શક્તિનાં અનેક સ્વરૂપ…(દુર્ગાષ્ટમી …) અને … ગરબાઓ ની રમઝટ …

ક્તિનાંને સ્વરૂપ …

 

 

 

 

નવરાત્રીનો તહેવાર એ શક્તિપૂજનનો તહેવાર છે.  નવરાત્રીનાં નવ દિવસોમાં ફક્ત શક્તિ જ નહીં પરંતુ સંસારની સમગ્ર સૃષ્ટિની સ્ત્રીશક્તિનું પૂજન કરવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે શક્તિ એ આદ્યશક્તિનું જ પ્રતિબિંબ છે જેણે પોતાના ભક્તોની વિવિધ મહેચ્છાઓને પૂર્ણ કરવા વિવિધ સ્વરૂપો ધારણ કર્યા છે. હિન્દુ ધર્મનાં મુખ્ય વેદોમાં તો માતા દુર્ગાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો પરંતુ વેદની કૌથુમી નામની શાખામાં અને વિવિધ પુરાણો અને ઉપનિષદોમાં આદ્યશક્તિ દુર્ગાના વિવિધ નામોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.

 

બ્રહ્મવૈવર્તક પુરાણમાં ભગવાન વિષ્ણુ નારદજીને માતા દુર્ગાનો ઉલ્લેખ કરતાં કહે છે કે માતા દુર્ગાનાં અનેક નામ છે. આદ્યશક્તિ એજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની માયા અને મહામાયા છે, નારાયણી, શિવાની અને વૈષ્ણવી શક્તિ છે. હે નારદ દુર્ગા એ જ સનાતની શક્તિ અને શાશ્વતી શક્તિ છે, એ સર્વ જીવોનું શુભ કરનારી સર્વાણી અને સર્વ મંગલ કરનારી કલ્યાણી છે. જે જીવ, જે ભક્ત આદ્યશક્તિ નારાયણી અંબિકાનું પૂજન અને અર્ચન કરશે તે જીવ અથવા ભક્ત ઉત્તમોત્તમ લોકને અર્થે જશે. ત્યારે નારદજી ભવાની દુર્ગાનાં માહાત્મ્યને વધુ જાણવાનાં આશયથી તેમના વિવિધ નામ અને તે નામોનાં સંદર્ભ અંગે પૂછ્યું.

 

તે વખતે ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું કે હે નારદ સૃષ્ટિ સર્જન થતી હતી તે સમયે આદિશક્તિએ પોતાનાં સ્વરૂપનાં ત્રણ ભાગ કર્યા હતાં. એ ત્રણેય ભાગનાં વિવિધ સ્વરૂપ થયાં. જેમાંનું એક સ્વરૂપ તે સંપતિ, બીજું સ્વરૂપ તે જ્ઞાન અને ત્રીજું સ્વરૂપ તે શક્તિનાં રૂપે આકાર પામ્યું હતું. તેમાંથી જ્ઞાનને માતા સરસ્વતીનાં ચરણોમાં આશ્રય મળ્યો, સંપતિને માતા લક્ષ્મીનાં ચરણોમાં આશ્રય મળ્યો અને શક્તિને માતા પાર્વતીનાં ચરણોમાં આશ્રય મળ્યો. આમ આદ્યશક્તિએ પોતાની શક્તિને ત્રણ દેવીઓનાં ચરણોમાં પ્રસ્થાપિત કરી દીધી. જેમાંથી પોતાના ભક્તોનું રક્ષણ કરવા દુષ્ટો અને દૈત્યનું દમન કરવા સદૈવ તત્પર રહેતી શક્તિ સ્વરૂપા માતા પાર્વતીને યુધ્ધની દેવી તરીકે ઓળખવામાં આવી. હે નારદ ભક્તોનું રક્ષણ કરતી આ શક્તિના સોળ નામ છે.

 

દુર્ગા: સામાન્યતઃ દુર્ગા શબ્દમાં બે શબ્દો અર્થ સાથે રહેલા છે. દુર્ગ+ આ. પ્રથમ શબ્દ દુર્ગ એટ્લે કે કિલ્લો પરંતુ અહીં દુર્ગ અર્થાત્ દૈત્ય, મહાવિઘ્ન, નર્ક, યમદંડ અને મહારોગ છે અને આ શબ્દનાં વિવિધ અર્થ બતાવેલા છે જેમાંનો એક અર્થ હનન કરવું, મારવું થાય છે. દેવી ભગવતી દૈત્ય,યમદંડ, મહારોગ, મહાવિઘ્નને મારે છે તેનું હનન કરે છે, નાશ કરે છે માટે દુર્ગાનાં નામથી પ્રચલિત છે.

 

નારાયણી: નારાયણી દુર્ગા એ યશ, તેજ, રૂપ, અને ગુણોમાં ભગવાન શ્રી હરિ નારાયણ સમાન છે તેથી તે તેને નારાયણી દુર્ગા તરીકે ઓળખવામાં આવે છે.

 

ઇશાના:  ઇશાન શબ્દમાં પણ બે શબ્દો રહેલા છે. ઇશાન+આ. જેમાં ઇશાન શબ્દનો અર્થ થાય છે જે પૂર્ણ સિધ્ધીઓથી યુક્ત છે તે અને આ અર્થાત દેનાર જે સિધ્ધિઓ દેનાર છે તે દેવી ઇશાનાનાં નામથી ઓળખાય છે.

 

વિષ્ણુમાયા: એક સમયે ભગવાન વિષ્ણુએ પોતાની માયા શક્તિ વડે સર્વ સંસારને મોહિત કરવા માટે પોતાની માયાની સૃષ્ટિની રચના કરી હતી, આ માયા સૃષ્ટિની શક્તિને મહામાયા તરીકે ઓળખવામાં આવે છે જે ભગવાન વિષ્ણુની શક્તિ સ્વરૂપા છે જેને કારણે તેને વિષ્ણુમાયાનાં નામથી ઓળખવામાં આવે છે.

 

શિવા: આ શબ્દમાં પણ બે શબ્દ રહેલા છે. શિવ અને આ. જેમાં શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ અને આ અર્થાત આપનાર. જે કલ્યાણ આપે છે તે શિવા છે, શિવપ્રિયા છે, શિવાંગી છે.

 

સતી: ભગવતી દુર્ગા સદ્બુધ્ધિની અધિષ્ઠાત્રી દેવી છે જે પ્રત્યેક યુગમાં વિવિધ સ્વરૂપ ધારણ કરીને પોતાના ભક્તજનો માટે પૃથ્વી પર વિદ્યમાન રહે છે. તે અત્યંત સુશીલ હોવાથી તેને સુશીલા અથવા સતી તરીકે ઓળખવામાં આવે છે.

 

નિત્યા: જે રીતે સંસારમાં પ્રભુનું સ્થાન નિત્ય છે તે જ રીતે પ્રભુની શક્તિનાં સ્વરૂપે તે પણ નિત્ય વિદ્યમાન રહેતી હોવાથી નિત્યા તરીકે ઓળખાય છે. દેવી નિત્યા તે પોતાની માયાને કારણે સદાયે સર્વ જીવોમાં તિરોહિત બનીને રહે છે.

 

સત્યા: શાસ્ત્રો કહે છે આ સંસારની સમસ્ત સજીવ અને નિર્જીવ સૃષ્ટિએ કૃત્રિમ છે આ સંસારમાં જો કાંઇ સત્ય હોય તો તે કેવળ ભગવતી દુર્ગા છે આથી ભગવતી દુર્ગાને સત્યાનાં નામથી ઓળખવામાં આવે છે.

 

ભગવતી: ઐશ્વર્ય, સિધ્ધી આદિનાં અર્થ ભગ તરીકે કરવામાં આવે છે અને જ્યાં આ ઐશ્વર્ય, સિધ્ધી આદિ પ્રત્યેક યુગમાં જે દુર્ગાની ભીતર બિરાજેલ છે તેથી તેને ભગવતી કહેવાય છે.

 

સર્વાણી: જે આ સમગ્ર સંસારની ચરાચર પ્રકૃતિ અને સૃષ્ટિને જન્મ-મૃત્યુનાં ફેરામાંથી મુક્ત કરાવીને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તે દેવી પોતાના સર્વે ગુણોને કારણે સર્વાણી તરીકે ઓળખાય છે.

 

સર્વમંગલા: મંગલ શબ્દનાં બે અર્થ છે જેમાંથી પ્રથમ શબ્દ મંગલનો અર્થ તે શુભ કે કલ્યાણ કરનારો છે અને બીજો શબ્દ મંગલ તે મોક્ષનું વાચક છે. મંગલામાં છેલ્લો શબ્દ લા…..તે લા શબ્દમાં “આ” શબ્દ તિરોહિત થયેલો છે. તે આ શબ્દ દાતા અથવા દેનાર માટે પ્રયોજવામાં આવે છે. જે દેવી સંપૂર્ણ રીતે મંગલકારી મોક્ષ આપે છે તે સર્વમંગલાને નામે ઓળખાય છે.

 

અંબિકા: અંબા શબ્દનો એક અર્થ માતા થાય છે અને બીજા અર્થમાં જોઈએ તો અંબા એટ્લે કે વંદન, પૂજન કરવું વગેરે. જે દેવી ભગવતી દ્વારા વંદિત છે, પૂજનીય છે, માતા અથવા તો માતા સમાન છે તે અંબિકા તરીકે ઓળખાય છે.

 

વૈષ્ણવી: જે દેવી સ્વરૂપા ભગવાન વિષ્ણુની વિષ્ણુરૂપા અથવા વિષ્ણુ શક્તિ છે તેમજ ભગવાન વિષ્ણુની સંજ્ઞા છે તે વૈષ્ણવી તરીકે ઓળખાય છે.

 

ગૌરી: ગૌર એટ્લે કે પીળું અથવા પીળાશ પડતું, પરંતુ અહીં ગૌર શબ્દ એ નિર્લિપ્ત અને નિર્ગુણ પરમાત્માની શક્તિના રૂપમાં હોવાથી તેને ગૌરીના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ સંસારનાં ગુરૂ પદે સ્થાપિત થયેલા છે અને એ ગુરૂઓની આધ્યાત્મિક અને આધિદૈવીક શક્તિઑ તે ગૌરીનાં સ્વરૂપમાં પ્રચલિત છે.

 

પાર્વતી: પાર્વતી શબ્દનો અર્થ સમજતાં પૂર્વે આપણે તેનાં અક્ષરોનો પૂર્ણાંક સમજીએ સંસ્કૃતમાં પર્વ શબ્દનાં વિવિધ અર્થો સમજાવવામાં આવ્યાં છે. પર્વ એટ્લે કે કે તહેવાર-ઉત્સવ, પરંતુ તહેવાર ક્યારે મનાવવામાં આવે કે જ્યારે લોકહૃદયમાં આનંદથી ભરેલા હોય, પર્વ એટ્લે કે પૂર્ણિમા, પર્વ એટ્લે પૃથ્વી પરનો ઊંચાઈ તત્વવાળો ઉચ્ચ ભાગ તે પર્વત. તી એટ્લે ખ્યાતિ, યશસ્વી…… અહીં પાર્વતી શબ્દ એ સંજ્ઞાનાં અને સુતાનાં સ્વરૂપમાં છે. સુતા એટ્લે કે પુત્રી. પોતાનું સંતાન પોતાને નામે ઓળખાય તેવી માન્યતા હિન્દુ ધર્મમાં ઘણા યુગોથી છે જેમ કે વસુદેવનાં પુત્ર તે વાસુદેવ, જનકની પુત્રી જાનકી, કુંતલપુર નરેશની પુત્રી કુંતી તેજ રીતે પર્વતરાજ હિમાલયની પુત્રી તે પાર્વતીનાં નામે ઓળખાય છે. બીજી રીતે જોઈએ તો હિમાલય નરેશ હિમવાનનાં હૃદયનો આનંદ તે પુત્રી રૂપમાં પ્રગટ થયો હોવાથી પણ તે પાર્વતી છે તેમ શાસ્ત્રોમાં કહેલું છે.

 

સનાતની: સના અર્થાત સર્વદા અને તની અર્થાત વિદ્યમાન. જે સદા સદૈવ અને સર્વ કાળમાં, યુગમાં સર્વત્રે વિદ્યમાન અથવા હાજર રહે છે તે સનાતન છે પરંતુ અહીં શક્તિ માતા, પુત્રી, બહેન અને પત્નીનાં રૂપમાં સદૈવ અને સર્વત્રે હાજર રહે છે તેથી તે શક્તિને સનાતનીને નામે ઓળખવામાં આવે છે…

 

 

આ સોળ નામ ઉપરાંત પણ શક્તિના અમુક નામો ખૂબ પ્રખ્યાત છે જેમ કે …

 

હિમાની: હિમાલયની પુત્રી તે હિમાની,

શૈલજા: શૈલ(પર્વત)ની પુત્રી તે શૈલજા,

ગિરિજા: ગિરિરાજ હિમાલયની પુત્રી તે ગિરિજા,

શિવાંગી: જે ભગવાન શિવનાં અંગરૂપ છે તે શિવાંગી,

શિવાની: શિવની જે પત્ની છે તે શિવાની.

અપર્ણા: જેણે પર્ણ વગેરે આરોગવાનું બંધ કરી દીધું છે તે અપર્ણા

સુશીલા: જે સર્વ ગુણોમાં સંપન્ન છે, સુશીલ છે તે સુશીલા ..

 

આ ઉપરાંત શક્તિને હેમવતી, ઉમા, વગેરે નામથી ઓળખવામાં આવી છે. 

 

માતા દુર્ગા તે આદ્યશક્તિ હોવાથી તેમનાં વગર આ સંસાર અધૂરો છે, આથી માતાના વિભિન્ન રૂપોની પૂજા ભારત અને જ્યાં જ્યાં હિન્દુ ધર્મ રહેલો છે ત્યાંના મંદિરો અને તીર્થ સ્થાનોમાં થાય છે. હજુ પણ ભારતમાં માતા દુર્ગાનાં કેટલાક મંદિરો અને તીર્થસ્થાનો છે જ્યાં પશુબલિ ચઢાવવામાં આવે છે. હિન્દુ ધર્મનાં શાક્ત સંપ્રદાયમાં ઈશ્વરને ભગવતી દુર્ગા સ્વરૂપે ઉચ્ચ પરાશક્તિ દેવી માનવામાં આવી છે. શાસ્ત્રો કહે છે કે આદિશક્તિનું પરમ શક્તિ રૂપે અવતરણ થવાથી તન ને મન અલૌકિક અને સંપન્ન બની જાય છે, આદિ શક્તિનું અવતરણથી સર્વજ્ઞપણું સહજ બની જતાં સર્વશક્તિમાનપણું પણ પ્રાપ્ત થાય છે.

 

આથી સંક્ષેપમાં એમ કહી શકાય કે અશ્વિની માસ દરમ્યાન શાક્તભકતો અને ભક્તો ધામધુમથી માતા દુર્ગાનું પૂજન અને અર્ચન કરે છે ત્યારે સંસારનાં સમગ્ર સજીવ અને નિર્જીવમાં બિરાજતી શક્તિ અને આદિશક્તિ એ પરમ શક્તિની વિશિષ્ટ પ્રતિમા બનીને બહાર પ્રકટ થાય છે ત્યારે એ પરમોચ્ચ શક્તિનું સાકાર સ્વરૂપ બની જાય છે.

 

 

સાભાર : -પૂર્વી મોદી મલકાણ –યુ એસ એ

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

 

(૧) ગરબાની જ્યોત જાગી, મને ચામુંડાની લહેર લાગી …

 

 

(૨) એક છંદે બીજે છંદે …

 

 

(૩) જય રાંદલ ભવાની …

 

 

(૪) સોનાની સાંકળે …

 

 

(૫)  ખમ્મા મારી મા ..

 

 

ક્તિનાંને સ્વરૂપ… ‘દાદીમા ની પોટલી’  પર આજની પોસ્ટ  પૂર્વિબેન  દ્વારા મોકલવામાં આવી છે., આજની પોસ્ટ મોકલવા બદલ અમો પૂર્વિ મોદી મલકાણ (USA) ના અંતરપૂર્વક્થી આભારી છીએ.

 

આજની પોસ્ટ પસંદ આવી હોય તો, આપ આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આપના પ્રતિભાવ લેખિકાની કલમને સદા બળ પૂરે છે. આભાર ! ‘દાદીમા ની પોટલી’.

 
નોંધ:

આ સાથે વિનંતી કે જે મિત્રો ને અમારા તરફથી મોકલવામાં આવતા બ્લોગ પોસ્ટ નાં મેઈલ પસંદ ન હોય તે વિના સંકોચ અમોને જાણ કરી શકે છે, અમો તેમનું ઈ મેઈલ આઈ ડી અમારા મેઈલીંગ લીસ્ટમાંથી સત્વરે દૂર કરી આપીશું.અમારા મેઈલને કારણે કોઈને તકલીફ પડેલ હોય તો તે બાબત અમો દિલગીર છીએ.

જે મિત્રો અમારી બ્લોગ પોસ્ટ નિયમિત વાંચવા ઇચ્છતા હોય, તેઓ પોતાનું ઈ મેઈલ આઈ ડી. [email protected] પર મોકલવા વિનંતી.

આભાર !

‘દાદીમા ની પોટલી’