અષાઢ માસ એટ્લે મહેંકતું મન …

અષાઢ માસ એટ્લે મહેંકતું મન …

 

rathayatra

 

 

 

અષાઢી વાયરે ઝૂમીને મહેંકતું મારું મન
મોર બનીને ભીની માટીમાં ટહુકતું મારું મન
ભીની હથેળીએ વરસાદી બુંદને ઝીલતું મારું મન
ભીતરને ભીતર મને ભીંજવી જતું અષાઢી જળ

 

 

અષાઢ મહિનાને કવિ કાલિદાસે ગાતા કહ્યું છે કે અષાઢ મહિને નભ વાદળોની હારમાળા લઈને આવે છે અને તરસી ધરતી પર પોતાનું જળ વરસાવી તેને તૃપ્ત કરે છે, ત્યારે ધરતી પર રહેલા મનુષ્યો અને મલ્લિકાનાં છોડ તે અષાઢી જલબિંદુઓને પોતાના હસ્તરૂપી ઘટમાં ઝીલી લે છે. કવિ કાલિદાસનાં અષાઢી વાદળોની જેમ આપણો અષાઢ મહિનો ભગવાન કૃષ્ણ અને માતા પાર્વતીના મહિમાને લઈને આવે છે.

 

 

રથયાત્રા:- અષાઢ મહિનાની શરૂઆત રથયાત્રાથી થાય છે.

 

કલિયુગમાં ભારતમાં ચાર દિશામાં ચાર ધામ અને પાવન તીર્થધામ તરીકે ઓળખાતા ધામોમાં જગન્નાથપૂરી પણ એક છે. નવ દિવસ સુધી ચાલનારા જગન્નાથપુરીની રથયાત્રામાં દર વર્ષે ત્રણ વિશાળ રથોમાં ભગવાન જગન્નાથજી, દાઉ બલરામજી અને નાની બહેન સુભદ્રાજી રથમાં બિરાજીને નગરયાત્રાએ નીકળે છે.  જેમાં દેવરાજ ઇન્દ્રએ ભગવાન જગન્નાથજીને આપેલ રથનું નામ નંદીઘોષ, દાઉજીનાં રથનું નામ તાલધ્વજ અને સુભદ્રાજીનાં રથનું નામ પદ્મધ્વજ છે. આ ઉત્સવ અંગે વિવિધ કથાઓ પ્રચલિત છે.

 

પ્રથમ કથા અનુસાર મહારાજ કંસનાં આમંત્રણથી કૃષ્ણ અને દાઉજી રથમાં બેસીને અક્રૂરજી સાથે મથુરા પધાર્યા હતાં તેથી તે દિવસે ભગવાન કૃષ્ણનું જગત કલ્યાણ અર્થે કાર્યની શરૂઆત હતી તેથી તે પ્રસંગને યાદ કરતાં રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

 

બીજી કથા અનુસાર દ્વારિકામાં એક દિવસ દાઉજી નાની બહેન સુભદ્રાને મથુરાની કથા સુણાવી રહ્યાં હતાં ત્યારે તેમણે કાકા અક્રૂરજી સાથે રથમાં બેસીને નગરચર્યા કરી હતી તે પ્રસંગ કહ્યો. દાઉજીની વાત સાંભળીને સુભદ્રાજીએ પણ પોતાના બંને મોટાભાઈઑ સાથે એજ રીતે રથમાં બેસી નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે નાની બહેનની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે કૃષ્ણ, દાઉજીએ રથયાત્રા કાઢી. જ્યારે ગર્ગપુરાણ અનુસાર એકવાર દ્વારિકામાં સર્વે રાણીઑ રાધાજી વિષે માતા રોહિણીને પૂછવા લાગી ત્યારે માતા રોહિણીએ સુભદ્રાજીને કહ્યું કે પુત્રી આ કથા આપને માટે નથી માટે આપ દ્વાર ઉપર ઊભા રહી આપના બંને ભ્રાતૃઑ ખંડમાં ન પ્રવેશે તેનું ધ્યાન રાખો.   સુભદ્રાજી માતાની આજ્ઞાને ઉથાપી ન શક્યા તેથી બંધ દ્વારની પાછળ ઊભા રહી ચોકી કરવા લાગ્યા તે જ સમયે દાઉજી અને કૃષ્ણ પધાર્યા ત્યારે સુભદ્રાજીએ માતાની આજ્ઞા કહી સંભળાવી,  ત્યારે કુતુહલતાને કારણે દાઉજી અને કૃષ્ણ દ્વાર પર કાન મૂકી માતાની વાત સાંભળવા લાગ્યા.   પોતાના બંને ભાઈઓએ આ રીતે કરતાં જોઈ સુભદ્રાજીએ પણ બંને દાદાભાઈઓનું અનુકરણ કરવા લાગ્યા. તે સમયે દ્વારની અંદરથી થતાં રાધા નામનાં ઉચ્ચારણ સાંભળીને દાઉજી, ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનાં હાથ, અને પગ સંકોચાઈ ગયાં અને આંખો ભક્તિની ઉત્તેજનાને કારણે વિશાળ થઈ ગઈ.   તે જ સમયે નારદ મુનિ ત્યાં પધાર્યા તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરીને કહ્યું કે આપ આપના આ સ્વરૂપનાં દર્શન ભક્તજનોને કરાવો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેની આ વિનંતિ માન્ય રાખી.

 

જ્યારે જગન્નાથપૂરી (ઓરિસ્સા)ની કથા અનુસાર ત્યાંનાં રાજાને એક વિશાળ લાકડું તેનાં ગામની નદીમાંથી મળેલું તે રાજા વિચારવા લાગ્યો કે આ વિશાળ લાકડાનું શું કરવું ?  તે રાત્રીએ રાજાને ભગવાન કૃષ્ણએ સ્વપ્નમાં આવીને કહ્યું કે આ લાકડામાંથી મારી મૂર્તિ બનાવનાર એક શિલ્પકાર સામે ચાલીને તારી પાસે આવતીકાલે આવશે તેને તું આ લાકડું સોંપી દેજે.  બીજે દિવસે સ્વપ્ન અનુસાર એક શિલ્પકારએ આવીને રાજા પાસે તે લાકડાની માંગણી કરી કહ્યું કે મહારાજ હું ૨૧ દિવસ એકાંતમાં રહી આ લાકડામાંથી મૂર્તિ બનાવીશ પણ જ્યાં સુધી આ લાકડામાંથી મુર્તિ ન બનાવી લઉં ત્યાં સુધી આપે મને એકાંતમાંથી બહાર આવવા ન કહેવું. રાજાએ તેની વાત માન્ય રાખી પણ સોળમાં દિવસે જ રાજાએ કુતૂહલતાવશ તે શિલ્પકારનો દરવાજો ખોલી કાઢ્યો,  ત્યારે ત્યાં ધડ અને મસ્તક સહિતનાં પણ હાથ, પગ વગરનાં દાઉજી, શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીની મૂર્તિ પડેલી અને શિલ્પકાર અદ્રશ્ય થઇ ગયેલો. તે જોઈ રાજાને પસ્તાવો થયો પણ વચન તૂટી ગયું હતું તેથી તે રડવા લાગ્યો;  ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું તું અમારી આ જ સ્વરૂપમાં પૂજા કર.  રાજાએ પોતાના પ્રભુની તે વાત માન્ય રાખી અને તેણે રથયાત્રા કાઢી પોતાના પ્રભુને પધરાવ્યાં, પછી ભક્તિ આનંદને વશ થઈ અશ્વ જોડવાને બદલે પોતે જ અશ્વ બનીને રથ ખેંચવા લાગ્યો;   ત્યારથી તે આજ સુધી નાતજાતનાં ભેદભાવ વગર દરેક ભક્ત સ્વહસ્તે ભગવાન જગન્નાથજીનો રથને ખેંચે છે.   

 

સારસ્વત-દ્વાપર યુગમાં આ દિવસે પ્રથમ વર્ષા થયા બાદ શ્રી ઠાકુરજીએ (કૃષ્ણ) રાધારાણી સાથે રથમાં બેસીને વ્રજ-વૃંદાવનની શોભા નિહાળી હતી. ત્યાર પછી પ્રભુ શ્રી કૃષ્ણ વ્રજભકતોના ઘરે ઘરે પધાર્યા અને તેમના સર્વે મનોરથો પૂર્ણ કર્યા.

 

પુષ્ટિમાર્ગમાં આ દિવસે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ જ્યારે શાસ્ત્રાર્થ વિજયી થઇ જગન્નાથપુરી પધાર્યા હતાં, ત્યારે ભગવાન જગન્નાથજીએ તેમને ૩ આજ્ઞા કરી હતી જેનું પાલન આજે પણ થાય છે. ત્યાર પછી શ્રી વલ્લભાચાર્યજી અડેલ પધાર્યા અને ત્યાં જ સ્થિર થયાં પછી બીજે વર્ષે  નવનિતપ્રિયાજીને રથમાં પધરાવીને વાજતેગાજતે ગામમાં ફેરવીને ઉત્સવ મનાવ્યો હતો. આથી આ દિવસે શ્રીજીબાવા સિવાયના અન્ય સ્વરૂપો રથમાં બિરાજે છે. રથયાત્રાને દિવસે  શ્રીમહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કાશીના હનુમાન ઘાટ ઉપરથી વ્યોમાસુરલીલા કરી હતી તેથી શ્રીજીબાવા આ દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરે છે.

 

 

કસુંબા છઠ્ઠ :- અષાઢી સુદ છઠ્ઠ તે કસુંબા છઠ્ઠ તરીકે ઓળખાય છે. આ દિવસે મથુરા ગયેલા શ્રીપ્રભુની રાહ જોઇ રહેલી વિરહિણી વ્રજાંગનાઓ આ દિવસે લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરીને પનઘટ ઉપર શ્રીઠાકુરજીની રાહ જોતી હતી. આ દિવસે શ્રીનાથજી બાવા ઘેરા રંગના વસ્ત્રો  ધારણ કરે છે, આ દિવસે શ્રી વલ્લભનંદન શ્રી વિઠ્ઠલનાથજીનો છ માસનો વિરહ પૂર્ણ થયો  હોઈ તેઓ શ્રીનાથજી બાવાની સેવામાં પાછા પધાર્યા હતાં, તેથી આ દિવસે પુષ્ટિમાર્ગમાં ઉત્સવ ઉજવવામાં આવે છે.

 

 

ખસખાના-નૌકાવિહાર :- અષાઢ મહિનામાં યમુનાજીમાં નવા નીર આવવાનાં આનંદમાં વ્રજભકતો આ ઉત્સવ ઉજવે છે. આ આખો મહિનો વાદળોની ઉષ્ણતા ઓછી કરવા વ્રજભકતો અને વૈષ્ણવો ગુલાબજલના ફુવારા કરે છે, જુઇ, ચમેલી, માટી, મોગરો, ગુલાબ, ચંદન વગેરેનાં અત્તરનો છંટકાવ કરે છે. પોતાના પ્રભુની આજુબાજુ સઘનકુંજ, કુંજ, નિકુંજ  સિધ્ધ કરી શ્રી મદનમોહનજીને પધરાવે છે અને સંધ્યા કે રાત્રીના સમયે પ્રભુને નૌકાવિહાર કરાવે છે.

 

 

ગુપ્ત નવરાત્રી અને માતાનાં વિવિધ ઉત્સવો:-આખા વર્ષ દરમ્યાન મહા, ચૈત્ર, અષાઢ અને આસો – એમ ચાર નવરાત્રી આવે છે.   જેમાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્છે.  જ્યારે અષાઢ માસમાં આવતી નવરાત્રી ગુપ્ત ગાયત્રી કે શાકંભરી નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગુપ્ત હોય કે પ્રગટ હોય….. નવરાત્રી તે નવરાત્રી છે બંને સ્વરૂપમાં નવરાત્રી એ માતા શક્તિનું, માતા પાર્વતીનાં વિવિધ સ્વરૂપોનાં પૂજનનું સૂચક છે;  તેથી આ નવરાત્રી દરમ્યાન પણ દેવીભક્તો માતા જગદંબાનું પૂજન, અને આરાધના કરે છે.   ગૃહમાં માતાની મૂર્તિ કે ઘટનું સ્થાપન કરી નવ દિવસ સુધી અનુષ્ઠાન કરે છે.   આ ઉપરાંત માતાનાં વિવિધ સ્વરૂપ અનુસાર ગૌરી વ્રત, જયાપાર્વતી, એવરત-જીવરત વ્રત, દિવાસો વગેરે વિવિધ વ્રતો પણ આવે છે;  જેને બાલિકાઓ, કુંવારીકા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ-એકટાણા, કથા, પૂજન, શ્રવણ દ્વારા ઉજવે છે અને માતાના વિવિધ નામોનું, સ્વરૂપોનું અને લીલાઓનું સંસ્મરણ કરી દાન પુણ્ય કરે છે અને માતાની કૃપા મેળવીને મોક્ષનાં અધિકારી બને છે. 

 

 આ તહેવારો ઉપરાંત આ મહિનામાં દેવશયની એકાદશી, ગુરુ પૂર્ણિમા, અને કચ્છી નૂતન વર્ષ (અષાઢી બીજના દિવસ) પણ આવે છે. જે નવા વર્ષની શુભકામના સાથે મંગલમય દિવસોની પણ આશ લઈને આવે છે ત્યારે ભીનાશ ભરી ઠંડક સાથે નવજીવન આપી જાય છે.

 

 પ્રકાશિત ૮ મી જુલાઇ -ફૂલછાબનાં સૌજન્યથી

 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
[email protected]

 

 

સબંધિત જાણકારી … કાંઈક વિશેષ …

 

 kutchi sanskruti

 

કચ્છી એ લાય કરે ખાસ ગાલ … ” નુતન કચ્છી અષાઢી બીજ પર્વ “

 

મીઠો અસાંજો કચ્છ,
મીઠા અસંજા માંડું,
મીઠી અસાન્જી ગાલીયું,
અને મીઠી અસાન્જી પ્રીત ,
‘હેપ્પી અસાઢી બીજ’ મડીકે નયે વરેજી વધાયું !!!!!

 

‘દાદીમા ની પોટલી’ … પરિવાર ..

 

અજ્ઞાત લોકકવિનો છંદ ગાજે છે, ‘અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્. દાદુર ડકારમ્, મયૂર પુકારમ્…’ હવે પર્વોની, ઉત્સવોની, ધાર્મિક તહેવારોની અને કુદરતનાં તત્વોને લાડ લડાવવાની ઋતુ છેક દિવાળી સુધી ચાલશે. કવિ કુલગુરુ કાલિદાસે કહ્યું છે તેમ ‘ઉત્સવ પ્રિયા: ખલુ માનવા: ઉનાળાની ગરમીથી અત્યાર સુધી ત્રાસેલા લોકો વરસાદમાં ભીંજાવા અને રખડવા નીકળી પડશે. આપણા લોકલાડીલા કવિ રમેશ પારેખે ભાવનાને હિલોળે ચડતાં હૈયાંની વાત કરતાં કહ્યું છે, ‘મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે.’ લોકો ભાવનાના વહેણમાં આવીને કુદરતને અને ઈશ્વરને ભક્તિભાવથી લાડ લડાવશે અને જ્યારે લાડ લડાવવાની વાત આવે ત્યારે કૃષ્ણથી સારું બીજું કોણ? શંકર આશુતોષ છે, પરંતુ ભભૂતી અને ભૂતડાવાળા છે. તો વળી રામ મર્યાદા પુરુષોત્તમ છે. કૃષ્ણ એ કર્ષણ છે. લોકોને પોતાના તરફ આકર્ષે છે, પોતાના પ્રેમમાં પાડી દે છે, ભાવનામાં વહાવી દે છે. લોકનાયકનું શ્રેષ્ઠ સ્વરૂપ કૃષ્ણ છે. જેવી જેની ભાવના તેવી તેમની કૃષ્ણભક્તિ.

(સાભાર: દિવ્ય ભાસ્કર દૈનિક )

 

અષાઢી બીજ -આ પવિત્ર દિનને કચ્‍છીમાડુઓ નવા વર્ષ તરીકે ભારે ધુમધામથી ઉજવે છે.

કચ્‍છીઓનું નવું વર્ષ અષાઢી બીજ શા માટે આ પાછળ પણ એક રસપ્રદ માન્‍યતા સંકળાયેલ છે. આમ તો કચ્‍છ રાજ્‍યની સ્‍થાપના ખેંગારજી પહેલાએ સવંત ૧૬૦૫માં માગસુર સુદ પાંચમના રોજ કરી હતી.

પરંતુ કચ્‍છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થતા તે પાછળ પણ ઇતિહાસકારોએ નોંધ રાખી છે. કોટાકોટમાં રાજધાની ફેરવી નાખનાર જામ લાખો કુલ્‍વણી એક તજસ્‍વી અને હોંશીયાર રાજવી હતા. અવનવું વિચારી નવા વિચારો જ અમલમાં મુકતા. આ રાજવટને એક વેળા વિચાર આવ્‍યો કે આ પૃથ્‍વીનો છેડો ક્‍યાં હશે..? બસ પછી તો શું રહ્યું કેટલાંક બહાદુર સિપાઇઓ લઇને આ રાજ રસાલો નીકળી પડયો પુથ્‍વીનો છેડો શોધવા..?

પરંતુ રાજવી જામ લાખાને આમાં સફળતા ન મળી અને એમણે પરત ફરવું પડયું એ સમયે અષાઢ માસ શરૂ થયેલો… અને સ્વરા વરસાદથી વનરાજી ઠેર- ઠેર ખીલી ઉઠેલી… પ્રકૃતિ સૌદર્ય ભરપુર હતું.

જેને પગલે તેમનો આભા પ્રસન્‍ન થયો અને તેમણે કચ્‍છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ કરવા કચ્‍છ ભરમાં ફરમાન મોકલ્‍યું બસ ત્યારથી કચ્‍છીનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે.

કચ્‍છ ગુજરાત, ભારત જ નહી વિશ્વભરમાં વસતા લાખો કચ્‍છી માડુંઓ અષાઢી બીજીના દિનને નવા વર્ષ તરીકે ભારે રંગચંગે ઉજવે છે.

કચ્‍છીઓમાં અષાઢી બીજનું અનેરૂ મહત્‍વ છે. કચ્‍છની ધરા અને મેઘરાજા એટલે કે વરસાદ પણ મહામુલ્‍ય ગણાય છે. કચ્‍છીઓને અષાઢી બીજ ઉપર ખુબ જ ભરોસા અને ત્‍યાં તો કહેવત પડી ગઇ છે. કે “અષાઢી બીજ વંડર કા વીજ” અહીં એક માન્‍યતા એવી છે કે જો આ દિવસે મેઘરાજાની પધરામણી થાય તો શુકનવંતુ ગણાય છે.

કચ્‍છના નવા વર્ષના આગમન વેળાએ થતા કચ્‍છના ઇતિહાસની એક ઝલક જોઇએ તો કચ્‍છમાં એક વેળાએ સિધુ નદી વહેતી હતી. જેથી કચ્‍છી માડુંઓ ખેતી કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા…

પરંતુ મોગલ શાસકએ આવી કચ્‍છીઓની મુખ્‍ય આધાર સમી સિંહ નદીનું વહેણ બદલી સિંઘ તરફ વાળી દેતા કચ્‍છમાં પાણીની સમસ્‍યા વર્તાજા લાગી અને લીલી હરીયાળીમાં રચનારું કચ્‍છ એક રણપ્રદેશ બનવા લાગ્‍યું, છતાં પણ આ તો કચ્‍છીઓનું ખમીર… અનેક મુશ્‍કેલીઓમાંથી રસ્‍તો કરી આગળ ધપતા ગયા. કુદરતે પણ ધરતીકંપ સહીતની અનેક કસોટી કરી છતાં પણ કચ્‍છી માડુંઓ પ્રગતિના પંથે આગળ ધપતા રહ્યા.

આશરે ૮૬૦ વર્ષથી કચ્‍છી માડુંઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા આવ્‍યા છે. ખેડુતો પોતાના ખેતીના સાધનોની પુજા કરે છે… ઘરની બહાર દીવા અને રોશની કરી. ભગવાનને તથા વડીલોને પગે લાગી મીઠાઇઓ એક બીજાને ખવડાવા સર્વેને નવા વર્ષની શુભેચ્‍છા આપે છે.

વિસ્‍તારમાં વસતા લાખો કચ્‍છી માડુંઓને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્‍છાઓ…

 

(સાભાર : અકિલા-(સાંજ દૈનિક)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.