મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … ભાગ-(૭) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …
શ્રી વલ્લભ સાખી … (૪૪-૪૭) …
-મહેશ શાહ, વડોદરા, ગુજરાત.

ભાગ – [૭]

 

 

vallabh sakhi

 

 

મીન રહત જલ આસરે, નીકસત હી મર જાય |
ત્યોં શ્રી વીઠ્ઠલનાથ કે, ચરણકમળ ચિત્ત લાય ||૪૪||

 

માછલી અને અન્ય જળચરોના જીવનનો આધાર પાણી જ છે. પાણીથી દુર થતાં જ  તેઓ થોડી ક્ષણોમાં પ્રાણ ત્યાગી દે છે. આપણે જાણીએ છીએ કે દરેક પ્રાણીને પોતાનો જીવ બહુ જ વહાલો હોય છે. પોતાનો જીવ બચાવવા તે મોટામાં મોટા કે ભયંકર પ્રાણી સાથે પણ લડી લે છે અને પોતાના વશમાં હોય તે બધું જ કરી છૂટે છે. આમ છતાં માછલી પાણી ન હોય તો થોડી ક્ષણોમાં પોતાના પ્રાણ ત્યાગી દે છે. આપણે પણ શ્રી ગુસાંઈજીના ચરણકમળમાં  એવી પ્રીતિ, એવો નેહ, એવી આસક્તિ કેળવવી જોઈએ કે તેમનાથી દુર થતાં જ વિરહથી આપણાં પ્રાણ નીકળી જાય. આવી તીવ્રતા ન હોય તો તે એક ઉણપ છે અને આપણા ઉપર હજુ પૂર્ણ કૃપા થઇ નથી એમ માનવું. સાચા દિલથી આતુરતા પૂર્વક પ્રાર્થના કરવી કે પ્રભુ કૃપા કરીને એવી મનોસ્થિતિ આપે.

 

શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ, છા રહ્યો જગ માંહી |
પુરુષોત્તમ ફળ દેત હૈ, નેક જો બેઠો છાંહી ||૪૫||

 

કલ્પ વૃક્ષનો સ્વભાવ છે કે તેની છાયામાં રહેલા સૌની સર્વ મનોકામના પૂર્ણ કરે છે. સામાન્ય કલ્પવૃક્ષની મર્યાદા છે કે તે ભૌતિક સુખ સમૃદ્ધિ આપી શકે છે. તેની છાયામાં રહેલા સૌને ધન ધાન્ય કે સોનું ચાંદી આપી શકે, લૌકિક ઈચ્છાઓ પૂરી કરી શકે. શ્રી હરિરાયજી શ્રી વલ્લભરૂપી એક વિશિષ્ટ અને અલૌકિક કલ્પવૃક્ષનો પરિચય કરાવે છે. આપ કહે છે કે શ્રી વલ્લભની કૃપાની છાયા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. જે શ્રધ્ધાવાન મન સ્થિર કરીને આપની છાંવમાં રહેશે એટલે કે આશ્રય લેશે તેને સાક્ષાત શ્રી પુરુષોત્તમ પ્રભુનું જ દાન દે છે. આથી જ શ્રી ગુસાંઈજી સર્વોત્તમ સ્તોત્રમાં (શ્લોક ૧૧) આપને “અદેય દાન દક્ષશ્ચ” કહે છે. બીજા કોઇથી પણ ન આપી શકાય કે બીજા કોઈ કદી આપે નહીં તેવું દાન આપવામાં શ્રી વલ્લભ માહેર છે. આ દાન જો મળી જાય, વિશ્વ નિયંતા જ પ્રાપ્ત થઇ જાય  પછી શું મેળવવાનું બાકી રહે? પ્રભુની નિત્ય લીલામાં સ્થાન મળે, અન્ય સખા-સખીનો સાથ પણ મળે, સદા નૌતન સદા યુવા દેહ મળે અને લીલામાં રમણ કરવા મળે તેથી વિશેષ એક પુષ્ટિ ભક્તના મનોરથ શું હોય?

 

ચતુરાઈ સોઈ ભલી જો, કૃષ્ણ કથા રસ લીન |
પરધન પરમન હરન કો, કહીએ વહી પ્રવીન ||૪૬||

 

શ્રી હરિરાયજી અહીં ચતુરાઈનો પરિચય, ચતુરાઈની વ્યાખ્યા આપે છે. આપણે જાણીએ છીએ કે,  સામાન્ય રીતે ચતુરાઈ એટલે  એવી આવડત કે જેના થકી વ્યક્તિ પોતાનું હિત સાધી શકે અને ક્યારેક (ક્યારેક જ?) અન્યનું અહિત પણ કરી શકે. ચતુરાઈ એ પ્રભુ એ આપેલી એવી ભેટ છે જેના સદુપયોગથી વ્યક્તિ અનેકનું ભલું કરી શકે, મુશ્કેલીમાંથી માર્ગ કાઢી શકે, તકલીફો નિવારી શકે. સ્વાર્થ અને પરમાર્થ બંને સાધી શકે.  સાધન તો એક જ હોય પણ તેનો ઉપયોગ કરનાર ઉપર ઘણો આધાર રહે છે. ખૂની જે  છરાથી ખૂન કરે એ જ છરાથી સર્જન (ડોકટર) જીવન બચાવતા હોય છે. તેવી જ રીતે ઈશ્વરદત્ત બુદ્ધિનો ઉપયોગ  કોઈની સંપતિ પડાવી લેવામાં કે કોઈનું મન ભરમાવીને તેને અયોગ્ય પ્રવૃત્તિઓ પ્રત્યે વાળવામાં કરીએ તો તે ઉપયોગ નહીં દુરુપયોગ છે, વિકૃતિ છે. સાચો ચતુર એ જ કે જે પોતાનું સાચું હિત શેમાં છે તે જાણે અને તે મુજબ વર્તે. ઝાડની જે ડાળી ઉપર બેઠા હોય તેને જ કાપનારાને બીજું ગમે તે કહીએ પણ ચતુર તો ન જ કહી શકાય. જીવનું આ ભવમાં  અને આવતા ભવમાં હિત શેમાં છે તે વિચારીએ તો કહી શકાય કે જે ચતુરાઈ વ્યક્તિને પોતાને અને અન્યને પણ પ્રભુ પ્રત્યે વાળે, કૃષ્ણની લીલા સાંભળવામાં કે તેના અવગાહનમાં જોડે, તેમાં તેનું ચિત્ત ચોંટાડે, તેમાં લીન કરી દે એ જ સાચી અને પાવનકારી ચતુરાઈ ગણાય.

 

ચતુરાઈમાં અમુક અંશે વિવેક બુદ્ધિ, નિરક્ષીરનું જ્ઞાન, સારાસારની સમજ પણ સામેલ હોય છે. તેથી જીવ માટે ખરેખર સારું શું, પોતાના લાભની વાત કઈ, શ્રેય અને પ્રેયનો ભેદ શું તે સમજી જાય તે ખરી ચતુરાઈ. કૃષ્ણ કથામાં રસ પડી જાય, પરિણામે સંસારની મોહ માયા અને મમતા છૂટી જાય તો તે જ સાચું હિત છે. આમ થાય તો આ ભવ તો ઠીક આવતા અનેક  ભવ પણ સુધરી જાય, પ્રભુના પ્રેમની પ્રાપ્તિ થઇ જાય, પ્રભુની કૃપા થાય તો નિત્ય લીલામાં સ્થાન પાકું થઇ જાય.  આવી જ ચતુરાઈ સારી, લાભદાયી અને હિતકારી ગણાય અને પોતાની ચતુરાઈનો આવો ઉપયોગ કરે તે જ સાચો પ્રવિણ, ચતુર, હોશિયાર ગણાય.

 

ચતુરાઈ ચુલ્હે પરો, જ્ઞાની કો યમ ખાઉ |
દયાભાવ હરિભક્તિ બિન, જ્ઞાન પરો જરી જાઓ ||૪૭||

 

અગાઉ (સાખી ૩૭) પણ શ્રી હરિરાયજીએ આ જ વાત કરી છે. ઉપર ચતુરાઈની વ્યાખ્યા કરી તેમાં કોઈને નુકશાન કરે તેવી, કોઈનું અહિત કરે તેવી ચતુરાઈને અવાંછનીય ગણાવી છે. આવી ચતુરાઈ માટે આપશ્રી આજ્ઞા કરે છે કે આવી ચતુરાઈ ચૂલામાં બળી જવી જોઈએ. તેનું અંશમાત્ર પણ અસ્તિત્વ રહેશે તો હાનીકારક છે, બાધક છે. સ્વહિતમાં અને  જગત હિતમાં તેને નેસ્તનાબુદ કરી દેવી જોઈએ. આવી ચતુરાઈ ધરાવનારા ભલે પોતાની જાતને જ્ઞાની સમજે, ભલે પોતાની હોશીયારીનો (કે લુચ્ચાઈનો) અહંકાર કરે  પણ ‘આવા’ જ્ઞાનીનું મૃત્યુ જગત માટે તો ખરું જ, તેમના પોતાના ઉધ્ધાર માટે પણ ઇચ્છનીય છે.

 

જ્ઞાન માર્ગમાં જાણે અજાણે શુષ્કતા આવી જાય છે. જ્ઞાનથી પ્રભુનું સ્વરૂપ સમજાય છે, માનવ મનમાં માધવની મહત્તા, મહાનતા અને માહાત્મ્યનું મંડન થાય છે. જીવને પોતે તદ્દન પામર, તુચ્છ, નગણ્ય હોવાની ભાવના થાય છે. ‘તુમ સ્વામી મૈં સેવક’ની મનોદશા અનભવાય છે. જ્ઞાનની એક સ્થિતિ એવી પણ આવી શકે છે જેમાં સર્વ કાંઇ પ્રભુની સૃષ્ટિ સમજી ભક્ત અલિપ્ત થઇ જાય અને તેનામાં દયા, માયા, પ્રેમ, સહાનુભુતિ જેવી કોમળ લાગણીઓનો દુકાળ સર્જાય છે.

 

વ્રજવાસીઓએ પ્રભુને પરમ વિશિષ્ટ રીતે ભજ્યા હતા. તેમના મનોવિશ્વમાં તો પ્રભુ પુત્રવત્, મિત્રવત્ કે પ્રિયતમવત્ બિરાજતા હતા. હરિની ભક્તિ તેમના રોમ રોમમાં રમતી હતી અને તેમના શ્વાસની શરણાઈમાં બજતી હતી. તેઓ તો હરિથી જ હરિયાળા હતાં. જીવ માત્ર માટે દયા, જીવ માત્ર માટે પ્રેમ, દુન્યવી સ્વાર્થ અને લુચ્ચાઈનો ત્યાગ, ભોળું સરલ મન જેવા ઉમદા ગુણોથી જ પ્રભુ તેમને વશ થયા હતા, જ્ઞાનથી નહીં.

 

જ્ઞાનથી શુષ્કતા આવે તે પણ એક વિડંબના છે. જ્ઞાનથી તો પ્રભુનો અને તેમની સૃષ્ટિનો, તેમની કૃપાનો, તેમની કરૂણાનો પરિચય થાય. આમ જો થાય તો પ્રભુમાં પ્રેમનો આવિર્ભાવ થવો જોઈએ. મન એકદમ કૃતજ્ઞ અને કૃતકૃત્યતાના ભાવથી સભર થઇ જવું જોઈએ. વૃક્ષ ઉપર ફળો આવે તો તે વધુ ઝુકે છે તેમ જ્ઞાનના ભારથી વ્યક્તિમાં નમ્રતા આવવી જોઈએ. જ્ઞાનપ્રાપ્તિનો હેતુ જ મનના અભિમાન, ગર્વ કે મદ જેવા અનેક નકારાત્મક ભાવોનો નાશ થાય તે હોય છે.  જો તેમ ન થાય તો વ્યક્તિનું અત્યંત અહિત થાય છે. માત્ર આધ્યાત્મિક જ નહીં લૌકિક પણ બગડે છે. આથી જ શ્રી હરિરાયજી એવું ઈચ્છે છે કે આવું જ્ઞાન પણ બળીને નષ્ટ થઇ જવું જોઈએ.

 

આજે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.

 

ક્રમશ:

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩


 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.