(૧) સાચો પ્રેમ … અને (૨) સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ …

(૧)  સાચો પ્રેમ … (વિવેકવાણી) …

 

 fish

 

 

કાર્ય ભલે કરો, મગજનું તંત્ર ભલે કાર્યશીલ બને, સતત કાર્ય ભલે થાય, પણ એકે તરંગને તમારા મનને જીતવા ન દો.  આ જગતમાં તમે અજાણ્યા હો, પ્રવાસી હો, એવી રીતે કાર્ય કરો;  સતત રીતે કાર્ય કરો, પણ તમે બંધાઓ નહીં;  બંધન ભયંકર છે.  આ જગત એ આપણું નિવાસસ્થાન નથી.  જે અનેક ભૂમિકાઓમાંથી પસાર થવાનું છે તેમાંની એ તો એક ભૂમિકા છે.  સાંખ્યનો પહેલો મહાન ઉપદેશ યાદ રાખો :  ‘સમગ્ર પ્રકૃતિ આત્મા માટે છે, આત્મા પ્રકૃતિ માટે નથી.’  આત્માના શિક્ષણ માટે જ માત્ર પ્રકૃતિનું અસ્તિત્વ છે.  એના અસ્તિત્વનો બીજો કોઈ અર્થ નથી.  આત્માને જ્ઞાન હોવું આવશ્યક છે, અને જ્ઞાન વડે જ મુક્તિ મેળવી શકાય છે.  માટે પ્રકૃતિનું અસ્તિત્વ છે આટલું આપણે જો હંમેશાં યાદ રાખીએ તો પ્રકૃત્તિ સાથે કદી આસક્ત ન થઈએ.  આપણે જાણીએ કે પ્રકૃતિ તો એક પુસ્તક છે જેમાંથી આપણે વાંચવાનું છે, અને જ્યારે એમાંથી જરૂરી જ્ઞાન આપણને મળી જાય, ત્યારે એ પુસ્તક નકામું બને છે …

 

આ સર્વ શિક્ષાનું સારતત્તવ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં.  દરેક જણ કાંઈક કરે જ છે તે તમે ક્યાં નથી જોતા ?  કોઈ પણ સાવ આરામમાં રહી ન શકે;  માનવ જાતના નવાણું ટકા ગુલામની પેઠે કામ કરે છે; અને આ કામનું પરિણામ દુઃખ છે.  આ સર્વ સ્વાર્થવૃત્તિથી કરાયેલું કામ છે.  સ્વતંત્રતાથી કાર્ય કરો !  પ્રેમ દ્વારા કાર્ય કરો !  ‘પ્રેમ’ શબદ સમજવો બહુ મુશ્કેલ છે;  જ્યાં સુધી સ્વતંત્રતા ન આવે ત્યાં સુધી પ્રેમ ન જ આવે.  ગુલામમાં શુદ્ધ પ્રેમન ન જ સંભવે.  ગુલામને ખરીદો, તેને સાંકળે બાંધો,  અને તમારે માટે એની પાસે કામ કરાવો; એ વેઠિયાની પેઠે કામ કરશે, પણ એનામાં તમારે મ\આતે પ્રેમ નહીં હોય.  એ રીતે ગુલામની જેમ જો જગતની વસ્તુઓ માટે આપણે કામ કરીએ તો આપણામાં પ્રેમ ન જ સંભવે.  આ દ્રષ્ટિએ આપણું કામ સાચું નથી.  સગાંઓ અને મિત્રો માટે કરેલાં કામો પણ સાચાં નથી, અને આપણા પોતા માટે કરેલાં કામો પણ સાચાં નથી.  સ્વાર્થવૃતિથી કરેલું કાર્ય ગુલામના કાર્ય જેવું છે; અને એની કસોટી નીચે પ્રમાણે છે.  પ્રેમથી કરેલાં દરેક કાર્યને પરિણામે સુખ થાય છે; પ્રેમથી કરેલું એવું એકે કાર્ય નથી, જેનું પરિણામ સુખ અને શાંતિમાં ન આવે.  સાચું અસ્તિત્વ, સાચું જ્ઞાન અને સાચો પ્રેમ, આ ત્રણેય એકબીજા સાથે સનાતન રીતે સંકળાયેલા છે, જ્યાં આમાંનું એક હોય ત્યાં બીજાં પણ હોવાં જોઈએ.  આના ત્રણ પ્રકાર છે :  સત્, ચિત્ એ રીતે જરા બદલાઈને જગતમાંની વસ્તુઓ વિશેનું જ્ઞાન બને છે; અને આનંદ માનવહૃદયને જ્ઞાત એવા શુદ્ધ પ્રેમનો પાયો બને છે.  તેથી શુદ્ધ પ્રેમનો પ્રત્યાઘાત પ્રેમી કે પ્રેમિકાને પીડા કરવામાં ન પરિણામે.

 

દાખલા તરીકે એક પુરુષ છે, તે એક સ્ત્રીને ચાહે છે; એ પેલી સ્ત્રીને પોતાથી જરાય અળગી કરવા માગતો નથી.  એ એની દરેક હિલચાલને અતિશય અદેખાઈથી જુએ છે; એ એની પાસે બેસે એમ ઈચ્છે છે, એની પાસે ઊભી રહે એમ ઈચ્છે છે, અને તેની આજ્ઞા પ્રમાણે ખાય, પીએ અને હરેફરે એમ ઈચ્છે છે.  આ પુરુષ પેલી સ્ત્રીનો ગુલામ છે; અને પેલી સ્ત્રીને પોતાની ગુલામ બનાવવા માગે છે.  એ પ્રેમ નથી, એ ગુલામને માંદલો અનુરાગ છે જેને એ પ્રેમ તરીકે ઓળખાવા ચાહે છે.  પણ એ પ્રેમ નથી.  કેમકે એ દુઃખદાયક છે.  જો પેલી સ્ત્રી પુરુષ કહે તેમ ન કરે તો પુરુષને દુઃખ થાય છે.  જો પેલી સ્ત્રી પુરુષ કહે તેમ ન કરે તો પુરુષને દુઃખ થાય છે.  પ્રેમ હોય ત્યાં દુઃખ ન હોય, પ્રેમનું પરિણામ સુખમાં જ આવે.  જો પ્રેમથી દુઃખ નીપજતું હોય તો એ પ્રેમ નથી; પણ કોઈ ભળતી વાતને જ પ્રેમ તરીકે માનવાની આપણે ભૂલ કરીએ છીએ.  જ્યારે તમે તમારા પતિને, તમારી પત્નીને, તમારાં બાળકોને, સમગ્ર જગતને, વિશ્વને, દુઃખદાયક અસરો ન થાય એવી રીતે, ઈર્ષ્યા ન ઉદ્દભવે એવી રીતે, સ્વાર્થી વિચાર ન આવે એવી રીતે, પ્રેમ કરવામાં સફળ નીવડો ત્યારે તમે ‘અનાસક્ત’ હોવાની યોગ્ય ભૂમિકામાં આવો છો.

 

(કર્મયોગ, પૃ.૨૯ -૩૦)

 

 

(રા.જ.૦૮-૧૦(૫)/ ૧૮૩)

 

 

 

 

(૨)  સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ …

 

 

કોઈ એક સ્થળે માછીમારો માછલાં પકડતા હતા.  એક સમળી નીચે ઊતરી આવી અને ઝાપટ મારી એક માછલી ઉપાડી ગઈ,  માછલી જોઇને અનેક કાગડા એ સમળીની પાછળ પડ્યા અને ‘કા, કા’  કરવા માંડ્યા.  માછલી સાથે સમળી જે તરફ ઊડે તે તરફ કાગડાઓ પણ ઊડે.  સમળી પૂર્વ-પશ્ચિમમાં ગઈ તોયે પરિણામ એ જ.  ગભરાટમાં સમળી આમતેમ ઊડવા લાગી તો, એના મોંમાંથી માછલી સરી પડી.  કાગડાઓએ સમળીને પડતી મૂકી અને માછલીની પાછળ ઊડ્યા.   આમ ઉપાધિમુક્ત થઈને, એક ઝાડની ડાળે બેસી સમળી વિચારવા લાગી, ‘પેલી દુષ્ટ માછલી જ મારી બધી પીડાનું મૂળ હતી.  હવે એમાંથી હું મુક્ત થઇ ગઈ એટલે મને શાંતિ થઇ.’

 

સંસારની તૃષ્ણાઓ રૂપી માછલી મનુષ્ય પાસે છે ત્યાં સુધી, એણે કર્મો કરવાં પડે ને પરિણામે ચિંતા, ઉપાધિ અને અશાંતિનો ભોગ બનવું પડે.  આ તૃષ્ણાઓનો એ ત્યાગ કરે તેવી જ તેની પ્રકૃત્તિઓ ખરી પડે અને એ આત્માની શાંતિ અનુભવે.

 

 

(રા.જ.૦૮-૧૦(૪)/૧૮૨)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.