મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … [ભાગ-૬] …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …
‘શ્રી વલ્લભ સાખી … ‘(૪૦-૪૩) …
-મહેશ શાહ, વડોદરા, ગુજરાત.

ભાગ – [૬]

 

 

vallabh sakhi

 

 
દેખી દેહ સુરંગ યહ, મતિ લડાવે લાડ |
ગણિકા કી સી મિત્રતા, અંત હોગી ભાડ ||૪૦||

 

 

        અહીં પણ કાયાની વાત છે. સુ-રંગ અર્થાત રંગદાર, ભભકાદાર, દેખાવડું એવા આ દેહના મોહમાં જે કોઈ ફસાયું છે તેની અવનતિ  જ થઇ છે. પોતાના કે અન્યના દેહની સુંદરતા માત્ર ઉપરછલ્લી જ છે. આવા આ માત્ર બાહ્ય રીતે સુંદર અને આકર્ષક દેહનું બહુ લાલન પાલન કરવાનો કોઈ અર્થ નથી કારણ કે જીવન ક્ષણ ભંગુર છે ક્યારે શ્વાસની શરણાઈ શાંત થઇ જશે તે ખબર નથી તેને સજાવવામાં કપડાં-ઘરેણાં કે ટાપટીપ પાછળ માનવ જીવનની, પુષ્ટિ સેવાની અમુલ્ય ક્ષણો બરબાદ ન કરીએ.  જેટલી પણ ક્ષણો મળે તે સર્વ  કાયાના કલ્યાણમાં, પ્રભુની સેવામાં  અને કોઈને ઉપયોગી થવામાં સદુપયોગ કરી સાર્થક કરીએ. લાડ લડાવવા જ હોય તો યશોદાના લાલાને લડાવીએ. દેહનો સાથ શાશ્વત નથી. તેના પાયામાં ગણિકા જેવી સ્વાર્થી ભાવનાઓ રહેલી  છે. આ દેહ અંતે તો આગમાં જ જલી રાખ થવાનો છે. પોતાના દેહને પણ સ્વર્ગે લઇ જવાનો ત્રિશંકુનો અભરખો પૂરો થયો ન હતો તે યાદ રાખીએ. બીજી રીતે વિચારીએ તો દેહ તો આત્મ કલ્યાણનું ઉત્તમ સાધન બની શકે તેમ છે તેનો તેવો જ ઉપયોગ કરીએ પ્રભુના સ્નેહના પીયૂષનું  મન ભરીને પાન કરી લઈએ. ફરી આવો અવસર ક્યાંથી મળશે? દેહની માયા અને તેની અહંતા-મમતાના ચક્કરમાં ફસાઈએ નહીં.  પોતાના  દેહની માયા રાખવાનું પણ વ્યર્થ હોય  તો પછી અન્ય (પતિ/પત્ની, માવતર, બાળકો….)ના દેહની માયા કેમ રખાય? જડભરતની કથા યાદ રાખીને માયા, મમતાના મોહપાશમાંથી બચીએ.

 

દેહ દેખ સુરંગ યહ, મત ભૂલે તૂં ગંવાર |
હાડ માંસકી કોટડી, ભીતર ભરી ભંગાર ||૪૧||

 

 

આપણો સુરંગ (રૂડો રૂપાળો) દેહ ખરેખર તો એક છેતરામણી સુરંગ (ટનલ/બોગદું) જ છે. જો તેમાં અટવાઈ ગયા તો જરૂર પંથ ભૂલેલા પથિક બની જવાના. આ ભયંકર ભોંયરૂં તો ભવ્ય ભુલભુલામણી છે. તેમાં ભલભલા  ઋષિ મુની, સંતો, મહંતો અને સિદ્ધ પુરુષો ભૂલા પડી ભવાટવીમાં ભટકી ગયા છે. ઉપર ઉપરથી આકર્ષક અને લોભામણા આ માનવ દેહની સુંદરતા ચામડીથી જ છે. એટલે જ કહયું છે કે ‘Bodily beauty is only skin deep’. ચમકતી ચામડીનું આવરણ હટાવીએ એટલે પછી અંદર તો રક્ત, માંસ, હાડકાં, અને કચરરૂપી  ગંદકી જ ભરેલી છે. એ ભંગાર ઉપર રૂપાળું આવરણ મઢેલું છે.  આજે જેમ બજારમાં કચરો માલ પણ આકર્ષક બાહ્ય પેકિંગના બળે ચાલી જાય છે તેવું જ આપણા શારીરિક સૌન્દર્યનું છે. આ વાત સતત યાદ રાખવી જોઈએ. જે કોઈ તેને ભૂલવાની ભૂલ કરે તેને ગંવાર અર્થાત બુધ્ધુ, અક્કલનો ઓથમીર જ કહેવો પડે. આપણી સરકાર પદ્મશ્રી, પદ્મ ભૂષણ જેવા ‘પદ્મ’ પુરસ્કારો આપે છે. તેવી જ રીતે આવી ભૂલ કરનારને માટે આધ્યાત્મિક ક્ષેત્રે મુર્ખશ્રી, મુર્ખભૂષણ, મુર્ખવિભૂષણ જેવા પુરસ્કારો અપાવા જોઈએ!

આવી કોઈ વ્યવસ્થા ક્યારેય પણ થાય તો આ લેખકનું  નામ તેમાં બહુ આગળ હશે. તમારૂં ?

 

 

મહામાન મદ ચાતુરી, ગરવાઇ ઔર નેહ |
યહ પાંચો જબ જાયેંગે, તબ માનો સુખ દેહ ||૪૨||

 

 

આ પહેલાંની ચાર સાખીમાં દોજખના દ્વારે દોરનારા દુશ્મન દેહના દીવાનાપણાથી બચવા સલાહ આપી.  હવે, શ્રીહરિરાયજી  આ સાખીમાં માનવીના ઉત્કર્ષમાં અવરોધરૂપ પાંચ સનાતન ભય સ્થાનોની વાત કરે છે. આપણાં સઘળાં શાસ્ત્રોમાં સર્વત્ર આ પાંચ દુર્ગુણોથી બચવાની વાત કહેવામાં આવી છે. સત્ય તો એ છે કે  આ કાયમી દુશ્મનોથી બચવાની સલાહ તો જગતના બધા જ ધર્મ શાસ્ત્રોમાં અપાઈ છે. એ અર્થમાં આ સનાતન શત્રુઓ છે.

 

 

અભિમાન અને પોતાની શક્તિનો મદ એ બે શબ્દોથી તુરત જ લંકાપતિ રાવણ યાદ આવી જાય. તે મહાન શિવ ભક્ત હતો, શાસ્ત્રોનો જ્ઞાતા હતો, મહાપ્રતાપી રાજા હતો, તેણે કુદરતી શક્તિઓને વૈજ્ઞાનિક યુક્તિઓથી પોતાની સેવામાં જોડી હતી પણ  અભિમાન અને મદના કારણે તેણે પોતાનો જીવ ખોયો એટલું જ નહીં તેના પ્રતાપી પુત્ર ઇન્દ્રદમન અને બળવાન ભાઈ કુંભકરણ સહીત અનેક યોધ્ધાઓ પણ મૃત્યુને ભેટ્યા. સોનાની લંકા વિનાશના આરે પહોંચી ગઈ. આ બે દુર્ગુણોએ તો અનેકના પતન કર્યાં છે. આજના યુગમાં યાદ કરીએ તો હિટલર અને હજુ હમણાં સદ્દામ હુસેનના દાખલા હાજર જ છે. કહે છે કે જ્યારે હાથી મદમાં હોય ત્યારે ભયંકર રીતે જોખમી બની જાય છે. તેવી જ રીતે પોતાની શક્તિઓના મદમાં મસ્ત માણસ લાખો શું કરોડોનો સંહાર નોતરે છે. તેથી પણ વિશેષ, સ્વયં પતનની ગર્તામાં ધકેલાઈ જાય છે.

 

 

અહીં ચાતુરીનો અર્થ લુચ્ચાઈ છે. શિયાળ જેવી ચાતુરીની વાત છે. મહાભારતમાં કદાચ સૌથી વધુ ‘ચતુર’ પાત્ર મામા શકુનિનું છે. બુદ્ધિ અને તર્કશક્તિ હોય પણ વિવેકનો અભાવ હોય તો તે ઘાતક બને છે અને અન્યનું તો જે થાય તે પણ તેવી ‘શક્તિઓ’ ધારણ કરનારનું તો જરૂર અહિત કરે છે. આવા લોકો પોતાની ચતુરાઈનો ઉપયોગ કરીને અન્યને છેતરવા કે હેરાન કરવાને પોતાની હોશિયારી સમજે છે. આ ગેરસમજ જ તેમને  અભિમાન, મદ અને ગર્વના દુષણો સુધી દોરી જાય છે. એટલે ખરેખર તો આ ચતુરાઈ તેમની પોતાની જ દુશ્મન બની જાય છે અને પ્રભુ-પ્રેમની પ્રાપ્તિ કે પુણ્ય કમાવાના શ્રેયના રસ્તે આગળ વધવા નથી દેતી. શ્રેય અને પ્રેયના  દ્વંદમાં યોગ્ય કે શ્રેયસ્કર માર્ગે પ્રગતિ નથી થઇ શકતી.

 

 

નેહ અર્થાત સ્નેહ, પ્રેમ, મોહ, મમતા. ભૌતિક પદાર્થો  કે સાંસારિક લોકોમાં કે પછી સ્વમાં પણ સ્નેહ કરવો અર્થાત નાશવંત, ક્ષણભંગુર, ક્ષુલ્લકને ગળે લગાડવું. સોનું છોડી કથીર ગાંઠે બાંધવું.  પરમ સુંદર શ્રી કૃષ્ણ પ્રભુમાં સ્નેહ કરીએ તો પરમ પદાર્થ પામીએ. એક ચિત્તથી સેવા કરીએ, લોક-વેદની મર્યાદાઓને ભૂલીને એક માત્ર પ્રભુને  અંતરના અતલ ઊંડાણથી સ્નેહ કરીએ, ગોપીજનોની કક્ષાએ ન પહોંચીએ તો પણ ૮૪-૨૫૨ વૈષ્ણવોએ કરેલા અસીમ પ્રેમના સીમાડે પણ પહોંચી શકીએ  તો જરૂર પ્રભુની પ્રીતિ પ્રાપ્ત થાય. આચાર્યશ્રીએ તો કહયું છે કે ચિત્ત પરોવીને તનુ-વિત્તજા સેવા કરીશું તો માનસી સેવાનું પરમ ફળ પ્રાપ્ત થશે.

 

 

આપણે બડભાગી છીએ કે પુષ્ટિમાં વરણ થયું છે, શ્રી વલ્લભે શરણે લીધા છે એટલે આવો, આપણે આપણા માર્ગના સિદ્ધાંતોના સંદર્ભે આ વાત વિચારીએ. આપણે ત્યાં દીનતાનો અત્યંત મહિમા છે. બીજી રીતે જોઈએ તો આપણો પ્રેમનો માર્ગ છે તેમાં પ્રેમ, સ્નેહ, દુલાર, સમર્પણ જ આવે. પેલા કવિએ કહયું છે તેમ પ્રેમની ગલી અત્યંત સાંકડી હોય છે તેમાં અભિમાન, મદ, ચતુરાઈને માટે જગ્યા જ ક્યાં રહે છે? આપણે સતત પ્રભુની પ્રસન્નતાનું,  સ્વામીના સુખનું, વહાલાની વહાલપનું ચિંતન કરવાનું છે, એ જ ભાવનાથી સેવામાં મન પરોવવાનું છે. શ્રી કૃષ્ણાશ્રય અને શ્રી વિવેક ધૈર્યાશ્રય જેવા ગ્રંથોમાં અપાયેલી શ્રી આચાર્યજીની આજ્ઞાને સમજીને જીવનમાં ઉતારીએ તો પછી આ પાંચ તો શું કોઈ પણ અનિષ્ટ આપણા પ્રિતમ અને આપણી વચ્ચે અવરોધ કરી નહીં શકે.

 

ભવસાગર કે તરન કી, બડી અટપટી ચાલ |
શ્રીવિઠ્ઠલેશ પ્રતાપ બલ, ઉતરત હૈં તત્કાલ ||૪૩||

 

 

       સંસાર સમુદ્રમાં ડૂબકાં ખાતાં જીવો માટે સૌથી ગહન, સૌથી અઘરો સવાલ એક જ છે કે તેમાંથી પાર કેમ ઉતરવું? દેવી દેવતાઓ અને ઋષિ મુનીઓ પણ પ્રભુની માયાનો તાગ પામી શક્યા નથી. કંઈ કેટલાયે ઉપાયો, કંઈ કેટલાય પુણ્યકર્મો, યજ્ઞો, યાત્રાઓ, દાન તો ઠીક કંઈ કેટલાયે જન્મો પછી પણ ભવાટવીના ચક્કરમાંથી મુક્ત થઇ શકાતું નથી. તેનો પાર પામવાના ઉપાયો અત્યંત કઠીન, અત્યંત અઘરા છે. પાર પામવાનું તો ઠીક, આ ઉપાયો  સમજવાનું પણ મુશ્કેલ છે. તેને સમજવા જતાં ભલભલા જ્ઞાનીઓ ગોથાં ખાઈ જાય છે. અહીં ૧+૧ હંમેશા  ૨ નથી થતા પ્રભુ કૃપા કરે તો ૧૧ પણ થાય અને નહીંતર શૂન્ય થઈને પણ ઉભા રહે. દરિયાને પાર જવું હોય તો મજબૂત જહાજ (સ્ટીમર) જોઈએ એટલું જ નહીં સારા  સુકાની (કેપ્ટન) જોઈએ. ભવસાગર તરવા આપણને શ્રી વલ્લભની કૃપાથી પુનિત પુષ્ટિ જહાજમાં સ્થાન તો મળી ગયું છે અને આ જહાજના સમર્થ સુકાની શ્રી વિઠ્ઠલેશના પ્રતાપબળે વિના વિલંબ આપણે પાર ઉતરવાના જ છીએ તેમ અહીં શ્રીહરિરાયજી કહે છે. આપણે આ બાબત નિશ્ચિંત થઇ જવું જોઈએ કારણ કે ગીતાજીમાં જ પ્રભુની આજ્ઞા છે કે, “સંશયાત્માનો વિનાશ થાય છે”. આપણા ભક્ત કવિ શ્રી દયારામભાઈ પણ એજ કહે છે કે “નિશ્ચેના મહેલમાં વસે મારો વહાલમો”.  શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે પરિસ્થિતિ ભલેને ગમે તેવી વિકટ હોય પ્રભુની નિકટ જઈએ (કે સતત રહીએ) તો આપણને બાધક નહીં થઇ શકે. તેવી જ રીતે જો શ્રી વિવેક ધૈર્યાશ્રાયનું અનુસરણ કરીએ તો પણ આપણાં મનમાં શ્રધ્ધા અને નિશ્ચયની ભાવના દ્રઢ થઇ શકશે. આવી દ્રઢતા જ પુષ્ટિ પથે આપણાં કદમ લડખડાતાં અટકાવશે. આવી દ્રઢતાના સહારે જ આપણે શ્રી ચતુ:શ્ર્લોકીમાં પ્રબોધાયેલા વૈષ્ણવના ચાર પુરુષાર્થનું યોગ્ય રીતે પાલન કરી શકીએ.

 

 

 

અંતતોગત્વા, આપણા વિવેક અને  ધૈર્ય, આપણો આશ્રય, આપણો ઉધ્ધાર, સર્વ શ્રી વલ્લભ અને આપના અશેષ મહાત્મ્યના ધારક વલ્લભ વંશની કૃપાના આશ્રિત છે.

 

 

આજે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.

 

ક્રમશ:

© Mahesh Shah 2013

મહેશ શાહ , જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩


 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.