(૧) આનંદ … અને (૨) આપત્તિ માંહે અવસરો …

(૧) આનંદ …

 

 maya

 

 

દિવ્યાનંદની આ દુનિયામાં મળતાં બીજા કોઈ આનંદ સાથે તુલના ન કરી શકાય.  એ તો વર્ણનાતીત છે.  દુન્યવી સુખ કે આનંદ એ તો માયામાંથી ઉદ્દભવે છે.  ચાલવું, સ્વપન સેવવું અને સ્વપનહીન ગાઢ નિદ્રા – આ ત્રણ અવસ્થામાં માયા કાર્ય કરે છે.

 

આ ત્રણ અવસ્થા ઉપરાંત પણ એક બીજી અવસ્થા છે અને એ છે તુરીય.  અહીં પહોંચવું અત્યંત કઠિન છે.  આ તુરીય અવસ્થાનો આનંદ માયાયુક્ત હોય છે, માયામાંનો આનંદ કેવો મીઠો, મજાનો હોય છે તે તમે જાણો છો.

 

સામાન્ય લોકો એનાથી રાજી રાજી થઇ જાય છે.  તેઓ એક પળ માટે પણ આટલું નથી વિચારી શકતા કે જેમની માયા આટલી મજાની મીઠી છે, તેવા ઈશ્વર એનાથી કેટલા વધુ મધુર અને આનંદમય હશે !

 

દિવ્યાનંદ સિવાય આ દુનિયામાં બીજું કંઈ મૂલ્યવાન નથી.  લોકો શા માટે ધન, સંપત્તિ, પત્ની, સંતાનો ઈચ્છે છે, તે તમે જાણો છો ?  એનું કારણ એ છે કે એ બધામાંથી એમને શારીરિક અને માનસિક સુખ કે આનંદ મળશે, એમ તેઓ ધારે છે.  એટલે જ એ બધાં  માટે તેઓ દિવસરાત કામ કરવા તૈયાર રહે છે.  જો આવા લોકો પોતાની આ શક્તિને ઈશ્વર તરફ વાળે તો તેમને આ ક્ષણિક દુન્યવી સુખોને બદલે શાશ્વત આનંદ એટલે કે સચ્ચિદાનંદનો આનંદ પ્રાપ્ત થાય છે.

 

માયા પોતે ચાલક રૂપે કાર્ય કરે છે .. તે માનવના મનમાં ઈચ્છાનાં મોજાં ઊભા કરે છે અને તેને એ શાંત કરવાનું ગમતું નથી.  જે માયાના બંધનમાં બંધાતો નથી, એવા આત્માની સંભાળ તો ઈશ્વર લે છે.  જ્યારે ઈશ્વર માનવને માર્ગદર્શન આપે છે ત્યારે માનવના મનમાં સુખ, શાંતિ અને આનંદનો અવિરત અને અવરુદ્ધ પ્રવાહ વહે છે.  એ વખતે ત્યાં વિચારનું એકેય મોજું ઉદ્દ્ભવતું નથી, ત્યારે કોઈ પણ માનવ એ અગાધ, તરંગવહિન સચ્ચિદાનંદ સાગરમાં ભળીને એક બની જાય છે.

 

‘મારા’ નો વિચાર કે ભાવ દુઃખ ઊભું કરે છે.  જ્યારે ‘સાચા હું’  એટલે કે ઉચ્ચતર આત્માનો વિચાર દિવ્યાનંદ લાવે છે.

 

બ્રહ્મ

 

‘મહારાજ, શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રહ્મ તો માનવના હૃદયમાં રહેલો છે.  એનો અર્થ શું ?’

 

સ્વામી અદ્દ્ભુતાનંદ : ‘આ તો અલંકારયુક્ત ભાષા છે, જો કે શાસ્ત્રોએ એ રીતે બ્રહ્મને વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ બ્રહ્મના સત્યને શબ્દોમાં આવરી શકાય નહિ.  બ્રહ્મ તો સર્વત્ર છે.  એમાં ક્યાંય અંદર કે બહાર, ઉચ્ચ કે નીચ, પૂર્વ કે પશ્ચિમ નથી.  તે એક જ છે અને દરેકેદરેક પદાર્થમાં રહેલ છે.  બ્રહ્મ સર્વવ્યાપી, અસીમ અને શાશ્વત છે.  બ્રહ્મને વર્ણવવા માટે વિવિધ પ્રયાસો થયા છે.  પણ જે વિચાર કે બુદ્ધિથી પર છે, તે સર્વમાં છે અને વળી સર્વથી પાર પણ છે.’

 

સત્ય તો એક જ છે અને તે છે બ્રહ્મ.  બ્રહ્મ એક માત્ર જ સત્ છે અને બાકી બીજું અસત્ છે.  તમારા મન પર આ વિચારોને અવારનવાર લાવતા રહો અને ક્રમશ: સાચો વિવેક એની મેળે જાગી જશે.

 

સંકલન
-સ્વામી અદ્દ્ભુતાનંદ
(રા.જ.૨-૧૧(૨૧-૨૨)/૫૦૫-૦૬)

 

(૨)  આપત્તિ માંહે અવસરો …

 

Thomas edison

 

ડિસેમ્બર, ૧૯૧૪ની સાલમાં વિખ્યાત વિજ્ઞાની થોમસ એડિસનની પ્રયોગશાળા બળીને ખાક થઇ ગઈ.  મકાનનો વીમો પણ નોહ્તો, તેથી આ આગથી એડિસનને ભારે નુકશાન થયું.

 

જ્યારે આગ  ભડકે બળી રહી હતી ત્યારે એડિસનના જુવાન દીકરા ચાર્લ્સે પિતાને બળતા મકાનમાં શોધવા પ્રયત્નો કર્યા.  જ્યારે પિતા મળ્યા ત્યારે તેઓ મકાનને બહાર શાંતિથી ઊભા હતા.  આગના સુવર્ણ પ્રકાશમાં તેમનો ચહેરો ચમકી રહ્યો હતો અને તેમના શ્વેત વાળ પવનમાં લહેરાઈ રહ્યા હતા.  ચાર્લ્સના હૃદયમાં પોતાના પિતા માટે અનુકંપાની લહેર ઊઠી.  એડિસનની ઉંમર ૬૭ વર્ષની હતી અને તેમની નજર સમક્ષ તેમનું સર્વસ્વ ખાખ થઇ રહ્યું હતું.

 

દીકરાને જોઈ એડિસન બોલ્યા, ‘ચાર્લ્સ, તારી માતા કયાં છે ?  તેને અહીં બોલાવ.  તેને જિંદગીભર આવું દ્રશ્ય ફરી જોવા મળવાનું નથી.’  બીજા દિવસે સવારે એડિસને ખંડેર તરફ જોઈ કહ્યું, ‘મોટી આપત્તિ પાછળ મહાન અવસરો છુપાયેલા છે.  આપણી બધી ભૂલો બળીને રાખ થઇ ગઈ છે.  હવે આપણે નવેસરથી શરૂઆત કરી શકીશું.’

 

આગ લાગ્યાનાં ત્રણ અઠવાડિયાં પછી એડિસને તેમના પહેલા ફોનોગ્રાફની શોધ કરી હતી.  આ જ થોમસ એડિસન લાઈટનો બલ્બ શોધવા અસંખ્ય વખત નાકામિયાબ રહ્યા.  કોઈ જ્યારે તેમને આટલી બધી વખત મળેલ નિષ્ફળતાઓ બાબત પૂછતું તો તેઓ કહેતા, ‘હું બલ્બ ન સળગે તે માટેની ૯૯૯ પદ્ધતિઓ જાણું છું.  આટલું જાણ્યા પછી જ બલ્બનું સફળતાપૂર્વક સળગવું સંભવ હતું! ’

 

(રા.જ.૨-૧૧(૨૨)/૫૦૬)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
આશા રાખીએ છીએ કે આપને પોસ્ટ પસંદ આવી હશે, બ્લોગ પોસ્ટ મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.