નવરાત્રી…એટ્લે … દિવ્યતાની ઓળખ…

રાત્રી….ટ્લે … દિવ્યતાની ખ”…..

 

 

maa durga

 

નવરાત્રી એ એક શબ્દમાં બે શબ્દ સમાયેલ છે. નવ+રાત્રી. નવનાં બે અર્થ થાય છે.  નવ અર્થાત નવું, નવલ અને નવ અર્થાત નવ નંબર, રાત્રી અર્થાત રાત…..રાત જે શાંતિ આપે છે, રાત જે આરામ આપે છે, રાત જે થાકેલ તન અને મનને ચૈતન્ય આપે છે. નવરાત્રીનાં આ નવ દિવસ એ છે, જેમાં જગતની દોડધામમાં ખોવાયેલ આપણાં અસ્તિત્વને શોધતાં શોધતાં આપણે સ્વયંની પાસે આવીને સ્વયંને ઓળખાવા પ્રયત્ન કરીએ છીએ. મનુષ્યની સાથે પ્રકૃતિનો પણ આ એવો સમય છે જેમાં પ્રકૃતિ પોતે પણ પોતાના જૂના વસ્ત્રોને ત્યાગી વસંતનાં નવા વસ્ત્રો પરિધાન કરવાનો સમય મેળવે છે. જે પ્રકારે નવજાત બાળક માતાની ગોદમાં અવતરે તે અગાઉ નવ મહિના માતાનાં ગર્ભમાં મોટું થાય છે તેજ રીતે સાધક પણ આ નવરાત્રીની નવ રાત અને નવ દિવસો દરમ્યાન ઉપવાસ, પ્રાર્થના, મૌન અને ધ્યાન, પૂજન, અર્ચન દ્વારા પોતાનાં અસ્તિત્વની નજીક જાય છે. નવરાત્રીની રાત સાધકને સ્થૂળ અને સૂક્ષ્મ એમ બે સ્તરે પોતાની જાત સાથે મળવા માટે મદદ કરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ઉપવાસ તનને પવિત્ર કરે છે, મૌન વાણીને પવિત્ર કરે છે, ધ્યાન સ્વયંની વાતો સ્વયં સાથે કરાવે છે તેથી, સ્વયંની સાથે આપણી મિત્રતાનો દોર વધુ મજબૂત થાય છે, જ્યારે પ્રભુનાં ગુણગાન આંતરિક ચેતનાનો પ્રાદુર્ભાવ કરી બેચેન થયેલા મનને શાંત કરે છે.

 

કાલિકાપુરાણમાં જણાવ્યું છે કે નવરાત્રી એ આદ્યશક્તિની આરાધના કરવાનો સમય હોવાથી આ નવ દિવસ દરમ્યાન સાધકે પોતાના મનને દિવ્ય ચેતનામાં લિપ્ત રાખવું જોઈએ. આ સમય દરમ્યાન સાધકે પોતાની અંદર જિજ્ઞાસાની ચેતનાનો દીપ પ્રગટાવવો જોઈએ અને વિચારવાનો પ્રયત્ન કરવો જોઈએ કે પ્રકૃતિની જે શક્તિએ આપને ધરતીની ગોદમાં ખેલવા માટે મૂક્યા છે તે શક્તિનું સ્તોત્ર શું છે? આપણે કહીએ છીએ કે આ મનુષ્યોનાં આવા નિરર્થક પ્રશ્નો છે પરંતુ પ્રકૃતિ અને માનવ વચ્ચેનો કોઈપણ પ્રશ્ન નિરર્થક હોતો નથી બલ્કે આવા જ સવાલ જવાબથી મનુષ્ય સર્જનાત્મક અને વિજયી બને છે. પરંતુ પ્રકૃતિની સાથેની કોઈપણ વાતચીતને આપણે નિરર્થક માનીએ છીએ અર્થાત આપણે નકારાત્મક વિચાર કરીએ છીએ. આ નકારાત્મક વિચાર મનમાં આવે તે સાથે જ તે મન પર પોતાનો કબ્જો જમાવી દે છે જેનાથી આપણે આપણાં લક્ષ્યથી વિચલિત થઈ જઈએ છીએ જેને કારણે મનમાં રાગ, દ્વૈષ, ઈર્ષા, અનિશ્ચિતતા, ભય, ડર, સંશય વગેરેનો જન્મ થાય છે. મનમાં રહેલા આ નકારાત્મક વિચાર વિમર્શથી દૂર રહેવા માટે આપણે આપણાં શરીરમાં જ છુપાયેલ સકારાત્મક શક્તિ ઉર્જાઓની પાસે જવું જરૂરી છે. આ ઉર્જાઓને પાછી મેળવવા માટે શક્તિની ઉપાસનાથી શું વિશેષ કંઇ હોઈ શકે કે? અને નવરાત્રીથી વિશેષ કોઈ સારો શક્તિનો તહેવાર હોઈ શકે કે?

 

દેવી ભાગવતમાં કહે છે કે માતા દુર્ગાએ નવરાત્રી દરમ્યાન નકારાત્મક શક્તિનાં પર્યાય રૂપ શુંભ, નિશુંભ, મહિષાસૂર, રક્તબીજ, મધુ, કૈટભ જેવા અનેક અસૂરોને માર્યા અને સૃષ્ટિમાં શાંતિ આપેલી હતી. પરંતુ સવાલ એ થાય કે આ અસૂરો કોણ હતા? તેઓ ક્યાં રહે છે? શાસ્ત્રો કહે છે કે આ અસૂરો આપણાં જ તન અને મન પર કબ્જો જમાવીને બેસેલા છે. જેમાં મધુ અસૂર એ રાગ છે અને કૈટભ અસૂર એ દ્વેષનું પ્રતિક છે, રક્તબીજઅસૂર એ નકારાત્મકતા અને વાસનાનું પ્રતિક છે, શુંભ એ સ્વયં પર સંશયનું પ્રતિક છે, નિશુંભ એ આસપાસ રહેલી સૃષ્ટિ પરનાં સંશયનું પ્રતિક છે. જ્યારે ભેંસ જેવા મસ્તકવાળો મહિષાસૂર….એ જડતાનું પ્રતિક છે. નવરાત્રીની શક્તિની ઉર્જા ભરેલી નવલ નવરાત્રીઑ જ્યારે આવે છે ત્યારે તે આપણાંમાં રહેલ મહિષાસૂરને મારી આપણાંમાં રહેલી તમામ જડતાને ઉખાડીને ફેંકી દે છે, અને આપણાં મસ્તકમાંથી રક્તબીજ રૂપી નકારાત્મક વિચારોને દૂર કરે છે, આ નકારાત્મક વિચારો દૂર થતાં જ મન અને હૃદયમાં રહેલ મધુ અને કૈટભ અસૂરો રૂપી દ્વેષ, રાગ, ઈર્ષા વગેરે પણ નષ્ટ થઈ જાય છે. રાગ અને દ્વેષ દૂર થતાં જ શુંભ રૂપી અસૂર દૂર થઈ જાય છે જેને કારણે આપણો સ્વયં પરનો સંશય દૂર થઈ જતાં સ્વયં પરનો આત્મવિશ્વાસ પાછો આવે છે. સ્વયં પર આત્મવિશ્વાસ આવતાં નિશુંભ અસૂરનો પણ નાશ થાય છે જેને કારણે આપણે પ્રસન્ન રહીએ છીએ અને એ પ્રસન્નતા આસપાસના વાતાવરણને પણ સંશયમુક્ત બનાવે છે અને આપણને અન્યો પર વિશ્વાસ રાખવા પ્રેરે છે.

 

આ રીતે એમ કહી શકાય કે નવરાત્રીએ પ્રાણ અને આત્માને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવાનો ઉત્સવ છે. જે આપણાં તન-મનમાં છુપાયેલા અસૂરોનો નાશ કરે છે. અસૂરોની બીજી વ્યાખ્યા એ પણ કરી શકાય કે જે લોકોના, જાતિના, સમાજના વિચારો નકારાત્મક ભોગવાદી છે જે પ્રભુની પરમ શક્તિમાં વિશ્વાસ ધરાવતો નથી જે માત્ર વિવિધ પ્રકારના ભોગો ભોગવવામાં આનંદ માણે છે, જે પોતે તો જીવે છે પરંતુ બીજાને શાંતિથી જીવવા દેવામાં માનતો નથી તે અસૂર છે. આ રીતે જોતાં એમ પણ કહી શકાય કે આપણાં વિચારો જ આપણને સુર કે અસૂર બનાવે છે.

 

દેવી ઉપનિષદમાં કહે છે કે નવરાત્રીનાં નવ દિવસમાંથી પ્રથમ ત્રણ દિવસ માતા દુર્ગાની આરાધના થાય છે જે આત્મવિશ્વાસ અને અભયની પ્રતિક છે, ત્યાર પછીનાં ત્રણ દિવસ માતા લક્ષ્મીની આરાધના કરવાનાં દિવસો છે જે ધન-ધાન્યની પ્રતિક છે, અને નવરાત્રીનાં છેલ્લા ત્રણ દિવસ માતા સરસ્વતીનાં આરાધના કરવાનાં દિવસો છે જે જ્ઞાનનાં પ્રતિકરૂપ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શક્તિનાં આ ત્રણ –ત્રણ દિવસ એ તામસી, રાજસી અને સાત્વિક એમ ત્રણ ગુણોને અનુરૂપ છે. આપણું જીવન પણ આ જ ત્રણ ગુણો પર ચાલે છે. નવરાત્રીનાં આ નવ દિવસો દરમ્યાન આપણી ચેતના તામસી ગુણ અને રાજસી ગુણની વચ્ચે વહેતી વહેતી નવરાત્રીના અંતનાં દિવસમાં સાત્વિક ગુણમાં ફેરવાઇ જાય છે. સંતો કહે છે કે સામાન્ય મનુષ્યોની દૃષ્ટિએ જે તામસી, રાજસી અને સાત્વિક છે તે ત્રણે ગુણોને બ્રહ્માંડની દૈદીપ્યમાન નારી શક્તિનાં રૂપમાં માનવામાં આવ્યાં છે.

 

નવરાત્રી દરમ્યાન માતૃરૂપી દિવ્યતાની આરાધના અને ઉપાસનાથી આપણે ત્રણે ગુણોને આપણાં જીવનમાં સંતુલિત કરીએ છીએ જેના કારણે આપણાં સત્વમાં વૃધ્ધિ થાય છે. નવરાત્રીનાં નવ દિવસ માતા શક્તિ પ્રત્યેની કૃતજ્ઞતાને યાદ કરીને ઘણાં હોમ-હવન અને યજ્ઞ કરવામાં આવે છે. આ પાવન કરનારા હોમ-હવન, યજ્ઞની આહૂતિ અને મોટા સ્વરે ઉચ્ચારાતાં સંસ્કૃતનાં મંત્રો અને શ્લોકોથી વાતાવરણ પવિત્રતાથી ભરાઈ જાય છે જેને કારણે આપણી આસપાસની સૃષ્ટિ જીવિત થઈ જાય છે અને તે સૃષ્ટિમાં નવી ચેતના અને નવા ચૈતન્યનો પ્રાદુર્ભાવ થાય છે. શાસ્ત્રો કહે છે કે માતૃરૂપી દિવ્યતા નારીના પ્રત્યેક રૂપ સ્વરૂપમાં સમાયેલી હોય છે. પરંતુ આ બધાં જ રૂપો અને સ્વરૂપોને એક સાથે ઓળખવાનો તહેવાર તે નવરાત્રીનો ઉત્સવ છે.

 

નવરાત્રીના અંત પર આપણે વિજયાદશમી કે દશેરાનો ઉત્સવ ઉજવીએ છીએ. સંતો કહે છે કે નવરાત્રીનાં નવ દિવસ આનંદ ઉમંગે ખેલ્યાં બાદ દશેરાનાં દિવસે આપણી તમામ ચેતનાઓ જાગૃત થઈ જાય છે. જે શક્તિને કારણે આપણે જાગૃત થઈએ છીએ તે સૃષ્ટિશક્તિ, નારીશક્તિ અને માતૃશક્તિ પાસેથી આપણે જે કંઇ મળે છે તે આર્શીવાદ રૂપે સ્વીકારી તેમના પ્રત્યે કૃતજ્ઞ થઈએ.

 

લેખક સંકલન-પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

સાભાર : સંદેશ દૈનિકનાં સૌજન્યથી

 

બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]

 

(૧) દૂહા છંદ …

 


.

(૨) મા ગરબે તે રમવા નીશાર્યા રે દેવી અન્નપૂર્ણા …

 


 

‘દિવ્યતાની ……ટ્લે રાત્રી…’ ની જાણકારી  સંદેશ દૈનિકના સૌજન્યથી,  લેખ સંકલન કરી   ‘દાદીમા ની પોટલી’  પર મૂકવા નમ્ર કોશિશ  શ્રીમતી પૂર્વિબેન  દ્વારા આજની પોસ્ટમાં કરવામાં આવેલ છે.,  જે બદલ અમો પૂર્વિ મોદી મલકાણ (USA)ના અંતરપૂર્વક્થી આભારી છીએ.

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો,  આપ આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આપના પ્રતિભાવ લેખિકાની કલમને સદા બળ પૂરે છે. આભાર ! ‘દાદીમા ની પોટલી’.