ધર્મ અને ધૈર્યનું મહત્વ …

   ધર્મ અને ધૈર્યનું મહત્વ  …

 LAKSHMIJI

   

 એક રાજા હતો. તે રાજાએ એના ગામમાં એવો નિયમ કરેલો કે જે વસ્તુ બહારથી વેચાવા માટે આવે તે વસ્તુઓને સૌએ ખરીદી લેવી અને વેચનારને ખાલી હાથ ગામમાંથી જવા ન દેવો. રાજાનાં આ નિયમથી લોકોને મનેકમને હંમેશા કશુંક ને કશુક ખરીદવું પડતું. એક દિવસ આ ગામમાં એક ભિખારી એની ગરીબાઈ વેચવા આવ્યો. તે આખા નગરમાં ફરી ફરીને તેની ગરીબાઈ વેંચવા લાગ્યો પણ તેની ગરીબાઈ કોઈએ ન ખરીદી આથી તે રાજાનાં મહેલે આવ્યો અને રાજાની પાસે પોતાની ગરીબાઈ વેચાવડાવી. તે ભિખારી પાસેથી રાજાએ ગરીબાઈ ખરીદી ભિખારીને ધન આપીને સંતુષ્ટ કર્યો પછી ભંડારીને કહ્યું ભિખારીની આ ગરીબાઈને ભંડારમાં મુકાવો. તે રાત્રે રાજા સૂઈ ગયા ત્યારે તેમણે સ્વપ્નમાં જોયું કે રાજ્યના ભંડારમાંથી શ્રી લક્ષ્મી બહાર નીકળ્યાં અને રાજાને આવીને કહેવા લાગ્યાં કે તે ગરીબાઈ ખરીદી છે તેથી હું અહીં રહી ન શકું માટે હું જાઉં છું, આ સાંભળી રાજા કહે ભલે મા આપ પધારો……અને લક્ષ્મીજી બહારની દિશા તરફ ચાલ્યાં ગયાં. લક્ષ્મીજીનાં ગયાં બાદ થોડીવાર પછી રાજાએ સ્વપ્નમાં જોયું કે રાજ્યનાં ભંડારમાંથી વૈભવ અને ઐશ્વર્ય બહાર પધાર્યા છે ત્યારે રાજાએ તેમને પુછ્યું કે આપ બહાર કેમ પધાર્યા ત્યારે વૈભવ અને ઐશ્વર્ય કહેવા લાગ્યાં કે જ્યાં લક્ષ્મી ન રહે ત્યાં અમે કેમ કરીને રહીએ? માટે અમે પણ લક્ષ્મીની પાછળ પાછળ જઈશું. ત્યારે રાજા કહેવા લાગ્યો કે સારું તો આપ પણ પધારો. થોડીવાર બાદ રાજાએ સ્વપ્નમાં જોયું કે ધીરજ અને ધર્મ બહાર આવ્યાં અને તેમણે રાજાને કહ્યું કે હવે અમે પણ જઈએ છીએ તારા રાજ્યમાં તો હવે લક્ષ્મી, વૈભવ અને ઐશ્વર્ય તો બિરાજતાં નથી તો અમે કેમ કરીને રહીએ, માટે અમે પણ જઈશું આ સાંભળી રાજાએ ધર્મ અને ધૈર્યને કહ્યું કે અરે વાહ તમને રાખવા માટે તો મે ગરીબાઈ ખરીદી છે હવે તમે મને છોડીને ક્યાં જશો? આ સાંભળીને ધર્મ અને ધૈર્ય શરમાઈ ગયા અને રાજ્ય ભંડારમાં પાછા ગયા. ધર્મ અને ધૈર્યને પાછા રાજ્ય ભંડારમાં જતાં જોઈ લક્ષ્મીજી પણ વૈભવ અને ઐશ્વર્ય સાથે પાછા વળ્યા. આ પ્રસંગ સમજાવે છે કે જેના જીવનમાં ધર્મ અને ધૈર્ય રહેશે તો એના જીવનમાં બધું હશે અને જેમના જીવનમાંથી ધર્મ અને ધીરજ જશે એ દરિદ્રી બનશે.

“પારિજાત”
copyright © પારિજાત 


આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધિ માટે  અનુમતિ આપવા બદલ અમો ‘પારિજાતવર્ડપ્રેસ.કોમ’ નાં આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.