અમેરિકાની અમીષ સંસ્કૃતિ …

અમેરિકાની અમીષ સંસ્કૃતિ  …

 

 

અમેરિકાની અમીષ સંસ્કૃતિ  કોઈ આજે કહે કે ૨૧ મી સંસ્કૃતિમાં આપ ૧૮ મી સંસ્કૃતિની રીતે રહો અને જીવો ત્યારે કેવું લાગશે? પરંતુ આ હકીકત છે કે આજે પણ ૨૧ મી સંસ્કૃતિને છોડીને અમુક લોકો એવા છે જેઓ ૧૮ મી સંસ્કૃતિમાં જ જીવે છે અને તેજ રીતે જીવવાનું પસંદ કરે છે. ૧૮ મી સદીમાં જીવનારી આ પ્રજા છે પેન્સિલવેનિયન જર્મન-ડચ અમીષ પ્રજા. યુ એસ એનાં પેન્સીલવેનિયા રાજ્યમાં વસનારી આ અમીષ પ્રજા આજે પણ પોતાની પરંપરા, પ્રણાલિકાઓને અને સંસ્કૃતિને ખૂબ ચાહે છે તેથી તેઓ આજે પણ પોતાની આજ જૂની પ્રણાલિકાને વળગી રહ્યા છે.એમીષ લોકો……ઇ.સ ૧૬૦૦માં જેકબ અમ્માન્નની લીડરશીપ નીચે એક સ્વિસ જૂથે સ્વિટ્ઝર્લૅન્ડમાં સરળ જીવન અને આધુનિક જીવન વચ્ચેનાં મતભેદ સાથે શરૂઆત કરી હતી. તેમાં જે લોકો અમ્માન્નને અનુસરી રહ્યાં હતાં તેઓ એમીષ અથવા અમીષ તરીકે જાણીતાં બન્યાં. ક્યારેક આ અમીષ પ્રજાને મેનોનાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

amish house* Amish house

આ અમીષ પ્રજાનું એક જૂથ ૧૭૩૦ની આસપાસ અમેરિકા પહોંચ્યાં. તેમાંથી મોટા ભાગની એમીષ પ્રજા પેનિસિલ્વેનિયામાં સ્થાયી થઈ, અને બાકીનાં જૂથો અલબામાં, ડેલાવર, ઈન્ડિયાના, નબ્રાસ્કા, મેરીલેન્ડ, આયોવા, કેંટુકી, કેન્સાસ, વોશિંગ્ટન, મિસીસીપી વગેરે રાજ્યોમાં સ્થાયી થઈ. પેનિસિલ્વેનિયામાં પેન્સિલવેનિયન જર્મન-ડચ તરીકે ઓળખાતી આ અમીષ પ્રજાને સામાન્ય ભાષામાં ખેડૂત તરીકે ઓળખી શકાય છે પરંતુ ખેતી સિવાય અન્ય ઘણાં બધાં કાર્યો આ પ્રજા કરે છે તેથી તે રીતે તેમને ફક્ત ખેડૂત કહેવા પણ મુશ્કેલ બની જાય છે. પેન્સીલવેનિયાની આ અમીષ પ્રજાની જીવન શૈલી સામાન્ય અમેરિકન કરતાં એકદમ અલગ છે. આ પ્રજા ઉનાળામાં ખેતીવાડી કરે છે, શાકભાજી વેચે છે, જામ, અને અથાણાં બનાવે છે અને શિયાળામાં ક્વિલ્ટસ બનાવે છે, સુથારી કામ કરે છે. આ ઉપરાંત રોજીંદી જીવન શૈલીમાં ડેરી બિઝનેસને પણ મહત્વ આપવામાં આવે છે. 

 

missouri-amish-seymour-webster-county

* missouri-amish-seymour-webster-county

એમીષ ડેરી ફાર્મ

* એમીષ ડેરી ફાર્મ

અમીષ લેડી

અમીષ લેડી 

અમીષ લોકો પોતાની કમ્યુનિટીમાં જ લગ્ન કરી શકે છે. બાહરનાં સમાજમાંથી દુલ્હન લાવવા પૂર્વે કમ્યુનિટીની પરવાનગી લેવી તેઓને માટે અનિવાર્ય હોય છે. તેઓ પોતાનાં સંતાનો જ્યારે ૧૮ વર્ષનાં થાય છે ત્યારે તેમને સ્વતંત્ર રીતે પોતાનાં જીવન માટે નિર્ણય લેવાનો અધિકાર આપે છે. તે નિર્ણય અનુસાર જો તે સંતાનો પોતાનાં કમ્યુનિટીમાં જ એકવાર સમાઈ જવાનું નક્કી કરે તે પછી તેઓ કાયમ માટે કમ્યુનિટીનાં જ થઈ જાય છે પછી તેઓ રેગ્યુલર અમેરીકન સમાજમાં ભળી શકતાં નથી અને જો તેઓ રેગ્યુલર અમેરીકન સમાજમાં મિક્સ થવાનો નિર્ણય લે છે તો તેઓ ફરી પાછા પોતાની કમ્યુનિટીમાં આવી શકતાં નથી. એમીષ લોકોનો પહેરવેશ પણ સામાન્ય લોકોથી ઘણો જ અલગ હોય છે. તેઓ ડાર્ક કલરને ઘણું જ મહત્વ આપે છે તેથી તેઓ ડાર્ક જાંબલી, કાળો, ડાર્ક મરૂન, રાતો, કથ્થાઇ વગેરે રંગોનો વધુ ઉપયોગ કરે છે. જ્યાં સુધી તેઓ લગ્ન ન કરે ત્યાં સુધી તેઓ હેન્ડ મશીનથી સીવેલા કપડાં પહેરે છે અને લગ્ન થયાં બાદ તેઓ મશીનથી સિવેલા કપડાં પહેરતા નથી તેથી કપડાંને સ્ટીચ કરવા માટે સળી અથવા પિનનો ઉપયોગ કરે છે. બીજી વાત એ કે એમીષ સ્ત્રીઓને કાનમાં બુટ્ટી, ગળામાં ચેઇન વગેરે પહેરવાની છૂટ હોતી નથી. પરંતુ આંગળીઓમાં રિંગ પહેરે છે પરંતુ તે પણ જૂજ જ પ્રમાણમાં જોવા મળે છે. મોટાભાગની સ્ત્રીઓ કોઈપણ પ્રકારનાં ઘરેણાંઓથી દૂર જ રહે છે. આ ઉપરાંત એમીષ સ્ત્રીઓ માથાનાં વાળ ખુલ્લા રાખી શકતી નથી તેથી વાળ બાંધીને તેનાં પર નેટ પહેરી રાખે છે. જ્યારે પુરુષો લગ્ન પહેલા શેવ કરી શકે છે પરંતુ લગ્ન થઈ ગયાં બાદ તેઑ શેવ કરી શકતા નથી. તેથી પરણિત પુરુષોની લાંબી દાઢી જોવા મળે છે. 

એમીષ ડ્રેસ(સ્ત્રીઓ માટે)

એમીષ ડ્રેસ(સ્ત્રીઓ માટે)

AmishFamily

* Amish Family

એમીષ કાઉન્ટીમાં વન રૂમ સ્કૂલ જોવા મળે છે જેમાં ૧ ધોરણથી લઈ ૮ માં ધોરણ સુધીનાં બધાં જ બાળકો એક જ ક્લાસ રૂમમાં બેસીને ભણે છે. એમિશ લોકો શિક્ષણને મજબૂત માને છે, તેથી વાંચન લેખનની સાથે ભૂગોળ, ઇતિહાસ, ગણિતનાં વ્યાવહારિક જ્ઞાન સાથે ડચ, જર્મન, ઇંગ્લિશ વગેરે ભાષાઑ ભણે છે. પરંતુ તે માત્ર આઠમાં ધોરણ સુધી જ હોય છે. તેથી એમ કહી શકાય કે આઠમા ધોરણ સુધીનું ઔપચારિક શિક્ષણ તેઓ લે છે. ૮ માં ધોરણ બાદ અમીષ બાળકો ભણતા પણ નથી. ૮ માં ધોરણ બાદ વધુ ભણવા ઇચ્છતા બાળકોએ કમ્યુનિટી પાસેથી રજા લઈ રેગ્યુલર અમેરિકન સ્કૂલમાં આવવું પડે છે.

એમીષ વન રૂમ સ્કૂલ

* એમીષ વન રૂમ સ્કૂલ

અમીષ લોકો ટેક્નોલૉજીની વિરુધ્ધ નથી પરંતુ બને તેટલી નવી ટેક્નોલૉજી ઓછી વાપરવામાં તેઓ માને છે આથી એમીષ લોકોનાં ઘરમાં ઇલેક્ટ્રીકસિટીથી ચાલતા ડીશવોશર, વોશિંગ મશીન, રેફ્રીજરેટર, ફોન વગેરે ઉપકરણોનો ઉપયોગ થતો નથી. તેઓ પોતાને જરૂર હોય તેટલી ઉર્જા પવનચક્કીની મદદથી ઉત્પન્ન કરે છે અથવા પ્રોપેનથી ચાલતાં ઉપકરણો ઉપયોગમાં લે છે. અમીષ લોકોનો જ્યાં વસવાટ છે તે ગામમાં લોકલ ચર્ચમાં ફક્ત એક ફોન રાખવામાં આવે છે જેનો જરૂરિયાત પ્રમાણે અમીષ પીપલ ઉપયોગ કરે છે. જ્યારે રેફ્રીજરેટર તરીકે આઈસરૂમ અથવા બરફબોક્સનો ઉપયોગ કરે છે. આઇસરૂમ માટે ઘરની બહાર અંડર ગ્રાઉન્ડ ભંડકિયું બનાવવામાં આવે છે. જેમાં બરફની લાદીઑ રાખવામાં આવે છે. (જમીનની અંદરનાં ભાગમાં તાપમાન બહુ વધઘટ થતું નથી તેથી ઠંડક જળવાઈ રહે છે.) એમીષ લોકો વાહન તરીકે અને ખેતી માટે હોર્સ વેગન અને બગ્ગીઑનો ઉપયોગ કરે છે. જો વાહન તરીકે હોય તો મોટાભાગે એક ઘોડાવાળું વેગન ઉપયોગમાં લેવાય છે પરંતુ ખેતીકામ માટે બે અથવા બે થી વધારે ઘોડાઓ જોડવામાં આવે છે. આ હોર્સબગીઓ માટે પણ ટ્રાફિક રૂલ્સ ફરજિયાત હોય છે. માત્ર એક ટ્રાફિક રૂલ એવો છે જેનું દરેક રેગ્યુલર અમેરિકન પ્રજાએ ઉપયોગ કરવો પડે છે.તે નિયમ એ છે કે અમીષ કાઉન્ટીમાં કારનું હોર્ન વગાડવાની અથવા મોટો શોરબકોર કરવાની સખત મનાઈ છે. એનું મુખ્ય કારણ એ છે કે શોરબકોર અથવા હોર્નનાં અવાજથી ઘોડાઓ ભડકી જાય તો અકસ્માત થવાનાં ઘણાં ચાન્સ વધી જાય છે આથી આ કાઉન્ટીમાંથી પસાર થતી વખતે બને તેટલી શાંતિ રાખવામાં આવે છે. 

Lancaster_County_Amish_03

* Lancaster_County_Amish_03

એમીષ વેગન

એમીષ વેગન

એમીષ લોકો મોટાભાગે કલોનિયલ ડિઝાઇન ધરાવતાં આ ઘરોમાં રહે છે. (૨૦૦ વર્ષ પૂર્વે જે બ્રિટિશ પ્રજા જે અહીં યુ એસમાં આવીને રહેલી તે કલોનિયલ પ્રજા કહેવાય છે અને તેમણે બાંધેલા ઘરો કલોનિયલ હાઉસ કહેવાય છે આજે પણ અમેરીકામાં મોટાભાગના ઘરો આ જ બાંધણીમાં બંધાયેલા જોવા મળે છે.) પરંતુ એમીષ કલોનિયલ ડિઝાઇન સામાન્ય અમેરિકન ઘરો કરતાં થોડી જુદી જ દેખાય છે. કારણ કે ઘરની બહાર પવનચક્કી અને ડેરી ટાવર જોવા મળે છે જે સામાન્ય કલોનિયલ ઘરોમાં દેખાતા નથી. 


Amish farm and house

* Amish farm and house

એમીષ ક્વિલ્ટસ

એમીષ ક્વિલ્ટસ

એમીષ બેડરૂમ

Jalapeno Jelly Amish

* Jalapeno Jelly Amish

Amish make Jam and jelly

* Amish  Jam and jelly

એપ્રિલ-મે મહિનામાં અમીષ કાઉન્ટીમાં ફ્લાવર ફેસ્ટિવલ  ઉજવાય છે ત્યારે તેને માણવા માટે અમેરિકાનાં ઘણા સ્ટેટમાંથી લોકો ઉમટી પડે છે. અમીષ પ્રજા કહેવાય અમેરિકન તેમ છતાંયે અમેરીકાની અંદર અલગ વસેલી એક અદભુત મહેનતકશ પ્રજા છે.

 

 

* સ્ટારવાળા ફોટાઓ નેટજગતને આભારી છે. 

 

 

પારિજાત 

copyright@pareejat

 

 
બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો  શ્રીમતિ પૂર્વીબેન મોદી – મલકાણ (યુએસએ ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.