ભાગવત સુધા-૧ …

ભાગવત સુધા-૧ …

 

 bhagwat sudha

 

 • વિશ્વાસઘાત..કપટ અને અનીતિથી મળેલ ૫દાર્થોથી સાચું સુખ મળતું નથી.

 

 • સત્પાત્રને આપવામાં આવેલ દાન..પુણ્ય અને યશ પ્રદાન કરે છે.

 

 • જે શુભ કે અશુભ જેવું ૫ણ કર્મ કરે છે તેને તેવું ફળ ભોગવવું ૫ડે છે.

 

 • કોઇપણ વ્યક્તિ પ્રારબ્ધનું ઉલ્લંઘન કરવામાં સમર્થ નથી.

 

 • જ્યાં ધાર્મિક બુદ્ધિ છે ત્યાં શાંતિ..સમૃદ્ધિ તથા શિવા સ્વંયમ્ નિવાસ કરે છે અને જ્યાં અધર્મ છે ત્યાં શિવા વિ૫ત્તિના રૂ૫માં આવે છે.

 

 • દુર્બુદ્ધિ વ્યક્તિ પોતે નિષિદ્ધ આચરણ કરીને બીજા ઉ૫ર દોષારો૫ણ કરે છે.

 

 • આત્મતત્વના વિચારના દ્વારા વિષયોથી પ્રાપ્‍ત થનાર આસક્તિજન્ય સુખનો ૫રિત્યાગ કરી શાશ્વત સુખની પ્રાપ્‍તિના માટે પ્રભુ-૫રમાત્માની ઉપાસના કરવી.

 

 • માતા-પિતા..ગુરૂ અને પ્રભુના વચનોને કોઇ આનાકાની કર્યા વિના જ શુભ જાણીને સ્વીકારી લેવા જોઇએ.

 

 • પ્રભુ નામ સુમિરણ કરનારાઓના મોહ..મદ..કામ અને માન મટી જાય છે.

 

 • સાસુ-સસરા તથા ગુરૂની સેવા કરવી અને પતિનો સ્વભાવ જાણી લઇને તેમની આજ્ઞાને અનુસરવી તે સ્ત્રીનો ધર્મ છે.

 

 • સ્વપ્‍નમાં ૫ણ રાગ..દ્રેષ..ઇર્ષા..મદ કે મોહને વશમાં થવું.

 

 • મનમાં જથ્થાબંધ થઇ રહેલા સંશયોનો સમુદાય સદગુરૂની પ્રાપ્‍તિથી નષ્‍ટ થાય છે.

 

 • જ્ઞાનથી મુક્તિ થાય છે અને ભક્તિથી જ્ઞાન થાય છે..ધર્મથી ભક્તિનો ઉદય થાય છે.

 

 • મન..બુદ્ધિ અને અહંકાર જીવના સહયોગી છે.

 

 • આ જીવ પૂર્વજન્મની વાસનાઓથી યુક્ત અંતઃકરણ સાથે ઉત્પન્ન થાય છે અને આમ જીવન ૫ર્યન્ત સૃષ્‍ટ્રિમાં નિવાસ કરે છે.

 

 • આ પંચભૂતાત્મક દેહ જ દુઃખનું કારણ બને છે.

 

 • વિશ્વાસઘાત..ક૫ટ અને અનીતિથી મળેલ ૫દાર્થોથી સાચું સુખ મળતું નથી.

 

 • પોતાના માટે ઓછી વાપરે..કરકસર અને મહેનત કરી મેળવેલ સં૫ત્તિને સારા કાર્યો.. સત્કાર્યો..દાન-પુણ્ય અને ધર્મના કાર્યમાં વાપરે છે તે લક્ષ્‍મી વધે છે અને ટકે છે.

 

 • ૫તિના ૫ગલે ચાલે..૫તિમાં પરમેશ્વરનાં દર્શન કરે..બાળકોમાં ભક્તિના સંસ્કાર આપે.. વડીલોની સેવા કરે..સેવા-સુમિરણ-સત્સંગ-કથા-દાન-પુણ્ય કરે તેવી સ્ત્રીના માટે મોક્ષ દૂર નથી.

 

 • આ જગતમાં જે કાંઇ મનથી વિચારવામાં આવે છે..વાણીથી કહેવામાં આવે છે..નેત્રોથી જોવામાં આવે છે અને ઇન્દ્રિયોથી શ્રવણ…વગેરે કરવામાં આવે છે તે બધું નાશવાન છે, સ્વપ્‍ન જેવો મનનો વિલાસ છે,મિથ્યા છે.

 

 • ઇન્દ્રિયો અને ચિત્તને વશમાં કરીને આ સંપૂર્ણ સંસારને આત્મરૂ૫ જુવો અને આત્માને ૫રમેશ્વરમાં જુવો.

 

 • સર્વનો આત્મા હું છું એવું માનીને બધા જ દેહધારીઓ સાથે આત્મભાવ રાખો.

 

 • સમગ્ર પ્રાણીઓમાં સુલેહભાવ રાખે છે..ચિત્તમાં સદા શાંતિ રાખે છે… એકમાત્ર ૫રમાત્માનું જ અનુસંધાન દ્દઢતા પૂર્વક રાખે અને સમગ્ર સંસારને ૫રમાત્માનું જ સ્વરૂ૫ સમજે છે તે જન્મ-મૃત્યુના ચક્કરમાં ૫ડતા નથી.

 

 • આ સંસારમાં જે લોકો લોક-વ્યવહાર અને તત્વજ્ઞાનમાં બુદ્ધિમાન હોય છે તેઓ સ્વયં પોતાનો અશુભ વાસનાઓમાંથી ઉદ્ધાર કરી લે છે.

 

 • મનુષ્‍ય પોતે જ પોતાનો ગુરૂ છે.  તે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા પોતે જ પોતાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે.

 

 • જિજ્ઞાસુ… જ્ઞાનીજનો ૫રમાત્માનો પ્રત્યક્ષરૂપે તથા સર્વવ્યા૫ક વિરાટ નિરાકારરૂપે સાક્ષાત્કાર કરી લે છે.

 

 • અન્ય લોકો જ્ઞાનીને ગમે તેટલું દુઃખ આપે..તે તમામ દુઃખોને જ્ઞાની પ્રારબ્ધ અનુસાર માનીને પોતાની સ્વરૂ૫ સ્થિતિથી લેશમાત્ર ૫ણ વિચલિત થતા નથી.

 

 • ઇન્દ્દિયોની તૃપ્‍તિ માટે નહી ૫રંતુ પ્રાણ ધારણ થઇ શકે એટલો જ આહાર લેવો, જેથી મન અને વાણી આમ-તેમ ભટકે નહી અને પોતાનું જ્ઞાન નષ્‍ટ ના થાય.

 

 • સર્વત્ર વિચરણ કરતા રહીને ૫ણ અનેક ધર્મોના વિષયોમાં તેમના ગુણ-દોષથી પોતાને સર્વથા દૂર રાખવા..તેમનામાં આસક્ત ના થવું.

 

 • એક જ આત્મા સર્વમાં ૫રિપૂર્ણ છે તે જ આત્મા પાર્થિવ શરીરમાં ૫ણ છે, પરંતુ જેમ આત્મા શરીરમાં હોવા છતાં ૫ણ નિર્લે૫ છે તેમ જ્ઞાની ૫ણ શરીરમાં રહેતો હોવા છતાં તેના ગુણદોષો સાથે પોતાને જોડતો નથી.

 

 • બ્રહ્મ પ્રાણીઓમાં સમાનરૂપે અને અન્વયરૂપે સર્વત્ર ૫રિપૂર્ણ છે તે અખંડરૂપે અસંગ છે.

 

 • ત્રણ ગુણોના કાર્યરૂ૫ પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશના રૂ૫માં સ્થૂળરૂપે દેખાતાં શરીર ઇન્દ્દિયો…વગેરે સાથે પુરૂષનો કોઇ સબંધ નથી.

 

 • મનનશીલ જ્ઞાનીનો સ્વભાવ સ્વચ્છ હોય છે..તે સર્વને પ્રિય હોય છે..તે પોતાની દ્દષ્‍ટિથી અને મધુર વાણીથી લોકોને ૫વિત્ર કરે છે.

 

 • જે જિતેન્દ્દિય હોય છે તે જે કાંઇ ખાઇ પી લે તે ભસ્મ થઇ જાય છે તેને કોઇ દોષ લાગતો નથી.

 

 • મહાપુરૂષ-સાધુ-સંતોને ભોજન આપનારના ભૂતકાળ અને ભવિષ્‍યના અમંગળો નષ્‍ટ થઇ જાય છે.

 

 • પોતાની માયાથી બનેલન સત્ અસત્ (વ્યક્ત-અવ્યક્ત) બધાં જ ચરાચર પ્રાણીઓમાં પ્રવિષ્‍ટ થઇને એક જ આત્મા તે તે રૂ૫માં દેખાય છે.

 

 • શરીરની ઉત્પત્તિથી લઇને મૃત્યુ સુધી અવસ્થાઓ અવ્યક્ત કાળ ગતિના પ્રભાવથી બદલતી રહે છે.જેનો આત્મા સાથે કોઇ સબંધ હોતો નથી.

 

 • જ્ઞાનીઓ ગ્રહણ કરવામાં..આ૫વામાં ક્યાંય ૫ણ આસક્ત થતા નથી.

 

 • કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ કે આસક્તિ રાખવી જોઇએ નહી.

 

 • જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના ૫રીવારના ભરણ-પોષણમાં વ્યસ્ત રહી ૫રીવાર સહિત દુઃખી થાય છે.

 

 • આ મનુષ્‍ય શરીર મુક્તિનું ખુલ્લુ દ્વારા જ છે,તેને પ્રાપ્‍ત કરીને ૫ણ જે મનુષ્‍ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર ૫રીવારમાં આસક્ત રહે છે તે મનુષ્‍ય ઉન્નત ૫દને પ્રાપ્‍ત કરીને ૫ણ પુનઃ નીચે ૫ડે છે.

 

 • ઇન્દ્દિયોનું સુખ જેવું સ્વર્ગમાં હોય છે તેવું નરકમાં ૫ણ છે. જેમ પ્રયત્ન કર્યા વિના દુઃખ આવે છે તે પ્રમાણે સુખ ૫ણ આવે છે..તેથી બુદ્ધિમાન મનુષ્‍યોએ તેની ઇચ્છા ના કરવી જોઇએ.

 

 

 

 

સાભાર :  સંકલનઃ

શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
e-mail: [email protected]
Blog: vinodmachhi.blogspot.com

 

બ્લોગ લીંક :  http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવા મોકલવા બદલ, શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

“પાન ખાયે સૈંયા હમારો” …

“પાન ખાયે સૈંયા હમારો” …

 

 paan khaai

 

 

બિરી ખાત નવલ કિશોર રાધે સંગ, મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, લવિંગ-સોપારી-એલચીને પાનનાં બીડલા સાર, ખઇકે પાન બનારસવાલા, પાન ખાયે સૈંયા હમારો….. સાંવલી સુરતીયા હોંઠ લાલ લાલ…., વગેરે જેવા ગીતોથી તાંબુલપાનનો રસિલો રસયુક્ત ઇતિહાસ આપણને જાણવા મળે છે. સંસ્કૃતમાં તાંબુલપત્ર, વ્રજભાષામાં બિરીપત્ર, યજુર્વેદમાં નાગવલ્લી તરીકે ઓળખાતાં આ પત્તાઓને આપણે સામાન્ય રીતે નાગરવેલનાં પાન તરીકે જાણીએ છીએ.

 

ઇતિહાસ કહે છે કે દ્વાપર યુગથી આપણા દેશમાં ભોજન પછી તાંબુલ પત્ર  ખાવાની પ્રથા શરૂ થઈ હતી જે આજે પણ પ્રચલિત છે. હિન્દુ માન્યતા પ્રમાણે અમૃત મંથનમાંથી નાગવલ્લીનાં પાનની ઉત્પત્તિ થઈ હતી. સાગરમંથન કરતાં ૧૪ રત્નો નીકળ્યાં. તે રત્નોમાં ૧૪ માં અને છેલ્લા નીકળેલા તે ધન્વંતરિ હતાં. જ્યારે દેવ ધન્વંતરિ પ્રગટ થયાં ત્યારે તેમનાં હસ્તમાં તાંબુલ પત્ર સાથેનો અમૃતનો કલશ હતો. નાગવલ્લીનાં પાનનું દરેક શુભ કાર્યમાં અને પ્રસંગોમાં ભાવનાત્મક મહત્વ રહેલું હોઈ તેને આનંદ અને અભિમાનનું પ્રતિક માનવામાં આવે છે.

 

યર્જુવેદમાં કહ્યું છે કે પિપ્પલ અર્થાત પીપળ પાન, અશોકનાં (આસોપાલવ) પાન, આમ્રનાં (આંબો) પાન, શમીનાં પાન અને નાગરવેલનાં પાન આ પાંચ પ્રકારના પાન ખૂબ પવિત્ર ગણાય છે,  કારણ કે તેમાં વિવિધ દેવ અને દેવીઓનો વાસ રહેલો હોવાથી સામાજીક, આર્થિક કે ધાર્મિક કોઈપણ કાર્યની પૂર્તિ આ પાંચમાંથી કોઈપણ પ્રકારના એક પાન વડે થઈ જાય છે. નાગરવેલનાં પાનનો વેલો દ્રાક્ષનાં વેલાની જેમ  ભૂમિ પર પથરાય છે અથવા માંડવડી ઉપર બંધાય છે. તાંબુલ પાનનો ગુણધર્મ તીખો, કડવો, શરીરમાં ગરમી ઉત્પન્ન કરનાર હોવાં છતાં તે મુખને સુવાસિત કરીને ભોજનને પચાવવામાં પાચનશક્તિ પ્રદાન કરે છે. નાગરવેલના પાનનો સૌથી વધુ ઉપયોગ આયુર્વેદમાં થાય છે. આયુર્વેદમાં કહ્યું છે કે રોજ એક પાન ખાવાથી પાચનશક્તિમાં વધારો થાય છે, પરંતુ પાનનો વધુ પડતો ઉપયોગ શરીરને નુકશાન પહુંચાડે છે. વધુ પડતાં પાનનાં ઉપયોગથી સ્વાદપિંડ, મો, ગળાનું કેન્સર થઈ શકે છે. જે વ્યક્તિઓને વાયુ અને પિત્ત પ્રકૃતિ હોય છે તેમને માટે તાંબૂલ અર્થાત નાગરવેલના પાન આર્શીર્વાદરૂપ છે કારણ કે આ પાન વાત, વાયુ, પિત્ત, કફ, કૃમિ, મધુપ્રમેહ (ડાયાબિટીસ) અને કબજિયાતને દૂર કરે છે.

 

શ્રી ગાંડાભાઈ વલ્લભભાઈનું કહેવું છે કે,  નાગરવેલનું પાન તીખું, કડવું, તુરું, તીક્ષ્ણ, ગરમ, રુચી ઉપજાવનાર, ઝાડો સાફ લાવનાર, પીત્ત કરનાર, બળ આપનાર, કફનાશક, મોંની દુર્ગંધ દુર કરનાર તથા થાક દુર કરે છે. નાગરવેલનાં પાનમાં એક જાતનું સુગંધીત તૈલી દ્રવ્ય રહેલું છે, જે મોંને ચોખ્ખું કરે છે, દાંતમાં સડો થતો અટકાવે છે અને ખોરાકના પાચન માટે જરુરી પાચક રસોનો સ્રાવ કરે છે. શ્રી ગાંડાભાઈનાં કહેવા મુજબ નાગરવેલના પાનમાં અડધી ચમચી મધ અને અડધી ચમચી હળદર તથા આદુનો એક ટુકડો મુકી ખુબ ચાવીને દીવસમાં ત્રણ-ચાર વાર ખાવાથી શરદી, સળેખમ, ઉધરસ જેવા કફના રોગો મટે છે. ( શ્રી ગાંડાભાઈ લિખિત નાગરવેલનાં પાનની વિશેષ માહિતી gandabhaivallabh.wordpress.com પર મળશે.) આયુર્વેદ અને ભોજન ઉપરાંત ધાર્મિક વિધિ માટે પણ તાંબુલપત્રનું ઘણું જ મહત્વ છે. પ્રાચીન સમયમાં પાન તૈયાર કરવામાં ૨૨ પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ થતો હતો.

 

(૧) નાગરવેલનું પાન, (૨) સોપારી, (૩) ચૂનો, (૪) તમાકુ, (૫) કાથો, (૬) કસ્તૂરી, (૭) સોના અને ચાંદીનો વરખ, (૮) લીલી વરિયાળી (સુકાયેલી નહીં તેવી ભીની વરિયાળી), (૯) બદામ, (૧૦) મરી, (૧૧) કેસર, (૧૨) જાયફળ (૧૩) જાવંત્રી, (૧૪) એલચી, (૧૫) લવિંગ (૧૬) સૂંઠ, (૧૭) આદુ, (૧૮) ચંદન, (૧૯) સૂકું અને લીલું નાળિયેર, (૨૦) તજ, અને (૨૧) કપૂર, (૨૨) ખારેક.

 

આજનાં સમયમાં ઉપરની સામગ્રીઓ સાથે ગુલકંદ, કાજુ, દ્રાક્ષ, અખરોટ, ખજૂર, મિંટ, ધાણાદાળ, ચોકલેટ સાથે અનેક અન્ય સામગ્રીઓઑ પણ ઉપયોગ થાય છે.  નાગરવેલનાં પાનમાં ક્લોરોફિલ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. નાગવલ્લીનાં રસમાંથી અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. નાગવલ્લીનાંમાં પાનમાં અનેક રોગો મટાડવાનો મોટો સ્ત્રોત રહેલો હોઇ અનેક બીમારીઓના ઉપચારમાં તેનો ઉપયોગ લાભદાયી માનવામાં આવ્યો છે. આયુર્વેદમાં કહ્યું છે કે નાગરવેલનાં પાનમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં રહેલું છે. તેમાં નાખવામાં આવતો કાથો, ચૂનો, વરિયાળી,  લવિંગ,  ગુલકંદ,  સોપારી,  નારિયળ, એલચી,  ધાણાદાળ આ બધા જ ખાદ્ય તત્વો પાચનશક્તિને તંદુરસ્ત રાખવા માટે રામબાણનું કામ કરે છે. આયુર્વેદમાં જણાવ્યાં મુજબ સવારના સમયે પાન ખાતી વખતે સોપારીનો ઉપયોગ વધુ કરવો જોઈએ. બપોરના સમયમાં પાન ખાતી વખતે કાથો અને રાત્રીના સમયે ચૂનાનો પ્રયોગ વધુ કરવો જોઈએ. એક સમય હતો જેમાં કસ્તૂરી, સોના-ચાંદીનાં વરખનો ઉપયોગ કેવળ ઉચ્ચવર્ગ, અને ધનવાન લોકો કરી શકતાં હતાં પરંતુ સામાન્ય માણસો દ્વારા પત્ર ખરીદવા મુશ્કેલ હતાં તેથી તેઓએ કસ્તૂરી અને વરખનું સ્થાન લવિંગ અને એલચીને આપ્યું હતું, કારણ કે લવિંગ અને એલચીનું મૂલ્ય પણ ઓછું અને ખાવામાં પણ તે સુપાથ્ય છે.

 

વ્રજ ઇતિહાસમાં કહ્યું છે કે યમુનાજીની કુંજમાં ભગવાન કૃષ્ણ રાધિકા સંગે બિરીપત્ર આરોગતાં હતાં. કારણ કે શ્રી યમુનાજી ઉત્તમોત્તમ બિરી બનાવતાં હતાં. પુષ્ટિમાર્ગમાં દિવાળીમાં થતાં હાટડીનાં દર્શન થાય છે. આ હાટડીની કથામાં જણાવવામાં આવ્યું છે કે યમુના તટ્ટ પર ભગવાન શ્રી કૃષ્ણએ પાન, બિરી અને બિરીમાં વપરાતી સામગ્રીઓની હાટડી માંડી છે અને સખીજનો તેમજ ગોપીજનો ઠાકુરજી પાસે સામગ્રીઓ ખરીદવા આવે છે. આજે પણ પુષ્ટિમાર્ગની ગૃહસેવામાં બિરી એક મહત્તમ ભાગ છે અને કૃષ્ણમંદિર અને હવેલીઓમાં બિરિસેવા પણ કરવામાં આવે છે.

 

તાંબુલ શાસ્ત્રોમાં કહ્યું છે કે સમાજની ધનવાન ગણાતી પરંતુ પુરુષને પ્રસન્ન કરવાનું કાર્ય કરતી ગણિકાઑ તાંબુલનો વધુ ઉપયોગ કરતી હતી તેનું મુખ્ય કારણ એ હતું કે કાથાનાં ઉપયોગથી હોઠ લાલ રહેતાં હતાં, અને લાલ હોઠ આકર્ષણનું કારણ બનતાં હતાં. આમ ગણિકાઑ પાન દ્વારા ધનવાન પુરુષોને આકર્ષિત કરતી હતી. મૃચ્છકટીકમ્માં પણ તાંબુલપત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. કામસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પોતાનાં પતિને ગણિકાઓનાં સુગંધી અને લાલ આકર્ષિત કરનાર ઓષ્ટદ્વયથી બચાવવા માટે ઉચ્ચ વર્ગની ગૃહિણીઑ પણ તાંબુલનો ઉપયોગ કરતી અને એ રીતે પોતાનાં પતિને ગણિકાઑ પાસે જવા માટે અવરોધ ઉત્પન્ન કરતી. લાલિત્ય શાસ્ત્ર પ્રમાણે વિલાસી સ્ત્રી પુરૂષોએ કાથાયુક્ત પાનને વધુ મહત્વ આપ્યું છે.

 

આ ઉપરાંત વિક્રમ રાજાની વૈતાળ પચીસીની વાર્તાઑમાં પણ ચમત્કારિક તાંબુલ પત્રોનો ઉલ્લેખ થયેલો છે. ભારતમાં થઈ ગયેલા વિવિધ આચાર્યો કહે છે કે સવારે સ્નાન કર્યા પછી અને રાત્રિના સમયે ભોજન કર્યા પછી મુખનો સ્વાદ જાળવી રાખવા, મુખને શુધ્ધ અને સુગંધિત કરવા માટે તાંબૂલપાનનો ઉપયોગ કરવાથી તન અને મન બંને શુધ્ધ રહે છે. પાન ખાવાની પ્રથા ભલે પ્રાચીન યુગથી ભારતમાં થઈ હોય, પણ પાનનાં ઈતિહાસનું થોડું ઘણું અસ્તિત્વ ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, થાઈલેંડમાંથી પણ મળી આવ્યું છે. પરંતુ સાથે સાથે એવો પણ ઉલ્લેખ થયેલો છે કે એશિયાઈ દેશોમાં પાન ચાવવાની પ્રથા બોધ્ધ ધર્મ દ્વારા ફેલાવવામાં આવી હતી. આજે પણ ભારત સિવાય પાકિસ્તાન, થાઈલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, તાઇવાન, બર્મા, બાંગલાદેશ, મલેશિયા, વિયેટનામ વગેરે દેશોમાં પાનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

 

પાકિસ્તાનની મારી સફર દરમ્યાન નાગરવેલનાં પાન સાથે બીજી ૧૨ વસ્તુઓનો કાવો પીધેલો. પાકિસ્તાનનાં લોકોનું કહેવું હતું કે વિન્ટરમાં નાગરવેલનો કાવો પીવાથી ગળું સાફ રહે છે અને ઠંડીની સામે શરીરને વોર્મ રાખે છે. (કાવા માટે નાગરવેલનાં પાન 3-4, ફૂદીનો, તુલસી, મરી, જીરું, તજ, લવિંગ, મેથી, વરિયાળી, એલચી, આદું, ડીલસીડ્સ–સુવા અને આખા સૂકા ધાણા 2 સૂપ સ્પૂન લેવા)

 

નાગવલ્લીના પાનનો ઉપયોગ આપણે ત્યાં વિવાહ પ્રસંગે ખાસ કરવામાં આવે છે. નાગવલ્લીનાં પાનને સિંહાસન બનાવીને તેના ઉપર શ્રી ગણેશજી અથવા સોપારીને ગણેશજીનાં સ્વરૂપે સ્થાપિત કરવામાં આવે છે, બંગાળી વિવાહમાં કન્યા ફેરા ફર્યા વગર પોતાનું મુખ પોતાના વરને બતાવતી નથી આથી વરની આજુબાજુ ચોરીફેરા ફરતી વખતે કન્યા પોતાનો ચહેરો પાનથી ઢાંકી રાખે છે, અને ફેરા ફરી લીધા પછી ચહેરા સામેથી પાન ખસેડીને તે પતિને પોતાના મુખનાં દર્શન કરાવે છે.  મધ્ય પ્રદેશમાં વિવાહ  વખતેકન્યાની માતા ઘર આંગણે આવતી જાનને નાગવલ્લીનાં પર્ણો વડે પોંખે છે અને દુલ્હારાજાની નજર ઉતારે છે.  

 

બિહારનાં આદીવાસીઓ ભાઈઓ રક્ષાબંધનને દિવસે પોતાની બહેનને ઘેર રાખડી બંધાવવા જાય ત્યારે બહેનને શુભ શુકન રૂપે નાગરવેલનાં પાન આપે છે, અને જો બહેન ભાઈના ઘેર રાખડી બાંધવા જાય તો ભાઈને માટે થોડા બીડાઑ સાથે લઈને જાય છે. બિહારના રક્ષાબંધનનાં દિવસે આદિવાસીઓમાં ચાલી આવતી આ પરંપરામાં ગૂઢાર્થ રહેલો છે.  જેમાં પ્રથમ જોઈએ કે ભાઈ બહેનને ઘેર ફક્ત સાદા પત્તા લઈને જાય છે અર્થાત ભાઈ બહેનને ગૂઢાર્થમાં કહે છે કે બહેની આ પાનનાં પત્તામાં તું જે પદાર્થ ભરશે તે જ રીતે તારો સંસારને પણ તારે જ ભરવાનો છે, અને એક દિવસ પાનનાં બીડાની જેમ તારો પણ સંસાર ભર્યો ભર્યો મઘમઘીત થઈ જશે. જ્યારે બહેની એ ભાઈને ત્યાં ભરેલા બીડાઑ લઈ જાય છે અર્થાત બહેની ભાઈને મોઘમમાં કહે છે કે ભાઈ તારો સંસાર આ પાનનાં બીડા જેવો જ ભર્યોભાદર્યો રહે, અને તારા સંસારમાં સદાયે મીઠાશ રહે.

 

જ્યારે અમુક મરાઠીઑમાં વિવાહને દિવસે વધૂઓનાં હસ્તમાં નાગરવેલનાં  પાન અને અક્ષત અર્થાત ચોખા આપી કહેવામાં આવે છે કે, તારો સંસાર સદાયે લીલોછમ્મ રહે અને તારું સૌભાગ્ય અક્ષત અને અખંડ રહે. આમ હિન્દુ ધર્મમાં જન્મ-મૃત્યુ, વિવાહ, વ્રત પૂજન વગેરેમાં અનેક કાર્યમાં ઉપયોગી એવા નાગવલ્લી, નાગરવેલનાં પાન સાથે આપણો અનોખો સંબંધ બંધાયેલો છે, અને આજ સંબંધ હિન્દુ ધર્મમાં કૌટુંબિક, શૃંગારિક, લાલિત્યિક દૃષ્ટિએ એક અલગ ઓળખ બનાવી જાય છે. 

 

 

 

પૂર્વી  મોદી મલકાણ –યુ એસ એ
[email protected]

Copyright©પૂર્વી મોદી મલકાણ-2013

 

 

આજની પોસ્ટ પારિજાત વર્ડ પ્રેસ.કોમ (https://pareejat.wordpress.com/) પરથી લેવામાં આવેલ છે, ઉપરોક્ત પોસ્ટ પુન: પ્રસિદ્ધ કરવા માટે ‘દાદીમા ની પોટલી’ ને અનુમતિ આપવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ.) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પિત્તાશય મા થતી પથરી અને હોમીઓપેથી …

પિત્તાશય મા થતી પથરી અને હોમીઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

 

 

 gallstone

 

 

વાંચક મિત્રો,  આ અગાઉના મારા મોઢામા પડતા ચાંદા … વિશેના … બ્લોગ પોસ્ટ પર નાં લેખ પર આપેલ આપના પ્રતિભાવો બદલ આભાર !. આજે આપણે… પિત્તાશય મા થતી પથરી … વિશે સમજીશુ…

 

પિત્તાશય એ પાચન તંત્ર સાથે સંકળાયેલુ ઘણુ અગત્યનુ અવયવ છે જે લીવર ની નીચે આવેલુ છે. લીવર માં ઉત્પન્ન થતા પિત્તને સંગ્રહ કરવાનુ કામ પિત્તાશય કરે છે. અને આ પિત્ત નાના આંતરડા મા થતા ચરબીના પાચન મા ખુબ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે આ પિત્ત પિત્તાશયમાંથી બહાર યોગ્ય પ્રમાણમા ન નીકળે તો વધારે જમા થતુ પિત્ત પથરી નુ સ્વરુપ ધારણ કરે છે.

 

gallstone.1

 

 • સામાન્ય રીતે આ પથરી બે પ્રકાર ની હોય છે.

 

૧) કોલેસ્ટેરોલ

૨) પિગમેન્ટ.

 

આ બે પ્રકાર માથી સૌથી વધારે કોલેસ્ટેરોલ નુ બંધારણ ધરાવતી પથરી વધારે જોવા મળે છે.

 

 • કારણ –

 

૧) આનુવંશીક

૨) મેદસ્વીપણુ

૩) પિત્તાશય ની હલન ચલન કરવાની ક્ષમતા

૪) ખોરાક

 

 • કોને આ પથરી થવાની શક્યતા વધી જાય ?

 

૧) આનુવશિક …  જે ઘર મા આ તકલીફ હોય તો એની આવનારી પેઢીમા થવાની શક્યતા વધી જાય છે.

 

૨) મેદસ્વીપણુ …  જ્યારે શરીર મા મેદસ્વીપણુ હોય તો એ કોલેસ્ટેરોલ નુ પ્રમાણ વધારી દે છે. જે પથરી થવાની શક્યતા વધારે છે.

 

૩) ઇસ્ટ્રોજન …    ઇસ્ટ્રોજન એ કોલેસ્ટેરોલ વધારે છે અને પિત્તાશય ની હલન ચલન કરવાની ક્ષમતા ઘટાડે છે માટે ગર્ભાવસ્થામાં, જે સ્ત્રિઓ      ગર્ભનિરોધક ગોળીઓ લે છે અને જે લોકો હોર્મોન થેરાપી લેતા હોય એ લોકો મા ઇસ્ટ્રોજન નુ પ્રમાણ વધે છે અને પથરી થવાની શક્યતા ઓ વધે છે.

 

૪) જાતિ અને ઉમર …  આ તકલીફ સ્ત્રિઓ અને વૃદ્ધાવસ્થામા વધારે જોવા મળે છે.

 

૫) કોલેસ્ટેરોલ ની દવાઓ …  જે લોકો કોલેસ્ટેરોલ ઓછુ કરવાની દવાઓ લેતા હોય એ લોકો મા પથરી થવાની શકયતા વધી જાય છે કેમ કે બ્લ ડ આ કોલોસ્ટેરોલ ઓછુ થતા પિત્તમા એનુ પ્રમાણ વધે છે.

 

૬) ડાયાબિટીસ …    આ રોગ મા ટ્રાઇગ્લિસરાઇડ કે જે બ્લડની ચરબી નો એક ભાગ છે જેનુ પ્રમાણ વધે છે અને એના કારણે પથરી થવાની શક્યતા વધી જાય છે.

 

૭) પિગમેન્ટ નુ બંધારણ ધરાવતી પથરી સીરોસીસ ઓફ લીવર ની તકલીફ હોય તો થવાની શક્યતા વધી જાય છે.

 

 gallstone.3

 

 

 • લક્ષણો …

 

પિત્તાશય ની પથરી મોટેભાગે કોઇ લક્ષણ ઉભા નથી કરતી જેને સાઇલન્ટ સ્ટોન કહેવામા આવે છે પણ જો એની સાઇઝ વધે તો એ નીચે પ્રમાણે ના લક્ષણો ઉભા કરી શકે છે.

 

૧) પેટના ઉપર ના ભાગ મા ખાસ કરીને જમણી બાજુ મા તથા પીઠના ભાગે દુખાવો થાય છે.

 

૨) ઉબકા આવે.

 

૩) ઉલટી થાય.

 

૪) અપચો, ગેસ, એસીડીટી તથા છાતી મા બળતરા થાય છે.

 

 • ડાયાગ્નોસીસ …

 

૧) બ્લડ ટેસ્ટ કે જેના દ્વારા એ ખબર પડે કે કોઇ ઇન્ફેક્શન કે ઓબસ્ટ્રક્શન ના કારણે આ સ્થિતી સર્જાઇ છે.

 

૨) અલ્ટરાસાઉન્ડ ( સોનોગ્રાફી )

 

૩) એન્ડોસ્કોપી

 

૪) એન્ડોસ્કોપીક રીટ્રોગ્રેડ કોલેન્જીઓપેન્ક્રીએટોગ્રાફી(ERCP)

 

 • સારવાર – 

 

હોમિઓપથીક દવા પિત્તાશય ની પથરી ની સાઇલન્ટ બનાવી દે છે અને પિત્ત ના પ્રમાણ મા સતુંલન લાવવાનુ કામ કરે છે જેનાથી વ્યક્તીએ એનુ એક અંગ ગુમાવવુ પડતુ નથી.

 

 

૧) લાઇકોપોડિયમ – લીવર અને પિત્તાશય ની તકલીફ માટે અસરકારક દવા છે જે વધારાના પિત્તનુ શમન કરી ને ખોરાક ને યોગ્ય રીતે પચાવી ને શરીર મા તેનુ સંતુલન જાળવે છે.

૨) કારડ્સ મરાઇડસ – જે લીવર સીરોસીસ ના કારણે થતી તકલીફો મા ઘણી અસરકારક સાબીત થાય છે.

૩) ચેલીડોનીયમ મેજસ – પિત્તાશય ના દુખાવા મા ઘણી અક્સીર દવા છે.

૪) ચાઇના ઓફીસીનાલીસ – પથરી ના કારણે થતા અપચા અને ગેસ તથા એસીડીટી મા ખુબ જ અસરકારક દવા છે.

૫) નેટરમ સલ્ફ.

  

આ બધી દવાઓ  ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

(૧)  સાચો ભક્ત … ટૂંકી વાર્તા … (પ્રેરક કથાઓ) …

(૧)  સાચો ભક્ત … ટૂંકી વાર્તા … (પ્રેરક કથાઓ) …

 

 arjun-krishna

(૧)  સાચો ભક્ત …

 

 

ભગવાન શ્રી કૃષ્ણનો નો સાથ અને સહયોગ નાં કારણે અર્જુનને અહંકાર આવી ગયો કે હકિકતમાં કૃષ્ણ નો સાચો ભક્ત તે એક જ છે.  શ્રી કૃષ્ણ એ  અર્જુનના આ અહંકાર ને  જાણી લીધો અને તે તેની સાથે ફરવા ને માટે નીકળ્યા.  રસ્તામાં તેણે એક બ્રાહ્મણ ને જોયો, જેની કમરમાં તલવાર લટકતી હતી અને તે હાથથી સૂકું ઘાસ તોડી તોડીને ખાઈ રહ્યો હતો.  તેનું આ કાર્ય જોઇને અર્જુનને ખૂબજ આશ્ચર્ય થયું.  તેણે બ્રાહ્મણ ને પ્રશ્ન કર્યો, “તમે તો અહિંસક દેખાવ છો, શક્ય છે કે જીવ હિંસા નાં ડરને કારણે તમે આ સૂકું ઘાસ તોડીને ખાઈ રહ્યા છે.  પરંતુ મારી સમજમાં એ ન આવ્યું કે, તમે આ તલવાર કેમ ધારણ કરી છે ?”

 

 

બ્રાહ્મણે કહ્યું , “આ તલવાર મેં ચાર વ્યક્તિઓ ને દંડ – શિક્ષા કરવા માટે રાખી છે.”

 

અર્જુને પૂછ્યું, “આ ચાર વ્યક્તિઓ કોણ છે ?”

 

બ્રાહ્મણે ઉત્તર આપ્યો, એક તો છે દુષ્ટ નારદ, જે મારા પ્રભુનું કશું જ ધ્યાન રાખતા નથી અને હંમેશાં તેં ભજન – કિર્તન ગાઇ ને જગાડ્યા રાખે છે.  બીજી છે દુષ્ટ દ્રૌપદી,  કે જેણે ભગવાને એવા સમયે પોકાર કરીને બોલાવ્યા હતા કે જ્યારે તે ભોજન કરવા બેઠા હતા અને મોઢામાં અન્ન નો કોળિયો મૂકતા હતા; દુર્વાસા મુનિના શ્રાપને કારણે તેની મુક્તિ આપવા ને માટે તેને ભોજન છોડીને જવું પડ્યું; એટલું જ નહિ, તેણે ભગવાને જૂઠ્ઠું – અજેઠું – હેઠું (ચાખેલું)  ભોજન પણ કરાવ્યું.  ત્રીજો છે હૃદયનો કઠોર પ્રહલાદ, જેણે મારા ભગવાને ગરમ ગરમ તેલની કડાઈમાં પ્રવેશ કરાવ્યો, હાથીના પગ નીચે પણ ચગદાવ્યા અને થાંભલામાંથી પ્રગટ થવા માટે પણ મજબૂર કર્યા.”

 

“અને ચોથું કોણ છે ?”  – અર્જૂન કુતુલતાવશ – જિજ્ઞાસા પૂર્વક પૂછ્યું.

 

“ચોથો છે બદમાશ અર્જુન,”  તે બ્રાહ્મણ આગળ કહ્યું, – તેની દુષ્ટતા –અવિવેકતો જુઓ કે સ્વયં ભગવાનને તેણે પોતાના નોકર નાં સ્વરૂપે સારથી બનાવ્યા.”

 

 

પ્રભુની તરફ બ્રાહ્મણની ભક્તિ અને પ્રેમ જોઇને અર્જુનનો બધો જ અહંકાર  દૂર થઇ ગયો.  તેણે કૃષ્ણને કહ્યું, “હું અત્યાર સુધી મને પોતાને જ પરમ ભક્ત સમજતો હતો, પરનું હવે ખબર પડી કે આ બ્રાહ્મણ જ તમારો પરમ અને સાચો ભક્ત છે.”

 

 

(પ્રે.પ્ર.૧૭૮(૯૭)

 

 

 

(૨)  આદર્શ ગૃહણી કોણ …

 

 

એક વખત ગૌતમ બુદ્ધ અનાથપિડીતો નાં આધાર શેઠ ને ઘર આવ્યા.  તેઓ શેઠજીની સાથે વાતો જ કરી રહ્યા હતા ત્યાં અંત:પુર  જઘડો થતો હોય તેવો અવાજ સંભાળ્યો.  તથાગતએ આ બાબત શેઠજી ને પૂછતાં, શેઠજી એ કહ્યું કે તે તેની વહુ સુજાતા ને કારણે બહુ દુઃખી અને હેરાન પરેશાન છે.  તે ખૂભ અભિમાની છે, પતિ નું  માનતી નથી, અપમાન – અનાદર કરે છે અને અમારું પણ માન જાળવતી નથી.   તેને કારણે ઘરમાં હંમેશાં જઘડા થયા કરે છે.

 

 

તથાગતે શેઠ ને વહુને બોલાવા/ મોકલવા કહ્યું.  તેના આવવાથી તેમણે તેને પ્રશ્ન કર્યો,  “ભલા,તમે મને કહો કે, તમે વધિકસમા, ચોરસમા, આર્યસમા, માતૃસમા, ભગિનીસમા, સખીસમા અને દાસીસમા આ સાત પ્રકારની ગૃહણીઓ માંથી કોણ છો ?”  સુજાતાએ કહ્યું,  “હું તમારો કહેવાનો ભાવાર્થ સમજી નહી.  મહેરબાની કરી સ્પષ્ટતા કરશો.”    ત્યારે તથાગત બોલ્યા,  “જે ગૃહણી હંમેશાં ક્રોધ જ કરતી રહેતી હોય, જેનો પતિ પર બિલકુલ પ્રેમ જ ન હોય, જે તેનું અપમાન કરે છે અને પર પુરુષ પર મોહિત – આકર્ષિત -લટ્ટુ હોય છે, તે હકીકત માં તે એક હતિયારણ – હત્યારી સમાન છે અને માટે આવી સ્ત્રીઓને  ‘વધિકસમા’  તરીકે ઓળખવામાં આવે છે.  જે પોતાના પતિની સંપતિ નો સદઉપયોગ નથી કરતી, ઉલટાનું તેને ચોરી કરી અને તેને ઉપયોગમાં લઇ છે તે “ચોરસમાન”  હોઈ છે.    જે આળસુ હોય છે અને બિલકુલ કામ કરતી નથી, અને કટુબોલનારી – ઝઘડાખોર હોય છે અને પતિની સમક્ષ પોતે મોટાઈ દેખાડે છે, તે “આર્યસમાન” હોય છે.  જે હંમેશાં પોતાના પતિનું ચિંતન કરતી હોય છે, પોતાના પ્રાણથી પણ અધિક તેની રક્ષા કરતી હોય છે, તે “માતૃસમાન”  હોય છે.  જે બહેન જેવો પોતાના પતિ તરફ સ્નેહ  કરતી હોય છે,  અને લજ્જાપૂર્વક તેનું અનુગમન  કરતી હોય છે,  તે “ભગિનીસમાન” હોય છે.   જે પોતાના પતિને સખી – મિત્ર માની, તેને જ્યારે નજર સામે જોઈ, ત્યારે અતિ આનંદિત  સખી જેમ પ્રસન્ન થઇ જાય છે, તે  “સખીસમાન”  હોય છે અને જે ગૃહણી ને તનો પતિ હંમેશાં કષ્ટ – કલેશ (ગઘડા)  કરતાં હોય છે, તેનો હંમેશાં અનાદાર – અપમાનિત કરતો હોય, આમ છતાં તે ચૂપચાપ કોઈપણ પ્રકારનાં  ગુસ્સે થયા વિના બધું જ તે સહન કરી લે છે અને હંમેશાં પતિની આજ્ઞાનું પાલન કરતી હોય છે, તે “દાસીસમાન” હોય છે.  હવે બતાવ ભલા, તું આમાંથી કોણ છો?”

 

 

આ સાંભળતાં જ સુજાતાની આંખ આંસુથી ભરાઈ આવી.  તે તથાગત નાં ચરણોમાં પડી ગઈ અને બોલી, “ભગવાન !  મને ક્ષમા કરો.  આમાંથી હું કોણ છું આ બતાવવા માટે  હું શબ્દોમાં – બોલીને  બતાવવા માટે (મારી વાણી) અસમર્થ છે.  પરંતુ તમને એ વિશ્વાસ આપી શકું છું કે આજથી હું મારા પતિ અને વડીલો – મોટાંઓનું સન્માન કરીશ – માન આપીશ અને તેનો જીવ દુઃખી નહિ કરું.  આજથી  હું મને મારા ઘરની દાસી માની, મારું જીવન વ્યતિત – પસાર કરીશ.”

 

 

(પ્રે.પ્ર.૧૮૯(૧૦૨)

 

 

 

(૩)  માનવ અને દાનવમાં ફર્ક (તફાવત)  …

 

 

ગુરુનાનક પોતાન પ્રિય શિષ્ય મરદાના સાથે વિંધ્યાચલ ની તળેટીમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક દિવસ મરદાના ને જંગલી જાતિ નાં લોકો પકડીને લઇ ગયા.  આ લોકો દરેક આઠમ ને દિવસે દેવી ને પ્રસન્ન કરવા નરબલી નો ભોગ ચડવાતા હતા.  તેઓ મરદાનાને એક ગુફામાં ભૈરવી દેવીની સન્મુખ /પાસે લઇ ગયા.  તેઓએ તેને એક વૃક્ષની સાથે બાંધ્યો અને ઢોલ વગાડતા નાચવા લાગ્યા.  નાચ –ગાન પુરું થતા તેઓએ મરદાના ને છોડી દીધો.  ત્યાર બાદ પૂજારી તેની સામે હાથમાં બરચ્છી – છરી લઈને આવ્યો અને તેની ઉપર હુમલો કરવાનો હતો કે ત્યાં અચાનક એક શાંત અને પ્રભાવશાળી  અવાજ સંભાળ્યો, “વાહ ગુરુ !”  આ સાંભળતા જ પૂજારીના હાથમાંથી બરચ્છી /છરી આપોઆપ નીચે  પડી ગઈ.

 

 

તે જંગલી જાતિના સરદાર કોડાએ નાનક દેવ ને ત્યાં આવતા જોયા તો કઠોર અવાજમાં પ્રશ્ન કર્યો, “કોણ છો તમે ?”

 

“તમારા જેવો જ પ્રભુનો ભક્ત – બંદો છું”  – નાનક દેવે શાંત સ્વરમાં જવાબ આપ્યો.

 

“પરંતુ અમોને તો રાક્ષસ કહેવામાં આવે છે.”   – તે સરદાર બોલ્યો.  ગુરુએ તેના શરીરને સ્નેહાળ હાથે સ્પર્શ કર્યો અને કહ્યું, “પરંતુ તમે રાક્ષસ નથી.  તમે છો તો માનવ, પરંતુ તમારુ કાર્ય જરૂર રાક્ષસો – જેવું છે.”

 

 

તે સ્નેહાળ હાથનાં સ્પર્શથી સરદાર પર એવી અસર થઇ કે તે કઠોર માણસ પણ ઓગળી – નરમ થઇ ગયો.  ગુરુદેવ એ તેમને પ્રશ્ન કર્યો, “શું તમારી આ દેવી કોઈ મૃતક નાં પ્રાણ પરત આપી શકે છે ?”

 

 

“નહીં !”  સરદારે જવાબ આપ્યો.

 

 

“તો પછી કોઈના પ્રાણ લેવાનો તમારો કયો અધિકાર છે ?  મનુષ્ય એ કોઈનો પણ પ્રાણ લેવો ન જોઈએ.”   જ્યારે તમે આમ  કરશો,  ત્યારે કોઈ જ તમને ‘રાક્ષસ’ નહીં કહે.  જો મનુષ્ય – સદકર્મ – કામ નથી કરતા, તેઓને  ‘રાક્ષસ’ કહેવામાં આવે છે.

 

આ સાંભળી બધા જ જંગલી જાતિના લોકો નાનકદેવના પગમાં પડી ગયા અને તેઓએ નર હત્યા ન કરવાની તેમની સમક્ષ પ્રતિજ્ઞા લીધી.

 

 

 

(પ્રે.પ્ર.૧૯૦(૧૦૩)

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email  :  [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગપર આવકાર્ય છે.

|| શિક્ષાપત્ર ૪૧ મું || … અને (૪૨) ગોકુલ કી પનિહારી …

|| શિક્ષાપત્ર ૪૧ મું || …

 

 

hindola 

 

 

ચાલીસમાં શિક્ષાપત્રનાં તૈત્રીસ શ્લોકનાં માધ્યમથી શ્રી હરિરાય ચરણે ‘સ્વદોષ ચિંતન’   નો વિષય નિરૂપિત કર્યો. મુખ્યત્વે સ્વધર્મ જાણવા છતાં પણ હૃદયની અશુદ્ધિને લીધે સ્વધર્મનું આચરણ ના કરી શકાયું.  ભોગ, ઉદ્વેગ ને કારણે સેવામાં એકાગ્રતા ન સચવાય.  ઘર, ધનમાં આસક્તિને કારણે માનસી સેવા પણ ના સિદ્ધ થઇ શકી, ભગવદીયોનો વિયોગ, મન વિક્ષિપ્ત રહેવાથી, લૌકિક વાત વિષયમાં રસ હોવાને કારણે, વ્રજ અને વ્રજલીલા ભાવથી વિમુર્ખતા, મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય વગેરે.  આજ વાત પોતાના પર વિચારી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને અંગૂલિનિર્દેશ કરાય છે કે, આ ને આવા વિચારોથી મન, ચિત્ત ને દુષિત ન કરતા.  વિક્ષિપ્ત ન કરતાં, ભાવથી, દીનતાથી શ્રીજી સેવા એજ પુષ્ટિ જીવો નું કર્તવ્ય છે નાં વિચાર સાથે

  

શિક્ષાપત્ર એકતાલીસ નાં બાર શ્લોક પૈકી પ્રથમ શ્લોક નો વિચાર નિરૂપિત થતા કહેવાય છે કે,

  

લૌકિકં સકલં કાર્યં પ્રભુસેવોપયોજનાત |
પરં સર્વત્ર પૂર્વં હિ પ્રભુશ્ચિન્ત્યો ન લૌકિકમ્ ||૧||

  

ન રોચતે હરે: સ્વાનાં લૌકિકાસક્તિયુડંમન: |
તદોપેક્ષાવશાત્તસ્ય ન સિદ્ધયત્યપિ લૌકિકમ્ ||૨||

  

એટલે કે, સર્વ લૌકિક કાર્ય પ્રભુ સેવામાં ઉપયોગી હોય તે પ્રમાણે કરવું.  બધે જ બધાજ કાર્યમાં કે, કામોમાં પ્રભુનો જ વિચાર કરવો.  લૌકિક વાત, વિષયનું ચિંતન કરવું તે યોગ્ય નથી.  પ્રભુના જીવોનું ચિત્ત લૌકિકમાં આશક્ત થાય તે ભગવાનને ગમતું નથી માટે શ્રી પ્રભુ જીવનની ઉપેક્ષા કરે છે.  તેથી જીવનું લૌકિક સિદ્ધ થતું નથી.

 

 

અત્રે વિશેષ રહે કે, જ્ઞાન માર્ગ અને ભક્તિમાર્ગ કહે છે કે, ભગવદ્દ પ્રાપ્તિ માટે સર્વાત્મભાવ અતિ આવશ્યક છે.  જ્ઞાનમાર્ગનો સર્વાત્મભાવ લૌકિક નો ત્યાગ કરવાથી થાય છે.  એટલે પુષ્ટિ ભક્તિનો પ્રથમ સિદ્ધાંત અત્રે કહેવાયો કે, લૌકિક્ના બધા જ કાર્યો પ્રભુ સેવાર્થે જ કરવા.  પુષ્ટિભકતો શ્રી પ્રભુનાં ભક્ત છે.  અને પ્રભુના ભકતો લૌકિક કાર્યો કરે તે પ્રભુને ગમતું નથી.  જેથી પ્રભુ ઉદાસીન થઇ જાય છે.  ભક્તોની ઉપેક્ષા કરે છે.  સમસ્ત લૌકિક કાર્યો માટેનું મૂળ દેહ સંબંધી ભોગ જ છે.  માટે શ્રી મહાપ્રભુજી ‘સેવાફ્ળ’ ગ્રંથમાં કહે છે કે,

  

ઉદવેગ: પ્રતિબંધો વા ભોગો વા સ્યત્તુ બાધક:

 

એટલે કે, ઉદવેગ, પ્રતિબંધ અથવા ભોગ એ ત્રણ સેવાફ્ળમાં બાધક છે.  ઉદવેગ એટલે મનમાં ચિંતા રહ્યા કરતી હોય તે, પ્રતિબંધ એટલે મનપૂર્વક સેવા થવામાં લૌકિક અને ભગવતકૃત અંતરાય નડતા હોય તે.  અને ભોગ એટલે આસક્તિપૂર્વક લૌકિક વિષય ભોગ.

  

ભગવદ્દ ઇચ્છા પ્રમાણે જ સર્વ બને છે.  જો પ્રભુની જ ઈચ્છા સેવા સિદ્ધ થવાના વિરુદ્ધ હોય તો કોઈ જાતનો ઉપાય નથી જ.  પ્રભુને ત્યજીને ભક્ત લૌકિક કાર્યોમાં આશક્ત થાય તો તે કાર્ય શ્રી પ્રભુ સિદ્ધ કરતાં નથી જ.  માટે મનને સર્વથા સ્વસ્થ રાખી લૌકીકમાં આસક્ત ન કરતાં નિરંતર પ્રભુ સેવામાં જ મન રાખવું.

 

શુદ્ધભાવ: પ્રભૌ સ્થાપ્યો ન ચાતુર્ય પ્રયોજકમ્  |
અન્તર્યામી સમસ્તાનાં ભાવં જાનાતિ માનસમ્ ||૩||

 

અર્થાત, શ્રી પ્રભુમાં શુદ્ધ ભાવ સ્થાપન કરવો જોઈએ.  તેમાં ચતુરાઈને સ્થાન નથી. પ્રભુ સર્વ જીવનાં અંતર્યામી છે.  તેઓ મનમાં રહેલા ભાવને જાણે છે શ્રીજી આગળ કપટ ભાવ ચાલી શકતો નથી.  “સર્વત્ર સર્વં હિ સર્વ સામર્થ્યમેવ ચ”  સર્વત્ર તેનું જ સર્વ છે.  અને તે સર્વ પ્રકારે સામર્થ્યયુક્ત છે.  જેવા ભાવની સેવા તેવું જ તેનું ફળ છે.  તેથી લોભપૂર્વક કે પ્રતિષ્ઠા ખાતર કપટ બહાવર સેવા કદાપિ ન કરવી.

  

શુદ્ધભાવે તદીયં તુ લૌકિકં સાધયેત્સ્વયમ્ |
તત્સાધિતમવિઘ્ને સર્વં સિદ્ધયતિ નાન્યથા ||૪||

  

એટલે કે, જો શુદ્ધ ભાવ હોય, તો પ્રભુ તેનું લૌકિક પણ પોતેજ સિદ્ધ કરે છે અને તે નિર્વિઘ્ને પાર પાડે છે.  અન્યથા થતું નથી.  અને જેની સેવા અથવા કથામાં દ્રઢ આસક્તિ થાય છે.  તેનો નાશ જ્યાં સુધી તે જીવ જીવે છે ત્યાં સુધી કોઈ પણ સ્થળે થતો નથી.  એવી શ્રી મહાપ્રભુજીની મતિ છે.

 

આવશ્યકો હિ કર્તવ્યસ્તદીયૈલૌંકિકવ્યય: |
અનાસક્તૌ લૌકિકં તુ વર્દ્ધતે ન ચ બાધતે ||૫||

 

તદીયોએ લૌકિક્માં જેટલું આવશ્યક હોય તેટલું જ વ્યય કરવું.  આશક્તિ ન હોય તો પણ લૌકિક તો વધે જ, તેમ છતાં તે બધા કરે નહિ.  લૌકિક કાર્યો ઓછા થશે તો અલૌકિક કાર્યો વધારે થશે.  લૌકિક કાર્યોમાં ધન ઓછું વાપરીશું તો અલૌકિક સેવામાં ધનનો વિનિયોગ સુંદર થશે.

 

અન્યથા વૃદ્ધમપ્યેદ્વાધતે તદુપેક્ષયા ||૬||

 

કૃષ્ણસેવૈકવિષયે મુખ્યં ચેતા નિધીયતામ |
અન્યત્તદુપયોગિત્વાત્ક્રિયતાં ન તુ મુખ્યત: ||૭||

 

અર્થાત, જો લૌકિક ન કરે તો વધી ગયેલું લૌકિક પણ શ્રી પ્રભુની ઉપેક્ષાથી બાધા કરે છે માટે ચિત્તને શ્રી કૃષ્ણની સેવા રૂપ મુખ્ય વિષયમાં સ્થાપન કરવું અને જે કાંઈ કરવું પડે તે સેવાના ઉપયોગી પણાની દ્રષ્ટિથી કે વૃત્તિથી કરવું.  મુખ્યતાથી ન કરવું.  ગૌણભાવથી લૌકિક કાર્ય કરવા કૃષ્ણ સેવામાં ચિત્તની મુખ્યતા માનવી.  ચિત્ત મુખ્ય છે એ ચિત્તને શ્રી પ્રભુમાં સેવામાં પ્રણવ કરવા માટે તનુ અને વિત્ત એ સાધન છે.  શરીર અને દ્રવ્યના સાધન દ્વારા સેવામાં ચિત્તને એકાગ્ર કરવાનું છે.  માટે દરરોજ સેવામાં એ ધ્યાન રાખવું કે, આપણું ચિત્ત વધુ ને વધુ એકાગ્ર થઇ સેવા શુદ્ધ સાત્વિક ભાવથી થાય.  સેવામાં ચિત્તની એકાગ્રતા માટે રાગ, ભોગ અને શૃંગાર ત્રણ મુખ્ય સેવા ના વિષય છે.  જે ચિત્તને પ્રભુમાં જોડવા સક્ષમ છે.

 

સેવૈવ સાધનં સેવા ફલમૈહિકમત્ર સા |
સેવાડલૌકિકદેહેન સમ્ભવેત્ પારલૌકિકમ્ ||૮||

 

અર્થાત, સેવાજ સાધન છે.  અત્રે સેવા થાય એજ ઐહિક ફળ છે.  જે અલૌકિક દેહ વડે જ થાય પારલૌકિક ફળ રૂપ છે.

 

જ્ઞાન માર્ગીને આ દેહથી મોક્ષનો અનુભવ ન થાય.  પણ પુષ્ટિમાર્ગીને આ દેહથી પણ થાય અને નિત્ય લીલામાં પ્રાપ્ત થાય તો ત્યાં પણ સેવા થાય.  લૌકિક દેહથી સેવા કરતાં કરતાં હૃદયમાં પ્રભુને પધરાવીને જ્યારે સર્વ ઇન્દ્રિયો પ્રભુના સુખાર્થે વિનિયોગિત થાય ત્યારે ચિત્તની એવી વિશિષ્ઠ સ્થિતિ બને કે જે સ્થિતિમાં અંત:કરણથી અને આંખોથી સાક્ષાત ભગવદ્દ લીલાનો અનુભવ થાય.  જેને “શ્રીયમુનાષ્ટકમ્”  માં શ્રીમાંહાપ્રભુજી  ‘તનુનવત્વ’  કહે છે.  તો ‘સેવાફલમ્’  ગ્રન્થમાં એને અલૌકિક સામર્થ્ય કહે છે.   ‘વેણુગીત’   અને   ‘ભ્રમરગીત’   ના સુબોધિનીજી માં એને સર્વાત્મ ભાવ કહે છે.  અને ‘ચતુ:શ્લોકી’  ગ્રંથમાં મોક્ષ કહે છે.  પુષ્ટિમાર્ગનો મોક્ષ, પુષ્ટિમાર્ગનો સર્વાત્મભાવ, પુષ્ટિમાર્ગનું તનુનવત્વ કે પુષ્ટિમાર્ગનું અલૌકિક સામર્થ્યં આજ, અંત:કરણ આંખોથી સદૈવ ભગવદ્દલીલાનો સાક્ષાત અનુભવ.  આવા જ અનુભવને માનસી કહેવાય !!!

  

આ લૌકિક દેહથી અલૌકિક પ્રભુનો કદી અનુભવ ન થાય માટે લૌકિક દેહને અલૌકિક બનાવવા માટે, શ્રી પ્રભુને યોગ્ય બનવા માટે.  સાધન રૂપા સેવા જ અતિ આવશ્યક છે.

  

તદર્થમેવ કર્તવ્ય: સત્સંગો ભાવવર્દ્ધક: |
અનિન્ધનો વહનિખિ ભાવ: શામ્યેત્તુ લૌકિકાત્ ||૯||

  

એટલે કે, તે માટે ભાવવર્ધક એવો સત્સંગ કરવો, કેમકે જેમ ઇંધણ વિનાનો અગ્નિ શાંત થઇ જાય છે, તેમ લૌકિકનાં સંગથી ભગવદ્દભાવ શાંત થઇ જાય છે.  માટે પ્રભુમાં ભાવ વધારનારો સત્સંગ, સેવાના હેતુથી કરવો.

  

આત્તરિવ સદા સ્થાપ્યા હરિસંદર્શનાદિષુ |
સ્વાસ્થ્યં તુ લૌકિકે નૈવ દદાતિ કરુણાનિધિ: ||૧૦||

  

અર્થાત, હરિનાં સુંદર દર્શન આદિમાં હંમેશા આર્તિ સ્થાપન કરવી.  કરુણાનાં સાગર રૂપ શ્રી પ્રભુ જીવમ લૌકિક સ્વાસ્થ્ય નહિ કરે.

  

સંયોગાત્મ્ક સેવા કરતાં કરતાં નિરાળો ભાવ હૃદયમાં પ્રકટે એટલા માટે શ્રી પ્રભુના દર્શનની આર્તિ – જેને વિરહ-તાપ કલેશ કહીએ છીએ, એને હંમેશાં હૃદયમાં ધારણ કરવી.  મનનું જેના તરફ ખેંચાણ થાય, એને મેળવવાની ઈચ્છા થાય.  અને એ ઈચ્છા જેટલી પ્રબળ બને એટલી એ મેળવવાની ઝંખના વધે.  આ લૌકિક ઝંખના જ્યારે પ્રભુ પ્રત્યેની, પ્રભુ વિષયક પ્રબળ બને તેને આર્તિ કહેવાય છે.  આ પુષ્ટિમાર્ગમાં આર્તિ સર્વોપરી ફળ છે.  માટે પુષ્ટિ જીવે શ્રી પ્રભુદર્શન પ્રત્યેની આર્તિ નિરંતર કરવી.  જેથી શ્રી પ્રભુ કૃપા કરે છે.  પ્રભુ સર્વ આનંદમય છે.  તો પણ કૃપાનંદ પરમ દુર્લભ છે.  પ્રભુ ભક્તો પર કૃપા કરે જ છે.  તેથી હરિદર્શનની આર્તિ હૃદયસ્થ કરવી.

  

તદીયાનાં સ્વતશ્ચિન્તાં કુરુતે પિતૃવદ્ધરિ: |
પુનશ્ચિન્તાં પ્રકુર્વાણા મૂર્ખા એવ ન સંશય: ||૧૧||

  

એટલે કે, પિતાની પેઠે શ્રી હરિ પોતાના ભક્તોની ચિંતા જાતે જ કરે છે.  તેમ છતાં જો કાંઈ જીવ ચિંતા કરે તો તે મૂર્ખ જ કહેવાય, એમાં સંશય નથી.

  

શ્રી પ્રભુ કરુણાનિધિ દયાના સાગર છે.  પોતાના પુષ્ટિભક્તો પર દયા કરશે, ત્યારે એમને લૌકિકમાં કોઈ જ મુશ્કેલી નહિ રહે.  પુષ્ટિ ભક્તોનાં જીવનમાં લૌકિક ઘણી બધી અસ્વસ્થતાઓ આવશે ત્યારે જ શ્રી પ્રભુનું શરણ છોડશો નહિ.  અન્યાશ્રય ન કરશો.  પણ લૌકિકમાં આવતી મુશ્કેલીઓ, મૂંઝવણોને, દુઃખોને શ્રી પ્રભુનો પ્રસાદ માનવા શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે.

  

ચિત્તને લૌકિકતાંથી દૂર કરવા માટે લૌકિકમાં આવતી આધિ, વ્યાધિ અને ઉપાધિઓ એ પુષ્ટિમાર્ગનો પ્રસાદ છે.  શ્રી પ્રભુ કરુણાનિધિ છે.  આવી પ્રતિકૂળ સ્થિતિમાં પણ જે શ્રી પ્રભુના બનીને રહે છે, એમની ચિંતા પિતાની જેમ શ્રી પ્રભુ સ્વયં કરે છે.

  

તસ્માદાચાર્યદાસૈસ્તુ મચ્છિક્ષાયાં સદા સ્થિતૈ: |
સેવ્ય: પ્રભુસ્તતો ભદ્રમખિલં ભાવિ સર્વથા ||૧૨||

  

માટે, જેઓ શ્રી મહાપ્રભુજીને શરણે આવી તેમના દાસ થયા છે, તેમણે ઓ મારી (શ્રી હરિરાયચરણની)  શિક્ષા પ્રમાણે જ સદાય રહેવું.  એવા વૈષ્ણવો એ તો પ્રભુની સેવા કરવી જેથી સર્વથા સર્વ કંઈ સિદ્ધ થાય.

  

અત્રે આમ શ્રીહરિરાયચરણ બહુ જ પ્રસન્ન ચિત્તથી આજ્ઞા કરે છે કે,   “હે વૈષ્ણવો તમે મારી આજ્ઞામાં વિશ્વાસ રાખજો.  સર્વથા, સર્વોપ્રકારી એટલે કે, લૌકિકતામાં, વૈદિકમાં અને અલૌકિકમાં તમારું સર્વ પ્રકારે કલ્યાણ થશે.  જો તમે પ્રભુની સારી રીતે સેવા કરશો.  જો તમે પ્રભુની શરણાગતિ અને સમર્પણ સ્વીકારશો તો તમારા મનવાંછિત મનોરથો પરિપૂર્ણ થશે.”

  

છેલ્લે એકતાલીશ શિક્ષાપત્રમાં સાર સ્વરૂપે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે, “સેવ્ય: પ્રભુ:”  પ્રભુની સેવા કરો.

  

આમ પુષ્ટિ સિદ્ધાંતનો સાર વિષય સંકલિત શિક્ષાપત્ર એકતાલીશમું અહિ પરિપૂર્ણ કરાય છે.  અંતમાં …

 

ગ્રંથની સંપૂર્ણ જાણકારી માટે શિક્ષાપત્ર ગ્રંથનું અવશ્ય મનન, ચિંતન, વાંચન અતિ આવશ્યક છે.

 

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

 

(૪૨)  ગોકુલ કી પનિહારી …

ઉષ્ણકાળનું પદ

કવિ-નંદદાસજી

 

 panihari

 

 

ગોકુલ કી પનિહારી પનિયા ભરન ચલી,
બડે બડે નયના તામેં શોભ રહ્યો કજરા ।
પહિરેં કસુંભી સારી, અંગ અંગ છબિ ભારી,
ગોરી ગોરી બહિયન મેં, મોતિન કે ગજરા ।।૧||

 

સખી સંગ લિયે જાત, હંસ હંસ બુઝન બાત
તનહૂં કી સુધિ ભૂલી, સીસ ધરેં ગગરા ।
“નંદદાસ” બલિહારી, બિચ મિલે ગિરિધારી
નયન કી સૈનન મેં, ભૂલ ગઈ ડગરા ।।૨।।

 

વ્રજભાષાનાં શબ્દો

 

 

ડગરા –માર્ગ, રસ્તો

કસુંભી – કેસરી રંગની

બહિયન – બાહુઑમાં

તનહૂં – તનમાં (શરીરમાં)

સૈનન – મિલન, મિલાપ

 

 

ઉષ્ણકાળનો સમય છે. સમગ્ર વ્રજમંડળમાં પ્રભાતનો મધુર સમય ઘણો જ આહલદાક છે, તેવા સમયે ગોકુળની પનિહારી યમુના જલ ભરવા માટે યમુના પનઘટ પર જઈ રહી છે. તેના વિશાળ નયનોમાં કજરા શોભી રહ્યો છે, કેસરભીની કસુંભી સાડી અંગ પર એ રીતે ધારણ કરેલી છે કે તેનાંથી અંગે અંગ શોભી રહ્યું છે અને દેહલાલિત્ય લાવણ્યમય દીસી રહ્યું છે. તેનાં ગોરા ગોરા બાહુઓમાં મોતિન ગજરા (મોતીનાં બાજુબંધ)દૈદીપ્યમાન થઈ રહ્યા છે. ગોપી પોતાની સખીયનો સંગે એવી હાસ્ય કિલકારીઓ અને વાતો કરતી જઈ રહી છે, કે તે પોતાના શીશ (માથા) પર યમુના જલની ગાગર છે તે વાતની અને તેનાં દેહની સુધિ ભૂલી ગઈ છે. શ્રી નંદદાસજી જણાવે છે કે એવા તન્મયતાનાં સમયમાં  રસ્તામાં વચ્ચે જ પીતાંબર ધારણ કરેલા વ્રજવિહારી શ્રી કૃષ્ણચંદ્ર અચાનક જ સામે મળી જાય છે. તેમને જોતાં જ ગોપી પોતાના સૌભાગ્યને સરાવતા તે ગદગદિત થઈ જાય છે, તેની આંખો જળથી અને હૃદય આનંદનાં જળથી છલકાઈ જાય છે. તેમાંયે શ્યામ સુંદર સાથે નેત્રોથી નેત્રનો મિલાપ થવાથી તે પોતાના ઘરે જવાની વાટ પણ ભૂલી જાય છે અને જ્યાં શ્યામ જઈ રહ્યા છે તેજ દિશામાં જવા માટે પગ ઉપાડે છે. પ્રભુની સાથેનું મિલન ગોપીઓ માટે કેટલું મધુર છે કે તેની કેવળ કલ્પના જ કરવાની રહે.

 

 

ડો. મુકુંદ જી. દોશી, વડોદરા.
સાભાર-સત્સંગ માસિક –અમરેલી

 

પૂર્વી મોદી મલકાણ નાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … [ભાગ-૬] …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …
‘શ્રી વલ્લભ સાખી … ‘(૪૦-૪૩) …
-મહેશ શાહ, વડોદરા, ગુજરાત.

ભાગ – [૬]

 

 

vallabh sakhi

 

 
દેખી દેહ સુરંગ યહ, મતિ લડાવે લાડ |
ગણિકા કી સી મિત્રતા, અંત હોગી ભાડ ||૪૦||

 

 

        અહીં પણ કાયાની વાત છે. સુ-રંગ અર્થાત રંગદાર, ભભકાદાર, દેખાવડું એવા આ દેહના મોહમાં જે કોઈ ફસાયું છે તેની અવનતિ  જ થઇ છે. પોતાના કે અન્યના દેહની સુંદરતા માત્ર ઉપરછલ્લી જ છે. આવા આ માત્ર બાહ્ય રીતે સુંદર અને આકર્ષક દેહનું બહુ લાલન પાલન કરવાનો કોઈ અર્થ નથી કારણ કે જીવન ક્ષણ ભંગુર છે ક્યારે શ્વાસની શરણાઈ શાંત થઇ જશે તે ખબર નથી તેને સજાવવામાં કપડાં-ઘરેણાં કે ટાપટીપ પાછળ માનવ જીવનની, પુષ્ટિ સેવાની અમુલ્ય ક્ષણો બરબાદ ન કરીએ.  જેટલી પણ ક્ષણો મળે તે સર્વ  કાયાના કલ્યાણમાં, પ્રભુની સેવામાં  અને કોઈને ઉપયોગી થવામાં સદુપયોગ કરી સાર્થક કરીએ. લાડ લડાવવા જ હોય તો યશોદાના લાલાને લડાવીએ. દેહનો સાથ શાશ્વત નથી. તેના પાયામાં ગણિકા જેવી સ્વાર્થી ભાવનાઓ રહેલી  છે. આ દેહ અંતે તો આગમાં જ જલી રાખ થવાનો છે. પોતાના દેહને પણ સ્વર્ગે લઇ જવાનો ત્રિશંકુનો અભરખો પૂરો થયો ન હતો તે યાદ રાખીએ. બીજી રીતે વિચારીએ તો દેહ તો આત્મ કલ્યાણનું ઉત્તમ સાધન બની શકે તેમ છે તેનો તેવો જ ઉપયોગ કરીએ પ્રભુના સ્નેહના પીયૂષનું  મન ભરીને પાન કરી લઈએ. ફરી આવો અવસર ક્યાંથી મળશે? દેહની માયા અને તેની અહંતા-મમતાના ચક્કરમાં ફસાઈએ નહીં.  પોતાના  દેહની માયા રાખવાનું પણ વ્યર્થ હોય  તો પછી અન્ય (પતિ/પત્ની, માવતર, બાળકો….)ના દેહની માયા કેમ રખાય? જડભરતની કથા યાદ રાખીને માયા, મમતાના મોહપાશમાંથી બચીએ.

 

દેહ દેખ સુરંગ યહ, મત ભૂલે તૂં ગંવાર |
હાડ માંસકી કોટડી, ભીતર ભરી ભંગાર ||૪૧||

 

 

આપણો સુરંગ (રૂડો રૂપાળો) દેહ ખરેખર તો એક છેતરામણી સુરંગ (ટનલ/બોગદું) જ છે. જો તેમાં અટવાઈ ગયા તો જરૂર પંથ ભૂલેલા પથિક બની જવાના. આ ભયંકર ભોંયરૂં તો ભવ્ય ભુલભુલામણી છે. તેમાં ભલભલા  ઋષિ મુની, સંતો, મહંતો અને સિદ્ધ પુરુષો ભૂલા પડી ભવાટવીમાં ભટકી ગયા છે. ઉપર ઉપરથી આકર્ષક અને લોભામણા આ માનવ દેહની સુંદરતા ચામડીથી જ છે. એટલે જ કહયું છે કે ‘Bodily beauty is only skin deep’. ચમકતી ચામડીનું આવરણ હટાવીએ એટલે પછી અંદર તો રક્ત, માંસ, હાડકાં, અને કચરરૂપી  ગંદકી જ ભરેલી છે. એ ભંગાર ઉપર રૂપાળું આવરણ મઢેલું છે.  આજે જેમ બજારમાં કચરો માલ પણ આકર્ષક બાહ્ય પેકિંગના બળે ચાલી જાય છે તેવું જ આપણા શારીરિક સૌન્દર્યનું છે. આ વાત સતત યાદ રાખવી જોઈએ. જે કોઈ તેને ભૂલવાની ભૂલ કરે તેને ગંવાર અર્થાત બુધ્ધુ, અક્કલનો ઓથમીર જ કહેવો પડે. આપણી સરકાર પદ્મશ્રી, પદ્મ ભૂષણ જેવા ‘પદ્મ’ પુરસ્કારો આપે છે. તેવી જ રીતે આવી ભૂલ કરનારને માટે આધ્યાત્મિક ક્ષેત્રે મુર્ખશ્રી, મુર્ખભૂષણ, મુર્ખવિભૂષણ જેવા પુરસ્કારો અપાવા જોઈએ!

આવી કોઈ વ્યવસ્થા ક્યારેય પણ થાય તો આ લેખકનું  નામ તેમાં બહુ આગળ હશે. તમારૂં ?

 

 

મહામાન મદ ચાતુરી, ગરવાઇ ઔર નેહ |
યહ પાંચો જબ જાયેંગે, તબ માનો સુખ દેહ ||૪૨||

 

 

આ પહેલાંની ચાર સાખીમાં દોજખના દ્વારે દોરનારા દુશ્મન દેહના દીવાનાપણાથી બચવા સલાહ આપી.  હવે, શ્રીહરિરાયજી  આ સાખીમાં માનવીના ઉત્કર્ષમાં અવરોધરૂપ પાંચ સનાતન ભય સ્થાનોની વાત કરે છે. આપણાં સઘળાં શાસ્ત્રોમાં સર્વત્ર આ પાંચ દુર્ગુણોથી બચવાની વાત કહેવામાં આવી છે. સત્ય તો એ છે કે  આ કાયમી દુશ્મનોથી બચવાની સલાહ તો જગતના બધા જ ધર્મ શાસ્ત્રોમાં અપાઈ છે. એ અર્થમાં આ સનાતન શત્રુઓ છે.

 

 

અભિમાન અને પોતાની શક્તિનો મદ એ બે શબ્દોથી તુરત જ લંકાપતિ રાવણ યાદ આવી જાય. તે મહાન શિવ ભક્ત હતો, શાસ્ત્રોનો જ્ઞાતા હતો, મહાપ્રતાપી રાજા હતો, તેણે કુદરતી શક્તિઓને વૈજ્ઞાનિક યુક્તિઓથી પોતાની સેવામાં જોડી હતી પણ  અભિમાન અને મદના કારણે તેણે પોતાનો જીવ ખોયો એટલું જ નહીં તેના પ્રતાપી પુત્ર ઇન્દ્રદમન અને બળવાન ભાઈ કુંભકરણ સહીત અનેક યોધ્ધાઓ પણ મૃત્યુને ભેટ્યા. સોનાની લંકા વિનાશના આરે પહોંચી ગઈ. આ બે દુર્ગુણોએ તો અનેકના પતન કર્યાં છે. આજના યુગમાં યાદ કરીએ તો હિટલર અને હજુ હમણાં સદ્દામ હુસેનના દાખલા હાજર જ છે. કહે છે કે જ્યારે હાથી મદમાં હોય ત્યારે ભયંકર રીતે જોખમી બની જાય છે. તેવી જ રીતે પોતાની શક્તિઓના મદમાં મસ્ત માણસ લાખો શું કરોડોનો સંહાર નોતરે છે. તેથી પણ વિશેષ, સ્વયં પતનની ગર્તામાં ધકેલાઈ જાય છે.

 

 

અહીં ચાતુરીનો અર્થ લુચ્ચાઈ છે. શિયાળ જેવી ચાતુરીની વાત છે. મહાભારતમાં કદાચ સૌથી વધુ ‘ચતુર’ પાત્ર મામા શકુનિનું છે. બુદ્ધિ અને તર્કશક્તિ હોય પણ વિવેકનો અભાવ હોય તો તે ઘાતક બને છે અને અન્યનું તો જે થાય તે પણ તેવી ‘શક્તિઓ’ ધારણ કરનારનું તો જરૂર અહિત કરે છે. આવા લોકો પોતાની ચતુરાઈનો ઉપયોગ કરીને અન્યને છેતરવા કે હેરાન કરવાને પોતાની હોશિયારી સમજે છે. આ ગેરસમજ જ તેમને  અભિમાન, મદ અને ગર્વના દુષણો સુધી દોરી જાય છે. એટલે ખરેખર તો આ ચતુરાઈ તેમની પોતાની જ દુશ્મન બની જાય છે અને પ્રભુ-પ્રેમની પ્રાપ્તિ કે પુણ્ય કમાવાના શ્રેયના રસ્તે આગળ વધવા નથી દેતી. શ્રેય અને પ્રેયના  દ્વંદમાં યોગ્ય કે શ્રેયસ્કર માર્ગે પ્રગતિ નથી થઇ શકતી.

 

 

નેહ અર્થાત સ્નેહ, પ્રેમ, મોહ, મમતા. ભૌતિક પદાર્થો  કે સાંસારિક લોકોમાં કે પછી સ્વમાં પણ સ્નેહ કરવો અર્થાત નાશવંત, ક્ષણભંગુર, ક્ષુલ્લકને ગળે લગાડવું. સોનું છોડી કથીર ગાંઠે બાંધવું.  પરમ સુંદર શ્રી કૃષ્ણ પ્રભુમાં સ્નેહ કરીએ તો પરમ પદાર્થ પામીએ. એક ચિત્તથી સેવા કરીએ, લોક-વેદની મર્યાદાઓને ભૂલીને એક માત્ર પ્રભુને  અંતરના અતલ ઊંડાણથી સ્નેહ કરીએ, ગોપીજનોની કક્ષાએ ન પહોંચીએ તો પણ ૮૪-૨૫૨ વૈષ્ણવોએ કરેલા અસીમ પ્રેમના સીમાડે પણ પહોંચી શકીએ  તો જરૂર પ્રભુની પ્રીતિ પ્રાપ્ત થાય. આચાર્યશ્રીએ તો કહયું છે કે ચિત્ત પરોવીને તનુ-વિત્તજા સેવા કરીશું તો માનસી સેવાનું પરમ ફળ પ્રાપ્ત થશે.

 

 

આપણે બડભાગી છીએ કે પુષ્ટિમાં વરણ થયું છે, શ્રી વલ્લભે શરણે લીધા છે એટલે આવો, આપણે આપણા માર્ગના સિદ્ધાંતોના સંદર્ભે આ વાત વિચારીએ. આપણે ત્યાં દીનતાનો અત્યંત મહિમા છે. બીજી રીતે જોઈએ તો આપણો પ્રેમનો માર્ગ છે તેમાં પ્રેમ, સ્નેહ, દુલાર, સમર્પણ જ આવે. પેલા કવિએ કહયું છે તેમ પ્રેમની ગલી અત્યંત સાંકડી હોય છે તેમાં અભિમાન, મદ, ચતુરાઈને માટે જગ્યા જ ક્યાં રહે છે? આપણે સતત પ્રભુની પ્રસન્નતાનું,  સ્વામીના સુખનું, વહાલાની વહાલપનું ચિંતન કરવાનું છે, એ જ ભાવનાથી સેવામાં મન પરોવવાનું છે. શ્રી કૃષ્ણાશ્રય અને શ્રી વિવેક ધૈર્યાશ્રય જેવા ગ્રંથોમાં અપાયેલી શ્રી આચાર્યજીની આજ્ઞાને સમજીને જીવનમાં ઉતારીએ તો પછી આ પાંચ તો શું કોઈ પણ અનિષ્ટ આપણા પ્રિતમ અને આપણી વચ્ચે અવરોધ કરી નહીં શકે.

 

ભવસાગર કે તરન કી, બડી અટપટી ચાલ |
શ્રીવિઠ્ઠલેશ પ્રતાપ બલ, ઉતરત હૈં તત્કાલ ||૪૩||

 

 

       સંસાર સમુદ્રમાં ડૂબકાં ખાતાં જીવો માટે સૌથી ગહન, સૌથી અઘરો સવાલ એક જ છે કે તેમાંથી પાર કેમ ઉતરવું? દેવી દેવતાઓ અને ઋષિ મુનીઓ પણ પ્રભુની માયાનો તાગ પામી શક્યા નથી. કંઈ કેટલાયે ઉપાયો, કંઈ કેટલાય પુણ્યકર્મો, યજ્ઞો, યાત્રાઓ, દાન તો ઠીક કંઈ કેટલાયે જન્મો પછી પણ ભવાટવીના ચક્કરમાંથી મુક્ત થઇ શકાતું નથી. તેનો પાર પામવાના ઉપાયો અત્યંત કઠીન, અત્યંત અઘરા છે. પાર પામવાનું તો ઠીક, આ ઉપાયો  સમજવાનું પણ મુશ્કેલ છે. તેને સમજવા જતાં ભલભલા જ્ઞાનીઓ ગોથાં ખાઈ જાય છે. અહીં ૧+૧ હંમેશા  ૨ નથી થતા પ્રભુ કૃપા કરે તો ૧૧ પણ થાય અને નહીંતર શૂન્ય થઈને પણ ઉભા રહે. દરિયાને પાર જવું હોય તો મજબૂત જહાજ (સ્ટીમર) જોઈએ એટલું જ નહીં સારા  સુકાની (કેપ્ટન) જોઈએ. ભવસાગર તરવા આપણને શ્રી વલ્લભની કૃપાથી પુનિત પુષ્ટિ જહાજમાં સ્થાન તો મળી ગયું છે અને આ જહાજના સમર્થ સુકાની શ્રી વિઠ્ઠલેશના પ્રતાપબળે વિના વિલંબ આપણે પાર ઉતરવાના જ છીએ તેમ અહીં શ્રીહરિરાયજી કહે છે. આપણે આ બાબત નિશ્ચિંત થઇ જવું જોઈએ કારણ કે ગીતાજીમાં જ પ્રભુની આજ્ઞા છે કે, “સંશયાત્માનો વિનાશ થાય છે”. આપણા ભક્ત કવિ શ્રી દયારામભાઈ પણ એજ કહે છે કે “નિશ્ચેના મહેલમાં વસે મારો વહાલમો”.  શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે પરિસ્થિતિ ભલેને ગમે તેવી વિકટ હોય પ્રભુની નિકટ જઈએ (કે સતત રહીએ) તો આપણને બાધક નહીં થઇ શકે. તેવી જ રીતે જો શ્રી વિવેક ધૈર્યાશ્રાયનું અનુસરણ કરીએ તો પણ આપણાં મનમાં શ્રધ્ધા અને નિશ્ચયની ભાવના દ્રઢ થઇ શકશે. આવી દ્રઢતા જ પુષ્ટિ પથે આપણાં કદમ લડખડાતાં અટકાવશે. આવી દ્રઢતાના સહારે જ આપણે શ્રી ચતુ:શ્ર્લોકીમાં પ્રબોધાયેલા વૈષ્ણવના ચાર પુરુષાર્થનું યોગ્ય રીતે પાલન કરી શકીએ.

 

 

 

અંતતોગત્વા, આપણા વિવેક અને  ધૈર્ય, આપણો આશ્રય, આપણો ઉધ્ધાર, સર્વ શ્રી વલ્લભ અને આપના અશેષ મહાત્મ્યના ધારક વલ્લભ વંશની કૃપાના આશ્રિત છે.

 

 

આજે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.

 

ક્રમશ:

© Mahesh Shah 2013

મહેશ શાહ , જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩


 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ક્રોધ પર વિજય …

ક્રોધ પર વિજય …

 

 

KRODH.1

 

 

શું ક્રોધની કોઈ ઉજ્જવળ બાજુ છે ?

 

આ બધું હોવા છતાં કેટલાક એવા લોકો પણ છે જે સંભવત: ક્રોધને એટલો ઉપયોગી માને છે કે એના પર વિજય મેળવવાના ઉપાય પણ શીખવા માગતા નથી.  એક સત્ય ઘટના આ વાત સ્પષ્ટ કરી દે છે :

 

એક પતિએ પોતાની પત્નીને કહ્યું, ‘ચાલો આપણે આશ્રમમાં જઈને ક્રોધ પર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો એ વિશે પ્રવચન સાંભળી આવીએ.  વિષય ઘણો રોચક છે.’   પરંતુ, એ સ્ત્રીએ કહ્યું કે તે પોતાના ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય શીખવા નથી માગતી.  એનું કારણ એ છે કે એની પાસે આ ક્રોધ જ એકમાત્ર એવી ચીજ છે કે જેનાથી તેનાં બાળકો ડરે છે.  પોતાનાં બાળકો પર નિયંત્રણ રાખવાના એ એક માત્ર ઉપાયને તે ગુમાવવા ઈચ્છતી નથી !   તેનો આ દ્રષ્ટિકોણ કે ક્રોધની પણ થોડી ઉપયોગિતા છે એ થોડો અસામન્ય લાગે છે.  અહીં આપેલી ઉક્તિમાં આ ભાવ જોવા મળે છે; ‘જ્યાં કોમળતા નિરર્થક સાબિત થયા છે ત્યાં કઠોરતા જ ઉચિત છે.’  સદાચારની દ્રષ્ટિએ નહીં પણ ઉપયોગિતાવાદની દૃષ્ટિએ ક્રોધને સ્વીકૃતિ મળી શકે.

 

વાતચીત દરમ્યાન પેલા પતિએ એવો સંકેત કર્યો કે તેની પત્ની વાતવાતમાં નારાજ થઇ જાય છે.  એની આ ટિપ્પણી એક રોચક પરિસ્થિતિને સમજવામાં સહાયક બની ગઈ.  અહીં એક પ્રશ્ન પૂછી શકાય, ‘શું તમે ક્રોધનો ઉપયોગ કરો છો કે ક્રોધ તમારો ઉપયોગ કરે છે ?  શું ક્રોધ આપના હાથોમાં એક કુશળયંત્ર છે કે પછી તમે પોતે તમારા ક્રોધના હાથનું રમકડું બની ગયા છો ?’

 

જો આપણે ક્રોધ પર નિયંત્રણ કરવાનું શીખ્યા નથી તો ક્રોધને સુનિયોજિતરૂપે કોઈ રચનાત્મક ઉદ્દેશ માટે ઉપયોગ ન કરી શકીએ.  ક્રોધનો અધિકારપૂર્વક તથા સુનિયોજિતરૂપે ઉપયોગ કરી શકવો ઘણું કઠિન કાર્ય છે.  એરિસ્ટોટલ કહે છે, ‘કોઈ પણ વ્યક્તિ ક્રોધિત બની શકે.  આ ઘણું સહેલું છે, પણ ઉચિત વ્યક્તિ પર યોગ્ય માત્રામાં સુયોગ્ય સમયે ઉચિત ઉદ્દેશ માટે અને યોગ્ય પ્રકારે ક્રોધ કરવો એ સૌ કોઈ વ્યક્તિના વશની વાત નથી અને સરળ પણ નથી.’

 

જે રીતે પાણીને ગરમ કરવા માટે વીજળી કે ગરમીનો માપી માપીને ઉપયોગ કરવો જોઈએ તેવી રીતે જો મા પોતાના ક્રોધને સુનિયોજિતરૂપે સારી રીતે ઉપયોગ કરવાનું જાણે તો આપણે એમ કહી શકીએ કે તેનું આચરણ સ્વીકાર્ય છે.  અલબત્ત, આમ કરતાં પહેલાં એ જોવું જોઈએ કે બીજા બધા ઉપાયો નિષ્ફળ ગયા છે કે કેમ ?  આ સ્ત્રી જો પોતાનાં બાળકોને વિદ્યુતયંત્રથી ગરમ શેક દેતી વખતે પોતે જ દાઝી જાય તો પછી દીર્ઘકાલીન દૃષ્ટિએ તેની ક્રોધ ચિકત્સા પણ એનું ભલું ન કરી શકે.  જે લોકો પોતાના બાળકો કે કોઈ બીજા પર આ ક્રોધ ચિકિત્સાનો ઉપયોગ કરવા તત્પર બને છે તેને માટે ઉપર્યુક્ત ઉક્તિનો મનોવૈજ્ઞાનિક અર્થ સમજી લેવો અત્યંત આવશ્યક છે.

 

એ વાત સાચી છે કે દરેક માતાના હૃદયમાં પોતાનાં સંતાનો વિશે હિતકામના રહે છે.  અસામન્ય માતાઓની વાત જુદી છે.  ઉપરના ઉદાહરણમાં એક માતા અનુશાસનના ઉપાયે ક્રોધ દ્વારા પોતાના પુત્ર પર ઉપકાર જ કરવા ઈચ્છે છે, પરંતુ મૂલત: ક્રોધ એક વિષાક્ત અને સંક્રામક ભાવ છે.  જ્યારે કોઈ માતા ખરેખર નારાજ થઈને પોતાનાં બાળકો પર પ્રહાર કરે છે તો બાળકો પણ ક્રોધે ભરાઈ જાય છે.  પરંતુ તેઓ પ્રભાવકરૂપે પોતાની પ્રતિક્રિયા કે વિરોધ પ્રદર્શિત કરી શકતાં નથી.  આ ઉપરાંત ભયના માધ્યમથી અનુશાસન લાદવામાં આવે તો તેની એક સારી ટેવમાં પરણિત થવાની સંભાવના બહુ ઓછી છે.  એનું કારણ એ છે કે ભયની સાથે બાળકોના હૃદયમાં વ્યક્ત ન થતી શત્રુતાનો ભાવ પણ વધી જાય છે.  એનું પરિણામ એ આવે છે કે એનો ક્રોધ મનમાં ને મનમાં અવચેતન સ્તરે જઈને અવસરની પ્રતિક્ષા કરતો રહે છે.  સાથે ને સાથે ચિત્તમાં ભિન્ન ભિન્ન પ્રકારના પ્રતિકારના સૃષ્ટિ પણ રચાય છે.  એક દિવસ જ્યારે આ શત્રુતાનો વિસ્ફોટ થાય છે ત્યારે ક્રોધ પર નિયંત્રણ ન શીખવા ઈચ્છતી એ માતા પોતાનાં વયસ્ક સંતાનો પર પોતાની આ ક્રોધચિકિત્સાનો ઉપયોગ કરી શક્તિ નથી.  અને અંતે પોતે અત્યંત દુઃખી થઇ જાય છે.  આ પરિસ્થિતિ માટે ખરેખર એ પોતે જ જવાબદાર છે.  આ વાત વિચારણીય છે કે શું કેટલાક સમયના ફાયદા માટે પોતાના સંતાનપ્રેમના કાયમી અને સ્થાયી લાભનો બલિ ચડાવી દેવો યોગ્ય ગણાય ?  પરંતુ માએ પોતાના ક્રોધ પર નિયંત્રણ મેળવવાની વિદ્યા શીખ્યા પછી ક્રોધ ચિકિત્સાનો ઉપયોગ કર્યો હોત તો પરિસ્થિતિ પૂર્ણત: જુદી જ હોત.  એ પરિસ્થિતિમાં શ્રી રામકૃષ્ણની  બોધકથા સાપની જેમ તે ફૂંફાડો મારતી રહેત પણ બાળકને દંશ ન દેત.

 

જે વ્યક્તિ ક્રોધ પર નિયંત્રણ રાખવાનું શીખી નથી એના દ્વારા ક્રોધનો રચનાત્મક ઉપયોગ અસંભવ છે.

 

 

(રા.જ. ૩-૧૩(૨૬-૨૭)/૫૭૨-૭૩)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પોર આવકાર્ય છે.

શંકા સમાધાન (૪) … નવી ભોજન પ્રથા … ભાગ … (૯) …

‘શંકા સમાધાન’ … (૪/૩) …નવી ભોજન પ્રથા … . (ભાગ-૯)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 navi bhojan pratha .1

 

 

આજે  ફરી આપણે   ‘શંકા સમાધાન’  દ્વારા  એક નવા પ્રશ્ન ને તપાસીશું અને ‘નવી ભોજન પ્રથા’ માં આપણી શંકાનું સમાધાન કરવા કોશિશ કારીશું.   ‘શંકા સમાધાન’  શ્રેણી  અન્વયે  અનેક પ્રશ્નો ને ધીરે ધીરે અહીં આવરી લેવામાં આવશે.  આમ છતાં, આપના મનમાં કોઈ પ્રશ્ન કે શંકા ઉદભવતી હોય તો,  વિના સંકોચ અમોને કોમેન્ટ્સ બોક્ષ દ્વારા  આપના પ્રતિભાવ મૂકી જાણ કરશો, જે સવાલ રૂપે અહીં આવરી લઈશું અને જો આપ ઇચ્છશો તો આપના ઈ મેઈલ દ્વારા પણ સમાધાન ની વિગત ડાયરેક્ટ મોકલી આપવા કોશિશ કરીશું. …આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 
શંકા સમાધાન …

 
શંકા – (૪)  :  પાણીથી તો સફાઈ થાય છે. મારે તો સવારે ઉઠતાની સાથે જ બે લોટા પાણી પીવું પડે છે, નહીં તો દસ્ત/ઝાળો જ ન ઉતરે (પેટ જ સાફ ન આવે) અને આખો દિવસ ખરાબ જાય. શું સવારનું પાણી સફાઈકારક નથી ?

 
સમાધાન :
 
શ્રી બાલુભાઈ ચૌહાણ : પાણીથી સફાઈ થવાની માન્યતા ભ્રામક છે.  જે આ રીતે સમજી શકાશે …

 
પાણી પીવાથી જ જો દસ્ત/ ઝાળો ઉતરતો હોય, તો દરેકની શરીર રચના એકસરખી હોઈ, આ નિયમ દરેક ને લાગુ પડવો જોઈએ કે નહિ ? પરંતુ અહીં બધાની હાલત એવી નથી. મતલબ કે આપણે જ આપણા શરીરને ટેવ પાડી દીધી છે. ઘણાને ચ્હા ન પીવે ત્યાં સુધી દસ્ત/ઝાળો ઉતરતો નથી. તો ઘણાને નાસ્તો કર્યા બાદ જ દસ્ત/ઝાળો ઉતરે છે. ત્યાં સુધી તો સમજ્યા કે શરીરના પાચનતંત્ર ને તે અસરકર્તા છે. પણ ઘણાએ તો મોંમાં તમાકુ ને ચડાવે કે ધુમ્રપાન કર્યા પછી જ કે ટોઇલેટ માં પેપર વાંચ્યા બાદ જ દસ્ત/ઝાળો ઉતરે છે. આ પરથી એવું નક્કી કરી શકાય કે આ બધી ‘ટેવ’ છે, વ્યસન છે, કે આદત છે. બધી આદત ને શારીરિક પ્રકિયા કે વિજ્ઞાન સાથે કોઈ સંબંધ ખરો ? આબધી ‘ટેવ’ થી શરીરની સફાઈ શી રીતે થાય ?

 
બીજું – જેને પણ સવારે પાણી પીવાથી પેટની સફાઈ થાય છે તે રાત્રે તેમજ દિવસમાં બાકીના કોઈપણ સમયે પાણી પી તો પણ પેટની સફાઈ થવી જોઈએ કે નહી ? જો પાણીથી જ સફાઈ થતી હોય તો જ્યારે પણ પાણી પીએ ત્યારે સફાઈ પૂરા દિવસ દરમ્યાન થવી જ્હોઇએ ક નહી ? પરંતુ આપણા સૌનો અનુભવ એ છે કે આવું કશું થતું નથી. મતલબ કે આ બધું આપણું ‘માનસિક’ છે અને તેને માનસિક અસર કહી/ ગણી શકાય.

 
ત્રીજું – શરીર રચનાના આધારે જોઈએ તો પણ કહી શકાય તેમ છે કે …

 
શરીરમાં એવી કોઈ કૂદરતી વ્યવસ્થા નથી કે મોંમાંથી /મોં વળે પાનીએ નાખીએ કે પીએ તો સીઢે સીધું પાઈપ લાઈન / નળી દ્વારા બીજા છેડેથી મદ લઈને બહાર નીકળે !!!! હકીકતમાં અન્ય ખોરાકની માફક જ પાણીને પણ પચાવવું પડે છે. (જેમ કે આપણે ઘણી વખત કહીએ છીએ કે મને મુંબઈ નું પાણી નથી ફાવતું કે ફલાણા ગામનું પાણી મને નથી ફાવતું કે મને કુવા સિવાય ડંકી નું પાણી નથી ફાવતું.. વિગેરે) કોઇપણ રસ કે પ્રવાહીને પચાવવા માટે જે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તે જ રીતે પાણી ને પણ પસાર થવું પડે છે. જેથી પાણી દ્વારા મળ પર દબાણ લાવી શકાતું નથી કે પાણી મળને ધક્કો લગાવે તેવી કોઈ જ વ્યવસ્થા શરીરમાં નથી.

 
ચોથું – ખરેખર જોઈએ તો માનવ શરીરમાં સફાઈ પાણીથી થતી જ નથી. પાણી તો ખોરાક છે.

 
ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણએ બતાવ્યું છે કે …

 

અહમ વૈશ્વાનરો ભૂત્વા, પ્રાણીનામ્ દેહમ્ આશ્રિત: |
પ્રાણાપાન સ્માયુક્ત: પચામિ અન્નમ્ ચતુર્વિધમ્ ||

 
તેમજ

 
પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયમ્ યો મે ભક્ત્યા પ્રયચ્છ્તિ |

 
અહીં ભગવાન કહે છે કે પાન, પુષ્પ, ફળ અને જળ જે મને ભક્તિભાવપૂર્વક ધરે છે/ આપે છે તે હું સ્વીકારું છું અને તે ચાર પ્રકારના ભોજન પ્રાણ – અપાનથી પચાવું છું.

 
અહીં પીણી એ અન્ય ભોજનની જેમ જ ભોજનનો એક ભાગ દર્શાવ્યો છે અને જેને પ્રાણ – અપાન દ્વારા ભગવાન પચાવે છે. મતલબ કે તેમાંથી જીવન નિર્વાહ- જરૂરી તત્વો તે લઇ લે છે. બાકી બચ્યું તે કોઈને કોઈ સ્વરૂપે નિકાલ કરે છે. (મળ-મૂત્ર) આમ, પાણીના નિકાલ માટે માટે પણ પાનઅપાન એળે કે વાયુ ની આવશ્યકતા છે. પાણી પોતાની જાતે આગળ શરીરમાં વધી શકતું નથી, જો આમ જ હોય તો તે શરીરની સફાઈ કઈ રીતે કરી શકે ?

 
શરીરની સફાઈ વાયુથી ની મદદ વળે થાય છે. જ્યારે મળત્યાગ કરીએ છીએ ત્યારે જે દબાણ કે પ્રેશર આવે છે તે પાણીથી નથી આવતું પરંતુ વાયુથી આવે છે. મળને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ વધવા / આગળ ધકેલવાનું કામ વાયુ દ્વારા જ થાય છે. મળ જ નહિ પરંતુ મૂત્ર નાં ત્યાગ માટે પાણીનું કોઈ જ દબાણ કામ કરતુ નથી પરંતુ પેશાબને ધક્કો મારીને બહાર કાઢવાનું કામ વાયુ કરે છે.

 
આમ પાણી થી સફાઈ થાય છે તે માન્યતા ધરાવી, વધુ પાણી પીવું જરૂરી છે કે ઊઠતાની સાથે જ પાણી પીવું જરૂરી છે તે ભ્રમ કાઢી નાખવો જરૂરી છે. હકીકતમાં વધુ પડતું પાણી પીચાથી શરીરની જે સફાઈ થાય છે તે એવું બને કે રોકાઈ જાય ? પરિણામે  અનેક રોગો ઉદભવે છે., જે આપણે શંકા સમાધાન – (૩) માં આ અગાઉ જોઈ ગયા.

 
સવારે પાણી પીવાથી પેટ સાફ થતું જ હોય તો ચિકિત્સાની રીતે કોઈ વખત તે પ્રયોગ કરવામાં કશો જ વાંધો નથી. જેમ કે, આપણે હિમેજ, હરડે, ત્રિફળા ચૂર્ણ, દિવેલ વગેરે રેચક પદાર્થો નો ઉપયોગ કોઈ કોઈ સમયે કરતાં જ હોઈએ છીએ અને તેનાથી પેટ સાફ પણ આવે છે. અથવા તો તેને આપણે ઔષધિ માનીએ છીએ. જેથી તેના વધુ પડતા કે નિયમિત ઉપયોગ કરવાથી દૂર રહીએ છીએ. એજ રીતે જ્યારે પાણીને આપણે ઔષધિ ન માણતા નિર્દોષ માનીએ છીએ, જેથી તેની ટેવ પડી જાય તો પણ આપણને વાંધો નથી. હકીકતે પાણી તો નિર્દોષ જ છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે.

 
ટૂંકામાં પાણી પી ને આડકતરી રીતે પેટ સાફ કરવાની ભ્રમણામાં ન રહેતા ‘નવી ભોજન પ્રથા’ માં સૂચવેલ એનીમા દ્વારા (સાધનથી) સાદા પાણીથી સીધી જ સફાઈ વધુ સારી છે. અને જરૂર નથી કે મારી વાતને સીધે સીધી માની લેવી, તમે જાતે વિવેકબુદ્ધિપૂર્વક પ્રયોગ કરી અનુભવ લઇ શકો છો.. આમાં નથી કોઈ ખર્ચ, કે નથી કોઈ આડ અસર, અને જો પરિણામ આપણું ઈચ્છિત આવે તેમ ઇચ્છતા હોય તો … ‘નવી ભોજન પ્રથા’ અપનાવી અનુભવ શા માટે ન કરીએ ? બસ આપનો ‘ભ્રમ ભાંગો અને ક્રાંતિ’ લાવો.

 

 
પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ ના સ્વમુખે ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૩)  માં … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને સમજીએ ..

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી અમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તેમના આભારી રહીશું.

 

 
અહીં ડૉ. સૌરભ ત્રિવેદી,  ગાંધીઘર, કછોલી,  ની સમજ અને માર્ગદર્શન આપ સર્વેની જાણકારી માટે સાભાર સ્વીકાર કરી નીચે મૂકેલ છે, જેનાં પર એક દ્રષ્ટિ કરી લેવા વિનંતી…

 
“More Dishes = More Disease”

 
મિત્રો, હાલની આપણી ખાન-પાનની આદતોને ધ્યાનમાં લેતા આ વાક્ય આપણે ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે, આપણે આપણા આહારને વધુ પડતો ‘Complex’ બનાવી દીધો છે. (ગૂંચવી દીધો છે.)

 
સીધો અને સુપાચ્ય આહાર લેવાને બદલે આપણે સ્વાદ ને ધ્યાનમાં રાખીને વધુમાં-વધુ પ્રોસેસ કરેલો આહાર અને એ પણ એકસાથે લેવા માંડ્યા છીએ. અને એ તમામ આહારની પ્રકૃતિ અલગ-અલગ હોય છે, સામાન્ય નિયમ એવો હોય કે અલગ અલગ પ્રકૃતિના આહાર સાથે ન લેવા જોઈએ. જે આપણે મોટે ભાગે પાળતા નથી.

 
એક સાદા ઉદાહરણથી સમજીએતો આપણને જો મનગમતા વિષય પર લગભગ ૧૦૦૦ શબ્દોનો નિબંધ લખવાનું કહેવામાં આવે તો આપ ૨૦-૩૦મીનીટમાં ખુબ સરળતાથી લખી લેશો, પરંતુ સાથે એ પણ કહેવામાં આવે કે આ નિબંધની એક લાઈન અંગ્રેજીમાં, બીજી ગુજરાતીમાં, ત્રીજી હિન્દીમાં લખવાની છે, તો આ કામ દરેક માટે અઘરું થઇ જશે, સમય પણ વધુ લાગશે. આપ આ ત્રણેય ભાષા જાણતા  હોવા છતાં લખવામાં વધુ શ્રમ-સમય વધુ લાગશે.

 
બસ ,આજ હાલત આપણા પેટની થાય છે, જયારે આપણે એને દાળ, ભાત, શાક, રોટલી, સંભારો, અથાણું, ચટણી, ફરસાણ, મીઠાઈ, ફ્રુટ, દહીં-છાસ વગેરે એકસાથે એકજ સમયે આપીએ છીએ. આપણું જઠર ગૂંચવાઈ જાય છે.

 
આપણા જઠરમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી જેવા દરેક ઘટકો પચાવવા માટે અલગ-અલગ પાચક રસોની વ્યવસ્થા છે, વળી આ દરેક ઘટકોનું શરીરમાં શોષણ પણ અલગ-અલગ રીતે થાય છે. એકસાથે આપેલો આહાર જઠર પચાવશે તો ખરા પણ તેમાં શ્રમ-સમય બંને નો વ્યય થશે.

 
ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે જમ્યા પછી પેટ ભારે લાગે છે, ગેસ, અજંપો અનુભવાય છે. આળસ આવે છે, પછી લોકો ઉપાય તરીકે ઈનો કે મુખવાસની જેમ ખાઈ શકાતી દવાઓ નો સહારો લેતા હોય છે.

 
ભોજનને જેટલું સાદું અને સરળ બનાવશો. તેટલું પચવામાં હલકું રહેશે.

 
સાભાર : – ડૉ. સૌરભ ત્રિવેદી, ગાંધીઘર, કછોલી, મો. ૯૮૭૯ ૪૪૩ ૭૭૬.

ક્યા ગુમાન કરના હૈ …

ક્યા ગુમાન કરના હૈ …
સ્વર: નારાયણ સ્વામી …

 

KABIR.1

 

 

ક્યા ગુમાન કરના હૈ …

ક્યા ગુમાન કરના બૈ .. (૨)
મીટ્ટી સે મીલ જાના હૈ ..

 

માન અપમાન છોડ કર તું
સંત ચરન મેં આના ..

ક્યા ગુમાન … હૈ ક્યા ગુમાન …

ક્યા ગુમાન કરના હૈ
મીટ્ટી સે મીલ જાના હૈ

ક્યા ગુમાન .. ક્યા ગુમાન …

મીટ્ટી ખોદકર મહેલ બનાયા
ગવાઁર કહે ઘર મેરા હૈ .. (૨)

મીટ્ટી ખોદકર મહેલ બનાયા
ગવાઁર કહે ઘર મેરા હૈ ..

આ ગયા ભંવરા લે ગયા .. જી .. (૨)
ઘર તેરા નહિ મેરા હૈ

ક્યા ગુમાન કરના હૈ
મીટ્ટી સે મીલ જાના

ક્યા ગુમાન હૈ .. ક્યા ગુમાન …

ક્યા ગુમાન કરના બૈ
મીટ્ટી સે મીલ જાના
ક્યા ગુમાન ..

મિટ્ટી ખાના, મિટ્ટી પીના..
મિટ્ટી કરના ભોગો .. (૨)

મીટ્ટી સે મીટ્ટી મીલ ગઈ સો .. (૨)
ઉપર ચલે સબ લોગો ..

ક્યા ગુમાન કરના બૈ
મીટ્ટી સે મીલ જાના

ક્યા ગુમાન .. ક્યા ગુમાન ..

ક્યા ગુમાન કરના બૈ
મીટ્ટી સે મીલ જાના

ક્યા ગુમાન હૈ .. ક્યા ગુમાન …

હાડ જલે જૈસે લકડી કી મૂલી
લકડી કી મૂલી …

હાડ જલે જૈસે લકડી કી મૂલી
બાલ જલે જૈસે ઘાસા ..

સોના સરીખી કયા જલ ગઈ .. (૨)
કોઈ ન આવે પાસા … હૈ

ક્યા ગુમાન કરના બૈ
મીટ્ટી સે મીલ જાના હૈ

માન અપમાન છોડકર તું
છોડ કર તું .. છોડ કર તું

માન અપમાન છોડ કર તું
સંત ચરન મેં આના

ક્યા ગુમાન કરના બૈ …

કહેત કબીર, સુનો ભાઈ સાધુ
સુનો ભાઈ સાધુ .. સુનો ભાઈ સાધુ

કહેત કબીર .. કહેત કબીર ..

કહેત કબીર, સુનો ભાઈ સાધુ
જુઠ્ઠી હૈ સબ માયા .. (૨)

ભજન કરો .. ધ્યાન કરો કછુ
ભજન કરો કછુ ધ્યાન ધરો

પવિત્ર હોગી કયા યેહ ..

ક્યા ગુમાન કરના બૈ ..
મીટ્ટી સે મીલ જાના

ક્યા ગુમાન હૈ .. ક્યા ગુમાન ..

ક્યા ગુમાન કરના બૈ

માન અપમાન છોડ કર
સંત ચરન મેં આના

ક્યા ગુમાન કરના બૈ
ક્યા ગુમાન .. ક્યા ગુમાન ..

ક્યા ગુમાન કરના બૈ …

 

સંત કબીર સાહેબની રચના/ભજન આપને પસંદ આવ્યું હોય તો, આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર  મૂકશો, જે બ્લોગ પર આવકાર્ય છે. ..  આભાર !

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

વ્યાસપૂજા … ગુરૂપૂર્ણિમાનો મહિમા ….

વ્યાસપૂજા …

  ગુરૂપૂર્ણિમાનો મહિમા

 

ved vyas

 

 

ગુરૂપૂર્ણિમા એટલે સદગુરૂના પૂજનનું ૫ર્વ. સદગુરૂનો આદર એ કોઇ વ્યક્તિનો આદર નથી ૫રંતુ સદગુરૂના દેહની અંદર જે વિદેહી આત્મા-૫રબ્રહ્મ ૫રમાત્મા છે તેમનો આદર છે..જ્ઞાનનો આદર છે.. જ્ઞાનનું પૂજન છે..બ્રહ્મજ્ઞાનનું પૂજન છે.

 

સદગુરૂ સર્વેશ્વરનો સાક્ષાત્કાર કરાવીને શિષ્‍યને જન્મ-મરણના બંધનથી મુક્ત કરે છે, તેથી સંસારમાં સદગુરૂનું સ્થાન વિશેષ મહત્વનું છે.  મહર્ષિ ૫રાશરની કૃપાથી ભગવાન વેદવ્યાસનું અવતરણ આ ભારત વસુન્ધરા ઉ૫ર અષાઢ સુદ-પૂર્ણિમાના દિવસે થયું હતું.  બદરીકાશ્રમમાં બોર ઉ૫ર વનયાપન કરવાના કારણે તેમનું એક નામ “બાદનારાયણ’’ ૫ણ કહેવામાં આવે છે.  વ્યાસદ્વિ૫માં પ્રગટ થયા એટલે તેમનું નામ “દ્વૈપાયન’’ ૫ડ્યું.  કૃષ્‍ણ (કાળા) હતા તેથી તેમને “કૃષ્‍ણદ્વૈપાયન’’ ૫ણ કહેવામાં આવે છે.  તેમને વેદોનો વિસ્તાર કર્યો એટલે તેમનું નામ “વેદ વ્યાસ’’ ૫ડ્યું.  જ્ઞાનના અસિમ સાગર.. ભક્તિના આચાર્ય.. વિદ્વતાની ૫રીકાષ્‍ઠા અને અથાહ કવિત્વ શક્તિ ધરાવનાર ભગવાન વેદ વ્યાસથી મોટા કોઇ કવિ મળવા મુશ્કેલ છે.

 

આ વ્યાસપૂર્ણિમાને સૌથી મોટી પૂર્ણિમા માનવામાં આવે છે, કારણ કે ૫રમાત્માનું જ્ઞાન અને ૫રમાત્માની તરફ લઇ જનારી આ પૂર્ણિમા છે તેને વ્યાસપૂર્ણિમા ૫ણ કહેવામાં આવે છે.  જ્યાં સુધી મનુષ્‍યને સત્ય જ્ઞાનની જિજ્ઞાસા રહેશે ત્યાં સુધી આવા વ્યાસ પુરૂષોનું.. બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષો આદર પૂજન થતું રહેશે.  વ્યાસપૂર્ણિમાના અવસર ૫ર સત્સંગ સમારોહોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.  ભગવાન વેદવ્યાસે વેદોના વિભાગ કર્યા.. બ્રહ્મસૂત્રોની રચના કરી.. પાંચમો વેદ મહાભારત તથા ભક્તિ ગ્રંથ “શ્રીમદ્ ભગવદ્ ગીતા’’ની રચના કરી તથા આ સિવાય અન્ય ૧૮ પુરાણો લખ્યા.  વિશ્વમાં જેટલા ૫ણ ધર્મગ્રંથો છે, પછી ભલે તે કોઇ૫ણ ધર્મ..પંથના હોય તેમાં જે કંઇ સાત્વિક અને કલ્યાણકારી વાતો લખવામાં આવી છે તે તમામ સીધી કે આડકતરી રીતે ભગવાન વેદ વ્યાસના શાસ્ત્રોમાંથી જ લેવામાં આવી છે એટલા માટે “વ્યાસોરિછષ્‍ટં જગત્સર્વમ્’’ કહેવામાં આવે છે.

 

વ્યાસ એ સમગ્ર માનવજાતિને સાચો કલ્યાણનો રસ્તો બતાવ્યો છે.  વેદવ્યાસની કૃપા તમામ સાધકોના ચિત્તમાં ચિરસ્થાઇ રહે છે.  જેના જેના અંતઃકરણમાં આવા વ્યાસનું જ્ઞાન..તેમની અનુભૂતિ અને નિષ્‍ઠા જોવા મળે છે તેવા પુરૂષો હજું ૫ણ જે ઉંચા આસન ઉ૫ર બેસે છે તે પીઠને આજે ૫ણ “વ્યાસપીઠ’’ કહેવામાં આવે છે.  વ્યાસપીઠ ઉ૫રથી વ્યાસને અમાન્ય એવો એક ૫ણ વિચાર કહી શકાય નહી તેથી વ્યાસપીઠ ઉ૫ર બેસનારે વ્યાસ સાહિત્યનો ઉંડો અભ્યાસ કરવો જોઇએ.  વ્યાસપીઠ ૫રથી કોઇની ખોટી નિન્દા કે ખુશામત કરી શકાય નહી, તેમની વાણી સરળ..સ્પષ્‍ટ..ઉંડી અને સમાજની ઉન્નત્તિ કરાવનારી હોવી જોઇએ.

 

વેદવ્યાસના શાસ્ત્ર શ્રવણ વિના ભારત તો શું વિશ્વનો કોઇ૫ણ વ્યક્તિ આધ્યાત્મિક ઉ૫દેશક બની શકતો નથી.  વેદવ્યાસનું આવું અગાદ્ય જ્ઞાન છે.  જે મહાપુરૂષોએ કઠોર પરીશ્રમ કરીને અમારા માટે જે કંઇ કર્યું છે તે મહાપુરૂષોના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર..ઋષિ ઋણ ચુકવવાનો અવસર.. ઋષિઓની પ્રેરણા અને આર્શિવાદ પામવાનો અવસર છે…વ્યાસ પૂર્ણિમા..!!

ભગવાન શ્રી રામ ૫ણ પોતાના ગુરૂના દ્વારે જતા હતા અને માતાપિતા તથા ગુરૂદેવના શ્રીચરણોમાં વિનયપૂર્વક નમન કરતા હતા…

|| “પ્રાતઃકાળ ઉઠી કૈ રઘુનાથા..માતુ પિતા ગુરૂ નાવહિં માથા’’ ||

 

ગુરૂજનો..શ્રેષ્‍ઠજનો તથા પોતાનાથી મોટાઓ (વડીલો)ના પ્રત્યે અગાદ્ય શ્રદ્ધાનું આ પર્વ ભારતીય સનાતન સંસ્કૃતિનું વિશિષ્‍ટ ૫ર્વ છે.  આમ,ગુરૂપૂર્ણિમાએ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને ત૫..વ્રત.. સાધનામાં આગળ વધવાનો આ તહેવાર છે.સંયમ..સહજતા..શાંતિ..માધુર્ય તથા જીવતાં જીવ મધુર જીવનની દિશા બતાવનાર પૂર્ણિમા એટલે…ગુરૂપૂર્ણિમા.  ઇશ્વરની પ્રાપ્‍તિની સહજ..સાધ્ય..સાફ સુથરી દિશા બતાવનાર તહેવાર છેઃ ગુરૂપૂર્ણિમા.  આ આસ્થાનું ૫ર્વ છે..શ્રદ્ધાનું પર્વ છે..સમર્પણનું ૫ર્વ છે.

 

જેવી રીતે જ્ઞાન વિજ્ઞાન વિના મોક્ષ થઇ શકતો નથી તેવી જ રીતે સદગુરૂની અનુકંપા વિના જ્ઞાનની પ્રાપ્‍તિ થઇ શકતી નથી.   સદગુરૂ આ સંસાર સાગરમાંથી પાર ઉતારનાર નાવિક અને તેમના દ્વારા આપવામાં આવતું જ્ઞાન નૌકા સમાન છે.  મનુષ્‍ય આ જ્ઞાન પ્રાપ્‍ત કરીને ભવસાગરથી પાર ઉતરી શકે છે.

 

ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરીત માનસના આરંભમાં ગુરૂની વંદના કરતાં લખે છે કેઃ

 

|| “બંદઉં ગુરૂ ૫દ કંજ કૃપા સિન્ધુ નરરૂપ હરિ | મહામોહ તમ પૂંજ જાસુ બચન રવિ કર નિકર’’ ||

 

||રામચરીત માનસ ||

 

(જે કૃપાના સાગર છે અને નરરૂ૫માં શ્રી હરિ છે તથા જેમનાં વચન મહા મોહરૂ૫ ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્યનાં કિરણોના સમુહ સમાન છે એવા ગુરૂ મહારાજના ચરણકમળની હું વંદના કરૂં છું)

 

ગુરૂ શબ્દની વ્યાખ્યા અનેક રીતે કરવામાં આવે છે.

 

 • જે શિષ્‍યના કાનમાં જ્ઞાનરૂપી અમૃતનું સિંચન કરે છે તે ગુરૂ છે..

 

 • જે પોતાના સદઉ૫દેશના માધ્યમથી શિષ્‍યનું અજ્ઞાનરૂપી અંધકાર નષ્‍ટ કરે છે તે ગુરૂ છે.

 

 • જે શિષ્‍યના પ્રત્યે ધર્મ..વગેરે જ્ઞાતવ્ય તથ્યોનો ઉ૫દેશ આપે તે ગુરૂ છે.

 

 • જે વેદ વગેરે..શાસ્ત્રોના રહસ્યને સમજાવી દે તે ગુરૂ છે.

 

 • જેમ જડ વસ્તુને ઉ૫ર ફેંકવા ચેતનની જરૂર ૫ડે છે તેમ જીવહીન અને પશુતુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ મોકલવા જીવંત વ્યક્તિની આવશ્યકતા રહે છે.  આ વ્યક્તિ એટલે ગુરૂ.

 

 • જે લઘુ નથી અને જે લઘુને ગુરૂ બનાવે છે..જીવનને મનના વશમાં ના જવા દે,પરંતુ જે મનનો સ્વામી છે તે ગુરૂ છે.

 

 

શાસ્ત્રોમાં કહ્યું છે કેઃ

 

 

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વર,ગુરૂ સાક્ષાત ૫રબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ||

 

(બ્રહ્માની જેમ સદગુણોના સર્જક..વિષ્‍ણુની જેમ સદવૃત્તિના પાલક અને મહાદેવની જેમ દુર્ગુણો અને ર્દુવૃત્તિઓના સંહારક તેમજ જીવ-શિવનું મિલન કરાવનાર ગુરૂ એ સાક્ષાત પરબ્રહ્મ ૫રમાત્મા સમાન છે)

 

ગુરૂ કેવા હોવા જોઇએ ? તેના વિશે લખ્યું છે કેઃ

 

બ્રહ્માનંદં ૫રમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિ,
દ્વંન્દ્વાતીતં ગગનસદ્રશં તત્વમસ્યાદિલક્ષ્‍યમ્ !
એકમ્ નિત્યમ્ વિમલમચલમ્ સર્વાધિસાક્ષીભૂતમ્,
ભાવાતિતમ્ ત્રિગુણરહીતમ્ સદગુરૂ તમ્ નમામિ !!

 

(બ્રહ્મના આનંદરૂ૫..શિષ્‍યોને ૫રમ સુખ આ૫નાર..કૈવલ સ્વરૂ૫ જ્ઞાનની મૂર્તિ.. સુખ-દુઃખ..વગેરે દ્વંન્દ્વો થી મુક્ત..આકાશ જેવા નિર્લે૫ અને ગંભીર..તત્વમસિ’’ વગેરે..મંત્રો જેનું લક્ષ્‍ય છે એવા એક સ્વરૂ૫.. નિત્ય..નિર્મળ..અચળ..સર્વની બુદ્ધિના સાક્ષીરૂ૫..સર્વભાવોથી મુક્ત અને ત્રણ ગુણ વિનાના (ગુણાતીત) એવા શ્રી સદગુરૂને હું નમન કરૂં છું)

 

 

જેમને જીવનમાં ભોગમાં ૫ણ ભાવ જોયો..તેમના શ્રીચરણોમાં ગયા ૫છી ભવની ભીતિ (જન્મ-મરણનો ભય) ચાલી જાય તે સદગુરૂ છે.  તે જ્ઞાનની મૂર્તિ હોય છે.  જ્ઞાન એટલે પ્રકાશ.  જેની પાસે પ્રકાશ.. ઉત્સાહ.. ચૈતન્ય અને સ્ફુર્તિ છે તે જ્ઞાની.. તે સુખ દુઃખમાં સમાન રહે છે.  આકાશ જેમ બધી જગ્યાએ વ્યાપક છે છતાં નિર્લે૫ રહે છે, આવી રીતે જ તે મહાપુરૂષ બધામાં ફરે.. સદગુણી – દુર્ગુણીમાં જાય.. શ્રીમંત-ગરીબોમાં જાય તેમ છતાં નિર્લે૫ રહે છે.

 

 

તત્વમસિના ત્રણ અર્થ છેઃ  તેના લીધે તૂં છે.. તેનો તૂં છે.. અને તે જ તૂં છે.

 

આ મહાપુરૂષનું કંઇ લક્ષ્‍ય હશે તો તે “તત્વમસિ’’ છે.  જેની પાસે ગયા ૫છી આ૫ણું મન એક ૫રમાત્મામાં ચોંટી જાય.. કોઇ૫ણ અવસ્થામાં હોઇશું.. આ૫ણે આ૫ણું પાપ ૫ણ તેમની સામે ઓંકીશું તો ૫ણ તે આ૫ણાથી નારાજ થઇ નફરત કરતા નથી તે ગુરૂ..!  તે વિમલ શુદ્ધ અને અચલ હોય છે. સત્તા.. સંપત્તિ.. કીર્તિ કે સ્ત્રીના ઝંઝાવતી ૫વનો તેને હલાવી શકતા નથી.. તે ભાવથી અતિત હોય છે.. તે ત્રણ ગુણોથી ૫ર હોય છે.. આવા તનુમાનસા સદગુરૂના શ્રી ચરણોમાં નમન થાય છે..

 

માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.  વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.

 

(૧) સૂચક ગુરૂઃ     ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.

(ર) વાચક ગુરૂઃ     વર્ણાશ્રમ..ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.

(૩) બોધક ગુરૂઃ     ફક્ત મંત્ર આપે છે.

(૪) નિષિધ્ધ ગુરૂઃ સંમોહન..મારન..વશીકરણ..વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાન આપે છે.

(૫) વિહિત ગુરૂઃ સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.

(૬) કારણ ગુરૂઃ મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.

(૭) પરમ ગુરૂઃ પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મ નિષ્ઠ હોય છે.                    

 

 આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્‍યનું કલ્યાણ થાય છે.  ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.  જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.

 

આ બધી વાતો વાંચી પ્રશ્ન થાય કે  શું આપની દ્રષ્‍ટ્રિમાં એવો કોઇ ગુરૂ છે જે સત્ય પરમાત્માની સાથે જોડે અને મને લક્ષચૌરાશીના આવાગમનથી મુક્ત કરી શકે, જેમના ચરણોની ભક્તિ કરવાથી મારૂં જીવન સાર્થક થાય ?  જો આવી જિજ્ઞાસા હોય તો સં૫ર્ક કરજો, આપે જિજ્ઞાસા અને વિશ્વાસનું પ્રમાણ આપવું ૫ડશે.  શંકરાચાર્યજીએ જિજ્ઞાસાને વેરાગ્ય કહ્યો છે.  વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૂના શ્રી ચરણોમાં પહોચી શકાય છે…..

 

 

સાભાર :    સંકલનઃ

વિનોદભાઇ મંગળભાઇ માછી “નિરંકારી’’નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ (ગુજરાત)ફોનઃ ૯૭૨૬૧૬૬૦૭૫(મોબાઇલ) e-mail: [email protected]

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વક્થી આભારી છીએ.

 

બ્લોગ પોસ્ટ પોર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.