માસોત્તમ માસ શ્રાવણ માસ …

માસોત્તમ માસ શ્રાવણ માસ  …

 

krishna-ganesh-shiva

 

 

હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ માસનું સ્થાન પાંચમું છે અને દેવશયન ચતુર્માસનો આ પ્રથમ માસ છે. આ માસમાં શિવપુરાણ અને શ્રી ભાગવતપુરાણનું વાંચન, શ્રવણ કરવાનું મહત્વ માનવામાં આવ્યું છે. શ્રાવણ માસનાં સોમવારને શ્રાવણીયા સોમવારનાં નામથી ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં જેટલું મહત્વ શ્રાવણનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તેટલું જ મહત્વ શ્રાવણીયા સોમવારનું પણ દર્શાવવામાં આવ્યું છે. આ માસમાં શિવભક્તો શૈવાલયોમાં જઈ લિંગ પૂજન કરે છે અને ભગવાન મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. શ્રાવણ મહિનામાં ગંગાજીનું પણ અતિ મહત્વ રહેલું છે શ્રાવણમાસમાં ગંગાજીમાં વર્ષાઋતુનાં નવા નીર આવે છે. આથી આ માસમાં શિવભક્તો પવિત્ર અને ચોખ્ખું ગંગાજળ લાવવા માટે હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, કાશી, ગંગાસાગર (કોલકત્તા) વગેરે પાવન સ્થળોની કાવડ યાત્રા ઉપાડે છે.  આ યાત્રા ભક્તજનો મોટાભાગે ચાલીને પૂર્ણ કરે છે. આ માસમાં ગંગાજળ વડે ભગવાન શિવ ઉપર અભિષેક અને રુદ્રાભિષક કરવાનું મૂલ્ય રહેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગંગાજળની કાવડ લાવી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો એ એક તપમાર્ગ છે, અને આ તપમાર્ગ પર ચાલવા માટે માનવો સિવાય દેવગણ,  દાનવ,  યક્ષ, કિન્નર, ઋષિમુનિઓ પણ તત્પર રહે છે. સંતો કહે છે કે સોમવાર ભગવાન શિવને અત્યંત પ્રિય છે, તેથી જે ભક્તજનોને આખું વર્ષ પૂજન કરવાનું જે પુણ્ય મળે છે તે જ પુણ્ય ભક્તજનોને શ્રાવણમાસમાં ફક્ત સોમવારે શિવસાધના કરે તો પણ મળી જાય છે. વિદ્વાનોનું કહેવું છે કે દેવ-દાનવો વચ્ચેનું સમુદ્રમંથન પણ શ્રાવણમાસમાં જ થયેલું. આ સમુદ્ર મંથન દરમ્યાન જે ૧૪ રત્નો નીકળ્યાં તેમાંનું એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યો. આ ધારણ કરેલ વિષને કારણે તેમના કંઠનો તે ભાગ નીલો પડી ગયો, આથી પ્રભુ  નીલકંઠ તરીકે ઓળખાયા. શાસ્ત્રોનું કહેવું છે કે સતયુગમાં પ્રભુને શાતા આપવા માટે સમગ્ર દેવી દેવતાઓએ પ્રભુ ઉપર જળનો અભિષેક કર્યો, ત્રેતા અને દ્વાપર યુગમાં વિષપ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે પય અર્થાત દૂધનો અભિષેક કરવામાં આવ્યો,  જેથી કરીને વિષ પ્રભાવ થોડો ઓછો થાય, અને આજ કારણસર આજે આ કલિયુગમાં વિષનાં આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો અને ભક્તજનો હજુ પણ ભગવાન શિવ ઉપર જલ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. શિવ પુરાણમાં કહેલ છે કે જે જલ સમસ્ત સંસારનાં પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે તે જલ સ્વયં એ પરમાત્મા શિવનું સ્વરૂપ છે.

 

संजीवनं समस्तस्य जगतः सलिलात्मकम्‌।
भव इत्युच्यते रूपं भवस्य परमात्मनः ॥

 

આથી વિદ્વાનો કહે છે કે જે પરમાત્મા સ્વરૂપ જલ છે તેનો દુર્વ્યય ન કરવો જોઈએ. સંતો કહે છે કે ભગવાન શિવે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે મસ્તક પર ચંદ્ર અને ગંગાજીને ધારણ કરેલા છે. શાસ્ત્ર અનુસાર શ્રાવણીયા સોમવારે શિવલિંગ ઉપર દૂધ અને જળ સિવાય વિશેષ વસ્તુઓ પણ અર્પિત કરવામાં આવે છે જેને શિવમુઠ્ઠીનાં નામે ઓળખવામાં આવે છે.

 

shiv made with vegetables

 

 

આ શિવમુઠ્ઠીમાં પ્રથમ સોમવારે અક્ષત-ચોખા, બીજા સોમવારે સફેદ તલ, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે, સામાન્ય રીતે પ્રત્યેક માસમાં ૪ સોમવાર હોય છે પણ કવચિત પાંચમો સોમવાર શ્રાવણ માસમાં આવતો હોય તો અલગથી એક ભોગસામગ્રી અથવા સત્તુ સિધ્ધ કરાવીને ધરવામાં આવે છે. આ માસમાં બિલ્વપત્ર અને રુદ્રાક્ષ પણ ભગવાન શિવને સમર્પિત કરાય છે. એક માન્યતા અનુસાર રુદ્રાક્ષનું પ્રાગટ્ય ભગવાન શિવનાં અશ્રુઑમાંથી થયું છે. શિવપુરાણમાં કહ્યું છે કે ભસ્મ,  રુદ્રાક્ષ,  દૂધ,  જલ,  ભાંગ,  બિલ્વપત્ર, શમીપર્ણ, ધતૂરો, કરેણ, અને કમળ એ ભગવાન શિવને અત્યંત પ્રિય છે તેથી આ વસ્તુઓ દ્વારા ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તજનોને ભગવાન શિવની પ્રસન્નતા મળે છે, અને ભક્તજનોનાં પૂર્વ જન્મોનાં પાપોનો ક્ષય થાય છે. પુરાતન કાળમાં શત (સો), સહસ્ત્ર (એક હજાર), કોટિ (એક કરોડ) બિલ્વપત્રથી ભગવાન શિવનું પૂજન કરવામાં આવતું હતું. એક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં એક અખંડ બિલ્વપત્ર વડે શિવાર્ચન કરવાથી કોટિ બિલ્વપત્ર ચડાવવાનું ફળ મળે છે. બિલ્વપત્રની જેમ પુરાતન કાળમાં કમળપત્રથી પણ ભગવાન શિવનું પૂજન થતું હતું તેવો ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ એક સમયે ભગવાન શિવનું કોટિ કમળદલ વડે પૂજન કરતાં હતાં, ત્યારે એક કમળ દલ ઓછું પડતાં તેમણે પોતાના નેત્રકમળ કાઢીને ભગવાન શિવને ધરાવેલ, ભગવાન શિવની જેમ રાવણે કરેલ કમળપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. ૧૭ મી સદીથી ૧૯ મી સદી દરમ્યાન ચારણો અને બારોટ પ્રજા દ્વારા ભગવાન શિવ માટે કરેલ શીશ કમળ પૂજનનો ઉલ્લેખ સાહિત્યોમાં થયેલો છે.

 

ઋષિમુનીઓએ કહ્યું છે કે શિવોપાસનામા માનસ પૂજાનું અને લિંગપૂજનનું પણ એટલું જ મહત્વ છે. સંતોએ અને શાસ્ત્રોએ કહ્યું છે કે દેહથી કર્મ થાય છે અને કર્મથી દેહ મળે છે તે પણ એક પ્રકારનું બંધન જ છે, પરંતુ શિવલિંગ દ્વારા થતી શિવોપાસના, શિવ સ્મરણ અને શિવોર્ચન એકમાત્ર એવું સાધન છે જે જીવોને કર્મનાં બંધનોમાંથી મુક્તિ અપાવવામાં સહાયક થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શિવલિંગની સાથે સ્વયંભૂ શિવલિંગનો મહિમા અનેરો છે, આ સ્વયંભૂ શિવલિંગ પાવન અને પવિત્ર હોય છે, અને તેમાંયે તુલસીવન, પીપ્પલ અને વટ વૃક્ષ, તીર્થતીરે, પર્વતનાં શિખરે, નદી-સાગરનાં તટ પર, અને ગુરૂ આશ્રમ પર સ્વયંભૂ શિવલિંગ હોય તો તે પવિત્ર હોવાની સાથે સાથે પરમ સિધ્ધિદાયક પણ હોય છે.

 

શ્રાવણમાસમાં શિવોર્ચન જેટલું જ શિવમંત્રોનું પણ મહત્વ માનવામાં આવ્યું છે, તેથી ભગવાન શિવની ઉપાસના અને આરાધના સમયે પંચાક્ષરી મંત્ર ॐ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનું અનેરું મૂલ્ય છે. આ મંત્રોનો પાઠ કરવાથી દુઃખ, ભય, રોગ વગેરેનો નાશ થતાં જીવોને શાંતિ અને દીર્ઘાયુ મળે છે. આ ઉપરાંત આ માસમાં શિવામૃત, શિવ ચાલીસા, શિવ કવચ, રામચરિત માનસ, શ્રીમદ ભાગવત આદીનો પાઠ શુભ મનાયો છે. ભગવન શિવનો શ્રાવણ માસ માસોત્તમ કહેવાયો છે. આ માસનો પ્રત્યેક દિન ધર્મ પૂજન, કર્મ દાન અને સ્મરણ આસ્થાને લઈને આવે છે તેથી શ્રાવણ માસ, શ્રવણ નક્ષત્ર અને શિવનું પૂજન એ ભક્તજનો માટે એકદમ વિશિષ્ટ બની રહે છે.

 

 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
[email protected]

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ – (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.