નવલા નોરતાં અને ગરબાની પરંપરા …

લા નોતાં ને બાની રંરા

 

 

 
ગરબો, માતા અંબા અને બહુચરાજીનો ગરબો, ગુજરાતનો ગુજરાતી ગરબો…….એ ગુજરાતનાં લોકનૃત્યમાંનો એક ઉત્સવ છે. આસો માસની શુક્લ પક્ષની એકમ તિથીથી લઈને દશમ સુધી આ ગરબો લેવાય છે, રમાય છે અને ખેલાય છે. રંગીલા ગરબાની, રંગબેરંગી ગરબાની, તારલિયાઑથી મઢેલ આ રાત્રીઓને નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે.

 

ગરબાની ભાવનાનું પ્રાગટ્ય:-

 

જ્યારે ધરતી સૃષ્ટિના સંચાલન હેતુ વર્ષાઋતુ પાસેથી જળરૂપી અમૃત લઈને આનંદિત થઈ જાય છે ત્યારે ધરતી પ્રકૃતિનો આભાર માનતા નાચી ઊઠે છે, આ સમયે મનુષ્યો પણ આ સુહાવની ઋતુને આનંદિત કરવા કૃતગ્યતાપૂર્વક સૃષ્ટિ સાથે એકાકાર થઈ જવા માટે પોતાની ઉર્મિઓને રજૂ કરે છે પરંતુ ભાષા અને શબ્દો કોઈ નિશ્ચિત સીમા સુધી જ ભાવોને વ્યક્ત કરવા સમર્થ હોય છે તેથી વધતાં ભાવોની ઉર્મિઑને મનુષ્ય કોઈને કોઈ પ્રતિક્રિયા દ્વારા વ્યક્ત કરે છે. આવા જ એક ભાવોની ઉર્મિઓની ક્રિયાઓ રૂપે નૃત્યનો જન્મ થાય છે જેમાં લોકો નાચે છે, નચાવે છે અને આનંદિત બનીને ઝૂમી ઊઠે છે ત્યારે તેમની આ ઉર્મિઓમાં નાદ અને નર્તન બંને એક સ્વરૂપ લઈને સમાઇ જાય છે. આવા જ એક નાદ અને નર્તનનાં પ્રકારમાં ગરબા પણ સમાયેલ છે. બીજા મત અનુસાર ભય અને અસુરક્ષાની ભાવનામાંથી બહાર નીકળવા આદિમાનવ ધર્મ તરફ વળ્યો ત્યારે એણે બલિદાન, પૂજન, નાદ અને નર્તન રૂપે જ પોતાનાં ભાવને વ્યક્ત કર્યો છે.  આ રીતે જોતાં ગરબાને સર્વાંશે ધર્મનું પ્રતિક માની શકાય છે પરંતુ ગરબાની સાથે સાથે શક્તિનું માહાત્મ્ય, પૂજન અને અર્ચન પણ જોડાયેલ હોવાથી તેને શક્તિનાં પણ વિવિધ સ્વરૂપો સાથે જોડવામાં આવ્યો છે.

 

ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે પરંતુ ’ગરબો’ એ શબ્દની સંપૂર્ણ વ્યુત્પતિ માટે આપણા વિદ્વાનો હજુ સુધી એકમત નથી તેથી દીપગર્ભ ઘટ, ગર્ભો, ગરભો વગેરે શબ્દોનું અપભ્રંશ થતાં થતાં ગરબો એ શબ્દનું અસ્તિત્વ આવ્યું હશે તેમ માની શકાય છે. યુગોથી ચાલી આવતી આ ગરબા પ્રણાલિકાનાં મુખ્ય બે પ્રકાર છે. એક પ્રકાર સ્થૂળ રૂપે રહેલ છે અને બીજો પ્રકાર વાણી રૂપે પ્રગટ થાય છે. ગરબાનાં પ્રથમ સ્થૂળ સ્વરૂપમાં માટીનો કે ધાતુનો ગરબો આવે છે અને બીજા પ્રકારમાં તાળીઓ પાડતાં દીવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું અર્થાત વાણી સ્વરૂપે પ્રગટ થાય છે તે ગરબો. ગ્રામ્યભાષામાં ‘મોરિયો” તરીકે ઓળખાતાં આ ગરબાનું નવરાત્રીનાં દિવસમાં અનેરું મહત્વ હોય છે. ભગવદ્‌ગોમંડલમાં ગરબો શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે માટીની, કે ધાતુની બનાવેલી કાણાઓવાળી માટલીની અંદર રહેલા ગર્ભને ગરબો કહે છે. આ કાણાઑમાંથી ગર્ભમાં રહેલ દીપ પોતાનાં તેજોમય પ્રકાશ પાથરે છે. માટીના ગરબાનો અર્થ કાઢતાં આપણાં શાસ્ત્રો કહે છે કે માટી એ પૃથ્વી તત્વનો ભાગ છે તેમ આપણું શરીર પણ પૃથ્વી તત્વનો એક ભાગ છે. ગરબાનો દીપ તે આપણાં આત્માનું સ્વરૂપ છે. જ્યારે એ આત્મા રૂપી દીપમાંથી તેજોમય કિરણો છે જે બહાર પ્રસરીને જગતને આનંદ રૂપી પ્રકાશ આપે છે.

 

ગરબાનો ઇતિહાસ:-

 

“અભિનય દર્પણ” નામનાં ગ્રંથમાં જણાવેલ છે કે માતા ગૌરીએ પોતાની પુત્રી ઓખાને લાસ્ય નર્તન વિષે શીખવ્યું હતું. માતા ગૌરીનાં શ્રાપને કારણે ઓખાએ અસૂરરાજ બાણાસુરને ત્યાં તેની પુત્રી ઉષા બનીને જન્મ લીધો પરંતુ તેને તેનાં પૂર્વજન્મનાં સંસ્કારોની ભૂમિકા તેને હંમેશા યાદ રહી. મોટા થયાં બાદ ઉષાનાં વિવાહ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણનાં પૌત્ર સાથે થયાં ત્યારે આ નર્તન લાસ્ય ઉષાએ દ્વારિકાની સ્ત્રીઓને શીખવ્યું. દ્વારિકાથી ગરબો સુરાષ્ટ્ર અને રૈવર્તક દેશ ગયો.(એ સમયે જે અલગ અલગ દેશ કહેવાતા તે આજે એક સૌરાષ્ટ્ર ગણાય છે. સુરાષ્ટ્ર-આજનાં સૌરાષ્ટ્રનો અમુક ભાગ અને રૈવર્તક-આજનું જૂનાગઢ) અને રૈવતક દેશથી ગરબો અર્નત દેશ (ગુજરાત) તરફ ગયો. આમ ઉષા દ્વારા શરૂ થયેલ ગરબાએ દ્વારિકાથી પોતાનો પ્રવાસ દૂરસુદૂર સુધી કર્યો. ઉષા દ્વારા લાવેલ આ લાલિત્ય ધરાવતાં લાવણ્યમય લાસ્યનું સમયાંતરે અપભ્રંશ થઈ જતાં રાસ્ય શબ્દ અસ્તિત્વમાં આવ્યો. આ રાસ્યનું રાસક બન્યું અને આજે એ રાસ તરીકે પ્રચલિત બન્યું. રાસ્ય અને લાસ્ય એ બંને શબ્દોને સ્વીકારીએ તો પણ આ બંને શબ્દ નર્તન સાથે જોડાયેલ છે, અને જ્યાં નર્તન છે ત્યાં નાદ પણ વિવિધ સ્વરૂપે રહેલો છે. નર્તન અને નાદનો એ સંયોગ જ્યારે ઘટમાંનાં ગર્ભદીપ સાથે જોડાયો ત્યારે એનું સ્વરૂપ ગર્ભા, ગરભા અને ગરબા તરીકે ઓળખાયો. આમ “ગરબો” એ શબ્દની સંજ્ઞાની છાયાઓ ક્રમશઃ વિસ્તાર પામતી રહી. આથી જ લોક નર્તન શાસ્ત્રોમાં કહે છે કે ગરબો લેવાય છે, ખેલાય છે, ગવાય છે, ઘુમાય છે, ખરીદાય છે અને તેનું પૂજન પણ કરાય છે.

 

એક અન્ય માન્યતા એ પણ છે કે ગરબો એ એક લોકસંસ્કૃતિ અને લોકનૃત્યનું પ્રતિક પણ છે. એક સમય એવો હતો જ્યારે ગામડામાં રહેતા લોકો અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી, હીંચ, હૂડો, દાંડિયા, મણિયારો, વગેરે પ્રકાર હતાં. હવે સમય અનુસાર ભારતનાં જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા જુદા વિચાર, તાલ, લય, ગૂંથણી, તાલી, ચપળતા, પદગતિ, લચક, ઠેસ, સંગીત, નર્તન, વાદ્યો, પગલાં વગેરે જેમ મળતા ગયાં તેમ તેમ ગરબામાં પણ વૈવિધ્ય આવવા લાગ્યું. ગ્રામ્ય નારીઓ અને કુંવારીકાઑ માથા પર એકથી વધુ બેડાં લઈ, ગરબી, માંડવડી, દીવા, દીવડી, દાંડિયા, મંજીરા વગેરે લઈ વિવિધ અંગભંગની ક્રીડાઓ વૈવિધ્ય સાથેનાં નર્તન કરવા લાગી ત્યારે એ ગરબાઓમાં વધુ નાવીન્ય આવવા લાગ્યું.

 

ગરબાની જેમ ગરબીનાં પણ હિન્દુ શાસ્ત્રોએ ઘણાં જ ગુણગાન ગાયા છે. વર્તુળાકારે થતાં તાલીરાસમાં ગવાતા વૃંદગીતોને ગરબા અને શક્તિની આરાધના કરતાં કરતાં જે સ્થળ કે મંડપ નીચે ગરબાનાં આરાધકો કે આરાધિકાઑ ભેગા થાય છે તે મંડપ ગરબી તરીકે ઓળખાય છે. ગરબાની જેમ ગરબીનાં પણ બે સ્વરૂપ છે. ગરબી લેવાય પણ છે અને ગરબી આવે પણ છે. ગુજરાતમાં આવી શેરી ગરબીઓ અને શેરી ગરબાઓ ખૂબ પ્રખ્યાત છે. પ્રાચીન ગરબાનું વિષય વસ્તુ મુખ્યત્વે લોકકૃતિ, લોકગીત છે જે વિશેષતઃ શક્તિની આરાધના કરતાં અને શ્રી કૃષ્ણની લીલાઓ દર્શાવતાં ભક્તિપ્રધાન હોય છે. આ ઉપરાંત લોકજીવનને સ્પર્શતા વિષયો, સાધારણ લોકસમુદાય સહજતાથી ગાઈ શકે તેવા પ્રધાન લોકઢાળમાં ગવાતાં ગરબા કે ગીતો હોય છે. કૃષ્ણભક્તિનાં અને શક્તિ આરાધનાનાં ગરબાને બાદ કરતાં પ્રાચીન ગરબાઓ માટે ઈ.સ. ૧૭૮૦માં થયેલા વલ્લભ મેવાડાનું નામ લેવાય છે,  અને તેજ રીતે ગરબીમાં ઈ.સ. ૧૭૨૧માં થયેલ ભાણદાસજીનું નામ લેવાય છે. આ ઉપરાંત કવિ શામળશા, કવિ પ્રેમાનંદ, કવિ દયારામ વગેરે સર્જકોએ પણ ગુજરાતને વિવિધ ગરબા અને ગરબીઓની ભેંટ આપી છે.

 

ગરબાનો ઇતિહાસ કહે છે કે મધ્યકાલિન સમય સુધી ગરબામાં ભક્તિ અને શક્તિનાં ઓચ્છવો અને ઉત્સવોનું પ્રતિબિંબ જોવા મળતું હતું પરંતુ સમય જેમ પસાર થતો ગયો તેમ લોકસમાજની માંગ અનુસાર ગરબાએ સામાજિક સ્વરૂપ લઈ લીધું અને તેમાં લોકસાહિત્યો પણ પોતાનો રંગ ઉમેરતા ગયાં. આજે આજ ગરબામાં ફિલ્મી ગીત સંગીતે પણ પોતાનો રસ ઉમેર્યો છે. વાર તહેવારે અને આનંદ ઉત્સવમાં ઘર આંગણ સુધી આવી જતો ગરબો એ કોઈપણ રૂપ-સ્વરૂપમાં હોય પણ તનમનમાં થનગનાટ કરાવી જ જાય છે, ત્યારે સર્વ વાતાવરણમાં પ્રસન્નતાના તોરણ બંધાઈ જાય છે.

 

લેખક સંકલન –પૂર્વી મોદી મલકાણ – (યુ એસ એ)

સાભાર : સંદેશ દૈનિકનાં સૌજન્યથી

 

બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]

 

(૧)ધરા માટલીયા વાળી …

 


 

(૨) વિશ્વંભરી સ્તુતિ …

 

 

રાત્રીમાં બાની રંરા ની જાણકારી  સંદેશ દૈનિકના સૌજન્યથી  સંકલન દ્વારા  બ્લોગ પર મૂકવાની  નમ્ર કોશિશ  શ્રીમતી પૂર્વિબેન દ્વારા આજની પોસ્ટમાં કરવામાં આવેલ છે;  જે બદલ અમો પૂર્વિબેન મોદી મલકાણ (USA)ના અંતરપૂર્વક્થી આભારી છીએ.

 

       આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો  આપ આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આપના પ્રતિભાવ લેખિકાની કલમને સદા બળ પૂરે છે. આભાર ! ‘દાદીમા ની પોટલી’.