ધૃણાને પ્રેમથી જીતો …

ધૃણાને પ્રેમથી જીતો …

 

 dhruna

 

 

ક્રોદ્ધના  ઉન્માદનો અગ્નિ

  

એક મહિલાને એકવાર હડકાયું કૂતરું કરડ્યું.  યોગ્ય ઉપચાર ન થયો એટલે એને હડકવા ઉપાડ્યો.  તેનાં સગાંવાહલાંએ એને કે હોસ્પિટલમાં દાખલ કરી.  જ્યારે એનું મન થોડું શાંત થયું ત્યારે ડૉકટરે એને કહ્યું : ‘આ કાગળ અને કલમથી તમે તમારી પોતાની ઈચ્છા લખીને પ્રગટ કરી શકો.’   એણે તો લખવાનું શરૂ કર્યું.  પણ લખવાનું અટક્યું નહીં !   ડૉકટરે વિચાર્યું કે કદાચ ફરીથી એનું મન દુર્બળ થઇ ગયું લાગે છે.  એટલે એણે પૂછ્યું.  ‘તમે આ શું કરો છો ?’  સ્ત્રીએ કહ્યું, ‘હું એવા લોકોની યાદી બનાવું છું કે જેમને મારે કરડવું છે.’  

  

મૃત્યુને ઉંબરે ઊભા રહીને પણ કેટલાક લોકો આવો બદલો લેવાની વાતો વિચારતા હોય છે.  સાથે ને સાથે બીજાના જીવનના વિનાશના ઉપાયોની યોજના બનાવે છે.  કેટલાક એવા લોકો પણ છે કે કહે છે, ‘હું તમારા વિશ્વાસઘાતને ભૂલી ન શકું.  હું ભૂત બનીને પણ તમને હેરાન કરીશ.’  શરીર તો પાંચતત્વમાં વિલીન થઇ જાય પણ બદલો લેવાની ઈચ્છા જતી નથી.

  

 

રાખથી ઢંકાયેલો અગ્નિ

  

કેટલાક લોકો છાનીછૂપી રીતે બદલો લેવાનો ભાવ રાખે છે.  એમનો વ્યુવહાર એમના મનના ભાવને વ્યક્ત થવા દેતો નથી.  ધૃણાનો ભાવ એના ચારિત્ર્યને દુર્બળ બનાવી દે છે.

  

કેટલાય મહિનાની અનિદ્રા, ચિંતા અને ભયંકર થાકથી બેચેન બનેલ એક ૩૪ વર્ષની મહિલા એક ડૉકટર પાસે આવી.  તે બીજા ડૉકટરો પાસે ઈલાજ કરાવતી હતી, પણ એનાથી કોઈ ફાયદો ન થયો.  તે પ્રાય: આત્મહત્યા કરી લેવાનું વિચારતી હતી.  ગહનતાથી તપાસ કરનાર ડૉકટર પ્રશ્ન પૂછીને જ એની પીડાનું વાસ્તવિક કારણ શોધી શકે.  તે પોતાની એ બહેન પ્રત્યે ધૃણાના ભાવથી પીડાતી હતી કે જેનો વિવાહ એવા પુરુષ સાથે થયો કે જેણે પોતે છાનોછાનો પ્રેમ કરતી હતી.  આમ છતાં પણ પોતાની એ પરણેલી બહેન પ્રત્યે એનો બાહ્ય વ્યવહાર સ્નેહપૂર્ણ હતો.  મનમાં ને મનમાં ધૃણા અને ક્રોધ વિકસી રહ્યાં હતાં.  એ સ્ત્રીના માનસિક અને શારીરિક દુઃખદર્દનું કારણ આ જ હતું.

  

એ દરમિયાન એક મહાત્માએ એને સાંત્વના આપતાં કહ્યું, ‘જુઓ બહેન, ધૃણા એક મોટો ખરાબ ભાવ છે.  તું ભગવાનના શરણે જા અને પોતાની બહેન પ્રત્યે જન્મેલા ક્રોધભાવમાંથી મુક્ત થવા એમને પ્રાર્થના કર.’   પ્રાર્થના અને ઈશ્વરની સર્વશક્તિમત્તામાં પોતાના વિશ્વાસને લીધે અંતે એ સ્ત્રી ક્રોધભાવમાંથી મુક્ત થઇ ગઈ.  ધીમે ધીમે એમની અનિદ્રા, ઉદ્વિગ્નતા, ચિંતા ઘટવા લાગ્યાં.  અને તે સ્ત્રી પહેલાં કરતાં પણ વધારે સુખી, પ્રસન્ન બની ગઈ, જાણે કે એક નવિન મહિલા બની ગઈ,

 

 

પ્રેમથી જીતો

  

લોકો દુર્વ્યવહાર કરે, આપણને દગો દે કે હેરાન કરવાનો પ્રયત્ન કરે તો આપણને સ્વભાવિક રીતે નારાજગી આવે છે.  ખોટા આરોપ, નિંદા અને દુષ્પ્રચારથી આપણે ગુસ્સે થઇ જઈએ છીએ.  જ્યારે લોકો તમારા સાચા ઈરાદાને ખોટો સમજે, લોકો તમને ધૂતી લે તોએ વાત સ્વભાવિક છે કે એના પર ક્રોધે ભરાઈને એનો બદલો લેવા ઇચ્છશો.  પરંતુ સજ્જનો અને સંતો બતાવે છે કે આપણે આ બદલાના ભાવને પ્રેમથી જીતવો જોઈએ.  તમે જેમની ધૃણા કરો છો એમના પ્રત્યે સૂતાં પહેલાં કે ધ્યાન કરતી વખતે પ્રેમ અને સદ્દભાવના વિચાર તથા એનાં સ્પંદનો મોકલતા રહો.  ધર્મ અને ભક્તિભાવ આપણા હૃદયને પવિત્ર બનાવવા અને માનવીય સંબંધોને સુધારવા જરૂરી છે.  દૃઢ અધ્યવ્યસાયની સાથે પ્રાર્થના કરવાથી આપણે ધૃણા અને ઈર્ષ્યાની ભૂલભુલામણીમાંથી સુરક્ષિત બહાર નીકળી જઈએ છીએ.

  

ઋષિમુનિઓએ પોતાના અનુભવના આધારે એવી ઘોષણા કરી કે માનવનું મૂળ સ્વરૂપ દિવ્ય છે.  તે દેહધારી આત્મા છે.

  

જો આપણે જાતિ, વર્ણ અને ધર્મના ભેદભાવમાંથી બહાર આવવું હોય તો આત્માના સાચા સ્વરૂપને સમજવું પડે.  જો બધામાં એક જ આત્મા હોય તો આપણે કોની ધૃણા કરીએ ?  જો શરીર એક વાહન હોય અને એને આત્મા પોતાની મરજી પ્રમાણે બદલી શકતો હોય તો ભિન્ન ભિન્ન જાતિના લોકોની ધૃણા કરવી એ જાણે કે જુદી જુદી ભૂમિકાઓમાં પ્રગટ થનાર કોઈ અભિનેતાને નાપસંદ કરવા જેવું છે.

  

જેમ જેમ આપણા જ્ઞાનની ક્ષિતિજ વધતી જાય તેમ તેમ આપણા દૃષ્ટિકોણમાં પણ પરિવર્તન આવે છે અને આપણા જીવનમાં તાજગી આવે છે.

 

 

અસંભવ નથી

  

અહીં સુઅના મનમાં એક પ્રશ્ન ઊભો થાય કે જેમણે આપણું ઘર તોડ્યું, આપણને દુખકષ્ટ આપ્યાં, આપણા સંબંધીઓને પણ નુકશાન પહોંચાડ્યું કે આપણા ઘરની નારીઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો, તો ખરેખર આપણે એમની ધૃણા કર્યા વિના રહી શકીએ ખરા ?

  

કોઈ વ્યક્તિના સ્વભાવત: ક્રૂર, અસંયમિત, ઉગ્ર અને પશુ જેવા હોવાને લીધે એની સાથે ધૃણાની ભાવના કરવી એ કાર્ય કોઈ હાઈસ્કૂલનો વિદ્યાથી પ્રાથમિક શાળાના ત્રીજા ધોરણમાં ભણતા અને વારંવાર અસફળ થતા વિધાર્થીની ધૃણા કરે એના જેવું છે.   શું પથ્થરના ટુકડાને તમે ધિક્કારો છો કારણ કે તે માત્ર પથ્થર છે એટલે ?  આપણે તો કેવળ એટલી સાવધાની રાખીએ છીએ કે ક્યાંક આપણને એની ઠેસ ન લાગી જાય અને ઘાયલ ન થઇ જઈએ.  આપણે એને પ્રકૃતિની અસંખ્ય વસ્તુઓથી એકના રૂપે સ્વીકાર કરીએ છીએ.   નીચ, દુષ્ટ, પાશવિક વૃત્તિ તથા અવિકસિત કે ઓછા વિકસિત લોકોની ધૃણા કરવી એ એક પથ્થરના ટુકડાની ધૃણા કરવા જેવું છે.  ગૌતમ બુદ્ધે કહ્યું છે, ‘ધૃણા ને પ્રેમથી જીતો.’   પોતાની જાતને શૂલી પર ચડાવનાર લોકો માટે પ્રાર્થના કરતાં ભગવાન ઈસુએ કહ્યું હતું, ‘હે પ્રભુ પિતા, એમને માફ કરી દેજો, કારણ કે તેઓ શું કરી રહ્યા છે એનું એમને ભાન નથી.’   મહર્ષિ પતંજલિ પોતાના યોગસૂત્રમાં આ જ ભાવે કહે છે, ‘દુષ્ટો અને પાપીઓ પ્રતિ ઉપેક્ષા અને ઉદાસીનતાનો ભાવ રાખવો.’   ધૃણા અભાવાત્મક રીતે મનોબળને પ્રભાવિત કરે છે.  અહીં દર્શાવેલી ઘટના દર્શાવે છે કે આ ધૃણા આપણને કેટલા સંકુચિત મનોભાવવાળા બનાવી શકે છે.

 

 

(રા.જ. ૩-૧૩(૨૪-૨૫)/૫૭૦-૭૧)

 

‘પ્રેમની અદ્દભૂત શક્તિ’ –સ્વામી જગ્દાતમાનંદ

 

બ્લોગ લીંક : http://das.desais.net
email   :  [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.