(૧) મહેનત ની કમાઈ … ટૂંકી વાર્તા ( પ્રેરક કથાઓ ..) …

(૧)  મહેનત ની કમાઈ … ટૂંકી વાર્તા (પ્રેરક કથાઓ ..) …

 

 

મિત્રો, છેલ્લા થોડા સમયથી આપ સર્વે  નિયમિત રીતે અહીં દર પખવાડિયે  ટૂંકી વાર્તા -પ્રેરક કથાઓ ને માણો છો. આશા રાખીએ છીએ કે આપ સર્વેને વાર્તા પસંદ આવતી હશે. ચાલો તો આજે ફરી થોડી નવી વાર્તાઓ માણીએ…

Tolstoi

 
મહાત્મા લીયો ટોલ્સટોય એક વખત સાવ સાધારણ કપડા પહેરીને સ્ટેશન નાં પ્લેટફોર્મ પર લટાર મારતા (ફરતા)  હતા.  એક સ્ત્રીએ તેને  કુલી સમજી બેઠી અને બોલાવીને કહ્યું, “આ કાગળ લઇ અને સામેની હોટેલમાં મારા પતિ બેઠા છે તેને આપી આવો.  હું તને બે રૂબલ આપીશ.”

 

ટોલ્સટોય એ તે પત્ર પહોંચાડી આપ્યો અને તેણે બે રૂબલ હજુ હાથમાં લીધા હતા ત્યાં જ તેનો એક મિત્ર ત્યાં આવી પહોંચ્યો, તેણે ‘કાઉન્ટ’ કહી અને તેનું અભિવાદન કર્યું.  આ સાંભળી અને તે સ્ત્રીને ખૂબજ આશ્ચર્ય થયું અને તેણે તે અજાણી આવનાર વ્યક્તિને પૂછ્યું,  “આ કોણ છે ?”  ટોલ્સટોય નો પરિચય જાણી અને તે સ્ત્રી ખૂબજ લજ્જિત થઇ ગઈ અને તેણે તેની માફી માંગતા પોતાના રૂબલ પરત આપવા કહ્યું.

 

આ વાત પર ટોલ્સટોય એ હસતાં કહ્યું, “દેવીજી, માફી આપવી તે તો ઈશ્વર- પરમકૃપાળુ પરમાત્માનું કામ છે.  મેં કામ કરીને પૈસા લીધા છે.  મારી મહેનત ની કમાઈ કેમ કરી ને પરત / પાછી આપું ?”

 

 

(પ્રે.પ્ર.૧૪(૧૧)

 

(૨)  સાચો ન્યાય …

 

એક વખત રાત્રીના સમયે ઓરંગઝેબ સુવાની તૈયારી માટે તેના શયન  કક્ષમાં જઈ રહ્યા હતા કે તેને શાહી ઘંટ વાગવાનો અવાજ સંભળાયો.  જેવા તે તેના રૂમની બહાર આવ્યા, તેને એક દાસી સામેથી આવતી દેખાઈ.  તેણી એ કહ્યું, “હજૂરે આલમ ! આદાબ અર્જ ! (નમસ્તે – સલામ !)  કાજી સાહેબ મહારાજ આપને મળવા માટે દીવાનખંડ માટે હાજર છે અને તમારી રાહમાં ( રાહ જોઈ રહ્યા) છે.”

 

ઓરંગઝેબ તરત જ દીવાનખંડ માં આવ્યા.  કાજી એ તેમને કહ્યું કે ગુજરાત જીલ્લા  નાં અમદાવાદ શહેર નાં મુહમ્મદ મોહસીન એ તમારી ઉપર પાંચ લાખ રૂપિયા નો દાવો – (ફરિયાદ) કરેલ છે.  આ કારણ સર તમારે કાલે દરબારમાં હાજર રહેવું પડશે.   તેના ચાલ્યા ગયા બાદ ઓરંગઝેબ વિચાર કરવા લાગ્યો તેણે કોઈ પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર તો લીધા નથી ને, પરંતુ તેને કશું યાદ આવતું નોહ્તું.   એટલું જ નહિ, મોહમ્મદ મોહસીન નામની વ્યક્તિ ને પણ તે ઓળખાતા નોહતા.

 

બીજે દિવસે દરબાર ભરાયો અને ગુનેહગાર નાં રૂપમાં ઓરંગઝેબ હાજર થયા.  દરબાર ખીચોખીચ પ્રજાથી ભરાયેલો હતો અને દીવાસળી ની કાંડી ઉભી રાખી શકાય તેટલી જગ્યા પણ નોહતી. ઓરંગઝેબ જેબની સમક્ષ તેના ગૂન્હા ની ફરિયાદ ની રજૂઆત વાંચી સંભળાવી.

 

હકીકત એ હતી કે ઓરંગઝેબ નાં ભાઈ મુરાદ ને ગુજરાત નો જીલ્લો સોંપવામાં આવેલ હતો.  શાહજહાં જ્યારે બિમાર પડ્યા, તો તેણે પોતાની જાતને (સ્વયં ને) જ ગુજરાત નાં શાસક તરીકે જાહેર કરી દીધો.  તેને પોતાના નામના સિક્કા – ચલણ બહાર પાડવા પૈસાની જરૂર પડી અને તેણે મુહમ્મદ મોહસીન પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર લીધા હતા.  તે દરમ્યાન ઓરંગઝેબ એ કાવાદાવા કરીને શાહજહાઁ ને કેદ કરી લીધા હતા અને પોતાના ત્રણેય ભાઈને – મુરાદ, દારા તથા સુજા – મારી નાખી (કતલ કરી) અને તે ત્રણેયની સમ્પત્તિ પોતાના ખજાના માં જમા કરી લીધી.  આ રીતે મોહસીન પાસેથી ઉધાર લીધેલા રૂપિયા પણ તેના ખજાનામાં જમા થઇ ગયા હતા.

 

ઓરંગઝેબ એ પોતાન આ અપરાધ સામે પોતાની અજ્ઞાનતા જાહેર કરી.  તેને મોહસીન ની પાસે રહેલ દસ્તાવેજ દેખાડવામાં આવ્યો અને ત્યારે ઓરંગઝેબ એ પોતાનો ગૂન્હો કબૂલ કર્યો.  ન્યાયાધીશ એ ઓરંગઝેબને રૂપિયા પરત કરવાની આજ્ઞા (હૂકમ કર્યો) કરી.  ઓરંગઝેબ એ પાંચ લાખ રૂપિયા શાહી ખજાનામાંથી મંગાવ્યા અને તે રૂપિયા ભરેલ થેલીઓ મોહસીન ને આપવા માટે હાજર કરી.

 

આ જોઈ અને મોહસીન ની આંખમાં અશ્રુ – આંસુ ભરી આવ્યા.  તેણે નમીને અભિવાદન કરતાં કહ્યું, “ મહારાજ – જહાંપનાહ, આ રૂપિઆ પુન: ફરી શાહી ખજાનામાં જમા કરી આપવામાં આવે.  આ તેની રસીદ છે.  બાદશાહ નો ન્યાય ને જોઈ અને હું ખૂબજ શરમ અનુભવું છું.”

 

(પ્રે.પ્ર.૧૩(૧૦)

 

 

(૩)  દયાળુ / પરોપકારી …

 

અમેરિકા નાં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન તેના એક મિત્રની સાથે સભામાં જઈ રહ્યા હતા અને રસ્તામાં તેણે એક ખાડામાં સુવર / ભૂંડ નાં બચ્ચા ને કાદવ- કીચડમાં ફસાયેલ અને તેમાંથી બહાર નીકળવા  તરફડિયાં મારતું જોયું.  તે તરત જ પોતાની બગી (ઘોડાગાડી) માંથી નીચે ઉતર્યા અને તે ખાડામાં ઉતરીને તેણે તે બચ્ચા ને બહાર કાઢ્યું.   સભાનો પ્રારંભ થવામાં થોડો જ સમય બાકી હતો અને તેના કપડા ખરાબ – ગંદા થઇ ગયા હતા.  પાછા ન ફરતા તેમણે હાથ – પગ ધોયાં અને સભામાં પહોંચી ગયા.  બધીજ વ્યક્તિ તેના કપડા ગંદા જોઈ અને તેના મિત્રને કારણ પૂછતા અને હકીકત જાણી તેના દિલમાં -મનમાં લિંકન પ્રત્યે આદાર – ભાવમાં વધારો થઇ જતો હતો.

 

તેનો પરિચય કરાવતા સભાના આયોજકે કહ્યું, “આપણા રાષ્ટ્રપતિ કેવા દયાળુ છે.  એક સુવર / ભૂંડનાં બચ્ચાં ને ખાડામાં તરફડિયાં મારતો જોઈ તેમણે તેમના કપડા બગડવાની ચિંતા ન કરતાં તેને તરત બહાર કાઢ્યું.”

 

તે  વક્તા (આયોજક) હજુ આગળ બોલવા જતા હતા ત્યાં લિંકન ઊભા થઇ ગયા અને કહ્યું, “તમને લોકને થોડી ગેરસમજણ ઊભી થઇ છે.  તે બચ્ચું તરફડિયાં મારી રહ્યું હતું એટલે નહિ, પરંતુ તેને તરફડિયા મારતું – તડપતુ જોઈ અને મારું અંત:કરણ તડપી રહ્યું હતું; માટે તેના માટે નહિ પરંતુ મારા માટે હું ખાડામાં ઉતર્યો અને તેને બહાર કાઢ્યું.”

 

 (પ્રે.પ્ર.૧૫(૧૧)  

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

આસક્તિ ને અનાસક્તિનું પ્રતિક કમળ …

આસક્તિ ને અનાસક્તિનું પ્રતિક કમળ …

 

 lotus

 

ધર્મ અને કર્મનું પ્રતિક કમળ, સત્ય અને સનાતનનું પ્રતિક કમળ, સત્યમ્ શિવમ્ અને સુંદરમ્ ની ભાવનાને વ્યક્ત કરતું કમળ શરણાર્ગતિ,સમર્પિતતા અને સ્વીકાર્યતાનું પ્રતિક કમળ છે. ભગવાન હર-હરિનાં પૂજનમાં કમળને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કમલનયન દેવ અને કમલાક્ષી દેવીની સ્તુતિઓ ગાવામાં આવે છે ત્યારે કમલ તેમની નિરહંકારી પૂજામાં મહત્વનો ભાવ ભજવે છે.

 

અર્વાચીન–પ્રાચીન યુગથી દેવ, દેવીઓ, અપ્સરાઓ, રાજમહેલો, મંદિરો અને મહાલયો કમળ પુષ્પથી શોભી રહ્યાં છે અથવા એમ કહો કે કમળ પુષ્પ તેમની સાથે હોવાથી તેઓ શોભી રહ્યાં છે; તે જોઈને પ્રશ્ન થાય છે કે આપણાં શાસ્ત્રો, વેદો, ઉપનિષદો અને પુરાણોએ કમલનો મહિમા શા માટે ગાયો હશે ?  ઋગ્વેદમાં કહ્યું છે કે પ્રકૃતિનાં તમામ પુષ્પો એ શૃંગારનું પ્રતિક છે પરંતુ આ પુષ્પોમાં કેવલ કમળ પુષ્પ એવું છે જે શૃંગારનું પણ પ્રતિક છે અને આત્માનું પણ પ્રતિક છે. જ્યારે તૈત્તરીય ઉપનિષદમાં કમલને જ્ઞાનનું પ્રતિક માનતાં કહ્યું છે કે સૂર્યોદય થાય તે સાથે કમળ ખીલે છે અને સૂર્યાસ્ત થયા બાદ કમળની પંખુડિયો બંધ થઈ જાય છે તેજ રીતે જ્ઞાનનું પણ છે, જેમ જ્ઞાન રૂપી પ્રકાશ આવે ત્યારે મન અને આત્મામાં રહેલો ભાવ પવિત્ર થવા લાગે છે અને આત્મામાં રહેલી હીનતા દૂર થવા લાગે છે; પરંતુ જો જ્ઞાનરૂપી પ્રકાશને જીવનમાં ન આવે તો જીવન શૂન્ય બની જાય છે.

 

નારદ પુરાણનાં એક અધ્યાયમાં કહે છે કે કમલ એ અનાસક્તિનું પ્રતિક છે. કાદવની અંદર ખીલીને મધુસૂદનને પોતાની તરફ ખેંચતાં આ પદ્મપુષ્પને ભગવાન વિષ્ણુ અને તેમના પૂર્ણાંશ શ્રીકૃષ્ણને સમર્પિત કરવામાં આવ્યું છે. શ્રી નારદજીએ શ્રીમદ્દ ભાગવતનું પારાયણ શ્રી વ્યાસજી ને કરાવ્યું ત્યારે તેમણે કહ્યું કે પદ્મની જેમ શોભતા શ્રી વિષ્ણુએ અનાસક્તિનાં પ્રતિક છે, અર્થાત નિર્મળ કે મલિન જલનો ભેદભાવ ન રાખતાં સરોવરમાં પદ્મનું પુષ્પ ખીલે છે તેમ અનેક વિધ દેવ, દાનવ અને મનુષ્યોની પ્રકૃતિની વચ્ચે ભગવાન વિષ્ણુનો આ પૂર્ણ અવતાર શોભી રહ્યો છે, જેમને સાંસારિક દોષનો એક પણ અંશનો સ્પર્શ થતો નથી. જ્યારે શ્રી વલ્લભનંદન વિઠ્ઠલનાથજી કહે છે કે કાદવમાં ખીલવા છતાં કમલ જેમ પોતાની પવિત્રતા જાળવી રાખી પોતાની સુવાસ સતત ફેલાવતું રહે છે. તે જ રીતે માનવે પણ સંસારમાં રહેલા રાગ, દ્રેષ, અભિમાન, ઈર્ષ્‍યા વગેરે તત્‍વોથી પોતાની જાતને નિરપેક્ષ રાખીને કમળની જેમ સુવાસ ફેલાવવી જોઈએ અને સુકર્મો કરતા રહેવું જોઈએ જેથી જીવનરૂપી પદ્મ હંમેશા ખીલતું રહે.

 

ટૂંકમાં કહીએ તો આમ સંસાર રૂપી કાદવમાં રહી ખીલતું કમળ સંસારથી અને સંસારનાં દોષોથી અલિપ્ત રહેવાની જીવન દૃષ્ટિ આપે છે. વેદોમાં કહ્યું છે કે જેમ કમળને સહસ્ત્ર પંખુડિયો હોય છે તેમ માનવ શરીરમાં પણ ઉર્જા રૂપે કમળ ચક્ર રહેલા છે, જે સાધના બાદ ખૂલે છે અને જીવોને પરમોચ્ચ સ્થાને પહુંચાડે છે. શ્રીમદ્દ ભગવદ્ગીતામાં ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છે કે

 


ब्रहमणयाधाय कर्माणि सड्गं त्यक्ता करोति यः।
लिप्यते न स पापेन पद्म पद्मपत्रमिवाम्भसा ॥

 


પરબ્રહ્મને અર્પણ કરીને, આસક્તિ ત્યજીને જે પુરુષ સર્વ કર્મો કરે છે તે જળમાં રહેલા કમળ અને કમળપત્રની જેમ જગતમાં રહેલ પાપ વડે લેપાતો નથી. આથી જે માનવ મોહમાયામાં ફંસાયા વગર માત્ર બ્રહ્મને જ ધ્‍યાનમાં રાખીને પોતાના સતકર્મો પ્રત્‍યે જ લક્ષ રાખે છે તે જળમાં હોવા છતાં જળથી નિરપેક્ષ રહેતા કમળની જેમ પાપોથી મુક્ત રહે છે. શ્રી વલ્લભાચાર્યની પાંચમી પેઢીએ થયેલા શ્રી હરિરાયજી કહે છે કે કમળ હંમેશા સુર્ય તરફ પોતાની દ્રષ્ટિ રાખે છે. તે જ રીતે આપણે પણ આપણી દૃષ્ટિ કેવળ આપણા સૂર્યોશ્વર તત્વ શ્રી પ્રભુ તરફ રાખવી જોઈએ, અર્થાત્ જેમ કાદવમાં રહેવા છતાં કમળ પોતાના લક્ષ પ્રત્‍યે કટિબધ્‍ધ છે તે જ રીતે જીવોએ પણ કોઈપણ પ્રકારની મુશ્‍કેલીઓ, દુઃખોની પરવા કર્યા વગર માત્ર પોતાના વિકાસ પ્રત્‍યે જ પોતાનું ધ્‍યાન કેન્‍દ્રીત કરવું જોઈએ. ઇશાનુંપનિષદમાં કમલપત્રને જ્ઞાનીનું પ્રતિક માનતાં કહ્યું છે કે જેમ હંમેશાં પાણીમાં રહેવા છતાં પદ્મપાન કદી ભીજાતું નથી. તેમ જ્ઞાની પણ દુઃખ અને અસ્થિરતાથી સભર દુનિયામાં બદલાતી પરિસ્થિતિઓની સામે અવિચલિત બની રહે છે.

  

લલિત શાસ્ત્રમાં અને લલિત કલામાં કમળને આસક્તિ, અનુરાગ, સૌંદર્ય અને શૃંગારનું પ્રતિક માનવામાં આવ્યું હોવાથી રસિક વ્યક્તિઓએ પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે હે પ્રભુ

 

पयसा कमलं कमलेन पयः ।
पयसा कमलेन विभाति सरः ।।

  

અર્થાત્ જેમ પાણીથી કમળ શોભે છે, કમળથી પાણી શોભે છે, અને પાણી તથા કમળ એ બન્નેથી સરોવર શોભે છે એજ રીતે પ્રભુ આપ પણ એક મુખકમળ,એક હૃદયકમળ અને એક નાભીકમળ, બે હસ્તકમળ, બે ચરણકમળ, બે નેત્રકમળથી શોભી રહ્યાં છો વળી આપના હસ્તમાં રહેલ કમળ પણ આપની આ સુંદરતામાં વધારો કરે છે. 

  

વિષ્ણુ પુરાણમાં દેવરાજ ઇન્દ્ર સ્તુતિ કરતાં કહે છે કે ભગવાન વિષ્ણુનાં હસ્તમાં કમલ પુષ્પ એ નિરપેક્ષ પ્રતિક રૂપે સોહે છે, અને લક્ષ્મીજીની સ્તુતિ કરતાં દેવરાજ ઇન્દ્ર કહે છે હે વિષ્ણુપ્રિયા આપનું મુખારવિંદ કમલ સમાન સુકોમળ અને સુંદર છે, આપ પદ્માસન પર બિરાજી રહેલા છો, આપના કોમળ કરમાં પદ્મપુષ્પ સોહે છે હે માત લક્ષ્મી આપના સર્વાંગે અસ્તિત્વમાં પદ્મ છવાયેલા છે તેવા આપ પદ્મજા છો. વ્રજ ઈતિહાસમાં શ્રી યમુનાજીને પદ્મબંધોસૂતા કહેવામાં આવ્યાં છે. ( જે દિશામાં સૂર્ય ફરે છે તે દિશામાં પદ્મનું મુખ પણ ફરે છે અને સૂર્યાસ્ત સાથે કમળનું મુખ બંધ થઈ જાય છે તેથી શાસ્ત્રોમાં પદ્મને સૂર્યના સખા તરીકે ઓળખવામાં આવ્યું છે માટે કહ્યું છે કે  “मुकुन्द रति वर्धिनी जयति पद्मबंधो सुता “ અર્થાત્ જે પદ્મનાં સખા સૂર્ય છે તેની પુત્રી તે યમુનાજી) બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે ભગવાન સૂર્યદેવનાં હસ્તમાં પણ એક રક્તકમળ છે જે તેમનાં સ્વભાવનું પ્રતિક છે, પિતામહ બ્રહ્માજી ભગવાન વિષ્ણુની નાભિમાંથી પ્રગટ થયેલ પદ્મ પર બિરાજેલા છે અને આ જ આસનમાં જ બિરાજીને તેમણે સૃષ્ટિ રચના સંબંધિત જ્ઞાનનો વિસ્તાર કરતાં પુરાણની રચના કરી જેને પદ્મપુરાણ તરીકે ઓળખવામાં આવે છે.

 

કમળ વિવિધ રંગોમાં જોવા મળે છે જે જીવનનાં વિવિધ રંગ દર્શાવે છે. પુરાતન યુગમાં શ્રી યમુનાજીમાં અસંખ્ય લાલ કમલીની જોવા મળતાં. આચાર્યચરણ વિઠ્ઠલેશજી કહે છે કે યમુનાજીમાં ખીલતા આ કમલિની એ ફક્ત પુષ્પ નથી એ તો શ્રી યમુનાજીનાં નયન છે. શ્રી યમુનાજી પાસે પોતાના પ્રભુને મન ભરીને નિહાળવા માટે પોતાની બે અક્ષુઑ ઓછી પડે છે માટે તેઓએ પોતાનાં રોમરોમમાં કમલિનીરૂપી અસંખ્ય નયનોની ઉત્પત્તિ કરી છે જેથી તેઓ યુગલસ્વરૂપને પોતાની અસંખ્ય આંખોએ નિહાળી શકે. જ્યારે શુભ્ર કમળનાં બે ભાવો વિષે વ્રજઇતિહાસમાં જણાવેલ છે. પ્રથમ ભાવમાં કહે છે કે રાત્રિભર શ્રી યમુનાજીને પોતાના પ્રભુનો વિરહ રહે છે. આ વિરહ દરમ્યાન તેમનાં જલમાં શુભ્ર પોયણીઑ ખીલે છે કારણ કે શુભ્ર રંગ વિરહનો વર્ણ છે, અને રાત્રિભર વિરહથી પ્રભુ માટે રાહ જોતી તેમની આંખોમાં રાત્રિજાગરણ ને કારણે લાલાશ આવી જાય છે, જે લાલ કમલિનીરૂપે ભક્તોને દેખાય છે. આથી જ શ્રી હરિરાયજી ભાવપ્રકાશમાં જણાવે છે કે શ્રી યમુનાજી અને શ્રી યુગલસ્વરૂપના પરસ્પરના વિરહના અનુરાગ વડે ઘૂંટાયેલો રંગ છે જેણે તેમના નયનોમાં ઉતરી આવી લાલ કમલિનીનું રૂપ ધારણ કર્યું છે.

 

બીજા ભાવમાં કહે છે કે વિયોગમાં રડીને લાલ થયેલા નયનોને જ્યારે શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજીનો સંયોગ થાય છે ત્યારે તે નયનો નિર્મળ થઈ પ્રસન્નિત થઈ ઊઠે છે અને શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજી મળી ગયા છે તેની પૂર્તિ આપતા ચંદ્રના ચંદ્રકિરણોમાં શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજીનું ખીલેલું હાસ્ય તે કુમુદિની બનીને વ્રજને મહેંકાવી દે છે. નીલ કમળ શ્રી ઠાકુરજીના શ્રી અંગનો વર્ણ છે. આ નીલ કમળરૂપી શ્રી ઠાકુરજી દરેક સરોવરમાં રહીને પનઘટમાં પાણી ભરવા આવતી પ્રત્યેક સખીને પોતાની યાદ અપાવતાં. જ્યારે પીળા કમળને ખીલેલા જોઈને વ્રજમાં સખાઓ સાથે આમતેમ ફરતા શ્રી ઠાકુરજીને વ્રજ સ્વામીનિ શ્રી રાધાજીની યાદ આવતી.

 

કમળ વિષે પ્રાચીન અને અર્વાચીન કાળમાં અનેક કથાઓ આલેખવામાં આવી છે. લંકાધિરાજ રાવણને ભગવાન શંકરની પૂજા દરમ્યાન એક કમળ ઓછું પડતાં પોતાનું શીશ કમળ અર્થાત મસ્તકને જ પૂજામાં સમર્પિત કરી દીધેલું હતું, તે જ રીતે ભગવાન વિષ્ણુએ પણ કમળ વડે ભગવાન શંકરની પૂજા કરી હતી તેવું વિધાન પુરાણોમાં જોવા મળે છે. ગજેન્દ્ર મોક્ષની વાર્તામાં પણ હાથીએ કમળ પુષ્પ શ્રી હરિને સમર્પિત કરીને તેમની શરણાર્ગતિ સ્વીકારી હતી. ૧૭ મી ૧૮ મી સદી દરમ્યાન ચારણોમાં કમળ પૂજા થતી હતી અને તેમાંયે પતિ-પત્ની દ્વારા કરેલી કમળ પૂજાનું તો વિશેષ મહત્વ રહેતું હતું. શ્રી ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓમાં ક્યાંક આ કમળપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે આસક્તિ રૂપી અનુરાગનું નામ કમળ છે, અનાસક્તિનો આદર્શ અને માંગલ્યનો મહિમા કમળ છે, પ્રકાશનું પૂજન, સૌંદર્ય શૃંગાર માટેનું સર્જન કમળ છે, જીવન તથા જીવનતત્વનું દર્શન કરાવનાર પણ કમળ છે.

 

 

લેખક: પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
[email protected]

 

 

ફૂલછાબમાં પ્રકાશિત ૩૧ ડીસેમ્બર,૨૦૧૨ 

વૈષ્ણવ પરિવારમાં પ્રકાશિત જૂન, ૨૦૧૩

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.