|| ભાવસ્વરૂપનિરૂપણમ્ || …

|| ભાવસ્વરૂપનિરૂપણમ્ || …

 

 

15

 

 

શિક્ષા સાગર આચાર્ય શ્રી હરિરાયચરણ વિરચિત એક નાનકડો તેર શ્લોકથી અલંકૃત “ભાવસ્વરૂપનિરૂપણમ્”  નું અત્રે વર્ણન કરાય છે. શિક્ષાપત્રોના સંપાદકોને મળેલી હસ્તપ્રતોનું સંશોધન કરતાં આ હસ્ત લેખિત ગ્રંથ જે ભગવદ્દ અનુભૂતિ અને ભગવદ્દ લીલાની અનુભૂતિ કરાવતો, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ જાણવા યોગ્ય હોય. જેથી અત્રે એનું નિરૂપણ કરતાં,

 

રસાત્મતયા સિદ્ધિ: પરમાત્મા ધ્રુતાવિતિ |
સંયોગ વિપ્રયોગામ્યા શૃંગારસરસો હરિ: ||૧||

 

અર્થાત, શ્રુતિમાં પરમાત્માની રસાત્મક્તા સિદ્ધ છે. તેથી સંયોગ અને વિપ્રયોગના ભેદથી શૃંગારરસ શ્રી હરિ છે.

 

આ શ્રી હરિ પ્રભુનું રસરૂપ સ્વરૂપ છે. સર્વ રસમાં શૃંગાર રસ મુખ્ય છે. જેથી શ્રી પ્રભુ પોતે સાક્ષાત શૃંગારરસનું અલૌકિક સ્વરૂપ છે. શૃંગાર રસમાં બે દળ છે. જેમાનું એક દળ સંયોગ અને બીજું દળ વિપ્રયોગ જેની અનુભૂતિ બે પ્રકારે થાય છે. પ્રભુ સાક્ષાત આ બે પ્રકારનાં શૃંગાર રસથી સરસ છે.

 

ધર્મધરમાંવિભેદેન તાવપિ દ્વિવિધૌ મતૌ |
ધર્મરુદસ્તુ સંયોગો બહિ: પ્રાકટ્યપાલિત: |
પરોક્ષ આંતરો યસ્તુ સ ધર્મિત્વેન સંમત: ||૨||

 

એટલે કે, સંયોગ અને વિપ્રયોગ ધર્મ અને ધર્મીના ભેદ પ્રમાણે બે બે પ્રકારનાં છે. પ્રભુના બાહ્ય પ્રાગટ્યથી સિદ્ધ સંયોગ ધર્મરૂપ છે. અને પ્રભુ હૃદયની અંદર પધારે ત્યારે ભીતરનો સંયોગ ધર્મી રૂપ છે.

 

વિયોગોડપિ તથાં યસ્તુ પ્રભુપ્રાકટ્ય સાધક: |
સ્વતંત્રફલરૂપૌ ય: સ્વરૂપાવેશતો હરે: |
ધર્મિરૂપ: સ વિજ્ઞયો નાવિર્ભાવ પ્રયોજનમ્ ||૩||

 

એટલે કે, એજ પ્રમાણે વિરહથી શ્રી પ્રભુનું પ્રાકટ્ય થાય ત્યારે તે ધર્મ રૂપ વિપ્રયોગ છે. અને હૃદયમાં પ્રભુનું પ્રાકટ્ય થાય તે વિપ્રયોગ ધર્મીરૂપ – સ્વતંત્ર ફળરૂપ છે.

 

બહિ:સંવેદનં વાપિ તદસંવેદનં તથા |
તયોરસ્થાદ્વિતિયં ભાવેનૈવ ન ચાન્યથા ||૪||

 

અર્થાત, અથવા જે વિપ્રયોગમાં બાહય જગતનું સ્મરણ રહે, તે વિપ્રયોગ ધર્મ સ્વરૂપ છે. અને જેમાં બાહ્યતાનું સ્મરણ ન રહે તે વિપ્રયોગ ધર્મી સ્વરૂપ છે.

 

વિયોગાત્મસ્વરૂપેણ સંયોગભાવ વદ્દદ્વવયમ |
બહિ: સંવેદનાભાવે તત્ર સાક્ષા ત્તથા ક્રિયા ||૫||

 

અર્થાત, વિપ્રયોગ, ધર્મ અને ધર્મી બંને સ્થિતિ સંયોગના અભાવ વાળી છે. જ્યારે તેમાં બહારનું જ્ઞાન ન રહે ત્યારે સંયોગમાં જે ક્રિયા અને આનંદ થાય તેજ વિપ્રયોગમાં પણ થાય.

 

તદાસંવેદને વિપ્રયોગનુભવ એવ હિ |
એવંસતતં દ્વાવેવ સ્વતંત્રતા ભક્તિ રુચ્યતે ||૬||

 

એટલે કે, વિપ્રયોગમાં બહારનું જ્ઞાન રહે. તો ફક્ત વિપ્રયોગનો જ અનુભવ થાય છે. બંન્ને પ્રકારના વિપ્રયોગને સ્વતંત્ર ભક્તિ કહી છે.

 

ભાવરૂપ: સ્વરૂપાત્મા નિરુદ્ર: પૂર્ણ એન સ:
ધર્મરૂપવયોગેડપિ પ્રવિશંતિ ગુણા હરે: ||૭||

 

વિપ્ર યોગાત્મક પ્રભુ ભાવાત્મા છે. જે પ્રભુ ધર્મીરૂપ વિપ્રયોગમાં પૂર્ણત: હૃદયમાં નિરુદ્ધ થાય છે. ધર્મરૂપ વિપ્રયોગમાં શ્રીહરિનાં ગુણ હૃદયમાં પ્રવેશ કરે છે.

 

ધર્મિરૂપે તત્ર કૃષ્ણ: કોશવત્પ્રવિશે ત્પુવ:
યથા (ભગવદાવિષ્ટા મૂર્તિ:) ભગવદાવેશો મૂર્તિ કોશે હરેસ્તથા ||૮||

 

અર્થાત, શ્રી પ્રભુ કૃષ્ણ જેવી રીતે મૂર્તિમાં પ્રવેશ કરે છે. તેવી રીતે ધર્મીરૂપ વિપ્રયોગમાં હૃદયમાં પ્રવેશ કરે છે.

 

તેષુ ભાવદ્વયં સિદ્ધં સ્ત્રીભાવ: સહજ પુરા |
આવિષ્ટભગવદ્વાભાવ: પશ્ચાજ્જતો વિશેષત: ||૯||

 

એટલે કે, આમ કહેવાયેલા ધર્મી અને ધર્મીના ભેદમાં બે ભાવ સિદ્ધ છે. એક સહજ સ્ત્રીભાવ અને બીજું ભગવદ્દ ભાવ.

 

તેષુ ધર્મી અપિ તથા દૃશ્યંતે દ્વિવિધા અપિ |
એવમેવાસ્મદાચાર્ય સ્વરૂપમવબુદ્ધયતામ ||૧૦||

 

અને, તેમા આ બે પ્રકારના ધર્મો જોવામાં આવે છે. તેમ આપણા આચાર્યજીનું સ્વરૂપ પણ આવું જ જાણવું.

 

સ્વામિનીભગવદ્દભાવયુતં ચાપિ વિલક્ષણમ્ |
અત: એવોભયં તત્તદગ્રંથેષુ વિનિરુપ્યતે |
પ્રભુભિ: સ્વામિનીભાવભગવદ્દ ભાવવત્વત: ||૧૧||

 

અર્થાત, શ્રી મહાપ્રભુજી પણ સ્વામિનીભાવથી યુક્ત છે. તેથી શ્રી ગુંસાઈજી એ સર્વોત્તમસ્તોત્ર ગ્રંથમાં આ બે ભાવ યુક્ત શ્રીમહાપ્રભુજીનાં સ્વરૂપનું નિરૂપણ કરેલ છે.

 

સર્વલક્ષણસંપન્ન ‘ઇતિ’ નામ વિરાજતે |
તથા તત્રૈવ રાસસ્ત્રીભાવપૂરિત વિગ્રહ: ||૧૨||

 

આથી જ શ્રી સર્વોત્તમ સ્તોત્ર ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીનાં બે નામ ઉપલબ્ધ છે. એક ‘સર્વલક્ષણસંપન્ન:’ અને ‘રાસસ્ત્રી ભાવ પૂરતિ વિગ્રહ :’.

 

વસ્તુત: કુષ્ણ એવતિ ચોક્તં શ્રી વલ્લભાષ્ટકે |
એવં વિદિત્વા તદ્રૂપં ક્તવ્ય: સર્વદાશ્રય : ||૧૩||

 

તથા શ્રી વલ્લ્ભાષ્ટ્કમાં કહ્યું કે, વસ્તુત: કૃષ્ણ એવ’ શ્રીમહાપ્રભુજીનું આવું સ્વરૂપ જાણીને સર્વદા તેમનો આશ્રય કરવો.

 

આમ જોવાતા, શ્રી પ્રભુ સાક્ષાત સન્મુખ હોય ત્યારે સંયોગ. જ્યારે શ્રી પ્રભુ આંખોથી દર્શનિય હોય ત્યારે સંયોગ. પ્રભુ આંખ પાસેથી અંતર્ધાન થઇ, અંત:કરણનો વિષય બને ત્યારે તે વિપ્રયોગ. અને આમ પણ શ્રી પ્રભુનો સંયોગ અને વિયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મીસ્વરૂપ, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગ ધર્મીસ્વરૂપ. શ્રી હરિરાયજી ભક્તોના ભાવાત્મા, રસાત્મા, ફ્લાત્મા એવા અલૌકિક મધુરાધિપતિ સ્વરૂપનાં ચાર સ્વરૂપનું નિરૂપણ અત્રે દર્શનિય છે.

 

સંયોગ ધર્મ સ્વરૂપની સેવા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરતાં કરતાં આપણે દાસ બનીએ. દાસમાંથી સેવક બનીએ. સેવકમાંથી ભગવદીય બનીએ. આ ભગવદીયત્વ પ્રાપ્ત થાય ત્યારે આપણા ઘરમાં બિરાજતું સ્વરૂપ સાક્ષાત અલૌકિક સ્વરૂપે પ્રગટ થઈને આપણી આંખો દ્વારા અલૌકિક અનુભવ કરાવે ત્યારે તે સંયોગ ધર્મી સ્વરૂપ કહેવાય છે. (૮૪-૨૫૨) ચૌર્યાસી –બસો બાવન ભગવદીયોને લૌકિક દેહથી અલૌકિક અનુભવ શ્રી પ્રભુએ કરાવ્યો તે પ્રભુનું સંયોગ ધર્મી સ્વરૂપ છે. ધર્મી સ્વરૂપ પ્રમેય સ્વરૂપ છે. સ્વત્રંત્ર છે. જેને કોઈ મર્યાદા નડતી નથી. જે કોઈની આજ્ઞાને આધીન ન્થ્ગી. જેને પોતાનો કરે અને સાક્ષાત અનુભવ કરાવે છે. જે પ્રભુ ભગવદીયોની આંખનો વિષય બની જાય, ત્યારે તે સંયોગ ધર્મી સ્વરૂપ કહેવાય છે. નંદાલયમાં બિરાજતું સ્વરૂપ, જેનો વ્રજભક્તોને વ્રજમાં, વનમાં એમના નેત્રોથી અનુભવ થયા કર્યો એ સંયોગ ધર્મીસ્વરૂપ છે. પ્રભુ પોતાના ભગવદ્દ રસને નિજ ભક્તોના હૃદયમાં સ્થિર કરવા કૃપા કરે છે. જેથી ધર્મી સ્વરૂપના અનુભવથી હૃદય દ્રવિત બને છે.

 

પણ દર્શન ન થાય ત્યારે ચિત્ત, ઇન્દ્રિયો વ્યાકુળ બને છે. ભગવદ્દ દર્શનના વિરહની વ્યાકુળતામાંથી વિપ્રયોગ પ્રગટ થાય છે. એકાંતમાં શરીર અને નેત્રોથી પ્રભુના દર્શન ન થતાં હોય ત્યારે એવા એ એકાંતમાં પ્રભુના સ્વરૂપને હૃદયસ્થ કરી, એ પ્રભુના સ્વરૂપનું ભાવન, ચિંતન હૃદયમાં કરવાનું એનું નામ વિરહ. વિપ્રયોગ શબ્દ વિરહની ઉત્તરાવસ્થા છે. સેવાના અનાવરસમાં ઘરમાં બિરાજતા ધર્મ સ્વરૂપ શ્રી ઠાકોરજીના સેવનથી, શ્રી ઠાકોરજીની કૃપાથી નેત્રોનો વિષય બનીને અલૌકિક સ્વરૂપે આપણી સન્મુખ થાય, એ વિપ્રયોગ ધર્મ સ્વરૂપ કહેવાય.

 

સંયોગ ધર્મી સ્વરૂપ નેત્રોનો વિષય છે. સંયોગના ઉત્કટ ભાવ અનુભવ પછી વિરહ અને વિપ્રયોગનું શ્રી પ્રભુ દાન કરે છે. માટે, સંયોગ પછી વિપ્રયોગ પાછો સંયોગ. પાછો વિપ્રયોગ. એમ ચક્ર ગોઠવાયેલ જ છે. જેમ કે, મંગળાથી રાજભોગ પર્યત સંયોગ. અનવરસમાં વિપ્રયોગ. ઉત્થાપનથી શયન સુધી સંયોગ. પાછો રાત્રી કાલીન વિપ્રયોગ. જ્યારે શ્રી પ્રભુ સન્મુખ ન હોય. આંખોનો વિષય ન હોય ત્યારે પ્રભુનો વિરહ થતા, તાપ કલેશ થતાં, એ ભાવાત્મા અંત:કરણનો વિષય બનીને પ્રભુ હૃદયમાં પધારે, આપણા અંત:કરણનાં નેત્રો ખોલી હૃદયમાં અનુભવ કરાવે ત્યારે એ વિપ્રયોગ ધર્મસ્વરૂપનો અનુભવ શ્રીમહાપ્રભુજીએ ‘ભક્તિવર્ધિની’ ગ્રંથમાં વ્યસનનાવસ્થા તરીકે વર્ણવી છે.

 

સંયોગમાં એક સમયે એક જ લીલાનો અનુભવ થાય. પણ અંત:કરણમાં જ્યારે વિપ્રયોગ ધર્મ સ્વરૂપે પધારે ત્યારે ‘એકકાલાવચ્છિન્ન’ અનેક લીલાઓનો ક્ષણમાં અનુભવ થાય. હૃદયમાં શ્રી પ્રભુ બિરાજીને પોતાના ભાવાત્મા, રસાત્મા અને કલાત્મા સ્વરૂપનો સતત અનુભવ કરાવે છે. ત્યારે એ વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ છે. આ સ્વરૂપ સ્વતંત્ર ફલ રૂપ છે. સ્વતંત્ર ભક્તિ રૂપ છે.

 

શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે, શ્રી મહાપ્રભુજી પણ ઉભય ભાવાત્મક સ્વરૂપે બિરાજે છે. શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ સ્વામિનીનાં ભાવનું છે. જેનું નિરૂપણ શ્રીગુંસાઈજીએ ‘શ્રી સર્વોત્તમ સ્તોત્ર’ માં “રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ:” નામથી કરેલ છે. શ્રી મહાપ્રભુજીનું બીજું સ્વરૂપ ભગવદ્દ ભાવ રૂપ છે. જેનું નિરૂપણ “સર્વલક્ષણ સંપન:” નામથી કરેલ છે. આમ શ્રી મહાપ્રભુજીના ગૂઢ સ્ત્રીભાવાત્મા અને ગૂઢ પ્રુભાવાત્મા સ્વરૂપનું ચિંતન કરવું. શ્રી પ્રભુના સંયોગ ધર્મ સ્વરૂપ તથા સંયોગ ધર્મી સ્વરૂપ નું મનમાં ચિંતન ભાવન કરવું. જેનો અલૌકિક અનુભવ એજ આ સર્વ શિક્ષાપત્રોનાં સિદ્ધાંતો નાં જીવનમાં સમ્યક્ આચરણ પરમ ફળ છે.

 

આમ અત્રે શ્રી હરિરાયચરણે તેર શ્લોકથી “ભાવસ્વરૂપ નિરૂપણમ્” ગ્રંથમાં શ્રી પ્રભુના અલૌકિક સ્વરૂપનું નિરૂપણ કરેલ છે.

 

આ ગ્રંથ સાર જોતાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રસાત્મક હોવાથી શૃંગાર રસનું દિવ્ય સ્વરૂપ છે. શૃંગાર રસના બે દળ, સંયોગ અને વિપ્રયોગ. એના પણ બે ભેદ, ધર્મસ્વરૂપ અને ધર્મી સ્વરૂપ. આમ શ્રી કૃષ્ણ ચાર ચાર સ્વરૂપે અનુભવ કરાવે છે. આંખથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સંયોગ ધર્મી સ્વરૂપ. તેજ સ્વરૂપ હૃદયમાં અનુભવ કરાવે તે સંયોગ ધર્મી સ્વરૂપ. વિરહના કારણે પ્રભુ હૃદયમાં પ્રગટ થાય તે વિપ્રયોગ ધર્મ સ્વરૂપ. જેમાં બાહય જગતનું ભાન રહે છે. જે વિપ્રયોગમાં બાહય જગતનું ભાન ન રહેતા હૃદયમાં સાક્ષાત સ્વરૂપ અનુભવાય તે વિપ્રયોગ ધર્મીસ્વરૂપ. જે સ્વતંત્ર ફળ રૂપ છે. તથા હૃદયમાં શ્રી પ્રભુના ગુણો પ્રકટ થાય છે. તથા સ્વયં શ્રી પ્રભુ પ્રકટ થાય છે.

 

શિક્ષાપત્ર નું વાંચન –મનન અતિ આવશ્યક છે. જેથી સંપૂર્ણ સિદ્ધાંત ભાવસહ વિચારી શકાય.

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]