મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી (૧૦) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૫૪-૫૬) …
-મહેશ શાહ, વડોદરા …

[ભાગ -૧૦]

 

vallabh sakhi

 

ઉર બિચ ગોકુલ નયન જળ, મુખ શ્રી વલ્લભ નામ |

અસ તાદ્રશી કે સંગ તેં, હોત સકલ સિદ્ધ કામ ||૫૪||

પ્રથમ કારીકામાં તાદ્રશીજનનો સાદ્રશ  પરિચય છે. સાચા ભગવદીય અહર્નિશ પ્રભુમય હોય. તેમના રોમ રોમમાં પ્રભુ વસતા હોય છે. અહીં શ્રી હરિરાયજી કહે છે કે તાદ્રશીના હૃદયમાં ગોકુળ વસે છે. શ્રીમદ ભગવત ગીતમાં પણ પ્રભુ એ કહયું છે કે, “યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ્” (જેઓ મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં છે અને હું તેમનામાં છું.). પ્રભુ ભક્તના હૃદયમાં અને ભક્ત પ્રભુના હૃદયમાં વસે છે.  પેલા ધોળમાં પણ કહયું છે ને કે, ‘મારૂં મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણીયામાં તુલસીના વન’ ભક્તનું હૃદય પ્રભુની લીલાસ્થળી હોઈ ગોકુળ-વૃંદાવન જેટલું જ પાવક અને પાવન છે. ત્યાં પ્રભુ સદા રમણ કરે છે. આવા ભક્તોને ફળરૂપા માનસી સેવા સિદ્ધ થઇ હોય છે.

 

આવા ભક્તો સદા વિરહ તાપ જનિત આર્તિ અનુભવતા હોય છે. પ્રભુના વિરહમાં તેમના નયનમાં આંસુ ભરેલા જ હોય છે. સંયોગની સ્થિતિમાં પણ પ્રભુની કરૂણાના ઋણથી આંખો સજળ રહે અને વિરહમાં પ્રભુ ક્યારે દર્શન સુખ આપશે તેની લ્હાયમાં આંસુ વહેતાં રહેતા હોય છે.  આમ તેમના નેત્રો હંમેશા સજલ રહે છે. તેમના ભાવભીનાં આર્દ્ર હૃદયની જેમ નયન પણ ભીંજાયેલા જ રહે છે.

 

પ્રભુના મિલનની આર્તિ શાંત કરવા માટે શ્રી વલ્લભનું નામ અકસીર છે. આચાર્યશ્રીનું એક નામ સ્મૃતિ માત્રાર્તીનાશન: છે. ઠાકોરજીનું મિલન સહેલાઈથી ન થાય. તેમની કૃપા હોય તો  કદાચ ભક્તના હૃદયમાં પિયા મિલનની આશા જાગે, પ્રભુ ક્યારે મળશે તેની તાલાવેલી જાગે, ઉત્કટ ભાવનાના પરિણામ સ્વરૂપે પ્રભુને મેળવવાની ઝંખના જાગે અને તે ન મળે એટલે વિરહાગ્ની પ્રજ્વલિત થાય. આ આર્તિનું શમન માત્ર પ્રભુ મિલનથી જ થઇ શકે જેને માટે આચાર્યશ્રીની કૃપા થવી અનિવાર્ય આવશ્યકતા છે. તે થાય તો જ આર્તિ શાંત થાય અને તેથી જ આ નામ સર્વોત્તમ સ્તોત્રના ૭મા શ્લોકમાં બિરાજે છે.  આમ તો વૈશ્વાનર શ્રી વલ્લભ  આધિદૈવિક અગ્નિ સ્વરૂપ છે પણ તેમનું સ્મરણ આર્તિના શમનની કૃપાનું કારક બને છે. તેથી જ તાદ્રશીના મુખમાં સતત શ્રી વલ્લભનું નામ રહે છે.

 

આવા ભગવદીયનો સંગ પ્રાપ્ત થઇ જાય તો આપણો બેડો પાર! જીવન ધન્ય થઇ જાય. આપણા સર્વ અલૌકિક મનોરથ તેમના સંગ માત્રથી સિદ્ધ થઇ જાય. સુવર્ણ પાત્ર લઈને ભિક્ષા માંગવા ન નીકળાય તેવી જ રીતે આવા ભગવદીયના સંગે લૌકિક મનોરથ સિદ્ધીની કામના ન કરાય.  આવા ભગવદીયોના સાનિધ્યમાં લૌકિક લાલસા જાગે જ નહીં.

 

બિનુ દેખે આતુર રહે, પ્રેમ બાગકો ફૂલ |

ચિત્ત ન માને તાહિ બિનુ, પ્રેમ જો સબકો મૂળ ||૫૫||

તાદ્રશી જનોના ગુણાનુવાદ આગળ વધારતાં શ્રી હરિરાયજી કહે છે કે ભક્તો દર્શન માટે સદા આતુર હોય છે. ગોપીજનોની જેમ આ ભક્તોને પણ પલક ઝપકે તેટલો વિક્ષેપ અનુકુળ નથી આવતો. પ્રભુની સેવામાં સક્રિય ન હોય ત્યારે (અનવસરમાં) વિરહાર્તિથી વ્યાકુળ હોય છે. ક્યારે પ્રભુ મળે અને ક્યારે નયનોને દર્શન સુખ પ્રાપ્ત થાય તેની વ્યથા સતત ચિત્તમાં રમતી રહે છે. સારસ્વત કલ્પમાં પ્રભુ શ્રીકૃષ્ણ ગોચારણમાં જતા ત્યારે ગોપીઓની દશા પણ આવી જ થતી. આ ભાવનાઓ શ્રી ભાગવતજીમાં ‘વેણુગીત’ સ્વરૂપે અભિવ્યક્ત થઇ છે. આ ભક્તો પ્રેમ બાગની શોભા વધારતા પુષ્પો જેવા છે. જેમ સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ ફરતું રહે છે તેમ આ ભક્ત પુષ્પો પણ હંમેશા વલ્લભોન્મુખ રહે છે. ભૌતિક રીતે જોઈએ તો બાગની શોભા પુષ્પથી જ છે. રંગ બેરંગી પુષ્પો જ બગીચાને આકર્ષક બનાવે છે. તેવી જ રીતે આ ભક્ત-પુષ્પો જ આ ભક્તિ બાગના આભુષણ છે.

 

આ ભક્તજનોનું ચિત્ત શ્રી વલ્લભના ચરણોમાં સદા ચોટેલું રહે છે. જેમ ધ્રુવ તારક અવિચલ છે તેવી જ રીતે તેમની ચિત્તવૃત્તિ વલ્લભમાં નિર્વિકલ્પપણે ધ્રુવીભુત થયેલી હોય છે. તેમને સાનિધ્યનું એવું વ્યસન હોય છે કે તેના વગર એક પળ પણ ચેન નથી પડતું.

 

આ બધાના મૂળમાં પ્રેમ, નૈસર્ગિક સ્નેહ જ રહેલો છે. આપણો માર્ગ જ પ્રેમ માર્ગ છે ને ?

 

કૃષ્ણ પ્રેમ માતો રહે, ધરે ન કાહૂ શંક |

તીન ગાંઠ કોપીન પેં, ગીને ઇન્દ્ર કો રંક ||૫૬||

હાથી માટે એવું મનાય છે કે તેના ગંડસ્થળમાંથી  ઝરતા મદથી તે મસ્તીમાં રત રહે  છે. તેવી જ રીતે તાદ્રશી ભક્તોના અંતરમાં સતત  ઝરતા પ્રેમ અને ભક્તિના રસમાં તેઓ પણ  હંમેશા પ્રભુ-પ્રેમમાં મદમાતા રહે છે. પ્રભુના સતત માનસિક સાનિધ્યનો સૌભાગ્યમદ તેમને એક જુદા જ સ્તરમાં મહાલતા કરી દે છે. જેમને અંગ્રેજીમાં rock solid કહે છે તેવા અચલ, અટલ, અડોલ, નિશ્ચલ કે ધ્રુવ-તારક સો દ્રઢ વિશ્વાસ ભક્તોના હૃદયમાંથી લગીર પણ ચલાયમાન થતો નથી. મેરૂ ચળે પણ તેમના મન જરીકે ય ચળતાં નથી. શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં વર્ણવાયો છે તેવો કપરો દેશ કાલ  હોવા છતાં તેમનો આશ્રય અક્ષુણ્ણ રહે છે. આવા તાદ્રશી જનોનું અનુસંધાન સીધું જ જગ નિયંતા સાથે હોય છે.  તેઓ કોઈની દરકાર રાખતા નથી. અષ્ટ સખા અને પરમ ભગવદીય કુંભનદાસજીનું પેલું બહુ જાણીતું પદ “ભકતન કો કહા સીકરી કામ”  એ જ વાતનું દ્યોતક છે. સમગ્ર ભારતના અધિપતિ અને પ્રતાપી એવા અકબર બાદશાહને ‘જેનું મોઢું જોવું પણ ન ગમે તેને સલામ કરવી પડી’ કહી શકવાની હિંમત અને દિલેરી કાંઇ જેવી તેવી વાત છે? કૃષ્ણ પ્રેમમાં મદમાતા તાદ્રશી ભક્ત જ આવું કહી શકે.

 

આ ભક્તોનો આશ્રય અનુઠો અને અનોખો તો તેમનાં વિવેક અને ધૈર્ય અનુપમ હોય છે. તેમને પ્રભુ કૃપામાં લેશ પણ શંકા હોતી નથી, ભક્ત કવિ દયારામભાઈએ એટલે જ ગાયું છે કે “નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો”. ગીતાજીમાં પણ પ્રભુ એ સ્વમુખે કહયું છે કે ‘સંશય કરનારાનો વિનાશ થાય છે.’ આવા ભગવદીયોના મનમાં દ્વિધા કે શંકાનો વરવો વાસ નથી હોતો. શ્રધ્ધા, વિશ્વાસ, આસ્થા, આશ્રય અને સમર્પણનો સમંદર તેમના હૃદયમાં ઘૂઘવે છે.

 

આવા ભક્તો સુદામાના સગા ભાઈ જેવા નીષ્કિંચન હોય છે. તેમને દુન્યવી સંપત્તિમાં જરાય મોહ નથી હોતો. પ્રભુને પારાવાર પ્રેમ કરે તે ખરૂં પણ તેમના અર્ધાંગીની લક્ષ્મીજી સાથે જરાય લગાવ નહીં. શ્રી હરિરાય મહાપ્રભુ તેમની ‘સંપદા’ વર્ણવતા કહે છે કે તેમના કૌપીનમાં પણ ત્રણ ગાંઠ છે. એક તો લંગોટી તેમાં પણ સાંધાના વાંધા! ભક્તોને પોતાના દેખાવની જરાય ચિંતા નથી હોતી. સામાજિક જરૂરત મુજબ વેશ પરિધાન કરવા સિવાય તેમને પોતાના વસ્ત્રો કે અન્ય ટાપટીપની પરવા નથી હોતી. ઉપર કહયું તેમ આવા દુન્યવી દ્રષ્ટીએ કંગાળ ભક્તો પ્રભુના સામિપ્યથી મદમાતા હોય છે. તેમને પ્રભુ રૂપી અનમોલ નિધિ પ્રાપ્ત થઇ હોવાથી તેઓ અન્ય સૌને (આધ્યાત્મિક) ગરીબ અને તુચ્છ ગણે છે. અહિં એ જ વાત ટૂંકમાં પણ સટીક રીતે કહેતાં શ્રી હરિરાયજી કહે છે કે આવા તાદ્રશી જનો સ્વર્ગના અધિપતિ ઇન્દ્રને પણ રંક ગણે છે.

 

 

આવા આધ્યાત્મિક સંપત્તિવાન ભક્તોના મંગલ સ્મરણ સાથે અહીં જ વિરમીએ. જયશ્રીકૃષ્ણ.

 

ક્રમશ:

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.