ્તુ પ્રસાદીરૂપે લેવાય છે. અસમર્પિતનો ત્યાગ કરવો. SR

૧૬] સેવક ભાવે  સર્વ કાર્ય કરવું. SR

૧૭] પરમાત્માની પ્રાપ્તિ માટે એક માત્ર સાધન:આશ્રય. KA

૧૮] દેશ, કાલ, તીર્થ, તેમાં રહેલા દેવો, કહેવાતા સત્પુરુષો એ સર્વ  દુષિત થઇ ગયા હોઈ આપણો ઉધ્ધાર કરી શકે તેમ નથી. આપણે અશક્ત, લાચાર, દીન છીએ તેથી શ્રી કૃષ્ણનો  આશ્રય જ એક માત્ર ઉપાય છે. KA

૧૯] વૈષ્ણવ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સર્વ શ્રી કૃષ્ણ જ છે. સેવામાં જ સકલ પદાર્થ સમાયા છે. CS

૨૦] પોતાના શ્રી ઠાકોરજીની સદા એકાગ્ર ચિત્તે(ચિત્ત પરોવીને) તનુ-વિત્તજા સેવા કરવી જેના ફળ રૂપે માનસી સેવા મળે. SM

૨૧] પ્રભુ પરમ આનંદ રૂપ હોઈ તેમની સેવામાં પૂર્ણ આંનદ મળે છે. SF

૨૨] બ્રહ્મ સંબંધીએ શરીર ચાલે ત્યાં સુધી  પોતાના  શ્રી ઠાકોરજીની  સેવા કરતા રહેવું. AP

૨૩] પોતાના શ્રી ઠાકોરજીની સેવાથી ઉત્તમ ફળ રૂપે અલૌકિક સામર્થ્ય મળે અથવા માધ્યમ ફળ રૂપે સાયુજ્ય મળે અથવા કમ સે કમ સેવોપયોગી દેહ તો જરૂર મળે છે. SF

૨૪] ધર્મ: વ્રજ(નિ:સાધન લોકો)ના અધિપતિ એવા શ્રી કૃષ્ણની સર્વદા, સર્વ ભાવથી સેવા. CS

૨૫] અર્થ: સમર્થ (સમ= સુંદર, શ્રેષ્ઠ:  અર્થ) ગોકુલેશની પ્રાપ્તિ. CS

૨૬] કામ: પ્રભુ મળે પછી કઈ કામના બાકી રહે? CS

૨૭] મોક્ષ: પ્રભુના મુખારવીન્દમાં  જ ચાર પ્રકારની મુક્તિ આવી જાય છે. તેમની પ્રાપ્તિ એ જ મોક્ષ. CS

૨૮] તનુનવત્વ અથવા ગોલોકની પ્રાપ્તિ એ જ આપણો અલૌકીક મોક્ષ. CS

૨૯] આચાર્યજીએ નિરાળો એવો ભક્તિમાર્ગીય મોક્ષ બતાવ્યો જેમાં આ દેહથી જ શ્રી ઠાકોરજીનો સાક્ષાત અનુભવ મળે છે અને મૃત્યુ બાદ ગોલોક પ્રાપ્ત થાય છે. નિત્ય લીલામાં સ્થાન મળે છે. BB

૩૦] આ ભક્તિમાર્ગીય મોક્ષ માટે  સ્વધર્માચરણ (કીર્તન, શ્રવણ, સ્મરણ, સેવા) સત્સંગ, સમર્પણ અથવા તેના અભાવે માત્ર સંપૂર્ણ શરણાગતિ જરૂરી. BB   [મામેકં શરણમ્ વ્રજ: ગીતા વાક્ય]

૩૧] શ્રી ઠાકોરજીની કૃપા મેળવવા માટે અહંતા-મમતાનો ત્યાગ, ગૃહ ત્યાગ કર્યા વગર પૂર્ણ મનથી પોતાના શ્રી ઠાકોરજીની આજીવન સેવા અને કથા-કીર્તન. સેવા ન બને તો માત્ર  કથા-કીર્તન કરવા.લૌકિકમાં ઉદાસીનતા (અનાસક્તિ), પ્રભુમાં આસક્તિ. વ્યસનાવાસ્થા પ્રાપ્ત થયા પછી જરૂર પડે તો જ ગૃહ ત્યાગ, અન્યથા વર્જિત. BV

૩૨] દુષિત સંગ, દુષિત (અસમર્પિત) ભોજન ન કરવાં. આશ્રય દ્રઢ રાખવો. BV

૩૩] ભગવદીયોમાં દોષ દ્રષ્ટિ ન થાય તેટલું અંતર રાખી તેમનો સંગ કરવો. BV

૩૪] બહુરત્ના વસુંધરાના જીવાત્માઓના અનેક પ્રકાર છે. સર્વનું સર્જન પ્રભુ દ્વારા થયું છે.(તેથી કોઈનો તિરસ્કાર ન કરીયે). PM

૩૫] નિવેદન કરનારે ક્યારેય ચિંતા ન કરવી. સર્વ કાર્ય પ્રભુ પોતાની ઈચ્છાથી કરશે. (યાચના ન કરવી). NR

૩૬] નાની નાની વાતોના વિવાદમાં પડી ચિંતા ન વહોરી લેવી. NR

૩૭] પ્રભુ સદા મારૂં સારું જ કરશે તેવી શ્રદ્ધા રાખવી. નિ:સાધનભાવે સતત ‘શ્રીકૃષ્ણ શરણં મમ:’ નું રટણ કરતા રહેવું. NR

૩૮] અંતકરણ જાગૃત થશે તો જ પ્રભુ પ્રાપ્ત થશે. AP

૩૯] પ્રભુ ક્યારેય અન્યાય કરતા નથી. AP

૪૦] દેહથી સેવા અશક્ય બને તો પણ હરિ ઈચ્છા માની દુખી ન થવું. AP

૪૧] વિવેક: શ્રી હરિ સર્વ સામર્થ્યવાન અને સ્વેચ્છાએ સર્વ કરનારા છે. અત્યાગ્રહ, હઠાગ્રહ અને  અભિમાનનો ત્યાગ. દીનતા અને ધર્મ-અધર્મનો વિચાર જેવા ૯ પ્રકારના વિવેક રાખવા. યાચના કરવી નહીં. બધું જ પ્રભુનું છે, આપવું હોય તે યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં આપશે. VD

૪૨] ધૈર્ય: ત્રિવિધ(શારીરિક, માનસિક દુ:ખ અને આધિદૈવિક) ક્લેશ સહન કરવા. દુ;ખ દુર થતું હોય તો કરવું, સહન કરવાનો આગ્રહ ન રાખવો. સાચા રક્ષક શ્રી હરિ જ છે. કુટુંબીઓ, નોકરો અન્ય દ્વારા થતાં આક્રમણ સહન કરવા, જરા પણ પ્રતિકાર ન કરવો. VD

૪૩] આશ્રય: આ લોક અને પરલોકના કામો, દુઃખમાં, પાપમાં, ભયમાં અપૂર્ત ઈચ્છામાં, ભક્ત દ્રોહમાં, ભક્તિના અભાવમાં, અશક્યમાં કે  સુશક્યમાં  અર્થાત દરેક સ્થિતિમાં (વિષમ પરિસ્થિતિમાં પણ)પ્રભુ જ એક માત્ર આશ્રય.  અન્યાશ્રય ક્યારેય ન કરવો. VD

૪૪] અનાગ્રહ:અનાયાસે સિદ્ધ થતા કાર્યો થવા દેવાં. VD

૪૫] ઉત્તમ વૈષ્ણવ: શ્રવણમાં ઉત્સાહી,ભગવદ્ રસમાં તરબોળ, કૃષ્ણતત્વમાં સર્વાત્મ ભાવ વાળા, સંદેહ રહિત, ભગવદ્ આવેશથી વિહ્વળ, લૌકિક-વૈદિકમાં ઉદાસીન, પ્રપંચમાં પ્રીતિ રહિત. PP

૪૬] મધ્યમ વૈષ્ણવ: શ્રવણમાં ઉત્સાહી,આર્દ્ર મનવાળા, દર્શાનાતુર, વિહવળતાનો અભાવ, ક્યારેક (સદા નહીં)પૂર્ણ ભાવથી આવેશયુક્ત. PP

૪૭] તૃતીય પ્રકારના વૈષ્ણવ: સકામ ભક્ત, ક્રિયાત્મક, અન્યાસક્ત. PP

૪૮] ભારતીય માનસમાં ત્યાગનું મહત્વ ઘણું હોઈ ત્યાગ ન કર્યાનો વૈષ્ણવને પશ્ચાત્તાપ થાય તે સ્વાભાવિક છે. SN

૪૯] આચાર્યજીના મતે ભક્તિ માર્ગમાં વ્યસનાવસ્થા પ્રાપ્ત થાય તે સિવાય  ત્યાગથી પતિત થવાય છે. PP

૫૦] ત્યાગ કરવાને બદલે બધું પ્રભુમાં જોડી દેવું. મનને પ્રભુમાં તન્મય કરી દેવું. PP

૫૧] પ્રભુમાં ઉત્કટ સ્નેહ, સેવા, સ્મરણ, કીર્તન, અનુસંધાન,ધ્યાન, આદિના સહારે (સર્વ ઇન્દ્રિયોના વિષય ભગવાનને બનાવવાથી) અને પ્રભુકૃપાથી વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ થઇ સરળતાથી અને અસરકારક નિરોધ સિદ્ધ થાય છે. NL

૫૨] ભક્તિમાર્ગમાં મનને મોહનમાં મેળવી દઈ નિરોધ સિદ્ધ થાય એટલું જ નહીં સંસારનો નિરોધ છૂટે છે. NL

૫૩] ભક્તનો પ્રભુમાં પૂર્ણ નિરોધ સિદ્ધ થાય તે સાથે જ પ્રભુનો ભક્તમાં નિરોધ થાય છે. (ગજ્જન ધાવન) NL

૫૪] નિરોધ (માનસી સેવાની જેમ જ) પરમ ફળ છે. NL
_________________________________________________________________________________________________________

અંગ્રેજી કોડનું વિવરણ:

BB- શ્રી બાલબોધ; SM-શ્રી સિધ્ધાંત મુક્તાવલી; PM-શ્રી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ;

SR શ્રી સિધ્ધાંત રહસ્યમ્; NR- શ્રી નવ રત્નમ્; AP- શ્રી અંતકરણ: પ્રબોધ:, VD શ્રી વિવેક ધૈર્યાશ્રાય;

KA શ્રી કૃષ્ણાશ્રય;   CS- શ્રી ચતુ:શ્લોકી;   BV-શ્રી ભક્તિવર્ધિની; PP –શ્રી પંચ પદ્યાની; SN-શ્રી સન્યાસ નિર્ણય;

NL-શ્રી નિરોધ લક્ષણમ્, SF- શ્રી સેવા ફલમ્

 

 

© Mahesh Shah 2013

 

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net 
email : [email protected]

 

નોંધ :  ઉપરોક્ત લેખમાં લેખકશ્રીએ   આપણા માર્ગ  તેમજ આપણા સંપ્રદાય નો ઉલ્લેખ શરૂઆતમાં સમજાવવા જ્યાં કરેલ છે, આપણા માર્ગ / સંપ્રદાય  નો અર્થે અહીં વૈષ્ણવ માટે નો માર્ગ/ વૈષ્ણવ સંપ્રદાય  …. સમજવો અને વાંચવો.

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.