મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … (૯) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૫૦-૫૩) …
-મહેશ શાહ, વડોદરા …

[ભાગ – ૯]

 

vallabh sakhi

 

11

 

શ્રીવલ્લભ ધીરજ ધરે તેં, કુંજર મન ભર ખાય |
એક ટૂક કે કારનેં, શ્વાન બહુત ઘર જાય || ૫૦||

 
આ  સાખીના દર્શન થતાં જ આપણને પેલી ગુજરાતી કહેતી  ‘કીડીને કણ અને હાથીને મણ’ યાદ આવી જાય. આ એક જ સાખીમાં શ્રી વિવેક ધૈર્યાશ્રાય અને શ્રી કૃષ્ણાશ્રય એમ બે બે ગ્રંથોનું હાર્દ સમાયું છે. ધીરજના પાયામાં વિશ્વાસ રહેલો છે. જેને સાચો આશ્રય સિદ્ધ થયો હોય તે ભક્ત ક્યારેય અધિરો ન થાય.કારણ કે તેને પ્રભુના સામર્થ્યમાં અને તેમની કૃપામાં અટલ વિશ્વાસ હોય છે.તેને પાકી ખાતરી હોય છે કે  તેના યોગ ક્ષેમની ચિંતા તેના પ્રભુને છે જ.
 

 

અહીં શ્રી હરિરાયજી હાથી અને શ્વાનનું ઉદાહરણ આપે છે. આપણે જાણીયે છીએ કે હાથીને તેના શરીરને અનુરૂપ ઘણા વધુ ખોરાકની જરૂરત પડે છે. તેની સરખામણીએ કુતરાની જરૂરત ઓછી હોય છે. આમ હોવા છતાં વધુ જરૂરિયાતવાળા હાથીભાઈ ખોરાક માટે ભટકવા જતા નથી. તેની ધીરજના ફળરૂપે કહો તો તેમ, તેને જરૂરત પુરતો ખોરાક મળી જ રહે છે.  આની સામે કુતરો રોટલાની ટુક-ટુક  માટે ઘરે ઘરે ભટકે છે, લાકડીનો માર ખાય છે, હડ હડના અપમાનો પણ સહન કરે છે. આ બંને પ્રાણીના વર્તનમાં ઉજાગર થતાં ધીરજ અને વિશ્વાસના ગુણોની સરખામણી દર્શાવી આપ ધીરજના ગુણનું મહિમા મંડન કરે છે.

 

સ. સ્તો.ના ૨૦મા શ્લોકમાં શ્રી ગુસાંઈજી મહારાજે આચાર્યશ્રીને ‘ભક્ત પરાયણ:’ કહ્યા છે. ભક્તને પરાયણ હોવાથી આપ ભક્તની સર્વ જરૂરતોનું ધ્યાન રાખે જ છે. આ ‘સર્વ’ ને પરિભાષિત કરીએ તો કહી શકાય કે ભક્તની લૌકિક અને અલૌકિક જરૂરતો, તેનું પ્રેય અને વિશેષ તો તેનું શ્રેય એ સર્વની સંભાળ આપ રાખે છે. આમ હોવાથી વૈષ્ણવે ધીરજ રાખવી જોઈએ. જો ચાતક જેવું પક્ષી પણ સ્વાતિ નક્ષત્રના વરસાદની ધીરજપૂર્વક રાહ જોઈ શકે તો પછી આપણે કેમ ધીરજ ન ધારણ કરી શકીએ ?  આપણે પૂર્ણ પુરુષોત્તમ, શ્રી કૃષ્ણના મુખારવિંદરૂપ [કૃષ્ણાસ્યમ: (સ.સ્તો. શ્લો. ૭)] ત્રિલોકના ભૂષણ (સ.સ્તો. શ્લો. ૩૨), નીખીલ અર્થાત બધું જ આપનાર [નીખીલેષ્ટદ: (સ.સ્તો. શ્લો.૧૨)] એવા શ્રી મહાપ્રભુજીના સેવકો છીએ તે યાદ રાખીએ. આપણું કર્તવ્ય છે કે વિવેક, આશ્રય અને તેથી પ્રાપ્ત થતી ધીરજને ક્યારેય છોડીએ નહીં.

 

રસિક જન બહુ ના મિલે, સિંહ યુથ નાહિં હોય |
વિરહ બેલ જહાં તહાં નહીં, ઘટ ઘટ પ્રેમ ના હોય ||૫૧||

 

કહયું છે કે, ‘રસના કુંડા ન હોય’ તેવી રીતે રસિક જન હંમેશા જુજ જ મળે છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહયું છે કે  शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र चन्दनं न वने वने ॥ અર્થાત: માણેક રત્ન દરેક પર્વતમાં ન મળે, દરેક હાથીના ગંડસ્થળમાં મોતી નથી હોતા, સાધુ પુરુષો અત્ર તત્ર સર્વત્ર નથી મળી આવતા અને વને વને  ચંદન વૃક્ષ ઉગતા નથી. આ સઘળું સહેલાઈથી પ્રાપ્ય નથી તેને શોધવા નીકળવું પડે છે. તેવી જ રીતે જો સાચો  જીજ્ઞાસુ દીવો લઈને સાચી આતુરતા  સાથે શોધવા નીકળે તો કદાચિત રસિક જન મળી આવે. અલબત, અહીં પ્રભુના રસના રસિકોની વાત છે. દુન્યવી વિષયોમાં રસ લેનારા તો અનેક હોય છે જ પ્રભુના રસમાં તરબોળ રસિકો અત્યંત દુર્લભ છે.  આપણે જાણીએ છીએ કે ઘેટાં-બકરા અને તેવાં અન્ય પ્રાણીઓ ટોળાંમાં રહે છે જ્યારે સિંહ એકલવીર હોય છે. આ વાત જે તે પ્રાણીઓની મનોવૃત્તિ પણ દર્શાવે છે. ડરપોક અને વિશ્વાસ વિહોણા પ્રાણીઓ જ પરસ્પર સહારાની આશા અને અપેક્ષામાં ટોળું પસંદ કરે છે. આનાથી વિપરીત રીતે,  સાચી શ્રધ્ધા અને અનેરા આશ્રયના મૂર્તિમંત સ્વરૂપ રસિકજનો પણ પોતાના પ્રભુની લીલામાં રમમાણ રહી એકલા અટુલા વિહરતા રહે છે. તેઓ માન-પાન કે કીર્તિની અપેક્ષાથી રહિત હોય છે. તેઓને અન્ય વાતોમાં રસ ન હોઈ સંગથી વેગળા રહેવા પ્રયત્નમાન હોય છે.  તેઓ પોતાના અંતરમાં લહેરાતો હરિરસ છલકાઈને બહાર ન આવી જાય, તેમની સાચી સ્થિતિ જાહેર ન થઇ જાય તે માટે પણ અસંગ પસંદ કરતા હોય છે.

 

એક અચરજભરી વાત એ છે કે પ્રભુના વિરહાગ્નીમાં સતત બળતા ભક્ત જનોના હૃદયમાં પ્રભુનો પ્રેમ હંમેશા લીલોછમ રહે છે. તેમના વિરહની વેલ ક્યારેય કરમાતી નથી. આવી હરિથી હરિયાળી વેલ બધે જોવા નથી મળતી. આવો વિરહ ગોપીજનોના નસીબમાં હતો. જેના માટે હૃદયમાં છલછલતો પ્રેમ જોઈએ. આવો પ્રેમ પણ દુર્લભ જ છે અને તેવું પ્રેમમય હૃદય કોઈક જ રસિક જનને મળતું હોય છે. દરેક માનવીની છાતીની બખોલમાં હૃદય તો ધબકતું જ હોય છે પણ કોઈક વિરલાના જ હૃદયમાં સાચો પ્રભુ પ્રેમ વસતો હોય છે. એમાં પણ વરણની વાત આવે છે. પ્રભુમાં પ્રેમ કરવાથી નથી થતો કૃષ્ણની  દયા હોય અને વલ્લભની માયા હોય તો અને તો જ તે પ્રાપ્ત થાય છે. ‘કરવો પડે’ તે વળી પ્રેમ કેવો?

 

હરિજનકી હાંસી કરે, તાહી સકલ વિધિ હાનિ |
તાપર કોપત વ્રજપતિ દુ:ખકો નહીં પરમાનિ ||૫૨||

 

શ્રીમદ્ ભાગવતમાં અંબરીષ રાજાની કથા છે. ભક્ત અંબરીષનો દ્રોહ કરવા જતાં દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર પડ્યું તેમાંથી ભક્તે જ મુક્તિ અપાવી હતી. તે વખતે  સ્વયં ભગવાને દુર્વાસા ઋષિને કહયું કે “હું ભક્તોને આધીન હોઈ પરતંત્ર છું. ભક્તો મારા હૃદયરૂપ છે અને હું તેમના હૃદય રૂપ છું.” પ્રભુના ભક્તોની હાંસી કરે, તેમને ઉતારી પાડે, તેમને દુ:ખ પહોંચાડે તેવા લોકોને સર્વ રીતે નુકશાન થાય છે. આવા ભક્તદ્રોહીઓ અત્યંત દુ:ખી થાય છે. તેમને આ લોક કે પરલોકમાં સુખ-શાંતિ પ્રાપ્ત થતાં નથી.

 

ભગવદીયોના હૃદય કરૂણાથી છલોછલ છલકાતા હોય છે. તેઓ હાંસી કરનાર કે દુ;ખી કરનાર ઉપર પણ ગુસ્સે થતા નથી. દરેક પરિસ્થિતિને હરિ ઈચ્છા તરીકે વધાવનાર ભક્તો ગુસ્સે કેમ થાય? ભૃગુ ઋષિની લાતથી પણ ગુસ્સે ન થનાર પ્રભુ ભક્તનો દ્રોહ કરનારની ઉપર કોપાયમાન થયા વગર રહી શકતા નથી. આવા લોકો પ્રભુના કોપનો ભોગ બને છે. દુ:ખનો પાર રહેતો નથી. ભક્ત દ્રોહીને સજા કરતી વખતે પ્રભુ કોઈ માપ, પ્રમાણ કે મર્યાદા જોતા નથી.

 

છિન ઉતરે છિન હીં ચઢે, છિન છિન આતુર હોય,
નિશ વાસર ભીંજ્યો રહે, પ્રેમી કહિયે સોય ||૫૩||

 

અહીં શ્રી હરિરાયજી ભગવદીયના લક્ષણ વર્ણવે છે. જેમ દુન્યવી પ્રેમ અને વાસનામાં વ્યક્તિ પોતાની સાન ભાન ગુમાવે છે તેમ પ્રભુના સ્નેહમાં રત ભગવદીયની દશા તેથી પણ વિશેષ ખરાબ હોય છે. પ્રભુ પ્રેમનો જ્વર એક ક્ષણે ચડી જાય તો બીજી જ ક્ષણે ઉતારી જાય છે. સંસારી જનોને તે ઉન્માદની અવસ્થા ભાસે છે. અકળ અને અતુલ્ય ગતિ વાળું મન એક પળે પ્રભુનું સાનિધ્ય અનુભવે તો વળતી પળે વિરહાગ્નીમાં વ્યાકુળ થઇ જાય. પ્રભુના પ્રેમમાં ભિંજાયેલું અંતર પ્રીતમ સાથે મીઠી ગોઠડી માંડે, રૂસણાં લે, ઝગડો પણ કરી બેસે. ક્ષણે ક્ષણનો ભાવ ભિન્ન, ભાવના ભાતીગળ! અંતે તો જો કે મન પ્રભુ પ્રેમમાં રાત-દિન ભીંજાયેલું રહી અલૌકિક અનુભૂતિમાં મસ્ત રહે છે. પ્રેમ લક્ષણા ભક્તિ કહો કે સખ્ય ભક્તિ કહો આવા પ્રેમીઓ  જ સાચા ભક્ત, સાચા સ્નેહી, સાચા ભગવદીય હોય છે.

 

આવી જ વિહવળ દશા આપણને પણ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે આજે અહીં જ વિરમીએ. જયશ્રીકૃષ્ણ.
 

ક્રમશ:

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.