નિત્ય નૌતમ લીલા શ્રી હરિની …

નિત્ય નૌતમ લીલા શ્રી હરિની  …

 

 

 

SHRIKRISHNA LILA

 

 

પ્રિય સખી, 

   જય શ્રી કૃષ્ણ !

 

આજે અહીં ઝરમર મેહુલિયો આવીને ધરતીને પોતાની કોઈક ખુશીના સમાચાર આપી રહ્યો છે ને સમાચાર આપતાં આપતાં ઘણું જ હસી રહ્યો છે ને વળી હસતાં હસતાં ઘણું જ વરસી રહ્યો છે.  તેને જોતાં જ મને લાગ્યું કે કદાચ આ મેહુલિયો મારા માટે વધાઈનાં સમાચાર લઈને આવે છે અને કદાચ તને પણ વધાઈનાં સમાચાર આપવાં માટે આવ્યો છે. હં …..અ ….અ   વધાઈ શબ્દ સાંભળીને મો ખુલી ગયું નેં ???  મને ખબર જ હતી કે તું પણ વધાઈનાં સમાચાર સાંભળીને ખુશ ખુશ થઈ જવાની. આ મેહુલિયાને જોતા એવું નથી લાગતું કે જાણે કોઇની સવારી આવી રહી હોય?    ને સવારી પણ કોની કોની જાણે છે તું  ??  સવારી મેઘ ગર્જનાની, સવારી ઠંડા સમીરી વાયરાની, સવારી ઝબૂક વીજળીની, સવારી મેઘરાજાની, સવારી મેઘરાણીની……..ને સાથે મેઘશ્યામની ને આપણાં ઘનશ્યામની. શ્રાવણિયાની વધાઈ લઈને આવ્યો છે ઝરમર મેહુલિયો ને ફક્ત વધાઈ જ નહીં પણ વધામણીયે  લઈ આવ્યો છે નંદ ઉત્સવની.

 

નંદ ઉત્સવની યાદ આવતાં જ જેની સૌ પ્રથમ મને યાદ આવે છે તે મોતીના હિંડોળાની, વૃક્ષોની ઊંચી ડાળ પર બાંધેલા ઝૂલાની, ભીના શાં મહેંકી રહેલા પારિજાત ને મોગરાના ફૂલોની, ખીલી રહેલા ગુલાબોની, ભ્રમરોનાં પ્રેમ ગુંજારવથી ગુંજી રહેલાં કમળોના પુષ્પોની, સખીઓ સાથે નૌકા વિહાર કરવા જઈ રહેલા નંદનંદનની, ને કલરવ કરીને વાતાવરણ ને સુમધુરું સંગીતમય બનાવી રહેલાં મોર-બપૈયા-દાદુરની. તારા મનનો મોરલો પણ ચોક્કસ નાચી ઉઠ્યો હશે નંદોત્સવની યાદને મનમાં લાવતાં જ કેમ ખરું ને ? ખરું કહું છું ને? તને પણ થતું હશે કે હવે નંદ ઉત્સવ હમણાં જ આવી જાય તો સૌથી વધુ સારું “હરખે હુલાવીએ શ્રી નંદલાલનને કેમ સાચું કહું છું ને ?  ચાલ તારા મનની વાતને હમણાં જ વધાઈ આપી દઈએ અને નંદ ઉત્સવની તૈયારી કરીએ પરંતુ ઉત્સવની તૈયારી કરતાં કરતાં આજે હું તને કૃષ્ણ કેડીથી ચાલતાં ચાલતાં જરા શ્રી ઠાકુરજી, શ્રી વ્રજભૂમિ અને તે સમયની પૃષ્ઠભૂમિ પર લઈ જઉં જ્યાં અત્યારે આપણાં શ્રી કૃષ્ણ કનૈયાનાં જન્મોત્સવની તૈયારીઓ થઈ રહી છે. સમય શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિ એ ઊભો રહી વરસાદની ઝરમર ઝડીઓ ને સાથ આપી રહ્યો છે ત્યાં જઈને જરા કૃષ્ણ અને શ્રી કૃષ્ણ સ્વરૂપ જે એક સાથે બિરાજી રહ્યું છે તેને સમજવા પ્રયત્ન કરીએ.

 

શ્રી શુકદેવજી કહે છે કે નંદરાયજી ને ત્યાં પોતાના પુત્રનો જન્મ થયો છે અને આ સમાચાર ગોકુલવાસીઓને મળતાં જ તેમને એટલો આનંદ થયો કે તેમનો આનંદ એક મહોત્સવના રૂપમાં ક્યારે ફેરવાઇ ગયો તેની ગોકુલ ગામવાસીઓને જાણ પણ ન રહી અને આ વાત સાચી છે. મોટા ભાગના કૃષ્ણ ભક્તોની એવી સમજ છે કે મથુરામાં દેવકી અને  વસુદેવજીને ત્યાં કૃષ્ણ પ્રગટ થયાં. કૃષ્ણને કંસથી બચાવવા માટે વસુદેવજી કૃષ્ણને યમુનાપાર પોતાના મિત્ર નંદરાયજીને ત્યાં મૂકી આવ્યાં અને મથુરા પાછા ફરતાં નંદરાયજીને ત્યાં જન્મેલી માયા નામની પુત્રીને પોતાની સાથે કારાગૃહમાં લઈ આવ્યાં.કારાગૃહમાં પાછા ફર્યા બાદ તે પુત્રીને તેમણે દેવકીજીને સોંપી દીધી. કૃષ્ણ ગોકુળમાં ૧૧ વર્ષ, ૫૨ દિવસ અને ૭ ઘડી સુધી નંદરાયજીને ત્યાં રહ્યાં, ત્યારબાદ કૃષ્ણ અક્રૂરજી સાથે પોતાના માતા-પિતા પાસે પાછાં ફર્યા. હું પણ આમ જ માનતી હતી પણ આજે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં પુસ્તકો વાંચતી હતી તેમાં એક મુખ્ય વાત જણાવી છે તેજ વાતને હું તારી સાથે દોહરાવીશ કારણ કે જેમ જેમ પુસ્તકમાંનો પ્રસંગ વાંચતી ગઈ તેમ તેમ આંખો પાસેથી જાણે અજ્ઞાનનો એક પછી એક એમ પડદો ઊઠતો ગયો અને સમય પણ મને અતીતનાં દરવાજા મારફત વ્રજભૂમિ તરફ લઈ ગયો.

 

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એ આ વાત સમજાવતાં કહ્યું છે કે જ્યારે નંદરાયજી એમ કહેતા હોય કે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો છે તો આ બાબત ઉપર સંપૂર્ણ પણે વિચાર કરવો જોઈએ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એ કૃષ્ણ જન્મ પ્રાગટ્યનું રહસ્ય સમજાવતાં કહ્યું કે મથુરાનાં કારાગૃહમાં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ વસુદેવ અને દેવકીજીને શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિ એ દર્શન આપ્યાં બાદ તેઓએ બાળસ્વરૂપ ધારણ કરી લીધું તે કૃષ્ણ ધર્મ સ્વરૂપ હતાં અને તે ધર્મ સ્વરૂપ કૃષ્ણનાં મુખ્ય ૨ કાર્ય હતાં.

 

૧) આસુરી તત્વોનો નાશ કરવો.


૨) જગતમાં ફરી ધર્મ પ્રસ્થાપિત કરવો.

 

આ (૨) બે   કાર્યો કરવા માટે જે ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ મથુરાથી ગોકુલ પધાર્યા તે ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણને “પુરુષોત્તમ” નાં નામથી સંબોધવામાં આવ્યાં. મથુરામાં ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ પ્રગટ થયાં બાદ ૪૦ મિનિટ પછી ગોકુલમાં નંદરાયજીને ત્યાં ધર્મી સ્વરૂપ શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું. આ ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ ને  “પૂર્ણ પુરુષોત્તમ” તરીકે ઓળખવામાં આવ્યાં. આ પૂર્ણ પુરુષોત્તમના પણ મુખ્ય ૨ કાર્યો હતાં.

 

૧) નિજાનંદ માટે વિવિધ લીલાઓ કરવી


૨) પોતાના નિજભકતો ને વિવિધ લીલાઓ દ્વારા આનંદ આપવો.

 

વસુદેવજી જ્યારે ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ ને ગોકુલમાં લઈ આવ્યાં ત્યારે જેમ અલગ અલગ બે પાત્રમાં રહેલું જળ બીજા પાત્રમાં એક સાથે સમાઈ જાય તેમ મથુરાનું ધર્મ સ્વરૂપ ગોકુલનાં ધર્મી સ્વરૂપમાં સમાઈ ગયું.અલગ અલગ સ્થળે અને અલગ અલગ સમયે પ્રગટ થયેલા બંને સ્વરૂપો એક થઈ ગયાં અને તે એક સ્વરૂપ શ્રી વ્રજભૂમિ પર અગિયાર વર્ષ, બાવન દિવસ અને સાત ઘડી સુધી બિરાજમાન રહ્યું. અઘાસુર, શકટાસુર, તૃષ્ણાસુર, પૂતના વગેરે રાક્ષસોનાં વધ જેવી લીલાઓ ધર્મ સ્વરૂપ પુરુષોત્તમ દ્વારા થઈ જ્યારે માખણચોરીનો આનંદ, બરજોરીનો આનંદ, પનઘટ લીલાનો આનંદ અને રાસલીલાનો આનંદ………આ તમામ લીલા પ્રસંગો ધર્મી સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ દ્વારા સિધ્ધ થયાં. જ્યારે અક્રૂરજી ગોકુલથી મથુરા પાછા પધાર્યા ત્યારે તેમની સાથે મથુરામાં પ્રગટ થયેલું ધર્મ સ્વરૂપ તેમની સાથે પાછું મથુરા પધારી ગયું અને ગોકુળમાં પ્રગટ થયેલું ધર્મી સ્વરૂપ તે જ સમયે ત્યાં રહેલાં તમામ વ્રજભકતોનાં હૃદયકુંજમાં સદાયને માટે બિરાજમાન થઈ ગયું. ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ વ્રજમાં જ પ્રગટ થયાં અને સદાને માટે ત્યાં જ રહ્યાં તે વ્રજ છોડીને ક્યારેય અન્યત્ર ન પધાર્યા.

 

આપણાં પુષ્ટિ માર્ગમાં કહે છે કે વ્રજમાં નિત્ય નૌતમ લીલા ચાલ્યાં જ કરે છે બસ નિરંતર ચાલ્યાં જ કરે છે. એનું કારણ એ છે કે ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ ક્યારેય વ્રજભૂમિ છોડીને જગતમાં ગયાં ન હતાં પણ વ્રજભકતોના હૃદયમાં સદાને માટે, સદાને માટે બિરાજી ગયાં હતાં અને તેજ ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ આપણને સદાયને માટે આનંદમગ્ન રાખી રહેલાં છે પણ આ વ્રજભકતો ક્યાં ક્યાં છે? આમ તો વ્રજભક્તોના પણ ઘણાં જ પ્રકારો છે દા.ત કોઈ લડ્ડુગોપાલને માનનારા છે તો કોઈ રાધાકૃષ્ણ ને માનનારા છે તો કોઈ ઝૂલેલાલ ને માનનારાં છે પણ તેઓના કૃષ્ણ મોટા થયાં બાદ મથુરા અને ત્યારબાદ દ્વારિકા પધાર્યા. જે સ્વરૂપ દ્વારિકામાં જઈને વસ્યું તે ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ હતાં, પણ ફક્ત શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં જ વૈષ્ણવો હતાં જેમને માટે ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ ક્યારેય ન તો મોટા બન્યા કે ન તો વ્રજભૂમિ છોડી ને અન્યત્ર પધાર્યા. હા બીજું એક ધર્મી સ્વરૂપ શ્રીકૃષ્ણ સમયાંતરે વ્રજભૂમિ છોડીને ગયાં તો ત્યાં જ ગયાં જ્યાં શ્રી વલ્લભનંદન પરમ દયાલ શ્રી ગુંસાઈજી પ્રભુચરણનાં સેવક એવા અજબબાઈજી જ્યાં રહેલાં હતાં તે મેવાડ મધ્યે ધર્મી સ્વરૂપ એવા શ્રી કૃષ્ણ શ્રીજી બાવા શ્રી ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થઈ પાછળથી મેવાડ પધારી ત્યાં બિરાજયાં. પરંતુ તે ધર્મી સ્વરૂપ એટલે આજથી પાંચસો વર્ષ પહેલા જે સ્વરૂપ શ્રી ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયેલું તેની વાત છે પણ સારસ્વત યુગના ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ હજુ પણ વ્રજમાં જ બિરાજીને ત્યાં જ તેમની “નિત્ય નૌતમ લીલા” કરી રહ્યાં છે, અને પાંચસો વર્ષ પહેલા જે નિત્ય નૌતમ લીલાઓ થઈ રહી હતી તેજ લીલાઓ આજે પણ થઈ રહી છે તેથી પ્રભુની આ “નિત્ય નૌતમ લીલાની” કણકા પ્રસાદી આજે પણ આપણને મળી રહી છે. વાત ફક્ત સમજવાની જ નહીં પણ સાથે સાથે હૃદયારૂઢ કરવાની વાત છે તેથી જે સમયે તમે વિચારો છો કે પ્રભુ પ્રગટ છે અને પ્રભુની લીલા થઈ રહી છે તે જ સમયે પ્રભુની સર્વ લીલાઑ પ્રગટપણે થાય જ છે. શ્રી મહાપ્રભુજી એ કહેલ આ વાતનું હાર્દ સમજીએ તો ખબર પડે કે જે સમયે આપણાં અષ્ટસખાઓ પોતાની સેવા દ્વારા પ્રભુને પામી રહ્યાં હતાં તે જ સેવા આજે પણ વૈષ્ણવો દ્વારા થઈ રહી છે. જે સમયે વૈષ્ણવો પોતાનાં પ્રભુ માટે સેવા દરમ્યાન અષ્ટસખાઓ રચિત પદ ગાય છે ત્યારે તે અષ્ટસખાઓનું આધિ દૈવીક સ્વરૂપ વૈષ્ણવોમાં આવીને બિરાજે છે. તે જ રીતે પ્રભુની સેવા કરી રહેલા પ્રત્યેક વૈષ્ણવ પણ પોતપોતાની ભાવના પ્રમાણે ગૃહરૂપી વ્રજમાં વ્રજવાસી બનીને પ્રભુ સેવા કરવાનું સુખ ભોગવે છે. 

 

શ્રી વલ્લભાચાર્યા મહાપ્રભુજીએ કહ્યું કે …….ધર્મ સ્વરૂપ દરેક કલ્પમાં વિવિધ અવતારો રૂપે પ્રગટ થતું રહ્યું છે પણ ધર્મી સ્વરૂપ કેવળ અને કેવળ સારસ્વત કલ્પમાં પ્રગટ થયું હતું અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને માટે કેવળ ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ “સેવનીય” છે. જ્યારે ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ સ્મરણિય છે. જ્યારે જે લીલા કરતાં કરતાં પ્રભુને શ્રમ પડે તે ધર્મ સ્વરૂપની લીલા કહેવાય અને જે લીલા કરતાં કરતાં પ્રભુ ને અત્યંત આનંદ આવે તે ધર્મી સ્વરૂપની લીલા કહેવાય.

 

સખી આજે આપણાં શ્રી ઠાકુરજી વિષે આ નવી વાત જાણીને મને જેટલો આનંદ થયો છે તેટલો જ આનંદ તને આ પત્ર વાંચી ને થશે જો આ પત્રસાર તને ન સમજાય કહેજે  અને સમજાય જાય તો પણ કહેજે જેથી તારી નવી નજરથી કોઈક નવી વાત વિષે મને ખબર પડે. કારણ કે આપણાં કૃષ્ણ કનૈયા એવા છે કે તેમને જ્યારે મળીએ ત્યારે તેઓ દરેક પળે–પળે નવું જ રૂપ ધારણ કરેલા જોવા મળે છે અને વળી પ્રત્યેક વ્યક્તિને પણ તેઓ નવા જ રૂપમાં મળે છે તેથી મને પણ તારી નવી નજરમાંનાં નવા કૃષ્ણની વાતમાં શામિલ કરવાનું ભૂલીશ નહીં ચાલ ત્યારે રજા લઉં આપણે ફરી મળીશું આપણી એ જ જૂની કૃષ્ણ કેડી પર કોઈક નવા વિચાર સાથે અને નવા વિષય સાથે આપણે ફરી મળીએ ત્યાં સુધી તને મારા જય શ્રી કૃષ્ણ.

 

 

 

એજ તારી સખી પૂર્વીની સ્નેહયાદ …

(પુષ્ટિ પ્રસાદમાં પ્રકાશિત ૨૦૧૧)  

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 
આજની પોસ્ટ બ્લોગ પોસ્ટ પર મોકલવા બદલ અમો પૂર્વી મોદી -મલકાણ (યુ.એસ.એ.) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

સગાસંબંધીનાં જોડકણા …

સગાસંબંધીનાં જોડકણા …

 

KidsOnAMerryGoRoundXLclr[1]

 

સાભાર : ચિત્ર લેવા બદલ  શ્રી ગોવિંદભાઈ પટેલ  –પરાર્થે સમર્પણ નાં આભારી છીએ …

 

 

૧) ગાંધીબાપુ દેશનાં બાપુ, રહેતા હતાં સાદા
મારા પપ્પાનાં બાપુ તે થાય મારા “દાદા”.

૨) મારા પપ્પા કેરાં બા મારા “દાદી” થાય
સવારે પ્રભાતિયા ને સાંજે ભજન ગાય.

૩) દાડમનાં દાણા જેવાં મારા દાંત મજાનાં
મારી મમ્મીનાં બાપુ તે થાય મારા “નાના”

૪) ખાતાં ખાતાં ઉધરસ ચઢે ત્યારે મને પાય પાણી
મારી પીઠે વ્હાલ કરતી, મમ્મીની બા થાય મારી “નાની”.

૫) ‘બહેન”તો પરણીને સાસરે ચાલી ગઈ ને થઈ ગઈ પરાઈ કેવી
બહેનીનાં વરને જ્યારે હું જોઉં છું ત્યારે કહું કે ઘરે આવજો “બનેવી”

૬) “ભાઈ”નાં લગન લીધાં, જાનમાં કરી ખૂબ લહેર
રૂમઝુમ કરતી “ભાભી” આવી ભાઈ સાથે ઘેર.

૭) ચોમાસામાં વાદળ ગરજે, વીજ કરે કડાકા
મારા પપ્પાનાં ભાઈ તે થાય મારા “કાકા”.

૮) કાકાની ઘરવાળી તે થાય મારી “કાકી”
હોંશે હોંશે શીખવાડે જે લેસન હોય મારું બાકી

૯) દિવાળીમાં નાનાને ત્યાં નાખું હું મારા ધામા
મારી મમ્મીનાં ભાઈ તેને હું કહું છું “મામા”

૧૦) મામાની ઘરવાળી તે થાય મારી “મામી”
હસીને કહે ભાણાભાઈ તમારી તબિયત તો ખૂબ જામી.

૧૧) મારી મમ્મી જેવુ વ્હાલ વરસાવી રહેતી ઉલ્લાસી
તમને ખબર છે એ કોણ છે? એ તો છે મારી “માસી”.

૧૨) માસીનાં ઘરવાળા થાય મારા “માસા”
મેવા મીઠાઇ ને લાવે મીઠા પતાસાં

૧૩) મારા પપ્પાની બહેની તે હરખાય મને જોઈ
નામ મારું સુંદર પાડ્યું એ તો મારા “ફોઇ”

૧૪) ફોઇનાં ઘરવાળાને કહું છું ચાલો જમવા “ફુઆ”
જમીને પરવારે કે તરત લાગી જાય સૂવા.

૧૫) મારી બધી વાત સુણી, “પપ્પા” બોલ્યાં ધીમા
ભારે હોંશિયાર તું , ને એ સાંભળી મલકી મારી “મા”

 

 

લેખક- યોસેફ મેકવાન
સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

 

 

૧) ચોરી કરવા ચાલ્યાં ચોર, સોની પોળમાં થાતો શોર
સિપાહી મળ્યાં સામા, બાના ભાઈ તે મામા

૨) મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી
સાડીનાં રંગ પાકા, બાપનાં ભાઈ તે કાકા

૩) કાકા કાકા કારેલાં, કાકીએ વઘારેલા
કાકી પડ્યાં રોઈ, બાપની બહેન તે ફોઇ

૪) ફોઇ ફૂલડાં લાવે, ફૂઆને વધાવે
ફૂઆ ગયાં કાશી, બાની બહેન તે માસી

 

 

સંકલન- પૂર્વી મોદી મલકાણ -યુ એસ એ.
 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.