|| ઉપસંહાર || …

|| ઉપસંહાર ||  …

 

 pushti prasad 44

 

 

આચાર્યચરણ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે, ભગવદ્દ કૃપા એ આ પુષ્ટિમાર્ગનો પાયો છે.  જે જીવને જેટલી કૃપા પ્રાપ્ત થઇ છે.  આપણે એ કૃપાનો પ્રસાદ માની પોતાનું કર્તવ્ય કરવાનું છે.

 

આવું જ એક કર્તવ્ય, પરમ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી ઇન્દિરા બેટીજી નાં કૃપા ફળ થી ૨૦૦૩ ઓગષ્ટમાં નામકૃત થયેલ “પુષ્ટિપ્રસાદ”   સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ માટે એપ્રિલ ૨૦૦૪ માં પ્રકાશિત થઇ ને પ્રસિદ્ધ કરવામાં આવ્યું.  પ્રતિ માસ પુષ્ટિ ભગવદીયો જીવોના પ્રતિભાવો, આચાર્યચરણોનાં વચનામૃતો “પુષ્ટિપ્રસાદ”  ને આશિષ રૂપે પ્રાપ્ત થતાં રહ્યા.  વૈષ્ણવ સમાજના પુષ્ટિ જીવોએ વિત્તજા સેવાનો સરવાળો કરી “પુષ્ટિ પ્રસાદ”  શૃંગારિત કર્યું.  જે પ્રતિક સ્વરૂપ, કૃપાફળ આજે પણ સર્વે વૈષ્ણવો ને પ્રસાદરૂપે નિયમિત સ્વરૂપે પોતાને ત્યાં ઘેર પધારે છે. અને શ્રીજી કૃપાથી ભવિષ્યમાં પણ પધારતું રહે  તેવી નમ્ર કોશિશ રહેશે.  “પુષ્ટિ પ્રસાદ” નું  પ્રકાશન પુષ્ટિ સાહિત્ય હવેલી માંથી કરવામાં આવે છે.

 

“પુષ્ટિ પ્રસાદ” નો શૃંગાર “શિક્ષાપત્ર નું સંકલન” ૨૦૦૭, મેં મહિનાથી “પુષ્ટિ પ્રસાદ” નાં પૃષ્ઠ ઉપર શોભાયમાન થયું.  આમ “પુષ્ટિ પ્રસાદ” સ્વરૂપ, પુષ્ટિ સુગંધ –ફોરમ ઉત્તરો ઉત્તર પુષ્ટિ જીવોમાં ફેલાતી રહે છે,  || શિક્ષાપત્ર ૨૮ મું  ||  મે અને જુન ૨૦૧૩ નાં અંકમાં પ્રકાશિત થયેલ છે; અને હજુ આજ રીતે નિયમિત સ્વરૂપે શ્રીજી કૃપાથી || ૪૧ શિક્ષાપત્રો || પ્રકાશિત ક્રરી પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

પરમ પૂજ્ય વલ્લભચરણનાં આશિષ અને માતા પિતાના સંસ્કાર નાં અહેસાસ અને પરિણામ સ્વરૂપે તેમજ ભગવદીય  વૈષ્ણવના સાથ  સ્વરૂપે “પુષ્ટિ પ્રસાદ” અને એના સંપાદક માં વિશ્વાસના વહાલ દેખાયા ને લંડન –UK  થી સંચાલિત થતા બ્લોગ “દાદીમા ની પોટલી”  – બ્લોગ લીંક  : http://das.desais.net    ઉપર શિક્ષાપત્ર ને છેલ્લા એક વર્ષથી પ્રકાશિત કરવામાં આવ્યું અને પુષ્ટિ સાહિત્યને વધુ ને વધુ વૈષ્ણવો સમક્ષ દર્શનિય કરાવી શકાયું.  સૌ પ્રથમ  ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૨ ને શુક્રવાર થી ||શિક્ષાપત્ર || નું  બ્લોગ પર સંકલન કરી પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને  ત્યારબાદ નિયમિત સ્વરૂપે દર રવિવારે પ્રસિદ્ધ કરવામાં આવેલ જે આજે, ૧૮ ઓગષ્ટ, ૨૦૧૩ ના રવિવારે  “ઉપસંહાર” દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું.

 

આમ અત્રે, ૪૧ શિક્ષાપત્રનું  સંકલન સંપૂર્ણ થતાં, વૈષ્ણવ જીવો આચાર્યચરણ હરિરાયજી કૃત બૃહદ શિક્ષાપત્ર નો ઉપસંહાર કરતાં મન આનંદથી શ્રીજી કૃપા ફળસ્વરૂપ પ્રસાદ ગ્રહણ કરી/ સ્વીકારી  ધન્યતા અનુભવે છે.

 

એકતાલીસ શિક્ષાપત્રોમાં એકતાલીસ સિદ્ધાંત –વિષયો નિરૂપિત થયા છે.  અને આ સિદ્ધાંત- વિષયોને સમજાવવા માટે આચાર્યચરણ શ્રી હરિરાયજી એ લૌકિક તેત્રીસ ઉદાહરણો આપેલા છે.  પાંત્રીસ પૌરાણિક ઉદાહરણો આપેલા છે.  વીસ સાંપ્રાદાયિક ઉદાહરણો તથા ચૌર્યાસી – બસોબાવન ભગવદીયોનાં ઉદાહરણો આપેલા છે.

 

આ ઉપરાંત,  ગોવિંદ સ્વામી, સૂરદાસજી, છીત સ્વામી, માણેકચંદ, ગદાધરદાસ અને કુંભનદાસ ભક્ત કવિના પદનું નિરૂપણ કરાયું છે. શ્રી મહાપ્રભુજી નાં “ચતુ:શ્લોકી”,  “ભક્તિવર્ધિની”,  “સિધ્ધાંત રહસ્ય”, “કૃષ્ણા શ્રય”, “યમુનાષ્ટકમ્”, “નવરત્નમ્” અને “સેવાફ્લમ્”   ગ્રંથોનાં સંદર્ભ નરૂપયા છે.  શ્રી ગુંસાઈજી નાં “સર્વોત્તમ સ્તોત્ર”  ગ્રંથનો સંદર્ભ તથા શ્રી ગુંસાઈજીની વિજ્ઞપ્તિઓ નો સંદર્ભ નો નિર્દેશ કરેલ છે.

 

શિક્ષાપત્રનાં શ્લોકની સંખ્યા ૬૩૩ છે.  છેલ્લા ૩૫૫ વર્ષોથી પુષ્ટિમાર્ગમાં પ્રત્યેક વૈષ્ણવ કુટુંબમાં, વૈષ્ણવ હવેલીમાં અનવસરનાં સમયે સત્સંગમાં રોજનાં ક્રમથી ભાવપૂર્વક શિક્ષાપત્રનું વાંચન, મનન અને ચિંતન થતું આવેલ છે.

 

શિક્ષાપત્ર એક થી એકતાલીસ નું આજે વિહંગાવલોકન કરતાં સાથે સાથે જોઈ – વિચારીએ, યાદ કરી લઈએ કે, આચાર્યચરણ શ્રી હરિરાયજી એ ક્યા ક્યા વિષયો અને સિદ્ધાંતો સમજાવ્યા છે.

 

પ્રથમ શિક્ષાપત્રમાં, પુષ્ટિ જીવનાં કર્તવ્યનું દર્શન.  બીજા શિક્ષાપત્રમાં સ્વરૂપ વર્ણન.  ત્રીજામાં સત્સંગ અને દુ:સંગનું નિરૂપણ.  તો ચોથામાં વિરૂદ્ધ ધર્માશ્રયત્વ નું વર્ણન.  પાંચમાં શિક્ષાપત્રમાં વિરહ, શરણ, કૃપા અને દૈન્ય ભાવનું વર્ણન.  છટ્ઠામાં, જીવન પ્રચાર અને ધૈર્યનું રક્ષણ.  સાતમામાં, લૌકિક અને વૈદિક વિષયોમાં અનાસક્તિ.  આઠમાં શિક્ષાપત્રમાં, શ્રી પ્રભુમાં દ્રઢ વિશ્વાસ અને અનન્ય વિશ્વાસ.  તો નવમાં શિક્ષાપત્રમાં, પ્રભુના કિશોર સ્વરૂપનું વર્ણન તથા પ્રેમ, આસક્તિ અને વ્યસનાવસ્થાનું નિરૂપણ.  દસમામાં, પ્રભુમાં પ્રેમ વધારવા લૌકિક આર્તિઓનું દાન.  અગિયારમા માં, પુષ્ટિ જીવનાં ચાર કર્તવ્ય.  જેમ કે, શ્રી પ્રભુના ગુણગાન, દુઃખભાવના અને દૈન્ય તથા ત્યાગનું વર્ણન.  બારમા માં, શ્રી સ્વામિનીજીની વિરહભાવનાનું નિરૂપણ.  તો તેરમા માં, દીનતાથી ફળરૂપતા.  ચૌદમાં શિક્ષાપત્રમાં, ભગવદીયોનાં લક્ષણો.  પંદરમા માં, સ્મરણ, સત્સંગ અને આશ્રય.  સોળમાં શિક્ષાપત્રમાં, શ્રી હરિરાયચરણે ચિંતા અને ત્યાગનું નિરૂપણ કર્યું છે.  તો સત્તરમા માં, ત્યાગ અને અત્યાગનો વિચાર કરાવ્યો.  અઢારમા માં, વિરહભાવના, તો ઓગણીસમાં, અષ્ટાક્ષર નો આશ્રય.  વીસમામાં, સત્સંગ અને દુ:સંગનું વર્ણન.  તો એકવીસમાં, ભાવપોષણનાં ઉપાયોનું વર્ણન અને બાવીસમા માં, સત્સંગ દ્વારા ભાવ પોષણ.  ત્રેવીસમા શિક્ષાપત્રમાં, બહિર્મુખતા, નિવૃત્તિ વિવરણ.  ચોવીસમાં, ભગવદ્દકૃપાનું સ્વરૂપ દર્શન.  પચ્ચીસમા માં, શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠાનું નિરૂપણ અને છવીસમા માં, ભાવ ગોપન વિવરણ.

 

સત્તાવીસમાં શિક્ષાપત્રમાં, પુષ્ટિ ભક્તિમાં ચાલીસ બાધકોનું વર્ણન.  અઠ્ઠાવીસ માં, વિરહાત્મક દિનતાનું નિરૂપણ.  ઓગણીસમા માં, બુદ્ધિનું રક્ષણ અને ત્રીસમા માં, ભગવદ્દ પ્રાપ્તિના છ – દેશ, કાળ, દ્રવ્ય, કરતા, કર્મ અને મંત્ર – સાધનનો નો વિચાર નિરૂપાયો.  શિક્ષાપત્ર એકત્રીસ માં, ભાવવૃદ્ધિ અને વરણ વિચાર અને બત્રીસમાંનાં શિક્ષાપત્રનાં દશ શ્લોકથી પુષ્ટિજીવનનાં હૃદયમાં રહેલી અશુધ્ધિઓ અને શુદ્ધિઓ વર્ણાવી.  તૈત્રીસમા માં, દીનતા અને નિ:સાધનતાનું નિરૂપણ તો ચોત્રીસમાં શિક્ષાપત્રનાં તૈત્રીસ શ્લોકથી ભક્તિમાં નડતા પ્રતિબંધો અને પ્રતિબંધોની નિવૃત્તિનાં ઉપાયનું વર્ણન.  પાંત્રીસમા માં, દુષ્ટ જીવોનો સંગ અને દુ:સંગનું વર્ણન.  તો છાત્રીસમાં, ચિંતાનું નિરૂપણ અને વૃથા ચિંતાનો ત્યાગ.  સાડત્રીસ શિક્ષાપત્રથી, નિ:સાધનાનાં સ્વરૂપનું નિરૂપણ.  શિક્ષાપત્ર આડત્રીસનાં ઓગણીસ શ્લોકથી શ્રી પ્રભુનાં વિવિધ સ્વરૂપોનો વિચાર અને

 

ઓગણચાલીસનાં નાનકડા સાડાપાંચ શ્લોકથી વૈષ્ણવનું પરમ કર્તવ્ય એ જ ભગવદ્દ સેવા.  તો ચાલીસમાં શિક્ષાપત્રમાં, સ્વદોષ ચિંતનનું નિરૂપણ અને એકતાલીશ માં, બાર શ્લોકના વિવરણથી પુષ્ટિ સિદ્ધાંતો ના સાર રૂપ શિખામણનું આચમન કરાવ્યું.

 

 

અંતમાં શ્રી હરિરાયજીઓ “ભાવસ્વરૂપ નિરૂપણમ્   માં, શ્રીજી નાં ચાર સ્વરૂપે અનુભવ કરાવતા  સંયોગધર્મ અને સંયોગધર્મો તથા વિપ્રયોગ ધર્મ વિપ્રયોગ ધર્મી સ્વરૂપનું નિરૂપણ કર્યું.

 

 

પુષ્ટિ સૃષ્ટિનો અતિ પ્રસંશનીય અને ભાવાત્મક શિક્ષાપત્ર ગ્રંથનું અહીં સમાપન કરતાં અતિ પ્રસન્નતા અનુભવતા  તેમજ UK – લંડન થી સંચાલિત  થતા ‘દાદીમા ની પોટલી’ બ્લોગ ઉપર ‘પુષ્ટિપ્રસાદ’ નું આગાવું સ્થાન આપવા બદલ  ગૌરવ સહ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા પરિવારનાં પ્રચારકો –પ્રશંસકો વતી ‘દાદીમા ની પોટલી’ – પરિવારનું અભિવાદન કરીએ છીએ.  “પુષ્ટિ પ્રસાદ” માં પ્રકાશિત થયેલા શિક્ષાપત્રનાં સંગ્રહને www.pushtiprashad.com  પરથી e-media   નાં સહારે ‘દાદીમા ની પોટલી’ પર નિયમિત રીતે સંકલન કરી મોકલી આપવાની અતિ પ્રશંસનીય સેવા માટે,  તેમજ દરેક શિક્ષાપત્ર સાથે એક પુષ્ટિ પદ નો અનેરો લાહવો આપવા બદલ પુષ્ટિ સાહિત્ય પ્રચાર સેવા પરિવારના સૌ વાચક વૃંદ શ્રીમતી પૂર્વીબેન મોદી – મલકાણ, USA  નું સહહૃદય ભાવ અભિવાદન કરે છે અને તેમનું ઋણ પ્રસંશાપૂર્વક સ્વીકારે છે.  આ ઉપરાંત પુષ્ટિ પ્રસાદના કાર્ય નિષ્ટ સી.ઈ.ઓ.  શ્રી પંકજભાઈ શાહ, એડવોકેટ – સુરત INDIA  અત્રે આ અતિ પ્રશંસનીય ઉપસંહારના નેજા હેઠળ આભાર સાથે ઋણ સ્વીકાર કરે છે.

 

અંતમાં, સૌ વૈષ્ણવો ને શિક્ષાપત્ર ગ્રંથ નો નિયમિત રીતે પાઠ કરવા, સત્સંગ કરવા હૃદયપૂર્વક ની નમ્ર નમ્ર વિનંતી.  પુષ્ટિ સેવાના સાનિધ્યમાં સૌનું જીવન દિવ્ય અને ધન્ય બને એજ મંગળભાવના સહ શ્રીજી ચરણવંદના સાથે શ્રી હરિરાયજીનાં ચરણકમળોમાં સદૈન્ય દંડવત્.

 

શેષ ભગવદ્દ સ્મરણ   –

 

સાભાર : વ્રજનિશ શાહ  – લોયડસ્, મેરિલેન્ડ.  યુએસએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર શ્રી હરિરાયજી કૃત || શિક્ષાપત્ર || નું સંકલન છેલ્લા એક વર્ષથી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો આદરણીય વડીલ શ્રી વ્રજનીશભાઈ શાહ,   બાયોડ્સ, મેરીલેન્ડ,  યુ.એસ.એ. નાં અંતરપૂર્વકથી આભારી છીએ. આ ઉપરાંત ઈ મીડિયા દ્વારા ઉપરોક્ત શિક્ષાપત્ર ને નિયમિત સમયસર અમારી તરફ પહોચાડી અમૂલ્ય સેવા આપવા બદલ શ્રીમતિ પૂર્વીબેન મોદી મલકાણ (યુ.એસ.એ.) નાં અમો અંતરપૂર્વકથી આભારી છીએ. આપ સર્વે પાઠક મિત્રો, વૈષ્ણવજીવો તરફથી અમોને મળેલ સાથ અને સહકાર બદલ આપ સર્વેના પણ અમો હૃદયપૂર્વક આભારી છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.