|| શિક્ષાપત્ર ૪૦ મું || … અને (૪૧) ઐસો ભક્ત તરે ઔર તારે … (પદ) …

|| શિક્ષાપત્ર ૪૦ મું || …

 

 48

 

 

સાડા પાંચ શ્લોકથી નિરૂપિત શિક્ષાપત્ર ઓગણચાલીસમું, જેમાં ભગવદ્દ સેવા અને વૈષ્ણવનાં પરમ કર્તવ્યનું નિરૂપણ વિચારાયું.  એ જોતા, શ્રી કૃષ્ણને પામવા વૈષ્ણવે સ્વમાર્ગીય રીતે તનુ વિત્ત્જા સેવા, જે બ્રહ્મસંબંધ લીધેલ છે એ બ્રહ્મસંબંધના ભાવનું ભગવદીયો સાથે સત્સંગ, પ્રભુમાં દ્રઢ વિશ્વાસ.  ચિત્ત શુદ્ધિ માટે ધર્મ માર્ગની પ્રવૃત્તિ અને શ્રી વલ્લભનાં ચરણકમળોમાં દ્રઢ વિશ્વાસ.  વૈષ્ણવોનો એક જ મનોરથ હોવો જોઈએ કે, “બસો મેરે નયનન મેં”.  શ્રીજી મારા આંખમાં આવીને બિરાજો.  મારા હૃદયમાં આવીને બિરાજો.  એજ નેત્રોથી, એજ અંત:કરણથી ભગવદ રસાત્મક સર્વ લીલા સહિતના અનુભવોમાં સંમલિત થઇ જવું એજ પુષ્ટિમાર્ગનું પરમ ફળ છે.  જે દેવોને દુર્લભ છે.  જ્ઞાનીને, તપસ્વીઓને, કર્મયોગીઓને, ધર્મીઓને દુર્લભ છે.  જે પુષ્ટિ ભક્તોને સુલભ છે.

 

અત્રે ચાલીસમાં શિક્ષાપત્રના તેત્રીસ શ્લોકથી શ્રી હરિરાયચરણ પોતે નિરૂપણ કરે છે કે, “હું (હરિરાય) સાધન રહિત થયો છું.”  એ બતાવવા માટે બહુ જ દીનતાના વચનો છે.  સ્વધર્મ જાણવા છતાં હૃદયની અશુદ્ધિને લીધે સેવા, સ્મરણ ને સત્સંગ નથી તેનું મહા દુઃખ છે.  જે જણાવતો શ્લોક,

 

પત્રદ્વારા પ્રકરવૈ સ્વદુઃખવિનિવેદનમ્ |
મહત્તરાખ્યે ચલિતે દૂરગેષુ ભવત્સુ ચ ||૧||

 

જાનામિ નિજમાર્ગસ્ય ધર્મં કિંચિતકૃપાબલાત |
તદસિદ્ધિજહ્વત્કલેશં કો મે દૂરીકરિષ્યતિ ||૨||

 

અર્થાત, પ્રથમતો “મહત્તર નામનો વૈષ્ણવ ચાલ્યો ગયો છે.  અને તમો (શ્રી ગોપેશ્વરજી શ્રી હરિરાયચરણના લઘુભ્રાતા)  પણ દૂર છો.  તેથી જે મને (શ્રી હરિરાયજીને) દુઃખ થયું છે તે,  મારા (શ્રી હરિરાયજીના) દુઃખને વિશેષ કરીને જણાવવાનો પ્રયત્ન પત્ર દ્વારા કરું છું.  કંઈક મોટાઓના કૃપા બલથી પુષ્ટિમાર્ગના ધર્મને જાણું છું.  પણ તે ધર્મની અશુદ્ધિને લીધે થયેલો જે હૃદયનો કલેશ છે.  તેને કોણ દૂર કરશે ?”

 

(અત્રે જણાવવું તથા જાણવું અતિ આવશ્યક છે.  જ્યાં જ્યાં ‘હું’, ‘મને’, ‘મારું’, ‘મારી’  વગેરે વિશેષણ આવશે ત્યાં ત્યાં આચાર્યચરણ શ્રી હરિરાયજી પોતે કહે છે.  એ સંદર્ભ સ્વીકારવો)

 

મહત્તર નામનો ભગવદીય મારી પાસેથી પોતાના કામ માટે દૂર થયો છે.  એટલે તે પણ મને છોડીને જતો રહ્યો છે.  એટલે સત્સંગ ન થવા નું દુઃખ છે.  (શ્રી ગોપેશ્વરજી શ્રીહરિરાયચરણના લઘુભ્રાતા છે)  તેથી એમને સંબોધીને જણાવે છે કે, તમો મારા વ્હાલાભાઈ છો.  સર્વ રીતે લાયક છો.  તથા અત્રે મારાથી ઘણાજ દૂર છો.  જો તમે પાસે હોત તો દુઃખમાં સહાય કરત.  તેમજ તમારા સાંનિધ્યથી મને દુઃખ જ હોત નહિ.

 

શ્રી હરિરાય ચરણ પોતાનું બીજું દુઃખ જણાવતા કહે છે કે, શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુંસાઈજી ની કૃપાબળથી પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો તથા પુષ્ટિમાર્ગને જાણવા સમજવાની શક્તિ મળી છે.  પણ એનું પાલન કરી શકાતું નથી.  હરિરાયજીના સેવ્ય પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજી નાથદ્વારામાં બિરાજે છે.  પોતે જેસલમેરમાં દૂર દૂર બિરાજે છે.

 

સ્વપ્રભુની સેવાથી વિમુખ છે.  જે સેવાના સિધ્ધાંતનો આગ્રહ રાખે છે.  એ સેવા એમનાથી થતી નથી એનો કલેશ હૃદયમાં કરે છે.  હું સાધન રહિત છું.  ભગવદીય ગયા છે.  સત્સંગ નથી.  દુ:સંગ બહુ જ છે જેની વ્યથા અનુભવાય છે.

 

પ્રાય: પાષષ્ડિમુખ્યોડહં હરિણા હૃદિ ચિન્તિત : |
કૃપાલુરપ્યુપેક્ષાં મે કુરુતે દીનવત્સલ : ||૩||

 

એટલે કે, વિશેષ કરીને હું પાખંડીઓમાં મુખ્ય છું.  એવું જ હરિએ વિચાર્યું છે.  કારણ કે હરિ કૃપાળુ અને દિનવત્તસલ છે તો પણ મારી ઉપેક્ષા કરે છે.  શ્રી હરિરાયજી જણાવે છે કે, હું સઘળા પાખંડીઓમાં મુખ્ય છે.  શ્રી પ્રભુથી વિમુખ છું.  સત્સંગ અને સેવા ન બનવાથી પુષ્ટિ પ્રભુ જે દયાળુ છે એમને પણ મારી ઉપેક્ષા કરી છે.

 

ઉપેક્ષિતશ્વચેદ્વરિણા સ્વજૈનરપ્યુપેક્ષ્યતે |
અત: કં યામિ શરણં વનસ્થ ઈવ વિસ્મૃત : ||૪||

 

અર્થાત, શ્રી પ્રભુએ મારી ઉપેક્ષા કરી છે.  એટલે વૈષ્ણવોએ પણ ઉપેક્ષા કરી.  એક પછી એક મને છોડીને વનમાં વિસારી દીધો.  અને હું પણ માર્ગ ભૂલી ગયો.  એવો હું કોણે શરણે જાઉં ?  મેં સાંભળ્યું છે કે, પ્રભુ જ્યારે પ્રસન્ન થાય ત્યારે ભગવદીયોને સંગ થાય.  અને પ્રભુ ઉદાસીન થાય ત્યારે ભગવદીયો સંગ છોડીને જતા રહે.  હમણાં મને ભગવદીયોએ છોડી મૂક્યો છે.  જેથી હું જાણું છું કે, શ્રી ભગવાને પણ મારી ઉપેક્ષા કરી છે.

 

તો પછી ભગવાન પ્રસન્ન થયા એ ત્યારે જ ખબર પડે કે, “જબ ભગવદીયન કો મિલન હોય”  વગર વિનંતીએ વૈષ્ણવ સામેથી ચાલી આવે.  અનાયસ વૈષ્ણવ નો સંગ મળી જાય.  સૂરદાસજીએ સરસ કહ્યું કે, “હરિ મિલે સો દિ નીકો.”  જે દિવસે ઠાકોરજીના ભક્ત ભગવદીય મળે એ અતિ ઉત્તમ દિવસ.  કારણ કે જ્યાં ભગવદીય જાય છે, ત્યાં સાથે શ્રી ભગવાન પણ અવશ્ય પધારે છે.  અને આજ વાત શ્રી ઠાકોરજી નારદજી ને પણ કહે છે કે, “જ્યાં મારા બે ભક્તો ભેગા થઇ મારા ગુણગાન ગાતા હોય, સત્સંગ થતો હોય, ત્યાં હું સદા બીરાજુ છું.”  જ્યારે આપણે શ્રી પ્રભુના ગુણગાન ગાતા હોઈએ ત્યારે તે શ્રવણ કરી શ્રી પ્રભુ અતિ પ્રસન્ન થાય છે.  પણ અત્રે ભગવદીયનું મિલન હમણાં શ્રી હરિરાયજી ને નથી તેથી એમને એમ લાગે છે કે, શ્રી પ્રભુએ મારી ઉપેક્ષા કરી છે.

 

પ્રભોરપિ ન વૈ દોષો ગુણલેશોડપિ નો મયિ |
વિસ્મૃત્ય દોષનિચયં યં ગૃહણીયાદ્ ગુણગ્રહ : ||૫||

 

અત્રે શ્રી હરિરાયજી કહે છે કે, “પ્રભુનો દોષ જરા પણ નથી એ સઘળો દોષ મારો જ છે.  હું પ્રભુને લાયક બન્યો જ નથી.  હું તો પગના નખથી માથાની શિખા પર્યંત દોષોથી ભરેલો છું.  પણ હું મારા આ તમામ દોષો વિસરી ગયો છું.  તેથી હું મને મહા ગુણવાન જાણું છું.  આ અજ્ઞાનતા મારામાં છે.  તેજ મારો દોષ છે.  પ્રભુતો સદા ગુણ જ દેખે છે.  મને જ અજ્ઞાનથી ભ્રમ થાય છે કે, શ્રી પ્રભુએ મારી ઉપેક્ષા કરી છે.”

 

યથા નિ: શ્વાસરહિતં કિં કરોતિ સુભેષજમ્ |
તથા વિગતભાવં માં કથાસેવાદિકં પુન: ||૬||

 

એટલે કે, ભાવ વિના હું કથા, સેવા કરું છું.  તે પણ ક્રીયાવત છે.  જેમ જે માણસના છેલ્લા શ્વાસ ચાલ્યા જાય, અને ઉત્તમમાં ઉત્તમ દવા યે એને કોઈ અસર કરતી નથી, એમ ભાવ વિના સેવાની ક્રિયા કરવાથી એવું કાંઈ ફળ મળી શકતું નથી.  ભાવ વિના કથા શ્રવણ કરવાથી પણ એવું ફળ કોઈ પણ મળતું નથી.

 

પ્રાય: કથૈવ નૈષાષ્તિ* (નૈવાષ્તિ) યતસ્તિષ્ઠતિ  ના હૃદિ  |
ન વાનુભવં કુરુતે નિજં ત્યાગડભિધં મયિ ||૭||

 

અત્રે શ્રી હરિરાયજી સાતમો સ્વદોષ બતાવી રહ્યા છે અને કહે છે કે, “હજી મારી લૌકિક વાસનાઓ છૂટી નથી.”

 

અત્રે વિચારવા જેવું છે કે, જે શ્રી હરિરાયજીના સુંદર સ્વરૂપથી મોહિત થયેલ રાજકુંવરીને એના હૃદયનાં વિકારો દૂર કરવા માતૃસ્વરૂપ યશોદાજી રૂપે દર્શન આપ્યા હતા.  જે શ્રી હરિરાયજીએ “કામાખ્યા વિવરણ –દોષ”  નામનો ગ્રંથ લખીને વિષય વાસનાના દોષ વૈષ્ણવોને કેવા બાધક બને છે, એ સમજાવ્યું.    એવા શ્રી હરિરાયચરણ દિનતા પૂર્વક શબ્દોમાં કહી રહયાં છે કે, “મારા લૌકિક વિષયો, મારી લૌકિક વાસનાઓ છૂટતી નથી એનું મને દુઃખ છે.”

 

સેવા તુ પ્રતિબદ્ધા મે ભોગોદ્વેગાદિબાધકૈ : |
ગેહવિત્તાદિકાસક્ત્યા કથં સા માનસો ભવેત્ ||૮||

 

ભોગ, ઉદ્વેગ અને પ્રતિબંધ સેવામાં આ ત્રણ અતિ બાધક છે.  જેમના ઉદ્વેગ અને ભોગને કારણે પોતાની સેવા છૂટી ગયાનું દુઃખ વ્યક્ત કરે છે.  ગૃહ, ધન વગેરેમાં આશક્તિ થી માનસી સેવા સિદ્ધ થતી નથી.

 

તાતપાદેષુ યાતેષુ દુર્ભગસ્ય પરોક્ષતામ્ |
સત્સુ સર્વેષુ યાતેષુ દ્દશોર્દૂરમંહ સ્થિત : ||૯||

 

એટલે કે, તાતપાદ – શ્રી કલ્યાણરાયજી – મારા જેવા દુર્ભાગ્યવાળાથી પરોક્ષ થયા છે.  અને સર્વે સત્પુરુષો દૂર ગયા છે.  તેમની દ્રષ્ટિથી પણ હું દૂર થયો છું.

 

આમ અત્રે શ્રી હરિરાયજી કહે છે કે, શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગ પ્રકટ કર્તા છે.  શ્રી ગુંસાઈજી પુષ્ટિ માર્ગના પ્રકાશ કરનાર છે.  શ્રી ગોકુળનાથજી દ્વારા મારું નામ નિવેદન થયેલ છે.  જે મારા ગુરુચરણ પિતા જ છે.  આ તાત ચરણો મારી પરોક્ષ છે.  હું તેઓથી જૂદો પડ્યો છું:  આથી હું દુર્ભાગ્ય છું.  તથા સર્વગુણ સંપન્ન સત્પુરુષ એવા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવથી પણ હું દૂર છું.  તેથી હું એમ જાણું છું કે, હું દુર્ભાગ્ય છું.  મારું જરા પણ સમાધાન કરનાર કોઈજ નથી.  હું કાંઈ જ કરી શકતો નથી અને દુઃખ પામું છું.

 

શ્રીભાગવતચિન્તા તુ ન વિના સંગતે: સતામ્ |
મનસોડત્યન્તવિક્ષેપાન્ન વા શરણભાવનમ્ ||૧૦||

 

સત્પુરુષનો સત્સંગ નથી.  જેથી ભાવપૂર્ણ શ્રી ભાગવતજીનું ચિંતન પણ થતું નથી.  અને મનના અતિશય વિક્ષેપને કારણે શરણ ભાવના પણ થતા નથી.

 

વાર્ત્તાન્તરકૃતિપ્રેમ્ણા નાષ્ટાક્ષરમનોજ્પ :
મહત્ત્વમત્યા લોકાનાં પ્રપત્ત્યા દૈન્યનાશનમ્ ||૧૧||

 

(ભગવદ્દવાર્તા વિના) અન્ય વાર્તા કરવામાં પ્રેમ થવાથી અષ્ટાક્ષર મંત્ર નો મન:પૂર્વક જપ પણ થતો નથી.  સર્વ લોકો મને મહાન જાણી શરણે આવે છે.  એવી મહત્વમતિથી લોકોની પ્રપત્તિથી દીનતાનો નાશ થાય છે.

 

નિવેદનાનુસન્ધાનં સજ્દિસ્ત્યત્ક્સ્ય  મે કથમ્ |
કેવલં શરણં સર્વત્યાગાભાવાચ્ચ દુર્લભમ્ ||૧૨||

 

સત્પુરુષોએ જેનો ત્યાગ કર્યો છે એવો જે હું તેને નિવેદનનું અનુસંધાન પણ થતું નથી.  વળી સર્વ ત્યાગ પણ નથી.  તેથી કેવળ શરણ પણ દુર્લભ છે.

 

ચચ્ચ્લ્યાચ્ચેત્સ: કુત્ર દ્દઢ: કૃષ્ણપદાશ્રય : |
વિવેકધૈર્યે તદ્વેતૂ મૂર્ખાધીશસ્ય મે કથમ્ ||૧૩||

 

ચિત્તની ચંચળતાથી દ્રઢ પણે શ્રીકૃષ્ણનાં ચરણારવિંદનો આશ્રય પણ ક્યાં ?  અને આશ્રયના કારણરૂપ તો વિવેક તથા ધૈર્ય છે.  તે પણ મારા જેવા મૂર્ખાધીશ ને ક્યાંથી ?

 

ભાવો યદનુભાવેન ભવેન્નિષ્કાસિતસ્તત : |
ક્વ તા વ્રજભુવ: કૃષ્ણચરણામ્બુરુહાંકિતા: ||૧૪||

 

અત્રે શ્રી હરિરાયજી કહે છે કે, કશું જ ન બને તો વૃજલીલાની ભાવના કરવી.  આ ભાવનાથી વૃજલીલાનો અનુભવ થાય.  અને ભાવનો અનુભવતો વૃજ સંબંધી લીલા સામગ્રી જોવાથી થાય.  પણ હું તો વ્રજમાંથી દૂર પરદેશમાં (જેશલમેર) છું.  જેથી અત્રે શું જોઇને વૃજલીલાની ભાવના ઉત્પન્ન થાય.  આમ નિ:સાધાનતાની ભાવના કરતાં કરતાં શ્રી હરિરાયજીને દીનતા આવવાથી તિવ્ર વિપ્રયોગ પ્રકટ થયો.  તેથી દેહનું અનુસંધાન ભૂલી જવાતા, વ્રજની લીલામાં તન્નમય થયેલા શ્રીહરિરાયજી કહે છે કે, વ્રજની ભૂમિ ક્યાં છે ?  જ્યાં વ્રજની લીલાઓ શ્રીકૃષ્ણે વ્રજ ભક્તો સાથે કરી છે.  એવી વ્રજભૂમિ ક્યાં છે?  જ્યાં ઠેકાણે ઠેકાણે શ્રીકૃષ્ણનાં ચરણારવિંદ છે.  જેમાં જમણા ચરણનાં ધ્વજ, વ્રજ, અંકુશ, સ્વસ્તિક, પદ્મ, અષ્ટકોણ, યવ, ઉર્ધ્વ, રેખા, કળશ, તથા ડાબા ચરણનાં ગોપદ, જંબુ, મત્સ્ય, ધનુષ, ત્રિકોણ, અર્ધ ચંન્દ્ર – આકાશ એવા ચરણ ચિહન મુક્ત વ્રજભૂમિ ક્યાં છે ?

 

ક્વ શૈલ: કૃષ્દાસાખ્ય: પુલિન્દીભાવપોષક: |
ક્વ તે શ્રીયમુનોદ્દેશા લીલારસવિતારકા :  ||૧૫||

 

અર્થાત, કૃષ્ણદાસ જેનું નામ છે, એવા પરમ દયાળુ શ્રી ગિરિરાજજી ક્યાં છે ?   જેમણે પુલિંદીજી જેવા નિકૃષ્ટ જાતિના જીવોમાં ભગવદ્દ ભાવનું સ્થાપન કર્યું.  શ્રી ગિરિરાજજી સર્વાંગથી પ્રભુની સેવા કરે છે.  સર્વ ઋતુઓમાં પ્રભુને સુખ આપે છે.  ગાયને સુખ આપે છે.  ગાયનું પોષણ કરનારા શ્રી ગિરિરાજજી ક્યાં છે !   શ્રીકુમારિકાઓના મનોરથ પૂરનાર શ્રી યમુનાજી બિરાજે એવો વ્રજદેશ ક્યાં છે ?  જેવા આશ્રયથી શ્રીકૃષ્ણની લીલાનો અનુભવ થાય છે.  એવા વ્રજનાં સ્થળો ક્યાં છે ?  તનુનવત્વ આપનાર, લીલારસનો વિસ્તાર કરનાર શ્રીયામુનાજીના તટપ્રદેશની મને ક્યારે પ્રાપ્તિ થશે ?

 

ક્વ તે વેણુરેખા યૈર્વા સમાકૃષ્ટા વ્રજસ્થિતા : |
વ્રજનાથકરામ્ભોજ્પ્રોચ્છિતા: ક્વ ગવાં ગણા : ||૧૬||

 

જેણે વ્રજમાં રહેલા વ્રજભક્તોનું આકર્ષણ કર્યું તે વેણુ ર્વ ક્યાં છે ?  એ વેણુ રવ નો નિનાદ મને ક્યારે સંભળાશે ?  અને વ્રજના નાથ શ્રી કૃષ્ણ પોતાના શ્રી હસ્તથી શરીરને પંપાળે છે એવી સઘળી ગાયોને સ્નેહ સુખ દઈ પાલન કરે છે,  એવી અનેક ગાયોનો સમૂહ ક્યાં છે ?  જે ગાયોના સુંદર સમૂહને વ્રજરાજે પોતાના શ્રી કંઠથી પૂરાકર્યા છે.  એમના શરીરને પોષ્યાં છે.  એવા ભગવદીયરૂપ અલૌકિક ગાયોના ક્યારે દર્શન થશે ?

 

અનન્તલીલાધારાસ્તે દ્રુમા: ક્વ વિપિનસ્થિતા: |
વેણુનાદપરા વૃક્ષભુજારુઢા: ક્વ પક્ષિણ: ||૧૭||

 

અનંત લીલાઓના આધારરૂપ તથા અનંત લીલારૂપ મધુધારાને વહેવરાવે છે એવા વૃંદાવનના વૃક્ષ કયાં છે ?  અને આ વૃક્ષોની શાખા પર બેઠેલા અને વેણુનાદ શ્રવણમાં તત્પર મુનિરૂપ પક્ષીઓ વૃક્ષની ભુજારૂપ શાખા પર બેસીને, પોતાનો ચંચળ સ્વભાવ ત્યજે છે અને મુની સમાન (એકચિત્ત) થઇ ગયાં છે.

 

વ્રજસ્ત્રીચરણામ્ભોજરેણવ: ક્વ વ્રજસ્થિતા: |
દધિનિર્મન્થનોન્નાદા: ક્વ તે શ્રવણમંગલા: ||૧૮||

 

વ્રજમાં બિરાજેલા વ્રજ સીમંતિનીઓનાં ચરણકમળની રજ, એ વ્રજવનિતાઓના ચરણકમળની રજ હું મારા દેહ, મસ્તક, હૃદય અને આંખે લગાડું ?  વ્રજનાં ઘરોમાં ચાલી રહેલા દધિમંથનનો નિનાદ જે કાનને મંગળ આનંદ આપનારો છે.  એ મને ક્યારે પ્રાપ્ત થશે ?

 

યમુનાવાલુકાદેહસમ્બન્ધ: ક્વ જલસ્પૃશિ: |
બહિર્મુખત્વસાતત્યે તદીયત્વં ચ મે કુત: ||૧૯||

 

શ્રી યમુનાજી નાં વાલુકા (રેતી) અને જળ મારા શરીરને ક્યારે સ્પર્શ કરશે ?  જેથી યમુના વાલુકા અને જળના સેવનથી, એમની કૃપાથી તનુનત્વની પ્રાપ્તિ થાય.  આ બહિર્મુખોના સંગમાં મને આ વ્રજનું, વ્રજવાસીઓનું સાંનિધ્ય ક્યાંથી હોય !   આમ અત્રે આ શ્લોકથી શ્રી હરિરાયજી ભાવનિષ્ટ થાય છે.  વિપ્રયોગ ભાવથી વ્રજની લીલાઓનો અનુભવ કરી દીનતા કરે છે,  “હું નિરંતર બહિર્મુખ જ છું.  એટલે મને તદીયત્વ ક્યાંથી પ્રાપ્ત થાય ?  તદી યત્વ હોય તો તદીય ભગવદીયનો સંગ થાય અને ભગવદ્દભાવ વૃદ્ધિ પામે, પણ મારામાં તદીયત્વત નથી.”

 

પરમાનન્દદૂરસ્થે ચિત્રં કિં દુઃખસન્તતૌ |
પોષકાડભાવતો નૈવ દ્દઢ: સ્વાચાર્યસંશ્રય: ||૨૦||

 

પરમાનંદ શ્રીગોવર્ધનનાથજી, સાતેય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી હરિરાયજીના શિરપર બિરાજનારું સ્વરૂપ એવા શ્રી કૃષ્ણ મારાથી દૂર છે.  જેથી કરીને મારા ચિત્તમાં નિરંતર દુઃખ રહે છે.

 

એક તો મારામાં ભાવ નથી.  બીજું ભાવનું પોષણ કરનાર પણ કોઈ નથી.  તેથી જ શ્રી મહાપ્રભુજી ના ચરણકમળમાં દ્રઢ આશ્રય મારો નથી.  જેથી હું નિરંતર દુઃખ પામું છું.

 

વિષયાભિનિવેશેન પ્રેક્ષા ન વિશતિ પ્રભૌ |
જાતોડસ્મિ સામ્પ્રતં સર્વસાધનાડભાવનાનહમ્ ||૨૧||

 

વિષયના અભિનિવેશથી મારી જ્ઞાન દ્રષ્ટિ પ્રભુમાં પ્રવેશ કરતી નથી.  હું વિષયના આવેશથી ભરપૂર છું.  થેથી શ્રી પ્રભુ મારામાં પ્રવેશ કરતાં નથી અને “વિષયથી આક્રાંત દેહવાળાનાં હૃદયમાં સર્વથા શ્રી પ્રભુનો આવેશ થતો નથી.”  આમ આ પ્રકારે હું સર્વ સાધન રહિત હોવાથી મને ભાવ પણ ક્યાંથી સિદ્ધ થાય.

 

નિ:સાધનત્વં ભાવે તુ વિદ્યમાને પ્રયોજક્મ્ |
તદભાવે કેવલં મે દોષાયેવ ન ચાન્યથા ||૨૨||

 

અત્રે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે, નિ:સાધનતા અને દીનતાના બે પ્રકાર છે.  ભૌતિક અને અલૌકિક.  ભાવ વિનાની નિ:સાધનતા ભૌતિક નિ:સાધાનતા છે.  જેમાં જીવ સર્વ સેવા કાર્ય, ભગવદ્દધર્મ ત્યજે એ નિ:સાધન પણું દોષરૂપ છે.  લૌકિક સંપત્તિ પ્રભુને પ્રાપ્ત કરવાનું કોઈ સાધન નથી.  સાધનથી પ્રભુ પ્રાપ્ત થતા નથી.  શ્રી પ્રભુ જ્યારે સ્વયં ભક્તના અર્થરૂપ બને ત્યારે નિ:સાધનતા ફ્લાત્મ્ક ભક્તને પ્રાપ્ત થાય છે.  સાધનોના અભાવથી મૂંઝાય ને સેવા છોડવી એ દોષરૂપ છે.  જે કાંઈ સાધન હોય એમાં ભાવનું મહત્વ અતિ જરૂરી છે.  સાધનની ભૈતિક કિંમતનું નહિ.  હે વૈષ્ણવો, તારી ક્રિયા ઓછી વત્તી હશે તો પ્રભુ ચલાવી લેશે.  પણ તમારા હૃદયમાં ભાવ તનિક પણ ઓછો હશે તો શ્રી પ્રભુને નહિ ગમે.  ભાવ એ પુષ્ટિમાર્ગનું મૂળ તત્વ છે.  ભાવથી ફળ સિદ્ધ થાય છે.  માટે સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલાત્મક ભાવનામાં વૈષ્ણવોએ સદા તત્પર રહેવું.

 

શરીરેણાપ્યશક્તસ્ય ક્રિયા કા વાત્ર સેત્સ્યતિ |
યથાન્ધો બધિરો મૂકો વિહ્સ્ત: પન્ગુંરુન્મના: ||૨૩||

 

અર્થાત જેમ આંધળો હોય, બહેરો હોય, મૂંગો હોય, હાથ વિનાનો હોય, પાંગળો હોય, બાવરો હોય તેમજ શરીરથી પણ અશક્ત હોય તેનાથી અત્રે કાંઈ ક્રિયા સિદ્ધ થઇ શકે ?

 

અકામ: કામવિક્ષિપ્તો હરિણોપેક્ષિતોડધુના |
વિમૃશામિ સદા સ્વાન્તે કા ગતિર્મે ભવિષ્યતિ ||૨૪||

 

એટલે કે, ભગવદ્દધર્મની કામના વગરનો છું.  મારું મન પ્રભુ સેવામાં એક ક્ષણ પણ નથી લાગતું.  લૌકિક કામના, વિષયાદિક તથા હરિ જે શ્રી કૃષ્ણ છે.  તેમણે મારી ઉપેક્ષા કરી છે.  મારી ખબર રાખતા નથી.  તેથી મારા મનમાં હંમેશાં વિચારું છું કે, મારી શી ગતિ થશે ?  આ મારું દુઃખ છે.

 

[અત્રે આ શિક્ષાપત્ર ૪૦ નાં ૨૫, ૨૬ અને ૨૭ એ ત્રણ શ્લોક ક્ષેપક ગણ્યા છે.  કારણ કે શિક્ષાપત્ર મૂળ પુસ્તકની ટીકા વાંચતા પ્રેમજી ને કે કોણે દુ:સંગ થયો તે સપષ્ટ થતું નથી.  માત્ર ગોળ ગોળ વાત છે.  આ ભેદ દૂર કરવાથી વૈષ્ણવના ચિત્તને વિક્ષેપ થતો નથી, ને શાંતિ મળે છે.  તથા આ શિક્ષાપત્ર ગ્રંથ શિક્ષા તરીકે પ્રમાણ સિદ્ધ ગ્રંથ હોવાથી અન્યને પણ તેમાં વિપરીત વિચાર કરવાનો અવકાશ રહે નહિ.  અનુવાદક: “દીનશંકર”]

 

વિશ્વાસ: કસ્ય કર્તવ્ય ઇતિ ખિન્નં મણો મમ |
ગૃહકાર્ય ન ચલતિ મનુષ્યાણામભાવત: ||૨૮||

 

વિશ્વાસ કોનો કરવો.  આથી મારું ચિત્ત બહુ જ ખેદ પામે છે.  વળી મનુષ્યના અભાવથી કામ શી રીતે ચાલે.  અને વિશ્વાસ વિના સુખ આવતું નથી.

 

અન્ત:સ્નિગ્ધોડપિ કાર્યે તુ મદાષાડનુસ્મૃતે: સદા |
પ્રાયશ: પ્રેમજિન્નામાં  વર્ત્તતેડસૌ વિરક્તવત્ ||૨૯||

 

પ્રેમજી નામનો વૈષ્ણવ અન્ત:કરણથી સ્નેહયુક્ત છે.  તો પણ કાર્યમાં તો મારા દોષની સ્મૃતિથી તે ઘણું ખરું વિરક્ત જેવો રહે છે.

 

ચલિતું યતેત તસ્માલ્લેખ્યા બહુ સમાહિતિ: |
ક્ષાન્તોડપરાધ: સર્વોડપિ મૃષા ક્રોધવશસ્તત: ||૩૦||

 

અર્થાત, વિરક્ત એવા વૈષ્ણવ અધિકારીનો વ્યભિચાર રૂપ દોષ સહન કર્યો તેથી પ્રેમજી નામનો સેવક મિથ્યા ક્રોધને વશ થઇ જતા રહેવાનો યત્ન કરે છે.  માટે તેનું સમાધાન એવું લખજો.

 

ઇદાનીં તુ કૃપા પૂર્વવદસ્તીતિ ભયોજિ્ઝતૈ: |
ભવદ્દભિ: સર્વથા લેખ્યં પત્રં સર્વૈ: પૃથક્ પૃથક્ ||૩૧||

 

હવે તો પૂર્વે જેવી કૃપા હતી, તેવી જ છે.  એટલે કે, પૂર્વેની મનોવૃત્તિ તથા કૃપાપૂર્વક મનોવૃત્તિ સર્વથા કરી છે.  માટે સર્વે એ ભય રહિત થઈને જૂદા જૂદા પત્રો લખવા.

 

અતિપ્રશંસયા ચિત્તં યથા તસ્ય સ્થિરં ભવેત |
મુખરોપિ સમીચીનો મુખ્યદોષવિવર્જિત: ||૩૨||

 

જે પ્રકારે એનું ચિત્ત સ્થિર થાય, તે પ્રમાણે અતિ પ્રસંશા કરીને પત્ર લખજો.  કારણ કે એ બહુ બોલનારો છે.  તો પણ એ મુખ્ય દોષ રહિત છે.  જેવા કે અવિશ્વાસ તથા અન્યાશ્રય વગરનો છે.

 

વૈધકેન ગૃહેડસ્માકં વિશેષપરિતોષણાત્ |
ભવત્સંગાત્કન્દુકવત્પતિત: પુનરુત્થિત: ||૩૩||

વિશેષ: પ્રેમજિત્પત્રાદ્વોધ્ય: ||

 

અર્થાત, તમારા સંગથી વૈંદ્યક કરીને આપણા ઘરમાં વિશેષ સંતોષ છે.  તેથી કુંદ્કની પેઠે પડ્યો અને ફરી પાછો ઊઠ્યો છે.  તેમ આ વિરક્ત પડ્યો અને ફરીથી ઊભો થયો છે.  વિશેષ હકીકત પ્રેમજીના પત્રથી જાણશો.

 

અત્રે શ્રી હરિરાયચરણ સ્વ પરિવારની સૂચક વાતો, એક પોતાનો અદનો અધિકારી વૈષ્ણવ, જેના હાથે, લોકદ્રષ્ટિએ અતિ નિંદિત કાર્ય થયેલ અને જેના પરિણામે શ્રી હરિરાયજીનું નામ પણ વગોવાયું.  જેનું દુઃખ વ્યક્ત કરે છે.  જે ચારસો વર્ષ પહેલાનો વાર્તા પ્રસંગ, આજના કળિયુગનાં સમયે સમસ્ત વૈષ્ણવોને પણ એટલોજ ચિંતનિય છે.  જે ઘટનાઓ વર્ષો જૂની,  આજે તો દિન પ્રતિ દિન વારંવાર સારા સારા પરિવારમાં પણ જોવા મળે છે.  જ્યારે આવી લૌકિ આંધી આપણા જીવનમાં આવે છે, ત્યારે આપણે પણ સેવા –સત્સંગ કરનાર વૈષ્ણવો પણ ઘડીકમાં ભાનભૂલ્યા વગર વિષય વાસનાના આવેશમાં ખોટું કાર્ય કરીએ છીએ.  નિંદિત કાર્ય કરીએ છીએ.  આપણું નિંદિત કાર્ય આપણને બદનામ તો કરે છે સાથે સાથે આપણા સંલગ્ન તમામ ને પણ હાનિ પહોંચાડે છે.  તથા આપણા  ધર્મ ગુરુની ગરિમાને પણ ધક્કો પહોંચાડીએ છીએ.

 

શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે, જેના શરીરમાં વિષય વાસના છે, એના શરીરમાં શ્રી પ્રભુ બિરાજતા નથી જ.  ભૌતિક વિષય વાસના જાગી.  કદાચ એને સંતોષીએ તો પ્રભુનો અપરાધ ન થાય અથવા ઓછો થાય.  પણ એને અલૌકિકતાનું નામ આપી ભગવદ્દ લીલાના બહાના નીચે જ્યારે આપણી વિષય વાસના સંતોષવાના પ્રપંચોથી દિશત અને વિકૃત વાસનાઓમાં આપણે જાણે –અજાણે ફસાઈ જઈએ ત્યારે એને ન શ્રી મહાપ્રભુજી માફ કરે, ન તો શ્રી ઠાકોરજી માફ કરે.  માટે જ શ્રી મહાપ્રભુજીએ ૫૦૦ વર્ષ પહેલા આજ્ઞા કરેલ કે,

 

દુસંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો.  સ્ત્રી-પુરુષનો સંગ દેવતામાં ફૂંકાતા પવન જેવો છે.  એકાંતમાં સ્ત્રી-પુરુષ સંગ જેવું હાનિ કરનારું બીજું કાંઈ પર્યાવરણ નથી.  સર્વ શાસ્ત્રોની આજ્ઞાને મક્કમતાથી જીવનમાં અપનાવીએ તો વૈષ્ણવી જીવન ઊંચું રહેશે.  હૃદય ગમે તેટલું શુદ્ધ હોય, પણ દુનિયા દારીના નિયમો વિરૂદ્ધ આચરણ કદાપિ ન કરવું.  આજ લક્ષ્મણ રેખાની મર્યાદા વૈષ્ણવો સાથેના સંસર્ગમાં અને સંપર્કમાં, સત્સંગમાં અને એમની સાથેની સેવામાં ચુસ્ત પણે મક્કમતાથી પાળવી જ.   જેની આંખોમાં અને વિચારોમાં વિષય અને વિકાર રમતાં દેખાતા હોય એનાથી હંમેશાં દૂર રહેવું.  ભગવદ્દ નામ અને ભગવદ્દ લીલાના ઓઠા હેઠળ તમારા પવિત્ર હૃદયને કોઈ દૂષિત કરી ન જાય, એટલી સાવધાની ની આજ્ઞા સાથે.  શ્રી હરિરાયજી વિરચિતં  ‘ચત્વારિંશતમં’  શિક્ષાપત્ર અત્રે સંકલિત કરાય છે.

 

સંપૂર્ણ, સાચું માર્ગદર્શન માટે શિક્ષાપત્ર ગ્રંથનું અધ્યન અને વાંચન અતિ જરૂરી છે.

 

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

 

(૪૧)  ઐસો ભક્ત તરે ઔર તારે …  (પદ) ..

કવિ – સૂરદાસજી

 

37

 

ઐસો ભક્ત તરે ઔર તારે
પરમ કૃપાલુ પરમ દીનબંધુ
શરણ ગ્રહે વાકે દુઃખ નિવારે

 
સબસું મૈત્રી શત્રુ નહીં કોઈ
વાદવિવાદ સબનસું હારે
હરિકો નામ જપ નિસવાસર

 

સંશય લોક સંતાપ નિવારે
કામ, ક્રોધ, મમતા, મદ, મત્સર
માયા, માન, મોહ, ભર, ટારે

 
નિરલોભી નિરવૈર નિરંતર
કૃષ્ણરૂપ જબ હૃદય વિચારે
હરિકો નામ સુને અરુ ગાવે

 
કૃષ્ણ ભજન કરી દુઃખ હિ દુરાવે
“સૂરદાસ” હરિરૂપ મગ્ન ભયે
ગુન ઓગુન કાપર નવ આવે

 

 
શ્રી સૂરદાસજી કહે છે લે ભક્ત એ છે જે કોઈપણ પ્રાણી પ્રત્યે વેરભાવ રાખતો ન્થેરે, જે પોતાના જીવનમાં આવેલ પ્રત્યેક પ્રતિકૂળ પરિસ્થિતિ અને દુઃખોથી ગભરાતો નથી, જે સમદર્શી હોય અને કરૂણા કરનાર હોય છે. જે સંયમી અને કોમલ ચિત્તવાળો હોય તેમજ પાપ, વાસના તેમજ દૂષિત તથા મલિન વિચારોથી પરે હોય, જે દાસ્ય ભાવે મને આત્મનિવેદન કરી અનન્યભાવે કૃષ્ણ ચિંતન, મનન અને સ્મરણમાં મગ્ન હોય, જે નિરલોભી અને નિર્મોહી રહીને મારી બહકતી કરે છે તેવા ભક્તો પોતે પણ આ અમોઘ એવો સંસાર સાગર પાર કરે છે અને બીજા જીવોને પણ આ સાગર પાર કરવામાં મદદ કરે છે.

 

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે 

 

પૂર્વી મોદી મલકાણ નાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …