મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત શ્રી વલ્લભ સાખી …ભાગ – [૫] …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત
શ્રી વલ્લભ સાખી … (૩૪-૩૯)
-મહેશ શાહ, વડોદરા, ગુજરાત.

ભાગ – [૫]

 

 

vallabh sakhi

 

 
પૂરણ બ્રહ્મ પ્રકટ ભયે, શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ |
નીજ્જન પર બરખત સદા, શ્રી વ્રજપતિ પદ નેહ ||૩૪||

 

શ્રી લક્ષ્મણ ભટ્ટના વંશમાં થયેલા સો સો સોમ યજ્ઞના ફળરૂપે સાક્ષાત પૂર્ણ પુરૂષોત્તમે વલ્લભ રૂપે તેમના ઘરે અવતાર લીધો છે. સ.સ્તો. ના ૧૦ મા શ્લોકમાં ‘વિભુ:’ અને ૧૨ મા શ્લોકમાં ‘સદ્રૂપ:’ એવાં નામ બિરાજે છે. જે શ્રી વલ્લભનું સ્વરૂપ ઉજાગર કરે છે. ‘વિભુ:’ એટલે વ્યાપક બનવાની શક્તિ, વિવિધ રૂપ ધારણ કરી શકે તે અથવા વિશિષ્ટ શક્તિઓ ધરાવનાર, તે વૈકુંઠવાસી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું એક નામ પણ છે. એટલે જ ભક્તો ગાય છે કે, ‘હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?”

 

‘સદ્રૂપ:’ નો એક અર્થ સત્ય સ્વરૂપ થાય છે તો વળી અમુક વિદ્વાનો સચ્ચીદાનંદ સ્વરૂપ એવો અર્થ પણ કરે છે. આવા આપણાં શ્રી વલ્લભ પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ સ્વરૂપ છે અને દૈવી જીવોના ઉધ્ધાર માટે સદા સર્વદા પ્રયત્નશીલ રહે છે.

 

આચાર્યજીની કૃપાથી જ આપના ભક્તો ઉપર વ્રજાધિપતીના ચરણ કમળમાં પ્રેમ-ભાવનાનો ધોધમાર વરસાદ વરસે છે જેથી ભક્તો પ્રભુ પ્રેમમાં તરબતર બની જાય છે. આથી જ શ્રી ગુંસાઈજીએ સ. સ્તો. માં ચાર સુંદર નામો પ્રગટ કર્યા છે. તે પૈકી આ સાખીમાં છે તે જ વાત કહેતું ૧૪ મા શ્લોકનું નામ છે ‘કૃપાદ્રગ્વૃષ્ટિ સંહૃષ્ટદાસદાસી પ્રિય:’ જેનો અર્થ થાય છે કે શ્રી વલ્લભની દયામય દ્રષ્ટિની અમૃતમય વર્ષાથી પ્રસન્ન થયેલા આપણી જેવા દાસદાસીઓને આપ અત્યંત પ્રિય છે. તે ઉપરાંત સ.સ્તો.ના ૧૦ મા શ્લોકમાં ‘અંગી કૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ:’ એવું નામ કહેવાયું છે અર્થાત શ્રી વલ્લભ માનવ જીવને અંગીકાર કરીને તેને શ્રીકૃષ્ણને પ્રિય બનાવે છે. એક વાર આપણે પ્રભુને પ્રિય થઈએ કે આપણાં અંતરમાં પ્રભુ માટે ખરી પ્રીત પ્રગટે પછી બીજું શું જોઈએ? સ.સ્તો.ના ૧૧મા શ્લોકમાં ‘અદેયદાન દક્ષસ્ચ:’ નામથી શ્રી ગુંસાઈજી આપણને શ્રી વલ્લભના એક મહા ઉદાર ચરિત્રનું દર્શન કરાવડાવે છે. શ્રી વલ્લભ અદેય દાન દેવામાં દક્ષ એટલે કે ચતુર છે. અદેય દાન એટલે આપી ન શકાય તેવું દાન. પ્રભુ શ્રી કૃષ્ણ એવા અણમોલ નિધિ છે કે એમનું દાન અન્ય કોઈ આપી ન શકે. એવી જ રીતે પ્રેમલક્ષણા ભક્તિ કે ગોપીભાવનું દાન પણ ‘અદેય’ છે.તે આપવામાં શ્રી વલ્લભ દક્ષ અર્થાત ચતુર છે, માહેર છે, અંગ્રેજીમાં કહેવું હોય તો કહી શકાય કે dexterous છે. આવી ક્ષમતા કે મહારત (expertise) અન્ય કોઈમાં નથી. તેવી જ રીતે ૧૩મા શ્લોકમાં ‘કૃષ્ણ જ્ઞાનદ:’ દ્વારા એ વાત જણાવાઈ છે કે સ્વામિનીજી સહીત કૃષ્ણ પ્રભુનું જ્ઞાન દેનારા એક માત્ર શ્રી વલ્લભ જ છે. શ્રી વલ્લભે સુબોધિનીજી સહિત અનેક ગ્રંથોની રચના કરીને પ્રભુના સ્વરૂપ અને પ્રભુની લીલાનું જ્ઞાન દૈવી જીવોને આપ્યું છે. શ્રીકૃષ્ણના સ્વરૂપનું સાચું જ્ઞાન સૌને થતું નથી. તેમના સખા અર્જુનને પણ વિરાટ સ્વરૂપના દર્શન અને ૧૮-૧૮ અધ્યાયના ગીતા ગાન પછી જ તે જ્ઞાન મળ્યું હતું અંતે તેનો મોહ નાશ થયો હતો. ઉપર કહ્યા તે શ્રી વલ્લભના સર્વ નામોમાં આ સાખીના બીજા ચરણમાં છે તેવી જ વાત છે.

 

જાગત સોવત સ્વપ્ન મેં, ભોર ધ્યોસ નીસ સાંઝ |
શ્રી વલ્લભ વ્રજઈશ કે, ચરણ ધારો હિય માંઝ ||૩૫||

 

આવા પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભ વ્રજના ઈશ્વર છે. આપ શ્રી કૃષ્ણનું અન્ય રૂપ (alter ego) છે. આવા શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમળને સદા સર્વદા આપણે હૃદયમાં ધારણ કરવાં જોઈએ. સદા, સર્વદા, અહર્નિશ ધારણ કરવું જરૂરી છે તે વાત ભારપૂર્વક સમજાવવા માટે શ્રી હરિરાયજી કહે છે કે, જાગતા હોઈએ કે સુતા હોઈએ ત્યારે તો ખરૂં જ પણ સ્વપ્નમાં પણ એનું વિસ્મરણ ન થવું જોઈએ. કોઈ કહે કે ઊંઘમાં ગરકાવ થયા પછી કે સ્વપ્ન ઉપર તો આપણો કોઈ અખત્યાર હોતો નથી તો પછી અહીં તેવી વાત કેમ કરી છે? તેનો ખુલાસો એમ હોઈ શકે કે જો જાગૃત અવસ્થામાં આપણે સતત શ્રીવલ્લભમય હોઈએ, પ્રભુની લીલામાં જ મન રમમાણ હોય તો સ્વાભાવિકપણે ઊંઘ અને સ્વપ્નમાં પણ તેઓ જ દર્શન આપવાના.

 

ભલે આપણી એ યોગ્યતા ન હોય કે આપણને એ અધિકાર પણ પ્રાપ્ત ન થયો હોય કે આપણને શ્રીવલ્લભના સાક્ષાત દર્શન થાય પણ આપણો તો કૃપા માર્ગ છે અને અહીં પ્રભુ કૃપાએ હીરલો લાધે જ છે. તેથી જ તેવો મનોરથ મનમાં જરૂર રહે છે કે ભલે એવી કૃપાના બળે પણ કમ સે કમ સ્વપ્નમાં શ્રી વલ્લભના ચરણારવિંદના દર્શન થાય. ભક્તેચ્છા પૂરક (સ.સ્તો. શ્લો.૨૭) શ્રી વલ્લભ જરૂર આપણો તે મનોરથ પણ સફળ કરશે.

 

હા હા માનોં કહત હૌં, કરી ગીરીધર સોં નેહ |
બહુરી ન એસી પાવહીં, ઉત્તમ માનુષ દેહ ||૩૬||

 

ઉત્તમ એવો માનવ દેહ પ્રાપ્ત થવો જ મુશ્કેલ છે. લાખો જન્મ પછી એક વાર પ્રભુકૃપાએ માનવ દેહ પ્રાપ્ત થાય છે. તેમાં પણ પુણ્યભુમી ભારત દેશમાં જન્મ પ્રાપ્ત થયો છે. આપણે નસીબદાર છીએ કે પ્રભુએ વરણ કર્યું તેથી આપણને શ્રી વલ્લભની કૃપાથી પરમ પાવન પુષ્ટિમાં સ્થાન મળ્યું છે. આવી તક લાખ-કરોડોમાં કોઈકને જ અને ક્યારેક જ મળતી હોય છે તેને આપણે વેડફી ન દઈએ તે બહુ મહત્વનું છે. તેવો સુયોગ ફરી મળે પણ અને ન પણ મળે. આ જન્મમાં જ શ્રી ગોવર્ધનધારી સાથે પ્રેમ કરી લઈએ. સામે પ્રભુનો પ્રેમ પણ મળી જાય તો તો બેડો પાર. હું તો કહું છું આપણે એવો પ્રેમ કરીએ કે પ્રભુ પણ આપણને પ્રેમ કરવા, અપનાવવા, કૃતાર્થ કરવા બાધ્ય બની જાય. આપણે જાણીએ જ છીએ કે વલ્લભનો અર્થ જ ‘અત્યંત પ્રિય’ એવો થાય છે. આપણા આ શ્રી વલ્લભ પ્રિયા-પ્રિતમને તો વહાલા છે જ ભક્તોને પણ અત્યંત વહાલા છે. બંને બાજુના સ્નેહના સુભગ સમન્વયથી સ્નેહ-ત્રિવેણીમાં સ્નાનના સદભાગી બનીએ તો આપણો જન્મ સફળ.

 

ચતુરાઈ ચૂલ્હે પરો, જ્ઞાનીકો યમ ખાઉ |
જા તનસોં સેવા નહીં, સો જડમૂળ સોં જાઉં ||૩૭||

 

૩૬મી સાખીમાં શ્રી હરિરાયજીએ આજ્ઞા કરી કે માનવ દેહ મળ્યો છે તો પ્રભુ પ્રેમનો પ્યાલો પી લેવો. ત્યારે કોઈ જ્ઞાન માર્ગી કહેશે કે ના, જેટલું મળે તેટલું જ્ઞાન અર્જિત કરી લો, બ્રહ્મને ઓળખી લો તો જ જન્મ સફળ થાય. આવા શુષ્ક જ્ઞાનીને ઉગ્રતાથી જવાબ આપતાં આપ કહે છે કે આવી મિથ્યા ચતુરાઈને ચૂલામાં નાખીને નેસ્ત નાબુદ કરી દો. જેથી ફરી ભક્તિ માર્ગમાં બાધારૂપ ન બને. યજ્ઞ યાગાદી, હોમ હવન જેવી પ્રેમ વગરની ક્રિયાઓ ઘી વગરના લુખા ભોજન સમાન છે. આવી વાતથી ભ્રમિત કરનાર કહેવાતા જ્ઞાનીનું મૃત્યુ થઇ જાય (યમ ખાઈ જાય) તેમાં જ આપણી ભલાઈ છે. ગોપીઓના ભોળપણ થકી જ પ્રભુ વશ થયા હતા. એટલું જ નહીં એ જ પ્રેમાળ ભોળપણે જ્ઞાની ઉધ્ધવજીને પ્રેમ લક્ષણા ભક્તિના પ્રથમ પાઠ શીખવ્યા હતા.

 

માનવ દેહ મળ્યો, વલ્લભનું શરણ પણ મળ્યું છતાં તેનો સેવામાં વિનિયોગ ન થઇ શકે તો તે પ્રાપ્તિનો કોઈ જ અર્થ નથી. ભલે આ દેહ મૂળ સહીત નષ્ટ થઇ જાય. જે દેહ પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા મારો જન્મ સફળ ન કરે તેનું શું કામ છે? શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી ચતુશ્લોકી, શ્રી ભક્તિવર્ધીની, તેમજ શ્રી સિધ્ધાંત મુક્તાવલી સહીત અનેક ગ્રંથોમાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે વૈષ્ણવનું એક માત્ર કર્તવ્ય, એક માત્ર પુરુષાર્થ પ્રભુ સેવા છે. તેમાં જ ચિત્તને પરોવવું તેના દ્વારા જ પરમ ફળરૂપ માનસી સેવા સિદ્ધ થશે.

 

દેખી દેહ સુરંગ યહ, મતી ભૂલે મન માંહિ |
શ્રી વલ્લભ બિનુ ઔર કોઈ તેરો સંગી નાહીં ||૩૮||

 

પ્રભુ કૃપાએ આપણને આ રૂડો રૂપાળો દેહ મળ્યો છે. તેના સૌન્દર્યમાં મોહિત થઇ દેહાધ્યાસથી ગ્રસિત ન થઇ જઈએ. સાબરના શીંગ સુંદર અને આકર્ષક હોય છે, હાથીના દંતશુળમાંથી સુંદર વસ્તુઓ બને છે, વાઘનું ચામડું મુલાયમ અને ચમકતું હોય છે. દેહનું સૌન્દર્ય તો નાશવંત છે. તે આપણને પતન તરફ લઇ જનારું પણ છે. ઘણી વાર તે સૌન્દર્ય જ મૃત્યુનું કારક બને છે. એ સતત યાદ રાખવું જરૂરી છે કે જીવનસાથી નામ પ્રમાણે જીવન સુધી જ સાથ આપશે, અન્ય સ્નેહી મિત્રો પણ ક્યારે છોડી જશે તેની ખબર નથી. આમ પણ દુન્યવી સંબંધોનું આયુષ્ય આ દેહના સ્મશાન ગમન સુધી જ સીમિત રહેલું છે.

 

આ વાત યાદ કરાવતાં શ્રી હરિરાયજી કહે છે છે કે આ દેહના આંધળા મોહમાં એ વાત ન ભૂલાય કે આ સંસારમાં માત્ર એક શ્રી વલ્લભ જ આપણા સાચા સંગી, સાચા ઉધ્ધારક છે. જેમનું સ્મરણ કરવાથી જ સર્વ લૌકિક-અલૌકીક આર્તિનો નાશ થઇ જાય છે (સ.સ્તો. શ્લો.૭) લૌકિક આર્તિ કષ્ટદાયક હોય છે જ્યારે અલૌકિક આર્તિ પ્રભુના વિરહને કારણે થતી હોઇ અંતત: પરમ સુખકારી હોય છે. શ્રી વલ્લભ જ આપણને હાથ પકડી પ્રભુની કુંજ નિકુંજમાં લઇ જવાના છે, નિત્યલીલામાં પણ આપણો સાથ નિભાવવાના છે એટલે સાચા સાથી, સાચા રાહબર, સાચા સારથી છે. એમના સિવાય આપણો સાથ કોઈ નિભાવશે નહીં, કોઈનું તેવું સામર્થ્ય પણ નથી. આ સત્ય સમજીને વલ્લભનું ચરણ મક્કમતાથી ગ્રહી રાખીએ.

 

તેરી સાથિન દેહ નહીં, યાકે રંગ મત ભૂલ |
અંત તૂહીં પછતાયાગો, તૂરત મિલેગી ધૂલ ||૩૯||

 

કાયાની માયાની નિરર્થકતાની જ વાત આગળ ચલાવતાં આ સાખીમાં કહેવાયું છે કે દેહનો સાથ કાયમી નથી, તે દગો દેશે તે વાત અવશ્યંભાવિ છે એટલું જ નહીં તે ક્ષણભંગુર હોઈ ક્યારે સાથ છોડી દેશે તે પણ નક્કી નથી. લીધેલો શ્વાસ પાછો છોડી શકાશે કે નહીં તેનો ભરોસો નથી. તેના બેરંગ રંગ ભૂલવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. મહાભારતમાં યક્ષના પ્રશ્નોના જવાબ આપતાં યુધિષ્ઠીરે કહયું હતું તેમ આ દુનિયાનું સૌથી મોટું અચરજ એ છે કે માનવ પોતાની આસપાસ દરરોજ અન્ય માનવોને મરતાં જોતો હોવા છતાં પોતે ક્યારેય મરવાનો ન હોય તેવું જ વર્તન કરે છે. આપણને ચેતવતા શ્રી હરિરાયજી કહે છે કે જો આવી ભૂલ કરશો તો અંતે તો પસ્તાવાનો જ વારો આવવાનો છે અને આ દેહ અને સાથે સાથે મનના મનસુબા, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ગૌરવ અને અભિમાન બધું જ ધૂળમાં મળવાના છે. માટે વિવેકાનંદજીના શબ્દો ચોરીને કહી શકાય કે “જાગો, ઉઠો અને પ્રભુ કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અવિરત પ્રયત્નો કરતા રહો”

 

 

આજે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.

 

ક્રમશ:

 

 

© Mahesh Shah 2013
 
 
સૌજન્ય – સાભાર : મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા  ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
eamil : [email protected]

 

 

શ્રી મહાપ્રભુજી હરિરાયજી કૃત ‘શ્રી વલ્લભ સાખી’ ની ઝાંખી, મહેશ ભાઈ શાહ, વડોદરા ની કલમ દ્વારા ‘દાદીમા ની પોટલી’ પર આપ સમયાંતરે નિયમિત માણી શકો તે માટે અમારો નમ્ર પ્રયાસ રેહશે.

 

‘દાદીમા ની પોટલી’ પર ‘શ્રી વલ્લભ સાખી’ ની પોસ્ટ મોકલવા બદલ અમો શ્રી મહેશભાઈ શાહ -વડોદરા નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  

 

આપના બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.