મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી …(ભાગ-૮) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત ..
શ્રી વલ્લભ સાખી … (૪૮-૪૯) …
-મહેશ શાહ, વડોદરા, ગુજરાત.

ભાગ – [૮]

 

 

vallabh sakhi

 

 37

શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ
તાકી જનની બોઝન મરી, વૃથા બજાવે ઢોલ ||૪૮||

 

શ્રી વલ્લભના સ્મરણ થકી જેણે જન્મ સફળ નથી કર્યો તે કમનસીબ છે. શ્રી વલ્લભનું ચરિત્ર મહા ઉદાર છે (સ.સ્તો.શ્લો.૧૧). આપના સ્મરણથી બધા જ પ્રકારની આર્તિનો નાશ થાય છે કારણ કે આપ કૃપા સાગર છે (સ.સ્તો. શ્લો.૭). આવા શ્રી વલ્લભનું સ્મરણ કે ચિંતન ન કરે અને મિથ્યા, અર્થહીન કે વિકૃત જ્ઞાનના બોલ બોલી પોતાને અને અન્યને અવળે પાટે ચડાવે તેનો જન્મ જ વૃથા ગણાય. કળીયુગનો એ પ્રભાવ છે કે આજે બાહ્ય આડંબર અને ભભકા થકી અનેક કહેવાતા ધર્મો અને સંપ્રદાયો લોકોને ભરમાવી રહ્યા છે. પોતાને સાક્ષાત પ્રભુના અવતાર કે ખુદ ભગવાન ગણાવનારા અનેક આચાર્યો લાખો લોકોને વેદોક્ત અને શાસ્ત્રોક્ત પાવન માર્ગોથી ભ્રષ્ટ કરી પોતે ઉપદેશેલા અહંકાર, લોભ, મોહ કે વિકૃતિના  માર્ગે વાળી રહ્યા છે.

 

આવા માર્ગો અને આવા ધુતારાઓ  પોતાની વાતને આકર્ષક રીતે જોરશોરથી લોકો સુધી પહોંચાડે છે. એમની વાતો એટલી ભવ્ય અને એટલે જ ભરમાવનારી હોય છે કે સામાન્ય જન તેમની વાતોમાં આવી તેને જ સાચો ધર્મ માની અપનાવી લે છે. તેમના પોલંપોલ ઢોલ નગારાના ભારે અવાજમાં શ્રેય અને સત્યની પીપુડીનો અવાજ દબાઈ જાય છે. પરીણામે આવા અટપટા બોલથી ભરમાઈને માણસ પોતાનો આ  જન્મ વેડફે છે અને ભાવિ જન્મોની અધોગતિને નોતરે છે. એટલું જ નહીં તેને જન્મ આપનાર માતાએ તેને જન્મ આપવાનો અને  લાલન પાલનનો બોજ ઉઠાવ્યો તે પણ વ્યર્થ ગયો ગણાય.  દરેક માતા એવું ઈચ્છતી હોય કે તેનું સંતાન વિશ્વમાં  કશુંક પણ યોગદાન આપીને માતાને યશ અપાવે, તેને આનંદ  અપાવે જેથી તેની પાછળ ઉઠાવેલી જહેમત અને લીધેલી કાળજી લેખે લાગે. કારણ કે દરેક સર્જકની જેમ માતા પણ એવું જ ઈચ્છતી હોય કે તેનું સર્જન અનોખું, અનુઠું, અનેરું અને યશસ્વી બને. જો સંતાન વલ્લભના સ્મરણ થકી માની કોખ ન ઉજાળે, પોતાનો જન્મ સફળ અને સાર્થક ન કરે તો તેના નામનો ઢોલ પીટવો નકામો છે. આમ પણ ઢોલનો પ્રાસ જ નહીં સંબંધ પણ પોલ સાથે જોડાયેલો જ છે. અંદર જેટલું વધુ પોલું હોય ઢોલનો અવાજ તેટલો વધુ મોટો થતો હોય છે. સત્યને મોટા અવાજની જરૂરત નથી પડતી. તેને બણગાં ફૂંકવાની પણ જરૂરત નથી હોતી.

 

ઘર આવે વૈષ્ણવ જબહી, દીજે ચાર રતન|
આસન જલ વાણી મધુર, યથા શક્તિ સોં અન્ન ||૪૯||

 

શ્રી હરિ ગુરૂ વૈષ્ણવનું આપણા માર્ગમાં સમાન બલકે એક જ સ્થાન ગણ્યું છે. શ્રી વલ્લભનો મહિમા ગાતા ગાતા હવે શ્રી હરિરાયજી ભગવદીયનું મહિમા મંડન શરૂ કરે છે. આપણા આંગણે પ્રભુ પધારે તો આપણે જે રીતે ભાવ વિભોર થઈને સ્વાગત કરીએ તેવી જ રીતે ભગવદીય પધારે ત્યારે ઉરના ઉમંગથી આવકારવા જોઈએ. અત્યંત વૈભવી આવકાર આપવો જરાય જરૂરી નથી. અંતરના ઓવારણામાં ઐશ્વર્યનું આવરણ આવવું ન જોઈએ. શ્રી હરિરાયજી સ્વાગતની સાદી વિધિ બતાવતાં કહે છે કે જ્યારે પણ વૈષ્ણવ આપણું આંગણું પાવન કરવા પધારે ત્યારે તેમનું ચાર રત્નથી સ્વાગત કરવું. પ્રથમ તો આસન આપવું. આજે તો આપણે સોફા સેટ કે ખુરશી તૈયાર જ હોય છે પણ પહેલાં એવું ન હતું. આજે પણ ગામડામાં ખાટલો ઢાળી તેના ઉપર સુંદર રજાઈ પાથરી મહેમાનને બેસાડવાનો રીવાજ સચવાઈ રહ્યો છે. પ્રાચીન યુગમાં તો દુર્વા જેવા ઘાસનું આસન બનાવવામાં આવતું હતું. આપણા ઘરે ભગવદીય પધારે તો આપણે યોગ્ય આસન આપવું જોઈએ. ઘરના મુખ્ય સ્થાનમાં આગંતુકનું માન સચવાય તેવા આસન પર તેમને બેસાડવા જોઈએ. બહારથી આવનાર વ્યક્તિને શીતલ પેય જલ આપીએ એટલે તેમનો અર્ધો થાક દુર થઇ જાય. વૈષ્ણવનું સ્વાગત પ્રસાદી જલથી જ કરાય.

 

અતિથી આવીને બેસે, પાણી પીએ પછી જ તેમની સાથે મીઠાશથી વાત કરી તેમના પધારવાનું પ્રયોજન પુછાય. આ વાતચીતમાં મનની મીઠાશ વાણી-વર્તનમાં સ્પષ્ટપણે ઝળકવી જોઈએ. જો આપણા મનમાં વૈષ્ણવ પ્રત્યે સાચો ભાવ હશે તો સ્વાભાવિકપણે ભગવદીયનું સ્વાગત સુંદર થશે જ.

 

ચોથી વાત બહુ સરસ રીતે કહી છે. યજમાને પોતાની શક્તિ મુજબ ભક્તિ કરવી જોઈએ. આર્થિક અનુકુળતા મુજબ અને ઘરમાં સગવડતા હોય તે મુજબ મહેમાનને મહાપ્રસાદ લેવડાવવો જોઈએ. યથા શક્તિ કહીને શ્રી હરિરાયજી વૈષ્ણવની આર્થિક શક્તિની વાત તો કરે જ  છે અન્ય અનુકુળતાઓની વાત પણ આવી જાય છે. આવી વહેવારિક વાતથી અકિંચન અથવા અસમર્થ વૈષ્ણવને હૈયાધારણ મળે છે કે તેણે ગજા ઉપરવટ જઈ કોઈ કાર્ય કરવાનું જરૂરી નથી.

 

આ ચતુર્વિધ સ્વાગત પ્રણાલીને આપશ્રી ચાર રત્ન કહે છે. જો આટલું પણ આપણે કરી શકીએ તો તે રત્ન સમાન છે. વિશેષ ખેંચાઈને કરવાનું નથી.  શરૂઆતમાં કહયું તેમ હરિ ગુરુની સાથે જ વૈષ્ણવનું  સ્થાન છે જ પણ બીજી રીતે વિચારીએ તો તેમના હૃદયમાં બિરાજતા શ્રી ઠાકોરજીનું  જ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ.  વૈદિક પ્રણાલીમાં પણ अतिथि देवो भव: સૂત્ર મુજબ અતિથિનું સુયોગ્ય સ્વાગત એ ભારતિય પ્રણાલી તો છે જ ને!
આજે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.

 

ક્રમશ:

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.