આદિ ગુરૂ શંકરાચાર્યજીની સંસારને ચેતવણી …

!!…ભજ ગોવિંદમ્ મૂઢમતે…!!

આદિ ગુરૂ શંકરાચાર્યજીની સંસારને ચેતવણી

 

 

bhaj govindam

      

 

” ભજ ગોવિંદમ્…ભજ ગોવિંદમ્…ભજ ગોવિંદમ્…મૂઢમતે…” આ આદિ શંકરાચાર્યજી મહારાજનું પ્રસિધ્ધ સ્ત્રોત છે.એકવાર એક વ્યક્તિ મૃત્યુથી બચવા માટે આ મંત્રનો જપ કરી રહ્યો હતો.આચાર્યશ્રી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા..તો તેમને સમજાવ્યું કેઃ હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી. તું એક નિરાકાર પ્રભુ પરમાત્મા બ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ.

 

” મૃત્યુ નિકટ આવીને જ્યારે તારા પ્રાણને,

           ડુકૃંજ કરણે ધાતુ ત્યાં તને ના બચાવી,

          એટલે વ્યોમોહ છોડીને સુન આ રહસ્ય ગૂંઢ,

          ભજ ગોવિન્દમ્ ભજ ગોવિન્દમ્ ભજ ગોવિન્દમ્…”

 

જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે. ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે, જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવાના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે, સ્વપ્‍નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે..એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજસુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્‍ટા સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા.ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્‍ણ પણ પોતાના સમયના નિર્ગુણ નિરાકાર બ્રહ્મને માનવાવાળા હતા,કારણ કેઃ રામાયણમાં કહ્યું છે કેઃ સિયારામ મય સબ જગ જાની,કરહું પ્રણામ જોરી જુગ પાની…!!!

 

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ પ્રકૃતિ અને પુરૂષનો સ્વામી પરબ્રહ્મ સર્વ તરફ હાથ-પગ ધરાવનાર,સર્વ તરફ આંખ,મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે,કેમકે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે.. (ગીતાઃ૧૩/૧૩) પરંતુ આદિ ગુરૂ શંકરાચાર્યજી તો ભગવાન વિષ્‍ણુને માનતા હતા કેઃજેમના ચાર હાથ હતા.આ સબંધમાં તેમના જ આ સ્ત્રોતના ૨૪મા શ્ર્લોકનું અનુવાદ જોઇએ..

 

“”મારા તારાઅને અન્યમાં વ્યાપ્‍ત એક જ વિષ્‍ણુ,તેથી વૃથા તું ક્રોધિત થાય છે મુજ ૫ર અસહિષ્‍ણુ.. આત્મરૂ૫ પરમેશ્વરને જ તૂં સૌ જીવોમાં જાણ,હવેથી તૂં સર્વત્ર ત્યાગી દે ભેદભાવનું જ્ઞાન..” આનાથી સિધ્ધ થાય છે કેઃ જગતગુરૂ શંકરાચાર્યજીએ આવશ્યકતાઓ ઉ૫ર ભાર મુક્યો છે.પરમાત્માને ફક્ત માનવાથી કામ ચાલતું નથી.માનવું એ કલ્પના હોય છે.અસત્ય હોય છે અને જાણવું એ જ્ઞાન હોય છે, વાસ્તવિકતા હોય છે.આજે સૌથી વધુ પ્રમાણમાં લોકો પરમાત્માને જાણીને નહી,પરંતુ માનીને ચાલે છે. જ્યારે તુલસીદાસજી જેવા મનિષીઓએ સ્પષ્‍ટરૂ૫માં કહ્યું છે કેઃ-

 

“” જાને બિનુ ન હોઇ પરતીતિ, બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ “ જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી, વિશ્વાસ પ્રાપ્‍ત થાય વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્‍ત થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી.  અથવા સિયારામ મય બસ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની… તેમને “જાની” ના બદલે “માની” નથી લખ્યું.. કેમ? કારણ કેઃ તે જાણતા હતા કેઃ જાણવામાં અને માનવામાં સત્ય-અસત્ય, દિવસ-રાત અને આકાશ-પાતાળ જેટલું અંતર છે.શંકરાચાર્યજી પોતાના સમયના બ્રહ્મજ્ઞાની હતા,પરંતુ આજે શંકરાચાર્યજીના નામધારી અનેક લોકો આપણને મળશે,જે તમામને બ્રહ્મજ્ઞાની સમજી લેવાની ભૂલ ના કરીએ.

 

સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથઅવતારવાણીમાં ગુરૂદેવ નિરંકારી બાબા કહે છે કેઃ

 

વિના દેખે મન ના માને, મન માન્યા વિના પ્રેમ નહી,

પ્રેમ વિના ના ભક્તિ થાયે, ભક્તિ વિના ઉધ્ધાર નહી..

ગુરૂ દેખાડે ગુરૂ મનાવે, ગુરૂ જ પ્રેમ શિખવાડે છે,

ગુરૂ વિનાની ભક્તિ નકામી, જીવન વ્યર્થ ગુમાવે છે..

સદગુરૂના ચરણોમાં આવી, ઇશ્વરની ઓળખાણ કરો,

અવતાર ગુરૂની કૃપાળુ દ્રષ્‍ટ્રિ, જીવનનું કલ્યાણ કરે… (અવતારવાણી-૭૮)

 

લોકો માને છે કેઃ હું ગંગાજી…વગેરે તિર્થો ૫ર જઇને વ્રત કરૂં છું..જે ભક્તિ છે, પરંતુ આદિ ગુરૂ શંકરાચાર્યજીએ તેની અનાવશ્યકતાઓનો ઉલ્લેખ કર્યો છે.તેમના મત અનુસાર જો આપણને જ્ઞાન ના થાય તો આ તમામ નાટક વ્યર્થ છે.તેમને મોહ મુગદૃરના ૧૭મા શ્ર્લોકમાં લખ્યું છે કેઃ

 

કોઇ તો કરે ગંગાસાગર માટે જ પ્રસ્થાન,

કોઇ વ્રતનું પાલન કરે અથવા દે છે દાન..

છતાં સૌનો એક મત છે, જે રહે જ્ઞાન વિહીન,

સો જન્મમાં ૫ણ ના પામે મુક્તિ-૫દ વો દીન… (ભાવાનુવાદ)

 

એનો અર્થ એ થયો કેઃઆપણે આજદિન સુધી વ્યર્થના કાર્યોમાં ફસાઇ રહ્યા ? હા..આપણે નદીના કિનારે ખૂંટે બાંધેલ નાવની રસ્સી તો છોડી જ નહી અને નાવને ચલાવવા લાગ્યા, ખૂબ હલેસાં માર્યા, પરસેવે રેઝબેઝ થઇ ગયા..!! અને પાછું જોયું તો નાવ ત્યાંની ત્યાં જ..!! જેમ ઘાંચીનો બળદ સેંકડો મીલની મુસાફરી કરે છે છતાં ત્યાંનો ત્યાં જ..!! આવી જ હાલત ફક્ત કર્મકાંડમાં ફસાયેલા રહે છે તે સૌની છે.

 

અવતારવાણી-માં કહ્યું છે કેઃ

 

ગંગા યમુના સરસ્વતીમાં, ન્હાવાથી જો જાતાં પાપ,

તો તો બધાં જ જળચર પ્રાણી, તરી જતાં એ આપોઆપ..

કર્મકાંડમાં ફસાઇ માનવ, પોતાનું જીવન ગુમાવે છે,

ગયો સમય પછી હાથ ના આવે, પછી એ નર પસ્તાયે છે..

સંતની સેવા સરખું ઉચું, કોઇ બીજું કર્મ નથી,

કહે “અવતાર” જ્ઞાનથી ઉંચો, કોઇ જગતમાં ધર્મ નથી..

જપ-તપથી ના જાણી શકાતો, કર્મ ધર્મથી ઘણો જ દૂર,

કહે અવતાર” મળે જો સદગુરૂ, હટાવી પડદો દેખાડે નૂર… (અવતારવાણી)

 

 

હવે પ્રશ્ન થાય કેઃ તો પછી જ્ઞાન મળે ક્યાંથી? આ વિષયમાં શંકરાચાર્યજી પોતાના ગ્રંથોમાં બતાવ્યું છે કેઃ કોઇ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની શોધ કરો. એવા ગુરૂ કે જે આપણને વિનમ્રતા શિખવાડીને પ્રભુ પરમાત્માનાં દર્શન કરાવે.ત્યારબાદ પોતાના ગુરૂના ચરણ કમલોના ભક્ત બની જઇએ, કેમ કેઃ જ્ઞાનની પ્રાપ્‍તિ થયા બાદ જ ભક્તિનો ઉદય થાય છે. બ્રહ્મની પ્રાપ્‍તિ થયા બાદ જ ભ્રમોની સમાપ્‍તિ થાય છે.કલ્યાણની પ્રાપ્‍તિ માટે સંત સેવા અને પોતાના ગુરૂની આજ્ઞાનું પાલન પરમ આવશ્યક છે.

 

અવતારવાણીમાં કહ્યું છે કેઃ

 

પ્રભુ મળેના તિરથ ભ્રમણથી, મળેના ભસ્મ લગાવેથી,

જપ-તપ કરવાથી ના મળતો, મળે ના પાઠ કરાવ્યેથી,

પુરા ગુરૂના શરણમાં આવી, શીશ ઝુકાવે મળે છે નામ,

કહે અવતાર ગુરૂના શરણે, ક્ષણમાં મળે છે રમતો રામ..

 

ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રીકૃષ્‍ણ..વગેરે પોતાના સમયના ગુરૂ જ હતા અને તેમની ભક્તિ કરવાથી જ ભક્તોનું કલ્યાણ થયું હતું. આપણે પણ ગુરૂ પાસેથી જ્ઞાન લઇ પ્રભુ પરમાત્માનાં કણકણમાં દર્શન કરવાના છે..જ્યાં સુધી ગુરૂના શાબ્દિક અર્થનો સબંધ છે.આ બે શબ્દો “ગુ” અને “રૂ” ની સંધિ છે. “ગુ” નો અર્થ છે -અંધકાર અને “રૂ” નો અર્થ છેઃ પ્રકાશ. અજ્ઞાનને નષ્‍ટ કરનાર જે બ્રહ્મરૂ૫ પ્રકાશ છે તે ગુરૂ છે.ગુરૂ એ આધ્યાત્મિક અજ્ઞાન દૂર કરનાર આચાર્ય છે. જે અંધકારમાંથી પ્રકાશમાં લાવે અથવા જે આત્મિક અજ્ઞાનતાને દૂર કરી આત્મિક બોધ,સ્વંયમનું જ્ઞાન કરાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે..

 

વર્તમાન સમયમાં ગુરૂ માટે સદગુરૂનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.જ્યારે પુરાતન ગ્રંથોમાં ગુરૂ શબ્દનો જ પ્રયોગ કરવામાં આવેલ છે,તેનું કારણ એ છે કેઃ જેમ અમારા પૂર્વજો દેશી ઘી ને જ ઘી કહેતા હતા, પરંતુ જ્યારથી બનાવટી ઘી બજારમાં આવ્યું છે ત્યારથી ઘી શબ્દની આગળ દેશી ઘી કહેવું આવશ્યક બન્યું છે.જેથી બનાવટી ઘી અને દેશી ઘી ની ઓળખાણ થઇ શકે.તેવી જ રીતે જ્યારથી બનાવટી પાખંડી ગુરૂઓ ફુટી નિકળ્યા છે ત્યારથી ગુરૂની આગળ સત્  શબ્દ લગાવવો આવશ્યક થઇ ગયું છે.સદગુરૂ એટલે સત્ (પરમાત્મા) ને જાણવાવાળા હોય અને શરણે આવેલા જિજ્ઞાસુ ભક્તોને સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે.સત્(પરમાત્મા) સાથે જોડે તે સદગુરૂ કહેવાય છે. જે ફક્ત કોઇ મંત્ર,તિર્થ,હવન,પુસ્તક,સ્થાન,મૂર્તિ..વગેરે નાશવાન વસ્તુઓની સાથે જોડે છે તેમને સદગુરૂ કહેવામાં આવતા નથી,તેમને તો ગુરૂ ઘંટાલ જ સમજવા જોઇએ..

 

હરિભજન દ્વારા ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ માનવ જીવનનો વાસ્તવિક ઉદેશ્ય છે. સંત કબીરજીએ સંસાર ને ચેતવણી આપી છે કેઃ આયે થે હરિમજનકો ઓટન લગે કપાસ…(કબીરવાણી)

 

ઇશ્વરે અમોને મનુષ્‍ય જન્મ પ્રભુ ભક્તિના માટે જ આપ્‍યો છે,પરંતુ અમો આ સંસારમાં આવીને અહીના સાંસારીક કાર્યોમાં પોતાને એટલા બધા લીન કરી બેઠા છીએ કેઃ જીવનના વાસ્તવિક ઉદેશ્ય સેવા-સુમિરણ-સત્સંગ-ભજનના માધ્યમથી ઇશ્વરની પ્રાપ્‍તિ કરવાનું ભુલી ગયા છીએ..

ઇશ્વરે મનુષ્‍યને જીવ રચનાનો શિરોમણી બનાવીને તેને બુધ્ધિ-વિવેક તથા અંતરાત્મા જેવી અનમોલ વસ્તુ પ્રદાન કરીને ઇશ્વર તેની દ્રષ્‍ટ્રિથી ઓજલ બની નિરાકાર રૂપમાં મનુષ્‍યની અંદર બિરાજમાન થયેલ છે, પરંતુ સદગુરૂ કૃપા તથા સહાયતા વિના પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર થવો અસંભવ છે.

 

અવતારવાણી-માં કહ્યું છે કેઃ

 

કરી પ્રયત્નો હજાર જોયા પણ દ્રષ્‍ટ્રિમાં આવ્યો નહી,

કહે “અવતાર” ગુરૂએ જ્યાં સુધી ભેદ અમોને સમજાવ્યો નહી,

સદગુરૂ પુરાની એ જ નિશાની, પલમાં દેખાડે અંગસંગ રામ,

કહે “અવતાર” એ બ્રહ્મજ્ઞાની છે જે દેખાડે બ્રહ્મનું ધામ… (અવતારવાણી)

 

સંત કબીરજી તો ગુરૂનું મહાત્મય બીજા જ ઢંગથી રજૂ કરતાં કહે છે કેઃ-

 

ગુરૂ ગોવિંદ દોનો ખડે કાકે લાગૂં પાય,

બલિહારી ગુરૂ આપની, જિન ગોવિંદ દિયો બતાય…

 

ઇશ્વર અને સદગુરૂ બંન્ને મારી સમક્ષ વિધમાન છે,પરંતુ મારા પ્રથમ નમન સદગુરૂના ચરણોમાં જ થશે,કે જેમની અપાર કૃપાથી જ હું ઇશ્વરનો સાક્ષાત્કાર કરી શકવામાં સમર્થ બન્યો છું.સદગુરૂ આ ધરતી ઉ૫ર ઇશ્વરનો દૈવી પ્રતિનિધિ હોય છે,કે જેના માધ્યમથી જ અમો જેવા અજ્ઞાની જીવો અમારા આત્માને ઇશ્વરરૂપી સાગરમાં લીન કરી શકીએ છીએ.આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્‍તિના માટે સમયના સદગુરૂના શરણમાં જવું અનિવાર્ય છે.મનુષ્‍ય ગમે તેટલા પ્રયત્નો કરે તેમ છતાં સદગુરૂ કૃપા વિના આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત થતું નથી.

 

આ સંસારમાં ફક્ત ગુરૂ શિષ્‍યનો સબંધ જ પૂર્ણતયા નિઃસ્વાર્થ હોય છે.સદગુરૂ પોતે પૂર્ણ હોય છે તથા ડગલે ને પગલે અમારી સહાયતા તથા માર્ગદર્શન સ્વાર્થ વિના જ કરતા હોય છે.સદગુરૂ અમારૂં ઉત્તરદાયિત્વ પોતાના શિરે લઇ અમોને કાળના ક્રૂર પંજામાંથી છોડાવી અમારી આત્માને પોતાનું નિરાકાર રૂ૫ પ્રદાન કરતા હોય છે.સદગુરૂ કૃપાથી પ્રભુ પરમાત્માનાં દર્શન કરી માનવજીવનનો ઉદેશ્ય પ્રાપ્‍ત કરી આ અસાર સંસાર(ભવસાગર)માં સદગુરૂ રૂપી કુશળ નાવિકની નૌકામાં અવતરણ કરી જન્મ-મરણના આવાગમનથી છુટકારો મેળવી મોક્ષ પ્રાપ્‍ત કરી શકીએ છીએ.

 

આવા પરમગુરૂના ચરણોમાં લાગીને તુલસીદાસજીની જેમ ગાવાનું છે કેઃ- જાઉં કહાં તજી ચરણ તિહારો…

 

જ્યાં ચરણની વાત આવે છે ત્યાં સમજી લેવાનું કેઃ તે વાત સદગુરૂના માટે જ કહેવામાં આવી છે, કારણ કેઃ રામ(બ્રહ્મ) તો…

 

બિનું ૫દ ચલઇ સુનઇ બિનું કાના, કર બિનુ કરમ કરઇ બિધિ નાના,

આનન રહિત સકલ રસ ભોગી, બિન બાની બક્તા બડ જોગી…!! (રામચરીત માનસઃ૧૧૭/૩)

 

આવું તેમનું સ્વરૂ૫ છે…!!

 

અવતારવાણીમાં કહ્યું છે કેઃ-

 

કાન વિના પ્રભુ સૌનું સાંભળે, હાથ વિના કારભાર કરે,

પગ વિના પ્રભુ હરતા ફરતા, અને પર્વતને પાર કરે..

નાક વિના પ્રભુ સૂઘીં શકતા, જીભ વિના રાગ ગાય છે,

આંખ વિના પ્રભુ દેખે સઘળું, મોઢા વિના ૫ણ ખાયે છે..

આમ તો આનું રૂ૫ નથી પણ, રૂ૫ લઇને આવે છે,

કહે અવતાર અલખની ઓળખ, સદગુરૂ પોતે કરાવે છે.. (અવતારવાણી-૨૫૬)

 

 

આ વાત શંકરાચાર્યજીએ ૩૨ મા શ્લોકમાં કહી છે કેઃ

 

ગુરૂ ચરણામ્બુજ નિર્ભર ભક્ત… તેનું ગુજરાતી ભાવાનુવાદ જોઇએ..

શ્રી ગુરૂદેવ ચરણ પંકજનો બની નિર્ભર ભક્ત,

આ અસાર સંસારથી તૂં બન અવિલંબ વિમુક્ત,

ઇન્દ્રિયયુત મનનું નિયમન કર આ પ્રકાર,

જોઇ શકીશ હ્ર્દય સ્થિત ઇશ્વરને અનિર્વાર..

 

ધર્મશાસ્ત્રમાં જ્ઞાન પ્રાપ્‍તિના આઠ અંતરંગ સાધનોના માધ્યમથી જ્ઞાન પ્રાપ્‍તિની પ્રચલિત પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલ છે.

 

(૧) વિવેકઃ સત્ અને અસત્ ને અલગ-અલગ જાણવા એ વિવેક છે.

 

(ર) વૈરાગ્યઃ સત્ અને અસત્ ને અલગ અલગ જાણીને અસત્ નો ત્યાગ કરવો,એટલે કેઃસંસારથી વિમુખ

થવું એ વેરાગ્ય છે.

 

(૩) શમ..વગેરે ષટ્સંપત્તિ..શમ..દમ..શ્રધ્ધા..ઉ૫રતિ..તિતિક્ષા અને સમાધાન..

મન અને ઇન્દ્રિયોઓને વિષયોમાંથી હટાવવી એ દમ છે.

ઇશ્વર..શાસ્ત્ર..વગેરે ઉ૫ર પૂજ્ય ભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રધ્ધા છે.

વૃત્તિઓનું સંસાર તરફથી હટી જવું એ ઉ૫રતિ છે..

શરદી-ગરમી,સુખ-દુઃખ,માન-અપમાન…વગેરે દ્રંન્દ્રોને સહન કરવાં તેમની ઉપેક્ષા કરવી તે તિતિક્ષા છે.

અંતઃકરણમાં શંકાઓ ના રહેવી એ સમાધાન છે..

 

(૪) મુમુક્ષતાઃ સંસારથી છુટવાની ઇચ્છાને મુમુક્ષતા કહે છે.

 

(૫) શ્રવણઃ મુમુક્ષતા જાગૃત થાય બાદ પદાર્થો અને કર્મોનો સ્વરૂ૫થી ત્યાગ કરીને શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ      ગુરૂની પાસે નિવાસ કરતા રહીને,શાસ્ત્રોને સાંભળીને તેના તાત્પર્યનો નિર્ણય કરવો તથા તેને ધારણ      કરવો તેને શ્રવણ કહે છે.શ્રવણથી પ્રમાણગત સંશય દુર થાય છે.

 

(૬) મનનઃ પરમાત્માનું યુક્તિ-પ્રયુક્તિઓથી ચિન્તન કરવું એ મનન છે.મનનથી પ્રમેયગત સંશય દૂર થાય     છે.

 

(૭) નિદિધ્યાસનઃ સંસારની સત્તાને માનવી અને પરમાત્માની સત્તાને ના માનવી એ વિપરીત ભાવના   કહેવાય છે.વિ૫રીત ભાવના હટાવવી એ નિદિધ્યાસન છે.

 

(૮) તત્વ પદાર્થ સંશોધનઃ પ્રાકૃત પદાર્થ માત્ર સાથે સબંધ વિચ્છેદ થઇ જાય અને ફક્ત એક ચિન્મય તત્વ      શેષ રહી જાય એ તત્વપદાર્થ સંશોધન છે.

 

આ પરમતત્વને પ્રાપ્‍ત કરવાની વિધિ બતાવતાં ભગવાન શ્રી કૃષ્‍ણજી ગીતા(૪/૩૪)માં કહે છે કેઃ

 

તમામ કર્મો જ્ઞાનમાં સમાપ્‍તિને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઇને જાણી લે.એમને યોગ્ય રીતે દંડવત્ પ્રણામ કરવાથી,તેમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આપશે.જ્ઞાનના આ માધ્યમથી તૂં તમામ ભૂતોમાં નિઃશેષ ભાવથી પહેલાં પોતાનામાં અને પછી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂ૫માં જોઇશ.. (શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ૪/૩૪)

 

સદગુરૂની કૃપાથી જ મનમાં વિધમાન અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભ્રમો-સંશયો દૂર થાય છે.સદગુરૂ વિના પરમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત થઇ શકતું નથી એ વાતનું પ્રમાણ ધર્મગ્રંથોમાં મળે છેઃ નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા તો તેમને અંદર જવાની પરવાનગી ના મળી,કારણ કેઃ નારદજીને કોઇ ગુરૂ ન હતા,જ્યારે તેમને ગુરૂ ધારણ કર્યા ત્યારે તેમને વેકુંઠમાં પ્રવેશ મળ્યો. વેદ વ્યાસજીના પૂત્ર શુકદેવજીને માતાના ગર્ભમાંથી જ બ્રહ્મજ્ઞાન હતું, એટલા માટે તેમને ગુરૂ ધારણ કર્યા ન હતા,તેથી તેમને ૫ણ વૈકુંઠમાં જવાની પરવાનગી મળી ન હતી.પરમપિતા પરમાત્માના રહસ્યની જાણકારીના માટે તેમને રાજા જનકને ગુરૂ ધારણ કર્યા હતા.આમ, ગુરૂ તમામના માટે અત્યંત આવશ્યક છે.

 

ભગવાન વિષ્‍ણુના અવતાર શ્રી રામચંદ્રજીએ ૫ણ બ્રહ્મર્ષિ વશિષ્‍ઠજીને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા. પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્‍ણજીએ મહાત્મા સાંદિપનીજીને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા.અર્જુનને ભગવાન શ્રી કૃષ્‍ણજીએ..સ્વામી વિવેકાનંદજીને રામકૃષ્‍ણ પરમહંસજીએ બ્રહ્મજ્ઞાન આપ્‍યું હતું.

 

ગોસ્વામી તુલસીદાસજી રામચરીત માનસમાં લખે છે કેઃ

 

!! ગુરૂ બિન ભવનિધિ તરહિં ન કોઇ, જો બિરંચી શંકર સમ હોઇ…!!

 

આ સંસાર એક તોફાની સાગર છે તેને પાર કરવા માટે સદગુરૂ જહાજ છે તથા કપ્‍તાન છે.સદગુરૂ વિના કોઇ ભવસાગર પાર ઉતરી શકતો નથી.તેમની કૃપાથી જ અમે પરમાત્માનાં દર્શન કરી શકીએ છીએ.તમામ શાસ્ત્રો આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરે છે પરંતુ સદગુરૂ વિના ધર્મશાસ્ત્રોનો ઉ૫દેશ સમજમાં આવતો નથી.

 

સદગુરૂ એ માતા-પિતા-સ્વામી તથા પરમેશ્વર છે.સુખ પ્રદાન કરનાર સાચા મિત્ર છે.જે ક્યારેય સાથ છોડતા નથી.ગુરૂ તમામ પાપોનો નાશ કરનાર પતિત પાવન છે.સદગુરૂનો મંત્ર હરિનો મંત્ર છે.જેના જપવાથી જીવનો ઉધ્ધાર થાય છે.સદગુરૂ મળ્યા પછી તેમની આજ્ઞા અને ઇચ્છામાં ચાલવું શિષ્‍યના માટે અતિ આવશ્યક છે.ગુરૂની મહિમાનું પૂર્ણ વર્ણન વેદ..આદિ ધર્મશાસ્ત્રો પણ કરી શકતા નથી.ગુરૂને વેદોમાં ઇશ્વરનું રૂ૫ માન્યું છે.

 

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વર,

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ !!

 

ગુરૂગીતામાં કહ્યું છે કેઃ

 

ગુરૂથી અધિક તત્વ અર્થાત્ ઇશ્વર નથી,ગુરૂથી અધિક કોઇ તપ નથી અને ગુરૂથી અધિક કોઇ જ્ઞાની નથી.

 

ગુરૂદેવના કૃપા પ્રસાદથી બ્રહ્મની પ્રાપ્‍તિ થાય છે.જેવી રીતે સ્વેચ્છાચારી સ્ત્રી પોતાના પ્રેમી પુરૂષનું ચિન્તન કરે છે તેવી રીતે હંમેશાં પોતાના ગુરૂદેવનું ધ્યાન કરવું જોઇએ.

 

માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.

 

(૧) સૂચક ગુરૂઃ ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.

(ર) વાચક ગુરૂઃ વર્ણાશ્રમ..ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.

(૩) બોધક ગુરૂઃ ફક્ત મંત્ર આપે છે.

(૪) નિષિધ્ધ ગુરૂઃ સંમોહન..મારન..વશીકરણ..વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાન આપે છે.

(૫) વિહિત ગુરૂઃ સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.

(૬) કારણ ગુરૂઃ મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.

(૭) પરમ ગુરૂઃ પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ હોય છે.         આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્‍યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.

 

 

આ બધી વાતો વાંચી પ્રશ્ન થાય કેઃ શું આપની દ્રષ્‍ટ્રિમાં એવો કોઇ ગુરૂ છે જે સત્ય પરમાત્માની સાથે જોડે અને મને લક્ષચૌરાશીના આવાગમનથી મુક્ત કરી શકે,જેમના ચરણોની ભક્તિ કરવાથી મારૂં જીવન સાર્થક થાય ? જો આવી જિજ્ઞાસા હોય તો સં૫ર્ક કરજો,આપે જિજ્ઞાસા અને વિશ્વાસનું પ્રમાણ આપવું ૫ડશે.શંકરાચાર્યજીએ જિજ્ઞાસાને વેરાગ્ય કહ્યો છે.વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૂના શ્રી ચરણોમાં પહોચી શકાય છે…..

 

 

 

 

સાભાર : ……સંકલનઃ

 

 

તા.૪/૦૨/૨૦૧૨   (૧.૧૫)
 શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.