“પાન ખાયે સૈંયા હમારો” …

“પાન ખાયે સૈંયા હમારો” …

 

 paan khaai

 

 

બિરી ખાત નવલ કિશોર રાધે સંગ, મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, લવિંગ-સોપારી-એલચીને પાનનાં બીડલા સાર, ખઇકે પાન બનારસવાલા, પાન ખાયે સૈંયા હમારો….. સાંવલી સુરતીયા હોંઠ લાલ લાલ…., વગેરે જેવા ગીતોથી તાંબુલપાનનો રસિલો રસયુક્ત ઇતિહાસ આપણને જાણવા મળે છે. સંસ્કૃતમાં તાંબુલપત્ર, વ્રજભાષામાં બિરીપત્ર, યજુર્વેદમાં નાગવલ્લી તરીકે ઓળખાતાં આ પત્તાઓને આપણે સામાન્ય રીતે નાગરવેલનાં પાન તરીકે જાણીએ છીએ.

 

ઇતિહાસ કહે છે કે દ્વાપર યુગથી આપણા દેશમાં ભોજન પછી તાંબુલ પત્ર  ખાવાની પ્રથા શરૂ થઈ હતી જે આજે પણ પ્રચલિત છે. હિન્દુ માન્યતા પ્રમાણે અમૃત મંથનમાંથી નાગવલ્લીનાં પાનની ઉત્પત્તિ થઈ હતી. સાગરમંથન કરતાં ૧૪ રત્નો નીકળ્યાં. તે રત્નોમાં ૧૪ માં અને છેલ્લા નીકળેલા તે ધન્વંતરિ હતાં. જ્યારે દેવ ધન્વંતરિ પ્રગટ થયાં ત્યારે તેમનાં હસ્તમાં તાંબુલ પત્ર સાથેનો અમૃતનો કલશ હતો. નાગવલ્લીનાં પાનનું દરેક શુભ કાર્યમાં અને પ્રસંગોમાં ભાવનાત્મક મહત્વ રહેલું હોઈ તેને આનંદ અને અભિમાનનું પ્રતિક માનવામાં આવે છે.

 

યર્જુવેદમાં કહ્યું છે કે પિપ્પલ અર્થાત પીપળ પાન, અશોકનાં (આસોપાલવ) પાન, આમ્રનાં (આંબો) પાન, શમીનાં પાન અને નાગરવેલનાં પાન આ પાંચ પ્રકારના પાન ખૂબ પવિત્ર ગણાય છે,  કારણ કે તેમાં વિવિધ દેવ અને દેવીઓનો વાસ રહેલો હોવાથી સામાજીક, આર્થિક કે ધાર્મિક કોઈપણ કાર્યની પૂર્તિ આ પાંચમાંથી કોઈપણ પ્રકારના એક પાન વડે થઈ જાય છે. નાગરવેલનાં પાનનો વેલો દ્રાક્ષનાં વેલાની જેમ  ભૂમિ પર પથરાય છે અથવા માંડવડી ઉપર બંધાય છે. તાંબુલ પાનનો ગુણધર્મ તીખો, કડવો, શરીરમાં ગરમી ઉત્પન્ન કરનાર હોવાં છતાં તે મુખને સુવાસિત કરીને ભોજનને પચાવવામાં પાચનશક્તિ પ્રદાન કરે છે. નાગરવેલના પાનનો સૌથી વધુ ઉપયોગ આયુર્વેદમાં થાય છે. આયુર્વેદમાં કહ્યું છે કે રોજ એક પાન ખાવાથી પાચનશક્તિમાં વધારો થાય છે, પરંતુ પાનનો વધુ પડતો ઉપયોગ શરીરને નુકશાન પહુંચાડે છે. વધુ પડતાં પાનનાં ઉપયોગથી સ્વાદપિંડ, મો, ગળાનું કેન્સર થઈ શકે છે. જે વ્યક્તિઓને વાયુ અને પિત્ત પ્રકૃતિ હોય છે તેમને માટે તાંબૂલ અર્થાત નાગરવેલના પાન આર્શીર્વાદરૂપ છે કારણ કે આ પાન વાત, વાયુ, પિત્ત, કફ, કૃમિ, મધુપ્રમેહ (ડાયાબિટીસ) અને કબજિયાતને દૂર કરે છે.

 

શ્રી ગાંડાભાઈ વલ્લભભાઈનું કહેવું છે કે,  નાગરવેલનું પાન તીખું, કડવું, તુરું, તીક્ષ્ણ, ગરમ, રુચી ઉપજાવનાર, ઝાડો સાફ લાવનાર, પીત્ત કરનાર, બળ આપનાર, કફનાશક, મોંની દુર્ગંધ દુર કરનાર તથા થાક દુર કરે છે. નાગરવેલનાં પાનમાં એક જાતનું સુગંધીત તૈલી દ્રવ્ય રહેલું છે, જે મોંને ચોખ્ખું કરે છે, દાંતમાં સડો થતો અટકાવે છે અને ખોરાકના પાચન માટે જરુરી પાચક રસોનો સ્રાવ કરે છે. શ્રી ગાંડાભાઈનાં કહેવા મુજબ નાગરવેલના પાનમાં અડધી ચમચી મધ અને અડધી ચમચી હળદર તથા આદુનો એક ટુકડો મુકી ખુબ ચાવીને દીવસમાં ત્રણ-ચાર વાર ખાવાથી શરદી, સળેખમ, ઉધરસ જેવા કફના રોગો મટે છે. ( શ્રી ગાંડાભાઈ લિખિત નાગરવેલનાં પાનની વિશેષ માહિતી gandabhaivallabh.wordpress.com પર મળશે.) આયુર્વેદ અને ભોજન ઉપરાંત ધાર્મિક વિધિ માટે પણ તાંબુલપત્રનું ઘણું જ મહત્વ છે. પ્રાચીન સમયમાં પાન તૈયાર કરવામાં ૨૨ પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ થતો હતો.

 

(૧) નાગરવેલનું પાન, (૨) સોપારી, (૩) ચૂનો, (૪) તમાકુ, (૫) કાથો, (૬) કસ્તૂરી, (૭) સોના અને ચાંદીનો વરખ, (૮) લીલી વરિયાળી (સુકાયેલી નહીં તેવી ભીની વરિયાળી), (૯) બદામ, (૧૦) મરી, (૧૧) કેસર, (૧૨) જાયફળ (૧૩) જાવંત્રી, (૧૪) એલચી, (૧૫) લવિંગ (૧૬) સૂંઠ, (૧૭) આદુ, (૧૮) ચંદન, (૧૯) સૂકું અને લીલું નાળિયેર, (૨૦) તજ, અને (૨૧) કપૂર, (૨૨) ખારેક.

 

આજનાં સમયમાં ઉપરની સામગ્રીઓ સાથે ગુલકંદ, કાજુ, દ્રાક્ષ, અખરોટ, ખજૂર, મિંટ, ધાણાદાળ, ચોકલેટ સાથે અનેક અન્ય સામગ્રીઓઑ પણ ઉપયોગ થાય છે.  નાગરવેલનાં પાનમાં ક્લોરોફિલ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. નાગવલ્લીનાં રસમાંથી અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. નાગવલ્લીનાંમાં પાનમાં અનેક રોગો મટાડવાનો મોટો સ્ત્રોત રહેલો હોઇ અનેક બીમારીઓના ઉપચારમાં તેનો ઉપયોગ લાભદાયી માનવામાં આવ્યો છે. આયુર્વેદમાં કહ્યું છે કે નાગરવેલનાં પાનમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં રહેલું છે. તેમાં નાખવામાં આવતો કાથો, ચૂનો, વરિયાળી,  લવિંગ,  ગુલકંદ,  સોપારી,  નારિયળ, એલચી,  ધાણાદાળ આ બધા જ ખાદ્ય તત્વો પાચનશક્તિને તંદુરસ્ત રાખવા માટે રામબાણનું કામ કરે છે. આયુર્વેદમાં જણાવ્યાં મુજબ સવારના સમયે પાન ખાતી વખતે સોપારીનો ઉપયોગ વધુ કરવો જોઈએ. બપોરના સમયમાં પાન ખાતી વખતે કાથો અને રાત્રીના સમયે ચૂનાનો પ્રયોગ વધુ કરવો જોઈએ. એક સમય હતો જેમાં કસ્તૂરી, સોના-ચાંદીનાં વરખનો ઉપયોગ કેવળ ઉચ્ચવર્ગ, અને ધનવાન લોકો કરી શકતાં હતાં પરંતુ સામાન્ય માણસો દ્વારા પત્ર ખરીદવા મુશ્કેલ હતાં તેથી તેઓએ કસ્તૂરી અને વરખનું સ્થાન લવિંગ અને એલચીને આપ્યું હતું, કારણ કે લવિંગ અને એલચીનું મૂલ્ય પણ ઓછું અને ખાવામાં પણ તે સુપાથ્ય છે.

 

વ્રજ ઇતિહાસમાં કહ્યું છે કે યમુનાજીની કુંજમાં ભગવાન કૃષ્ણ રાધિકા સંગે બિરીપત્ર આરોગતાં હતાં. કારણ કે શ્રી યમુનાજી ઉત્તમોત્તમ બિરી બનાવતાં હતાં. પુષ્ટિમાર્ગમાં દિવાળીમાં થતાં હાટડીનાં દર્શન થાય છે. આ હાટડીની કથામાં જણાવવામાં આવ્યું છે કે યમુના તટ્ટ પર ભગવાન શ્રી કૃષ્ણએ પાન, બિરી અને બિરીમાં વપરાતી સામગ્રીઓની હાટડી માંડી છે અને સખીજનો તેમજ ગોપીજનો ઠાકુરજી પાસે સામગ્રીઓ ખરીદવા આવે છે. આજે પણ પુષ્ટિમાર્ગની ગૃહસેવામાં બિરી એક મહત્તમ ભાગ છે અને કૃષ્ણમંદિર અને હવેલીઓમાં બિરિસેવા પણ કરવામાં આવે છે.

 

તાંબુલ શાસ્ત્રોમાં કહ્યું છે કે સમાજની ધનવાન ગણાતી પરંતુ પુરુષને પ્રસન્ન કરવાનું કાર્ય કરતી ગણિકાઑ તાંબુલનો વધુ ઉપયોગ કરતી હતી તેનું મુખ્ય કારણ એ હતું કે કાથાનાં ઉપયોગથી હોઠ લાલ રહેતાં હતાં, અને લાલ હોઠ આકર્ષણનું કારણ બનતાં હતાં. આમ ગણિકાઑ પાન દ્વારા ધનવાન પુરુષોને આકર્ષિત કરતી હતી. મૃચ્છકટીકમ્માં પણ તાંબુલપત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. કામસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પોતાનાં પતિને ગણિકાઓનાં સુગંધી અને લાલ આકર્ષિત કરનાર ઓષ્ટદ્વયથી બચાવવા માટે ઉચ્ચ વર્ગની ગૃહિણીઑ પણ તાંબુલનો ઉપયોગ કરતી અને એ રીતે પોતાનાં પતિને ગણિકાઑ પાસે જવા માટે અવરોધ ઉત્પન્ન કરતી. લાલિત્ય શાસ્ત્ર પ્રમાણે વિલાસી સ્ત્રી પુરૂષોએ કાથાયુક્ત પાનને વધુ મહત્વ આપ્યું છે.

 

આ ઉપરાંત વિક્રમ રાજાની વૈતાળ પચીસીની વાર્તાઑમાં પણ ચમત્કારિક તાંબુલ પત્રોનો ઉલ્લેખ થયેલો છે. ભારતમાં થઈ ગયેલા વિવિધ આચાર્યો કહે છે કે સવારે સ્નાન કર્યા પછી અને રાત્રિના સમયે ભોજન કર્યા પછી મુખનો સ્વાદ જાળવી રાખવા, મુખને શુધ્ધ અને સુગંધિત કરવા માટે તાંબૂલપાનનો ઉપયોગ કરવાથી તન અને મન બંને શુધ્ધ રહે છે. પાન ખાવાની પ્રથા ભલે પ્રાચીન યુગથી ભારતમાં થઈ હોય, પણ પાનનાં ઈતિહાસનું થોડું ઘણું અસ્તિત્વ ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, થાઈલેંડમાંથી પણ મળી આવ્યું છે. પરંતુ સાથે સાથે એવો પણ ઉલ્લેખ થયેલો છે કે એશિયાઈ દેશોમાં પાન ચાવવાની પ્રથા બોધ્ધ ધર્મ દ્વારા ફેલાવવામાં આવી હતી. આજે પણ ભારત સિવાય પાકિસ્તાન, થાઈલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, તાઇવાન, બર્મા, બાંગલાદેશ, મલેશિયા, વિયેટનામ વગેરે દેશોમાં પાનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

 

પાકિસ્તાનની મારી સફર દરમ્યાન નાગરવેલનાં પાન સાથે બીજી ૧૨ વસ્તુઓનો કાવો પીધેલો. પાકિસ્તાનનાં લોકોનું કહેવું હતું કે વિન્ટરમાં નાગરવેલનો કાવો પીવાથી ગળું સાફ રહે છે અને ઠંડીની સામે શરીરને વોર્મ રાખે છે. (કાવા માટે નાગરવેલનાં પાન 3-4, ફૂદીનો, તુલસી, મરી, જીરું, તજ, લવિંગ, મેથી, વરિયાળી, એલચી, આદું, ડીલસીડ્સ–સુવા અને આખા સૂકા ધાણા 2 સૂપ સ્પૂન લેવા)

 

નાગવલ્લીના પાનનો ઉપયોગ આપણે ત્યાં વિવાહ પ્રસંગે ખાસ કરવામાં આવે છે. નાગવલ્લીનાં પાનને સિંહાસન બનાવીને તેના ઉપર શ્રી ગણેશજી અથવા સોપારીને ગણેશજીનાં સ્વરૂપે સ્થાપિત કરવામાં આવે છે, બંગાળી વિવાહમાં કન્યા ફેરા ફર્યા વગર પોતાનું મુખ પોતાના વરને બતાવતી નથી આથી વરની આજુબાજુ ચોરીફેરા ફરતી વખતે કન્યા પોતાનો ચહેરો પાનથી ઢાંકી રાખે છે, અને ફેરા ફરી લીધા પછી ચહેરા સામેથી પાન ખસેડીને તે પતિને પોતાના મુખનાં દર્શન કરાવે છે.  મધ્ય પ્રદેશમાં વિવાહ  વખતેકન્યાની માતા ઘર આંગણે આવતી જાનને નાગવલ્લીનાં પર્ણો વડે પોંખે છે અને દુલ્હારાજાની નજર ઉતારે છે.  

 

બિહારનાં આદીવાસીઓ ભાઈઓ રક્ષાબંધનને દિવસે પોતાની બહેનને ઘેર રાખડી બંધાવવા જાય ત્યારે બહેનને શુભ શુકન રૂપે નાગરવેલનાં પાન આપે છે, અને જો બહેન ભાઈના ઘેર રાખડી બાંધવા જાય તો ભાઈને માટે થોડા બીડાઑ સાથે લઈને જાય છે. બિહારના રક્ષાબંધનનાં દિવસે આદિવાસીઓમાં ચાલી આવતી આ પરંપરામાં ગૂઢાર્થ રહેલો છે.  જેમાં પ્રથમ જોઈએ કે ભાઈ બહેનને ઘેર ફક્ત સાદા પત્તા લઈને જાય છે અર્થાત ભાઈ બહેનને ગૂઢાર્થમાં કહે છે કે બહેની આ પાનનાં પત્તામાં તું જે પદાર્થ ભરશે તે જ રીતે તારો સંસારને પણ તારે જ ભરવાનો છે, અને એક દિવસ પાનનાં બીડાની જેમ તારો પણ સંસાર ભર્યો ભર્યો મઘમઘીત થઈ જશે. જ્યારે બહેની એ ભાઈને ત્યાં ભરેલા બીડાઑ લઈ જાય છે અર્થાત બહેની ભાઈને મોઘમમાં કહે છે કે ભાઈ તારો સંસાર આ પાનનાં બીડા જેવો જ ભર્યોભાદર્યો રહે, અને તારા સંસારમાં સદાયે મીઠાશ રહે.

 

જ્યારે અમુક મરાઠીઑમાં વિવાહને દિવસે વધૂઓનાં હસ્તમાં નાગરવેલનાં  પાન અને અક્ષત અર્થાત ચોખા આપી કહેવામાં આવે છે કે, તારો સંસાર સદાયે લીલોછમ્મ રહે અને તારું સૌભાગ્ય અક્ષત અને અખંડ રહે. આમ હિન્દુ ધર્મમાં જન્મ-મૃત્યુ, વિવાહ, વ્રત પૂજન વગેરેમાં અનેક કાર્યમાં ઉપયોગી એવા નાગવલ્લી, નાગરવેલનાં પાન સાથે આપણો અનોખો સંબંધ બંધાયેલો છે, અને આજ સંબંધ હિન્દુ ધર્મમાં કૌટુંબિક, શૃંગારિક, લાલિત્યિક દૃષ્ટિએ એક અલગ ઓળખ બનાવી જાય છે. 

 

 

 

પૂર્વી  મોદી મલકાણ –યુ એસ એ
[email protected]

Copyright©પૂર્વી મોદી મલકાણ-2013

 

 

આજની પોસ્ટ પારિજાત વર્ડ પ્રેસ.કોમ (https://pareejat.wordpress.com/) પરથી લેવામાં આવેલ છે, ઉપરોક્ત પોસ્ટ પુન: પ્રસિદ્ધ કરવા માટે ‘દાદીમા ની પોટલી’ ને અનુમતિ આપવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ.) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.