નવરાત્રી નું આગમન … (નવરાત્રી એટલે …) …

રાત્રી લે 

 

 

 

 

નવરાત્રી શક્તિની આરાધનાનું પર્વ છે. આપણે ત્યાં વર્ષમાં ચારવાર નવરાત્રી મનાવવામાં આવે છે. મહા અથવા માઘ માસની નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, અષાઢી નવરાત્રી અને અશ્વિન અથવા આસો માસની નવરાત્રી. પરંતુ આ ચાર નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રી અને અશ્વિની નવરાત્રી સૌથી વધુ પ્રખ્યાત છે. ચૈત્રી અને આસોમાસની નવરાત્રીનો મહિમા વધુ છે તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ રહેલ છે. મૌસમ વિજ્ઞાન અનુસાર ૬ ઋતુઑ હોય છે પરંતુ બીજી રીતે જોઈએ તો ફક્ત ત્રણ ઋતુઑ હોય છે. શર્દી, ગર્મી અને વરસાદ. પરંતુ વરસાદની ઋતુનાં દિવસો પણ ફક્ત બે મૌસમમાં સમાયેલ છે તે છે શર્દી અથવા ગર્મી. દા.ત. (તરીકે) જો વરસાદ અતિશય પડે તો ઠંડી લાગે અને વાદળો હોવા છતાંયે વરસાદ ન પડે તો બફારો થાય અર્થાત ગર્મી થાય. આથી ઠંડી અને ગર્મીની બે મુખ્ય ઋતુઓ માની શકાય છે. શીતકાળ અને ગરમીની આ ઋતુનાં મિલનનાં સંધિકાળ દરમ્યાન બે નવરાત્રી આવે છે અને આ બંને નવરાત્રીના સમયનાં સંધિકાળમાં બદલાઈ રહેલી પ્રકૃતિની અસર આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર પણ પડે છે. જ્યારે જ્યારે મૌસમ બદલાય છે ત્યારે તેનો પ્રભાવ પ્રકૃતિની સાથે સાથે આપણાં શરીર પર અસર પડતી હોવાને કારણે આ ઋતુમાં કફ, વાયુ અને પિત્તની વધઘટથી શરીર બીમારીમાં જકડાઈ જાય છે.

 

ચૈત્રી નવરાત્રી દરમ્યાન ઠંડી જઇ ગરમીનાં દિવસો આવે છે અને અશ્વિન માસમાં ગરમીનાં દિવસો જઈ ઠંડીનાં દિવસોની શરૂઆત થાય છે. બીજી રીતે જોઈએ તો પ્રકૃતિમાં પણ ઠંડી અને ગરમીનો સંધિકાળ આવે છે. શીતકાળ દરમ્યાન આપણા શરીરની નસો અને નાડીયોમાં રક્તની ગતિ મંદ થઈ જાય છે, અને ચૈત્ર માસ આવતાં જ એ જ નસો અને નાડીયોમાં રક્તની ગતિ ઝડપી થઈ જાય છે. એજ રીતે પૃથ્વીની ગતિ મંદ પડી જાય છે ત્યારે યોગસાધના અને મનની ચેતનાઓનો હેતુ અત્યાધિક મહત્વપૂર્ણ બની જાય છે. આયુર્વેદ કહે છે કે ચૈત્રી અને અશ્વિની નવરાત્રીનાં નવ દિવસો દરમ્યાન સંસારનાં અધિકાંશ રોગીઑ સારા થઈ જાય છે અથવા મૃત્યુ પ્રાપ્ત કરી લે છે. આથી જ આ નવરાત્રીનાં નવ દિવસનાં સંધિકાળ દરમ્યાન વ્રત-ઉત્સવનાં બ્હાના નીચે અથવા તો આધ્યાત્મિક કારણ નીચે શાસ્ત્રકારોએ તનને સંપૂર્ણ સ્વસ્થ રાખવા નવ દિવસનાં વ્રત અને ઉપવાસ સૂચવ્યાં છે. જેથી નવ દિવસ દરમ્યાન આપણે મન, જીભ અને સ્વાદ પર સંયમ રાખીએ છીએ જે માનસિક અને શારીરિક રૂપે શરીરને મજબૂત અને મનને સંયમશીલ બનાવે છે.

 

હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્રી અને અશ્વિની માસ દરમ્યાન આવતી નવરાત્રીનાં નવ દિવસ હોય આ નવ દિવસો દરમ્યાન વ્રત ઉત્સવને માન્ય રાખવામાં આવ્યાં છે જેથી કરીને શરીરને આવનારી ઋતુ પ્રમાણે ગોઠવાવાનો સમય મળે, અને તાવ કે અન્ય વ્યાધિનો પ્રભાવ તેના પર ન પડે. શાસ્ત્રોમાં નવરાત્રીનાં અનુષ્ઠાનની પરિભાષા આપતાં કહેવામાં આવ્યું છે કે “नव शक्तिभि: संयुक्तं नवरात्रं तदुच्यते” અર્થાત દેવીની નવધા શક્તિ જે સમયે મહાશક્તિનું સ્વરૂપ ધારણ કરે છે તે સમયને નવરાત્રી કહેવામાં આવે છે.

 

આપણાં વિદ્વાનો અને સંતો કહે છે કે નવરાત્રીનો ઉત્સવ એ નવનિર્માણ માટે હોય છે તેનાં માટે બ્હાનું આધ્યાત્મિક હોય કે આધિભૌતિક હોય. આદિકાળથી સમગ્ર સંસારની સૃષ્ટિમાં રહેલા ચૈતન્યની શક્તિ સાધના સમાન રહી છે. પરંતુ જ્યારે મનુષ્ય શક્તિ સાધનાની વાત કરે છે ત્યારે હિન્દુ ધર્મમાં પ્રથમ શક્તિ રૂપે ભગવતી દુર્ગાનું નામ આવે છે. આપણાં ધર્મ શાસ્ત્રો, વેદો, ઉપનિષદો અને પુરાણોમાં પણ માત દુર્ગાની શક્તિની સાધનાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. નવરાત્રીનાં આ નવ દિવસો દરમ્યાન આદિશક્તિ દુર્ગાનાં નવ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે જે નવદુર્ગાનાં નામથી પ્રખ્યાત છે. સંતોએ મહાશક્તિની આરાધના કરતાં કહ્યું છે કે …

 

या श्री: स्वयं सुकृतिनां भवनेष्व लक्ष्मी ।
पापात्मना कृतधियाँ हृदयेषु बुद्धि:।।
श्रद्धा सतां कुलजन प्रभवस्य लज्जा ।
तां त्वां नता: स्म परिपालय देविविश्वम॥

 

અર્થાત જે શક્તિ પૂણ્યાત્માઑનાં ગૃહોમાં સ્વયં લક્ષ્મીનાં રૂપે, વિદ્વાનોનાં ગૃહમાં જ્ઞાન રૂપે, કુલીન અને સંસ્કારી વ્યક્તિઓનાં ગૃહમાં લજ્જારૂપે, શુધ્ધ અને પવિત્ર અંતઃકરણવાળી વ્યક્તિઓનાં ગૃહમાં સદ્દબુધ્ધિનાં રૂપે, સત નરનારીનાં ગૃહમાં શ્રધ્ધારૂપે, દુષ્ટ લોકોનાં ગૃહમાં દરિદ્રતાનાં રૂપે બિરાજમાન છે તે આદ્યશક્તિ ભગવતી દુર્ગાને અમે શત શત પ્રણામ કરીએ છીએ અને આદિશક્તિને વિનંતી કરીએ છીએ કે માત આપ ઘણાં જ દયાળુ છો, આ સમગ્ર સંસારનું પાલન પોષણ આપ જ કરો છો.

 

नमो दैव्यै महादैव्यै शिवायै सततं नम:॥
नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्मताम॥

 

આ પર્વ રાત્રી પ્રધાન માનવામાં આવ્યો છે કારણ કે આ દિવસોનાં નવેનવ દિવસ સાથે રાત્રી શબ્દ જોડાયેલો છે સંસ્કૃતમાં કહે છે કે रात्रि रूपा यतोदेवी, दिवा रूपो महेश्वर: અર્થાત દિવસ એ શિવ (પુરુષ) તત્વ રૂપ છે અને રાત્રી એ શક્તિ (પ્રકૃતિ) સ્વરૂપા છે આ એક જ તત્વનાં બે સ્વરૂપ છે જે જુદા જુદા સમયે દૈદીપ્યમાન થાય છે. દૈવી ભાગવતમાં કહે છે કે જો આપ દેવીનાં ઉપાસક હોય તો દિવસ દરમ્યાન વ્રત ઉપવાસ કરવા જોઈએ અને સંધ્યા અથવા રાત્રીનાં સમયે દેવીનું પૂજન, પાઠ અને ઉપાસના કરવાથી આપની આધ્યાત્મિક શક્તિનો સર્વાત્મક રીતે વિકાસ થાય છે જેને કારણે આપ સફળતાનાં અનેક માપદંડો મેળવી લો છો.

 

સૌજન્ય : સાભાર :પૂર્વી મોદી મલકાણ યુ એસ એ..

 

બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]

 

 

નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે,  ચાલો તો આજે ગણેશ વંદનાથી પ્રથમ નોરતાં ની શરૂઆત કરીએ.  આજની પોસ્ટમાં  નવરાત્રી ની જાણકારી …  શ્રીમતી પૂર્વિબેન  દ્વારા આપવાની કોશિશ કરેલ છે,  જે બદલ અમો પૂર્વિબેન મોદી – મલકાણ (USA)ના અંતરપૂર્વક્થી આભારી છીએ.

 

ganesh.1

ગણપતિ વંદના  …
સ્વર: નારાયણ સ્વામી …

 

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો,  આપ આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આપના પ્રતિભાવ લેખિકાની કલમને સદા બળ પૂરે છે. આભાર ! ‘દાદીમા ની પોટલી’.